Muhurta - 2 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | મુહૂર્ત (પ્રકરણ 2)

Featured Books
Categories
Share

મુહૂર્ત (પ્રકરણ 2)

અમે કેફેટેરિયામાંથી બહાર આવ્યા. કોલેજના ગેટ સુધી ગયા ત્યાં સુધી નયના મને જ જોતી રહી. એની આંખોમાં કેટલાય સવાલો હતા પણ એ સવાલોને ઢાંકી દેતો એનો પ્રેમ એની આંખોમાં છલકતો રહ્યો. ભેડાઘાટ પર શું થયું એના દુ:ખ કરતા હું સલામત હતો એની ખુશી એનો ચહેરો વધુ વ્યક્ત કરતો હતો.

એ મને જોઈ રહી હતી. હું પણ એને જોઈ રહેવા માંગતો હતો. મને કોલેજનો એ દિવસ યાદ આવી ગયો જયારે મેં એને પહેલીવાર જોઈ હતી. એ મારી બાજુની સીટ પર ગોઠવાઈ ત્યારે. મેં જયારે પહેલીવાર એની આંખોમાં જોયું મને એમાં અમારો ઈતિહાસ દેખાવા લાગ્યો હતો. મને એ પળ યાદ આવી ગઈ જયારે ગયા જનમમાં નયનનાએ મારા માટે જીવન કુરબાન કરવાનો ફેસલો કર્યો હતો. એ જંગલ હતું જયાં નયનાએ કુરબાની આપી હતી. એ જ જંગલ જયાં મારે એના માટે એક કુરબાની આપવાની હતી. એ જ જંગલ જયાં મારે ફરી એક વાર લડવાનું હતું. એ જ જંગલ જયાં મેં બધું ગુમાવ્યું હતું. એ જ જંગલ જયાં હું બધું ગુમાવવાનો હતો.

“હવે એકમેકને જોયા કરશો કે સામે દેખીને ચાલશો પણ?” વિવેકે કહ્યું ત્યારે અમને ખબર પડી કે અમે વિવેકની કાર સુધી પહોચી ગયા હતા પણ એકમેકમાં એમ ખોવાયેલ હતા કે અમને અંદાજ પણ ન હતો કે અમે કયાં હતા. કદાચ એ વખતે કોઈ ચીજ રસ્તામાં આવી હોત તો અમે જરૂર એ ચીજ સાથે અથડાઈ ગયા હોત.

“હા, મારું ધ્યાન રસ્તા પર જ છે..” હું કારમાં ગોઠવાયો.

મેં એક છેલ્લી વાર કોલેજ તરફ નજર કરી. મને કેફેટેરીયામાં હજુ પણ અશ્વિની અને રોહિત બેઠેલ દેખાયા. એમના સાથે એ કોલેજ એ કેફેટેરીયામાં વિતાવેલ દરેક પળ મારા મનમાં ડોકિયા કરવા લાગી. મેં એ કોલેજમાં કેટલી ચીજો ગુમાવી હતી. અશોક, રોહિણી, અશોક ભાઈ, ભાવના ભાભી, અશ્વિની અને રોહિત.. કદાચ વિવેક મારી મદદે ન આવ્યો હોત તો હું નયનાને પણ ગુમાવી બેઠો હોત.

જે. એમ. વોહારનું સાઈનબોર્ડ મને એ દરેક દુ:ખ યાદ અપાવી ગયું. મેં નજર ફેરવી લીધી.

“તું મને સમજાવીશ આ બધું શું થઇ રહ્યું છે? તું કોણ છે? આઈ મીન મને ખબર છે તું કોણ છે પણ તે મારાથી એ બાબત છુપાવી કેમ અને એ લોકો કોણ હતા જે તને મારવા માંગતા હતા? તારે એમની સાથે શું દુશ્મની છે?” અમેજની બેક સીટમાં મારી બાજુ પર ગોઠવાતા જ નયનાએ પ્રશ્નોનો વરસાદ શરુ કરી નાખ્યો.

નાગપુરમાં વરસાદ આમ પણ વારવાર આવે છે એટલે મને એ સહન કરી લેવાની આદત હતી. પણ મેં કયારેય ખાસ કોઇથી દોસ્તી કરી નહોતી અને મારા જે મિત્રો હતા તેમને ખબર જ હતી કે મને પ્રશ્નોના જવાબ આપવા ગમતા નથી એટલે તેઓ મોટે ભાગે મને કયારેય પ્રશ્નો ન પૂછતાં.

“હું તને પછી સમજાવીશ. અત્યારે અહીંથી નીકળવું જરૂરી છે.” મેં નયનાને પહેલા કયારેય આટલી એકસાઇટેડ જોઈ ન હતી છતાં એના સવાલોને ટાળવા પ્રયાસ કર્યો.

“હવે એના સવાલોના જવાબ આપ... ત્યાં જંગલમાં એને બધું જાણવાની ઉતાવળ હતી.” વિવેકે ગીયર ચેન્જ કરી કારને રોડ પર ડાબી તરફ વાળી.

“તારે શું પૂછવું છે, નયના?” હું જાણતો હતો એને કોઈ એક ચીજ નહિ પણ અનેક સવાલોના જવાબ મેળવવા હતા.

“મારા મમ્મી પપ્પાનું શું? તારા પરિવારનું શું? આપણે એ બધાને અહી છોડીને કઈ રીતે જઇ શકીએ?” નયના પર્શ્નો પૂછવા લાગી. મને એના પ્રશ્નોથી કંટાળો આવ્યો હોત પણ હું જાણતો હતો કે એના મનમાં ઘણા પ્રશ્નો હતા. જોકે હજુ ઘણા પ્રશ્નો તો એના મન સુધી પહોચ્યા જ ન હતા કેમકે એને પાછળનો જન્મ યાદ નહોતો. નહીતર આપણને ગયા જન્મે કોણે અલગ કર્યા હતા? કેમ અલગ કર્યા હતા? મને કેમ એ લોકોએ મારી નાખી? કુદરતે આપણા સાથે એવું કેમ થવા દીધું? અને તું મારા વિના કઈ રીતે આટલો સમય રહી શકયો? જેવા કેટલાય સવાલો નયનાએ મને પૂછી લીધા હોત અને એ બધું એને સમજાવવું અશકય હતું.

“તે મારા પ્રશ્નોના જવાબ ન આપ્યા... આપણા પરિવાર..”

“એ સલામત છે... મારા પપ્પાએ તેમને સલામત સ્થળે મોકલી દીધા છે.” વિવેકે પાછળ જોયા વિના જ કાર ચલાવતા કહ્યું.

“એમને.. મમ્મી પપ્પાને?” નયના જાણતી નહોતી કે એ કોણ હતી પણ એના મમ્મી પપ્પા જાણતા હતા. એમને ખબર હતી કે એક દિવસ આ થશે અને એ માટે તેઓ હંમેશાથી તૈયારી કરતા હતા. નયના અને વિવેક વાતોમાં વ્યસ્ત હતા એટલે મને નવરાશ હોવાથી હું બારી બહાર તાકી રહ્યો. કદાચ કદંબના શિકારીઓ અમને શહેરમાં શોધતા હોય તો મને કયાંક દેખાઈ જાય પણ એવી કોઈ શંકાસ્પદ ચીજ મને ન દેખાઈ.

કદાચ કદંબ મને ભેડાઘાટ પરથી ફેકાતો જોયા પછી હું જીવિત હોઈશ એવી કલ્પના જ નહિ કરી શકયો હોય. નયના અને વિવેકને તેઓ હજુ જંગલમાં જ શોધી રહ્યા હશે.

“જંગલમાંથી બહાર નીકળી આપણે અહી આવ્યા ત્યારે મેં પપ્પાને સંદેશો મોકલી દીધો હતો કે એ તારા પરિવારને સલામત સ્થળે ખસેડી નાખે.” વિવેકે આ વખતે પાછળ જોયું. હજુ તેની આંખો લાલ અંગારા જેવી હતી. મને હજુ નથી સમજાતું કોઈ માણસ આટલો ગુસ્સો કઈ રીતે કરી શકે? કયારેક તો મને એમ લાગે છે કે વિવેક પણ મારી જેમ એક નાગ છે તે જાદુ પણ જાણે છે - અસલી જાદુ. તેનો ગુસ્સો પણ એક નાગ કરતા કમ નથી.

“તે એ સંદેશ કયારે મોકલ્યો? મને ખબરેય નથી. હું પણ તારી સાથે જ હતી ને?” નયના આસાનીથી વિવેકને છોડે એમ નહોતી.

કદંબ અને એના માણસો તો મને કયાંય ન દેખાયા છતાં આકાશમાં દેખાતા કાળા ડિબાંગ વાદળો અને જમીન પર એ વાદળોના રમતા પડછાયા પરથી હું સમજી ગયો કે હજુ અમારા માટે અંધકાર જ હતો. હજુ જોખમ ટળ્યું નથી.

“કેમ હજુ મારા પર વિશ્વાસ નથી.? એકવાર જુઠ્ઠું બોલ્યો એટલે?” વિવેકે હસવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો પણ તેના ચહેરા પર ગુસ્સાના ભાવ એમને એમ રહ્યા.

“ના, એવું નથી અને હા તું હજુ ગુસ્સામાં કેમ છે?” નયનાએ નવો સવાલ શોધી કાઢ્યો. એનું ઓવર એક્ટીવ માઈન્ડ નવા સવાલો શોધ્યે જ જતું.

“એ પૂછીને તું મને વધુ ગુસ્સે કરી રહી છે... મારા તાસના પાના કદંબ અને ડોક્ટર માથુરના ગાળામાં ઉતરી તેમના લોહીથી ભીના નહિ થાય ત્યાં સુધી આ ગુસ્સો મારો પીછો છોડવાનો નથી.” બોલતી વખતે વિવેકના જડબા તંગ થઈ ગયા.

“નયના.. તું એને શાંત થવા દઈશ.” મેં નયનાને વધુ સવાલો કરતી રોકી. આઈ મીન રોકવાનો પ્રયાસ કર્યો - નિષ્ફળ પ્રયાસ.

“અમારે તને કોઈ સલામત સ્થળે લઇ જવો પડશે ને? હું વિવેકથી સવાલો નહિ કરું તો શું ખબર પડશે કે તને કયાં લઇ જવો?” નયનાએ મારી તરફ જોયુ.

ઓહ! માય ગોડ! ગયા જનમનો એટીટ્યુડ હજુ નયનામાં એમનો એમ હતો. એક રીતે તો સારું હતું કે એને ગયો જનમ યાદ નહોતો નહિતર એ ત્યારે જ કારમાંથી ઉતરી કદંબ અને માથુરથી બદલો લેવા નીકળી પડી હોત! હું એક પળ માટે પાછળના જનમમાં ચાલ્યો ગયો. અમે નયનાના ઘર પાછળના જંગલમાં હતા. એ જ સ્થળ જે નયના સપનામાં હજુ પણ જોઈ શકે છે. એ સફેદ વસ્ત્રોમાં સજ્જ કોઈ અપ્સરા સમાન લાગતી હતી. કદાચ અપ્સરા કરતા પણ સુંદર. એ કોઈ નાગલોકની રાજકુમારી જેવી નાજુક અને નમણી હતી. પૃથ્વી લોક પર કોઈ નાગિન એટલી સુંદર હોઈ શકે એવી મેં કલ્પના પણ કરી નહોતી. ત્યારે પણ નયનામાં આજ આઈ કેર ફોર યુ એટીટ્યુડ હતો. એ મારી બહુ કેર કરતી. કદાચ હું એની કેર કરતો એના કરતા પણ વધુ.

નયના એ સમયે મને માનવ સ્વરૂપે જોવા કરતા નાગ સ્વરૂપે જોવાનું વધુ પસંદ કરતી. એ કહેતી માનવની આંખમાં ફરેબ હોઈ શકે પણ એક નાગની આંખો ક્યારેય જુઠ્ઠું નથી બોલતી.. એનામાં રહેલ પ્રેમ કે નફરત બંને સો ટકા સાચા જ હોય છે.. એમાં માનવ જેમ કયારેય બનાવટ નથી હોતી.

એને હું નાગ સ્વરૂપે હોઉં ત્યારે મારી આંખોમાં જોવું ગમતું. મારા પુછ્યા વિના જ એ કહેતી તારી આંખોમાં જે ચમક છે એ મારા પ્રેમની છે અને હું હસતો. કયારેક કહેતો એક નાગની આંખમાં ચમક હોય જ ભલે એ પ્રેમમાં હોય કે ન હોય પણ હું ખોટો હતો નયના ના ગયા પછી કયારેય મારી આંખોમાં મને ચમક દેખાઈ નહોતી. હું હમેશા ફિક્કી આંખો લઈને ફરતો. કોલ બ્લેક જેવી ડાર્ક - નયના સાથે મેં મારી આંખોની ગોલ્ડન હેઝલ ચમક ગુમાવી નાખી હતી કેમકે એ ચમક નાગ ખુશ હોય ત્યારે જ એની આંખમાં દેખાય અને નયનાના ગયા પછી હું કયારેય ખુશ ન રહી શકયો.

“શું થયું? કયાં ખોવાઈ ગયો? તને કોઈક સલામત સ્થળે તો લઇ જવો પડશે ને?” નયનનાએ એના શબ્દો રીપીટ કર્યા.

“મને સલામત સ્થળે લઇ જવો પડશે...!” એ મને ચોકાવી ગઈ.

“હા સ્તો. તારું જીવન જોખમમાં છે. કોઈ તને મારવા માંગે છે. અને તારી પાસે મણી પણ નથી.” નયનાના અવાજમાં ચિંતા અને આંખોમાં ઊંડો પ્રેમ હતો.

“મિસ. નયના મેવાડા મને નહિ તને કોઈ સલામત સ્થળે લઇ જવી પડશે.. કદંબના માણસો તને શોધી રહ્યા હશે. તેઓ શિકારી છે, એકવાર કોઈનો શિકાર કરવાનું નક્કી કર્યા પછી એ કયારેય પીછો છોડતા નથી.” મારે નયનાને એ કહેવું પડ્યું. હું એને એ બાબત ન જણાવોત. એક કોલેજીયન છોકરી માટે એ વાત ડર પેદા કરનાર હતી. હું એને ડરાવતો નહોતો પણ એને હકીકત કહ્યા વિના પણ કોઈ છૂટકો ન હતો. તેના પર કેટલું જોખમ છે તેનો એને ખયાલ તો હોવો જ જોઈએ. મને એ વખતે એ જ યોગ્ય લાગ્યું.

“હું તને છોડીને કયાય નહિ જાઉં.” નયનાએ મારી આંખોમાં આંખ પરોવી. એના અવાજમાં મક્કમતા હતી અને આંખોમાં જાદુ.

હું જાણતો હતો એ કેટલી ફર્મ હતી. એ સ્ટબબર્ન હતી. બસ ભગવાન કરે અને આ વાત પર એ જીદ ન કરી બેસે તો સારું. હું એની ડીપ આંખોમાં ડૂબી જાઉં અને નયનાના શબ્દો મને કોઈ જૂની યાદોમાં તાણી જાય એ પહેલા મેં કહ્યું, “તારાથી દુર હું થવા નથી માંગતો પણ આપણે થવું પડશે.”

મેં એને મુર્હુર્ત વિશે કઈ ન કહ્યું. એ કહીને એનું મન દુખાવવું મને યોગ્ય ન લાગ્યું. હું કહી ન શકયો કે એકબીજાથી દુર થવાનું તો આપણા નશીબમાં જ લખાયેલ છે. આપણે એકબીજા માટે બન્યા છીએ પણ એકબીજા સાથે રહેવા માટે નથી બન્યા.

“પણ કેમ?” નયના જીદ્દી હતી. એમાય ખાસ કોઈ પણ વાતની જડ સુધી જવાની તેની આદત મને જરાય ન ગમતી. તે ઓવર એક્ટીવ હતી. હું એનું મન સમજી શકતો હતો તેને કયાંક એક ચપ્પલ રસ્તામાં પડેલું દેખાય તો તે વિચારવા લગતી કે એ ચપ્પલ કોનું હશે? એ કોઈએ ત્યાં કેમ ફેક્યું હશે? એ માપનું બીજું ચપ્પલ ક્યાં હશે? એને કોઈ પણ બાબત પર વધુ વિચારવાની આદત હતી - માત્ર આ જન્મે જ નહિ પાછળના જન્મે પણ તે એવી જ હતી. જિદ્દી, વધુ પડતું વિચારનાર અને પોતાના કરતા વધુ તાકાતવર લોકો સાથે દુશ્મની બાંધી લેનાર.

“એ બધું હું તને પછી સમજાવીશ.” મારી પાસે બોલવા માટે ત્યારે આ એક જ વાકય હતું.

“એ હું કયારનીય સાંભળતી આવી છું... કોલેજમાં પણ તું એ જ કહેતો હતો કે એ બધું મને પછી સમજાવીશ.”

મને ખબર જ હતી કે એને મારા જવાબથી સંતોષ નહિ થાય.

“કેમકે મણી પાછુ ન મેળવીએ ત્યાં સુધી હું એમના સામે લડી શકું તેમ નથી. આ સમયે તને કોઈ સલામત સ્થળે છુપાવી દેવી જ યોગ્ય છે.”

“અને તું એમની સામે જઈશ.. તું મણી લેવા એમનો સામનો કરીશ?” નયનાના એકપ્રેસન અજીબ હતા.

“હા.”

વિવેક અમારી વાતમાં બોલતો ન હતો. કદાચ એ કઈક બીજું વિચારતો હતો.

“તને ખબર છે હું તને કયાંરેય એવું નહિ કરવા દઉં.” નયના ગજબ હતી. ગયા જનમ જેમ આ જન્મે પણ મારા પર હક જતાવવા માંડી હતી. એ કાયમથી પઝેસીવ હતી.

“તને ખબર છે નયના એક નાગ માટે તેનું મણી તેનું જીવન છે.. એના વિના એ કયારેય ન રહી શકે.” મેં એને સમજાવવાનો પ્રયાસ કર્યો.

“અને હું? હું તારું જીવન નથી? મારા સાથે રહેવું જ ન હતું તો મારા માટે ભેખડ પરથી કુદ્યો કેમ? મારા માટે મરવા તૈયાર કેમ થયો?” નયના પાસે સવાલો તૈયાર જ હશે તે મને ખબર જ હતી.

“કેમકે...” હું અટકી ગયો. હું તેને કહી શકું તેમ ન હતો કે નયના મેં તો માત્ર તને બચાવવા જીવનું જોખમ લીધું હતું પણ તું તો મારા માટે એકવાર જીવ આપી ચુકી છો.

“શું થયું?” નયનાએ વાળ સરખા કર્યા, “જવાબ નથી તારી પાસે?”

કોલેજમાં એ કેટલી અલગ હતી. મને સવાલ કરતા પણ ડરતી. મેં જયારે તેનું ગાર્ડનમાં અપમાન કર્યું ત્યારે રડવા લાગી હતી. જોકે એ સમયે પણ ગુસ્સો એના નાક પર હતો અને અત્યારે પણ એના નાકની દાંડી પર એ જ ગુસ્સો મને દેખાયો. બસ ફેર માત્ર એટલો હતો કે હવે તેને ખબર હતી કે હું તેને ચાહું છું માટે તે મારા પર અધિકાર જમાવી રહી હતી.

એકાએક ઝટકા સાથે કાર અટકી અને એ સાથે જ નયના એકદમ આગળની તરફ નમી ગઈ. મેં એનું કપાળ એની સામેની સીટના પાછળના ભાગ સાથે અથડાય તે પહેલા મારો હાથ એના માથા અને સીટ વચ્ચે લાવી દીધો જેથી એનું માથું સીટ સાથે ન અથડાય. મેં જીવંત વાયર હાથમાં પકડી લીધો હોય એમ લાગ્યું. એ એક અજબ સ્પર્શ હતો. એ મારો પહેલો સ્પર્શ હતો? ના, મેં તેને તાવીજ આપ્યું ત્યારે અમે એકબીજાને સ્પર્શ કર્યો હતો. કદાચ બીજો સ્પર્શ - આ જન્મનો બીજો સ્પર્શ. ના, બીજો પણ નહિ હોસ્પીટલમાં, એના ઘર પાછળના બાગમાં અનેક સ્થળે તો પછી કેમ હવે એ સ્પર્શ મને લાઈવ વાયર જેવો લાગ્યો? કદાચ નયનાની ગયા જનમની યાદો પાછી ફરી રહી હશે માટે જ એ થયું હશે.

“વિવેક...” પોતાની જાતને માંડ સંભાળતા નયનાએ કહ્યું, “શું કરે છે?”

“સોરી. ભૂલમાં બ્રેક પર પગ દબાઈ ગયો.” વિવેકે માફી માંગી.

અમેઝ હોટલ પુષ્પાંજલિ આગળ પુલ ઓફ થઇ હતી. મને અંદાજ આવી ગયો વિવેકે કેમ કાર પુલ ઓફ કરી છે. નયના અને હું કઈક ખાઈ લઈએ એ માટે. મારે તો ખાસ કઈ ખાવાની ચિંતા ન હતી પણ નયના સવારની ભૂખી હતી. નયનાએ સવારથી કઈ ખાધું ન હતું.

તમે વિચારતા હશો કે નાગને ખાવા પીવાની શી જરૂર? પણ માનવ સ્વરૂપે ઈચ્છાધારી નાગને પૃથ્વીલોકના બધા નિયમો પાળવા પડે છે. ફિલ્મો અને સીરીયલો વાળાએ નાગ નાગિનની માત્ર કલ્પનાઓ કરી છે અને લોકોના મનમાં અલગ અલગ પરી કલ્પનાઓ ભરી દીધી છે. બાકી માનવ સ્વરૂપે અમને પણ એ જ ઈન્સાની અહેસાસો થાય છે. ભૂખ, તરસ, થાક, વાગે ત્યારે લોહી નીકળવું અને ખાસ તો લાગણીઓ તૂટવાથી તકલીફ થાય છે.

“બ્રેક ઝાટકે દબાઈ ગઈ? ના, તે બ્રેક દાબી હશે ત્યારે વિચારતો હોઈશ કે કોઈકનું ગળું દબાવી રહ્યો છે એટલે ગુસ્સામાં બ્રેક જોરથી દબાવી હશે.” નયના વિવેક પર ભડકી.

હું જાણતો હતો નયનાએ કોઈનું ગળું એ શબ્દ માથુર અને કદંબનું નામ ન બોલવું પડે એ માટે વાપર્યો હતો બાકી તે એમના જ ગળા વિશે કહી રહી હશે. કદાચ નયનાની જગ્યાએ કોઈ બીજું હોત તો વિવેકને એટલો ગુસ્સામાં જોઈને તેની સાથે એ રીતે વાત ન કરી શકે પણ નયના બધાથી અલગ હતી. તે કોઈનાથી અજાણ્યી હોય ત્યાં સુધી એનાથી બહુ ડરતી અને સામેવાળો વ્યક્તિ પોતાનો મિત્ર છે એ ખબર પડતા જ તેની ઉપર પોતાનો હક જમાવવા લાગતી.

ખબર નહિ બધી છોકરીઓ એવી હોતી હશે કે કેમ? મેં નયના સિવાય કોઈ છોકરી સાથે હજુ સુધી વાત પણ નથી કરી. છતાં મને નયના અજીબ નથી લાગતી કેમકે મારી બહેન અશ્વિની પણ એવી જ હતી. તેનો સ્વભાવ નયનાને એકદમ મળતો આવતો. તે રોહિતને આખો દિવસ ટોકયા કરતી. ખબર નહિ રોહિત એને કેમ ચાહવા લાગ્યો હતો. કદાચ નાગની જેમ માનવ પણ પ્રેમની બાબતમાં કમજોર છે. પ્રેમ કરવો કે નહિ તે એમના હાથની વાત નથી હોતી. નાગમાં પણ એવું જ છે - ચાહવું ન ચાહવું અમારા હાથની વાત નથી હોતી. તમારા જેમ અમારે પણ હૃદય હોય છે જે તમારા જેવી જ લાગણી અનુભવવા લાગે છે – સુખ, દુખ, ડર, ગુસ્સો, નફરત અને પ્રેમ આપણામાં લાગણીની બાબતમાં કોઈ ખાસ ફેર નથી હોતો માટે જ તો નાગ બીજા જન્મે માનવ બની શકે છે અને માનવ પાછળના જન્મમાં નાગ હોઈ શકે છે.

“ના. ખરેખર ભૂલમાં બ્રેક પર વધુ પગ દબાઈ ગયો હતો, નયના.” વિવેક કારમાંથી ઉતર્યો, “તને વિશ્વાસ કેમ નથી થતો?”

“હા, તારે લોકો પર વિશ્વાસ કરતા શીખવું જોઈએ...” હું પણ કારનો દરવાજો ખોલી બહાર આવ્યો.

“જોકે કિંજલ જેવા પર નહિ.” વિવેકે ઉમેર્યું.

“એનું તો નામ પણ ન લઈશ. મેં એના વિશે શું વિચાર્યું હતું અને એ. હું એના વિશે વાત પણ નથી કરવા માંગતી.” તે કારમાંથી બહાર આવી, કિંજલનું નામ સાંભળીને તેની ગોળ મોટી આંખો વધુ પહોળી થઇ ગઈ હતી, “અહી કેમ પુલ ઓફ કરી?”

“જમવા માટે.” વિવેકે કહ્યું.

“મને ભૂખ નથી.”

“કેમ? તે સવારનું કઈ ખાધું નથી..” વિવેક પણ જીદમાં નયનથી ઉતરે એમ નહોતો.

“કપીલથી અલગ થવાનું છે. એ સાંભળી મારી ભૂખ મરી ગઈ છે. આપણે બધા સાથે જ રહીશું એવું વચન આપે તો હું ખાઇશ.” નયનાએ શરત મૂકી જે પાળવી અશકય હતી. મેં તમને કહ્યું ને કે એ દરેક જનમમાં જીદ્દી છોકરી જ હોય છે.

વિવેકે મારા તરફ જોયું. હું સમજી ગયો એ શું કહેવા માંગે છે. એક નાગ અને એક અસલી મદારી એક બીજાના મનની વાત આસાનીથી જાણી લે છે. તેમને શબ્દોની જરૂર પડતી નથી. મેં હકારમાં માથું હલાવ્યું.

“આપણે બધા સાથે જ રહીશું... એમાં કપિલ તો ખાસ. બસ.” વિવેકે કહ્યું. તેને કપિલ બોલતી વખતે ક પર એટલું વજન આપ્યું કે કોઈ પણ અંગ્રેજને પણ ખયાલ આવી જાય કે તે શબ્દ કેપિટલ લેટરમાં લખાતો હશે. તે કોઈના નામનો પહેલો અક્ષર હશે.

“તો ઠીક છે.” નયનનાએ ફરી દરવાજો બંધ કરી નાખ્યો.

મેં આજુબાજુ એક નજર કરી. કદાચ વિવેકે પણ કરી જ હશે. નયના સાથે રહેવાની વાત ઉપર વિચારતી હશે એટલે એ કયાય જોયા વગર ચાલતી હતી. પણ અમને ગાફેલ રહેવું પોસાય એમ નહોતું. અમે હોટલ પુષ્પાંજલિના દરવાજા તરફ જવા લાગ્યા.

પુષ્પાંજલિ હાઈવે પરની હોટલ હતી પણ એની ચમક દમક પરથી એમ લાગતું હતું જાણે એ શહેરના હાર્દમાં આવેલ કોઈ સ્થળ હોય. બે માળની એ હોટલની આગળ એક નાનકડું કોફીશોપ અને કેન્ટીન હતું. કદાચ એ કેન્ટીન માત્ર બ્રેકફાસ્ટ કરવાવાળા લોકો માટે હતું.

“આપણે ત્રણેય કયા એક સાથે રહીશું?” નયનાએ પ્રશ્નાર્થ નજરે વિવેક તરફ જોયુ. એ ખરેખર ખુબ ભોળી હતી. કદાચ કિંજલ તેને બનાવી ગઈ તેમાં કિંજલની ચાલાકી કરતા નયનાની નાદાની વધુ કારણરૂપ હતી. તેને અમારા અવાજ કે ચહેરા પરથી પણ એ ખયાલ ન આવ્યો કે તે જમી લે એ માટે અમે એની સામે ખોટું બોલ્યા હતા.

“એ સ્થળ...” વિવેક અટકી ગયો.

“કેમ એ સ્થળ વિશે તને ખબર જ નથી... મતલબ તું જુઠ્ઠું બોલ્યો?” નયનાએ મો ચડાવ્યું. એ હજુ ટીનેજર જેવું બિહેવ કરતી. એમ પણ હજુ એ ટીન એજમાં જ હતી – એઈટીન - ધ સેકંડ લાસ્ટ યર ઓફ ટીન એજ.

“ના એવું નથી... પણ હજુ આપણે નાગપુરની નજીક છીએ. અહી આપણે એ સ્થળ વિશે વાતચીત ન કરવી જોઈએ..” વિવેકમાં ગજબની સમય સુચકતા હતી. કદાચ એ જાદુગર હતો એટલે કે પછી તેનામાં એ ગજબની સમય સુચકતા હતી એટલે તેને કોઈ તેના જાદુમાં પકડી શકતું નહિ માટે એ જાદુગર બન્યો હશે એ કહેવું મુશકેલ હતું.

“હા, એમ વાત છે તો આપણે એ સ્થળ વિશે અહી ચર્ચા નહિ કરીએ... અહી શું રસ્તામાં પણ ચર્ચા નહિ કરીએ.. સીધા જ એ સ્થળે જઈશું.. એની ચર્ચા કરવાની જરૂર જ કયાં છે?” નયનાએ કહ્યું. મને ખબર હતી કે એનું છેલ્લું વાકય પ્રશ્નાથ હતું. અમે બંને એ હકારમાં માથું હલાવ્યું.

અમે કોફોશોપ અને કેન્ટીન પસાર કરી અંદર દાખલ થયા. અંદરથી હોટલ બહાર કરતા પણ વધુ ભવ્ય દેખાતી હતી. અમે એર કંડીસન હોલમાં દાખલ થયા. એ બેન્કિટ હોલ હતો. વિવેક આજુબાજુ નજર કરીને જ ચાલતો હતો.

મને નયનાની નાદાની અને નિખાલસત જોઈ એના પ્રત્યે પ્રેમ ઉમટી રહ્યો હતો તો સાથે સાથે ફિકર પણ થઇ કે એને એ દુશ્મનોથી સલામત રાખવામાં હું સફળ રહીશ કે કેમ? એ કેટલી ભોળી અને નાદાન છે પણ દુનિયા કયાં ભોળા અને નીખાલસ લોકોને ચાહે છે? દુનિયા તો એમની પાસેથી ફાયદો મેળવવાનું જ ઈચ્છે છે અને એ માટે એવા લોકોને અન્ય લોકો નુકશાન પહોચાડતા પણ નથી ખચકાતા અને એમાય નયના માટે જે દુશ્મન હતા તે કોઈ ચાલક વ્યક્તિને પણ ભારી પડી જાય તેવા લોકો હતા.

માથુર જેનું નામ સાંભળી લોકો થથરી જાય તેવો સફેદપોશ વિલન. જયારે એ અને એના માણસો બહાર નીકળતા ત્યારે સાચે જ લોકો ઘરમાં રહેવાનું પસંદ કરતા. અને એનાથી પણ નિર્દય કદંબ.. કદંબ એ જંગલમાં જીવનારા નીસાચારોમાંનો એક હતો. કહે છે કે તેનાથી જંગલી આદિવાશીઓ ખુબ જ ડરતા. અને જયારે એ દેખાય ત્યારે આદિવાસી બાળકો પોતાના ઘરની ઝુંપડીમાં છુપાઈ જાતા. ભલે એ લોકોએ વધારી ચડાવીને કરેલી વાતો હશે પણ એકંદરે કદંબ અને માથુંર જેવા માણસો દુશ્મની કરવા લાયક તો ન જ હતા.

એમાં પણ મણી તેમના હાથમાં હતું પછી કદંબની શક્તિ ખુબ વધી ગઈ હતી. તે પોતાની જાતને અડધો ભગવાન માનવા લાગ્યો હશે કેમકે એ ચીજ તેને એ અસલી જાદુ આપી શકે છે જે મેળવવા તેના કેટલાય લોકોએ જીવ ગુમાવ્યો હતો.

“તું શું ખાવાનું પસંદ કરીશ કપિલ?” નયના કોર્નર પરના બૂથમાં ગોઠવાઈ. નયનાના શબ્દોએ મને કદંબ અને માથુરના ડરાવાણા વિચારોથી બહાર તાણી લાવ્યો.

“તે શું ઓડર કર્યું?” હું એની સામેની ચેર પર ગોઠવાયો. બેંકિટ હોલમાં બધી ચેર પોલીશ કરેલ લાકડાની હતી. મને મારા નાગપુરનું જુનું ઘર યાદ આવ્યું. ત્યાં પણ મોટા ભાગે બધું ફર્નીચર પોલીસ કરેલા લાકડાનું હતું.

“તું જે મંગાવે તે..” નયનાએ ફરી મારી આંખોમાં જોયુ અને દુનિયા એક પળ માટે ઈમમોબાઈલ થઇ ગઈ.

“હું મંગાવું એ તને પસંદ નહિ હોય તો?” મેં પૂછ્યું. એની આંખોમાં કઈક ગજબ ચીજ હતી. મેં નજર ફેરવી લીધી.. હું ક્યારેય એ આંખોને એક પળ કરતા વધુ તાકી ન શકતો.

“તું પસંદ છે તો તે મંગાવેલ ડીશ કેમ પસંદ નહિ આવે?” નયનાએ કપાળ પર આવેલી લટ કાન પાછળ સેરવી. ગયા જન્મે પણ એની એ જ આદત હતી. તેના પફડ વાળમાં અમુક વાળ છુટા જ રહેતા.

“પંજાબી ડીશ મંગાવી લઈએ..” હું હજુ એને હેરાન કરતી લટને જોઈ રહ્યો.

“ના. કપિલ પંજાબી નહિ. બીજું કઈક મંગાવી લે. એ મને પસંદ નથી.”

“તે હમણાં કહ્યું ને મને જે પસંદ હશે તે તને પસંદ હશે?”

“એટલે પંજાબી સિવાય.”

હું એને કાઈ જવાબ આપું એ પહેલા વિવેકે કહ્યું, “તમે બંને ઝઘડો અને કલાક સુધીમાં નક્કી કરી લો કે શું મંગાવવું ત્યાં સુધી હું એક ગુજરાતી થાળી ઝાપટી નાખું.”

“હા, કપિલ ગુજરાતી થળી મંગાવીએ તો કેમ?” નયનાએ કહ્યું.

“બેટર...” મેં કહ્યું.

અમે વેઈટરને ત્રણ ગુજરાતી થાળીનો ઓડર આપ્યો. હું સમજી ગયો કે અમે સમજીએ એટલી ભોળી નયના ન હતી. એને ખબર હતી કે અમે તે ખાઈ લે એ માટે જુઠ્ઠું બોલ્યા હતા કે આપણે ત્રણે એક જ સ્થળે રહીશું એટલે જ તે ડીશ મંગાવતી વખતે મારા સાથે ચર્ચા વધારી રહી હતી. હું એનું મન જાણી શકતો હતો. એનું મન મારા સાથે બને તેટલી વધુ વાતો કરવા માંગતું હતું જેથી અમે એકબીજાથી દુર થઇ જઈએ ત્યારે એનું મન એ યાદોને વાગોળી શકે.

“હા, તો વિવેક અને તું બંને એકબીજાને કયારથી ઓળખો છે?” નયનાએ વાતનો દોર શરુ કર્યો.

“જસ્ટ તારી આંખો સામે જ અમારી પહેલી મુલાકાત ભેડા ