અમે પુષ્પાંજલિ બહાર આવ્યા. મને ખાસ ભૂખ નહોતી છતાં મારે ખાવું પડ્યું. હું જાણતો હતો કે હું નહિ ખાઉં તો નયના અનેક સવાલો કરશે અને એ પણ નહિ ખાય. જોકે સવાલો તો નયનાએ ઘણા કર્યા હતા. થેંક ગોડ! વિવેકે એના સવાલો સંભાળી લીધા હતા.
સાંજ ઢળવાને હજુ વાર હતી છતાં એ જંગલ વિસ્તાર હતો એટલે અંધારું દેખાવા લાગ્યું. હવામાં ઠંડક ભળેલી હતી. પણ માત્ર ઠંડક જ. અહી ભેડાઘાટ જેવી શેતાની ચીલ ન હતી. અમે કાર સુધી પહોચ્યા ત્યારે ફરી નયનાએ એ જ સવાલ કર્યો, “તમે મને કઈ જગ્યાએ મુકવાના છો?”
“રસ્તામાં બધું સમજાવું. પહેલા તો તારે તારા મમ્મી પપ્પાને મળવું પડશે. એ તારી ખુબ જ ચિંતા કરી રહ્યા છે.” ફરી વિવેકે જવાબ આપ્યો.
“મમ્મી... પપ્પા..” નયના એકદમ જાણે યાદદાસ્ત ગુમાવેલ કોઈ વ્યક્તિને પોતાનો પરિવાર યાદ આવી જાય એમ રીએક્ટ કરવા લાગી, “તેઓ કયાં છે? મમ્મીને હું ખુબ મિસ કરી રહી છું મારે એને મળવું છે.”
હું સમજી શકતો હતો નયના એના પેરેન્ટ્સને મળવા માટે કેટલી ઉતાવળી હશે. હું પણ મમ્મી પપ્પાને મિસ કરી રહ્યો હતો. નાગપુરને મિસ કરી રહ્યો હતો.
“હા, પહેલા આપણે એમને મળવા જ જઈ રહ્યા છીએ.” મેં કહ્યું.
“અને ત્યારબાદ..?” નયનાને બધું જાણી લેવાની હંમેશાથી ઈચ્છા રહેતી.
“ત્યારબાદનું ત્યારબાદ નક્કી કરીશું.” વિવેકે એનો સવાલ ટાળી નાખ્યો. નયના કશું બોલ્યા વિના કારનો દરવાજો ખોલી કારની પાછળની સીટ પર ગોઠવાઈ. એ કશું બોલી નહી પણ એના ચહેરા પરથી હું સમજી ગયો કે તે ગુસ્સામાં છે. હું એની રગરગથી વાકેફ હતો. તમને થશે કે અમે હજુ થોડાક દિવસ પહેલા જ તો મળ્યા છીએ. અમારા વચ્ચે એક બે તુટક તુટક મુલાકાતો જ થઇ છે અને હું એની રગરગથી વાકેફ કઈ રીતે હોઈ શકું? પણ હું એને જન્મો જન્મથી ઓળખું છું અને એ મને. જોકે એને યાદ નથી કે આગળના જન્મમાં અમે આજ રીતે મળ્યા હતા. ખેર જવાદો એ ફરી કયારેક નવરાશના સમયે કહીશ. બહુ લાંબી કહાની છે. કદાચ નાગપુરના છેવાડે આવેલ દરેક ઝાડને એ વાત યાદ હશે કેમકે હજુ અનેક વ્રુક્ષોના થડ પર મારા અને નયનાના નામ કોતરેલા છે. આઈ મીન વરુણ અને અનન્યાના નામ કોતરેલા છે.
નયના માનવ સ્વરૂપે જન્મી છે એટલે એને કાઈ યાદ નથી પણ મને યાદ છે. જયારે અમે પહેલીવાર એ જંગલમાં મળ્યા હતા એ બીલીપત્રના ઝાડ નીચે હતી. એકદમ એકલી, ઉદાસ અને લોનલી. એના મનમાં શું દુ:ખ હતું, શું ચિંતા હતી એ મેં જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે મને ખયાલ આવ્યો કે એ માનવ નહિ પણ એક નાગિન હતી.
હું એ જ બીલીપત્રનીના ઝાડની ડાળ પર હતો. હું નીચે ઉતર્યો. હું નાગ સ્વરૂપે હતો. મને નાગ સ્વરૂપે એની સામે જવું યોગ્ય લાગ્યું કેમકે એ પણ એક નાગિન હતી. હું એની સામે જઇ ઉભો રહી ગયો - ફેણ ચડાવી. નાગ સ્વરૂપમાં અમારું રૂપ અમારા હુડમાં હોય છે. હું એની સાથે વાત કરવા ઈચ્છતો હતો એટલે હું માનવ સ્વરૂપે રજુ થવાની તૈયારી કરી રહ્યો હતો પણ એ મને જે રીતે જોઈ રહી હતી એ જોતા મને નવાઈ લાગી.
એ મને પથ્થર બની જોઈ રહી હતી. એ મારા પર આવતા સુરજના તડકાને રોકી રહી હતી. સુરજ તેની પીઠ પાછળ હતો છતાં એ સુંદર લાગતી હતી - બેહદ સુંદર. મેં કયારેય કોઈ પૃથ્વીલોકની નાગીન એટલી સુંદર હોઈ શકે એની કલ્પના પણ નહોતી કરી. તે ગજબની સુંદર લાગતી હતી. તે સીધી જ મારી આંખોમાં જોઈ રહી હતી.
ત્યારે મને નવાઈ લાગી કેમ એ મને એ રીતે ડરીને જોઈ રહી હતી. મેં સમજવાનો પ્રયાસ કર્યો. મેં એના મનમાં ડોકિયું કર્યું. નવાઈની વાત એ હતી કે એને ખયાલ ન હતો કે એ નાગિન છે એ પોતાની જાતને માનવ સમજતી હતી. જયારે પણ એક ઈચ્છાધારી નાગ કે નાગિન પૃથ્વીલોક પર જન્મે છે ત્યારે તેની રક્ષા માટે નાગલોકથી એક રક્ષક મોકલવામાં આવે છે. મારે પણ એક રક્ષક હતો. જે અશ્વીનીના મમ્મી પપ્પાના કાર અકસ્માતની દુર્ઘટના વખતે મેં ગુમાવી નાખ્યો હતો.
મને થયું કદાચ નયનાનો રક્ષક પણ એ નાની હશે ત્યારે તેને કોઈ માનવ પરિવારમાં છોડીને મૃત્યુ પામ્યો હશે એટલે એ માનવ પરિવારમાં ઉછરી હશે અને પોતાની જાતને માનવ જ સમજતી હશે કેમકે ઈચ્છાધારી નાગને પણ માનવ અને નાગ એમ સ્વરૂપ બદલવા માટે તાલીમની જરૂર પડે છે અને એ તાલીમ આપવાનું કામ એનો રક્ષક કરે છે. જેમ ચીની પ્રદેશોમાં ડ્રેગનને આગ છોડતા શીખવવામાં આવે છે એવી જ રીતે અમને પણ રૂપ બદલતા શીખવવામાં આવે છે.
અમારા વિશે તમે ઘણી લોક વાતો સાંભળી હશે કયારેક દાદી જોડે કયારેક શાળામાં પણ વાસ્તવિકતા માત્ર નાગ અને જાદુગરો જ જાણે છે. કદાચ બાળપણમાં જ એણીએ પોતાનો રક્ષક ગુમાવી નાખ્યો હશે અને એને સ્વરૂપ બદલતા નહિ આવડતું હોય અને એ પોતાના માનવ મમ્મી-પપ્પાને જ પોતાના અસલ મમ્મી પપ્પા સમજીને એમની સાથે રહેતી હશે. મેં એની સામે એકદમ આવી એને ડરાવી નાખી હતી. મેં ભૂલ કરી હતી મારે એની સામે આવવું જોઈતું નહોતું.
હું ત્યાંથી એ જ પળે ચાલી જવા માંગતો હતો પણ નયનાના રૂપમાં કે એની આંખોમાં કઈક જાદુ હતું. હું ત્યાંથી ખસી ન શકયો. અમારી આંખો લોક થયેલ હતી. જરાક અજીબ છે પણ એક નાગ અને એક માનવ સ્વરૂપે છોકરીની આંખો લોક થયેલ હતી. કદાચ સુરજ કયાંક ગાયબ થઇ ગયો હતો. કદાચ ધરતીએ પરિભ્રમણ કરવાનું બંધ કરી નાખ્યું હતું કે મારા હૃદયે ધબકવાનું બંધ કરી નાખ્યું હતું. એ શું હતું મને એ સમયે ન સમજાયું.
એક યુગ અમે એકમેકને તાકી રહ્યા. હું મહામહેનતે એ આંખની મોહિનીથી આઝાદ થી ત્યાંથી દુર ગયો. પણ એ આંખોને હું કયારેય ભૂલી ન શકયો. એની આંખો એકદમ ભૂરી હતી. એનામાં ચાંદ કરતા પણ વધુ તેઝ અને સુરજ કરતા પણ વધુ ચમક હતી. હું એને કયારેય ભૂલી ન શક્યો.
હું એના વિશે જ વિચારતો રહ્યો. એને કેમ પોતાના વિશે જાણ નહી હોય? નાગ જીવનમાં એક જ વાર પ્રેમ કરે છે અને મને એ દિવસે થઇ ગયો હતો. જોકે એ પ્રેમ અધુરો રહ્યો.
ગયા જન્મે અમારી બીજી મુલાકાત બૂક સ્ટોરમાં થઇ હતી. હું એ વખતે આજ શહેરમાં જન્મ્યો હતો. આઝાદી બાદના વર્ષોમાં. મારું નામ વરુણ હતું. હું આજ શહેર અને આજ જંગલમાં મોટો થયો. ત્યારે જંગલ અત્યારે છે એના કરતા પણ વધુ વિસ્તરેલ હતું અને લોકો ઈચ્છાધારી નાગની કહાનીમાં વધુ વિશ્વાસ કરતા હતા. અમે નાગપુરની હવેલી નજીક રહેતા હતા અને પપ્પાને મેઈન માર્કેટમાં બૂક સ્ટોર હતો.
પપ્પા અને હું બંને મોટા ભાગે ત્યાં વારાફરતી બેસતા. એ સમયે પુસ્તકો લોકો બહુ વાંચતા કેમકે અત્યાર જેમ ટીવી અને ફિલ્મોનો એ જમાનો ન હતો. કદાચ હું તમને મારા એ જન્મની વાત કહીશ ત્યારે તમને થોડુક અજીબ લાગશે કેમકે મારા એ સમય અને તમારા અત્યારના સમય વચ્ચે એક જનરેશન ગેપ જેવું થઇ ગયું છે. ઘણું બધું બદલાઈ ગયું છે. મને ખુદને પણ એ અનુભવ છે આ જન્મે હું 199૩માં જન્મ્યો છું અને અત્યારે 2017 છે પણ હું એ સમયની વાત કરી રહ્યો છું જયારે અમારી અને નયનાની પાછળના જન્મની બીજી મુલાકાત થઇ હતી.
એ સમયે બહુ અલગ હતું. બસ ત્યારથી અત્યાર સુધી એક જ ચીજ નથી બદલાઈ ત્યારે પણ લોકો પ્રેમમાં પડતા હતા અને અત્યારે પણ પડે છે ત્યારે પણ હૃદય એમ જ ધબકતું હતું અને અત્યારે પણ ધબકે છે.
હું અને પપ્પા બંને એકદમ અલગ હતા. એ પેસીવ હતા તો હું ઇન્ટ્રોસ્પેકટીવ. મને હમેશા ગતિમાં રહેવું પસંદ હતું અને હું એકલો રહેવાથી નફરત કરતો. જયારે તેઓ છુપાઈને અને એકલા રહેવાને વધુ મહત્વ આપતા કેમકે એ વખતે લોકો શિકારી હતા. એમને ખયાલ આવતો કે કોઈ વ્યક્તિ ઈચ્છાધારી નાગ છે તો તેનો શિકાર કરવા તેની પાછળ પડી જતા. ખાસ તો નાગપુરમાં કેમકે એવી અફવા હતી કે આઝાદી પહેલાના નાગપુરના રાજવંશના ખાતમા માટે નાગ અને મદારી લોકો જવાબદાર હતા.
મારે વધુ કઈ કહેવાની જરૂર નથી તમે જુના હિન્દી ફિલ્મો જોયા જ હશે. પપ્પા મને રોકતા છતાં હું એ જંગલમાં જઈ સ્વરૂપ ધારણ કરી ફરતો. મને હમેશા ગતિમાં રહેવું પસંદ હતું. પણ જયારે અમારા બૂક સ્ટોર પર મેં પહેલીવાર નયના સાથે વાત કરી ત્યારે મને ખયાલ આવ્યો કે હું કેમ ગતિમાં રહેતો હતો. કેમકે મારે મારા જીવનનું કેન્દ્રબિંદુ શોધવું હતું અને નયના એ કેન્દ્રબિંદુ હતી.
જોકે એ જન્મે નયનાનું નામ અનન્યા હતું. હા. એ સમયે એ નામ ફેશન ગણાતું. એ સમયે લોકો બાળકોના નામ ખાસ કરીને જુના સંસ્કૃત પુસ્તકોમાંથી શોધીને રાખતા.
જે દિવસે મેં અનન્યા સાથે પહેલીવાર વાત કરી હતી. એ મારા જીવનનો સૌથી અદભુત દિવસ હતો. એના શ્વાશની સુવાસ આખા બુક સ્ટોરમાં ફેલાઈ ગઈ હતી. હું કાઉન્ટરની પાછળ બેઠેલો હતો. મેં સફેદ લીનન શર્ટ પહેરેલ હતું. એ સમયે એ પણ ફેશન હતી.
સવારના સૂરજનો કુણો તડકો કાચની બારીઓમાંથી આવીને શેલ્ફમાં ગોઠવેલ દરેક પુસ્તકના હાર્ડકવર અને લેધર કવરને ચમકાવી રહ્યા હતા. એ હાર્ડકવર અને લેધર કે ક્લોથ બાઉન્ડમાં રહેલ તાજી ઇન્કની વાસમાં પણ હું અનન્યાના સેન્ટની સુવાસ મેહેસુસ કરી શકતો હતો. કદાચ એ ત્યાં ઇન્કની સુવાસ મેહસૂસ કરી રહી હતી.
જયારે હું માનવ સ્વરૂપે હોઉં ત્યારે મને પણ એ નવી ઇન્કથી લખાયેલ પાનાઓની સુવાસ પસંદ હતી. જયારે દરવાજો ખોલી અનન્યા એની બે સહેલીઓ સાથે સ્ટોરમાં દાખલ થઇ ત્યારે હું પુસ્તક વાંચી રહ્યો હતો. મારા હાથમાં આર.કે. નારાયણની ટાઈગર ઓફ માલગુડી હતું. હું એ વાંચી રહ્યો હતો. એ દરવાજો ખોલી અંદર દાખલ થઈ એ સાથે જ એક અલગ સેન્ટ સ્ટોરમાં ફેલાઈ ગયું હતું. તેઓ ત્રણેય બહેનપણીઓ હસતી સ્ટોરમાં દાખલ થઇ હતી.
અનન્યાને મેં પહેલીવાર હસતા જોઈ. એના હોઠ, એના સફેદ ચમકતા દાડમની કળી જેવા દાંત અને સવારની ઠંડી લહેરખીઓમાં ફરફરતા એના ખુલ્લા વાળ, એ નાગિન જોઈ કોઈ નાગ પાગલ ન થઇ જાય એ શકય જ નહોતું.
તેઓ જોરથી હસી રહ્યા હતા. તેઓ હસતા વાતચીત કરતા બુકસેલ્ફમાં પુસ્તકોને જોવા લાગ્યા. જોકે તેઓ પુસ્તકો વિશે જ વાતો કરી રહ્યા હતા અને એમની વાતચીત દરમિયાન જ મને ખયાલ આવ્યો કે એનું નામ અનન્યા હતું અને એને લવસ્ટોરી પુસ્તકો પસંદ હતા.
હું એને એક નજરે જ ઓળખી ગયો હતો. સી વોઝ હર - જેને મેં જંગલમાં જોઈ હતી. મેં પુસ્તક હાથમાં રાખી વાંચવાનો ડોળ ચાલુ જ રાખ્યો. હું કેમ ડરી રહ્યો હતો એ મને સમજાતું નહોતું. કદાચ એ મને ઓળખી જશે એવો મને ડર હતો પણ એણીએ મને માનવ સ્વરૂપે જોયેલો જ ન હતો. કદાચ એ ડર કોઈ અલગ જ ડર હતો. મેં એ ડર કે જે લાગણી હતી એ પહેલા કયારેય અનુભવી નહોતી.
તેની મોટી ગોળ આંખો બૂક સ્ટોરની દરેક બૂક પર ફરી રહી હતી. એ એકદમ રીયલ ગોલ્ડ જેવી દેખાઈ રહી હતી. કદાચ એ જંગલમાં મને મળી ત્યારે ઉદાસ અને ડરેલી હતી અને આ સમયે સહેલીઓ સાથે ખુશનુમા મુડમાં હતી.
અમે બંને માનવ સ્વરૂપે હોઈએ એવી એ પ્રથમ મુલાકાત હતી. મેં ભગવાનને પ્રાથના કરી કે એ કોઈ પુસ્તક ખરીદે અને બીલ બનાવડાવવા આવે ત્યારે મારી સાથે વાત કરે. આઈ વોઝ ડાયીંગ ટુ ટોક વિથ હર.
ભગવાને મારી પ્રાથના સાંભળી લીધી હતી અને અનન્યાએ બૂક સેલ્ફ્માંથી એક પુસ્તક હાથમાં લીધું. તે મારી સામે આવીને ઉભી રહી. હું એને જોઈ રહ્યો. મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું હતું.
“આ પુસ્તકની શું કિમત છે?” અનન્યાનો અવાજ મેં પહેલા કયારેય સાંભળ્યો ન હોય એવો હતો. એને વર્ણવવા મારી પાસે અલૌકિક સિવાય કોઈ વિશેષણ નથી.
“કયું પુસ્તક છે?” મને માંડ શબ્દો સુજયા.
“કેમ બૂકસ્ટોર ચલાવો છો અને વાંચતા નથી આવડતું?” એ ફ્રેન્ડસ તરફ જોઈ હસવા લાગી. મને થયું એ હાસ્ય. એ વાજબી હતું કેમકે હું પાગલ થઇ ગયો હતો.
અનન્યાએ પુસ્તક મારી સામે ટેબલ પર મુક્યું હતું અને હું એ પુસ્તક પર ટાઈટલ વાંચવાને બદલે એને જોઈ રહ્યો હતો. ગમેતેમ મેં દલીલ કર્યા વિના પુસ્તક તરફ નજર કરી. એ વિક્રમ શેઠનું ફેમસ પુસ્તક હતું.
“હાર્ડકવરના ત્રીસ અને ક્લોથ કવરના પાંત્રીસ...” મેં કહ્યું કારણ એ સમયે પુસ્તકો બે રીતના હોતા એક પાકા પૂંઠાના અને બીજા કાપડના કે લેધરના વળી શકે તેવા હોતા. જોકે એ સમયે પુસ્તકો બહુ સસ્તા હતા.
“હમમ..” અનન્યાએ જરા વિચાર્યું, “હાર્ડકવર જ આપો.”
એના જવાબ પરથી હું સમજી ગયો કે એ જે માનવ પરિવારમાં ઉછરી રહી છે એ સામાન્ય પરિવાર હશે કેમકે અનન્યાએ પાંચ રૂપિયા સસ્તું પડે એ માટે હાર્ડકવર પસંદ કર્યું. એક બીજી ચીજ કે એ સાચી વાંચક હતી કેમકે જો એ માત્ર ઘરમાં શો-કેશ સજાવવા માટે એ પુસ્તક લઇ જઇ રહી હોત તો ક્લોથ કે લેધર લીધુ હોત. એ ખરેખર પુસ્તક વાંચવા માટે લઈ રહી હતી. મને એ જોઈ ખુશી થઇ.
અનન્યાએ મને પુસ્તકની કીમત ચૂકવી અને સહેલીઓ સાથે જે રીતે હસતા હસતા સ્ટોરમાં દાખલ થઇ હતી એ જ રીતે બહાર નીકળી ગઈ. એ મને ઓળખી ન શકી. કદાચ અનન્યાએ મારી આંખો પર ધ્યાન ન આપ્યું નહિતર એ મને ઓળખી શકી હોત કેમકે એક નાગ જયારે માનવ સ્વરૂપે હોય ત્યારે એની આંખમાં એ જ ચમક હોય છે જે એ નાગ સ્વરૂપે હોય ત્યારે જોવા મળે છે.
એ ચાલી ગઈ. હું એની પાછળ જવા માંગતો હતો પણ પપ્પા સ્ટોર પર ન હતા અને હું સ્ટોર કોઈની હાજરી વિના મુકીને પણ જઇ શકું તેમ ન હતો. હું એને રોકવા માગતો હતો એનાથી વધુ વાત કરવા માંગતો હતો પણ એ દરવાજા બહાર નીકળી ગઈ હતી.
“કપિલ...” મને અવાજ સંભળાયો.
“હા, અનન્યા..” મેં કહ્યું.
“કોણ અનન્યા... હું નયના છું.” મારી બાજુમાં નયના ઉભી હતી.
“ઓહ! સોરી.” મેં કહ્યું.
હું કારમાં નયનાની બાજુની સીટ પર ગોઠવાયો.
“આ અનન્યા કોણ છે?” નયનાના પ્રશ્નો શરુ થઇ ગયા.
“એક જૂની ફ્રેન્ડ.” મેં એને ન કહ્યું કે તું જ અનાન્યા છે. હું કહું તો જયાં સુધી મણી પાછું ન મળે અને એને પોતાનો પાછળનો જન્મ યાદ ન આવે ત્યાં સુધીમાં એ મને લાખો સવાલ કરી નાખે.
વિવેકે ફરી એ જ આંચકા સાથે કાર ઉપાડી... એજ રીતે જે રીતે કાર રોકી હતી.
“તે આંચકે બ્રેક કરી ત્યારે હું તારા પર ગુસ્સે થઇ એ બદલ સોરી.” નયનાએ વિવેક તરફ જોઈ કહ્યું.
“કેમ? હવે સોરી કહ્યું?” વિવેકે પાછળ નજર કરી.
“ત્યારે મને હતું કે તે ગુસ્સામાં એ રીતે બ્રેક કરી હતી પણ તે કાર એ જ રીતે ઝટકા સાથે ઉપાડી એ જોઈ હું સમજી ગઈ કે તને કાર ચલાવતા નથી આવડતું એટલે મારે તને કાઈ કહેવું ન જોઈએ.” નયનાની વાત પર અમે ત્રણે એક સાથે હસ્યા.
હું જાણતો હતો અમારા એ સ્મિત ફિક્કા હતા. બસ અમે એક બીજા ખાતર હસી રહ્યા હતા. બાકી નયનાને મારાથી અલગ થવાનું દુ:ખ હતું. વિવેક કદંબ સાથે બદલો લેવા માંગતો હતો કેમકે તે દરેક સારા નાગનું રક્ષણ કરવું એ પોતાનો ધર્મ સમજતો હતો અને મેં તો એટલી લાશો જોઈ હતી કે જેમનો બોજ મારા માટે અસહ્ય થઇ ગયો હતો. મારા અંકલ અને આંટી એટલે કે અશ્વીનીના મમ્મી પપ્પા, અશ્વિની અને રોહિત, મારા ભાઈ ભાભી મેં અનેક લાશો જોઈ હતી જે હું ક્યારેય ભૂલી શકું તેમ ન હતો.
એક ઈચ્છાધારી નાગના વણ લખ્યા નિયમ મુજબ મારે એમનો બદલો લેવો જ પડે. પણ કદાચ નયનાનો પ્રેમ મને એમ કરતા રોકી રહ્યો હતો. હું કદાચ મારા મણી વિના એ સ્થળ છોડવા કયારેય તૈયાર ન થાઓત.. એક નાગ માટે એનું મણી કેટલું મહત્વનું હોય છે એ વાત તમે એક નાગ હો તો જ સમજી શકો. હું એ મણી વિના એ સ્થળ છોડવા તૈયાર થયો કેમકે મારે નયનાને સુરક્ષિત કરવી હતી.. એને એ દુશ્મનોથી કયાંક દુર મોકલવી હતી જયાં કોઈ એના સુધી પહોચી ન શકે.
“બારી ખોલી નાખને..” નયનાએ કહ્યું.
“કેમ?”
“મને કારમાં મુસાફરીની આદત નથી. પપ્પાની કારમાં બેસું ત્યારે પણ ગભરામણ થાય છે. મને ઘણીવાર ઉલટી પણ થઇ જાય છે.”
“ઓહ! માય ગોડ! તને ગભરામણ થઇ રહી છે?” મેં એના કપાળ પર હાથ મુકયો.
“ના. ગભરામણ થઇ નથી રહી પણ કદાચ થવા લાગશે એવું લાગે છે.”
“ઓ.કે. હું બારી ખોલી નાખું.” મેં બારીનો ગ્લાસ અડધે સુધી રોલ ડાઉન કર્યો એટલે નયનાએ કહ્યું, “બસ આટલી જ... બહારની હવા અંદર આવતી રહેશે તો વાંધો નહિ આવે.”
મેં કશું કહ્યા વિના બારીના ગ્લાસને એટલે સુધી જ રોલ કરી રહેવા દીધું.
“નયના આ વીંટી પહેરી લે.” મેં મારા આંગળીમાંથી વીંટી ઉતારી. અમે જંગલ વિસ્તારમાં હતા. અમે કદંબના જંગલથી ખાસ દુર નીકળ્યા ન હતા. કારની વિન્ડો ઓપન હોય અને શિકારીઓ આજુબાજુમાં હોય તો એમને નયનાના શરીરની વાસ આવ્યા વિના ન રહે પણ જો વીંટી નયનાના હાથમાં હોય તો ગમે ત્યારે હુમલો થાય તો પણ વાંધો ન આવે.
હું નયનાની સલામતીમાં કયાંય ચૂક કરવા માંગતો નહોતી કેમકે મને જાણ હતી કે નશીબ અમને એકબીજાથી દુર કરવાના લાખ પેતરા ગોઠવશે અને એ કયારે કઈ તરકીબ ગોઠવાશે એ કોઈ અંદાજ લગાવી શકયુ નથી. કદાચ હું પણ લગાવી શકયો નહોતો. કાશ! મેં નશીબના ખેલને સમજવામાં થાપ ન ખાધી હોત!
“નહિ... નહિ.. કપિલ તું વીંટી ન ઉતારીશ..” નયનાએ એકદમ ચીસ પાડી.
“શું થયું?” વિવેકે આશ્ચર્યથી પાછળ નજર કરી.
“કપિલ વીંટી ઉતરી રહ્યો છે.. એકવાર મારા માટે એ વીંટી ઉતારી એનું શું પરિણામ આવ્યું એ મેં જોયું છે. હું એને ફરી કયારેય એ વીંટી નહિ ઉતારવા દઉં.” નયના એકી શ્વાશે ઘણુ બધું બોલી ગઈ.
“કપિલ વીંટી નયનાને આપવાની જરૂર નથી.. આપણે કદંબના જંગલ બહાર નીકળી ચુકયા છીએ...” વિવેકને હવે જોખમ ન લાગ્યું.
“પણ આ વિસ્તાર તો એમનો જ છે ને? અહી નાગ આવતા પણ નથી.”
“હા. પણ આ વિસ્તાર કોઈ એક જાદુગરનો નથી. એના અલગ અલગ ભાગ પાડી વહેચી લેવામાં આવેલ છે. આ વિસ્તાર જે જાદુગરના હાથમાં છે તે કદંબનો કટ્ટર દુશ્મન છે.. આ વિસ્તાર જાદુગર વ્યોમ અને એના પિતા ગોપીનાથનો છે. એ મદારી વંશના મહાન યોદ્ધા અશ્વાર્થના વંશજો છે એમના વિસ્તારમાં પગ મુકવાની હિમ્મત કદંબ કે એના જાદુગરો કયારેય ન કરી શકે.” વિવેકે સમજાવ્યું એટલે મેં વીંટી આંગળીમાં પાછી પહેરી લીધી અને રાહતનો શ્વાસ લીધો.
“કપિલ..” એકાએક થયેલા વીજળીના ચમકારા અને તેને અનુસરતા ગગનભેદી અવાજ સાથે નયનાના ગળામાંથી એક ચીસ નીકળી ગઈ. એ મને વળગી પડી. અમે કારમાં હતા અને અંધારું હતું. અમને ધ્યાનમાં નહોતું આવ્યું કે કયારે આકાશમાં વાદળ જમા થવા લાગ્યા હતા. અમારા વિસ્તારમાં વરસાદ સામાન્ય છે એટલે અમે ટેવાયેલ હોવાથી અમારા ધ્યાનમાં ન આવ્યું. એ ચોમાસાના દિવસો ન હતા. ચોમાસાને હજુ એક મહિનાની વાર હતી પણ વરસાદને હંમેશાથી અમારા વિસ્તારમાં નિયમો તોડીને ગમે ત્યારે વરસી જવાની આદત હતી. ફરી આકાશમાં રસ્તાની જમણી તરફના ભાગે એક લીસોટો દેખાયો અને કાન ફાડી નાખતો કડાકો થયો. એકપળ માટે આસપાસના દરેક વ્રુક્ષ એ ચમકારામાં દ્રશ્યમાન થયા અને એ સાથે જ દ્રશ્યમાન થયા હવામાં તરી રહેલ જીણા જીણા પાણીના બિંદુઓ. વરસાદ ચાલુ થઇ ગયો.
“બારી બંધ કરી નાખ.” નયના હજુ મને પકડીને બેસી રહી. એ વીજળીના ચમકારા અને ગગડાટથી ડરી ગઈ હતી.
મેં બારીનો કાચ બંધ કર્યો ત્યારે મેં બહાર નજર કરી. એક ભયાનક વીજળી નજીકના ઢોળાવ ઉપર ત્રાટકી હતી. વાતાવરણ સારું ન હતું. વરસાદ ત્રાંસો પડતો હતો. મને અંદાજ આવી ગયો કે કઈક અશુભ થશે. આ વરસાદ, આ વીજળી, આ ભયાનક વાતાવરણ કમોસમી છે.
મેં બારી બંધ કરી એટલામાં મારો હાથ અને બાય પલળી ગયા એટલે વરસાદ જોરમાં હશે એ અંદાજ પણ આવી ગયો. મેં કયારેય એક જ દિવસમાં કોઈના ઓર્ડરને એટલીવાર ફોલો કર્યા નહોતા જેટલા મને એ અડધી મુસાફરીમાં જ નયનાએ સંભળાવ્યા હતા. પણ એ સાચી હતી. મારા તરફની બારી ખુલ્લી હતી એટલે હું એ સરળતાથી બંધ કરી શકું તેમ હતો.
“હવે હું જાણી શકું આપણે કયાં જઇ રહ્યા છીએ?” નયનાએ ફરી એ જ સવાલ કર્યો.
“ઓફ કોર્સ, હવે સ્થળનું નામ લેવામાં કોઈ વાંધો નથી.” વિવેકે પાછળ નજર કર્યા વિના મને ભેદ ખોલવા ઈશારો આપ્યો.
“પુના.....” મેં નયનાને અમારું ડેસ્ટીનેસન કહ્યું.
“પુના..?” નયનાએ નવાઈથી આંખો મોટી કરી એ મને કારની લાઈટના અજવાળામાં દેખાયું, “પુના કેમ..?”
“કેમકે તારા મમ્મી પપ્પા પુનામાં છે.” વિવેકે નયનાને વળી એક શોક આપ્યો. નયના જાણતી નહોતી કે વિવેકની જેમ એના મમ્મી પપ્પા પણ એક રહસ્ય જાણતા હતા. બસ એ નયના માટે જ અજાણ્યું હતું.
“કુસુમ આંટીને ત્યાં?” નયના એ રીતે બોલી જાણે અમે એની આંટીને બાળપણથી ઓળખતા હોઈએ.
“ખબર નહિ એ કોનું ઘર છે. બસ જયારે મારા પપ્પાએ તારા પેરેન્ટ્સને આ શહેર બહાર સલામત સ્થળે મોકલ્યા મને એક સરનામું આપ્યું હતું. તારા પેરેન્ટ્સ ત્યાં કોઈ ગીરીધર નગર વિસ્તારમાં છે.”
“કુસુમ માશી ગીરીધર નગરમાં જ રહે છે. માશીને ત્યાં જ ગયા હશે.” નયના ખુશીથી ઉછળી પડી. એ નાની નાની વાતમાં ઉદાસ કે ખુશ થઇ જતી. મને એનો એ સ્વભાવ સૌથી વધુ ગમતો. એનામાં એક બાળકની નિર્દોષતા હતી. મને એ કયારેય સમજાયું નહિ નયનાને સગા વહાલાથી એકદમ લગાવ કેમ હતો.
ગાડી આગળ સરતી રહી. દરમિયાન બહાર વરસાદ ઝીંકાતો રહ્યો, વીજળીના કડાકા વાચ્ચે નયનાના સવાલો ચાલુ જ રહ્યા...
***
ક્રમશ:
લેખકને અહી ફોલો કરો
ફેસબુક : Vicky Trivedi
ઇન્સ્ટાગ્રામ : author_vicky