Humorous article on Adhik Maas in Gujarati Magazine by Khajano Magazine books and stories PDF | હાસ્યલેખ : અધિક માસ

Featured Books
Categories
Share

હાસ્યલેખ : અધિક માસ

જરા હસી લે, ભાઈ !

------------------------------------------------

આ મહિનામાં ઉપવાસ કરનારાની સંખ્યા તેજીમાં શેરબજારમાં રોકાણ કરનારા લોકોની જેમ વધી જાય છે. ‘માસ’ (વજન) ઘટાડવું એ આ મહિનામાં ઉપવાસ કરવાનું એક મહત્વનું અને ઓછું ચર્ચાતું કારણ પણ કહી શકાય

------------------------------------------------

અધિકમાસ આવે એટલે દરેક શેરીઓમાં રહેતી વૃદ્ધાઓ અને ધાર્મિક મહિલાઓ હોરર ફિલ્મમાં આવતા ‘ઝોમ્બિસ’ની માફક અચાનક હરકતમાં આવી જાય. આમ જોવા જઈએ તો અધિકમાસ બધા જ મહિનાઓમાં ‘મહેમાન કલાકાર’ કહેવાય, પણ બધાએ તેને વધારે પડતું મહત્વ આપીને ‘સુપરસ્ટાર’ બનાવી દીધો છે.

બધા મહિનાઓમાં શ્રાવણનું મહત્વ ભક્તિ માટે વધુ કહેવાય, પણ જે વર્ષમાં અધિકમાસ હોય તે વર્ષ પૂરતો શ્રાવણમાસ મુખ્ય કલાકારમાંથી સીધો જ ચરિત્ર અભિનેતા બની જાય.

અધિકમાસમાં સવાર-સવારમાં મંદિરોમાં લાગતી લાઈનો જોઈને ભગવાન પણ શુદ્ધ હવા લેવા કદાચ મંદિર છોડીને જોગિંગમાં ચાલ્યા જતા હશે !

સવાર-સવારમાં પોતાના અધિક ‘માસ’ (વજન) ધરાવતા શરીરો લઈને મહિલાઓ આંદોલનકારીઓની જેમ મંદિરનો ઘેરાવો કરે ત્યારે સાચે જ ભગવાનની દયા આવે.

બીજું એક અનિષ્ટ આ મહિનામાં ખાસ જોવા મળતું હોય તો એ છે પ્રસાદનું. સવાર-સવારમાં એકથી વધારે ઘરમાંથી આવતા પ્રસાદનો મંદિરોમાં ઢગલો થાય. મંદિરો એક મહિના માટે રેસ્ટોરન્ટમાં ફેરવાઈ જાય. રોજના પ્રસાદના મેનૂ અલગ અલગ હોય ! ઘણી મહિલાઓ તો મેનૂ પ્રમાણે મંદિરની પસંદગી કરે.

“અરે કાંતાબેન, કાલે શંકરના મંદિરે પ્રસાદમાં કંઈ મજા નહોતી આવી. એક કામ કરીએ, આજે ગણપતિ મંદિરે જઈએ. સાંભળ્યું છે ત્યાં રોજ સારો પ્રસાદ હોય છે.”

“સાચી વાત છે, શાંતાબેન. કાલે કૈલાસબેન ત્યાં ગયાં હતાં અને સાથે ચોખ્ખા ઘીનો શિરો અને બીજી ત્રણ સારી વાનગીઓ લઈને પાછાં આવેલાં. મારે તો શંકરના મંદિરની રેવડી સંતાડવી પડી. જોઈ ગયા હોત તો આબરૂની રેવડી થઈ જાત. એ પણ એવું વિચારતા હશે કે કેવા ગરીબ મંદિરમાં રોજ જાય છે !” - આવા વાર્તાલાપ પણ અધિકમાસ દરમ્યાન સાંભળવા મળી જાય.

અધિકમાસમાં દરરોજ સવારે દેવદર્શને જવું એ પણ જાણે ‘સ્ટેટસ સિમ્બોલ’ જેવું બની જાય છે. સવારે દર્શન કરવા ન જનારને લોકો નીચી નજરે જોવા લાગે છે.

આ મહિનામાં ઉપવાસ કરનારાની સંખ્યા તેજીમાં શેરબજારમાં રોકાણ કરનારા લોકોની જેમ વધી જાય છે. ‘માસ’ (વજન) ઘટાડવું એ આ મહિનામાં ઉપવાસ કરવાનું એક મહત્વનું અને ઓછું ચર્ચાતું કારણ પણ કહી શકાય.

કહેવાય છે કે દર બત્રીસ મહિને એકવાર આવતા અધિકમાસે પોતાને કોઈ ભગવાનનું નામ મળેલું નહિ હોવાના કારણે વિષ્ણુ ભગવાનને ફરિયાદ કરી. ભગવાનને તે દિવસે કદાચ લક્ષ્મીજીએ સવારે સારો નાસ્તો કરાવ્યો હશે માટે બીજા કોઈ ભગવાન પાસે અ.મા.(અધિકમાસ)ને મોકલવાને બદલે તેને પોતાનું ખુદનું નામ આપીને ‘પરસોત્તમ માસ’ તરીકે ઓળખાશે તેવું વરદાન આપ્યું હશે. આ કારણે જેમ કોઈ મોટી કંપનીના આવવાથી જમીનના ભાવ ઊંચકાય તેમ અધિકમાસનું મહત્વ રાતોરાત વધી ગયું.

અધિકમાસના કારણે બે નવા ધંધાવાળાને એક મહિનો મજા પડી જાય છે. એક તો ભજનમંડળી ચલાવવાવાળાને અને બીજા ફરાળી પેટીસ બનાવવાવાળાને. રોજ રાત્રે શેરીએ શેરીએ ભજનો અને ધુનોની રમઝટ બોલાય. ભગવાન જાણે શ્રવણશક્તિ ગુમાવી ચૂક્યા હોય અને માત્ર ઊંચું જ સાંભળી શકતા હોય તેમ રોજ રાત્રે ભજનમંડળીઓ પોતાના પ્રયત્નો એક મહિના સુધી ચાલુ રાખે છે.

મોટા શહેરોમાં વળી અધિકમાસની થીમવાળી પાર્ટીઓ યોજાય. આવી પાર્ટીઓમાં વજનદાર શરીરવાળી મહિલાઓ ફરાળ કરીને ડી.જે.ના તાલે ‘ચિકની ચમેલી’ જેવા ગીતો પર નૃત્ય કરતી પણ જોવા મળી જાય. કદાચ ભગવાને દર વર્ષે વરસાદની રાહ જોવાના કંટાળાજનક કાર્યને આનંદમય બનાવવા જ આ અધિકમાસનું નિર્માણ કર્યું હશે.

અંતમાં સર્વે ભક્તજનોના પેટનું સ્વાસ્થ્ય ફરાળના ઓવરડોઝના છતાં સારું રહે તેવી ભગવાન પરસોત્તમને પ્રાર્થના !

● નરેન્દ્રસિંહ રાણા