Prem ke Pratishodh - 14 in Gujarati Fiction Stories by Vijay Shihora books and stories PDF | પ્રેમ કે પ્રતિશોધ - 14

Featured Books
Categories
Share

પ્રેમ કે પ્રતિશોધ - 14

પ્રેમ કે પ્રતિશોધ-14



(આગળ જોયું કે અજય સોમવારે કોલેજે ન આવતાં સુનીલ અને વિકાસ તેના ઘરે તપાસ કરવાં માટે જાય છે. સુનીલ ત્યાંથી નિખિલને મેસેજ કરીને બધા મિત્રો સાથે અજયના ઘરે જવાનું કહે છે. તેમજ રવિવારે સવારે નિખિલ,અજય અને દિવ્યા પિકનિક પર જવા નીકળે છે.)

હવે આગળ........

*કાંકરિયા-અમદાવાદ*

કાંકરિયા તળાવ સુલતાન કુતુબુદ્દીન અહમદશાહ બીજાએ ૧૫મી સદીમાં બંધાવેલું જેનું બાંધકામ ૧૪૫૧માં પૂર્ણ થયું હતું અને તે સમયે તે "કુતુબ-હૌજ" અથવા "હૌજ-એ-કુતુબ" નામે જાણીતું હતું

કાંકરિયા તળાવ એ અમદાવાદ શહેરનું સૌથી મોટું તળાવ છે. આ તળાવ અમદાવાદ શહેરના દક્ષિણ ભાગમાં મણીનગર વિસ્તારમાં આવેલું છે. આ તળાવનો પરિઘ આશરે ૨.૫ કિલોમીટર છે. કાંકરિયા તળાવની મધ્યમાં એક બાગ આવેલો છે જેનું નામ નગીના વાડી છે (નગીના શબ્દનો ઉર્દૂમાં અર્થ સુંદર થાય છે). તળાવના એક છેડેથી એનો પ્રવેશ બાંધેલો છે જે તળાવના મધ્ય સુધી લઇ જાય છે. કાંકરિયા તળાવ સહેલાણીઓ માટેનું એક આકર્ષણસ્થળ છે જ્યાં ફરવા અને ખાણીપીણીની ઘણી સુવિધા ઉપલબ્ધ છે. વર્ષના બારે મહિના લોકો સાંજના સમયથી મોડી રાત્રી સુધી અહીં ફરવા જાય છે

સવારના આઠ વાગીને ચાલીસેક મિનિટ જેટલો સમય થયો હતો.સુનિલ અને વિકાસ સૌથી પહેલા પહોંચી ગયા હતા. પાર્કિંગમાં બાઈક પાર્ક કરીને તેઓ બાજુમાં આવેલ બટરફલાય પાર્કમાં બીજા મિત્રોની રાહ જોઈ રહ્યા હતા.

લગભગ દસેક મિનિટ જેટલો સમય થયો હશે, ત્યાં તો નિખિલ, અજય અને દિવ્યા બટરફલાય પાર્ક તરફ આવતાં દેખાયા. નિખિલ જાણી-જોઈને આગળ ચાલી રહ્યો હતો. તેમને આવતા જોઈને સુનિલે કહ્યું,“આવ્યાં તો ખરા હો!,મને તો એમ કે અહીં જ બપોર કરી દેશે!"

સુનિલ આટલું બોલ્યો ત્યાંતો નિખિલ તેની બાજુમાં પહોંચી ગયો હોવાથી તેની વાત સાંભળીને પ્રત્યુત્તર આપ્યો,“આવી જ જઈએ ને!,તમારો મેસેજ આવે એટલે આવવું જ પડે ને સુનિલભાઈ."

વિકાસ હજી કોઈકના આવવાની રાહ જોઈ રહ્યો હોય તેમ કહ્યું,“અરે હજી વિનય-રાધી ના દેખાયાં ક્યાંય?"

દિવ્યાએ જવાબ આપતાં કહ્યું,“અરે એતો આવતાં જ હશે, હું કોલ કરીને તપાસ કરી લઉં?,"

તે મોબાઈલ હાથમાં લઈ રાધિના નંબર ડાઈલ કરવાં જતી હતી ત્યાં અજયે તેને અટકાવતાં કહ્યું,“દિવ્યા, ફોન કરવાની જરૂર નહીં મેં વિનય સાથે વાત કરી હમણાં તે રાધીને પિક કરીને આવે જ છે."

“ok",દિવ્યાએ ફોન પર્સમાં મૂંકતા કહ્યું.

થોડીવારમાં રાધી અને વિનય પાર્ક બાજું આવતાં દેખાયા બીજા કોઈનું ધ્યાન તેમના પર ગયું નહોતું, સૌપ્રથમ સુનિલે એમને જોઈને કહ્યું,“લો, આ સામે જુવો તેઓ આવે જ છે."

વિનય આવીને અજય અને નિખિલની બાજુમાં બેસે છે જ્યારે રાધી દિવ્યાની બાજુમાં ઉભી રહે છે.

“તો શું પ્લાન છે આખા દિવસનો?"દિવ્યાએ પૂછ્યું.

દિવ્યાના પ્રશ્નનો ઉત્તર આપતાં નિખિલે સુનિલ સામે જોઇને કહ્યું,“પ્લાન તો આપણા સુનિલભાઈએ બનાવ્યો હશે ને? એમને જ ખબર...."

“તમને રોજ બસ એક હું જ મળું છું?"સુનિલે નિખિલને સંબોધીને કહ્યું.

“અરે ના ભાઈ, પણ નિખિલ એમ કહેવા માંગે છે કે તમારું આયોજન સચોટ હોઈ છે."અજયે નિખિલ સામે જોઈ આંખથી ઈશારો કરતાં કહ્યું.

રાધીએ વચ્ચે કહ્યું,“એ બધું અત્યારે રહેવા દો, સવારમાં જ તમે લોકો સામસામે ચાલુ થઈ ગયા."

“ok"અજય અને નિખિલ બંનેએ એકસાથે કહ્યું.

સુનિલે વચ્ચે બેસતાં કહ્યું,“તો સાંભળો, પ્લાનમાં બીજુ કંઈ નથી અહીં આજુબાજુમાં આવેલ તમામ જેમકે, કમલા નહેરુ જીઓલોજીકલ પાર્ક, જલધારા વોટર પાર્ક, કાંકરિયા એકવેરિયમ, અમ્રપાલી ફનલેન્ડ, એડવેન્ચર વર્લ્ડ, પ્રકૃતિ મ્યુઝિયમ, કાંકરિયા હિલિયમ બલૂન રાઈડ અને અંતે કાંકરિયા તળાવ....."

નિખિલ તેને વચ્ચે અટકાવીને કહ્યું,“આટલું એક દિવસમાં?આપણે પિકનિક જેવું પ્લાન બનાવવાનું હતુ, બે-ત્રણ દિવસનું નહીં"

તેને પ્રત્યુત્તર આપતાં સુનિલે કહ્યું,“અરે પૂરું સાંભળો તો ખરા, આમાંથી જ્યાં જવું હોય ત્યાં એમ."

“તો અત્યારે પ્રાણીસંગ્રહાલય કેવું રહેશે? સવારના વાતાવરણમાં ત્યાં જઈએ તો?"સુનીલની વાત પૂર્ણ થતાં દિવ્યાએ પોતાનો તર્ક રજૂ કર્યો.

વિનયે કહ્યું,“આપણે જાણીએ જ છીએ કે આ મેડમ તો પ્રાણીપ્રેમી છે જ, ચાલો તો પહેલા ત્યાં જઈએ"

પાર્કમાંથી બધા કમલા નહેરુ જીઓલોજીકલ પાર્ક(પ્રાણીસંગ્રહાલય) બાજુ ચાલ્યા. લગભગ ત્રણેક કલાક જેટલો સમય તેમણે પાર્કમાં વિતાવ્યો હશે. જ્યારે તેઓ સંગ્રહાલય માંથી પરત ફર્યા ત્યારે લગભગ 12 વાગ્યા જેટલો સમય થવા આવ્યો હતો.

સૌથી આગળ ચાલતા સુનિલે કહ્યું,“હવે પહેલા પેટ પૂજા પછી કામ દુજા!"

“હા, હવે તો મને પણ કકડીને ભૂખ લાગી છે"વિકાસે પણ સુનીલની વાતમાં સુર પૂરવ્યો.

નિખિલે કહ્યું,“ચાલો, તો પહેલા જમી લઈએ, પછી થોડો સમય અહીં પાર્કમાં બેસીશું અને પછી ઍકવોરિયમ અને બલૂન રાઈડ...."

બપોરનું ભોજન પતાવી લગભગ દોઢક કલાક જેટલો સમય ત્યાં પાર્કમાં જ વિતાવ્યો, બલૂન રાઈડ અને એકવેરિયમ તેમજ પ્રકૃતિ મ્યુઝિયમ આ બધું પૂર્ણ કરતાં લગભગ સાંજના સાડા પાંચ વાગી ગયા.

“ચાલો તો હવે કાંકરિયા તળાવ બાજુ જઈએ, અત્યાર સુધીનો ટાઈમ કેમ પસાર થયો કંઈ ખબર જ ના પડી."દિવ્યાએ બધાને અનુલક્ષીને કહ્યું.

“તમે ચાલો આગળ અમે બસ થોડીવારમાં આવીએ"વિનયે રાધીને સંબોધીને કહ્યું.

“કેમ તમારે કંઈ કામ છે અહીં?"દિવ્યાએ પ્રશ્નાર્થ નજરે વિનય સામે જોઇને પૂછ્યું.

વિનયે ફરી રાધીને સંબોધીને કહ્યું,“ના ના, એવું કંઈ નહીં, તમે વિકાસ અને સુનીલ ત્યાં પહોંચો અમે બસ 5 મિનિટમાં ત્યાં આવી જઈશું"

રાધી જાણે વિનયના કહેવાનો ભાવાર્થ સમજી ગઈ હોય તેમ કહ્યું,“ok, તો ચાલો અમે જઈએ અને તમે પણ ફટાફટ આવી જજો."

“હા,"વિનયે હકારમાં માથું ધુણવ્યું.

રાધી,દિવ્યા,વિકાસ અને સુનીલ પાર્કમાંથી ઉભા થઈને તળાવ બાજુ ચાલ્યા.

તેમના ગયા બાદ તરત જ વિનયે નિખિલને કહ્યું,“કેમ ભાઈ નિખિલ એવું નહીં લાગતું આજે આપણાં અજયભાઈ સવારના કઈ વિચારમાં ખોવાઈ ગયા હોઈ?"

અજયે જવાબ આપતાં કહ્યું,“તમને એવું લાગ્યું હોય તો ભલે બાકી હું તો કંઈ વિચારમાં નથી."

નિખિલે વચ્ચે કહ્યું,“અજયભાઈ, તમારો જવાબ અમને ગળેથી નહિ ઉતરે, આમ પણ અમે જાણીએ જ છીએ તો પછી શું કામ વિચારો છો"

“તમે જાણતાં ત હોવ, તો શું કામ પૂછો છો?"અજયે બંનેને પૂછ્યું.

“છતાં પણ તારા મુખેથી સાંભળવા માંગીએ છીએ વત્સ!"નિખિલે કોઈ સંત-મહાત્માની જેમ એક હાથ ઉપર કરી અજયને આશીર્વાદ આપતો હોય તેમ કહ્યું.

અજયે પોતાની મુશ્કેલી જણાવતાં કહ્યું,“મને એક વાત નો ડર છે કે જો હું દિવ્યાને પ્રપોઝ કરું તો કદાચ પ્રેમને બદલે મિત્રતા પણ ગુમાવવી પડે!"

“એ વિનય આને સમજાય ને યાર, કેવી વાત કરે છે."

“અજય, દિવ્યા પણ તને પસંદ કરે છે એ તો તું જાણે જ છે. તો પછી ક્યાં વિચારવાની જરૂર છે?"વિનયે અજયને સમજાવતા કહ્યું.

“પણ એણે ક્યારેય એવું કહ્યું તો નથી ને?"અજયે વિસ્મયતાથી કહ્યું.

નિખિલે અજય સામે જોઈને કહ્યું,“ખરેખર હો, તારું કઈ ના થાય. ચાલ વિનય આને સમજાવવો બેકાર છે."

નિખિલ પોતાની જગ્યાથી ઉભો થવા જતો હતો ત્યાં વિનયે તેને હાથ પકડીને બેસાડ્યો અને કહ્યું,“બેસ તું એક મિનિટ, અજય તે ક્યાંય સાંભળ્યું કે કોઈ છોકરીએ છોકરાને પ્રપોઝ કર્યું હોય."

“ના."અજય બસ આટલું બોલી વિચારમાં પડી ગયો.

નિખિલ જાણતો હતો કે અજય નર્વસ થાય છે એટલે એણે વ્યંગ કરતાં કહ્યું,“મેં સાંભળ્યું પણ છે અને જોયું પણ છે."

“ક્યાં?" અજય અને વિનય બંને વિસ્મયતાથી નિખિલની સામે જોઈ રહ્યા.

“અરે રામાયણમાં, પેલી રાવણની બહેને લક્ષ્મણને પ્રપોઝ કર્યો હતો ને, એનું નામ મને યાદ નહીં આવતું......."નિખિલ આટલું બોલી વિચારવા લાગ્યો.

તેની વાત સાંભળીને વિનય અને અજય ખડખડાટ હસી પડ્યાં.

અજય અને વિનય બને એક સાથે બોલ્યા,“શૂર્પણખા....."

ત્રણેય એક બીજા સામે જોઈને હસવા લાગ્યા.

અચાનક નિખિલે અજયને પૂછ્યું,“તો કંઈ પ્લાનિંગ બનાવી?"

અજયે પ્રત્યુત્તર આપતા કહ્યું,“હું પણ એજ વિચારું છું કે કેવી રીતે દિવ્યાને....."

તેને વચ્ચે અટકાવતાં વિનયે કહ્યું,“કંઈ પ્લાન બનાવવાની જરૂર નહીં, આજે અત્યારે જ જઈને પ્રપોઝ કર ને?,દિવ્યા હા જ પાડશે."

નિખિલે કહ્યું,“ચાલો એ બધું ત્યાં જઈને જ વિચારી લે જે બધા આપણી રાહ જોઈ રહ્યા હશે."

વિનય અને અજય બંને એકસાથે બોલ્યા,“ok"

ત્રણેય રાધી અને બીજા મિત્રો ગયા હતા તે તરફ પ્રયાણ કર્યું.

વધુ આવતાં અંકે......

અજય દિવ્યાને પ્રપોઝ કરશે કે નહીં?

કોણ છે શિવાનીનો કાતીલ?

અર્જુન તેના સુધી કેવી રીતે પહોંચશે?

જાણવાં માટે વાંચતા રહો પ્રેમ કે પ્રતિશોધ માતૃભારતી પર.

*****

આગળના ભાગોમાં તમે જે સહકાર આપ્યો તે બદલ ધન્યવાદ.

તમારો પ્રતિભાવ મને વધુ સારી રચના કરવા પ્રેરતો રહેશે.

તો તમે તમારો પ્રતિભાવ જરૂરથી આપજો.

આભાર.

વિજય શિહોરા-6353553470