મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:29
પોતાનાં પાંચમા શિકાર નિત્યા મહેતાનું હત્યા માટે કિડનેપ કર્યાં બાદ એ સિરિયલ કિલર એને ટોર્ચર કરતો પોતાનો વીડિયો બનાવી એની ફૂટેજ દરેક ન્યૂઝ ચેનલમાં મોકલાવે છે..સતત મળતી નાકામયાબી પછી હતાશ રાજલ એ સિરિયલ કિલર વિરુદ્ધ પોતાનાંથી કોઈ સબુત છૂટી ગયું હોય તો એને પકડી પાડવા એનાં આગળનાં ચારેય વિકટીમનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પુનઃ વાંચે છે..આ સાથે જ એનાં ચહેરા પર ચમક આવી જાય છે અને એ બોલી પડે છે.
"Welcome રિવરફ્રન્ટ સિરિયલ કિલર.."
રાજલે પહેલાં ખુશ્બુ નો,પછી મયુર,પછી વનરાજ અને છેલ્લે હરીશનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ વાંચ્યો..આમાં રાજલે એક વસ્તુ નોંધી કે ચારેય વિકટીમ ની આંગળીઓ કપાયેલી હતી..ખુશ્બુ ની એક,મયુરની બે,વનરાજ ની બે તો હરીશ ની એક આંગળી કપાયેલી હતી..આ વસ્તુ ઉપરથી રાજલે એક વસ્તુ માર્ક કરી હતી..ખુશ્બુ ની એક આંગળી કપાયેલી હતી..તો એનાં પછી મયુર નાં કિડનેપિંગ નાં એક દિવસ બાદ એની લાશ પોલીસને મળી આવી.
આજ રીતે મયુરની બે આંગળીઓ કપાયેલી હતી તો સિરિયલ કિલર નો ત્રીજા શિકાર બનનાર વનરાજ ની લાશ એનાં અપહરણનાં બે દિવસ પછી મળી..વનરાજ ની પણ પગની એક આંગળી મોજુદ નહોતી અને હરીશ ની લાશ એનાં કિડનેપિંગ નાં એક દિવસ પછી મળી હતી..જેનો મતલબ હતો કે હરીશ ની જેટલી આંગળીઓ કપાયેલી હશે એટલાં દિવસ પછી જ નિત્યા ની લાશ મળશે અને આ મુજબ હરીશની કપાયેલી આંગળી પરથી રાજલ સમજી ગઈ કે નિત્યા નાં કિડનેપિંગ નાં એક દિવસ બાદ એટલે કે આવતીકાલે સવારે નિત્યા ની લાશ એ સિરિયલ કિલર આજે રાતે જ રિવરફ્રન્ટ જોડે ફેંકી જશે.
પોતે એ કાતીલ દ્વારા છોડવામાં આવેલી એક નવી હિન્ટ પોતાને ખબર પડી ગઈ હોવાની ખુશી રાજલનાં ચહેરા પર ઝલકી રહી હતી..આજે તો એ સિરિયલ કિલર જોડે સીધો મુકાબલો થશે એવી આશા એ રાજલે પોતાની કેબિનમાંથી બહાર નીકળી સમગ્ર પોલીસ સ્ટાફ ને તાબડતોડ કોનફરન્સ રૂમમાં આવવાં કહ્યું.
દસ મિનિટ માં રાજલનાં પોલીસ સ્ટેશનનાં બધાં કર્મચારીઓ કોનફરન્સ રૂમમાં જઈ પહોંચ્યાં હતાં.. રાજલે માઈક પર બધાં ને સૂચના આપતાં કહ્યું.
"નમસ્કાર, આપ સૌ ને નવાઈ લાગતી હશે કે મેં તમને અહીં કેમ ભેગાં થવાં જણાવ્યું..તો આપ સૌ ને કહી દઉં કે રિવરફ્રન્ટ સિરિયલ કિલર આજે રાતે નિત્યા મહેતા ની લાશ ને ફેંકવા રિવરફ્રન્ટ આવશે..એનાં સુધી પહોંચવાની અને નિત્યા ને બચાવવાની કોઈ સ્થિતિ હાલ પૂરતી તો નથી..માટે હવે આપણે એનાં ત્યાં આવવાની રાહ જોઈને બેસી રહીએ અને જ્યારે એ દર વખતની જેમ લાશ ફેંકવા રિવરફ્રન્ટ આવે ત્યારે એને ઝડપી લઈએ..કોઈ સવાલ..?"
