Chintanni Pale - Season - 3 - 42 in Gujarati Motivational Stories by Krishnkant Unadkat books and stories PDF | ચિંતનની પળે - સીઝન - 3 - 42

Featured Books
Categories
Share

ચિંતનની પળે - સીઝન - 3 - 42

ચિંતનની પળે

કૃષ્ણકાંત ઉનડકટ

  • 42 - પ્રેમ માટે કોઈ નિયમો ન બનાવો
  • મૈં અપની રાહ મેં દીવાર બનકે બૈઠા હૂં,

    અગર વો આયા તો, કિસ રાસ્તે સે આયેગા?

    -બશીર બદ્ર

    સંબંધો નિયમ મુજબ ચાલતા નથી. સંબંધો સાર્થક કરવાનું કોઇ ચોક્ક્સ સૂત્ર નથી. સંબંધોનું ગણિત જુદું છે. આમ કરીએ તો સંબંધો સાર્થક થઈ જાય એવું કોઇ છાતી ઠોકીને કહી ન શકે. સંબંધો માત્ર ને માત્ર સમજણથી જ ટકી શકે. સંબંધ ટકાવવા માટે માણસે બદલાતા રહેવું પડે છે, કારણ કે સંબંધ બદલાતો રહે છે. કોઈ વ્યક્તિ કાયમ એકસરખો ન રહી શકે. માણસની ઈચ્છાઓ બદલાતી રહે છે, અપેક્ષાઓ બદલાતી રહે છે, સ્ટેટસ બદલાતું રહે છે. બધું બદલાય છતાં સંબંધ ન બદલાય તો જ સંબંધ ટકે છે.

    આપણને ગમતી વ્યક્તિ દર વખતે આપણને ગમે એવું વર્તન જ કરે એ જરૂરી નથી. આપણને ગમતી વ્યક્તિ જે કંઈ વર્તન કરે એ ગમે એ જ ખરો સંબંધ છે. આપણો વાંધો એ જ હોય છે કે આપણે એવી જ ઈચ્છા રાખીએ છીએ કે આપણી વ્યક્તિ આપણને ગમે એવું જ વર્તન કરે. આપણે ન ગમે એવું થાય ત્યારે આપણે એને ગેરવાજબી સમજી લઈએ છીએ, તકરાર કે ઝઘડાની શરૂઆત ત્યાંથી જ થાય છે.

    એક પ્રેમી-પ્રેમિકા હતાં. બંને એક-બીજાને ખૂબ જ પ્રેમ કરે. એકબીજા માટે ગમે તે કરવા તૈયાર થઇ જાય. આખી દુનિયા સામે લડવાની બંનેની તૈયારી હતી. માણસ આખી દુનિયા સામે લડી શકે છે પણ પોતાની સાથે જ લડી નથી શક્તો. એક વખત પ્રેમીએ કહ્યું કે ચાલ આપણે ફિલ્મ જોવા જઈએ. પ્રેમિકાનો મૂડ ફિલ્મ જોવાનો ન હતો. તેની ઈચ્છા એવી હતી કે બગીચામાં બેસીને વાતો કરીએ. સાથે મળીને સપનાં જોઈએ. બંનેની ઇચ્છા એક-બીજાને ખુશ કરવાની જ હતી, પણ બંનેના વિચારો થોડાક જુદી રીતે ખુશ થવાના હતા.

    પ્રેમિકાએ ફિલ્મ જોવા જવાની ના પાડી અને કહ્યું કે ચાલ ગાર્ડનમાં જઈએ. પ્રેમીએ કહ્યું કે હું સવારથી તારી સાથે ફિલ્મ જોવા જવાના વિચારોમાં ખોવાયેલો છું. તું મારા માટે ગાર્ડનમાં જવાનું માંડી વાળી ન શકે? પ્રેમિકાએ કહ્યું, હું સવારથી તારી સાથે ગાર્ડનમાં બેસીને વાતો કરવાના વિચાર કરું છું. તું મારા માટે ફિલ્મ જતી ન કરી શકે? બંનેને એક તબક્કે એમ થયું કે તને મારી પડી જ નથી. તારે તેં ધાર્યું હોય એમ જ કરવું છે. મારા માટે કંઈ જ જતું કરવાની તારી તૈયારી નથી. બંને એક બીજા સાથે ખુશ રહેવાનું જ નક્કી કરીને આવ્યાં હતાં અને બંને ઝઘડી બેઠાં. પ્રેમ હોય કે દામ્પત્ય જીવન, મોટે ભાગે ઝઘડા, નારાજગી કે અબોલા આવી નાની – નાની ઘટનાઓથી જ શરૂ થતાં હોય છે.

    પોતાની વ્યક્તિને નારાજ કરવાનું કોઈને ગમતું નથી. પોતાની વ્યક્તિ ખુશ રહે એવું જ કરવું હોય છે, પોતે એ માટે વિચારો અને પ્લાનિંગ પણ કરે છે, એ વિચારોમાં જ્યારે પરિવર્તન કરવાની વાત આવે છે ત્યારે એ આપણાથી સહન નથી થતું. મારે તો તને મજામાં રાખવી હતી, એ પછી ફિલ્મ હોય કે ગાર્ડન, ચાલ તને ગમે એ કરીએ. બંને આવું વિચારે તો? પ્રેમમાં હોઈએ ત્યારે આપણે આવું ઘણું બધું કરતાં પણ હોઇએ છીએ. ધીમે ઘીમે તેમાં પરિવર્તન આવતાં જાય છે.

    એક પ્રેમી- પ્રેમિકાનો કિસ્સો જરાક જુદો છે. પ્રેમિકા તેના પ્રેમીને રાજી રાખવા બધું જ કરતી. પોતાના વિચારો અને ઈચ્છાઓ પણ ખંખેરી નાખતી. પ્રેમીને ગમે એવું કરવામાં જ તેને મજા આવતી હતી. પ્રેમીને જરાયે નારાજ ન થવા દે. એનો કોઈ બોલ ન ઉથાપે. ધીમે ધીમે એવું થઇ ગયું કે પ્રેમી એવું જ ઈચ્છવા લાગ્યો કે પ્રેમિકા એ જેમ કહે એમ જ કરે. એ જે કહે એ માની જ લે. ક્યારેય એવું ન પૂછે કે તારી કંઈ ઈચ્છા નથી? આપણે એવું કરતાં નથી અને આધિપત્ય જમાવી દઇએ છીએ. વિચારોનું આધિપત્ય સૌથી ખતરનાક છે. તમે કોઈના દિલ ઉપર પ્રેમ કરીને કબજો કરી શકો પણ તમે કોઈના દિમાગ પર કબજો ન કરી શકો. દિમાગ પર કબજો કરવા જઈએ તો દિલ પણ ગુમાવવું પડે છે.

    માણસ પોતાના માટે નિયમો બનાવી શકે. પોતાના નિર્ણયો લઈ શકે. તકલીફ ત્યારે થાય છે જ્યારે આપણે કોઈના માટે નિયમો બનાવી લઈએ છીએ. આપણે શું કરવું જોઇએ એ વિચારતા નથી અને કોઇએ આપણા માટે શું કરવું જોઈએ એ નક્કી કરી લઇએ છીએ. આપણા ખાતર કોઇ એક – બે વખત કે પાંચ – દસ વાર જતું કરી શકે પણ દરેક વખતે જતું કરી શક્તી નથી. તેની પણ ઇચ્છા હોય છે કે તેના માટે આપણે કઈ જતું કરીએ.

    પ્રેમ કે સંબંધ શરૂ થાય ત્યારે અપેક્ષા વગર શરૂ થતા હોય છે પણ પ્રેમ જેમ આગળ વધે તેમ અપેક્ષાઓ બંધાતી જાય છે અને અપેક્ષાઓ વધતી જાય છે. અપેક્ષાઓનો ભાર અને અપેક્ષા પૂરી કરવાની ચિંતા ક્યારેક એટલી બધી વધી જાય છે કે આપણે પ્રેમ કરવાનું જ ભૂલી જઇએ છીએ. હળવાશ ગાયબ થઇ જાય છે. ભાર વધતો જાય છે અને પછી એક બીજાને દોષ દેવાનું શરૂ થઇ જાય છે. તું આવો ન હતો કે તું આવી ન હતી. હવે તું બદલાઈ ગયો છે. હું તને મળી ગઇ કે તું મને મળી ગયો એટલે વાર્તા પૂરી થઈ ગઈ. પ્રેમમાં બધા પ્રયત્નો ભેગા થઇ જવા માટે જ થતાં હોય છે પણ ભેગા થઈ ગયા પછી પ્રેમ ગુમ થઇ જાય છે. પ્રેમ સાથે જીવવા માટે થવો જોઇએ. ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ લેવાનું શરૂ થાય ત્યારથી જ ગુમાવવાનું શરૂ થતું હોય છે.

    માત્ર પ્રેમમાં જ નહીં દરેક સંબંધમાં સત્ત્વ અને સાતત્ય જ્ળવાવું જોઈએ. એ પણ યાદ રાખવું જોઈએ કે માણસ સતત બદલાતો રહે છે અને આપણે પણ તેની સાથે થોડું બદલાતું રહેવું પડે છે. જો બદલાવાની તૈયારી ન હોય તો સંબંધ અટકી જાય છે. સંબંધ એ એવું તાળું છે જે સતત બદલતું રહે છે. તાળું બદલાય એમ ચાવી પણ બદલાતી રહેવી જોઈએ. એક જ ચાવીથી બધાં તાળાં ન ખૂલી શકે. આપણે એક જ ચાવી રાખીએ છીએ અને તેનાથી જ આપણે બઘાં તાળાં ખોલવાનો પ્રયત્ન કરીએ છીએ. તાળું ન ખૂલે ત્યારે આપણે આપણી ચાવીને નહીં પણ તાળાને દોષ દઈએ છીએ. હા, એવી માસ્ટર કી પણ હોય છે જે ઘણાં બઘાં તાળાંને લાગી શકે. આ માસ્ટર કી એ છે કે સતત પ્રેમ કરવો સતત પ્રેમ કરવો સહેલો નથી, કારણ કે આપણે સતત પ્રેમ કરવો જ નથી હોતો, પ્રેમ મેળવવો પણ હોય છે. પ્રેમ કરવાના ઇરાદા પાછળ પ્રેમ મેળવવાની દાનત તો હોવાની જ. જેમ આપણી દાનત હોય એમ આપણને પ્રેમ કરનારની પણ એવી જ દાનત હોય. બે વ્યક્તિના ઈરાદા ભેગા થાય ત્યારે જ પ્રેમનું સર્જન થાય છે. પ્રેમ કરવા સાથે પ્રેમ મેળવવાની અને પ્રેમ મેળવવા સાથે પ્રેમ કરવાની તૈયારી હોવી જોઈએ. પ્રેમનું ત્રાજ્વું તો જ ટકી શકે જો આ બંને છાબડાં એકસરખાં રહે. કોઈ વ્યક્તિ સતત પ્રેમ ન કરી શકે કે કોઈ વ્યકિત સતત પ્રેમ ન મેળવી શકે, આ બંને એક સાથે જ ચાલવા જોઈએ. એક વ્યક્તિ પૂરેપૂરો સમજુ હોય તે પૂરતું નથી, બે વ્યક્તિ અડધા – અડધા સમજુ હોય તો ઘણી વખત પ્રેમની તીવ્રતા વધુ ઉત્કૃષ્ય હોય છે.

    લાગણીઓ બહુ ઋજુ હોય છે. તેની સાથે જરાકેય ચેડાં થાય તો લાગણીઓ છંછેડાઈ જાય છે. ઋજુતાનો ઈલાજ ઋજુતાથી જ થઈ શકે. કઠોર બનીને તમે ઋજુતાને તમારી તરફેણમાં ન કરી શકો. બે વ્યક્તિ સાથે ચાલતી હોય ત્યારે બેમાંથી એકને ક્યારેક થાક લાગે છે.એવા વખતે બીજી વ્યક્તિએ તેની સાથે બેસી ન જાય અને એ ચાલવાની જ ઈચ્છા રાખે તો લાંબું ચાલી શકાતું નથી. તમે ચાલતાં જ રહો અને તમારી વ્યક્તિ પણ થાકી જવા છતાં તમારી સાથે ચાલતી જ રહેશે તો ધીરેધીરે એનું ચાલવાનું બંધ થઈ જશે, પછી એ ચાલતી નહીં હોય પણ ઢસડાતી હશે. એ ઢસડાતી વ્યક્તિ પડી જાય એ પહેલાં તેની સાથે બેસવું પડે. કોઈ હાથ એકઝાટકે છૂટતો નથી પણ ધીમે ધીમે સરકે છે. હાથ સરકવા લાગે ત્યારે જ સતર્ક થઈ જવાનું હોય છે અને હાથ પાછો જક્ડી લેવાયો હોય છે. છૂટી ગયલો હાથ ઘણી વખત એટલા દૂર થઇ જાય છે કે પછી તેના પડછાયા સાથે પણ આપણે હાથ મિલાવી નથી શક્તા. હાથ સાથે રહે તો જ ઉષ્મા જળવાતી હોય છે. તમારા હાથમાં જે હાથ છે એ સરકી તો નથી રહયો ને ?

    છેલ્લો સીન :

    આપણે જો એક –બીજાનાં જીવનને ઓછું મુશ્કેલ ન બનાવવું હોય

    તો પછી આપણે કોના માટે જીવીએ છીએ ?

    -જ્યોર્જ એલિયટ

    ***