* ગેબી ગીરનાર - એક રહસ્ય ( ભાગ-૭)
રસસ્યમય - રોમાંચક - હોરર - સાહસ કથા.
લેખક:- વિક્રમ સોલંકી 'જનાબ'
--------------------------------------------------------
મિત્રો, 'ગીરનાર'ની અમારી આ રહસ્યમય ગેબી યાત્રાને તમારા તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે એ બદલ આપ સૌ વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર.
અગાઉના ભાગમાં તમે જોયું કે સંત વેલનાથના દર્શન કર્યા બાદ અમે ત્યાંથી ઉપર કંઈક નવીન જોવા તેમજ ફોટાઓ પાડવાની લાલચમાં ખૂબ ઊંચે જઈએ છીએ પરંતુ ત્યાંથી નીચે ન ઉતરી શકાતાં અમે ઝરણાંના શેરડાઓ મારફતે નીચે ઉતરવાનું નક્કી કરીએ છીએ તે દરમિયાન એક જગ્યાએથી ઉતરતાં અમે બધા નીચે ગબડી પડીએ છીએ અને ત્યારબાદ મને ખબર પડે છે કે કલ્પેશને પગમાં વાગ્યું હતું તે એક પાંદડાંથી ઠીક થઈ ગયું હતું. હવે આગળ....
હું સીધો ઉપર ઢાળ તરફ ભાગ્યો, જ્યાં મેં એ છોડને જોયો હતો. બધા મને ઉપર તરફ જતો જોઈને બૂમો પાડવા લાગ્યા કે ભાઈ રેવા દે હવે ત્યાં નથી જવું.
હું ઢાળ ચડવાની કોશિશ કરી રહ્યો હતો પણ અમે જ્યાંથી આવ્યા હતા ત્યાં ફરી આ ઢાળ ઉપર થઈને જવું કદાચ અશકય જ હતું.
હું માંડ થોડે સુધી ચઢ્યો હોઈશ ત્યાં જ ભૂખરી માટીમાં પગ લપસતાં હું નીચેની તરફ લપસવા લાગ્યો. મેં બે - ત્રણ વખત પ્રયત્ન કરી જોયા પરંતુ થોડે સુધી પણ ઉપર જવામાં સફળતા ન મળી તો પછી છેક જ્યાં અમે બેઠા હતા ત્યાં સુધી પહોંચવું એ તો બહુ દૂરની વાત હતી.
મનોજ: " જનાબ, તારે પાછું ત્યાં જઈને શું કામ છે ભાઈ! એક તો માંડ આપણે આટલું ઉતરી શક્યા ને તું હવે પાછો ઉપર જાય છે, ને એ બધું તો ઠીક પણ આમ કરવા જતાં તને કંઈક થઈ જશે તો પછી અમે શું જવાબ આપીશું! "
" એક ઘાવને જે છોડ હતો એમ જ ઠીક કરી દેતો હોય એ વનસ્પતિમાં કેટલી તાકાત હશે? ખરેખર આ કોઈ ચમત્કારથી કમ નથી. કારણકે હજુ સુધી કોઈ એવું 'ઈન્ઝેક્શન' કે 'એન્ટિબાયોટીક' દવા બજારમાં ઉપલબ્ધ નથી કે જે ઘાવને મુળ સ્થિતિમાં લાવી દે અને એ પણ આટલા સમયમાં! જો એ છોડ આપણને મળી જાય તો એના આધારે એની શોધ થઈ શકે, અને આયુર્વેદના ગ્રંથોમાં તો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે ગીરનારમાં એવી હજારો ઔષધીઓ અને છોડ છે જે આજના વૈજ્ઞાનિક યુગમાં એક ચમત્કાર સમાન હોય." મેં મનોજભાઇને વિસ્તાર પૂર્વક સમજાવતાં કહ્યું.
મનોજ: " એ બધી વાત તારી સાચી છે પણ આપણે ગમે તેમ કરીશું તોય ફરી ત્યાં પહોંચી શકીશું નહીં અને કદાચ જેમ ગયા હતા તેમ શોધવા જઈએ તો પણ આપણે એટલા જાણકાર નથી કે ફરી ત્યાં પહોંચી શકીએ. "
મને મનોજભાઈની વાત યોગ્ય લાગી એટલે મેં ઉપર જવાનો વિચાર માંડી વાળ્યો. અમે બધાએ ભેગા થઈને ત્યાં પાણી પીધું અને એ પાનને ધારી ધારીને જોયું. આશ્ચર્યની વાત એ હતી કે એ પાન અત્યારે કોહવાયેલુ હોય એવું થઈ ગયું હતું જાણે કે એનો રસ કસ એ ઘાવને ઠીક કરવામા ઉડી ન ગયો હોય!
અમે ત્યાં થોડીવાર બેસીને આગળ વધવાની શરૂઆત કરી. અત્યારે અમે બધા આ અવનવી ઔષધીઓ વિશે વાત કરી રહ્યા હતા.
અમારા ગામના માજી સરપંચ જે હાલ હયાત નથી તેઓ અમારી ઉંમરના હતા ત્યારથી જ ગીરનારમાં ફરવા માટે આવતા. તેઓ પણ એક વખત અહીં જંગલમાં એકલા ખોવાઈ ગયા હતા અને એક સાધુ પાસે જઈ ચડ્યા હતા અને એ સાધુએ એને ફરી પાછા મૂળ જગ્યાએ મૂકી ગયા હતા અને ત્યારથી તેઓ આ ગીરનારી સાધુઓનો સંગ કરતા હતા એ વિશેની મેં વાત કરી.
મેં ગીરનારની રોચકતાને વધુ ઉજાગર કરવા એક કિસ્સો જે મેં વર્ષો પહેલાં છાપાંની કોઈ કોલમમાં વાંચ્યો હતો તે કહેવાની શરૂઆત કરી.
" ઘણાં વર્ષો પહેલાં બે મિત્રો આપણાં બધાની જેમ ગીરનારમાં ફરવા માટે આવ્યા હતા અને તેઓ પણ જોવા અને જાણવાની પળોજણમાં જંગલમાં છેક અંદર સુધી ગયા અને ભૂલા પડ્યા.
તેઓને પણ રસ્તો મળતો નહોતો અને ભૂખ - તરસને લીધે તે બંને બેબાકળા થઈ ગયા હતા. તેઓ જંગલમાં ભટકતા હતા તે દરમિયાન એક મિત્ર એ રમતમાં એક છોડની ડાળખી હાથમાં લીધી અને ચાલતાં - ચાલતાં તે મોઢામાં ડાળખીને ચાવવા લાગ્યો. થોડીવાર પછી જ્યારે પાણી પીવા તેણે કોગળો કર્યો ત્યારે એના બધા દાંત પાણી સાથે બહાર આવી ગયા. એના મોઢામાં એક પણ દાંત રહ્યો નહીં.
તે બંનેએ ઘણી મહેનત કરી તે છોડને શોધવાની પણ તેઓને એમાં સફળતા ન મળી."
આશિષ : " જો એ છોડ મળી જાય તો અત્યારે જે દાંત કઢાવવા સમયે જે દુખાવો થાય છે તે ના થાય અને પૈસા પણ બચી જાય. "
રાહુલ : " અને હા, કદાચ સંજીવની જડીબુટ્ટી પણ આ ગીરનારના જંગલોમાં જ છે જે મૃત્યુ પામવાને આરે હોય તેવા લોકોને પણ ઠીક કરી શકે. "
કલ્પેશ : " હું જાણું છું ત્યાં સુધી આ ગીરનારની અંદર લગભગ ૨૦૦૦ થી પણ વધુ ઔષધીઓ છે જે મોટાભાગના રોગોનો નાશ કરી કરી શકવાની ક્ષમતા ધરાવે છે. "
ભાવેશ : " આ નાગા સાધુઓ જ્યારે મહાશિવરાત્રી હોય કે કુંભનો મેળો હોય ત્યારે જ બહાર નીકળતા હોય છે ત્યાં સુધી તેઓ સાધનામાં લીન હોય છે અને તેઓને એવી જડીબુટ્ટીઓનું જ્ઞાન હોય છે કે તેનાથી કોઈ રોગ ન થાય કે એને એક વખત ખાવાથી મહીનાઓ સુધી ભૂખ નથી લાગતી."
અમે બધા આમ આવી રોચક વાતો કરતા ચાલી રહ્યા હતા. હવે અમારી આજુબાજુ વૃક્ષો પણ આવવા લાગ્યા હતા. રસ્તામાં કાંટાઓ અને ઝાડીઓ પણ ખૂબ જ હતાં એટલે અમારે ક્યારેક એ બધું હટાવીને રસ્તો સાફ પણ કરવો પડતો હતો.
જંગલની અંદર અત્યારે બપોરના સમયે ખૂબ જ બફારો થઈ રહ્યો હતો. અમે બધા ગરમીને લીધે રેબઝેબ થઈ ગયા હતા. અમારા જેકેટ અને કોટ તો અમે ક્યારના કાઢી નાખ્યાં હતાં પરંતુ એ બધાંનો ભાર હવે લાગી રહ્યો હતો. હજુ તો માંડ જંગલ આવવાની શરૂઆત થઈ હતી અને હજી નીચે પહોંચવાનો રસ્તાનો દૂર દૂર સુધી કોઈ છેડો દેખાતો ન હતો.
રસ્તામાં એક મોટું રાયણનું ઝાડ આવ્યું તેને જોતાં તે રાયણ હોય એવું જ લાગ્યું. અમે થોડીવાર ત્યાં થાક ખાવાનું વિચાર્યું. પરંતુ આ ઝાડમાં નવાઈની વાત એ હતી કે તેના પર અત્યારે રાયણ હતી જે મોટે ભાગે ઉનાળામાં પાકતી હોય છે પણ કદાચ અમુક બારમાસી રાયણ પણ હોય એવું અમને લાગ્યું.
અમે બધા ત્યાં શાંતિથી બેઠા હતા દરેકના ચહેરા પર થાક દેખાઈ આવતો હતો. સવારે નિકળતી વખતે જે બધાની 'સ્ટાઈલ' હતી તે અત્યારે ધૂળ અને ગરમીમાં ક્યાંય ખોવાઈ ગઈ હતી.
આશિષ : " મને જોરદાર ભૂખ લાગી છે હું ઝાડ પર ચડીને રાયણ ખંખેરુ તમે બધા તે વીણી લેજો."
રાહુલ : " ભાઈ રેવા દે, ઉપરથી પડીશ તો હવે એવો છોડ નથી કે સાજા થવાય. "
એની વાત સાંભળીને અમે બધા હસવા લાગ્યા. આશિષ રાયણ તોડવા માટે ઝાડ પર ચડવાની કોશિશ કરી રહ્યો હતો આખરે ભાવેશે નીચેથી થોડો ટેકો આપતાં તે ઝાડ પર ચડી ગયો. તેણે ડાળીઓને હલાવી તો નીચે ઘણી પાકેલી રાયણ ખરવા લાગી. અમે બધા તે ખાવામાં અને વિણવામા મશગૂલ થઈ ગયા.
અચાનક જ આશિષે બૂમાબૂમ કરી મૂકી. તેની બૂમો સાંભળીને અમે પણ ગભરાઈને ઊભા થઈને તેને જોવા લાગ્યા. જેવી અમારી બધાની નજર ઉપર પડી ઉપરનું દ્રશ્ય જોઈને અમારા બધાનાં પગ ધ્રૂજી ગયા.
એક મોટો ' ઈન્ડિયન પાયથન ' આશિષની પાસે પહોંચી ગયો હતો અને એ વિશાળ અજગરે તેના પગને ડાળી ફરતે ભરડો લઈ લીધો હતો.......(વધુ આવતા અંકે )
શું આશિષને અમે અજગરના ભરડામાંથી બચી શકીશું? અમે સહી સલામત જંગલમાંથી નીકળી શકીશું? ગીરનારની આ ગેબી સફરમાં અમારી સાથે શું બનવાનું હતું? જાણવા માટે વાંચતા રહો આ રહસ્યમય સફરના આવનારા અંકો. આવનારા દરેક અંકો એક નવું રહસ્ય લઈને આવશે.
મિત્રો આપના પ્રતિભાવો મારા માટે બહુમૂલ્ય છે, સ્ટોરીને સારા રેટીંગ્સ આપીને વધુ સારૂ લખી શકું એ માટે પ્રોત્સાહિત કરશો એવી આશા રાખું છું. તમે અહીં મેસેજથી અથવા મારા વ્હોટસએપ નં 91060 18219 પર પણ આપનો મત જણાવી શકો છો.