Muhurta - 4 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | મુહૂર્ત (પ્રકરણ 4)

Featured Books
Categories
Share

મુહૂર્ત (પ્રકરણ 4)

અમેઝ પુના જવાના હાઈવે પર દોડવા લાગી. કાર પુના પહોચે ત્યાં સુધી મારી પાસે વિચારવા સિવાય કોઈ કામ ન હતું. વિચારવા માટે પણ મારી પાસે આ જન્મની કોઈ મીઠી યાદો હતી જ કયાં? આ જન્મે તો હજુ મને અને નયનાને મળ્યાને એક અઠવાડિયા કરતા વધુ સમય થયો નહોતો.

હું ફરી પૂર્વજન્મની મીઠી યાદોમાં ખોવાઈ ગયો.

એ દિવસે અનન્યા સાથે મારી બીજી મુલાકાત હતી. મારે એની પાછળ જઈ એ કયાં રહે છે એ જાણવું હતું. પણ હું ન જઇ શકયો કેમકે પપ્પા એ દિવસે સાંજ સુધી સ્ટોર પર ન આવ્યા. અમે વારાફરતી સ્ટોર પર બેસતા અને એ દિવસે સ્ટોર પર બેસવાનો વારો મારો હતો. મને ખબર હતી કે પપ્પા સ્ટોર પર નથી આવવાના છતાં હું એમના આવવાની રાહ જોતો રહ્યો. હું સ્ટોર પર બોર થઇ રહ્યો હતો.

અનન્યા કયાં રહેતી હશે? એ શું કરતી હશે? એ દિવસે અનન્યા ઉદાસ અને એકલી કેમ હતી? એના મમ્મી પપ્પા કોણ હશે?

મારા મનમાં અનેક વિચારો હતા. હું એ બધા વિચારોને ખંખેરીને મારા હાથમાં રહેલા પુસ્તક પર ધ્યાન આપવાનો પ્રયાસ કરતો હતો. સ્ટોરમાં અનન્યાના વાળના પરફયુમ અને એના શ્વાશના સેન્ટની સુગંધ છેક સાંજ સુધી ફેલાયેલી રહી જે મને એની સાથે મુલાકાત તાજી કરાવતી રહી. હું એક પળ માટે પણ એ પુસ્તકમાં ધ્યાન ન પરોવી શકયો. મારું સપૂર્ણ મન એના વિચારોમાં જ વ્યસ્ત રહ્યું.

સાંજે સાતેક વાગ્યે મેં સ્ટોરને લોક લગાવ્યું અને ઘર તરફ જવા લાગ્યો. રોજ અમે આઠ વાગ્યે સ્ટોર બંધ કરતા પણ એ દિવસે જરાક વહેલું બંધ કર્યું એનું કારણ હતું હું અનન્યા સાથેની એ મુલાકાત કોઈ સથે સેર કરવા માંગતો હતો.

હું ઘરે પહોચ્યો. એ જમાનામાં બધા ઘર માટીના હતા. પરંતુ અમારું ઘર થોડુક મોટું હતું. લાલ દેશી નળિયાના છાપરાવાળા બે ઓરડા અડોઅડ હતા. એકમાં અમારું રોજિંદુ ઉપયોગી સામાન રહેતો બીજામાં વધારાના ગોદડા, વાસણો રહેતા. ડાબી તરફ રાંધણી (રસોડું) હતું. ઓરડાના બરાબર સામે પંદર ફૂટ દુર માડ હતું. (માડ એટલે પડવું એક પ્રકારનો મોટો અંદાજે વીસ ફૂટ પહોળો અને ચાળીસ પચાસ ફૂટ લાંબો ઓરડો. પણ તેમાં એક બાજુ આખી ખુલ્લી હોય) માડના જંગી લાકડાના દરવાજામાં બીજો દરવાજો હતો. ત્યારે બધાના ઘરે માડ નહોતા.

હું ઘરે ગયો ત્યારે થોડોક નિરાશ હતો. હું એ મુલાકાત પપ્પા સાથે સેર કરી શકું તેમ નહોતો. પપ્પા સાથે મારે ફ્રેન્ડ જેવા રીલેશન નહોતા. પપ્પાને મેં હંમેશા એક સ્ટ્રીકટ વ્યક્તિ તરીકે જોયા હતા. એ સમયે વાતાવરણ જરાક અલગ હતું. મમ્મી પપ્પા સાથે આ બધી ચીજો સેર કરી શકાતી નહિ.

હું મારુ મો બંધ રાખી ઘરમાં દાખલ થયો. મારે એ મુલાકાતની ખુશી પણ છુપાવીને રાખવાની હતી કેમકે પપ્પાને શક થાય તો તેઓ જાણી લે કે હું કેમ ખુશ છું.

“આસુતોષ, જમવાનું બની ગયું છે તમે કયાં છો?” હું ઘરમાં દાખલ થયો એ જ સમયે મને મમ્મીનો અવાજ સંભળાયો. ગયા જન્મે મારા પપ્પાનું નામ આસુતોષ હતું. તેઓ પેન્ટ શર્ટ પહેરતા અને ગળામાં મફલર રાખતા. પાતળા બંધાનું શરીર અને કડક ચહેરો. પાતળી મૂછોમાં તે પ્રભાવશાળી લગતા.

“હું અહી જ છું પણ હજુ વરુણ આવે ત્યારે જમીએ ને?” પપ્પાએ જવાબ આપ્યો.

“હું આવી ગયો છું પપ્પા.” હું પપ્પાની બાજુની ખુરશીમાં ગોઠવાયો.

“કેમ આજે વહેલો?” સ્ટોર તો આપણે આઠ વાગ્યા સુધી ચાલુ રાખીએ છીએ ને?” પપ્પાએ મને વહેલો આવેલો જોઈ સવાલ કર્યો.

“આજે એક મિત્રનો જન્મદિવસ છે અને એણે પાર્ટી આપી છે માટે જરાક વહેલો સ્ટોર વધાવ્યો.” મેં બહાનું બનાવ્યુ.

“તો હવે ફટાફટ જમી લે...” મમ્મીએ કિચનમાંથી બહાર આવી વહાલથી કહ્યું, “તારે પાર્ટીમાં પણ જવાનું હશે ને?” મમ્મી એટલી જ પ્રેમાળ હોય છે ભલે એ માણસ હોય કે નાગિન.

“હા, ફટાફટ જમવાનું આપ.” હું પલાઠી વાળી જમીન પર બેસી ગયો. પપ્પા મારી તરફ જોઈ રહ્યા. મને સમજાયું નહિ તેઓ મને કેમ જોઈ રહ્યા હતા. એ સમયે ડાઈનીંગ ટેબલ માત્ર મોટી હવેલીઓમાં જ હોતા. બાકીના સામાન્ય લોકો ઘરમાં નીચે બેસીને જ જમતા. બસ શિસ્ટાચારના નિયમ રૂપે પલાઠી વાળીને કે કોઈ નાનકડું આસન પાથરીને બેસવાનું રહેતું.

અમે પણ એ જ સામાન્ય લોકોમાં આવતા હતા અને હું પલાઠી વાળીને બેઠો એમાં કઈ ચોકવા જેવું નહોતું છતાં પપ્પા મને જોઈ રહ્યા હતા એ મને સમજાયુ નહી. આમ તો હું મન વાંચી શકતો પણ જરૂરી ન હોય ત્યાં સુધી એક નાગ બીજા નાગનું મન નથી વાંચતો. એટલે જ કદાચ અમુક નાગ નાગિન પ્રેમમાં હોય તો પણ જાણતા નથી કે કોણ કોને ચાહે છે.

“કેમ, સ્ટોર પરથી આવીને હાથ મો ધોયા વિના જ જમવા બેસી જઈશ?” મમ્મીએ કહ્યું ત્યારે મને ખયાલ આવ્યો હતો કે મારા મનમાં અનન્યાના વિચારો એટલી હદે દોડતા હતા કે હું સામાન્ય નિયમો પણ ભૂલી રહ્યો હતો.

“સોરી, મમ્મી... પાર્ટીમાં જવાની ઉતાવળમાં ભૂલી ગયો.” હું હસીને ઉભો થઇ કિચન પાસે મુકેલા પાણીના પીપ પાસે ગયો. હાથ મો ધોઈ ફરી એ જગ્યા પર ગોઠવાયો અને મમ્મી પપ્પા સાથે સાંજનું ભોજન લીધું. જમીને હાથ ધોવાનું મેં યાદ રાખ્યું. હું ભૂલ્યો નહી. પછી મેં જવા માટે પગ ઉપાડ્યો.

“કેમ પાર્ટીમાં નવા કપડા પણ પહેર્યા વિના જઈશ..? તારા પપ્પાએ ગયા વર્ષે તારા માટે જે કોટ લાવ્યો એ પહેરી લે.” મમ્મીએ હું દરવાજા સુધી પહોચું એ પહેલા ટકોર કરી.

હું એક દિવસમાં કેટલી ભૂલો કરી રહ્યો હતો? કોણ જાણે મને શું થઇ ગયું હતું. એ સમયે કોઈ પાર્ટીમાં જઈએ તો કોટ પહેરવાની ફેશન હતી. સામાન્ય લોકો પણ એક જોડ કોટ તો રાખતા જ. કદાચ લોકો પરથી અંગ્રેજી રાજની અસર પૂરે પૂરી ગઈ ન હતી. મેં પાર્ટીમાં જવાનું બહાનું બનાવ્યું અને હું કોટ પહેરાવનું ભૂલી ગયો હતો.

“મમ્મી એ માત્ર મિત્રોને આપેલી પાર્ટી છે.. એમાં કોઈ કોટ પહેરીને નથી આવવાનું.” મેં ફરી બહાનું બનાવ્યું.

“કાઈ વાંધો નહિ.” મમ્મી હસી.

“મમ્મી હું નવ દસ વાગ્યા સુધી આવી જઈશ.” મેં કહ્યું અને ઘર બહાર નીકળ્યો.

એ સમયે રાત્રે બહાર નીકળવા માટે છોકરાએ પણ મમ્મી પપ્પાની પરવાનગી લેવી પડતી. મારે કોઈ પાર્ટીમાં જવાનું નહોતું. હું સીધો જ મારા મિત્રો પાસે ગયો. ઓજસ મારો ખાસ મિત્ર જંગલને છેડે જ રહેતો હતો. હું એના ઘરે પહોચ્યો. એના ઓરડાની બારી બહાર ઉભા રહી મેં અમારા નાગ લોકોના ખાસ સંકેતની સીટી વગાડી. થોડી જ વારમાં એક માથું બારીમાં ડોકાયું.

“શું છે?” એણે નવાઈથી કહ્યું. જોકે એના ચહેરા પર એકદમ નવાઈ ન હતી કેમકે હું અને અમારો બીજો મિત્ર બાલુ એને ઘણીવાર માત્ર જંગલમાં નાગ બની રખડવા માટે પણ બોલાવવા જતા.

“કામ છે.” મેં કહ્યું, “બહાર આવ.”

“હું ફરવા નહિ આવી શકું.. પપ્પા ઘરે છે.” એનો અવાજ એકદમ ધીમો હતો.

“મારે ખાસ કામ છે.” મેં તેને દબાણ કર્યું.

મિત્રોને એમ કહીએ કે ખાસ કામ છે તો તેઓ થોડાક ઉત્સાહિત થઇ જાય છે પણ ઓજસ ન થયો. મારી પાસે છેલ્લો રસ્તો અપનાવવા સિવાય કોઈ રસ્તો ન હતો.

“ઓજસ.. મને એક નાગિનથી પ્રેમ થઇ ગયો છે...”

બસ મારે વધુ કઈ કહેવાની જરૂર ન પડી. એણે હળવે રહીને બારી ખોલી અને બહાર આવ્યો. મને ખબર હતી એક મિત્રને પ્રેમ થાય એની સૌથી વધુ ખુશી એના મિત્રોને થાય છે. મેં જયારે કહ્યું કે મને પ્રેમ થયો છે ત્યારે ઓજસ પપ્પાની ડર ભૂલી ગયો અને બહાર આવતો રહ્યો. કદાચ તમારા માનવ મિત્રોમાં પણ આવું જ હોય છે.

“કોનાથી?” ઓજસે બહાર આવતા જ કહ્યું. એ ખુબ જ ઉત્સાહિત થઇ ગયો.

“અહી જ બધી વાત કરીશું?” મેં કહ્યું, “તારા પપ્પા બહાર આવ્યા તો?”

“હા, યાર, આપણે બાલુના ઘરે જઈએ...”

“આપણે ત્યાં જઈને વાત કરીશું.”

અમે બાલુના ઘર તરફ જવા લાગ્યા. એ ઓજસના ઘરથી ખાસ દુર ન હતું. એ પણ જંગલના કિનારે જ હતું.

“એનું નામ શું છે?” ઓજસે પૂછ્યું.

“અનન્યા..”

“કયાં રહે છે?”

“નાગપુરમાં જ.”

“નાગપુરમાં કયાં?” ઓજસ ઉત્સાહિત હતો.

“એ ખબર નથી.” હું જરા ઉદાસ થયો.

“ઉદાસ ન થા... એ નાગિન હશે તો બાલુ એને ઓળખતો જ હશે..” ઓજસે કહ્યું.

મને પણ બાલુ પર વિશ્વાસ હતો કે એ એને ઓળખતો જ હશે. કેમકે બાલુના પપ્પા બિરાદરીમાં મોટા માણસ હતા અને એમની અવર - જવર દરેક ઘરે હતી.

બાલુના ઘર આગળ જઇ અમારે કોઈ સીટી વગાડવાની જરૂર ન પડી કેમકે બાલુ ઘરમાં નહિ પણ ઘર પાછળના જંગલમાં બેઠો હતો.

“બાલુ તું કોઈ અનન્યા નામની નાગીનને ઓળખે છે?” ઓજસે તેને સીધો જ સવાલ કર્યો.

“કેમ?” બાલુએ પણ જવાબ આપવાને બદલે સામો સવાલ કર્યો.

“વરુણને એનાથી પ્રેમ થઇ ગયો છે.” ઓજસે કહ્યું, એના પેટમાં કોઈ સિક્રેટ ટકતું જ નહિ. વાતતો મારા પેટમાં પણ ન ટકી એટલે જ તો ઘરથી પાર્ટીનું બહાનું બનાવી મિત્રો સાથે એ સેર કરવા નીકળી ગયો હતો. કદાચ પ્રેમ ચીજ છે જ એવી કે એ થતા જ કોઈની સાથે સેર કરવાની ઈચ્છા થાય છે... કોઈ એવા સાથે જે તમને ગમતું હોય, તમારું મિત્ર હોય.

“વરુણને પ્રેમ થયો છે?” બાલુંનું વાકય પ્રશ્નાથ કમ અને ઉદગાર વધુ હતું.

“હા.” જવાબ આપતા મને જરા ઓકવર્ડ ફિલ થયું.

મિત્રો સાથે જે વાત સેર કરવા ગયો હતો એ જ વાત એમને કહેતા જરા ઓકવર્ડ ફિલ થતું હતું. અજીબ હતું?

“તો એમાં છોકરીની જેમ શરમાય છે શું? પ્રેમ તો એક નાગનો વણલખ્યો ધર્મ છે...” બાલુએ મને હિમ્મત આપી. બાલુ ખુબ ઉમદા મિત્ર હતો. વાંકડિયા છતાં લાંબા વાળમાં તેનો ચહેરો તેના મજબુત શરીર ઉપર ઈશ્વરે સમય લઈને મુક્યો હતો. તે ખાસ કરીને પટ્ટીવાળા સેન્ડલ, પેન્ટ અને રંગીન ભાતવાળી ટી શર્ટ પહેરતો.

“હા, તું રિશી કપૂર અને જીતેન્દ્રની ફિલ્મો નથી જોતો?” ઓજસે પણ ઉમેર્યું.

“ના, હું પુસ્તકો જ વાંચું છું.” મેં કહ્યું.

“એલા, હા આજે તો તારો વારો હતો દુકાન પર બેસવાનો.. તને પ્રેમ કઈ રીતે થયો...?” ઓજસ જાણતો હતો કે અઠવાડિયાના કયા દિવસે મારે સ્ટોર પર બેસવાનું હોતું. એ દિવસે અમે જંગલમાં રખડવા ન જઈ શકતા.

“કેમ ન થાય? સ્ટોર પર પ્રેમ ન થાય?” મેં બાલુ પાસે એક આડા પડેલ ઝાડની ડાળ પર બેસતા કહ્યું.

“મતલબ એ સ્ટોર પર આવી હતી?” બાલુએ મને પીઠ પર ધબ્બો માર્યો. સારું હતું કે એણે કોઈ માનવને દોસ્ત બનાવ્યો નહોતો. નહિતર એવા ધબ્બાની અસરથી એ બિચારો મારી જ જાય. હું નાગ હતો છતાં બેવડ વળી ગયો હતો.

“હા,” મેં કહ્યું, “એ જવા દે... તું કોઈ અનન્યા ને ઓળખે છે? જો હા તો મારે એ કયાં રહે છે એ જાણવું છે.”

“કહું છું પહેલા ચિલમ તો પીવા દે.” બાલુએ ચિલમ કાઢી, તેને ઝાડના થડ પર ખંખેરી. બાલુના પપ્પા બિરાદરીમાં પંચ હતા અને એમને ચિલમ પીવાની આદત હતી. બાલુ પણ જયારે એના પપ્પા કયાંક બિરાદરીના કામે બહાર ગયા હોય ત્યારે એ ચિલમ ઉઠાવી લાવતો અને અમે બધા ભેગા થઇ તમાકુનો સ્વાદ માણતા.

“તું પહેલા કહે તું એને ઓળખે છે?” મેં જીદ પકડી.

“નહિ ઓળખતો હોઉં તો ઓળખી લઈશ.” એણે ચીલમમાં નવી તમાકુ ભરી અને સળગાવી.

“મતલબ તું એને નથી ઓળખતો?” હું ઝાડના થડ પરથી ઉભો થઇ ગયો.

“તું બે કસ તો લે.” એણે મારા ખભાને એક ધક્કો આપ્યો, જો હું પપ્પાની જેમ મજબુત બંધાવાળો ન હોત તો એ ધક્કા સાથે ઝાડના થડ પરથી નીચે પડી ગયો હોત.

“તું ખરેખર એને ઓળખે છે કે નહી?” મેં એના હાથમાંથી ચિલમ લઇ એક કશ લગાવ્યો. એ કોઈ ગજબ ભાંગ ચીલમમાં વાપરતો. એક કશમાં તો મને નશો ચડી ગયો. મારા આખા મગજમાં ભાંગની સુવાસ ફેલાઈ ગઈ.

“તને ખબર છે ને હું શિવનો ભક્ત છું.. મારાથી અજાણ્યું કઈ ન હોય..”

બાલુ પોતાને શિવ નો ભક્ત સમજતો અને ખાસ એ માટે જ તો એ ચિલમ પીતો. એ ઘણીવાર કહેતો શિવને ચિલમ અને ભાંગ પસંદ છે માટે હું એનો ચેલો છું એટલે મારે પણ પીવી જોઈએ. એના મત મુજબ તો દરેક નાગે ચિલમ પીવી જોઈએ કેમકે દરેક નાગને શિવ સાથે સીધો સંબંધ છે એવું તે માનતો.

“હા, મારા શિવ ભક્ત હવે થોડી મિત્ર ભક્તિ પણ કરશે.” ઓજસે કહ્યું, બાલુએ તેની સામે જોયું. ઓજસ મારી વાતના ઉત્સાહમાં અડધું પેન્ટ અને બનીયન પહેરીને આવ્યો હતો. તે કપડા બદલવા પણ રહ્યો ન હતો. બાલુ તેની સામે જોઈ હસ્યો. ઓજસ થોડોક જાડો હતો. તેના ગોળ મટોળ ચહેરા જેમ તેનું પેટ બંડીમાં બહાર દેખાતું.

એ લોકો આડી વાતે ન ચડે એટલે મેં ચિલમ ઓજસને આપી. તે કશ ખેંચવા લાગ્યો.

“એ રઘુનાથ પંડિતની પુત્રી છે. એની મમ્મીનું નામ ભાગ્યશ્રી છે અને જંગલના કિનારે આવેલા શિવ મંદિરમાં એના પિતા પુજારી છે.” બાલુએ માહિતી આપી.

“આભાર બાલુ.” હું ઉભો થઈ એ શિવ મંદિર તરફ જવા લાગ્યો.

“એય..” બાલુએ મને રોકયો, “કયાં જાય છે?”

“અનન્યાને મળવા..”

“પાગલ થઇ ગયો છે?” બાલુ ઉભો થઇ મારી નજીક આવ્યો, “અનન્યાને ખબર જ નથી કે એ નગીન છે.”

“તને કઈ રીતે ખબર?” મને નવાઈ લાગી. એ હકીકત બાલુ કઈ રીતે જાણતો હોય.

“હું શિવ ભક્ત છું. હું ઘણીવાર મંદિર જાઉં ત્યારે એને જોઉં છું પણ એને ખબર નથી કે એ નાગિન છે એટલે જ એ બીજા કોઈ નાગને પણ ઓળખી શકતી નથી.” બાલુએ સમજાવ્યું.

“હું એને મળીશ નહિ પણ એને દુરથી જોઈ તો શકું ને?”

“હા, પણ એને જોવા માટે માણસ બનીને જવાની શું જરૂર છે? આપણે નાગ બનીને જઈએ.. જંગલની શેર પણ થઇ જશે.” બાલુએ કહ્યું અને તરત તે અદ્રશ્ય થઇ ગયો. ઘાસ ઉપર ફૂંફાડા મારતા બાલુએ ફેણ ચડાવી. ત્યારબાદ મેં અને ઓજસે પણ રૂપ બદલ્યું. અમે જમીન પર આડા પડેલ વ્રુક્ષો પર સરકતા તો નાનકડી જાડીઓમાં અને સુકા પત્તાઓમાં અદ્રશ્ય થતા એકબીજા સાથે રેસ લગાવી હોય એ ઝડપે શિવ મંદિર તરફ જવા લાગ્યા.

“પુના આવી ગયું..” મને નાયનાનો અવાજ સંભળાયો.

“હા.” હું વિચારોમાં ડૂબેલ હતો એ સમય દરમિયાન અમેઝ હોટલ પુષ્પાંજલિથી પુના સુધીનું અંતર કાપી ચુકી હતી. પુનામાં અમને ગીરીધર નગર શોધતા ખાસ્સો એવો સમય નીકળી ગયો કેમકે તે કોઈ ખાસ પ્રખ્યાત વિસ્તાર ન હતો.

“કુસુમ મેવાડાનું ઘર કયાં છે?” એવી પુછતાછ કરવાની કોઈ જરૂર ન પડી કેમકે નયનાને તેના સગા વહાલાથી બહુ લગાવ હતો અને એ તેના દુરના માશીનું ઘર હોવા છતાં નયના ઘણીવાર એ ઘરની મુલાકાત લીઈ ચુકી હતી. એક વાર એરિયો મળી જાય પછી એમના ઘરે જવાનો રસ્તો એના મનમાં ગુગલ મેપ જેમ ફીટ હતો.

નયનાએ બતાવ્યા મુજબ વિવેકે કાર ડ્રાઈવ કરી અને અંતે અમેઝ એક મોટા મકાન આગળ પુલ ઓફ થઇ. ઘર એકદમ મોટું અને નવું હતું. એકદમ નવું - એટલું નવું કે પહેલીવાર જોનારને એમ જ લાગે કે એનું કલર કામ હજુ એક અઠવાડિયા પહેલા જ પૂરું થયું હશે. ઘર કોઈ સ્ટ્રેન્જ રીતે નવું અને આસપાસના મકાનો કરતા અલગ પડતું હતું. કાચની વિશાળ બારીઓ મકાનને પુરતો સુર્ય પ્રકાશ આપી શકે તેમ હતી પણ અમેં કારમાંથી ઉતર્યા ત્યારે રાત થઇ ચૂકી હતી એટલે એ બારીઓ બહારનો પ્રકાશ અંદર લઇ જવાને બદલે અંદરના ટ્યુબ લાઈટના પ્રકાશને બહાર લઇ આવવાનું કામ કરી રહી હતી.

શેરીની સ્ટ્રીટલાઈટનો ફોકસ ઘર પર એ રીતે ફેકાતો હતો કે ઘરને કોઈ દુરથી પણ દેખી શકે તેમ હતું. નયનાએ મારા તરફ જોઈ થેન્ક્સ કહેતી હોય એવા ભાવ સાથે સ્મિત આપ્યું અને ડોરબેલ વગાડી. એનો ચહેરો આઈ એમ ઓબ્લીઝડ કે આઈ એમ સોરી એટીટ્યુડ કયારેક જ બતાવતો.

વિવેકના ચહેરા પરનો ગુસ્સો વરસાદમાં પીગળી ગયો હોય એમ તેના ચહેરા પર પણ સ્મિત દેખાયુ.

“હાય, નયના.. હાઉ આર યુ ડીયર.” એક આધેડ વયની સ્ત્રી દરવાજો ખોલી બહાર આવી. કદાચ એ સ્ત્રીએ અમને નોટીસ કર્યા જ ન હતા કે એને અમારું વેલકમ કરવાની જરૂર નહી લાગી હોય. એ મને ન સમજાયું.

“માશી.” નયનાએ એના વેલ્કમીંગ વર્ડ્સનો ટૂંકો જવાબ આપ્યો અને એ જીણી ભાતવાળી આછી વાદળી સાડીમાં ખાસ્સી એવી મોટી મહિલાને ભેટી પડી. એમનો ભરત મિલાપ બે ત્રણ મિનીટ જેટલો ચાલ્યો અને ત્યારબાદ નયનાએ અમને તેની માશી સામે લોન્ચ કર્યા, “માય ફ્રેન્ડસ, કપિલ એન્ડ વિવેક.”

“હાય, યંગમેન... કોલેજ ક્લીગ્ઝ?” અમને ગ્રીટિંગસને બદલે સીધા સવાલો મળ્યા.

“હા, આંટી. અમે બધા એક જ કોલેજમાં છીએ.” વિવેક જવાબ આપવા તૈયાર હતો.

“તમારામાંથી એ હીરો કોણ છે જેને મારી નયના ચાહવા લાગી છે?” માશીના એ સવાલે મને નવાઈમાં મૂકી દીધો. હું જવાબ આપી શકું તેમ ન હતો. કદાચ કોઈને ચાહવા કરતા પણ હું કોઈને ચાહું છું એ વાતનો સ્વીકાર કરવો બહુ મુશ્કેલ હોય છે. માનવ માટે પણ અને નાગ માટે પણ. આપણા હૃદય અને મન એક જ જેવી લાગણી અનુભવે છે.

“માશી પહેલા ઘરમાં જઈએ પછી સવાલ જવાબ કરીશું?” નયનાએ મને ઓકવર્ડ ફિલ કરતા જોઈ માશીને ટોક્યાં.

“ચાલો અંદર, ત્યાં સવાલ કરીશું.” માશીએ અલગ અંદાજમાં અમારું સ્વાગત કર્યું.

અમે એ સુંદર ઘરના મુખ્ય ખંડમાં દાખલ થયા. ઘરનું ઇન્ટેરીયર તેના આઉટલૂક કરતા પણ વધુ આકર્ષક હતું. દીવાલને અઢેલીને સોફા ચેર ગોઠવેલી હતી. એ ખુરશીઓ કોઈ રોજ વુડ જેવા સમાન્ય લાકડાની નહિ પણ મહોગનીમાંથી બનાવેલી હતી. અમે હોલમાં દાખલ થયા ત્યારે નયનાનું ધ્યાન ફોયરના ઇન્ટેરીયરને બદલે કિચન તરફ હતું.

“કેટલું સુંદર કિચન છે?” નયનાએ મારા તરફ જોઈ એ રીતે કહ્યું જાણે મને કિચન અને કિચન કામમાં ખુબ જ રસ હોય.

મને કિચન કામમાં કોઈ રસ ન હતો છતાં મેં કિચન તરફ નજર કરી. સફેદ ગ્લોસી પ્લાસ્ટિક કલર કરેલ કિચન બહારથી પણ અદભુત લાગી રહ્યું હતું. બહારના ભાગે લાગેલ ટાઈલ્સ ગ્રેનાઈટની બનેલ હોય તેમ ચમકી રહી હતી.

“ઇટ્સ રીયલી બ્યુટીફૂલ નયના.” મેં કહ્યું. નયનાને ગમે એ ખાતર મેં કિચનના ખોટા વખાણ કર્યા નહોતા. મને ખરેખર એ કિચન ગમ્યું હતું.

“હેવ એ સીટ યંગમેન.” આંટી કદાચ પહેલા ફિલ્મોમાં કામ કરી આવેલ હશે એવું મને તેમના બોલવાની સ્ટાઈલ પરથી લાગતું હતું.

વિવેક અને નયના ચેર પર ગોઠવાયા. હું સામેના સોફા પર બેસવા જતો હતો ત્યાજ મારા જમણા હાથમાં કાળી બળતરા ઉપડી. મને એમ લાગ્યું જાણે કોઈએ ધગધગતા લોખંડનો સળીયો મારા હાથ પર ચોડી દીધો હોય. જાણે કોઈએ મને લાલ ચોળ લોખંડના સળિયા વડે ડામ આપી દીધો હોય.

હું ચીસ પાડી ફ્લોરની ગ્રેનાઈટ ટાઈલ્સ પર બેસી ગયો. મેં મારો ડાબો હાથ મારા જમણા હાથના ખભા પર દબાવી નાખ્યો. હાથ પર કાળી બળતર થવા લાગી. કોઈ વ્યક્તિને વિછીના ડંખ કે સર્પદંશ સમયે અનુભવાય એના કરતા પણ વધુ જલન એમાં હતી. પેઈન વોઝ બર્નિંગ ઇન માય હેન્ડ.

“શું થયું?” નયના ચેર પરથી દોડીને મારા પાસે આવી બેસી ગઈ. તેનો ચહેરો એકદમ ફિક્કો થઈ ગયો. એ સમજી ન શકી કે શું થઇ રહ્યું છે. શું થઇ રહ્યું છે એ તો મને પણ સમજાયુ નહી. મેં પહેલા કયારેય એવું દર્દ અનુભવ્યુ નહોતું. હું નયનાને કઈ જવાબ આપી શકું તેવી હાલતમાં નહોતો. મારું પૂરું ધ્યાન મારા હાથમાં થતી બળતર પર હતું.

“કપિલ.. મને તારો હાથ આપ.” વિવેકે મારા પાસે આવી મારો હાથ તેના હાથમાં લેધો.

એ મારા શર્ટની સ્લીવને રોલ કરી ઉપર ચડાવવા લાગ્યો. મારી ચીસનો અવાજ સાંભળી નયનાના મમ્મી પપ્પા પણ અંદરના રૂમમાંથી બહાર દોડી આવ્યા.

“શું થયું?” નયનાની મમ્મીએ આવતા જ પૂછપરછ શરુ કરી.

નયનાએ એમને જવાબ આપવાને બદલે આઈ ડોન્ટ નો લૂક આપ્યો અને તેઓ સમજી ગયા હોય તેમ મારી તરફ જોવા લાગ્યા. ફિલ્મી માશી પણ આભા બની ગયા હતા. કદાચ એ સીચ્યુંએસન પર કયો ડાયલોગ બોલવો એ તેમને સમજાયુ નહી.

વિવેકે મારા શર્ટની સ્લીવ રોલ કરી મારા બાજુ સુધી ચડાવી. મેં મારા હાથ તરફ નજર કરી. મારા કાંડાથી થોડેક ઉપરને ભાગે કોઈએ ડામ આપ્યો હોય તેવું નિશાન ઉપસી આવ્યું હતું. વિવેકે તેના પર હાથ ફેરવ્યો અને બળેલા જેવી ચામડી નીચે ખરી ગઈ.

હું સતબ્ધ થઇ ગયો. મારા હાથ પર ત્રણ નાગની આકૃતિવાળું ચલણી સિક્કાના કદનું નાગમંડળ ઉપસી આવ્યું હતું. એ કોઈ રાજવી મહોર જેવું હતું. ત્રણ ફેણ ચડાવેલ નાગ લપકારતા અને એકબીજાને વીંટળાતા તંગ પણછની મુદ્રામાં હતા.

નાગમંડળ એ ત્રણ નાગની આકૃતિઓવાળું એક ચિહન છે. મેં એ ચિહન ઘણીવાર જોયુ હતું. ઘણીવાર તે કોઈ ગુપ્ત ચીજના પટારા પર કે કોઈ ખજાનાની કેસ પર જોવા મળે છે. એ માત્ર એક આકૃતિ હતી છતાં મને લાગ્યું જાણે એ નાગ સળવળી રહ્યા છે. જાણે એક લાખ મિલિયન ઝેર મારા શરીરમાં ઉડેલી રહ્યા હોય.

“આ શું છે?” માશીએ પોતાનો કમ્પોસર મેળવ્યો. બધા એકબીજા સામે જોઈ રહ્યા હતા કેમકે કોઈની પાસે જવાબ નહોતો.

“નાગમંડળ.” મારી ધારણા ખોટી પડી. વિવેક પાસે જવાબ હતો.

“મતલબ..?” મેં પૂછ્યું. મારા આવજમાં મારી વેદના ભળેલ હતી.

“તું જે નક્ષત્રમાં જન્મયો હોઈશ એ જ નક્ષત્રમાં તારા સિવાય અન્ય આઠ નાગ જન્મ્યા હશે કેમકે દરેક નક્ષત્રમાં નવ નાગ જન્મે છે. તમારા નવ નાગના જન્મના ગ્રહો તેમની ગતી બધુ જ એક સમાન હોય છે. મતલબ કે તમે બધા જ એક જ મુહુર્તમાં જન્મેલા છો.” વિવેકે સમજાવ્યું.

“હા, પણ એને આ નાગમંડળ સાથે શું નિસબત છે? આ ચિહન એકાએક કપિલના હાથ પર કઈ રીતે આવી ગયું?” વિવેક પૂરું સમજાવે એ પહેલા નયના બેબાકળી બની ગઈ.

“એ જ સમજાવું છું.” વિવેક આગળ સમજાવવા લાગ્યો, “કપિલનું નાગમણી દુષ્ટ કદંબના હાથમાં છે. કદંબ નાગમણીની મદદ વડે નવ નાગને શોધી રહ્યો છે જે એક જ મુહુર્તમાં જન્મેલા છે. આ નાગમંડળ કપિલના શરીર પર ઉપસી આવ્યું એનો અર્થ એ છે કે કદંબ પહેલા નાગને શોધવામાં સફળ રહ્યો છે. તેણે એ નાગને મારી નાખ્યો છે. જયારે એક જ મુહુર્તમાં જન્મેલ કોઈ એક નાગ મરે છે ત્યારે બાકીના નાગના શરીર પર આવું નાગમંડળ ઉપસી આવે છે જેથી તેમને ખબર પડે કે તેમનું જીવન પણ જોખમમાં છે.”

“મતલબ કપિલનું જીવન જોખમમાં છે?” નયના સ્તબ્ધ બની ગઈ.

“હા.” વિવેક નયનાને એ જવાબ આપશે એવો મને અંદાજ નહોતો.

“તો આપણે શું કરવું પડશે?” નયના અધીરી બની ગઈ. એના માશી અને મમ્મી પપ્પા અવાક બની સાંભળી રહ્યા.

“પહેલા તો આપણે ખબર પાડવી પડશે કે કપિલ એ નવમાં ક્યાં નંબરે છે. કેમકે કદંબ એ નવ નાગને એક પછી એક એમના જન્મના ક્રમ મુજબ જ મારશે.” વિવેક નાગ જાતી વિશે બહુ જાણતો હતો.

“પણ તે હમણાં તો કહ્યું કે એ નવ નાગ એક જ મુહુર્તમાં જન્મેલ હોય છે તો તેમના ક્રમ કઈ રીતે હોઈ શકે?” નયનાએ ફરી સવાલ કર્યો.

“એક મુહુર્ત મતલબ બે ઘડી એટલે કે અડતાળીસ મિનીટ.. એ અડતાળીસ મીનીટના સમય દરમિયાન એ નવ નાગનો જન્મ થયો હોય છે અને કદંબ એમને ક્રમ મુજબ જ મારશે.”

“કદંબને એ ક્રમની કઈ રીતે ખબર પડશે?” મેં પૂછ્યું.

“તારું નાગમણી.. એની મદદથી કદંબ એ દરેક નાગને શોધી શકશે જે તારા જન્મના મુહુર્તમાં જન્મ્યા હોય.. એમના જન્મનો ક્રમ જાણવો કદંબ માટે કોઈ મુશ્કેલ કામ નથી કેમકે તે જાદુગર અને મદારી છે.”

“કદંબ એવું કેમ કરી રહ્યો છે?” મારી જાણવાની ઉત્કંઠા વધતી જ ગઈ.

“ખબર નથી.. હું એક સામાન્ય જાદુગર છું. હું હજુ એપરેન્ટાઈશ કરી રહ્યો છું. મને એ બધી ખબર ન હોઈ શકે.”

મારા હાથની બળતર ઓછી થઇ ગઈ હતી પણ મારા લીધે કોઈ એક નાગનું મૃત્યુ થયું હતું એનું દુ:ખ એ બળતર કરતા પણ વધુ અસહ્ય હતું. એ બધું મણીને લીધે થયું હતું. હું મારી મણીની રક્ષા કરવામાં નિષ્ફળ રહ્યો એટલે જ એક નાગે જીવ ગુમાવ્યો હતો.

“આ બધું મારા લીધે થયું છે... જો હું ત્યાં ન પકડાઈ ગઈ હોત તો કદંબને મણી ન મળી શક્યું હોત અને તે નાગને મારવામાં ક્યારેય સફળ ન થયો હોત...” નયનાની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા, “મારા લીધે એક નાગનું મૃત્યુ થયું છે અને હજુ બીજા આઠ.. હું મારી જાતને ક્યારેય માફ નહિ કરી શકું..”

“ના.. એ બદલ હું જવાબદાર છું.. મારે તારાથી દુર રહેવાનું હતું. હું ખુદને તારી નજીક આવતા રોકી ન શક્યો તેથી આ બધું થયું.” મેં એને સમજાવવા પ્રયાસ કર્યો, “તું પોતાની જાતને દોષ ન આપ.”

“કોઈએ અફસોસ કરવાની જરૂર નથી.. આપણે હવે એક પણ નાગને મરવા નહિ દઈએ.. આપણે એ ક્રમને જાણી લઈશું અને એ નાગને બચાવીશું... કદંબ એમનું કઈ નહી બગાડી શકે.” વિવેકની આંખો લાલ રંગ પકડવા લાગી.

“પણ કેવી રીતે..” મેં પૂછ્યું કેમ કે વિવેક મારા કરતા વધુ જાણતો હતો. કદાચ જાદુગરો અને મદારીઓ આ બધી વાત જન્મથી જ સાંભળતા હશે.

“મારા પપ્પાને મળવું જોઈએ.. તેઓ નાગમંડળ અને મુહુર્ત વિશે વધુ જાણતા હશે.” વિવેકે કહ્યું.

“ચાલો.” મેં અને નયનાએ એકસાથે કહ્યું. અમે બંને કદાચ એક જ જેમ વિચારતા હતા.

“ક્યાં?” વિવેક નવાઈ પામ્યો.

“તારા પપ્પાને મળવા જઈએ.”

“તારે અત્યારે આરામની જરૂર છે કપિલ.. આ નાગમંડળના ડામ પછી એકાદ દિવસ જેટલો સમય તને અશક્તિ જેવું લાગશે.” વિવેક નાગમંડળની પૂરી અસર જાણતો હતો તે તેની વાત પરથી મને સમજાયું.

“હું તૈયાર છું.” મેં ઉભા થતા મક્કમતા બતાવી કેમ કે હવે એક પણ નાગ મરે એ મને મંજુર ન હતું.

“પણ હુ નથી... તને આવી સ્થિતિમાં ક્યાય લઇ જવા હું તૈયાર નથી.. આજનો દિવસ આરામ કર.. નયનાને કોઈ સુરક્ષિત જગ્યાએ મોકલી દઈએ અને પછી આપણે જઈશું.” વિવેકે દલીલ કરી.

નયનાને સુરક્ષિત સ્થળે મોકલવાની વાત મને યોગ્ય લાગી એટલે હું કાંઈજ ન બોલ્યો અને મેં એક દિવસ એ ફિલ્મી માશીને ત્યાં આરામ કરવાનું નક્કી કર્યું.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky