મનને આ બધું હવે યાદ આવી રહ્યું હતું એ વખતે નિમેશને માર્યા બાદ ભરત પોતાને કંઇક કહી રહ્યો હતો પણ એ તો ફક્ત કાનમાંથી પસાર થઈ ગયેલું, મને સાંભળ્યું જ ક્યાં હતું એના મનમાં તો બસ એક જ ધૂન ચાલુ હતી, મોહના...! મોહના..!
મન મોહનાનું રટણ કરતો કરતો ચાલવા લાગેલો...
બીજે દિવસે મન ક્લાસમાં ગયો ત્યારે થોડા વિદ્યાર્થીઓ સાથે મોહના પણ આવી ગઈ હતી. એ મોહનાની પાછળની બેંચ પર બેસી ગયો. મોહના એની બાજુવાળી છોકરી સાથે વાતો કરી રહી હતી અને મન ચૂપચાપ એને જ જોઈ રહ્યો હતો..!
ભરત મનની બાજુમાં બેસતા બોલેલો, “અરે યાર આટલે આગળ કેમ બેસી ગયો. ચોથી બેંચ પર? આટલે આગળ બેસીને ભણીશું તો આપણેય ડૉક્ટર થઈ જાશું...! ચાલ બે બેંચ પાછળ આવી જા.”
“ના યાર અહીં જ ઠીક છે. બેસી જા ને હવે એક દિવસમાં તું કંઈ દાકતર નહિ જાય!”
આટલું બોલતાં મનના હાથમાંથી પેન નીચે પડી ગઈ. એ નીચે ગયો પેન લેવા. પેન શોધતા શોધતા એની નજર મોહનાના પગ ઉપર પડી. પગની પાનીથી થોડે ઉપર સુધી મોજામાં ઢંકાયેલો મોહનાનો ગુલાબી પગ છેક ઢીંચણ સુધી ખુલ્લો હતો. સ્કર્ટમાંથી દેખાતો એનો ઘાટીલો પગ જોઈ મન ઘડીભર ત્યાં જ થંભી ગયો. એને મોડું કેમ થયું પાછા ઊભા થવામાં એ જોવા ભરતે પણ માથું નીચે નમાવ્યું.
“શું થયું? પેન ના મળી? અલ્યા એના ટાંટિયા હેઠળ તારી પેન છે..તો ખેંચી લે ને...એમાં શું ગભરાય છે.” ભરતે નીચે માથું નમાવતા જ જોયું કે મનની પેન ઉપર ભૂલથી મોહનાનો પગ આવી ગયો હતો.
હવે મનનું ધ્યાન ગયું કે એની પેન પર જ મોહનાનો પગ હતો એ કંઈ કહે, વિચારે એ પહેલાં જ ભરતે એના કંપાસમાંથી પરિકર કાઢ્યું મોહનાને પગે એની અણી સહેજ ખોસી...
“આઉચ...કંઇક વાગ્યું મને.” મોહના એનો પગ ઉઠાવી નીચે નમી. આજ વખતે ભરતે પેન ઉઠાવી લીધી અને ઊભો થઈ એની જગાએ બેસી ગયો હતો અને મન ઊભો થયો એ પહેલા મોહનાની નજર એના પર પડી ચૂકી હતી.
મોહનાને મન સામે જોતા જ ગુસ્સો આવી ગયેલો, એ હજી ગઈકાલ વાળો પ્રસંગ ભૂલી ન હતી એણે જરા ગુસ્સાથી કહ્યું, “તું બેન્ચ નીચે શું કરતો હતો? મને પગમાં શું વગાડ્યું?”
મન અચાનક પુછાયેલા સવાલથી ગભરાઈ ગયેલો અને બોલેલો, “મેં નથી વગાડ્યું. હું તો ખાલી જોતો’તો.”
“છોકરીની બેંચ નીચે ઘુસીને શું જોતો હતો, હલકટ! તારા ઘરમાં માબેન છે કે નહિ?” લાગ જોઇને નિમેષ પણ વચમાં કુદી પડ્યો.
ચાલતી ગાડીમાં મોકો જોઈને ચઢી જવામાં નિમેષ માહેર હતો. મોહના એની સામે જોઈ મીઠું મલકી. એ જોઈ નિમેષને વધારે હીરોગીરી સુજી. ભરત કંઈ જવાબ આપવા જતો હતો ત્યાં ટીચર આવી ગયા. ક્લાસમાં ટીચરનાં આવતાની સાથે જ મનની ફરિયાદ થઈ. કાલની વાત પણ કરાઈ. આજે ફરી એને બહાર ઊભા રહેવાની શિક્ષા મળી..! આજનો દિવસ બંને ક્લાસની બહાર ઊભા રહયા.
ભરતને પણ જાણે ટીખળ સુજી હોય એમ બહાર આવતાં જ મનને પૂછેલું, “આજે એક ઘડી તો હું પણ છક થઈ ગયેલો...નિમેષ સાચું કહેતો હતો? તું નીચે નમીને શું જોતો હતો?”
મનના ચહેરા પર એક સ્મિત ફરકી ગયું.
ભરત પણ ખુશ થઇ હસતાં હસતાં બોલી ઉઠેલો, ”બાત ક્યા હે મેરે યાર! તું તો સલમાન કે જેસે શરમાં રહા હે!”
“ખબર નહિ યાર પણ, જ્યારની એને જોઈ છે મારી આંખો આગળથી એનો ચહેરો હટતો જ નથી. એ મારી સામે આવે છે અને હું બધું જ ભૂલી જાઉં છું, કંઈ સંભળાતું નથી. કાનમાં અચાનક કોઈ રોમેન્ટિક ગીત સાંભળવા લાગે છે અને થાય છે કે બસ, એને જોયા જ કરું!” મને પણ ભાવુક થઈને દિલની પીડા હવે ના સહેવાતી હોય એમ ભરત સામે રજુ કરી દીધી.
“આ બહું ગંભીર બિમારી છે...વ્હાલા! જ્ઞાનીજન આને જ પ્યાર કહે છે. આમતો એ ભૂરી મને જરાય પસંદ નહતી આવી જ્યારે એણે નિમેષની મદદ કરેલી પણ હવે એ ભાભી થવાની છે તો પસંદ કરવી પડશે!” ભરતે મનના ખભે હાથ મુકીને કહેલું.
મન શરમાઈને સહેજ હસીને માંડ માંડ બોલી શકેલો, “શું વાત કરે છે યાર! એવું કંઈ નથી. એ તો રાજકુમારી છે અને હું ક્યાં?”
“એ રાજકુમારી તો તું પણ રાજકુમાર. તું જરાય ચિંતા ન કર યાર, હું છું ને! બે દિવસ આપણી બેઈજતી થઈ એ ભૂલી જા..હવેથી હું તને મોહના આગળ હીરો બનાવીશ...તું જોતો રહેજે. એક દિવસ આ ભરતો તારા ઘરે આવી મોહનાભાભીને હાથે બનેલો શીરો ખાશે...આ મારું પ્રોમિસ છે યાર...!!” ભરતે મનના ખભે એક ધબ્બો મારતાકને વચન આપી દીધું હતું.
મનને એના દોસ્ત ભરતની યાદ આવી ગઈ. જીંદગીમાં ભલે બીજું જે કંઈ પણ થયું એ થયું પણ ભગવાને એને ભાઈબંધ સગા ભાઈથી પણ અધિક કહેવડાવે એવો આપ્યો હતો.