Ajvadana Autograph - 35 in Gujarati Motivational Stories by Dr. Nimit Oza books and stories PDF | અજવાળાંનો ઓટોગ્રાફ - 35

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

અજવાળાંનો ઓટોગ્રાફ - 35

અજવાળાંનો ઓટોગ્રાફ

(35)

શરીરનો સૂર્યાસ્ત

૪૦ વર્ષ પછીનો સમય દરેક વ્યક્તિ માટે પડકારજનક હોય છે. એ સમય સ્વીકારનો હોય છે. અત્યાર સુધી મધ્યાહને તપતો શરીર નામનો સૂર્ય ધીમે ધીમે અસ્ત થવા તરફ પ્રયાણ કરે છે. એ ઢળતા શરીર સામે વિદ્રોહ કરીને યુદ્ધ કરવા કરતા, ૪૦ પછીનો સમયગાળો શરીર સાથે શાંતિ-મંત્રણા કરવાનો હોય છે.

કાયમ યુવાન રહેલા મનને જ્યારે શરીરનો સાથ નથી મળતો ત્યારે આપણી જાતમાં આંતર-વિગ્રહો ફાટી નીકળતા હોય છે. સફેદ થઈ રહેલા અને ખરતા વાળ, બેતાળાના ચશ્માં, ચહેરા પર ગ્લો લાવવાની મથામણમાં બ્યુટી-પાર્લરના ધક્કા અને આંખોની નીચેના કુંડાળા. ૪૦ પછીની સૌથી મોટી ચેલેન્જ મનુષ્ય માટે પોતાની જ જાતને સ્વીકારવાની હોય છે.

જેમણે અત્યાર સુધી ફક્ત પોતાની બાહ્ય સુંદરતાને જ પ્રાધાન્ય આપ્યું છે, એમની માટે આ સમય પોતાની સુંદરતાને જાળવી કે બચાવી રાખવાની મથામણમાં જ પસાર થઈ જાય છે. ૪૦ પછી ઘણી સ્ત્રીઓ બ્રેસ્ટ-ઇમ્પ્લાન્ટ કરાવે છે. કોસ્મેટીક સર્જરી આપણા અહમને તો સંતોષે છે પણ જાતને તો છેતરતી જ હોય છે. મેનોપોઝ સ્ત્રીના જીવનનું સૌથી મોટું યુદ્ધ છે કારણકે એ યુદ્ધમાં એણે સમય અને પોતાની જાત સામે લડવાનું હોય છે.

ચહેરા પર આવતી કરચલીઓ, એ વૃદ્ધાવસ્થાની અસર નથી. એ યુવાનીના પરિપક્વ થવાની નિશાનીઓ છે. કરચલીઓ તો સ્વજનો અને ગમતા લોકો પાછળ ખર્ચી નાખેલા સમયની રસીદ છે. દરેક કરચલીમાં જીવાઈ ગયેલા જીવનની એક વાર્તા છુપાયેલી હોય છે. બોટોક્સના ઇન્જેક્શન દ્વારા એ કરચલીઓને સંતાડી દઈને, જીવી ગયેલા ગમતા ભૂતકાળને આપણે ના-મંજૂર કરીએ છીએ.

૪૦ પછીનો સમય વરદાન છે. કારણકે એ સમયે કોઈને પ્રેમ કરવા માટે કોઈના શરીર પરનું અવલંબન ધીમે ધીમે લુપ્ત થતું જાય છે. શરીરની બાદબાકી કરીને પણ કોઈને પ્રેમ કરી શકાય, એવો અહેસાસ કરાવવા માટે જ આ સમય આપણી જિંદગીમાં આવતો હોય છે.

સફેદ થઈ રહેલા દાઢી-મૂછ અને છાતીના વાળ દરેક પુરુષને એક નવી સુંદરતા અને ઓળખાણ બક્ષે છે. પોતાના જીવનમાં દરેક પ્રકારના સુખ ભોગવી ચુકેલો પુરુષ હવે સ્વીકાર, શાંતિ અને સંતોષની શોધમાં નીકળતો હોય છે.

આ સમય જાતને નિખારવાનો નથી, ક્ષણોને શણગારવાનો છે. અરીસાઓ ફોડવાનો છે. અભિપ્રાયો તોડવાનો છે. કેવા દેખાઈએ છીએ એવી ઈમેજમાં બંધાયા વગર આપણે શું જોઈ શકીએ છીએ ? એ અનુભવવાનો છે. જિંદગી સાથે સગપણની વાત કરવા જતા હોઈએ ત્યારે મેક-અપ કરવાની જરૂર નથી હોતી.

૪૦ પછીનો સમય આપણને મદદ કરે છે, આપણે ચડાવેલા આવરણોમાંથી મુક્ત થવામાં. મનની જેમ શરીર પણ પરિવર્તન માંગે છે. આ બદલાઈ રહેલા શરીર સાથે ખેંચતાણ કરવાને બદલે એની સાથે સમાધાન કરી લેવામાં જ શાણપણ છે.

આપણને જ્યારે કોઈ વ્યક્તિમાં રહેલા દેહ સિવાયના આકર્ષણોની જાણ થાય છે, ત્યારે એ વ્યક્તિ સાથેનો સંગાથ કાયમી બની જતો હોય છે. શરીર જેવા ક્ષણભંગુર પરિબળોની બાદબાકી થશે તો જ આપણને સમજાશે કે સાચો પ્રેમ કરવાની ઉંમર, હવે જ ઈશ્વરે આપી છે.

શરીરનો સૂર્યાસ્ત અનિવાર્ય છે. ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં બળ લગાડીને સૂરજને ઉપર ખેંચવા કરતા જીવનની સંધ્યાનો આનંદ લેવો, વધુ સંતોષકારક છે.

-ડૉ. નિમિત્ત ઓઝા