‘સાયકો થ્રિલર્સ તરફ બોલિવુડનું આગેકદમ’
સાચું કહું તો જજમેન્ટલ હૈ ક્યાનું ટ્રેલર જોયું ત્યારે એવું લાગ્યું હતું કે ફિલ્મ હળવી થ્રિલર પ્રકારની હશે. હા કંગના રાણાવત અને રાજકુમાર રાવને, બંનેને પોતપોતાની કારકિર્દીની શરૂઆતની ફિલ્મ ‘ક્વીન’ બાદ ફરીથી સ્ક્રિન શેર કરતા જોવાની ઈચ્છા તો હતી જ. પરંતુ, ફિલ્મ તો તેના ટ્રેલર કરતા સાવ અલગ જ નીકળી!
જજમેન્ટલ હૈ ક્યા
કલાકારો: કંગના રણાવત, રાજકુમાર રાવ, અમાયરા દસ્તુર, અમ્રિતા પૂરી, હુસૈન દલાલ અને જીમી શેરગીલ
નિર્માતાઓ: બાલાજી મોશન પિક્ચર્સ, કર્મા મિડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ અને ઓલ્ટ એન્ટરટેઈનમેન્ટ
નિર્દેશક: પ્રકાશ કોવેલામુડી
રન ટાઈમ: ૧૨૦ મિનીટ્સ
બોબી નાનપણથી જ મેન્ટલ એટલેકે પાગલ છે કારણકે તે એક્યુટ સાયકોસીસ નામના રોગથી પીડાય છે. આ પાછળનું કારણ એવું છે કે તેણે નાનપણમાં પોતાના પિતાને પોતાની માતા પર શંકા કરીને વારંવાર મારતા જોયા છે. હોળીને દિવસે પિતા દ્વારા માતાની હત્યા થતી રોકવા બોબી વચ્ચે પડે છે પરંતુ ઉલટું તેના પ્રયાસથી તેના માતા પિતા જ અગાસી ઉપરથી નીચે પડીને મરણશરણ થઇ જાય છે. આ ઘટનાની ઊંડી છાપ બોબીના માનસપટ પર પડી જાય છે અને તેને દુનિયાનો દરેક પરિણીત પુરુષ પોતાની પત્નીને મારવા માટે જ જનમ્યો હોય એવું લાગવા લાગે છે.
ડોક્ટરોના કહેવા અનુસાર બોબીને વંદો એટલેકે કોક્રોચ દેખાય એટલે સમજવાનું કે તેનું ગાંડપણ વધી રહ્યું છે. મોટી થઈને બોબી ડબિંગ આર્ટીસ્ટ થાય છે અને તે સાઉથની ફિલ્મોનું ડબિંગ કરતી હોય છે. જ્યારે તે કોઈ ફિલ્મનું ડબિંગ કરતી હોય ત્યારે તે પાત્રમાં અત્યંત ઇન્વોલ્વ થઇ જાય છે અને એ પાત્રની જેમ જ કપડાં પહેરીને ફોટોગ્રાફ્સ ખેંચાવા એ તેનો શોખ છે. રોહન એ બોબીનો બોયફ્રેન્ડ છે જે એના તમામ નખરા ઉઠાવે છે, પરંતુ બોબીના ગાંડપણથી એ પણ થાકી જાય છે.
ત્યાં જ બોબીના કાકાના મિત્રના સગામાં એક કપલ કેશવ અને રીમા થોડો સમય તેના ઘરના બીજા હિસ્સામાં ભાડુઆત તરીકે રહેવા આવે છે. આદત અનુસાર કેશવ રીમાને મારી નાખશે એવો શક બોબીને પહેલા જ દિવસથી થવા લાગે છે. આ કેશવ પણ મોટી નોટ હોય છે એ રીમા સામે અલગ અને બોબી સામે અલગ વર્તન કરતો હોય છે એટલે બોબીની શંકા વધુ ગાઢ થાય છે. એવામાં એક રાત્રે રીમાનું રસોડામાં સળગીને મોત થાય છે.
પોલીસને શંકા બોબી અને કેશવ બંને પર થાય છે, પરંતુ કેશવ સામેનો કેસ નબળો હોય છે અને બોબીની માનસિક હાલત જોતાં તે કેટલું સાચું બોલતી હશે તેના પર પોલીસને બિલકુલ વિશ્વાસ પડતો નથી. છેવટે પોલીસ આ રીમાના મૃત્યુને અક્સ્માત ગણીને ફાઈલ બંધ કરી દે છે. પરંતુ બોબી અને કેશવની લાઈફ અહીં જ પૂરી નથી થતી, આ બંને ફરીથી મળે છે અને ફરીથી સર્જાય છે કેટલીક એવી ઘટનાઓ જે આ બંનેને એકબીજાથી ડરાવે છે!
રિવ્યુ
ફિલ્મના વિષયને બરોબર સન્માન આપવા તેની લંબાઈ માત્ર બે કલાકની (એટલે એક્ઝેટ બે કલાકની જ) રાખવામાં આવી છે જે આ ફિલ્મને વધુ રસપ્રદ બનાવે છે. સાયકો થ્રિલર હોવાને લીધે અમુક દ્રશ્યો કદાચ માત્ર મનોરંજનની દ્રષ્ટિએ ફિલ્મ જોવા ગયેલા લોકોને કદાચ સમજમાં ન આવે અથવાતો કન્ફયુઝ કરે એવું બની શકે છે. તો તેમના માટે સરળતા કરવી હોય તો એમ કહી શકાય કે ફિલ્મમાં અમુક દ્રશ્યો કંગના રણાવત એટલેકે બોબીના મનમાં આવતા અવાજોને કેરેક્ટર્સ બનાવીને રજૂ કરવામાં આવ્યા છે જે અસરકારક પણ છે.
સાયકો થ્રિલર્સને આપણે ત્યાં લોકપ્રિય વિષય માનવામાં આવતો નથી, સિવાયકે જો તે હોલિવુડ ફિલ્મ હોય તો. આ પાછળનું કારણ કદાચ એવું હોઈ શકે કે બોલિવુડ નિર્દેશકો સાયકો થ્રિલર્સને અત્યારસુધી સરખો ન્યાય નથી આપી શક્યા. એક્કા દુક્કા એવી સાયકો થ્રિલર ફિલ્મો આવી છે જે બોક્સ ઓફિસ પર પણ ચાલી હોય ઉદાહરણ તરીકે શાહરૂખ ખાનની કારકિર્દીની શરૂઆતની ફિલ્મો.
અહીં જજમેન્ટલ હૈ ક્યાને બિલકુલ યોગ્ય રીતે અને અલગ પ્રકારે ટ્રીટમેન્ટ આપીને તેલુગુ નિર્દેશક પ્રકાશ કોવેલુમુડીએ તેને જોવાલાયક બનાવી છે. મધ્યાંતર બાદ ફિલ્મ રામાયણના થીમ પર ટ્રાન્સફર થાય છે અને તેના પર આધારિત જ ફિલ્મની વાત આગળ ચાલે છે જે ખરેખર રસ પમાડે તેવી અનોખી ટ્રીટમેન્ટ છે. બસ દર્શક આ થીમને પકડી લે તો ફિલ્મનો અંત અને તેનો મતલબ તેને જરૂર સમજાઈ જશે!
રાજકુમાર રાવ છેલ્લા અમુક વર્ષોથી બોલિવુડમાં રડ્યા ખડ્યા ટેલેન્ટેડ પુરુષ એક્ટર્સમાંથી એક છે, આથી તેની ફિલ્મોમાં તે કોઈ અલગ જ પ્રકારનું પાત્ર ભજવશે અને તેની પૂરી યોગ્યતા સાથે ભજવશે તેવી આશા લઈને દર્શક થિયેટરમાં જતો હોય છે. કેશવ તરીકે રાજકુમાર રાવે તેની ઈમેજને અનુરૂપ અદાકારી દાખવી છે અને તેમ છતાં તે અલગ તારી આવે છે.
સાથી કલાકારોમાં હળવી ભૂમિકામાં હુસૈન દલાલ એકદમ તણાવવાળા વાતાવરણમાં શાંતિ આપી જાય છે. નાનકડી ભૂમિકામાં સતત આલુ ભુજીયા ચાવતા ઇન્સ્પેક્ટર તરીકે સતીશ કૌશિક તેમના કેટલાક સંવાદો દ્વારા મજા કરાવે છે. તો એક સાવ નાની ભૂમિકામાં જીમી શેરગીલ પોતાની ચાર્મિંગ હાજરી પુરાવી જાય છે.
ફિલ્મ ભલે રાજકુમાર રાવ અને કંગના રણાવત એમ બંનેની આસપાસ ફરતી હોય પરંતુ કંગના રાણાવત ફિલ્મનો જીવ છે. કંગનાની છાપ જેવી મિડીયાએ બનાવી છે અથવાતો આજકાલ તેની આસપાસ જે વિવાદો ચાલી રહ્યા છે તેને કારણે તેની જે છાપ બની છે તેને જાણેકે તે બોબી તરીકે જીવતી હોય એવી અદભુત ભૂમિકા કંગના રણાવતે જજમેન્ટલ હૈ ક્યામાં દેખાડી છે. માનસિક રીતે અસ્તવ્યસ્ત છોકરી તરીકેની છબી ઉપજાવવામાં કંગના જેવી ‘પાર એક્સેલન્સ’ અદાકારાને અહીં બિલકુલ તકલીફ નથી પડી. સમગ્ર ફિલ્મમાં કંગનાનું પાત્ર નેગેટીવ શેડ્સ જ દેખાડે છે અને તેમ છતાં તમને એ અણગમતી લાગતી નથી. તો તેના કેટલાક સંવાદો ફન્ની પણ છે.
છેવટે એમ કહી શકાય કે કંગના રણાવત અને રાજકુમાર રાવની જોડી એકબીજાની પૂરક છે અને આ બંને જ આ ફિલ્મનો સઘળો ભાર શેર કરી લે છે. જેમ અગાઉ કહ્યું તેમ માત્ર મનોરંજનની દ્રષ્ટિએ ફિલ્મ જોવા જવા કરતા બોલિવુડે કશું નવું પીરસ્યું છે એવી લાગણી સાથે જો જજમેન્ટલ હૈ ક્યા જોવા જશો તો તમને તે જરૂર ગમશે.
૨૬.૦૭.૨૦૧૯, શુક્રવાર
અમદાવાદ