AME BANKWALA in Gujarati Fiction Stories by SUNIL ANJARIA books and stories PDF | અમે બેંક વાળા - જીવ્યા મર્યા ના જુહાર

Featured Books
Categories
Share

અમે બેંક વાળા - જીવ્યા મર્યા ના જુહાર

8. જીવ્યા મર્યા ના જુહાર
1980 ના લગભગ જાન્યુઆરીની વાત છે. 
એક સમાચાર આવ્યા કે મોટી સાઇઝનો સ્કાયલેબ અવકાશમાંથી પૃથ્વીપર તૂટી પડવાનો છે. એ પણ સૌરાષ્ટ્ર બાજુ. એ સાથે જ એ દિવસોમાં ખગ્રાસ સૂર્યગ્રહણ થવાનું હતું. એટલું સંપૂર્ણ કે દિવસે પણ અંધારું ઘોર થઈ જાય.
વા વાત લઈ ગયો કે એ પૃથ્વી પર મનુષ્યજીવનનો છેલ્લો દિવસ હશે. સ્કાયલેબ પડવાથી મોટે પાયે નુકસાન  થાય એટકે ચેતવણી આપી સાવધાનીનાં પગલાં કહેતી સરકારી જાહેરાતની ઘોડાગાડી એ નાના શહેરમાં ફરવા લાગી. એની સાથે પેલી ગ્રહણની વાતે લોકો એમ સમજવા લાગ્યા કે પૃથ્વીપર અંધકાર છવાતાં જ કોઈ આકાશી પદાર્થ અથડાઈ જીવન ખતમ કરી દેશે.
હું જે નાનાં પણ જિલ્લા મથક શહેરમાં બેંકમાં નોકરી કરતો હતો ત્યાં પૈસા ફટાફટ ઉપડવા લાગ્યા. કહે છે દાનની આવક ધાર્મિક સંસ્થાઓમાં વધી ગઈ. બેંક સાથે સોનું ખરીદનારા પણ ઘટી ગયા. એ થોડું ઉપર લઈ જવાય? 
બેંકમાં તે દિવસોમાં હું શીખવા માટે ખેતીવાડી ધિરાણ ના વિભાગ જે મારી બેંકમાં GVK એટલે કે ગ્રામ વિકાસ કેન્દ્ર કહેવાતું, તેમાં બેસતો. પટેલો એ સમયમાં શિયાળુ પાક માટે ધિરાણ લેવા આવે. એક પટેલ આવ્યા. વાતો કરતાં પોતાની સુડીથી સોપારી કાતરી અમને આપતાં,  
( જે સામાન્ય રિવાજ હતો. અમે લારીની ચા મંગાવીએ જે રકાબીમાં કાઢી ફૂંક મારતા તેઓ પીવે પછી અમને સોપારી પોતે ચુરો કરી ખવરાવે. એને ઘેર જઈએ તો હાથમાં રૂમાલ વિના પકડાય નહીં તેવી ધાતુની, લગભગ જર્મન સિલ્વરની રકાબીમાં ધાતુની કિટલીમાંથી એકદમ ગરમ, ચૂલા પર ઉકાળેલી અને ખાંડ ને બદલે ગોળ નાખેલી ચા રેડે.) તેમણે કહ્યું " સાહેબ, ઉગાડવું તો છે પણ આપણે અને વનસ્પતિ કશું જ રહેશે નહીં તો લોન લેવી કે કેમ તે વિચાર કરૂં છું."
મેં કહ્યું "પટેલ, લોન લઈ ખાતર પાણી કરવા માંડો. કાંઈ નાશ થવાનું નથી. એ તો થોડી વાર અંધારું થશે."
" 'તી આ બધા બરકે છે ઈનું શું? એઈને પાપનો ઘડો ભરાઈ ગ્યો છે અને કળજુગ પૂરો થવામાં છે. ઠીક સા'બ, જીવ્યા મર્યા ના જુહાર."
"પટેલ, કળજુગ હજુ બીજાં હજારેક વરસ છે. અને હું માનું છું કે આપણે આવતા મહિને મળી ચા પીશું. બોલો, પોન્ક ખાવા આવું ને?"
એને વિજ્ઞાન સમજાવવાનો અર્થ નહોતો. કૃષિ વિજ્ઞાનની તેને કોઠાસૂઝ હતી તે પૂરતું હતું.
