Operation Pukaar - 7 in Gujarati Detective stories by Vrajlal Joshi books and stories PDF | ઓપરેશન પુકાર - 7

Featured Books
Categories
Share

ઓપરેશન પુકાર - 7

ઓપરેશન પુકાર

વ્રજલાલ હિરજી જોષી

7 - દુશ્મનોના ઘેરામાં

જોરદાર ધમાકાના અવાજ સાથે શાંત વાતાવરણ ગુંજી ઉઠ્યું. અને તે સાથે જંગલમાં પશુઓની ત્રાડોના ચિત્કાર ગુંજી ઉઠ્યા.

ચેકપોસ્ટને બોમ્બ વડે ઉડાવી દેવામાં આવી.

ચેકપોસ્ટને ઉડાવી નાંખ્યા બાદ તેઓ જંગલના રસ્તે આગળ વધ્યાં.

“સર...! આગળ ચારે તરફ સિપાઇઓ ફેલાયેલા હશે... આપણે એકદમ તૈયાર રહેવું પડશે.” વિજયસિંહાએ કહ્યું.

“કાંઇ વાંધો નહીં વિજયસિંહા... આપણે સૌ સાથે મળીને સામનો કરીશું...” સોમદત્તે પ્રેમાળ નજરે વિજયસિંરાની સામે જોયું.

“સર...! હવે આપણે આ જંગલીને છૂટો કરી દઇએ. નહીંતર આપણા સાથે વગર મોતે મરી જશે. આ તો મોતનો જંગ છે.”

“હા... આ ભોળા આદમી પાસે હથિયાર પણ નથી ? અને તેને દુશ્મનની ગોળી વાગતા જ ખતમ થઇ જશે...” બોલતાં મેજર સોમદત્તે તે જંગલી સામે જોયું. પછી બોલ્યા, “ભાઇ, તું અમને આગળ જવાનો રસ્તો બતાવી દે અને પછી ચાલ્યો જા. અમે આગળ ફોડી લઇશું...”

“હું ચીનના સૈનિકોથી ડરતો નથી. તમને મદદરૂપ થઇશ...” તે ભાંગીતૂટી ચાઇનીઝ ભાષામાં બોલ્યો.

“છતાં પણ આગળ જોખમ ઘણું છે, અમે તને જોખમમાં મૂકવા માંગતા નથી.”

“ઠીક છે, જેવી આપની ઇચ્છા...” તે બોલ્યો. ત્યારબાદ તેને દસ મિનિટ સુધી મેજર કતારસિંગ સુધી પહોંચવા માટે દિશાઓનું સૂચન કર્યું. ગાઢ જંગલ હતું. કોઇ રસ્તો ન હતો. મેજર સોમદત્ત તલ્લીનતા સાથે તેની વાતને સાંભળી રહ્યાં. અને બધી વાતને સમજીને મગજમાં ઉતારતા રહ્યાં.

“ઠીક છે. તારા જણાવ્યા પ્રમાણે અમે ચોક્કસ મેજર કતારસિંગ સુધી પહોંચી જઇશું. અમને અહીં સુધી પહોંચાડવા અને પૂરતું માર્ગદર્શન આપવા માટે તારો ખૂબ ખૂબ આભાર.” મેજર સોમદત્તે તેને કહ્યું. પછી તે નમસ્કાર કરી પોતાના કબીલા તરફ જવાના રસ્તે આગળ વધી ગયો.

ગાઢ અંધકાર અને ખતરનાક સન્નાટાભર્યા જંગલમાં કશું જ દેખાતું ન હતું અને તેઓના ચાલવાથી સૂકા પાંદડા કચડાવવાનો અવાજ પણ ઘણો મોટો થઇને આવતો હતો. જોકે વરસાદ પડી ગયો હોવાથી નીચે પડેલ વૃક્ષોના પાંદડાઓ લગભગ ભીના થઇ ગયા હતા.

લગભગ અડધા કલાક સુધી તેઓ સતત તે જંગલીના બતાવેલ રસ્તા તરફ ચાલ્યા રહ્યા. અડધા કલાક પછી તેઓ તે સ્થળેથી નજીક પહોંચ્યા જ્યાં મેજર કતારસિંગ અને તેની બટાલીયનને ચારે તરફ ઘેરો ઘાલીને પડ્યા હતા. મેજર સોમદત્તે આગળ થોડી ખુલ્લી જગ્યા હતી ત્યાં પોતાનો રૂમાલ જેમાં ‘કે’ એટલે કતારસિંગ લખ્યું હતું તેને ફગાવી દીધો.

થોડે દૂર આવતા અવાજો અને વારંવાર સિગ્નલની ઝબૂકતી લાઇટો જોઇ તેઓ સમજી ગયા કે ત્યાં ચીનના સિપાઇઓ એકઠા થયા છે અને ધીમા અવાજે વાતો કરી રહ્યા છે. મેજર સોમદત્તે ઇશારો કરી સૌને શાંત રહેવાનું કહી ઝડપથી એક મોટા વૃક્ષ પર ચડી ગયા અને પછી એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર થઇ એકઠા થયેલા સૈનિકોની નજીક પહોંચી ગયા. વૃક્ષના ઝૂંડની ઉપર ચુપચાપ બેસીને તે લોકો વચ્ચે થતી વાતચીત સાંભળવા લાગ્યા.

“આપણે અહીં ઘેરાવો કરીને બેઠા છીએ અને મેજર કતારસિંગ ઘેરાવો તોડીને નાસી ગયો. સર, આ વાત મારા દિમાગમાં આવતી નથી.” એક સિપાઇ કર્નલ દિંગવાંગને કહી રહ્યો હતો.

“મને પણ સમડ પડતી નથી પણ આપણી છેલ્લી ચેકપોસ્ટના અધિકારી સિનચુનો સંદેશ હતો. મેજર કતારસિંગ તેના સુધી પહોંચી ગયો છે અને કર્નલ સિનચુની વાતને આપણે નકારી શકીએ નહીં.”

“પણ સર...! સિનચુ સાહેબના અવાજમાં કોઇએ આપણને ખોટા સમાચાર આપી અવળે રસ્તે ચડાવવાની કોશિશ કરી હોય તેવું પણ બને ને.” એક બીજા સિપાઇએ કહ્યું. તેના ચહેરા પર મૂંઝવણના ભાવો ફેલાયેલા હતા.

“પણ...સિનચુ અને તેના કોર્ડ નંબર પણ સાચા કહ્યા હતા અને ફોન કરનાર શખ્સે મારી સાથે જે રીતે ફોન કરતો હતો તે રીતે જ સિનચું હોય તેવું મારું મક્કમપણે માનવું છે.” દિંગવાગના શબ્દોમાં પણ મક્કમતા હતી.

“હવે શું કરવું છે સર ?”

“જલદી સૌને સૂચના આપી અહીંથી ઘેરાવો છોડીને છેલ્લા ચેકપોસ્ટ સુધી પહોંચવાનો સંદેશ આપી દો. ગમે તે થાય મારે મેજર કતારસિંગને પકડી તિબેટ લઇ જવો છે.” કહેતા તેણે પોતાના સાથીઓની સામે જોયું, “હવે સમય નથી. જલદી કરો.” તે બોલ્યો.

“ઓ.કે. સર ! હું બધા જ બટાલિયનને જલદી બ્રીજ તરફ રવાના કરવાનું જણાવું છું.”

અને થોડી જ વારમાં મેજર કતારસિંગને ઘેરોવો કરેલ ચીની સૈનિકોની અલગ અલગ બટાલિયનો બ્રિજ પાસેની ચોકી તરફ આગળ વધી ગઇ.

હાથને હાથ ન દેખાય તેવા ગાઢ અંધકારમાં પ્રલય, કદમ, આદિત્ય અને વિજયસિંહા અલગ-અલગ ટેકરીઓની પાછળ છુપાઇને ચીની સિપાઇઓની હલનચલન પર નજર રાખી રહ્યા હતા. થોડી જ વારમાં સોમદત્ત વૃક્ષ પરથી ઊભા થઇ તે જગ્યા પાસે આવી પહોંચ્યા.

“સાવધાન...આગળ લગભગ દસ જેટલા સિપાઇઓ સાથે કર્નલ દિંગવાંગ આપણી તરફ આવી રહ્યો છે. એક પણ સિપાઇ છટકીને નાસી જવો ન જોઇએ.” ગંભીર અવાજે બોલતા મેજર સોમદત્ત એક નાની ટેકરીની પાછળ પોઝિશન લઇને સૂઇ ગયા.

સમ... મ...સમ...મ... રાતનો સમય પસાર થઇ રહ્યો હતો.

એકદમ નીરવ શાંતિભર્યુ વાતાવરણ મણ મણના બોજ જેવું લાગતુ હતું. ક્યાંય કોઇ જ અવાજ ન હતો. અચાનક સિપાઇઓના ચાલવાથી આવતા બૂટના અવાજો ગુંજી ઉઠ્યાં.

અવાજ સાંભળી મેજર સોમદત્ત, પ્રલય, કદમ અને આદિત્ય, વિજયસિંહા એકદમ સતર્ક બની ગયા.

અને પછી શાંત વાતાવરણમાં ભૈરવ પક્ષીના કિલકિલાટીનો અવાજ ગુંજી ઉઠ્યો તે સંકેત હતો દુશ્મનો સામે મુકાબલો કરવાનો.

અને પછી પહેલી ગોળી કદમની એ.કે.47માંથી છુટી. આગના લિસોટા વેરતી ધમાકા સાથે ગોળી છુટીને અને એક સિપાઇ ચીસ નાખીને નીચે પછડાયો. તે સાથે જ કિંગવાનની ચીસ વાતાવરણમાં ગુંજી ઉઠી.

“પોઝિશન લઇ લો. દુશ્મનોએ આપણા પર હુમલો કર્યો છે.” કિંગવાન ચિલ્લાયો. તે સાથે જ બધા ચીની સૈનિકો મોટા વૃક્ષોની આડમાં છૂપાઇ ગયા અને ટેકરીઓ તરફ નિશાન લઇ ધડાધડ ગોળીબાર કરવા લાગ્યા.

ગોળીઓના ધમાકાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું.

ટેકરીઓ પાછળથી પણ કેટલીય ગોળીઓ છૂટી. તે મેજર સોમદત્ત અને તેની ટીમનો વળતો જવાબ હતા.

થોડી વાર પછી ફરીથી એકદમ શાંતિ છવાઇ ગઇ.

પણ પછી ટેકરીઓ તરફ ગોળીઓનો વરસાદ વરસ્યો. ગોળીઓના ધમાકા અને આગના ચમકારા વચ્ચે ગોળીઓની આતિશબાજી ફેલાઇ ગઇ.

ટેકરી પર લાગતી ગોળીઓને લીધે, ટેકરી પરથી ધૂળના ઢેફા અને કાંકરીઓ ઉડતી હતી અને તેની પાછળ છુપાયેલા સૌના પર ધૂળ, કાંકરીઓનો વરસાદ વરસી રહ્યો.

અચાનક જોરદાર ધમાકો થયો.

અને જયાં મેજર સોમદત્ત અને તેના સાથીઓ ટેકરીની પાછળ છૂપાયા હતા તેનાથી થોડે દૂર ચીની સૈનિકોએ મોર્ટાર વડે હુમલો કરતા ત્યાં બનેલો ટેકરો ધૂળોના ઢગલમાં ફેરવાઇ ગયો.

સામ-સામે સતત ગોળીબાર ચાલુ હતો.

મોર્ટાર વડે તેઓ પર હુમલો થતા પ્રલયનો ગુસ્સો સાતમા આસમાનેં પહોંચી ગયો. તેનો ચહેરો બદલાઇ ગયો. અત્યારે તે સાક્ષાત્ મહાકાશ જેવો દેખાતો હતો. ગુસ્સાથી દાંત કચકચાવીને પ્રલય મુઠ્ઠીઓ વાળી ટેકરીઓની ઉપર વૃક્ષોનાં ઝૂંડ તરફ ભાગ્યો. કેટલીય ગોળીઓ તેની પાછળ છૂટી.

“પ્રલય...” મેજર સોમદત્તના મોંમાંથી ચીસ નીકળી ગઇ. પણ પ્રલયને કશું જ ભાન ન હતું. બસ એક જ વાત તેના દિમાગમાં કબજો જમાવીને બેસી ગઇ કે ગમે તેમ કરી દુશ્મનોનો ખાત્મો બોલાવી દેવો.

ગોળીઓના વરસાદ વચ્ચે દોડતો તે વૃક્ષોના ઝૂંડ પાસે પહોંચી ગયો અને પછી જમ્પ મારી અંધકારમાં જ પ્રલયે કૂદકો માર્યો. તેના હાથમાં વૃક્ષની એક ડાળ આવી ગઇ. બીજી જ પળે તે વૃક્ષ પર ચડી ગયો અને પછી વાંદરાઓની જેમ ડાળો પર છલાંગ મારતો એક ડાળ પરથી બીજી ડાળ પર થઇને દુશ્મનો તરફ આગળ વધ્યો.

પ્રલયે જોયું, લગભગ બાર જેટલા સિપાઇઓ મેજર સોમદત્ત અને તેના સાથીઓ પર અંધાધૂંધ ગોળીઓ ચલાવતા હતા.

ક્રોધથી પ્રલયે દાંત કચકચાવ્યા. તેનો રતુંબડો ચહેરો અને લાલ આંખો તપાવેલા તાંબા જેવો થઇ ગયો હતો. બીજી બે ડાળ ટપી તે દુશ્મનોની આગળ અને પછી ઉપરની હનુમાન કૂદકો લગાવી કુદ્યો.

“જય માં ભવાની...” ત્રાડ પાડતો તે સૈનિકોની પાછળ આવીને ઊભો રહ્યો.

તેની ત્રાડથી કેટલાય સિપાઇઓ હેબતાઇ ગયા. અંધકારમાં પ્રલયની આંખો સળગતા કોલસા જેવી દેખાઇ રહી હતી.

“આ... આ... કોણ છે...?” ધ્રુજતા અવાજે એક સિપાઇ પ્રલયની દેખાતી આંખે તરફ આંગળી ચીંધતા બોલી ઉઠ્યો.

“તમારો કાળ... કાળ... કાળ...” પ્રલયે આંગળી ચીંધતા કર્નલ કિંગવાને ચીસ નાંખી.

અને પછી જ બધા જ સિપાઇઓ પલટી જઇને રાઇફલોની નાળ પ્રલયની તરફ રાખી.

ધાંય... ધડ... ધડ... ધાંય... જોરદાર ધમાકાના અવાજ સાથે તીવ્ર પ્રકાશપૂંજ વેરતી કેટલીય ગોળીઓ પ્રલયને મારવા ધસી ગઇ.

પ્રલયનો દેહ હવામાં અધ્ધર ઉછળ્યો અને તેના દેહ રબરનો બનેલો હોય તેમ હવામાં વાંકો ચૂંકો થતા રહ્યો અને કેટલીય ગોળીઓ તેના દેહની આસપાસથી શોર મચાવતી નીકળી ગઇ.

અચાનક દુશ્મનો તરફ મેજર સોમદત્ત તરફથી એકદમ ગોળીબાર શરૂ થયો. કેટલાય સિપાઇઓ ગોળીથી વીંધાઇને ચીસ નાંખતા નીચે પછડાયા. કર્નલ કિંગવાંગ પ્રલયની ચપળતા જોઇ હક્કો-બક્કો રહી ગયો.

તે કશું કરે તે પહેલાં જ પ્રલયનો દેહ ફરી રબરના દડા જેમ ઉછળ્યો અને પછી હવામાં જ તેના પગ ધરતી તરફ સીધા થયા. બસ, બીજી જ પળે તેના પગની ભરપૂર લાતનો ભીષણ ફટકો કિંગવાંગના ચહેરા પર પડ્યો.

કિંગવાંગ લથડ્યો અને ચીસ પાડતો નીચે પછડાયો. પ્રલયનો દેહ તેના પર પડ્યો.

તરત કેટલાય સિપાઇઓના હાથમાંની રિવોલ્વર પ્રલય તરફ તંકાઇ.

“હેએએએ... ઇ...” પ્રલયના મોંમાંથી ત્રાડ નીકળી અને વાતાવરણમાં ગુંજી ઉઠી. પ્રલયનો એક હાથ કિંગવાંગની ગરદન ફરતે ઝડપથી વીંટળાઇ ગયો.

“તમારા કર્નલને જીવતો જોવો હોય તો રાઇફલો નીચે મૂકી દો...” ચીસ પાડતા પ્રલયે ગર્જના કરી, સિપાઇઓ હેબતાઇ ગયા.

પ્રલયે કિંગવાંગની ગરદન પરનો હાથના ભરડાને વધારે સખ્ત કર્યો. કિંગવાંગને થયું કે હમણાં જ તેના ગરદનની હાંડકી તૂટી પડશે.

હેબતાયેલા કર્નલ કિંગવાંગના મોમાંથી ગેં.. ગેં... જેવો અવાજ નીકલ્યો. તે ઇશારાથી પોતાના સિપાઇઓને રાઇફલો જલ્દી નીચે ફેંકી દેવા માટે કહી રહ્યો હતો.

સિપાઇઓ થોડી વાર તો પ્રલયનું વિકરાળ સ્વરૂપ જોઇને થીજી ગયા. પણ પછી કિંગવાંગની ચીસથી તેઓ સંમોહનમાંથી બહાર આવ્યા અને પછી ફટાફટ રાઇફલોને નીચે ફેંકી દીધી.

“હથિયાર મારા પગ પાસે મૂકી દો...” જાનવરના ઘુરકાટ જેવો અવાજ ભાંગી-તૂટી ચાઇનીઝ ભાષામાં નીકળ્યો.

બધા સૈનિકોને દિલમાં ફફડાટ વ્યાપી ગયો હતો. થોડી જ પળોમાં પ્રલયના પગ પાસે રાઇફલોનો ઢગલો થઇ ગયો.

“હવે દૂર ખસી જાવ...” પ્રલયના બોલતાં જ સૌ જાણે સામે છંછેડાયેલા સિંહને જોયો હોય તેમ દૂર ખસી ગયા.

થોડી ક્ષણો માટે વાતાવરણમાં એકદમ ખામોશી છવાયેલી રહી.

અને પછી શાંત વાતાવરણમાં કટ કટના આછા ધ્વનિ પછી કિંગવાંગના મોંમાંથી છેલ્લી મરણચીસ નીકળીને વાતાવરણમાં ખોફ છવાઇ ગયો.

પ્રલયે કિંગવાંગની ગરદન દબાવી તેની હાંડકી તોડી નાંખી હતી. અને બીજી જ ક્ષમે ચીસ નાંખતો તરફડીયા ખાતો કિંગવાંગ નીચે પછડાયો. તેના મોંમાંથી લોહીના ગોટા નીકળ્યા અને આંખો ફાટેલી જ રહી ગઇ. ગરદનની સ્પાઇન કોર્ડ તૂટી જતાં જ તે બે-ચાર ક્ષણ તરફડીયા મારી મૃત્યુ પામ્યો.

ઝડપથી પ્રલયે નીચા નમીને બધી જ રાઇફલોને એક હાથના સહારે ઊંચકી. બીજા હાથમાં એ.કે.56 પકડી ધીમે-ધીમે પાછલા પગે પાછળની તરફ સરકવા લાગ્યો.

પ્રલયને પાછો જતો જોઇ સૈનિકો બીતાં-બીતાં નજદીક આવવા લાગ્યા. પણ કોઇની હિંમત ચાલતી ન હતી કે પ્રલય પાસે જાય.

પ્રલયના ચહેરા પર કાતિલ સ્મિત ફરકી ગયું અને પછી એ.કે.56ની ટ્રિંગર પર તેનો હાથ ઝડપથી દબાયો.

ધાંય... ધાંય... ધાંય... કેટલીયે ગોળીઓ તેમાંથી છૂટી અને દૂર ઊભેલા સૈનિકોના શરીરમાં શોર મચાવતી ઘુસી ગઇ.

સૈનિકોની ચીસોના અવાજ સાથે જંગલ ખળભળી ઉઠ્યું. ત્યારબાદ થોડી પળોમાં જ ચીર ખોફભર્યો સન્નાટો પ્રસરી ગયો.

પ્રલયના મોંમાંથી હજુ જાનવરની ઘુરઘુરાટી જેવો અવાજ નીકળતો હતો. તેની આંખો લાલ અંગારા જેવી દેખાતી હતી.

“શાબાશ પ્રલય...” અચાનક પાછળથી પ્રલયના બાવડા પર વ્હાલથી હાથ ફેરવતાં મેજર સોમદત્ત બોલ્યા.

મેજર સોમદત્તના પ્રેમભર્યા સ્પર્શની સાથે પ્રલયનો ગુસ્સો ઠંડો પડતો જતો હતો. થોડી વારમાં તે શાંત થઇ ગયો.

“સર...! મેં બધા જ દુશ્મનોને ખતમ કરી નાંખ્યા.”

“પ્રલય...ખરેખર તું ભારતમાતાનો સાચો સપૂત છે. તારી બહાદુરી અને દેશપ્રેમન હું સલામ કરું છું...” મેજર સોમદત્ત બોલ્યા.

વૃક્ષોના ઝૂંડ પાછળ ખખડાટનો અવાજ આવતા જ પ્રલય ચમક્યો. પણ બીજી જ પળે તેના ચહેરા પર સ્મિત ચમકી ઉઠ્યું.

વૃક્ષોના ઝાંડ પાછળ છૂપાયેલા કદમ, આદિત્ય અને વિજયસિંહા બહાર આવ્યાં.

“પ્રલય ધી ગ્રેટ... ભાઇ... ભાઇ... હાડકાં કેમ તોડવા તે તો તારી પાસેથી જ શીખવા મળે...” હસતા ચહેરે આદિત્ય પ્રલયની સામે જોયું.

“તારે હાડકાનું કારખાનું બનાવવું હોય તો કહેજે. વગર મશીને હાડકાંઓનો ભૂક્કો પ્રલય તને કરી આપશે...” કદમ હસ્યો.

“ખરેખર પ્રલય જાંબાઝ સિપાઇ છે...” વિજયસિંહા બોલી ઉઠ્યો.

“ચાલો આગળ... સમય વીતતો જાય છે... આપણે હજુ મેજર કતારસિંગને શોધવાનો છે...” ગંભીરતાપૂર્વક મેજર સોમદત્તે કહ્યું.

“યસ સર...!” સૌ એકી સાથે બોલી ઉઠ્યા, અને પછી ગીચ જંગલમાં આગળ વધ્યા.

ચંદ્રમાં ધીમે-ધીમે પશ્ચિમ તરફ ડૂબવા લાગ્યો હતો. જંગલમાં ખોફભર્યા સન્નાટામાં નિશાચર પ્રાણીઓની ત્રાડો થોડી-થોડી વારે વાતાવરણમાં ખોફ ફેલાવતી હતી.

તેઓ લગભગ એક કિલોમીટર જેટલું ચાલ્યા હતા. સામેથી દુશ્મનોનો કોઇ જ પ્રતિસાદ તેઓને મળ્યો ન હતો.

જંગલની ખામોશી કોરી ખાતી હતી. કેટલાય નાના-મોટા ટેકરાઓ ચડીને તેઓ તે જગ્યા પર આવી પહોંચ્યા, જ્યાં મેજર કતારસિંગ ચીની સૈનિકો વચ્ચે ઘેરાયેલા હતા.

અત્યારે મેજર સોમદત્ત અને તેમના સાથીઓ એક ઊંચી પહાડી પર હતા અને ત્યાંથી નીચેની તળેટીમાં થતી હિલચાલ પર બારીક નજર રાખી રહ્યાં હતાં.

કેટલાક ચીની સૈનિકો હજુ પણ ત્યાં ગોઠવાયેલા હતાં અને મોરચો સંભાળી બેઠા હતા.

અચાનક એક જગ્યા પર હિલચાલ દેખાઇ. નાઇટ વિઝન દૂરબીનથી સતત તાકી રહેલો કદમ ચમક્યો. કેટલાય સૈનિકોની વચ્ચે ત્રણ ભારતના સિપાઇઓ અને ચીની સૈનિકોનાં સંકજામાં ઘેરાયેલા હતા. ચીની સૈનિકો તેઓના હાથ પાછળથી બાંધેલા હતા. અને એક સૈનિક તેઓને ચામડાના પટ્ટા વડે મારી રહ્યો હતો.

“સર... આપણા ત્રણ સિપાઇઓ ચીની સૈનિકોના હાથમાં પકડાઇ ગયા છે. અને ચીની સૈનિકો તેઓને બંદી બનાવ્યા છે. અને ચામડાના પટ્ટા વડે મારી રહ્યાં છે.” દૂરબીન મેજર સોમદત્તના હાથમાં આપતા ધડકતા હૈયા સાથે કદમે કહ્યું.

“સર...! હું હમણાં જાઉ છું. અને બધા ચીની સૈનિકોનો ખાત્મો બોલાવી દઉં છું...” ગુસ્સાથી તમતમતા પ્રલયે કહ્યું.

“ના...” મેજર સોમદત્ત મક્કમ સ્વરે બોલ્યા. “તેઓને છોડાવવા માટે હું અને વિજયસિંહા જઇએ છીએ. તમે ત્રણે અહીંની સતત ત્યાં નજર રાખજો. ચાલો વિજયસિંહા...” કહેતા મેજર સોમદત્ત પહાડી પરથી નીચે ઉતરતી કેડી પર ઝડપથી આગળ વધ્યો.

ચંદ્ર આથમી ગયો હોવાથી કંઇ જ દેખાતું ન હતું. વૃક્ષોના ઝૂંડ વચ્ચે પસાર થતાં મેજર સોમદત્ત અને વિજયસિંહા જયાં ચીની સિપાઇઓ ભારતના સૈનિકોને ઘેરીને ઊભા હતા, તેની એકદમ નજદીક પહોંચી ગયા.

મેજર સોમદત્તે ખિસ્સામાંથી લીંબુના કદ જેટલો સ્મોક બોમ્બ બહાર કાઢ્યો અને પછી પૂરી તાકાત સાથે જ્યાં સૈનિકો ઊભા હતા ત્યાં ‘ઘા’ કર્યો.

થોડી પળોમાં જ ત્યાં ગાઢ ધુમ્મસનું આવરણ છવાઇ ગયું. ચીની સૈનિકો આમથી તેમ દોડાદોડ કરવા લાગ્યાં.

સૈનિકોના બૂમબરાડાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યો. સાથે સાથે સૈનિકો એકદમ ઉધરસ ખાતા હતા.

“ચાલ...” કહેતાં મેજર સોમદત્તે વિજયસિંહાનો હાથ પકડયો અને પછી રફતારથી દોડતા-દોડતા તેઓ ચીની સૈનિકો તરફ આગળ વધ્યા.

અચાનક એક સૈનિક તેઓની સામે આવી ગયા. ધડામ... ના અવાજ સાથે વિજયસિંહાના હાથમાં પકડેલી રિવોલ્વરમાંથી ગોળી છુટી અને સીધી તે સિપાઇના સીનામાં ઘુસી ગઇ. છાતી પર હાથ દબાવતો સિપાઇ ત્યાં જ ઢળી પડ્યો.

વૃક્ષોના ઝૂંડમાંથી અચાનક ખડખડાટનો અવાજ આવ્યો અને પછી બે ચીની સિપાઇઓ ઉપરથી મેજર સોમદત્ત અને વિજયસિંહા ઊભા હતા ત્યાં કૂદ્યા અને પછી એક સિપાઇના રાઇફલની બટનો ફટકો વિજયસિંહાના મસ્તક પર લાગ્યો.

વિજયસિંહાના મોંમાંથી ચીસ નીકળી. શાંત વાતાવરણમાં ફેલાઇ તરત બીજો સૈનિક હાથમાં છુરો પકડી મેજર સોમદત્ત તરફ આગળ વધ્યો.

મેજર સોમદત્ત એકદમ સાવધાન થઇ ગયા અને પાછલા પગે તેઓ ધીરે-ધીરે આગળ વધી રહ્યો હતો.

અને પછી તે સૈનિકનો દેહ અચાનક હવામાં ઉછળ્યો અને ગતિથી મેજર સોમદત્ત તરફ આગળ વધ્યો. તેના હાથમાં પકડેલ છૂરાનું નિશાન મેજર સોમદત્તની છાતી હતી.

મેજર સોમદત્તના પગ ત્યાં જ સ્થિર હતા, પણ તેનો દેહ સ્પ્રીંગની જેમ પાછળની તરફ ઝુકી ગયો. અને પછી જેવો તેના બંને હાથ ધરતી પર નીચે આવ્યા કે તેના બંને પગ ઉપર ઉઠ્યાં. તે જ વખતે તે સિપાઇનો દેહ થોડી વાર પહેલા મેજર સોમદત્ત ઊભા હતા ત્યાં આવ્યો. તેનો છૂરી પકડેલો હાથ હવામાં ઘુમ્યો. પણ મેજર સોમદત્ત એટલી ઝડપથી પોતાના દેહને ઉથલાવી નાંખ્યો હતો કે તેના પગની લાતનો ફટકો સૈનિકના છૂરી પકડેલા હાથ પર પડ્યો.

સિપાઇના હાથમાંની છૂરી નીચે પડી ગઇ. બીજી જ ક્ષણે મેજર સોમદત્તનો દેહ ગુલાંટ ખાઇ ઉછળ્યો અને સીધો થયો અને પછી સીધો થતાંજ તેની લાતનો ફટકો સિપાઇની છાતીમાં ઘણના ‘ઘા’ની જેમ પડ્યો.

સિપાઇનો દેહ હવામાં અધ્ધર ઉછળતો પાછળની તરફ જોઇને પડ્યો.

બીજી જ ક્ષણે નીચે પડેલી છૂરી ઉઠાવી મેજર સોમદત્તે તેની છાતી તરફ પૂરા જોશ સાથે ‘ઘા’ કરી. છૂરી સીધી સિપાઇને પેટમાં ઘુસી ગઇ અને પેટમાં ચીરો પાડતી અંદરના આંતરડાઓના બહાર ઢગલો કરતી ગઇ. તે સિપાઇ ત્યાં જ પડ્યા-પડ્યા તરફડિયા મારવા લાગ્યો.

બીજા સિપાઇના પગની લાતનો વિજયસિંહાના મસ્તક પર જોરદાર ફટકો લાગ્યો. તે સિપાઇના બૂટમાં ખીલા જડેલા હતા. ક્ષણ માટે વિજયસિંહાને તમ્મર આવી ગયા, પણ બીજી જ ક્ષણે વિજયસિંહાએ પોતાની જાતને સંભાળી ઊભો થયો.

સિપાઇનો બીજી વખત લાત મારવા માટે અધ્ધર થયેલો પગ વિજયસિંહાના હાથમાં જકડાઇ ગયો. વિજયસિંહાને તે સિપાઇએ મસ્તક પર ફટકો માર્યો હોવાથી વિજયસિંહા એટલો બધો છંછેડાઇ ગયો હતો કે તેણે પકડેલા સિપાઇના પગથી જ સિપાઇને અધ્ધર ઉંચક્યો અને પછી ગોળ-ગોળ ફરાવવા લાગ્યો. અને પછી ધોબી જેમ કપડાંને શિલા સાથે પછાડે તેમ પુરી તાકાત સાથે તે સિપાઇના દેહને એક વૃક્ષની સાથે પછડાયો. સિપાઇ ચીસ નાંખતો ત્યાં જ ઢળી પડ્યો.

મેજર સોમદત્ત જ્યાં નીચી સિપાઇઓ ભારતના સિપાઇઓને પકડીને ઊભા હતા તે તરફ દોડ્યા. ગમે તેમ કરીને ત્રણ સિપાઇઓને બચાવવાના હતા.

મેજર સોમદત્તનો શ્વાસ પણ ટિયરગેસના છોડેલા બોમ્બની અસરથી મુંજાતો હતો. પણ તેઓ મોં પર રૂમાલ બાંધી દીધો હતો. તેના હાથમાં એસ.એલ.આર. પકડેલી હતી.

“હરામખોરોને ખત્મ કરી નાંખો એટલે આપણે આગળ વધીએ...” એક ચીની સિપાઇનો અવાજ મેજર સોમદત્તને કાને પડ્યો. તેઓ સમજી ગયા કે તે સિપાઇ ભારતના ત્રણ સિપાઇને ખત્મ કરવાની વાત કરે છે. મેજર સોમદત્તનું મગજ ગુસ્સાથી ધણધણી ઉઠ્યું. એક તો રાત્રિનો અંધકાર અને તેમાંય ટીયરગેસના ધુમાડાના ગોટા હજુ ત્યાં વિખરાયેલા હતા.

આંખોને ખેંચી-ખેંચીને મેજર સોમદત્તે સામે જોયું તો ચાર ચીની સિપાઇઓ ભારતના સિપાઇને ઘેરીને ઊભા હતા. અને તેમાંનો એક સિપાઇની રાઇફલ તેઓને મારવા માટે તંકાયેલી હતી. તેના હાથની આંગળીઓ રાઇફલના ટ્રીગર પર દબાણ કરતી હતી.

મેજર સોમદત્તે દાંત કચકચાવ્યા અને પછી તેના હાથમાં પકડેલી એસ.એલ.આર.ની ટ્રીગર પર તેની આંગળીઓ દબાવી.

ધડામ...ધડામ...ધાંય... ધાંય...નો શોર મચાવતી કેટલીય ગોળીઓ ત્યાં ઊભેલા ચીની સૈનિકોની તરફ છુટી. ચીસો પાડતાં ચાર સૈનિકો ત્યાં જ પછડાયા.

“સર...! આપ ઠીક તો છો ને...?” મેજર સોમદત્તની પાછળ વિજયસિંહાનો અવાજ સંભળાયો.

“વિજય... તું ઝડપથી આપણા સિપાઇઓના બંધનો છોડીને જયાં પ્રલય, કદમ અને આદિત્ય છુપાયા છે, ત્યાં લઇ જા...” ઉતાવળે મેજર સોમદત્ત બોલ્યા.

“સર...! આપ...?” ત્રણે સિપાઇઓ તેઓને મેજર કતારસિંગ સમજીને બોલી ઉઠ્યા.

“હા... તમે સાચું જ કહ્યું છે. પણ હું મેજર કતારસિંગ નથી. હું ભારતથી તમને મદદ કરવા માટે આવેલ એક સિપાઇ છું.” મેજર સોમદત્તના સ્વરમાં લાગણી નીતરતી હતી.

“પણ સર...! તમે તો હુબહુ મેજર કતારસિંગ જેવા જ લાગો છો...” આશ્ચર્ય સાથે એક સિપાઇ બોલી ઉઠ્યો.

“હા... અને તેનો જ લાભ લઇ હું તમારા સુધી પહોંચ્યો છું.” ગંભીરતા સ્વરે તેઓ આગળ બોલ્યા.

“દોસ્તો, સમય એકદમ ઓછો છે. મેજર કતારસિંગ ક્યાં છે. તે તમે મને બતાવો એટલે તેમને હું ચીની સિપાઇઓના ઘેરામાંથી છોડાવી લાવું.”

“પણ સર... અહીં તો ચારે તરફ ચીનના સિપાઇઓ ફેલાયેલા છે. અમે તેમનાથી થોડી વાર પહેલાં જ છુટા પડી અને ચીની સૈનિકોના હાથમાં સપડાઇ ગયા હતાં.”

“તેઓ અત્યારે ક્યાં છે...?” મેજર સોમદત્તે તે ભારતીય સિપાઇની સામે જોયું.

“મને ખબર છે, સર...! હું તમારી સાથે આવું છું. ચાલો જલ્દી...” તેમાંનો એક સિપાઇ ઉતાવળે બોલ્યો.

“વિજયસિંહાએ તમે આ બંને સિપાઇ સાથે પ્રલય, કદમ અને આદિત્ય પાસે ચાલ્યા જાવ. હું થોડી જ વારમાં મેજર કતારસિંગને છોડાવી ત્યાં પહોંચી આવીશ...”

“સર... પછી તમે ત્યાં એકલા જાવ તેના કરતાં આપણે સૌ તમારી સાથે ચાલીએ...” એક સિપાઇએ વિવેક સાથે કહ્યું.

“તમને લઇ જવામાં વાંધો નથી પણ તમે બધા મારા સાથીઓ સાથે ત્યાં સલામત રહેશો. અહીં મને તમારી ચિંતા નહીં રહે અને હું ઝડપથી કામ પતાવી શકીશ...”

મેજર સોમદત્ત બોલી ઉઠ્યા.

“ઓ.કે. સર...! અમે જઇએ છીએ, તમે તમારો ખ્યાલ રાખજો...” વિજયસિંહા બોલ્યા. પછી બંને સિપાઇઓને ઇશારો કરી પોતાની પાછળ આવવા કહ્યું. થોડી વારમાં જ વિજયસિંહા અને બે સિપાઇઓના વૃક્ષોના ઝૂંડ વચ્ચે અર્દશ્ય થઇ ગયા.

“ચાલો...” એક ઊંડો શ્વાસ લઇ મેજર વિજયસિંહાએ એસ.એલ.આર. ને બંને હાથ વડે પકડતાં બોલ્યા.

“સર...! આ તરફ લગભગ પાંચ કિલોમીટરની દૂરી પર તેઓ અમારાથી છૂટા પડ્યા હતા. એટલે આપણે ત્યાંથી જ તેઓની શોધને શરૂ કરીએ. તેઓ પકડાઇ પણ ગયા હશે તો ચીનની સિપાઇઓ તેઓને હજુ આગળ લઇ ગયા નહીં હોય...” સિપાઇ બોલ્યો અને પછી બંને સિપાઇઓ બતાવેલા રસ્તે તરફ ઝડપથી આગળ વધવા લાગ્યાં.

વિજયસિંહા ઝડપથી તે બે સિપાઇઓને લઇ જે ટેકરી ઉપર પ્રલય, કદમ અને આદિત્ય છુપાયા હતા તે તરફ આગળ વધી ગયાં.

રાત્રિનો સમય પસાર થઇ રહ્યો હતો.

જંગલ એકદમ ખતરનાક લાગી રહ્યું હતું. રાત્રિનો ખોફભર્યો સન્નાટો ખાવા દોડતો હતો.

મેજર સોમદત્ત ગાઢ અંધકારભર્યા વાતાવરણમાં વૃક્ષોના ઝૂંડ વચ્ચે છુપાતા આગળ વધતા હતા.

તમરા અને દેડકાંઓના અવાજ સન્નાટાભર્યા વાતાવરણમાં ખોફ પેદા કરતા હતા.

કેટલું ચાલ્યા હશે તેની મેજર સોમદત્તને ખબર ન હતી. પણ ધીમા અવાજે કોઇ વાત કરી રહ્યું હોય તેવો ભાસ થતાં જ મેજર સોમદત્ત આગળ વધતા અટકી ગયા.

વૃક્ષોના ઝૂંડની પાછળ છુપાઇ તેઓ એક ધ્યાનથી વાત સાંભળવા લાગ્યા.

“જો સામે જ વૃક્ષો પાછળ મેજર કતારસિંગ છુપાયા છે, આપણે તેને ચીલ ઝડપ સાથે પકડીને આપણા મેજર પાસે લઇ જઇશું તો તેઓ ચોક્કસ આપણને ઇનામ આપશે. તેઓ મેજર કતારસિંગને પકડી ચીન સરકારના હવાલે કરવા તલસી રહ્યાં છે.”

“તને ખાતરી છે કે સામેના વૃક્ષના ઝૂંડમાં મેજર કતારસિંગ છુપાયા છે...” બીજા સૈનિકે પહેલા સૈનિકને ધીમા અવાજે પૂછ્યું. પણ તેનો ધીમો અવાજ પણ મેજર સોમદત્તના કાને પડી ગયો. તેઓની વાત સાંભળી ચમકી ગયેલા મેજર સોમદત્ત એકદમ ચમકી ગયા પણ પછી તેઓ શાંતિચિત્તે એક નજરે તે સિપાઇઓની એકદમ નજીક પહોંચીને છૂપાઇ ઊભા રહ્યા. મેજર કતારસિંગનું નામ પડતાં તેઓ એકદમ ઉત્તેજિત થઇ ગયા. જેના માટે તેઓ જિંદગીનું જોખમ અને મોતના ખોફને નેવે મૂકી અહીં સુધી આવ્યા હતા. જે તેઓના મિશનનું મકસદ હતું. તેવા મેજર કતારસિંગ તેઓની એકદમ નજદીક છે તે વિચારથી તેઓમાં રોમાંચ ભરી ઉત્તેજના ફેલાઇ.

“ચાલ, ધીમા પગલે, જરાય અવાજ ન કરતો. મેજર કતારસિંગથી આપણે ખૂબ જ નજદીક છીએ...”

બીજા સિપાઇએ એક સિપાઇને ધીમા સ્વરે કહ્યું. પછી બંને જરાય અવાજ ન થાય તેની ખબર રાખી. રાઇફલોને આગળ ધરી વૃક્ષોનાં ઝૂંડમાં આગળ વધ્યા. મેજર સોમદત્ત તેઓનો પીછો કરી રહ્યાં હતા. વાતાવરણમાં એટલો ખોફ છવાયેલો હતો કે ભલભલાની છાતીના પાટીયા બેસી જાય, પણ મેજર સોમદત્ત પૂરી ર્દઢતાની સાથે મક્કમ પગલે આગળ વધી રહ્યાં હતાં. તેઓના હાથમાં રહેલી એ.કે.56 મશીનગન ગમે ત્યારે મોતરૂપી ગોળીઓનો વરસાદ કરવા તૈયાર હતી.

અચાનક સામેની ઝાડીમાં ખખડાટનો અવાજ આવ્યો અને બંને સિપાઇ એકદમ સાવચેતીથી રાઇફલનું નિશાન તાકી આગળ વધ્યા.

અને પછી જયાં મેજર કતારસિંગ છુપાયા હતા તેઓની પાછળ આવી પહોંચ્યા.

મેજર કતારસિંગનું સમગ્ર ધ્યાન સામેની તરફ હતું. સામેની તરફથી આવતો ગોળીબાર બંધ થઇ ગયો હતો. છતાં પણ મેજર કતારસિંગ અને સાથેના બે સિપાઇઓ છુપાઇને આતુરતાથી સામનો કરવા તૈયાર હતાં.

***