64 Summerhill - 37 in Gujarati Detective stories by Dhaivat Trivedi books and stories PDF | 64 સમરહિલ - 37

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

64 સમરહિલ - 37

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 37

દિવસભર ધખધખીને ઉકળાટાની હાંફે ચઢેલું રેગિસ્તાન, રેગિસ્તાનની છાતીના હાંફમાંથી દમ-બ-દમ વલોવાતી વેરાની, વેરાનીના ખભે ચડીને કારમી ચીસ સાથે યાળ ઉછાળતો નિર્જન સન્નાટો અને સન્નાટાની તગતગતી આંખોમાંથી ફેંકાતો ભ્રમણાઓનો બિહામણો ચક્રાવાત…

ઊંટની રાશ અને મજોઠની નાગચૂડમાંથી મહાયત્ને મુક્ત થયેલો ત્વરિત ક્યાંય સુધી અસમંજસમાં એમ જ બેઠો રહ્યો હતો. હજુ ય તેના મનમાં અચાનક શરૃ થઈ ગયેલા ખુબરાના જંગની ભીષણ ધણધણાટીના ભણકારા વાગ્યા કરતા હતા અને તે ભયથી છળી ઊઠતો હતો. મનમાં ફૂંકાતા ગોળીઓના સનકારાથી અનાયાસે જ ગરદન નમાવી દેતો હતો.

કેટલીય વાર સુધી અન્યમનસ્કપણે બેસીને તે આઘાત જીરવતો રહ્યો. પછી આસપાસનો માહોલ નીરખ્યો. દૂર નજર પહોંચે ત્યાં સુધી પથરાયેલી નિર્જન સ્તબ્ધતાને તેણે વિવશ આંખોએ જોઈ લીધી. એ ક્યાં હતો તેની કોઈ ગતાગમ ન હતી. રેતીના ઢુવાઓ પાછળ સુરજ આથમી રહ્યો હતો અને ઢાળ પરથી મલપતી ચાલે ઉતરતું કાળુંડિબાંગ અંધારું રણને ઘેરી વળવા હાથ પસારી રહ્યું હતું.

અંધારું થાય એ પહેલાં કંઈક રસ્તો વિચારી લેવો પડશે... મનોમન બબડીને તે ઝડપભેર ઊભો થયો અને હાથ ફંફોસીને ઊંટની પીઠ પર બાંધેલો કાઠડો ચકાસ્યો.

બીએસએફની પ્રણાલિ મુજબ પેટ્રોલિંગ પાર્ટીના ઊંટની પીઠ પર કેટલોક સામાન ફરજિયાત લદાયેલો રહેતો. સવારી દરમિયાન હડદોલા ઓછા લાગે અને કરોડસ્તંભના મણકાને આંચકા ન લાગે એ માટે સિફતપૂર્વક કાઠડાની બેઠકથી પીઠ સુધી જડેલી પાતળી ગાદી તેણે ખેંચી લીધી. મજોઠના ચામડાના મજબૂત પટ્ટાની ખાંચમાં બાંધેલી ફર્સ્ટ એઈડ કીટ, પાણીની મશક, જાડા પ્લાસ્ટિકમાં વીંટાળેલા થર્મોકોલમાં આઠ-દસ પૂરી અને થોડુંક શાક.

તેણે સંભાળપૂર્વક દરેક ચીજ ઉતારી. તેના ગળામાં શોષ પડતો હતો. મશક મોંઢે માંડીને તે પાણી ગટગટાવવા ગયો એ જ વખતે જાણે તેના માંહ્યલાએ રોક્યો હોય તેમ તેના હાથ અટકી ગયા. હવે તે તદ્દન અણધારી અને અનિશ્ચિત સ્થિતિમાં હતો. આ હાલતમાંથી એ કઈ રીતે, ક્યારે અને ક્યાં બહાર આવશે તે નક્કી ન હતું. પાણીનું એક-એક બુંદ હવે તેના માટે જિંદગીની સૌથી અણમોલ ચીજ હતું.

ભુખ-પ્યાસ અસહ્ય ન થઈ જાય ત્યાં સુધી તેણે કશું ખાવું-પીવું ન જોઈએ.

ગળુ ભીંજાવવા પૂરતો પાણીનો એક જ ઘૂંટડો તેણે પીવો જોઈએ એવો મક્કમ નિર્ધાર કરીને તે મશક મોંઢે માંડવા જતો હતો ત્યાં તેના કાનમાં કશીક ઘરઘરાટી જેવો અવાજ વર્તાયો. તેણે અવાજની દિશાનો ક્યાસ કાઢવા આંખ બંધ કરી. હવે ઘરઘરાટી સ્પષ્ટ સંભળાતી હતી. તેના ચહેરા પર ભયની રેખાઓ તરી આવી. હવામાં ઘૂમરાતી હેલિકોપ્ટરની બ્લેડનો એ અવાજ હતો. ઘરઘરાટી નજીક આવતી જતી હતી પણ રતૂમડા આકાશના ઝાંખા અજવાળામાં હેલિકોપ્ટર ક્યાંય દેખાતું ન હતું.

ઝીણી સાંકળીથી જડેલું મશકનું ઢાંકણ બીડીને તે ઝડપભેર ઊભો થયો અને ઊંટના કાઠડા પરની એકેએક ચીજ છોડી નાંખી. કાઠડા સાથે મઢેલું પાણકોરું પણ તેણે બેબાકળા હાથે ફાડવા માંડયું. રેગિસ્તાનના એકધારા રંગમાં પાણકોરા કપડાનો લાલ-કિરમજી રંગ હેલિકોપ્ટર જો પારખી જાય તો પોતે તરત ઝડપાઈ જાય. તેણે તમામ સામાન એકઠો કરી લીધો. કામની ચીજો એક પોટલામાં બાંધી અને નકામી ચીજો રેતીના ઢેર નીચે દાટીને તે દોડવા લાગ્યો.

કાશ્મીરના સુહાના હવામાનમાં ઉછરેલા ત્વરિત માટે રેગિસ્તાનનો આ પહેલો જ અનુભવ હતો અને પહેલાં પરિચયમાં જ એ દોઝખના તમામ અર્થો પામી રહ્યો હતો. ઢુવાઓ પર દોડવાનું જરાય આસાન ન હતું. છાતી સાથે બાંધેલી મૂર્તિ, નેફામાં ખોસેલી ગન, કમરપટ્ટા ફરતા વિંટાળેલા મેગેઝિન, ખભા પર લટકતું પોટલું, જડબામાંથી ઉપડતા અસહ્ય લવકારા અને માથા પર ગાજતી, સતત નજીક આવી રહેલી હેલિકોપ્ટરની ફડફડાટી…

એ અભાનપણે દોડતો જ રહ્યો. ક્યાંક રેતીમાં ખૂંપેલો પગ ન ઊંચકાવાથી એ ગડથોલું ખાઈ ગયો. ક્યાંક અચાનક પૂરા થતા ઢુવાના ઢાળ પર લપસીને મોં-ભેર પટકાયો. માથામાં, વાળમાં, કાનમાં-નાકમાં…

બધે જ એ બારીક રેતથી ખરડાઈ રહ્યો હતો. કપડામાં ઘૂસી ગયેલી રેતીનો ધગારો શરીર સાથે ડામની પેઠે ચંપાઈ રહ્યો હતો.

દિશાની તેને ભાન ન હતી. સમયનો તેને ખ્યાલ ન હતો. સ્થળ વિશે એ તદ્દન અજાણ હતો.
- અને એ કશાની પરવા કર્યા વગર હાંફતી છાતીસરસી ચંપાયેલી મૂર્તિ ફરતો એક હાથ વિંટાળીને,

અધખુલી આંખે એ દોડતો જ રહ્યો.

ક્યાંય સુધી દોડયા પછી તેના પગ અટક્યા. બે તોતિંગ ઢુવાઓ વચ્ચેની ઊંડી દર્રામાં એ ઢીંચણભેર ફસકાઈ પડયો. એકધારા શ્રમને લીધે તેના રૃંવે-રૃંવેથી પ્યાસ ફાટતી હતી. ચડ-ઉતરના અપાર શ્રમને લીધે ફેફસાં વ્હાણના સઢની જેમ ફૂલાતા હતા. જડબાના સણકાનું પારાવાર દર્દ મોંમાંથી લાળ બનીને વહેવા લાગ્યું હતું. એવી લૂઢકેલી હાલતમાં જ એ નીચુ જોઈને હાંફતો રહ્યો.

હેલિકોપ્ટરની ઘરઘરાટી હવે દૂર સરી રહી હતી અને આમ પણ અંધારાની આગોશમાં લપાયેલા અફાટ રેગિસ્તાનમાં હેલિકોપ્ટર હવે તેની હાજરી પારખી શકે તેમ ન હતું. શ્વાસ પર કાબૂ મેળવીને તેણે નેફાની અંદરના ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને સ્ક્રિનલાઈટને પોટલાની આડશમાં છૂપાવીને ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ ચેક કરી. નેટવર્કની કનેક્ટિવિટી ન હતી એટલે જીપીએસમાં તેને ફક્ત કરન્ટ લોકેશન જ જોવા મળવાનું હતું પરંતુ પોતે ડેરા સુલ્તાનખાઁ વિસ્તારમાં હોય તો પણ..

જોકે તેની આશા નાકામ રહી. તે થરના રણમાં ક્યાંક હોવાનું જણાતું હતું પણ એ સ્થળ ક્યું છે, ડેરા સુલ્તાનખાઁની દિશા કઈ અને પાકિસ્તાન કઈ તરફ એ બધી વિગત નેટવર્ક વગર ખબર પડે તેમ ન હતી. હવે સવાર ન પડે ત્યાં સુધી કોઈ આરો ન હતો. તેણે હતાશાભેર માથું ધૂણાવ્યું અને ઊંડો નિઃશ્વાસ છોડયો. રેતી હવે શીતળ લાગતી હતી. એક તોસ્તાન ઢુવાની આડશમાં તેણે પોટલું છોડીને મજોઠ પરથી ઉતારેલી પાતળી, સાંકડી ગાદી પાથરી. છાતી સાથે ઝભ્ભા વડે મુશ્કેટાટ બાંધેલી મૂર્તિ છોડી. ફર્સ્ટ એઈડ કિટ ખોલીને ગાઢ અંધારા વચ્ચે સ્પર્શ કરીને, સૂંઘીને તેણે રૃના પેલ વડે ચહેરો સાફ કર્યો અને પછી બેન્ઝોનમાં રૃ પલાળીને જડબા પરનો ઘાવ સાફ કર્યો. થર્મોકોલના ડબ્બામાંથી ચવડ થઈ ગયેલી બે પૂરી અને શાકના બે ફોડવા ગળા નીચે ઉતાર્યા અને અડધી ભરેલી મશકમાંથી માપી-જોખીને એક ઘૂંટડો પાણી પીધું.

હવે તેની આંખો ઘેરાતી હતી. માથા પાસે તેણે પાણીની મશક દબાવી. પ્લાસ્ટિકની થેલીમાં થર્મોકોલના ડબ્બાની સાથે જ મોબાઈલ, ગન અને મેગેઝિન સંભાળપૂર્વક મૂક્યા. મૂર્તિ ફરતો એક હાથ વિંટાળેલો રાખ્યો. આ મૂર્તિ કેટલી વિલક્ષણ હતી તેનો અંદાજ તે પામી શક્યો હતો. છાતી સાથે ચંપાયેલી એ મૂર્તિના કઢંગા આકારના વિચારથી તેને કમકમાટી છૂટતી હતી.

ગળામાં નરમુંડની માળા... વિવસ્ત્રાઁ સ્માશાનાઁલયા મુક્તકેશી... એક હાથ વડે વાળ પકડીને ઝાલેલું અસૂરનું રક્ત ટપકતું મસ્તક... મહાઘોરરાવા સુદૃષ્ટાં કરાલા... ઢીંચણથી ય છેક નીચે સુધી પહોંચતો ડાબો હાથ, છાતીમાં ડાબી તરફ કોતરાયેલા કશાંક આછા સંકેત... સ્વરૃપમ્ ત્વદિયં ન વિન્દન્તી દેવા...
એકધારા શ્રમ, શરીરનો થાક, મનનો તણાવ અને હૈયાનો ફફડાટ હવે હાવી થઈ રહ્યો હતો. ઢુવાઓની આડશમાં લેટેલી હાલતમાં મૂર્તિઓના ભયાવહ વિચારો તળે ક્યારે તેની આંખ મિંચાઈ ગઈ તેની તેને ય ખબર ન પડી.

અચાનક તેની આંખ ઊઘડી ગઈ. કેટલો સમય વીતી ગયો, પોતે કેટલો સમય ઊંઘતો રહ્યો તેનો અંદાજ આવે તે પહેલાં ચોમેરથી ફૂંકાતા તીણી સિસકારી જેવા અવાજો તેના કાનમાં પડઘાવા લાગ્યા. નિરવ સન્નાટા વચ્ચે અચાનક જ રેગિસ્તાનનું પેટાળ જાણે ખળભળ્યું હોય તેમ નીચેની ધરતી સરકતી જતી હતી. તેણે ઊભા થવાનો પ્રયાસ કર્યો પણ તેનાંથી ચસકી ય ન્હોતું શકાતું. ઘડીભર એ બેબાકળો બની ગયો. તેના શરીર ફરતો રેતીનો ઢેર ખડકાતો જતો હતો.

રેગિસ્તાનમાં પવનનું તોફાન ઉપડયું હતું. જે ઢુવાની આડશમાં તે લેટયો હતો એ ઢુવો વેગીલા પવનના માર સામે સરનામાફેર કરતો જતો હતો અને પોતે જે દર્રામાં સૂતો હતો એ દર્રા પર નવો ઢુવો આકાર લઈ રહ્યો હતો. એ ગાઢ ઊંઘમાં હતો અને તેને કોઈ ખ્યાલ આવે તે પહેલાં તેના શરીર પર ઝીણી, બારિક, નર્મ રેતીના ઢેર ખડકાવા લાગ્યા હતા.

તેણે રઘવાયા હાથ બેફામપણે ફંફોસીને રેતી તળે દટાઈ રહેલો પોતાનો સામાન શોધ્યો. પાણીની મશક સહિત બધું ફરીથી પોટલામાં બાંધ્યું. મૂર્તિ છાતી સાથે બાંધી અને સામેના ઢુવા પર ચડવા માંડયું.
- પણ સાવ સામે જ દેખાતો ઢુવો જોજનો છેટો જતો હોય તેમ તેને લાગતું હતું. દર્રામાંથી પસાર થતા ચક્રાવાતની લપડાક વાગતી હતી અને તે કાગળના પત્તાની માફક ફંગોળાઈ જતો હતો. આંખ આડે હાથનું નેજવું કરીને તેણે જોયું અને તેનું હૈયુ કાંપી રહ્યું. ચક્રાવાતના કારમા સિસકારા વચ્ચે દૂર ઢુવાઓ પર બિહામણા આકારો અધ્ધર ખડા થતા હતા અને ઓસરી જતા હતા. તેની આસપાસ ચોમેર જાણે ભૂતાવળ નાચતી હોય તેમ તેને લાગ્યું. એકેય દિશાએ તે ભાગી શકતો ન હતો. ક્યાંક પવનનો ચક્રાવાત ઘેરતો હતો તો ક્યાંક ઉપરથી ઊડતી રેતીના ગટાટોપ તેને પાછો ધકેલતા હતા. કેટલીય વાર તેણે ઢુવો ચડવાના પ્રયાસો કર્યા અને કેટલીય વાર તે નીચે પછડાયો.

તેનું શરીર જવાબ દઈ રહ્યું હતું. હૈયુ છાતી ફાડીને બહાર ધસી આવવા મથતું હોય તેમ ધબકવા લાગ્યું હતું. આંખો ખુલ્લી રહેતી ન હતી અને બંધ આંખો તળે ભયનો ઓથાર બેવડાતો હતો. ઢીંચણીયાભેર બેસીને તેણે ઘડીક પોટલામાં મોં ખોસ્યું, ઘડીક ઊભા થઈને ઢુવાઓની સામે પાર જવાનો નિર્ધાર કર્યો. ફરી ફસકાયો. ફરીથી ઊભો થયો... ફરીથી પછડાયો…

તેની આંખો તળેથી દાયકાઓનો સમય સરકી રહ્યો હતો અને મનોમન તે જેલમના કિનારે ચિનાર વૃક્ષથી ઘેરાયેલા તેના ઘરના વરંડામાં પહોંચી ગયો હતો. સમી સાંજે વાદીઓ પરથી શીતળ હવા પ્રસરી રહી હતી. વરંડામાં એકઢાળિયા તળે દીવડો પ્રગટાવીને તેના દાદા બુલંદ અવાજે ગાઈ રહ્યા હતા.…

થડકતા હૈયે તેણે મૂર્તિને છાતીસરસી જેમતેમ બાંધી. રેતીની અડાબીડ ડમરી વચ્ચે પરાણે આંખો ખુલ્લી રાખી. બે હાથ આકાશ ભણી ફેલાવી દીધા. ગરદન ઊંચકી અને જડબાની પીડા છતાં ય હતી એટલી તાકાત એકઠી કરીને મોટા અવાજે લયબધ્ધ રીતે ગાવા માંડયું…

વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે

જલે ચાનલે પર્વતે શત્રુમધ્યે

અરણ્યે શરણ્યે સદા માં પ્રપાહિ

ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાનિ

વિવાદ વખતે કે વિષાદ વચ્ચે, મારા આનંદના સમયે કે અજાણી ભોમમાં મારી નિયતિએ આંકેલા પ્રવાસ વખતે, પાણીમાં કે આગમાં, ભીષણ પહાડો, ગાઢ જંગલો કે કરાલ દુશ્મનો વચ્ચે.. હે દેવી, મારું રક્ષણ કરજો…

બુલંદ અવાજે એ એક-એક પંક્તિ ગાતો ગયો... ગાતો જ ગયો…

અને સદીઓનો સન્નાટો ઓઢીને ફૂંકાતી રેગિસ્તાનની અવાવરૃ, બેલગામ હવા સિરફિરા આદમીની અદમ્ય જીજીવિષા જોતી રહી.

(ક્રમશઃ)