વન્સ અપોન અ ટાઈમ
આશુ પટેલ
પ્રકરણ - 39
મુંબઈ પોલીસની ટીમે લોખંડવાલા કોમ્પલેકસની ‘ગાર્ડન વ્યૂ’ સોસાયટીના ફલેટનો દરવાજો તોડ્યો એ સાથે અંદરથી ગોળી છૂટવાનો અવાજ આવ્યો એટલે પોલીસ અધિકારીઓ એકદમ એલર્ટ થઈ ગયા. ફ્લેટના ડ્રોઈંગરૂમમાં અંધારું હતું. હાથમાં ટોર્ચ અને રિવોલ્વર સાથે પોલીસ અધિકારીઓ ફ્લેટના ડ્રોઈંગ રૂમમાં પ્રવેશ્યા. એમણે સાવચેતીપૂર્વક તપાસ આદરી. ‘ગાર્ડન વ્યુ’ સોસાયટીનો એ ફ્લેટ બે બેડરૂમનો હતો. લિવિંગ રૂમ, કિચન અને એક બેડરૂમમાં પોલીસે તપાસ કરી પણ કંઈ દેખાયું નહીં, બીજા બેડરૂમનો દરવાજો બંધ હતો. પોલીસે દરવાજો ઠપકારીને અંદર જે હોય એને બહાર આવવા આદેશ આપ્યો પણ અંદરથી કોઈ રિસ્પોન્સ મળ્યો નહીં. છેવટે પોલીસ ટીમે એ દરવાજો પણ તોડી નાખ્યો. એ બેડરૂમમાં પણ અંધારું હતું.
પોલીસ અધિકારીઓએ ખાખાખોળા કરીને ઈલેક્ટ્રિક બોર્ડ શોધ્યું અને રૂમની લાઈટ ઓન કરી તો એક યુવાન પલંગ ઉપર જોવા મળ્યો. એ યુવાનના એક હાથમાં કોર્ડલેસ ફોન હતો અને બીજા હાથમાં વિદેશી બનાવટની રિવોલ્વર હતી. યુવાનનું લમણું વિંધાયેલું હતું. પોલીસ અધિકારીઓ મામલો સમજી ગયા. પોલીસના હાથમાં ઝડપાવાને બદલે આત્મહત્યા કરી લેવાનો આદેશ એને ફોન પર મળ્યો હતો!
પોલીસે એ યુવાનને ઓળખી કાઢ્યો. એ યુવાન દાઉદ ગેંગનો શૂટર દત્તાત્રેય કુલકર્ણી હતો. માત્ર ૩૦ વર્ષના કુલકર્ણીએ પોતાના લમણા પર જાતે જ ગોળી ચલાવવી પડી હતી. પોલીસે એ બેડરૂમની તલાશી લીધી તો દાઉદ ગેંગનો વિશાળ શસ્ત્રજથ્થો ત્યાંથી મળી આવ્યો. પોલીસને ત્યાંથી ડઝનબંધ પિસ્તોલ્સ, રિવોલ્વર્સ, સ્ટેનગન્સ, અનેક એકે ફોર્ટી સેવન, કારબાઈન ગન્સ અને હજારો કારતૂસ મળી આવ્યા. જેણે આત્મહત્યા કરી લીધી હતી એ દત્તાત્રેય કુલકર્ણી દાઉદ ઈબ્રાહિમના ખાસ શૂટર સુનીલ સાવંત ઉર્ફે સાવત્યાનો જમણો હાથ હતો.
હકીકતમાં મુંબઈ પોલીસ એ ફલેટમાંથી મુઝાનીલ ફખરુદ્દીન નામના એક સ્મગલરને પકડવા ગઈ હતી. કસ્ટમ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ મુઝાનીલ ફખરુદ્દીનની કોફેપાસા હેઠળ ધરપકડ કરવા કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી. એ પછી મુંબઈના તત્કાલીન પોલીસ કમિશનર એસ. રામમૂર્તિને મુઝાનીલની ધરપકડ કરવાનો આદેશ અપાયો હતો. પોલીસ કમિશનર રામમૂર્તિએ મુઝાનીલની ધરપકડનું કામ એક પોલીસ ટીમને સોપ્યું હતું. અને મુઝાનીલનું પગેરું દબાવતા મુંબઈ પોલીસની ટીમ લોખંડવાલા કોમ્પલેક્ષની ‘ગાર્ડન વ્યુ’ સોસાયટી સુધી પહોંચી ગઈ હતી.
‘ગાર્ડન વ્યુ’ એપાર્ટમેન્ટના એ ફ્લેટમાં મુઝાનીલ રહેતો હતો, પણ પોલીસ ટીમ પહોંચી એની થોડી વાર અગાઉ જ એ ક્યાંક જવા નીકળી ગયો હતો. મુઝાનીલ ફખરુદ્દીનને એ ફ્લેટ કોંગ્રેસી વિધાન સભ્ય મુરલીધર પવારે આપ્યો હતો. અને મુરલીધર પવારને એ ફ્લેટ મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્ય પ્રધાન શંકરરાવ ચ્વહાણે મુખ્ય પ્રધાનના ટેન પરસન્ટ કવોટામાંથી ફાળવ્યો હતો. મુઝાનીલ તો એ ફલેટમાંથી પકડાયો નહીં, પણ પોલીસને અનાયાસે દાઉદ ગેંગનો વિશાળ શસ્ત્રજથ્થો મળી ગયો.
એ ફલેટમાંથી સુનીલ સાવંત ઉર્ફે સાવત્યાનું ડ્રાઈવિંગ લાયસન્સ અને બીજા કેટલાક ઉપયોગી દસ્તાવેજો પણ મળી આવ્યા. આ વાતની ખબર પડી ત્યારે અરુણ ગવળીના અડ્ડા સમી દગડી ચાલના કેટલાક ઉત્સાહી જુવાનિયાઓએ ફટાકડા ફોડ્યા અને દાઉદ વધારે ભુરાયો થયો હતો.
એ ઘટના પછી ગવળી ગેંગના શૂટર્સે મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં દાઉદ ગેંગના બે ફાઈનૅન્સર્સને અને ડોંગરી વિસ્તારમાં દાઉદના બે શૂટર્સને ગોળીએ દીધા. આટલું અધૂરું હોય એમ દાઉદ સાથે સીધો સંબંધ ધરાવતા નરેન્દ્ર આરોંદેકરના ચહેરાના કુરચેકુરચા ઉડી ગયા ત્યાં સુધી એના પર ગોળીઓ ચલાવવામાં આવી. નરેન્દ્ર આરોંદેકરની હત્યાથી દાઉદ ગેંગના સિનિયર શૂટર્સનો રોષ કાબુમાં રહ્યો નહીં અને એમણે દાઉદને પૂછ્યા વિના જ એક બેઠક બોલાવીને નિર્ણય કર્યો. દાઉદે થોડો સમય માટે મુંબઈમાં શાંતિ રાખવાનો આદેશ આપ્યો હતો, પણ નરેન્દ્ર આરોંદેકરની હત્યાથી દાઉદ ગેંગના શૂટર્સ અકળાઈ ગયા હતા.
દગડી ચાલની બહાર દુકાન ધરાવતો શિવપુત્રન ગુપ્તા વહેલી સવારમાં દુકાન ખોલીને હજી કામે વળગ્યો હતો ત્યાં એને ફટાકડા ફૂટવાનો અવાજ એને સંભળાયો. અત્યારે કયા બેવફૂકને ફટાકડા ફોડવાનું સુઝ્યું હશે, શિવપુત્રન સ્વગત બબડયો. એ હજી આગળ કંઈક વિચારે એ અગાઉ એની દુકાનના પાટિયામાં કંઈક ભટકાવાનો અવાજ આવ્યો હતો. શિવપુત્રનને ધ્રાસકો પડ્યો. એણે બહાર ડોકિયું કર્યું ત્યાં તો એક ગોળી એના કાન પાસેથી પસાર થઈને દુકાનમાં ઘુસી ગઈ!
બેબાકળા બની ગયેલા શિવપુત્રન ગુપ્તાએ દુકાનનું શટર પાડી દીધું. એને મોત નજર સામે દેખાઈ ગયું હતું. બહાર ડઝનથી વધુ શસ્ત્રધારી ગુંડાઓ આડેધડ ગોળીબાર કરી રહ્યા હતા. શિવપુત્રન ગુપ્તાની જેમ દગડી ચાલની બહાર દુકાનો ધરાવતા બીજા દુકાનદારો પણ ડઘાઈ ગયા હતા.
જે દુકાનદારોએ પોતાની દુકાનો ખોલી હતી એ બધા દુકાનો બંધ કરીને અંદર પુરાઈ ગયા હતા. બહારથી ગોળીબારના અવાજની સાથે હિન્દી ફિલ્મના વિલન્સ ડાયલોગ્ઝ ફટકારતા હોય એવા વાક્યો પણ સંભળાતા હતા: ‘દાઉદભાઈ કે સામને સર ઉઠાતે હો સાલો, મરદ કી ઔલાદ હો તો બાહર નીકલો’!
શિવપુત્રન ગુપ્તાની ચણા-મમરાની દુકાનની બાજુમાં લોન્ડ્રી ચલાવતા અકીલ અંસારીને તો દુકાનનું શટર પાડવાનો સમય પણ મળ્યો નહીં. એ દુકાનમાં એક ટેબલ નીચે છુપાઈને બેસી ગયો. અકીલ અંસારીની દુકાન પર પણ ધાણીફૂટ ગોળીબાર થયો. જોકે અંસારી બચી ગયો. પણ એને થોડીવાર માટે મૂર્છા આવી ગઈ.
દગડી ચાલના રહેવાસીઓ પોતપોતાની ઓરડીઓમાં ભરાઈ ગયા હતા. દગડી ચાલ બહાર ધસી આવેલા શૂટર્સે સતત દસ મિનિટ સુધી અંધાધુંધ ગોળીબાર કર્યો. અને પછી તેઓ લાલ અને બ્લુ કલરની બે મારુતિ કારમાં અને એમએમકે ૭૬૦૬ નંબરના ટેમ્પોમાં રવાના થઇ ગયા.
આ ઘટના સવારના પોણા આઠ વાગ્યે બની હતી. પોલીસે ત્યાં પહોંચીને તપાસ કરી તો દગડી ચાલની આજુબાજુમાંથી ૨૨૦ વપરાયેલા કારતૂસ મળી આવ્યા. કુલ ૪૩ જગ્યાએ જુદા જુદા પ્રકારના શસ્ત્રોમાંથી છોડાયેલી ગોળીઓના નિશાન પોલીસને જોવા મળ્યા. આ ઘટના પછી તરત સ્ટેટ રિઝર્વ પોલીસની એક ટુકડી દગડી ચાલ બહાર ખડકી દેવામાં આવી. દગડી ચાલના રહેવાસીઓએ તપાસ માટે આવેલા પોલીસ અધિકારીઓને બેફામ ગાળો આપી અને એમને દાઉદના ચમચા ગણાવ્યા.
છેવટે મુંબઈના તત્કાલીન મેયર છગન ભુજબળે દગડી ચાલમાં જઈને મામલો થાળે પાડ્યો. પણ દાઉદ ગેંગની આવી હિંમતથી અરુણ ગવળી ઉશ્કેરાઈ ઉઠ્યો હતો. ગવળીએ પોતાની રીતે તપાસ કરવી ત્યારે તેને ખબર પડી કે દગડી ચાલ પર ગોળીબાર કરનારાઓમાં દિલીપ બુવા, અનિલ પરબ, સુનીલ સાવંત ઉર્ફે સાવત્યા, ગણેશ ઉર્ફે ડેની, શરદ શેટ્ટી અને સાધુ શેટ્ટી જેવા દાઉદ ગેંગના મુખ્ય શૂટર્સ હતા.
પપ્પુ ટકલાએ નાનકડો બ્રેક લીધો. નવી સિગારેટ સળગાવ્યા પછી અને નવો પેગ બનાવ્યા પછી એણે ફરી વાત શરૂ કરી. એ વાત શરૂ કરતા જ પપ્પુ ટકલાના ચહેરા પર ચમક આવી ગઈ! પોલીસ ઑફિસર ફ્રેન્ડે અમારી સામે સૂચક નજરે જોયું! અમારી વચ્ચે આંખોથી જ વાત થઈ ગઈ!
(ક્રમશ:)