મોત ની સફર
દિશા આર. પટેલ
પ્રકરણ - 13
પેરિસનાં કેટાકોમ્બમાં ફિલોસોફર સ્ટોન શોધવાની લ્યુસી અને પોતાની સફર હેમખેમ પુરી થઈ હોવાનું માઈકલ જણાવે છે. પોતાની જોડે ફિલોસોફર સ્ટોન અત્યારે જોડે ના હોવાનું દુઃખ માઈકલ દ્વારા એને ડેવિલ બાઈબલ આપતાં દૂર થઈ ગયું.. લંડન પાછાં આવ્યાં બાદ લ્યુસીએ પોતાની રીતે માહિતી મેળવી કે એ રહસ્યમય પુસ્તક નાં અમુક પન્ના ગાયબ છે અને એ પન્ના વિશ્વની બે અલગ-અલગ જગ્યાઓએ રાખેલાં છે.. પોતે આ પન્ના શોધ્યા બાદ જ એ ડેવિલ બાઈબલ ને મ્યુઝિયમ ને હવાલે કરશે એવું મન લ્યુસી બનાવી ચુકી હોય છે.
થાકનાં લીધે વધુ પડતો નશો કર્યાં બાદ જ્યારે માઈકલની આંખ ખુલે છે ત્યારે એની સમક્ષ એક નવું જ વિસ્મય મોજુદ હોય છે.. જે વિશે માઈકલ આગળ વાત કરે છે.
"સવારે હું જ્યારે જાગ્યો.. ત્યારે મને માથું હજુ ભારે-ભારે લાગી રહ્યું હતું.. હું મોં ધોઈ હોલમાં આવ્યો અને લ્યુસીને અવાજ આપવાં લાગ્યો.. પણ લ્યુસી, કાર્તિક કે યાના ઘરમાં હોય તો જવાબ આપે ને. એ લોકો સવારે હું સૂતો હતો ત્યારે કેમ્બ્રિજ જવાં રવાના થઈ ગયાં છે એની ખબર મને ડાઈનીંગ ટેબલ પર પડેલી ડેવિલ બાઈબલ અને એક લેટરને જોઈને પડી. મેં એ લેટર હાથમાં લીધો અને એની અંદર શું લખ્યું હતું એ વાંચવાનું શરૂ કર્યું.. એ લખાણ લ્યુસીનું હતું એ તો હું જોતાં જ સમજી ગયો હતો. લ્યુસી એ લેટરમાં લખતી હતી કે..
"માઈકલ, આ અધૂરી ડેવિલ બાઈબલ હું તારી જોડે છોડીને જાઉં છું.. તારાં સુઈ ગયાં બાદ મેં એ બંને જગ્યાઓ કઈ કઈ છે એની માહિતી મેળવી લીધી છે. અને હું અહીંથી કેમ્બ્રિજ પહોંચ્યાંનાં બે દિવસ બાદ પ્રથમ જગ્યાએ જવાં નીકળી જઈશ. હું હવે આ પુસ્તકનાં ગાયબ પન્ના શોધીને જ આવીશ.. ત્યાં સુધી તું આ રહસ્યમય પુસ્તકનું જતન કરજે.. - લી. લ્યુસી"
"હવે એ વાત સ્પષ્ટ હતી કે લ્યુસી કોઈનાં સમજવાથી રોકવાની હતી જ નહીં.. એટલે એને સમજાવવાનો કોઈ અર્થ નહોતો. ત્રણ દિવસ પછી લ્યુસીનો ઈન્ડિયાથી કોલ આવ્યો કે ડેવિલ બાઈબલનાં અધૂરાં પન્ના શોધવાનાં પ્રથમ સ્થળે પહોંચવાની પોતાની સફર માટે એ ત્યાં ગઈ છે.. એની જોડે કાર્તિક અને યાના પણ દરેક વખતની માફક હતાં એવું લ્યુસીએ જણાવ્યું.. પોતે જલ્દી પાછી આવશે એવું છેલ્લી વખત વાત થઈ ત્યારે લ્યુસીએ કહ્યું હતું.. પણ મારી લ્યુસી.. "
"મારે એ મનહુસ કિતાબ પાતાળમાંથી બહાર લાવવાની જ નહોતી.. મારી એ ભૂલનાં લીધે લ્યુસી ને જીવ ખોવો પડ્યો. "
આટલું કહેતાં તો માઈકલ ઢીલો પડી ગયો અને રડતો રડતો ડૂસકાં લેવાં લાગ્યો.. સાહિલે મહામહેનતે એને છાનો રાખ્યો.. થોડો સમય વાતાવરણ હળવું કરવાનાં ઉદ્દેશથી વિરાજે જમવાનું ઓર્ડર કરી દીધું. જેથી માઈકલ નું મન પોતાની ઉપર વીતેલી એ દર્દનાક વિપદામાંથી થોડેઘણે અંશે બહાર આવવામાં સફળ રહે.
