JIvansathi in Gujarati Love Stories by komal rathod books and stories PDF | જીવનસાથી

Featured Books
Categories
Share

જીવનસાથી

ઓરડા માં ભેગા થયેલા બંને પરિવાર ના સભ્યો વિશાલ નો જવાબ સાંભળવા આતુર હતા...આટઆટલી ચર્ચા વિચારણા બાદ વિશાલ નો નિર્ણય જાણવાની સૌને તલાવેલી હતી..સૌના જીવ અધ્ધર હતા...ગંભીર ચહેરે સૌ કોઈ વિશાલ તરફ તાકી રહ્યા હતા...એમાંની અમુક નજરો માં આજીજી..ને અમુક નજરો માં હુકમ હતો.ત્યાં જ એક ધડામ કરતો અવાજ આવ્યો અને વિશાલ એ દિશા માં દોડી ગયો....

* * * *

વિશાલ અને જુહી આજથી એક વર્ષ પહેલાં લગ્નગ્રંથીથી જોડાયા હતા...ઉઘડતો વાન.....સંપ્રમાણ બાંધો...આધુનિક છોકરાને શોભે એવી હર સ્ટાઇલ...અને મદહોશ કરી મૂકે એવો અવાજ ધરાવતા વિશાલ ને જુહી એ પહેલી નજરે જ પસંદ કરી લીધો હતો....નાજુક નમણી જુહી પણ વિશાલ ના હૈયા માં વસી ગઈ..બંને પરિવારો ને પણ બધું અનુકૂળ આવતા વિશાલ અને જુહી ના લગ્ન નક્કી થઈ ગયા...વિશાલ પહેલેથી જ ખૂબ જ લાગણીશીલ...ઘરના દરેક સભ્ય ની એ ખૂબ જ કાળજી રાખતો...અને એનો આ સ્વભાવ જુહી થી પણ છૂપો નહોતો..સગાઈ થયા બાદ રોજ ફોન પર થતી લાંબી લાંબી વાતો જુહી ને વિશાલ તરફ વધારે આકર્ષિત કરતી હતી..વિશાલ ની વાતો માં જુહી એટલી ઊંડી ઉતરી જતી કે જાણે પોતે વિશાલમય બની જતી..વિશાલ પણ જુહી નું એટલું જ ધ્યાન રાખતો..એની પસંદ નાપસંદ નું લિસ્ટ જાણે વિશાલે ગોખી લીધું હોય એમ જ્યારે જ્યારે જુહી અને વિશાલ મળતા ત્યારે વિશાલ પોતાના આગવા સ્વભાવ નો પરિચય આપતો હોય એમ જુહી ને અવાર નવાર સરપ્રાઈઝ આપતો...સગાઈ થી લગ્ન સુધી ના સમયગાળા માં જુહી અને વિશાલ એકબીજા ના ગળાડૂબ પ્રેમ માં પડી ગયા હતા...બંને એકબીજા ને અનહદ ચાહવા લાગ્યા હતા...2 અજાણ્યા કહી શકાય એવા લોકો હવે એકબીજા નો જીવ બની ગયા હતા....કહેવાય કે સગાઈ થી લગ્ન સુધી નો સમય સુવર્ણકાળ હોય..અને જુહી અને વિશાલ એ આ કહેવત ખરી પણ ઠેરવી હતી..સગાઈ થયા ના 11 મહિના બાદ જુહી અને વિશાલ ના વાજતે ગાજતે લગ્ન થયા.. આજની ફેશન્ સેન્સથી પોતાની જાત ને અપગ્રેડ રાખતો વિશાલ પોતાના લગ્ન ના પહેરવેશ માં જાણે રાજકુંવર ની જેમ શોભી રહ્યો હતો...અને સામે જુહી માટે પણ એને રાજકુમારી ને શોભે એવા જ ચણીયા ચોળી કરાવ્યા હતા..લગ્ન ના એક એક મંત્ર ને જાણે ઘોળી ને પી જવાનો હોય એમ વિશાલ પંડિત દ્વારા બોલાયેલા બધા જ શબ્દો ખૂબ જ ધ્યાન થી સાંભળી રહ્યો હતો...આખરે લગ્ન ની વિધિ પૂર્ણ થઈ અને જુહી ની વિદાયવેળા આવી ત્યાં તો જુહી ના અનરાધાર વરસતા અશ્રુ જોઈ ઘડીભર વિશાલ પણ ચિંતિત થઈ ગયો...જુહી ને છાની રાખવા એના ખભા પર મુકાયેલો વિશાલ નો હાથ જુહી અને જુહી ના પરિવાર માટે જાણે સાક્ષી સમો હતો કે જુહી ને એક સલામત હાથ માં સોંપાઈ...વર વધુ પોતાના ઘરે આવ્યા જરૂરી વિધિ આટોપી બન્ને પોતાના ફૂલો થી સજાવેલા ઓરડા માં આવ્યા....વિશાલ જુહી ના શરીર નો ભૂખ્યો ન હતો....એ જુહી ને ભોગવવા નહિ એને પામવા ઈચ્છતો હતો..એટલે જુહી ના ચહેરા પર છવાયેલા થાક ને પારખી એને જુહી ને આરામ કરવા કહ્યું..આ જોઈ જુહી ને મનોમન પોતાની પસંદ પર ગર્વ અનુભવાયો..બીજા જ દિવસેએ આ નવપરિણિત દંપતી નીકળી પડ્યા પોતાના હનીમૂન માટે...જુહી એ ક્યારેક ગોઆ જવાની ઈચ્છા રજૂ કરી હતી બસ એ ઈચ્છા ને પુરી કરવા જ વિશાલે ગોઆ ની એર ટીકીટ બુક કરાવી લીધી હતી..બંને ગોઆ ના એક રિસોર્ટ ની રૂમ માં પહોંચ્યા..ફ્રેશ થયા બાદ બન્ને બેડ પર પછડાયા...હંમેશા એકબીજાના થઈ જવા આતુર જુહી અને વિશાલ એકબીજા માં ઑતપ્રોત થઈ ગયા...એકબીજા ના બાહુપાશ માં એવા જકડાઈ ગયા જાણે એકબીજા ના મન અડી ગયા..આખી રાત એકબીજા માં ખોવાય બાદ વિશાલ રોજ ની આદત મુજબ વહેલો ઉઠી ગયો..થોડીવાર માં જુહી ની પણ આંખ ખુલી..શરમથી લાલ જુહી ને કપાળ પર એક ચુંબન કરી હળવું આલિંગન આપી વિશાલે દિવસની શરૂઆત કરી..બન્ને તૈયાર થઈ ગોઆ દર્શન કરવા નીકળી પડ્યા...3 દિવસ આમ ને આમ વીતી ગયા..4થા દિવસે સવારે રૂમ માં ઉભેલી જુહી ધડામ કરતા નીચે પટકાઈ..નહાવા ગયેલા વિશાલે અવાજ સાંભળ્યો કે એ હાંફળોફાંફાળો બહાર આવી ગયો..બહાર આવી ને જોયું તો જુહી જમીન પર પડી હતી...એનું આખું શરીર ઝટકા સાથે ખેંચાઈ રહ્યું હતું..જુહી નું આખું શરીર ધ્રુજી રહ્યું હતું...વિશાલે ફટાફટ હોટેલ ના રીસેપ્શન પર ફોન કરી ડોકટર ને બોલાવ્યા...ફોન મૂકી વિશાલ જુહી તરફ ફર્યો ત્યાં તો જુહી બેભાન થઈ ચૂકી હતી.. વિશાલ ખૂબ જ ગભરાઈ ગયો હતો..એને ઝડપથી પોતાના હાથ વડે જુહી ની હથેળી ઘસવા માંડી...જુહી ને ઢંઢોળી ને ભાન માં લાવવાનો પ્રયત્ન કરતો વિશાલ રડમસ થઈ ગયો હતો...થોડી જ વાર માં ડોકટર આવી પહોંચ્યા...જુહી ને એક ઈન્જેકશન આપ્યુ ને થોડી જ વાર માં જુહી ભાન માં આવી..જુહી ને ભાન માં આવેલી જોઈ વિશાલ ના જીવ માં જીવ આવ્યો...જુહી શેના કારણે આમ બેભાન થઈ હતી એનું નિદાન તો ડોકટર પાસેથી ન મળ્યું પણ જુહી પહેલા જેવી સ્વસ્થ દેખાતી હતી એટલે વિશાલે કદાચ લગ્ન નો થાક હશે એમ સમજી એ ઘટના ને ભુલાવી દીધી 10 દિવસ ના પોતાના હનીમૂન ને મનભરી ને માણ્યા બાદ બંને ઘરે પરત ફર્યા..બંને નું લગ્ન જીવન આનંદમય વ્યતીત થઈ રહ્યું હતું...જુહી ના મળતાવડા સ્વભાવ ના કારણે એને સાસુ સસરા નું પણ દિલ જીતી લીધું હતું...

સમય ઝડપથી પસાર થઈ રહ્યો હતો...લગ્ન ના ત્રણેક મહિના બાદ બપોરે જમવાનું બનાવતી વખતે અચાનક જ જુહી ઢળી પડી....એનું આખું શરીર ખેંચાવા લાગ્યું....શરીર માં ધ્રુજારી ફેલાઈ ગઈ..અને જુહી જાણે તરફડી રહી હતી...એના સાસુ જુહી ને આમ જોઈ ગભરાઇ ગયા...એ કોઈને કઈ કહે ત્યાં સુધી માં જુહી બેભાન થઈ ગઈ...તત્કાલિકે જુહી ને હોસ્પિટલ ખસેડવા માં આવી...વિશાલ ને જાણ થતાં જ એ તુરંત હોસ્પિટલ પહોંચી ગયો...પણ ત્યા સુધી જુહી ભાન માં આવી ગઈ હતી...કદાચ અશક્તિ ના કારણે આવું બને એમ તારણ કાઢી ડોકટરે જરૂરી દવા લખી આપી જુહી ને રજા આપી દીધી..વિશાલ હવે જુહી ના ખાવા પીવાનું ખાસ ધ્યાન રાખવા લાગ્યો...એના સાસુ પણ જુહી ની પૂરતી કાળજી લેવા લાગ્યા..

એકાદ અઠવાડિયા પછી ફરી જુહી આમ જ બેભાન થઈ ગઈ..આ વખતે વિશાલે વાત ને ગંભીર રીતે લીધી...એને ડૉક્ટરને હનીમૂન પર ગયા ત્યારે પણ જુહી આમ બેભાન થઈ હતી એ વાત કરી...ડોકટરે જુહી ના રિપોર્ટ્સ કઢાવવા ની સલાહ આપી..જુહીના તાત્કાલિક રિપોર્ટ્સ કઢાવ્યા...અને રિપોર્ટસમાં જે આવ્યું એ જોઈ સૌ કોઈ મૂંઝાઈ ગયા...જુહી ના માતાપિતા પણ પોતાની લાડકવાયી ની આવી હાલત જોઈ અચંબિત થઈ ગયા....

"જુહી ના મગજ ની એક નસ દબાઈ છે..જેના કારણે અમૂકવાર એના મગજ ને પૂરતું લોહી પહોંચી નથી શકતું...અને એના જ કારણે હાથ પગ પર કન્ટ્રોલ ગુમાવી જુહી ખેંચાવા લાગે છે" ડોકટરે રિપોર્ટ જોઈ બધા ને જણાવ્યું...વધુ માં ડોકટરે કહ્યું

"આવા કેસ માં શરીર માં ખેંચ આવવા ને કારણે દર્દી કોમાં માં પણ જઈ શકે છે...અને ઘણીવાર પોતાની માનસિક સમતુલા પણ ગુમાવી બેસે એવું પણ બને"

તર્કવિતર્ક કરતાં ત્યાં ઉભેલા બધા જ ડોકટર ની વાત સાંભળી હેબતાઈ ગયા..જુહી ને પણ પોતાની આ બીમારી ની જાણ થઈ ગઈ...એના કારણે જુહીનો સ્વભાવ દિવસે દિવસે ચીડિયો થતો જતો હતો...પણ વિશાલ જુહી ને પોતાના જીવ ની જેમ સાચવતો...હવે જુહી વારે ઘડીએ આમ બેભાન થઈ જતી...ડોકટર દ્વારા એનો ઈલાજ ચાલુ હતો પણ એની હાલત માં કોઈ ખાસ સુધાર ન હતો..અત્યાર સુધી જુહી ને સાચવતા એના સાસુ સસરાને હવે સતત જુહી ની ચિંતા માં સુકાતા જતા પોતાના દીકરાની દયા આવતી હતી..મનોમન જુહી સાથે વિશાલ ના લગ્ન ને પોતાના દ્વારા લેવાયેલો ખોટો નિર્ણય ગણી જુહી ને એના ઘરે પરત મોકલી દેવાનું વિચારતા હતા...પણ બોલી શકતા નહિ...વિશાલ ને પણ જુહી ની આ હાલત ના કારણે એના સ્નેહીજનો પાસે થી અવારનવાર સલાહો મળતી રહેતી...

"જોજે વિશાલ સંબંધ માં બઉ આગળ ન વધતો ..જો ભૂલેચૂકે એકાદું બાળક આવી ગયું તો પછી આ સંબંધમાંથી તું પાછો નહિ ખસી શકે....હજી તું યુવાન છે આવી બીમાર પત્ની સાથે આખી જિંદગી કઈ રીતે વ્યતીત કરી શકીશ....એની સારસંભાળ માં તું હવે ના નોકરી માં સરખું ધ્યાન આપી શકે છે ના પરિવાર ના અન્ય સભ્યો પર.....જરાક વિચાર અને આપી દે છૂટાછેડા જુહી ને...એના માવતર એની સેવા ચાકરી કરી લેશે."..પોતાના એક અંગત સ્વજન દ્વારા અપાયેલી આ સલાહ વિશાલ ના મગજ પર ઊંડે સુધી ઉતરી ગઈ.....એ દિવસ પછી વિશાલ એકદમ શાંત શાંત રહેવા લાગ્યો..અને એની આ ચુપ્પી ને છૂટાછેડા માટે ની મુક સંમતિ સમજી એના માતાપિતા એ જુહી ના માતા પિતા ને સમજાવટ કરી જુહી ને ઘરે લઈ જવા માટે બોલાવ્યા...


રવિવારના દિવસે બંને પરિવાર ભેગા થયા..લાચાર બની બેઠેલા જુહી ના માતાપિતા પોતાની દીકરી ની બીમારી થી ઓછા પરેશાન હોય એમ જુહી ના છૂટાછેડા ની વાતે એમને વધારે પરેશાન કરી મુક્યા

"જુઓ લીલા બેન તમારી જુહી ખૂબ જ ડાહી છે...પણ એની માંદગી નું કોઈ સચોટ તારણ મળતું નથી...અને અમે આમ અમારા દીકરા ને આખી જિંદગી તમારી માંદી દીકરી ની સેવાચકરી માં વિતાવતા નહિ જોઈ શકીએ...તો તમે એને તમારા ઘરે લઈ જાવ તો સારું" વિશાલ ની માતા એ જુહી ની માતા ને કહ્યું

"પણ સવિતાબેન આમ પરિણીત દીકરી ને ઘરે લઈ જઈએ તો સમાજ માં અમારું શુ નામ રહે" જુહીની માતા એ પ્રત્યુતર આપ્યો

"અને આવી માંદલી વહુ ના કારણે અમારું જે સમાજ માં નામ વગોવાય એનું શું....તમે જુહી અને વિશાલ ને સમજાવટ થી છુટા કરો એમાં જ હવે સૌની ભલાઈ છે.." વિશાલ ના પિતા એ કડકાઈ થી જવાબ આપ્યો

"હા અમારો દીકરો પણ એ જ ઇચ્છે છે" વિશાલ ની માતા એ ઉમેર્યું

સૌકોઈની નજર વિશાલ તરફ મંડાયેલી હતી...એવા માં જ ધડામ કરતો અવાજ આવ્યો અને વિશાલ અવાજ ની દિશા માં દોડી ગયો

* * * *

બેભાન થયેલી જુહી નું માથું પોતાના ખોળા માં લઇ વિશાલ એને ભાન માં લાવવા ના પ્રયત્ન કરી રહ્યો હતો...ડોકટર દ્વારા ઈન્જેકશન આપ્યા બાદ જુહી ભાન માં આવી..ભાન માં આવેલી જુહી એની આસપાસ ઉભેલા સૌને જોઈ રહી...વિશાલ ને સંબોધી ને બોલી

"વિશાલ ....બધા ની વાત સાચી છે...તમે મને તમારા થી દુર કરી દો એમાં જ સૌની ભલાઈ છે.....મારી સેવા માં તમારું જીવન વેડફાય એ મને પણ નહીં ગમે.....આપી દો મને છૂટાછેડા" અને એટલું બોલતા બોલતા જુહી રડી પડી

"કેવી વાત કરે છે તું જુહી.....હું તને આમ એકલી કઈ રીતે મૂકી શકું" વિશાલે જવાબ આપ્યો

"પણ વિશાલ મારી આ માંદગી તમને શાંતિ થઇ નહિ જીવવા દે...તમે જીવનસાથી માટે જોયેલા સપના નહિ પુરા થવા દે" જુહીએ રડતા રડતા જવાબ આપ્યો

"હા વિશાલ..હવે તો જુહી પણ સમજી ચુકી છે કે તમારા છૂટાછેડા જ યોગ્ય વિકલ્પ છે..."વિશાલ ની માતા વચ્ચે જ બોલી ઉઠી

"નહિ મમ્મી યોગ્ય વિકલ્પ જુહી ની યોગ્ય સારવાર છે..."વિશાલે પોતાની માતા ને સંબોધી ને કહ્યું પછી જુહી તરફ જોતા બોલ્યો

"તે કેવી રીતે માની લીધું કે તારી આ માંદગી
મારા જીવનસાથી સાથે ના સપના પુરા કરવામાં અવરોધ રુપ છે...જુહી હું તને ખૂબ પ્રેમ કરું છું...અને તારી આ માંદગી ના કારણે ભગવાને મને એક સોનેરી તક આપી છે તને વધુ પ્રેમ કરવાની....તારી કાળજી રાખવાની....એક જીવનસાથી તરીકે હું ખરો ઉતરી શકું એની આ સુવર્ણ તક તું મારી પાસે થી છીનવી નહિ શકે...તને આમ હું મારા થી દુર નહિ થવા દઉં"

"પણ વિશાલ..." અવની બોલી

"પણ બણ કઈ નહિ......શુ મારી આવી હાલત થઈ હોત તો શું તું મને છોડી ને ચાલી જાત......શુ તું મને આપી દેત છૂટાછેડા....જુહી એ લગ્નવચનો મેં આત્મસાત કર્યા છે...એને ફોક કરવાની હિંમત ક્યારેય નહીં કેળવી શકું હું....જીવન ના અંતિમ શ્વાસ સુધી તારો સાથ આપવાના વચન માં બંધાયેલો હું શું તને આમ અધવચ્ચે મૂકી દઉં?....ના જુહી ના....તું અર્ધાંગિની છે મારી...ફક્ત એક બીમારી ના કારણે તને આમ ખુદ થી અલગ કઈ રીતે કરી શકું..તારી સાથે આખું જીવન વ્યતીત કરવાના સપના મે સેવ્યા છે અને તું મને આમ એકલો મૂકી જતી રહેવાની વાતો કરે છે..હું તારી બીમારી સામે ઝઝૂમી શકું છું...પણ તારી આ છૂટાછેડા ની વાતો મને હચમચાવી મૂકે છે..તને પ્રેમ કરવાનો....તારી કાળજી લેવાનો મારો આ હક તું કઈ રીતે છીનવી શકે" વિશાલ જુહી ની સામે જોઈ બોલી રહ્યો હતો..એની આંખો દળદળ વહી રહી હતી.....

"વિશાલ હું ખરેખર ખૂબ જ ભાગ્યશાળી છું....કે મને તમારા જેવા જીવનસાથી મળ્યા....."જુહી પોતાની આંખો માં રહેલા આંસુ લૂછતાં બોલી...

પરિસ્થિતિ પામી ગયેલા ત્યાં ઉભેલા સર્વ જુહી અને વિશાલ ને અંતર થી આશીર્વાદ આપતા રૂમ ની બહાર નીકળી ગયા..

જુહી નો હાથ પોતાના હાથ માં લેતા વિશાલે જુહી નું માથું ચૂમી લીધું....બન્ને એકબીજા ના આલિંગન માં લિન થઈ ગયા