રાજલનાં આમ બોલતાં જ મનોજે પોતાની આંગળી ઊંચી કરી પોતાને રાજલની કહેલી વાત પર શંકા હોવાની સાથે પોતાને એક સવાલ છે એવું પણ દર્શાવ્યું..રાજલે ડોકું હલાવી એને સવાલ પૂછવાની સહમતી આપી એટલે મનોજ પોતાનાં સ્થાને ઉભો થયો અને બોલ્યો.
"મેડમ તમે કહો તો માની લઈએ કે એ કાતીલ આજે જ ત્યાં નિત્યા મહેતાની લાશ ને ફેંકવા આવશે..પણ એવું ના બન્યું અને એ લાશ ને બીજે ક્યાંક ફેંકી ગયો તો મૂર્ખ બનવા વારો આવશે.."
આટલું કહી મનોજ પુનઃ પોતાનાં સ્થાને બેસી ગયો એટલે રાજલે પહેલાં તો વિકટીમ ની આંગળીઓ કપાયેલી મળવાની વાત ઉપરથી એ તારણ પર પોતે આવી કે આજે જ એ નિત્યા ની લાશ ને ફેંકવા આવશે અને પછી મનોજની શંકાનું સમાધાન કરતાં કહ્યું.
"ઓફિસર,તમારો આ સવાલ વ્યાજબી છે કે એ કિલર ક્યાંક રિવરફ્રન્ટ પર લાશ ફેંકવા ના આવ્યો તો..પણ મારાં મત મુજબ એવું નહીં બને..આગળનાં ચાર વખતની જેમ એ આ વખતે પણ લાશ ફેંકવા રિવરફ્રન્ટ જ આવશે..એ એક શાતીર સિરિયલ કિલર છે..એની મોડસ ઓપરન્સી છે કે એની દરેક હત્યા લાઈમ લાઈટ માં આવે..એટલે જ એને પોતાની દરેક ન્યૂઝ ચેનલમાં ચર્ચા થાય એ હેતુથી નિત્યા ને ટોર્ચર કરતી સીડી ન્યૂઝ ચેનલમાં મોકલાવી..રિવરફ્રન્ટ એ અમદાવાદ શહેરની શાન છે અને ત્યાં પોતાનાં શિકારની લાશ ફેંકી એ પોલીસ તંત્ર નાં ગાલ ઉપર સણસણતો લાફો મારવાં માંગે છે..માટે આજે રાતે એ નિત્યા મહેતાની લાશ ને રિવરફ્રન્ટ પર જ ક્યાંક ફેંકી જશે એમાં કોઈ શંકા ને સ્થાન નથી.."
"હવે બીજાં કોઈને કોઈ સવાલ..?"રાજલે મોટેથી માઈકમાં એનાઉન્સમેન્ટ કરતાં બોલી.જેનાં પ્રતિભાવમાં કોઈ કંઈપણ બોલ્યું નહીં..આ જોઈ રાજલે આજે રાતે એ સિરિયલ કિલર ને પકડવા શું કરવાનું એ વિશે ચિતાર આપવાનું શરૂ કર્યું.
"પ્રથમ ત્રણ વિકટીમ ની લાશ આપણને વેસ્ટ રિવરફ્રન્ટ પરથી મળી આવી..પણ હરીશ ની લાશ આપણને ઈસ્ટ રિવરફ્રન્ટ પરથી મળી આવી જેનો અર્થ કે હવે આપણે બંને તરફ ધ્યાન આપવું પડશે..આ કેસ ઓફિશયલી રીતે હવે સીબીઆઈ હેન્ડલ કરે છે માટે હવે અન્ય પોલીસ સ્ટેશનને ડાયરેકટ તો આપણી મદદ માટે નહીં કહી શકાય..પણ હું ખાનગી રીતે થોડી વધારાની મદદ માંગી લઈશ..ઈસ્ટ રિવરફ્રન્ટ પોલીસ અને વેસ્ટ રિવરફ્રન્ટ પોલીસ એમની રીતે તો અમુક નક્કી કરેલી જગ્યાએ રાતે પહેરો આપતી જ હોય છે..પણ જે જગ્યાઓ ખાલી છે જ્યાં કોઈ નથી હોતું ત્યાં આપણે પહેરો ભરવો પડશે.."
"ઇન્સ્પેકટર સંદીપ અને ઇન્સ્પેકટર મનોજ તમે બંને ઈસ્ટ સાઈડ રિવરફ્રન્ટ પર રાતભર ધ્યાન રાખજો..હું ઈસ્ટ રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ મુકેશ ભાઈ ને આ વિશે પર્સનલી વાત કરી લઉં છું..અને હું વેસ્ટ સાઈડ રિવરફ્રન્ટ સંભાળીશ.. any doubt..?"
"No mem.."એક સુરમાં બધો પોલીસ સ્ટાફ બોલી ઉઠ્યો.
"સારું તો તમે રિવરફ્રન્ટ નો નકશો જોઈ લો..અને એ નક્કી કરી લો કે કોણ રાતે ક્યાં પોસ્ટ સંભાળશે..11 કિલોમીટર નો રિવરફ્રન્ટ આજની રાત એ સિરિયલ કિલર ની કબ્રસ્તાનમાં તબદીલ થવો જોઈએ..શક્ય હોય તો એને જીવિત પકડવો અને એવું ના હોય તો એને ગોળીએ ધરબી દેજો..હાઈ કમાન્ડ ને શું જવાબ આપવો એ હું જોઈ લઈશ.."રાજલ નાં શબ્દોમાં ખુન્નસ સાફ વર્તાઈ રહ્યું હતું.
ત્યારબાદ મનોજ અને સંદીપની મદદથી ક્યાં અને કેટલી સંખ્યામાં પોલીસ ની ટીમ રિવરફ્રન્ટ પર ડ્યુટી નિભાવશે એ વિશેનું ડિસ્કશન કરી રાજલ કોનફરન્સ હોલમાંથી પાછી પોતાની કેબિનમાં આવીને બેસી..પોતે જે કરવા જઈ રહી હતી એમાં જો એને સફળતા નહીં મળે તો એને ખરીખોટી સાંભળવી પડશે એ નક્કી હતું..છતાં રાજલે હવે તો આરપારની લડાઈનું મન બનાવી લીધું હતું.
આ તરફ દરેક ન્યૂઝ ચેનલ વાળાં હજુ પણ એ રિવરફ્રન્ટ સિરિયલ કિલર ની ખબરો જ ન્યૂઝ માં બતાવી અમદાવાદ ની સામાન્ય જનતા ની અંદર દહેશત ફેલાવી રહ્યાં હતાં..એમનાં માટે તો સિરિયલ કિલરે મોકલાવેલી ફુટેજ પોતાની ટીઆરપી વધારવાની ચાવી સાબિત થઈ હતી..દરેક અમદાવાદી નાં મોંઢે અત્યારે ફક્ત એક જ વાત હતી એ હતી સિરિયલ કિલર કોણ છે અને પોલીસ તંત્ર સાવ નકામું છે.
રાજલે પોતાની કેબિનમાં આવી પોતે આજ રાતે શું કરવાની છે અને કઈ રીતે એ પોતાનાં દરેક તર્ક લગાવે છે એની ફોન ઉપર કોઈની સાથે મંત્રણા કર્યાં બાદ પોતાની બુલેટ લઈને રિવરફ્રન્ટ નો ચક્કર લગાવવા નીકળી પડી..જે રિવરફ્રન્ટ પ્રેમી-પંખીડા માટે સ્વર્ગ જેવો હતો અને સેંકડો કપલ ત્યાં હાથમાં હાથ નાંખી પ્રેમાલાપ કરતાં ત્યાં આજે કોઈ ફરકી પણ નહોતું રહ્યું..જે એ વાત ની સાબિતી હતું કે ખરેખર આ શહેર સિરિયલ કિલરનાં ખૌફ નીચે હતું.!
***********
એકતરફ રાજલ હતી જે સિરિયલ કિલર ને પકડવાની કોશિશમાં રચીપચી હતી..તો એક હતો રાજલનો અને પોલીસ તંત્ર નો સૌથી મોટો દુશ્મન એવો એ હત્યારો શાંતિથી પોતાનાં બંગલામાં સોફાની અંદર બેસીને શાંતિથી ટેલિવિઝન પર ન્યૂઝ નિહાળી રહ્યો હતો.એ જે ધારતો હતો એવું જ બધુ થઈ રહ્યું હતું.
ટેલિવિઝન પર જે ન્યૂઝ બતાવતાં હતાં વારંવાર એને મોકલાવેલી ફૂટેજ અને રાજલ તથા સીબીઆઈ ની નાકામી ની ખબરો બતાવી રહ્યાં હતાં..જે જોઈ ગેલમાં આવી એ સિરિયલ કિલર બોલ્યો.
"આખા અમદાવાદને મારાં નામથી ધ્રુજાવવાની મારી ઈચ્છા આખરે સાકાર થઈને જ રહી..એસીપી રાજલ તને ઓફિશયલી તો આ કેસ પરથી હટાવી દીધી છે છતાં તો મારો પીછો નહીં મુકે એ નક્કી છે..અને હું પણ એજ ઈચ્છું છું કે તું મને પકડવાની દરેક કોશિશ કરતી રહે અને હું તને પછડાટ આપતો રહું."
"લાગે છે રાજલે ફોન ની લાસ્ટ લોકેશનવાળી હિન્ટ નો પણ ઉકેલ મેળવી લીધો છે..તો હવે બે જ હિન્ટ વધી છે જે રાજલ ઉકેલી લેશે તો મને પકડી લેશે..માટે હવે જૂની કોઈ હિન્ટ એને આપવાનો સવાલ રહેતો તો નથી..છતાં હું એને મારાં સુધી પહોંચવા માટે કોયડા પુરા પાડતો રહીશ..બધું ઉકેલવા છતાં રાજલ મારાં સુધી ના પહોંચે ત્યારે મને જે આનંદ થાય છે એ અવર્ણનીય છે..આજે રાતે રાજલને એની ગિફ્ટ મોકલાવી દઉં.."
રાજલનો ન્યૂઝમાં આવતો ચહેરો જોતાં જોતાં ક્રૂર સ્મિત સાથે એ કિલર સોફામાંથી ઉભો થયો અને ટોર્ચર રૂમ તરફ આગળ વધ્યો જ્યાં નિત્યા ને એને કેદ કરી હતી.
જેવું બારણું ખોલી એ અંદર પ્રવેશ્યો એ સાથે જ બહારથી આવતાં પ્રકાશને સીધો પોતાનાં ચહેરા પર મહેસુસ થતાં નિત્યાએ આંખો બંધ કરી લીધી..થોડીવાર બાદ એની આંખો પરિસ્થિતિને અનુકૂળ થઈ અને જેવી એને આંખ ખોલી ત્યાં એ સિરિયલ કિલર એની આંખો સામે ઉભો હતો.
એ સિરિયલ કિલરનાં હાથમાં અત્યારે એક મોટું લાઈટર હતું..જેમાંથી નીકળી રહેલી આગની જ્યોત ને જોઈ એ મંદ મંદ હસી રહ્યો હતો..ધીરે-ધીરે એ નિત્યા તરફ આગળ વધ્યો..એનું પોતાની તરફ આગળ વધતું દરેક ડગલું નિત્યા ને ધ્રુજાવવાં કાફી હતું..નિત્યા ચિલ્લાઈ ચિલ્લાઈને પોતાની જાન ની ભીખ માંગી રહી હતી પણ એ હત્યારો દયા કે કરુણા જેવી કોઈ લાગણી ધરાવતો હોય તો એની ઉપર નિત્યાની વાતની અસર થાય ને.
એ નિત્યા જોડે આવીને બેઠો અને લાઈટરની આગ વડે નિત્યા નાં શરીર ને દઝાડવા લાગ્યો..નિત્યા ની દર્દભરી ચીસો એ હત્યારાનાં અટ્ટહાસ્ય સામે ફિક્કી પડી ગઈ હતી..નિત્યા ને ઠેકઠેકાણે ડામ દીધાં બાદ એ કાતીલ ઉભો થયો અને મીઠાં વાળું પાણી લાવીને એનાં દાઝેલાં ભાગ ઉપર છાંટવા લાગ્યો..નિત્યા દર્દથી રડતી રહી કરગરતી રહી પણ એ હેવાન કોઈપણ ભોગે એને પીડા આપવાનું ચુકી નહોતો રહ્યો..આખરે નિત્યા બેહોશ થઈ ગઈ ત્યાં સુધી એને ટોર્ચર કરવાનો વિકૃત આનંદ માણ્યા બાદ એ કિલર પાછો ટોર્ચર રૂમમાંથી નીકળી બહાર સોફામાં આવીને બેસી ગયો.
હજુ ઘડિયાળમાં બપોરનાં ત્રણ વાગ્યાં હતાં અને હજુ નિત્યા ને મારવાની વાર હતી માટે એ સોફામાં જ શાંતિથી સુઈ ગયો..એનાં ચહેરા પરનાં શાંત ભાવ જોઈ કોઈપણ માટે એ કળવું અશક્ય હતું કે અમદાવાદ શહેરમાં થતી તબક્કાવાર હત્યાઓ પાછળ આ વ્યક્તિ હશે.
રાજલ રાતે આઠ વાગતાં બધાં સ્ટાફ માટે પોલીસ સ્ટેશનમાં જ જમવાનું ઓર્ડર કરી દીધું..આજે દરેક પોલીસકર્મી ને રાતભર રોકાઈ જવાની હિદાયત હતી..રાજલે પોલીસ સ્ટેશનમાં મોજુદ વધારાનાં હાઈ લેવલનાં હથિયારો ને પણ આજની રાત ઉપયોગમાં લેવાની સહમતી બધાં ને આપી દીધી હતી.
રાજલ જ્યાં પોતાની ફોર્સ તૈયાર કરી રહી હતી ત્યાં એ હત્યારો શાંતિથી રાતનું જમવાનું પૂર્ણ કરી..પોતાનાં જમવાનાં વાસણો ને સાફ કરી પાછો ટોર્ચર રૂમમાં ગયો જ્યાં નિત્યા મહેતા કેદ હતી..હવે નિત્યા એ હેવાન નાં આગમન પર કોઈ પ્રતિભાવ આપી શકવાની શક્તિમાં નહોતી..દર્દની અપાર પીડા ભોગવી એ અત્યારે નિશ્ચેતન બની પોતાની આવનારી મોત ની રાહ જોઈને બેઠી હતી.
એ શૈતાન રૂમમાં આવ્યો અને એને નીચે પડેલી નિત્યા તરફ પહેલાં એક અપલક દ્રષ્ટિ ફેંકી..નિત્યા નો ઉંહકારો એનાં કાને પડતાં એ લુચ્ચું હસી રહ્યો હતો..એ પછી રૂમની એક તરફ રાખેલાં ફ્રીજ જોડે ગયો અને ફ્રીજ ખોલી એનાં ફ્રીઝરમાંથી એક ડબ્બી નીકાળી.. આ ડબ્બી માં કંઈક સફેદ રંગનું દ્રવ્ય હતું.એ હત્યારા એ એ ડબ્બી ને હાથમાં લીધી અને ફ્રીઝમાં પડેલું એક ઈન્જેકશન લઈને નિત્યા ની નજીક આવ્યો.
નિત્યા આંખો બંધ કરી એ હત્યારા ની હાજરી મહેસુસ તો કરી રહી હતી પણ એનો પ્રતિકાર કરવાની હિંમત એ ગુમાવી બેઠી હતી.એ હત્યારા ને નિત્યા ની આવી હાલત જોઈ અત્યારે હસવું આવી રહ્યું હતું..એને ડબ્બીમાંથી એ સફેદ દ્રવ્ય ખૂબ ઓછી માત્રામાં ઈન્જેકશનની અંદર ભર્યું અને પછી ઈન્જેકશન ની મદદથી એ દ્રવ્ય નિત્યાનાં શરીરમાં ઇન્જેકટ કરી દીધું.
ત્યારબાદ એ કિલર ઉભો થયો અને એ ડબ્બી પુનઃ ફ્રીઝરમાં રાખી દીધી..આટલું કર્યા બાદ એ ખૂબ સહજતાથી ટોર્ચર રૂમમાંથી બહાર નીકળ્યો અને જઈને સોફામાં બેસી ગયો..એનાં બહાર નિકળતાની સાથે જ નિત્યા ની જોરજોરથી ચીસો આખાં બંગલામાં પડઘાવા લાગી..એ હેવાને નિત્યાનાં શરીરમાં સવોર્ડફીશ માંથી મળતું પ્રાકૃતિક મરક્યુરી દાખલ કર્યું હતું..જેની અસર રૂપે નિત્યા નાં સમગ્ર શરીરમાં જાણે કોઈએ આગ લગાડી હોય એવું દર્દ એને થઈ રહ્યું હતું..આ મૌત આપવાનો એવો કીમિયો હતો જેમાં મરનારની રૂહ પણ કંપી જાય.
કલાક સુધી નિત્યા ની આવી જ ચીસો સંભળાતી રહી અને પછી એ સદાયને માટે શક્યવત ખામોશ થઈ ગઈ..ભયંકર પીડા ની અનુભૂતિ બાદ આખરે નિત્યા નું પ્રાણ પંખેરુ ઉડી ગયું..નિત્યા ની ચીસો નાં બંધ થવાનો મતલબ હતો એ મરી ચુકી છે એ વાત એ સિરિયલ કિલર ને ખબર હતી એટલે એ શૈતાની મુસ્કાન વેરતો હાથ પસારી સોફામાં આડો પડ્યો.
મોબાઈલમાં બે વાગ્યાં નું એલાર્મ મૂકી એ સુઈ ગયો..હવે રાતે બે વાગતાં જ એ નીકળી પડવાનો હતો નિત્યા ની લાશ ને પોતાની નક્કી કરેલી જગ્યાએ ફેંકવા..જ્યાં એની રાહ પહેલેથી જ એસીપી રાજલ અને એની ટીમ મોજુદ હતી..આજની રાત ખરેખર કયામત ની રાત બનવાની હતી.અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર ખરાખરીનો ખેલ થવાનો એ નક્કી હતું.!!
★★★★
વઘુ આવતાં ભાગમાં.
આજની રાત એ સિરિયલ કિલર રાજલનાં હાથે પકડાઈ જશે..?શું એ નિત્યા બાદ એનાં બીજાં બે શિકાર ને મારવાં માટે બચી જશે..?આખરે કોણ હતો એ સિરિયલ કિલર..?ગિફ્ટ બોક્સમાં આવતી અલગ-અલગ રંગની રિબિનનું રહસ્ય શું હતું .?આ સવાલોનાં જવાબ મેળવવાં જાણતાં રહો આ દિલધડક નોવેલ મર્ડર@રિવરફ્રન્ટનો નવો ભાગ.આ નોવેલ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થાય છે.
જેમ-જેમ નોવેલ આગળ વધશે એમ નવાં રહસ્યો આપ સમક્ષ આવતાં જ રહેશે..તમે તમારું મગજ કસવાનું શરૂ કરી દો..અને તમારાં મંતવ્યો whatsup નંબર 8733097096 અને એપ પર મેસેજ કરીને જણાવી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture,રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન
બેકફૂટ પંચ
ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.
સર્પ પ્રેમ:-the mystry
અધૂરી મુલાકાત
આક્રંદ:એક અભિશાપ..
હવસ:IT CAUSE DEATH
હતી એક પાગલ
~જતીન.આર.પટેલ (શિવાય)