Ajvadana Autograph - 37 in Gujarati Motivational Stories by Dr. Nimit Oza books and stories PDF | અજવાળાંનો ઓટોગ્રાફ - 37

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

અજવાળાંનો ઓટોગ્રાફ - 37

અજવાળાંનો ઓટોગ્રાફ

(37)

હું પ્રેમમાં છું

આપણે કોઈનું ખૂન કર્યું હોય કે ચોરી કરી હોય, તો એ સમાચાર નક્કી બીજા દિવસના છાપામાં આવશે. કેટલાક કામ એવા હોય છે જે કરતાની સાથે જ ગામ આખાને એના વિશે જાણ થઈ જતી હોય છે. પણ આપણા પ્રેમમાં હોવાના સમાચાર છાપામાં નથી આવતા. એના બે કારણો છે. એક તો એ કે પ્રેમ કોઈ ગુનો કે ગેરકાયદેસર પ્રવૃત્તિ નથી. અને બીજું એ કે પ્રેમ કોઈ જાહેર માહિતી નથી, તે એક અંગત અનુભૂતિ છે.

ટૂંકમાં આપણે પ્રેમમાં પડ્યા હોવાની જાણ ક્યારેક સામેવાળી વ્યક્તિને પણ નથી હોતી, તો આપણી આસપાસ રહેલી બીજી કોઈ વ્યક્તિને તો કેવી રીતે હોય ? પ્રેમમાં પડવાની ઘટના ભલે અંગત હોય પણ એ સુંદર અનુભૂતિને જગજાહેર કરવાની આપણને ઉતાવળ પણ હોય છે અને ઉત્સાહ પણ.

પ્રેમ દરેકને સેલિબ્રીટી જેવી ફીલિંગ આપે છે. કોઈને જાણ ન થાય એવી તકેદારી સાથે શરૂ થયેલો પ્રેમ બહુ જલદી એવા તબક્કે પહોંચી જાય છે જ્યાં લાઉડસ્પીકર પર આપણા પ્રેમની જાહેરાત કરવાનું મન થાય. પ્રેમમાં પડવાની જેટલી મજા છે, એટલી જ મજા પ્રેમમાં પડ્યા છીએ એવું કહેવાની આવે છે. પ્રશ્ન એ છે કે આપણી આસપાસ એવી કેટલી વ્યક્તિઓ છે જેમને કોઈપણ ખચકાટ વિના આપણે કહી શકીએ કે હું કોઈના પ્રેમમાં છું.એવું કોણ છે જે જિંદગીના કોઈપણ તબક્કે આપણા પ્રેમને સમજી શકે ? કોઈ એક વ્યક્તિ એવી હોવી જોઈએ જેને અડધી રાતે ઉઠાડીને કહી શકાય કે હું કોઈના પ્રેમમાં છું.

મોનોટોનસ અને એક જ ઢબમાં ચાલતી બેસ્વાદ અને ફિક્કી જિંદગીને પ્રેમ મસાલેદાર અને હેપનીંગ બનાવે છે. સુસ્ત થઈ ગયેલા દિવસો જ્યારે આળસ મરડીને બેઠા થાય અને જવાબદારીઓના વજનથી દબાયેલી ઈચ્છાઓને પાંખો આવે, ત્યારે પોતાની જાત એટલી બધી ગમવા લાગે કે આપણને આપણો જ ઓટોગ્રાફ લેવાની ઈચ્છા થાય.

પ્રેમ અને પાણીમાં કોઈને કહ્યા વગર પડવું નહિ કારણકે બંનેમાં આપણને ઊંડાણનો ખ્યાલ નથી હોતો. સ્વીમીંગ પુલમાં ઊંડાઈ લખેલી હોવા છતાં ત્યાં લાઈફ-ગાર્ડ બેઠેલા હોય છે. કારણકે કેટલાકને ઊંડાણ સમજમાં નથી આવતું. સ્વીમીંગ પુલની જેમ જ પ્રેમના ઊંડાણની જાણ વગર કૂદી પડેલા લોકોને ડૂબતા બચાવવા માટે પણ કોઈ લાઈફ-ગાર્ડને ખબર હોવી જોઈએ કે તમે કૂદકો મારેલો છે.

પ્રેમના પ્રવાહમાં તરતા પહેલા આપણે લાઈફ જેકેટ નથી પહેરતા. જે દિવસે વહેણ બદલાશે કે તરવાનો થાક લાગશે ત્યારે ડૂબી જવાની પૂરી શક્યતા છે અને માટે કિનારા પર કોઈ જાણીતું બેઠેલું હોવું જોઈએ જે ખેંચીને આપણને બહાર લઈ આવે.

મમ્મી કે પપ્પા સાથે બેસીને જ્યારે આપણા પ્રેમ સંબંધોની ચર્ચા થઈ શકે, ત્યારે સમજવું કે પ્રેમની નિષ્ફળતા પછી આવતા ડીપ્રેશનનો હવે આપણી પાસે ઘરગથ્થુ ઉપાય છે.

પરીક્ષામાં નાપાસ થવાની શક્યતા હોવા છતાં આપણે પરીક્ષા તો આપીએ જ છીએ. તો પછી નિષ્ફળ જવાના ડરને કારણે પ્રેમમાં પડવાનું છોડી તો ન શકાય ને ? છાપામાં ન આવે તો શું થયું, મમ્મી પપ્પા કે મિત્રોને તો કહેતા જ રહેવું કે ‘હું પ્રેમમાં છું.’ બસ, લાઈફ-ગાર્ડને જાણ હોવી જોઈએ.

-ડૉ. નિમિત્ત ઓઝા