વિરાજે જાણીજોઈને ઇન્ડિયન ફૂડ ઓર્ડર કર્યું હતું જેથી માઈકલ ને ભારતીય વાનગીનો સ્વાદ જીભે ચડે.. અને બન્યું પણ એવું જ.. સરસ મજાનું ભારતીય જમવાનું આરોગ્યા બાદ માઈકલ નું મન થોડું શાંત જરૂર થયું હતું. વાત આગળ વધારતાં સાહિલે માઈકલ ને કહ્યું.
"દોસ્ત, અમારી સહાનુભૂતિ તારી જોડે છે.. લ્યુસી ની સાથે એનાં બંને દોસ્તો યાના અને કાર્તિક પણ ખરેખર બહાદુર જ હતાં.. અને બહાદુર લોકોની મોત પર માતમ ના હોય. તારાં કહ્યાં મુજબ ડેવિલ બાઈબલ તારી જોડે છે.. ? "
"હા.. એ મનહુસ કિતાબ મારી જોડે જ.. મારાં ઘરમાં મોજુદ છે.. હું ઈચ્છવા છતાંય એ પુસ્તક ને મ્યુઝિયમમાં એટલે ના આપી શક્યો કેમકે લ્યુસી પાછી આવશે એવી મને આશા હતી.. "માઈકલ નાં અવાજમાં ના ઈચ્છવા છતાં નરમાશ આવી ગઈ હતી.
"જો માઈકલ, હવે તારી જોડે જો એ ડેવિલ બાઈબલ હોય તો અમે તને કંઈક આપવાં ઈચ્છીએ છીએ.. "આટલું કહી સાહિલે પોતાની જોડે મોજુદ બેગમાંથી લ્યુસીનાં મૃતદેહ જોડેથી મળેલાં ડેવિલ બાઈબલનાં દસ પન્ના કાઢીને માઈકલને સોંપ્યા.
સાહિલ દ્વારા પોતાનાં હાથમાં રાખેલાં ડેવિલ બાઈબલનાં પન્ના એક પછી એક બારીકાઈથી આંખો પહોળી કરીને જોતાં માઈકલનાં ચહેરા પર રોનક છવાઈ ગઈ.. એને ખુશ થઈને સાહિલ ને ગળે લગાવી કહ્યું.
"મતલબ.. લ્યુસી ભલે જીવિત નથી આવી શકી ઈન્ડિયાથી પણ એ પોતાનાં મિશન ને સફળ તો બનાવી જ ચુકી હતી.. તમે બધાં એ જે તકલીફ લઈને આ પન્ના મારાં સુધી પહોંચાડ્યા છે એ બદલ સદાય હું તમારો સર્વનો ઋણી રહીશ.. "
"અરે ભાઈ.. એમાં અમે કોઈ મોટો ઉપકાર નથી કર્યો.. ઉલટાનું અમે આ ડેવિલ બાઈબલ નાં પન્ના કે જે એક જાંબાઝ પુરાતત્વવિદ એવી લ્યુસી ની એવી શોધ હતી જેનાં લીધે એને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો એને યોગ્ય જગ્યાએ પહોંચાડી આનંદ અનુભવીએ છીએ.. "સાહિલ બોલ્યો.
"ભાઈ.. હું આ પન્ના મારી જોડે લઈ જાઉં છું.. "વિનવણી કરતો હોય એમ માઈકલ બોલ્યો.
"અરે ચોક્કસ.. એમાં કહેવાનું થોડું હોય.. "વિરાજે માઈકલ ને ઉદ્દેશીને કહ્યું.
"આ રહ્યું મારુ કાર્ડ.. સમય મળે તો મારી વાઈન શોપ ની મુલકાત લેજો.. "પોતાનું વિઝીટિંગ કાર્ડ સાહિલને પકડાવતાં માઈકલ બોલ્યો અને પછી એ લોકોની રજા લઈ.. ડેવિલ બાઈબલનાં લ્યુસી દ્વારા શોધવામાં આવેલાં પન્ના પોતાની સાથે લઈને ત્યાંથી ચાલી નીકળ્યો.
માઈકલ નાં ત્યાંથી જતાં જ વિરાજ અને એનાં મિત્રો લ્યુસી ની હિંમત અને પેરિસ નાં કેટાકોમ્બ તથા ડેવિલ બાઈબલ અંગેની ચર્ચા કરવામાં લાગી ગયાં.. લ્યુસી જોડેલાં મળેલાં બે મૃતદેહો યાના અને કાર્તિક નાં હતાં એ વાત એ લોકોને ખબર પડી ગઈ હતી.. અને લ્યુસી ડેવિલ બાઇબલની શક્તિઓનો ઉપયોગ કરીને જ ગ્રેટ નિકોબાર ટાપુ પર જઇ પહોંચી હતી એ વાત પણ દિવા જેમ સ્પષ્ટ હતી.
વિરાજ અને એનાં મિત્રોની ચર્ચા ચાલુ હતી આ દરમિયાન પેલો રહસ્યમયી વ્યક્તિ જેને વિરાજે પહેલાં પણ આ રેસ્ટોરેન્ટ માં જોયો હતો એ એકધારું એમની તરફ જોઈ રહ્યો હતો.. પણ આ વખતે એ વ્યક્તિએ એટલી તકેદારી રાખી હતી કે એને કોઈ જોઈ ના જાય.
***
માઈકલ સાથે મુલાકાત કર્યાં બાદ વિરાજ, સાહિલ, ડેની અને ગુરુ ને પોતે જે કામ કરવાં આવ્યાં હતાં એ પૂરું કર્યાની ખુશી મહેસુસ થઈ રહી હતી.. બપોરે થોડો આરામ કર્યાં બાદ એ લોકો નીકળી પડ્યાં શેરલોક હોમ્સ મ્યુઝિયમ જોવાં માટે.. શેરલોક હોમ્સ એ સર આર્થર કોનન ડાયલ દ્વારા રચવામાં આવેલું એક એવું ઐતિહાસિક પાત્ર છે જે હકીકતમાં અસ્તિત્વ નથી ધરાવતું.. છતાં વિશ્વભરમાં જાસૂસી અને સસ્પેન્સ નવલકથાઓ વાંચનારો બહુ મોટો વાંચક વર્ગ આજે પણ શેરલોક હોમ્સનાં દિવાનો છે.
પ્રથમ વખત ઈ. સ 1887 માં શેરલોક હોમ્સ ની જાસૂસી વાર્તાઓ પ્રકાશનમાં આવી.. ત્યારથી લઈને અત્યાર સુધી સેંકડો વાર્તાઓ, 200 થી વધુ ફિલ્મો, ઘણાં નાટકો, સિરિયલો બધું જ શેરલોક હોમ્સ ઉપર બની ગયું છે.. યુરોપ નાં લોકો માટે તો શેરલોક હોમ્સ એ જીવતું જાગતું જ પાત્ર હતું.. એજ કારણોસર બ્રિટન સરકાર દ્વારા ઈ. સ 1990 માં બેકર સ્ટ્રીટ લંડન ખાતે શેરલોક હોમ્સ નાં કાલ્પનિક પાત્ર સાથે જોડાયેલી નાની નાની વસ્તુઓનું સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે.. જેની વર્ષે દહાડે લાખો શેરલોક હોમ્સનાં ચાહકો મુલાકાત લેવાં આવે છે.
શેરલોક હોમ્સ નું આ અતિ પ્રસિદ્ધ મ્યુઝિયમ જોયાં બાદ ચારેય મિત્રો થોડો સમય લંડન બ્રિજ ની મુલાકાતે જઈ પહોંચ્યાં.. અહીં તો એ લોકોએ ઘણો સમય સુધી એકબીજાનાં ફોટો લેવામાં જ સમય પસાર કર્યો.. સાંજે બહાર જ એક ગુજરાતી રેસ્ટોરેન્ટમાં જમીને એ લોકો મોડી રાતે હોટલ લેન્ડમાર્કમાં પાછાં આવ્યાં અને પોતાનાં રૂમમાં પહોંચ્યાં.
વિરાજે જેવો પોતાનાં રૂમમાં પગ મૂક્યો એ સાથે જ એનાં નાકમાં વિચિત્ર પ્રકારની ગંધ આવી.. આ કોઈ કેફી પદાર્થ નાં ધૂમડાની ગંધ હોવાનું વિરાજે અનુમાન લગાવ્યું.. વિરાજે પોતાનો રૂમ અને બધી વસ્તુઓ વ્યવસ્થિત ચેક કરી જોઈ પણ એને બધું યોગ્ય લાગ્યું એટલે એને એવું વિચાર્યું કે રૂમ સર્વિસ નો માણસ બેડશીટ બદલવા આવ્યો હશે એને રૂમમાં સિગરેટ પીધી હશે.
આવતાં દિવસે એ લોકો લંડન દર્શન માટે ગાઈડની સાથે જવાનાં છે એવું નક્કી કરી ઘસઘસાટ સુઈ ગયાં.. સવારે ચા-નાસ્તો કરી એ લોકો લંડન દર્શન માટે જવાનું આયોજન કરી રહ્યાં જ હતાં ત્યાં સાહિલનાં ફોનની રિંગ વાગી.. સાહિલે જોયું તો એને કોલ કરનાર માઈકલ હતો.. સાહિલ દ્વારા કોલ રિસીવ કરતાં જ માઈકલે પૂછ્યું.
"કેમ છો મિત્રો.. ? "
"બસ મજામાં.. પણ અત્યારે અચાનક કોલ કરવાનું કારણ.. ? "સાહિલે સામો સવાલ પૂછતાં કહ્યું.
"તમે લોકો ફ્રી હોય તો અરજન્ટ મારી વાઈન શોપ નું જે એડ્રેસ છે ત્યાં આવીને મળી શકો.. ? "માઈકલે કહ્યું.
માઈકલ ની વાત સાંભળી સાહિલ ને થોડી નવાઈ લાગતાં એને પૂછ્યું.
"કોઈ ખાસ કારણ.. શક્ય હોય તો તું ફોન ઉપર જણાવી દે તો સારું.. "
"ફોન ઉપર જણાવી શકાય એવું નથી.. જો એવું હોય તો પછી મળીએ. પણ મળવું જરૂરી છે.. "માઈકલે કહ્યું.
માઈકલ નાં અવાજમાં રહેલી વ્યાકુળતા મહેસુસ થતાં સાહિલ થોડું વિચારીને બોલ્યો.
"માઈકલ.. હું બે મિનિટ મારાં બાકીનાં મિત્રોને પૂછી લઉં.. કેમકે અમારે લંડન દર્શનનો પ્લાન હતો.. "
"Ok.. sure.. "માઈકલે કહ્યું.
સાહિલે ફોનનાં સ્પીકર પર હાથ મૂકી પોતાનાં દોસ્તારોને જણાવ્યું કે માઈકલ અત્યારે જ કોઈ જરૂરી કામ માટે એમને મળવાં માંગે છે.. જો એ લોકો ઈચ્છે તો પહેલાં માઈકલને મળી લઈએ પછી લંડન દર્શન કરવાં જઈશું.. થોડું વિચાર્યા બાદ બાકીનાં મિત્રો એ પણ માઈકલ ને મળવા એ લોકો તૈયાર છે એવું સાહિલને કહી દીધું.
પોતાનાં મિત્રોની રજા મળતાં સાહિલે ફોનને પુનઃ કાને ધરતાં માઈકલને સંબોધીને કહ્યું.
"અમે લોકો એક કલાકમાં તારી વાઈનશોપ પહોંચી જઈશું.. "સાહિલે આટલું કહી કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.
થોડી વારમાં ફ્રેશ થઈ એ લોકો કારમાં બેસી માઈકલ નાં વાઈન શોપનાં એડ્રેસ તરફ જવાં નીકળી પડ્યાં.. કોઈ હાલ તો કંઈપણ બોલી નહોતું રહ્યું પણ બધાંનાં મનમાં એક જ પ્રશ્ન ઉદભવી રહ્યો હતો.
"આખરે માઈકલ ને એ લોકોને આમ અચાનક મળવાં માટે તાત્કાલિક કેમ બોલાવવા પડ્યાં.. ? "
★★★
વધુ નવાં ભાગમાં.
માઈકલે એ લોકોને મળવા માટે કેમ બોલાવ્યાં હતાં... ? ડેવિલ બાઈબલ નાં બાકીનાં પન્ના ક્યાં સ્થળે હતાં.. ? વિરાજે હોટલમાં જોયેલો રહસ્યમયી માણસ આખરે કોણ હતો.. ? એ ચારેય મિત્રો આગળ જતાં કેવી મુસીબતમાં ફસવા જઈ રહ્યાં હતાં.. ? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ થ્રિલ અને સસ્પેન્સથી ભરેલી નોવેલ મોતની સફરનો નવો ભાગ.. આ નોવેલ સોમ, બુધ અને શુક્ર આવશે.
આ નોવેલ જેમ આગળ વધશે એમ ઘણાં એવાં રહસ્યો તમારી સમક્ષ આવશે જે વિશે મોટાંભાગનાં વાંચકો અજાણ હશો.. તો દરેક ભાગને રસપૂર્વક વાંચો એવી નમ્ર વિનંતી.
માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન, આક્રંદ, હવસ, એક હતી પાગલ, મર્ડર@રિવરફ્રન્ટ, પ્રેમ-અગન અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.
આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ
દિલ કબૂતર,
રૂહ સાથે ઈશ્ક
ડણક
અનામિકા
The haunted picture
સેલ્ફી: the last ફોટો... પણ વાંચી શકો છો.
-દિશા. આર. પટેલ
***