Muhurta - 5 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | મુહૂર્ત (પ્રકરણ 5)

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

મુહૂર્ત (પ્રકરણ 5)

એ રાત હું ઊંઘી ન શક્યો. એ માટે નહિ કે એ કોઈ અજાણ્યું સ્થળ હતું પણ મારા મન પર એક નાગના મૃત્યુનો બોજ હતો. મારા કેટલા પોતાના લોકોએ મારા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. કેટલા લોકોએ પોતાના જીવનની કુરબાની આપી હતી. મેં મારા અંકલ અને આંટીને મરતા જોયા હતા. ત્યારબાદ અશ્વિની અને રોહિત, ભાઈ, ભાભીને અને હવે ફરી એકવાર મોતનો સિલસિલો શરુ થવાનો હતો. આઠ મૃત્યુનો બોજ મારી રાહ જોતો તૈયાર હતો પણ હું વધુ કોઈના મૃત્યુના બોજને સહન કરવા તૈયાર નહોતો.

માશીએ અમને ગેસ્ટ-રૂમમાં ઊંઘવાની સગવડ કરી આપી હતી પણ મારા જેમ વિવેક પણ ઊંઘી શક્યો નહી. તેનું મન સતત એ વિચારોમાં વ્યસ્ત હતું કે શું કરવું જોઈએ જેથી એ બધું અટકાવી શકાય.

મને અફસોસ હતો. કાશ! હું એ મુહુર્તમાં જન્મ્યો જ ન હોત! મારા અને નયનાના પ્રેમને લીધે કેટલીય જિંદગીઓ જોખમમાં મૂકાઈ ગઈ હતી. અમારો પવિત્ર પ્રેમ નિર્દોષ લોકોના લોહીથી ખરડાઈ જાય એ મને કે નયનાને મંજુર નહોતું.

રાત ઢળતી ગઈ. હું અને વિવેક નિશબ્દ રહ્યા પણ અમે બંને એક બીજાનું મન વાંચ્યા વગર જ જાણતા હતા કે અમારા દિમાગમાં શું ચાલે છે.

*

“નયના અમે તને એક સુરક્ષિત સ્થળે પહોંચાડી દઈએ પછી અમે અમારા કામ પર લાગી જઈશું...” ડાઈનીંગ ટેબલ પર સવારની ચા લેતી વખતે મેં કહ્યું.

“હું તને છોડીને ક્યાય નથી જવાની. એ પણ તારું જીવન જોખમમાં છે એ ખબર હોય ત્યારે તો કદાપી નહી. તું એવું વિચારી પણ કઈ રીતે શકે?” નયના પોતાનો ગુસ્સો ઠાલવવા લાગી.

એના મન પર શું વીતી રહ્યું હતું એ હું જાણતો હતો કેમકે મારા દિલો દિમાગ ઉપર પણ એ જ વીતી રહ્યું હતું. હું નયના સાથે રહેવા ઈચ્છતો હતો અને એ માટે જ હું બદલો અને નાગમણી બંને ભૂલીને નાગપુર છોડી એના સાથે નીકળ્યો હતો પણ કદાચ આકાશમાં એ મુહુર્ત રચતા સિતારા કુદરતે બનાવ્યા જ ન હતા જે મને અને નયનાને એક કરી શકે. મારી લાખ ઈચ્છા હોવા છતાં હું નયના સાથે રહી શકું તેમ નહોતો.

“મને ખબર છે તું મને છોડીને જવા નથી માંગતી પણ બીજો કોઈ રસ્તો નથી.” મેં નયનાને સમજાવી. એને સમજાવવું બહુ મુશ્કેલ હતું. એ બહુ જીદ્દી હતી. હમેશાથી એ જીદ્દી હતી. એ દરેક જન્મે જીદ્દી અને ગુસ્સેલ છોકરી જ હોય છે.

“હમેશા કોઈને કોઈ રસ્તો હોય જ છે. ભગવાન ક્યારેય બધા રસ્તા બંધ નથી કરતો.” નયનાને ભગવાન પર અપાર શ્રધ્ધા હતી.

“જે એક રસ્તો છે એ જ આપણે અપનાવી રહ્યા છીએ.” મેં કહ્યું.

હું એને એમ કહીને દુ:ખી કરવા માંગતો ન હતો કે ભગવાને ક્યારનાય આપણા એકબીજાને મળી શકવા માટેના દરેક રસ્તા બંધ કરી નાખ્યા છે.