થોડી વાર દાઢીએ હાથ ટેકવી તેણે ઓચિંતું પૂછ્યું "હેં સાયબ? તમારી ન્યાત કઈ?"
બાજુમાં બેઠેલા ક્લાર્કએ મઝાક કરી " સાહેબને કોઈના જમાઈ બનાવવા છે? પટેલ નથી હોં!"
હું ત્યારે 23 વર્ષનો અને અપરિણીત હતો.
"નાગર."
"એટલે?..નાગર કેવા?"
ગામડાઓમાં લોકો નાગર અને બ્રાહ્મણ એક સમજતાં. વાત ટૂંકાવવા મેં કહ્યું "બ્રાહ્મણ કહી શકો. કેમ પૂછવું પડ્યું?"
"સાયબ, તમે બામણ તો દ્વિજ એટલે કદાચ બીજો જન્મ હશે. અમે તો એક જ જન્મ જોવાના ને?"
"વળી? મેં કહ્યું ને, આપણે કોઈ મરવાના  નથી? લ્યો આ રેવન્યુ સ્ટેમ્પ પર અંગુઠો કે સહી કરો. લોન રીન્યુ એટલે કે ચાલુ છે એનો કાગળ."
દર 3 વર્ષ પહેલાં એકનોલેજમેન્ટ ઓફ ડેપ્ટ , LAD લેવો પડે તે મેં સામે ધર્યો.
એણે મોટા, ધ્રુજતા અક્ષરે સહી કરી "લ..વા.. ભા..ણા.. ની સઈ દ. પો."
(સહીની તે વખતે ગ્રામ્ય વિસ્તારોમાં આવી પ્રથા હતી).
તેઓ ગયા.
પૃથ્વી પરથી જીવનના નાશની વાત એટલી તો ગવાઈ ગયેલી કે લોકો સગા વહાલાઓ સાથે રહેવા વતન ભાગવા માંડ્યા. ખાસ તો એ શહેરના ઘણા યુવાનો સુરત તરફ હીરા ઘસવા કે તેમાં કામ કરવા ગયેલા તે  બસો અને ટ્રકો ભરી વતન આવવા લાગ્યા.
બેંકમાં કામ ઘટી ગયું. સંક્રાંત હમણાં જ ગયેલી છતાં એકાદ CL લઈ મેં 6 કલાક દૂર અમદાવાદ મારા માતા પિતા પાસે જવા નક્કી કર્યું. બસમાં રિઝર્વેશન શેનું મળે? એક પ્રાઇવેટ બસ અમદાવાદ થઈ સુરત જતી હતી તેમાં ડબલ ભાડે ટિકિટ લઈ હું ગયો. એસટી માં તો બળિયાના બે ભાગ. ધકકામુક્કી ને મારામારી. મારી પ્રાઇવેટ બસમાં પણ છાપરે લોકો બેઠેલા. બસવાળો બેંકનો ક્લાયન્ટ હતો એટલે મારી વધુ ભાવે પણ સીટ થયેલી.
રજા પુરી થઈ હું રાતની બસમાં આવવા નીકળ્યો પણ એસટીમાં લાંબી લાઈનો.  ગાંધીગ્રામ સ્ટેશને ગયો. ત્યાં પણ એનથીયે ખરાબ સ્થિતિ. તે વખતે મોબાઈલ નહોતા ને ઘેર પણ ફોન નહીં. મેં એક વધુ cl લીધી અને પેરન્ટ્સ ને સરપ્રાઈઝ આપતો રાતે પાછો ફર્યો.
બીજે દિવસે પેલું ગ્રહણ બપોરે 4 વાગ્યે થયું. પક્ષીઓ કન્ફ્યુઝ થઈ ચીસાચીસ કરતાં ઉડવા લાગ્યાં ને જ્યાં જગ્યા મળી તે ડાળે બેસી ગયાં. લાલ ધૂળ ઊડતી હોય તેવું લાગ્યું. એકદમ રાત્રી જેવો અંધકાર છવાઈ ગયો. અરે થોડી વાર તો આકાશમાં તારા પણ દેખાયા. કુંભ રાશીએ ગ્રહણ જોવું નહીં એમ છાપાંએ કહેલું તેથી થોડા ડર સાથે હું મારા ઘરની બાલ્કનીમાં ઉભો. સામે એક ભાઈએ તો અરીસાથી સૂર્યનું એ કાળા ધબ પાછળ લાલ બિંબ ઝીલી પંપરૂમની સફેદ ભીંતે બતાવ્યું. રસ્તે સોપો પડી ગયો. પ્રાણીઓ પણ વિચિત્ર વર્તન કરવા લાગ્યાં. આખરે ગ્રહણ પૂરું.
હું સલામતી માટે બે કલાક વહેલો નીકળી કાલુપુર જઈ ટ્રેનમાં બેઠો.  કહો કે દબાતો ઉભો. ગાંધીગ્રામથી ચડવાની શક્યતા જ ન હતી. ટ્રેન ચાલી. કપડાંનો બગલથેલો હાથ નીચે દાબીને હું ઉભેલો. લોકો બોલે એટલે ખબર પડી કે ધોળકા ગયું. હકડેઠાઠ શબ્દ નાનો પડે તેવી ભીડ હતી. એક જગ્યાએ કોઈ બહેન ખસી અને મેં ખૂણે એક ઢેકો ટેકવ્યો. પંદરેક મિનિટ થતાં સામેની બેન્ચ પર બેઠેલી એક ગ્રામ્ય મહિલાએ બાજુવાળીને કહ્યું " સોકરાં ઘેર મૂકીને આવ્યાં સો?"
પેલી કહે " મારી હાહુ આગળ. આ તો બે દન જીવતા રઈએ ઇ પેલાં મોં જોઈ આવીએ. તમારા ભાઈ તો નથી નીકળી હકયા."
"લે.. તે આ બાજુમાં.."
હવે તે સ્ત્રીએ મારી તરફ જોયું. એ જુવાન હતી.
એક ક્ષણ મારી સામે કદાચ પ્રેમથી, કદાચ નવાઈથી પણ ધૃણાથી નહીં, તેમ જોયું.
"ઓય, બૈરાં ને અડીને બેસતાં શરમ નથી આવતી? આવા ને આવાને લીધે તો મરતાં બૈસા." પેલી સામેની સીટ વાળી વયસ્ક સ્ત્રી બોલી.
"બેન, આમાં એક.પગે ઉભા હોઈએ ત્યાએક ફૂલો લટકાવી સહેજ બેઠા. કોઈ ભાઇ હોત તો થોડો સરખો બેસત." મેં બચાવ કર્યો.
"ભૈ, ઉભા થઇ જાવ. પસી થોડી જગા થાહે એટલે જોહુ." યુવતી બોલી. હું ઉભો થાઉં ત્યાં તો એક ગામડાનો થોડો ગંધાતો માણસ પાટિયાને ટેકે ત્યાં ઉભો. પેલીને એ વધુ ખટક્યું.
"મને તો.ખબરેય નોઇ. બાજુમાં બેહે એટલે ઘરવાળા એવું થોડું હોય? ઇ તો ન્યા બેઠા કામે." યુવતીએ પેલી બાઈને કહ્યું. ફરી ખસી મને સહેજ જગ્યા આપી.
આભાર, થેંક્યું એવું એ સમજે એમ ન હતી. મેં ફક્ત સ્મિત કર્યું. પરપુરુષનું સ્મિત કેમ જીલાય? એ આંખથી આભાર માની આડું જોઈ ગઈ.
ઉપર પાટીએ કોઈ બોલ્યું " આ અંધારું થયું પણ આકાશમાંથી ચ્યોય પૈડું નોઇ"
મેં નીચે બેઠાં કહ્યું " એ અંધારું ને પેલો પડવાનો હતો એ પદાર્થ બે અલગ જ વાત હતી. અંધારું તો સુરજના પ્રકાશ આડે પૃથ્વી આવી ગઈ એટલે થયેલું."
"લે, ભઈ ગનાન ની વાતું હારી કરે સે. હાસુ. 'તી આ લોકો મરી જવાના હતા ઇ હંધું હું હતું?"
" બધી અફવા હતી.  કોઈ મરવાનું નહોતુ. અરે  જુઓ, આપણે બેઠા જ છીએ ને?"
હાસી વાત. ભૈ ભણેલા સે . ક્યાં જવું?"
મેં  ખીજડીયા ને ત્યાંથી આગળ સ્ટેશન કહ્યું.
" ' તી ન્યા હેમાં કોમ કરો સો?"  તેની બાજુવાળાએ ઉપરથી પૂછ્યું.
"..બેંકમાં."
ઓચિંતો પાછળના કંપાર્ટમેન્ટ માંથી અવાજ આવ્યો 
"એ રામ રામ. બામણ સાબ. આંય કોરે આવતા રયો."
મેં જોયું. એ કંપાર્ટમેન્ટ માં પેલા પટેલ બેઠેલા!
"સ્યાબ બ્યન્ક મોં સે. અધિકારી હોં?"
હવે એટલા વિભાગમાં પેક 50 જેવા લોકોની અહોભાવ ભરી દ્રષ્ટિ મારી પર પડી. પેલી યુવતીએ માથે ઓઢયું સહેજ ખસેડી ફરી પ્રેમ ભરી દ્રષ્ટિ ફેંકી. કદાચ કોઈને ખબર ન પડે એવું સ્મિત આપ્યું. પેલાં બા જે સામેની સીટ પર હતાં તે જોઈ રહ્યાં.
હું ઉઠીને પટેલ વાળા કંપાર્ટમેન્ટ માં ગયો અને ઉપરના પાટીએ ઘૂંટણ વાળી બેઠો. આ તો લકઝરી કહેવાય.
"લો બામણ સ્યાબ. ગનાનની વાર્તા કરો."
પેલા  હવે મારી આગલા કંપાર્ટમેન્ટ વાળા પુરુષે કહ્યું.
"સ્યાબ તો ગનાની સ્યે. કીધેલું કે કોંય નઈં થાય."
"તે વાત કઉં, ઓલો મોટો પથરો પડવાનો હતો એનું હું થયું ?"  બીજો કોઈ બોલ્યો.
"સાંજે પ્રાદેશિક સમાચારમાં આવ્યું કે એ આકાશમાં જ સળગી ગયો".
"ગિરનારના બાવાઓ નાં તપ. અધ્ધર જ સળગાવી મુક્યો". કોઈ બોલ્યું.
એની સાથે 'જ્ઞાન ચર્ચા' નો અર્થ ન હતો.
ધંધુકા આવ્યું. આવી ખીચોખીચ ભીડ માં પણ રાત્રે દોઢ વાગે ચાય ગરમ ની બુમ પડી.
"સા પીહોને સ્યાબ?" પટેલ સિવાયના કોઈએ પૂછ્યું. મેં વિવેકથી ના પાડી.
ગાડી આગળ ચાલી. 
"બામણ સ્યાબ,  એકાદ વાર્તા કયો". મારે પાટીએ કોઈએ કહ્યું.
મને હસવું આવ્યું. નાની કોઈ લોકકથા કહી. પટેલે કોઈ સુંદર ગ્રામ્ય વાર્તા કહી જે એમના બધા ઉચ્ચારો સમજતો ન હોઈ મને સમજાઈ નહીં.
તો એમ ને એમ 'બ્યન્ક વાળા બામણ સ્યાબ' ચિતલ પહોંચ્યા. ગાડી મોડી હતી. ખીજડિયા થી કનેક્શન જવું રોજનું હતું. મને હવે રજા લેવી પોષાય એમ ન હતું. ચિતલ ઉતરી હાઇવે પરથી મેં ટ્રક પકડી અને અર્ધો કલાક દૂર મારા શહેરમાં પહોંચી એ વખતના  બેંકના ટાઈમ પોણા અગિયારે બેંકમાં પહોંચી ગયો.
બીજે દિવસે પેલા પટેલ આવ્યા. પાક ધિરાણ  તો.લીધું અને એના ગામના દસેક પટેલો ની 'સઈ દ. પો.'કરાવી બધાની ફરી ફિક્સ ડિપોઝીટ પણ મૂકી. એ જ 'અડાળી (અર્ધી રકાબી) ચા, સોપારીની કતરી અને બેંક ઓફિસર/ ગ્રાહકનો મીઠો સંબંધ.
હવે તો હું નિવૃત થઈ ગયો છું પણ 'સ્યાબ બ્યન્ક મોં સે' અને ' બામણ સાહેબ' યાદ કરી હસું છું, હસાવું છું.
-સુનિલ અંજારીયા