“તને એ જ રસ્તો દેખાયો જેમાં આપણે અલગ થવું પડે? તું મારી સાથે રહેવા જ નથી માંગતો કપિલ. તું કોલેજમાં પણ મારાથી દુર રહેવા માંગતો હતો અને હવે પણ... મારા સાથે રહેવું જ ન હતું તો તે મને કેમ બચાવી?” નયના ફરી ફરીને એક જ વાત પર આવતી હતી.

એનો ગુસ્સો મને ક્યારેય નથી સમજાયો. હું એને કઈ રીતે શકું સમજાવું કે અમે બંને કેમ ભેગા રહી શકીએ તેમ નથી? હું એને કઈ રીતે સમજાવું કે હું એક નહિ અનેક જનમોથી એની સાથે રહેવાનો પ્રયત્ન કરતો આવ્યો છું? એની સાથે રહેવા શું માત્ર એને જોવા ખાતર રાતભર શિવ મંદિર બહાર બીલીપત્રના ઝાડની ડાળી પર વીંટળાઈ રહ્યો હતો. એના ઘરની બારી બહાર નાગ રૂપે બેસી રહી મેં કેટલા કલાકો વિતાવ્યા એ તો મને પણ યાદ નથી. એનું નામ મેં મારા હૃદય સાથે નાગપુરના જંગલમાંના કેટલા ઝાડ પર કોતરી નાખ્યું એ મને ગણતરી પણ નથી.. એ બધું એને સમજાવી કે કહી શકાય એમ નહોતું. હું લાચાર હતો.

“નયના.. પ્લીઝ.. તું સમજવાનો પ્રયત્ન કર.. હું તારી સાથે રહેવા ઈચ્છું છું પણ એ શકય નથી.”

“કેમ? હું સાથે હોઈશ તો મારા જીવનને જોખમ છે એમ જ ને? જો મને એ બદલ તારા સાથે રહેવા મળતું હોય તો હું મરવા તૈયાર છું.” નયનાએ શરતી વિધાન રજુ કર્યું. એ તત્વજ્ઞાન ભણી હતી માટે વિકલ્પન રજુ કરતી હતી પણ એને કયાં ખબર હતી કે ત્યાં વિધાન નિષેધ હતું.

હું એને કઈ રીતે કહું કે હા નયના તું મારા માટે હમેશા મરવા તૈયાર રહી છે ભલે તને મારી સાથે રહેવા મળે એમ હોય કે ન હોય.. અરે તે તો એકવાર મારા માટે જીવ આપ્યો છે. મેં બુલેટ તારી છાતી આરપાર નીકળી જતી જોઈ છે. તારા હ્રદયના લોહીથી ભીંજાયેલ એ બુલેટ હજુ મારી નજર સામે ભમે છે... હું એને એ બધું કઈ રીતે સમજાવું? કોણ જાણે ભગવાન અમારા પ્રેમની એવી કપરી કસોટી કેમ લઇ રહ્યો હતો.?

“હું તારા જીવનને જોખમમાં મુકવા તૈયાર નથી.. હું જીવનમાં બધું ગુમાવી ચુક્યો છું પણ તને ગુમાવવી મને મંજુર નથી... પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ નયના.” મેં આજીજી કરી. મારી આંખોમાં પાણી હતું અને નયના પણ આંસુઓ બગાડી રહી હતી કેમકે અમારું સાથે રહેવું અશકય હતું.. એ આંસુઓનો કોઈ અર્થ ન હતો... સારું હતું કે નયના આ જન્મે માનવ સ્વરૂપે જન્મેલ હતી જો એ એક નાગિન સ્વરૂપે હોત તો એને સમજાવવી મુશ્કેલ હતું.

“ઓ.કે. બટ હું તારાથી બહુ દુર નહિ જાઉં. તારે મને મળવા આવતા રહેવું પડશે. રોજ મારા સાથે ફોન પર વાત કરવી પડશે.” નયનાએ પોતાની ખાસ્સી એવી શરતો રજુ કરી પણ મને એ માનવામાં કોઈ વાંધો ન હતો. એને મળવા જવું અને એની સાથે ફોન પર વાત કરવી એ મારા માટે કોઈ મુશ્કેલ કામ નહોતું.

“ડન.” મેં કહ્યું, “થેંક યુ.”

“હું તારી આંખોમાં આંસુ નથી જોઈ શકતી. મને દુર મુકીને તને ખુશી થતી હોય તો તારી ખુશી માટે હું ગમે તે કરવા તૈયાર છું.”

દરમિયાન વિવેક ખામોસ જ રહ્યો પણ કેમ એ મને સમજાયું નહિ. કદાચ એ તુફાન પહેલાની ખામોશી હતી.

“આપણે બહુ જલદી એકબીજા સાથે હોઈશું નયના.. આ બધું પતી જાય એટલે આપણે ભેગા રહીશું..”

“હા, પણ હવે મમ્મી પપ્પાને મનાવવા પડશે. મને અહીંથી દુર મુકવા માટે એ આસાનીથી તૈયાર નહિ થાય. મમ્મી પપ્પાનું શું? એમને પણ કયાંક સલામત સ્થળે રાખવા પડશે ને?’

“એ ચિંતા મારા પર છોડી દો. હું બધું સંભાળી લઈશ.” વિવેક આખરે બોલ્યો. કદાચ એ પહેલેથી જ આ સવાલનો જવાબ આપવા વિચારી રહ્યો હતો.

વિવેકનો પોતાની જાત પરનો કોન્ફીડંસ વાજબી હતો. એણે અડધા કલાકમાં નયનાના મમ્મી પપ્પાને એ સમજાવી નાખ્યું કે તેઓ સલામત નથી અને માટે તેમને નાગપુર ફરીથી ન જવું જોઈએ. તેમને ત્યાં જ પુનામાં માશીને ત્યાં રહેવું જોઈએ. માશીને પણ એનાથી કોઈ જ સમસ્યા ન હતી કેમકે એ મોટા મકાન અને એટલી જ મોટી પ્રોપર્ટી ધરાવતા માશી પાસે પરિવારના નામે કોઈ ન હતું. નયનાના મમ્મી પપ્પા ત્યાં જ રહેવાના છે એ બાબતે તેઓ ખુશ હતા. બસ તેઓ નયના પણ ત્યાં જ રહે તેવું ઇચ્છતા હતા.

“જયાં સુધી હું અહી છું ત્યાં સુધી નયના સલામત છે. એની ફિકર કરવાની કોઈ જરૂર નથી.” ડાઈનીંગ ટેબલ પર નવી ચાદર બદલવા આવેલા માશીએ કહ્યું, “હું એને ક્યાય મુકવા તૈયાર નથી થવાની. આવડા મોટા ઘરમાં આટલી મોટી પ્રોપર્ટી સાચવીને બેઠી છું આમ ડરતી હોત તો ક્યારનીય કોઈએ પડાવી લીધી હોત.”

આંટીની જીભ અને હાથ બંને મક્કમતાથી ચાલતા હતા. પણ એ જાણતા નહોતા કે ચાદર બદલવા જેવું એ કામ આસાન ન હતું. જોકે આંટીની દલીલ સાચી હતી. શહેરોમાં એકલી વિધવા સ્ત્રી પાસેથી મિલકત પચાવી લેનારા કમ નથી હોતા અને જરૂર માશી એમની સામે લડ્યા હશે પણ કદાચ અમારા જે દુશ્મન હતા એ અલગ હતા એમની સામે લડવું કોઈ પણ માનવ માટે અશકય હતું.

અમે માશીને મનાવવા અનેક પ્રયાસ કર્યા. દુશ્મન કઈ હદ સુધી જઇ શકે છે અને દુશ્મન કોણ છે એ કહ્યું. પણ એમના માટે ડર કોઈ અજાણ્યી ચીજ હોય તેમ લાગ્યું.

“કપિલ, જરાક અસલી સ્વરૂપમાં આવીશ.” અંતે વિવકે જે એક ઉપાય બચ્યો હતો એ અજમાવવા વિચાર્યું. કદાચ એ એક જ રસ્તો હતો.

હું કયારેય કોઈની સામે પોતાના અસલી નાગ સ્વરૂપે ન આવતો પણ મારી પાસે માશીને સમજાવા માટે બીજો કોઈ રસ્તો નહોતો. હું એક પળ માટે નાગમાં પરિવર્તિત થઇ ગયો. નયના મને નવાઈ પૂર્વક જોઈ રહી. તેના માટે મને નાગ તરીકે જોવો નવાઈ પમાડે તેવી ચીજ હતી. એની આંખો મારા તરફ જ મંડાઈ રહી. હું ફરી માનવ સ્વરૂપ ધારણ કરું એ પહેલા મને કઈક ચીજ જમીન પર અથડાવાનો અવાજ સંભળાયો. હું ઝડપથી માનવ સ્વરૂપે આવ્યો અને ત્યારે મારા ધ્યાનમાં આવ્યુ કે માશી બેભાન થઇ ઢળી પડ્યા હતા. સારું થયું જમીન પર નરમ કાર્પેટ લગાવેલ હતી નહિતર તેમના શરીરને ચોટ વાગી જાત.

આંટી મને મમ્મીની યાદ અપાવતા હતા. તે મમ્મીની જેમ રમુજી સ્વભાવના હતા. બસ બંને વચ્ચે એક જ ફર્ક હતો કે મમ્મી ફિલ્મી ન હતી અને તેઓ ફિલ્મી હતા.

“મને લાગે હું ખોટી હતી. આવનાર દુશ્મન પણ જો રૂપ બદલી શકતો હોય તો નયના અહી સલામત નથી...” આંટીનું ભાનમાં આવ્યા પછીનું એ ફર્સ્ટ સ્ટેટમેન્ટ હતું.

“કદંબ પાસે એના કરતા પણ વધુ તિલસ્મ છે. એ કઈ હદ સુધી જઇ શકે છે તે શબ્દોમાં વર્ણવવું મુશકેલ છે. નયના કોઈ અલગ સ્થળે જ સલામત છે. જો તે પરિવાર સાથે હશે તો શિકારીને એને શોધતા વાર નહિ લાગે.” વિવેક એક મદારી હતો અને કદંબનો જ એપ્રેન્ટીસ હતો માટે એ કદંબની તાકત જાણતો હતો. તે આંટીને ડરાવતો નહોતો પણ તે હકીકત વર્ણવતો હતો.

“નયનાને કયાં મોકલવાના છો?” નયનાના મમ્મીના અવાજમાં ઉદાસી હતી. પોતાનું સંતાન દુર થઇ રહ્યું હોય એ સમયે માતાના અવાજમાં ઉદાસી હોય એ દેખીતી વસ્તુ હતી. માશીની આંખોમાં પણ નયનાને દુર મોકલવાનું એટલું જ દુ:ખ હતું. તે નયના સાથે કાયમ રહેતા નહી છતાં તેમની આંખોમાં નયનાને દુર મોકલવાનું દુ:ખ હતું એ જરાક નવાઈ પમાડે તેવી બાબત હતી. કદાચ એટલે જ નયનાને સગા વહાલા સાથે વધુ લગાવ હતો.

“નયના એક હોસ્ટેલમાં રહેશે..” વિવેકે ખુલાસો કર્યો.

“વોટ? હોસ્ટેલમાં?” નયના પહેલા પણ હોસ્ટેલમાં રહી કંટાળી ગયેલી હતી, “હું હોસ્ટેલમાં રહીને બોર થઇ ગઈ છું.”

“બીજો કોઈ વિકલ્પ નથી. તને કોઈ દુરના શહેરની કોલેજમાં મુકીશું જયાં કોલેજ કેમ્પસમાં ગર્લ્સ હોસ્ટેલ હોય. તારે કેમ્પસ બહાર નીકળવાની જરૂર નહિ પડે. તું સલામત રહીશ. બાકી એ લોકો નામ અને હુલિયા બદલી નાખ્યા પછીયે દુશ્મનને શોધી લે છે. એમાં પણ એ તને શિકાર સમજવા લાગ્યા છે. એ શિકાર જેના લીધે તેમના બે માણસો માર્યા ગયા છે. મરેલા મદારીઓના ગળા કાપ્યા એ તાસના પાના કદંબે હજુ સાચવીને રાખ્યા હશે. એક તારા માટે અને એક મારા માટે.” વિવેક જાણતો હતો કે શિકારી મદારીઓ બદલો લેવાની કેટલી તીવ્ર ઈચ્છા રાખે છે.

“નયના કયા શહેરમાં રહેશે?” માશીએ સવાલ કર્યો.

“આઈ એમ સોરી.. એ કોનફીડેન્ટલ છે... હું કોઈને ન કહી શકું.” વિવેક નયનાના વેરઅબાઉટ વિશે કોઈને કહેવા તૈયાર નહોતો.

“મારા મમ્મી પપ્પાને પણ નહિ?” નયનાએ તેના ચહેરા પર આઈ એમ શોક એટીટ્યુડ બતાવ્યો.

“યસ... નોટ ઇવન યોર પેરેન્ટ્સ..” વિવેક એ રુડ શબ્દો અંગ્રેજીમાં બોલ્યો જેથી ઓછા રુડ લાગે પણ રુડ શબ્દો હમેશા રુડ રહે છે પછી તે ભલે કોઈ પણ ભાષા કે બોલીમાં બોલાયા કેમ ન હોય.

“અમને કોઈ વાંધો નથી. જો એમ કરવાથી નયના સલામત હોય તો અમને કોઈ વાંધો નથી.” નયનાના મમ્મી આગળ આવ્યા.

મને લાગ્યું વિવેકે જરાક અઘરી શરત મૂકી હતી. નયનાના પેરેન્ટ્સ ઓબ્જેકસન ઉઠાવશે પણ તેઓ એકદમ સહેલાઈથી માની ગયા. મને વિશ્વાસ નહોતો થયો. કદાચ મમ્મી પપ્પા માટે તેમનું સંતાન સલામત રહે એ તેમની સાથે રહે એના કરતા વધુ મહત્વનું હોય છે. દરેક પેરેન્ટ્સ એવા જ હોય છે. મારા પેરેન્ટ્સ પણ એવા જ હતા. એમને ખબર પડી કે કૃણાલના જીવન પર જોખમ છે ત્યારે તેઓ એને નાગલોક મોકલવા માંગતા હતા જેથી તે સલામત રહે. એની પાસે ઓપ્સન હતો એ નાગલોક જઈ શકે તેમ હતો એની પાસે ત્યાં જવા માટેના દરવાજાની ચાવી રૂપે એનું મણી હતું. પણ એણે ઇનકાર કર્યો કેમકે તે એક માનવ છોકરી સાથે પ્રેમમાં હતો.

કૃણાલ કોઈ પણ સંજોગોમાં પોતાના પ્રેમને એકલો મૂકીને નાગલોક જવા તૈયાર નહોતો. ભાભી નયના જેમ નાગિન ન હતી. નયના આ જન્મે માનવ છે પણ ગયા જન્મે નાગીન હતી. જો હું મણી પાછું મેળવી લઉં અને એ મણીને નયના માથા પર લગાવી લે તો એને પાછળનો જન્મ યાદ આવી જાય અને ત્યારબાદ એને નાગલોકમાં આવવાની પરવાનગી મળી શકે પણ ભાભી તેમના પાછળના જન્મે પણ માનવ જ હતા. એમને નાગલોક સાથે દુર દુરનો પણ કોઈ સંબંધ ન હતો માટે તેઓ કયારેય નાગલોક જઇ શકે તેમ નહોતા અને તેમના વિના કૃણાલ પણ પૃથ્વીલોક છોડવા તૈયાર નહોતો.

કદાચ દરેક નાગની આ કમજોરી છે. નાગ ફીઅર્સ વરિયર હોઈ શકે છે પણ એ સાથે પેસનેટ લવર પણ હોય છે. જે દુશ્મન માટે એનો જીવ લેવાનું કામ સરળ બનાવે છે. દુશ્મનને માત્ર નાગની કમજોરી શોધવાની રહે છે અને ત્યારબાદ તેને બેઈટ તરીકે વાપરી એ નાગને આસાનીથી મારી શકે છે.

“હવે આપણે નીકળવું જોઈએ.” વિવેકના શબ્દોએ મને કૃણાલના વિચારોમાંથી બહાર લાવ્યો.

“મારી પાસે તો સાથે લેવા માટે એક જોડ કપડા પણ નથી.. અને મારી કોલેજમાંથી લીવીંગ સર્ટિફિકેટ કોણ લાવશે...?”

“તારું લીવીંગ સર્ટિફિકેટ ત્યાની કોલેજ પહોચી ગયું છે. મારા પપ્પા એ બધું મેનેજ કરે છે. તારી જૂની કોલેજમાં કોઈને ખબર નહિ પડે કે તે કયાં એડમીશન લીધું છે અને રહી વાત કપડાની તો આપણે જે શહેર જઇ રહ્યા છીએ એ શહેર શોપિંગ માટે એકદમ સારું છે અને સસ્તું છે.” વિવેકે વાતાવરણને હળવું બનાવવા માટે હસીને કહ્યું.

“તમે જાદુગર આટલા ઝડપી નિર્ણય કઈ રીતે લઇ શકો છો?” નયનાએ મો બનાવ્યુ.

“કોલેજ પૂરી થયા પછી તું મારી આસિસ્ટન્ટ બની શકે છે હું તને સોર્સેસર્સ એપ્રેન્ટીસ બનાવી દઈશ.”

હું વિવેકના મનને સમજી શકતો હતો. એક સાચો મદારી અને ઈચ્છાધારી નાગ હમેશા એકબીજાના મનને જાણી લે છે અને એટલે જ કદાચ હું આજે તમને મારી કહાની સંભળાવવા જીવિત છું નહિતર મારા માટે મૃત્યુએ તો ભેડાઘાટ પર જ જાળ બિછાવી હતી. એ વિવેક હતો જેણે મને ભેખડ પરથી નીચે ફેકતા પહેલા મારી આંગળીમાં નક્ષત્રની કોતરણીવાળી વીંટી પહેરાવી દીધી જેથી હું મારી જાતને ત્રણસો ફૂટ ઊંડી ખીણમાં પછડાતી અટકાવી શક્યો. વિવેક તમારા પૃથ્વીલોકનો અચ્છો મર્દ માણસ હતો.

જોકે મેં હજુ એને એ બદલ થેંકસ પણ ન હતું કહ્યું. કદાચ એણે પણ કોઈ થેન્કસની આશા રાખ્યા વિના જ મને બચાવ્યો હતો.

હું વાત કરી રહ્યો હતો વિવેકના મનની. એના મનમાં હજુ પણ માત્ર કદંબ સાથે વેરની વસુલાત કરવાના અને એક જ મુહુર્તમાં જન્મેલ નવ નાગમાંથી બાકી બચેલ આઠ નાગને બચાવવાના વિચારો ચાલતા હતા. તે નયનાના પેરેન્ટ્સની ઉદાસી દુર કરવા માટે એવું વર્તન કરતો હતો જે વાતાવરણ હળવું બને.

નયનાની લાગણી પણ હું જાણી શકતો હતો. તમે એનાથી પરિચિત છો - કદાચ મારાથી પરિચિત થયા એ પહેલાના તમે નયનાથી પરિચિત છો અને મને ખાતરી છે કે નયના મેવાડા તમારી ફેવરીટ બની ગઈ હશે. એમાં કઈ ચોકવા જેવું નથી કે મને કઈ રીતે ખબર હોઈ શકે કે નયના મેવાડા તમારી ફેવરીટ છે.

શું હું તમારા બધાના મન વાંચી શકું છું? ના, એવું નથી. મેં તમારું મન નથી વાંચ્યું. હું તમારા મન વાંચવા નથી આવ્યો પણ મને નયનાના મન અને હૃદય વિશે જાણકારી છે. એ છે જ એવી કે બધાની ફેવરીટ બની જાય છે. દોસ્તો અને દુશ્મન બંનેની. કદાચ એટલે જ મને ડર હતો કે કદંબના શિકારી મદારીઓ નયનાનો પીછો ક્યારેય નહિ છોડે.

એક નાગિન જયારે પોતાને મળેલ કોઈ અભિશાપને લીધે માનવ સ્વરૂપે જન્મે ત્યારે તેના જીવન પર સતત કેટલું જોખમ હોય છે એ જાણવા કા’તો તમારે કપિલ બનવું પડે અથવા નયના. પણ હું નથી ચાહતો કે મારા સિવાય કોઈને આવા લોહિયાળ જંગ લડવા પડે, દરેક જન્મે મારે બહાદુર દોસ્તોને ખોવા પડ્યા એમ કોઈને એ બધું પારાવર દુખ સહન કરવું પડે.

નયના એ સ્થળ છોડવા જરાય તૈયાર નહોતી. એ કલ્પના પણ ન કરી શકાય એટલી ઉદાસ હતી કેમકે તેને તેના મમ્મી પપ્પા અને પોતાના પ્યાર બધાને છોડીને એક અજાણ્યા સ્થળે જવાનું હતું. હજુ એને એ પણ ખબર નહોતી કે તેને ક્યાં જવાનું હતું. બસ એ મારા અને વિવેક પર વિશ્વાસ રાખીને અમે એને જ્યાં મોકલીએ ત્યાં જવા માટે તૈયાર હતી.

દુનિયાભરના હ્રદય વિશે મેં કહી નાખ્યું પણ મારું હ્રદય? એમાં જે લાગણી હતી એ વર્ણવવા મારી પાસે કોઈ શબ્દ નથી. હું એક આખો જનમ નયનાની રાહ જોવામાં વિતાવી ચુકયો હતો. મારા પાછળના જન્મમાં નયનાને ખોયા પછી મે બસ એ જ રાહ જોઈ હતી કે ક્યારે અમે ફરી જન્મ લઈએ અને ક્યારે ફરી મળીએ. પણ જયારે અમે બીજીવાર મળ્યા એ પહેલા મને અંત દેખાવા લાગ્યો હતો. જે યાદ સપનું બની નયનાને દેખાતું હતું એ આ દુનિયાનું ન હતું એ તેની ગયા જન્મની યાદો હતી. જે અધુરી રહી ગઈ હતી.

નાગલોક કે પૃથ્વી લોકમાં કોઈ એવી રાત હતી જ નહિ જે અમારું મિલન કરાવી શકે. નયનાને મળ્યા પહેલા જ મને ખયાલ આવી ગયો મારે નયનાને ન મળવું જોઈએ. મને અંદાજ આવી ગયો નયના અને હું ક્યારેય એક નહિ થઇ શકીએ કેમકે હું જે મુહુર્તમાં જન્મ્યો હતો એ મુહુર્તમાં જન્મેલ નાગને ક્યારેય પોતાનો પ્રેમ મળતો જ નથી. તેની પ્રિયતમા હમેશા તેનાથી દુર થઇ જાય છે.

હું બધું જાણતો હતો છતાં હું નયનાની નજીક ચાલ્યો ગયો. કદાચ જનમ જનમનો પ્રેમ મૃત્યુ અને એકબીજાથી દુર થઇ જવાના ડર કરતા પણ શક્તિશાળી હોય છે. એ પ્રેમ અમને એકબીજા તરફ ખેચી ગયો. પ્રેમને કોઈ સીમાઓ નથી નડતી. જન્મ-મૃત્યુના બંધનથી એ પરે છે. એ આત્માનું આત્મા સાથે બંધન છે. પ્રેમને ખોળિયા બદલાઈ જવાથી કોઈ ફેર નથી પડતો. એ તો નદીની જેમ નિરંતર વહેતો રહે છે અને કોઈ નદી સાગરને મળ્યા પહેલા કઈ રીતે સુકાઈ શકે?

પ્રેમ તો ધરતી અને આકાશના મિલન જેવો છે. એકબીજાને ભેગા થયા પહેલા એ કઈ રીતે ભુલાઈ શકે? છતાં એ જ પ્રેમ અનેક દુખો આપી જાય છે. લાખો હૃદયમાંથી કોઈ એક ભાગ્યશાળી હૃદય એ પ્રેમનું હકદાર બને છે પણ એ પ્રેમ એની કસોટી લેવામાં કોઈ કચાસ નથી છોડતો. એ કુમળા હૃદયે કંટક માર્ગે ચાલવું પડે છે. અગ્નિમાં સળગવું પડે છે અને કુદરતની હર કસોટીમાં પાર થવું પડે છે. સાચો પ્રેમ સ્વર્ગ અને પૃથ્વીના સબંધ જેવો છે. તે આકાશથી ઉંચો અને સમુદ્રથી ઊંડો છે. એનો પુરાવો મારું અને નયનનું જીવન છે. અમે અનન્યા અને વરુણ રૂપે એક ન થઇ શક્યા તો પ્રેમ અમને કપિલ અને નયના રૂપે મેળવવા દોડી આવ્યો હતો. પણ કદાચ અમને એક કરવા ફરી દોડી આવવું એ પ્રેમની ભૂલ હતી. અમારું નશીબ વારેવારે પ્રેમના આડે આવી જતું હતું. હવે હું પ્રેમની એ ભૂલને આગળ વધારી ન શકું. હું નયનાને મારી સાથે ઈચ્છતો હતો હંમેશાથી પણ મને સમજ પડી કે કેમ માતાપિતા પોતાના સંતાનને પોતાની સાથે રાખવા કરતા પોતાનાથી દુર પણ સલામત રાખવાનું વધુ પસંદ કરે છે. મને સમજાઈ ગયું હતું કે કેમ મમ્મી પપ્પા કૃણાલને નાગલોક મુકવા તૈયાર હતા. કેમ નયનાના મમ્મી પપ્પા કોઈ જ ઓબ્જેક્શન વિના પોતાની દીકરી કયાં જઇ રહી છે એ જાણ્યા વિના પણ એને પોતાનાથી દુર મોકલવા તૈયાર હતા કેમકે તેઓ એને સલામત જોવા ઇચ્છતા હતા.

કદાચ પ્રેમનો ખરો અર્થ બલિદાન છે. એનું અસલ રૂપ મિલન નહિ પણ જુદાઈ છે. હું પણ એ જ ઈચ્છતો હતો. મારા માટે નયના મારી નજીક રહે એના કરતા સલામત અને સુરક્ષિત રહે એ વધુ મહત્વનું હતું. મારે મારા મનને મનાવવું પડ્યું. મારે મારી જાતને સમજાવવી પડી કે અમે બંને એકબીજા માટે બન્યા હતા પણ એકબીજા સાથે રહેવા માટે નહી. નયના અને મારું મળવું એ એક વિધિની વક્રતા સિવાય કશુ નહોતું.

“કપિલ ક્યાં ખોવાઈ ગયો?” વિવેકે મને વિચારોમાંથી બહાર લાવ્યો. મેં એની તરફ જોયું. નયના તેની બાજુમાં બેગ પેક લઈને ઉભી હતી. નયનાએ આશમાની રંગની ઓઢણી ઓઢી હતી અને તેવા જ રંગનો ડ્રેસ પહેરેલ હતો. એ વરસાદના મોસમને વધાવવા નાચતા મોર જેવી શોભતી હતી.

મને નવાઈ લાગી કે નયનાએ એ ડ્રેસ કેમ પહેર્યો હતો. ક્યાંક બહાર જતી વખતે છોકરીઓ ખાસ કરીને નવા અને સ્ટાઈલીશ કપડા પહેરવાનું પસંદ કરે છે. પાછળથી મને ખબર પડી કે તેની પાસે કોઈ કપડા નહોતા માટે માશીના વોર્ડરોબમાંથી જે ડ્રેસ તેના શરીર પર ફીટ થઇ શકે તેમ હોય તે ડ્રેસ લઇ પહેરી લીધો હતો. કદાચ માંશીએ પોતાના મેરેજ પહેલા ખરીદેલ એ ડ્રેસ હશે એમ મને લાગ્યું.

જુના ડ્રેસમાં એ મને નયના કમ અનન્યા વધુ લાગી. જંગલથી અમે સીધા કોલેજ ગયા હતા અને કોલેજથી પુના એની પાસે શું અમારી કોઈ પાસે પહેરેલ કપડા સિવાય બીજા કપડા નહોતા. અમારા કપડા ખાસ મેલા અને ગંદા નહોતા પણ નયનાના કપડા મેલા અને ગંદા હતા. કારણ હતું ભેડાઘાટ. ત્યાં થયેલ ઘટના મારા માનસ પટલ પર એક ચિત્રમાળાની જેમ પસાર થઇ ગઈ અને મારી આંખમાં ખૂન ઉભરાઈ આવ્યું. મારા લામણાની નશો તંગ થઇ ગઈ અને મારી મુઠ્ઠીઓ બંધ થઇ ગઈ.

“રિલેક્ષ. આપણે ભેડાઘાટ પર નથી.” વિવેકે મારા વિચારો જાણી લીધા હતા. એણે મારા ખભા પર હાથ મૂકી મને શાંત કર્યો.

મેં કહારમાં માથું ધુણાવ્યું. ફરી મારું ધ્યાન નયના તરફ ગયું. આશમાની રંગના એ લુઝ ડ્રેસમાં નયના કોઈ આશમાનની પરી જેવી શોભતી હતી. નાગલોકમાં કોઈ રાજકુમારી પણ એના જેટલી મોહક નહિ હોય. અફસોસ આસમાની કેલેન્ડરમાં અમારા માટે કોઈ સમય કોઈ દિવસ કોઈ તારીખ લખાયી જ ન હતી. અમારા માટે માત્ર વિરહ જુદાઈ અને એકબીજાથી દુર રહેવાનું લખાયું હતું.

મને એક પળ માટે આસમાની કેલેન્ડર પ્રત્યે નફરત થઇ પણ બીજી જ પળે હું નયનાના એ સુંદર ચહેરામાં ખોવાઈ ગયો.

“હવે જવું છે કે મને જોયા જ કરીશ.” નયનાએ કહ્યું.

“જવું છે ને.” મેં એના હાથમાંથી બેગ લીધી અને અમે ઘરની બહાર નીકળી ગયા. મેં પાછળ ફરીને ન જોયું કે ન નયનાએ જોયું. કદાચ અમારા બેમાંથી એકેયમાં માશી અને નયનાના પેરેન્ટ્સના ઉદાસ ચહેરા જોવાની હિંમત નહોતી.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky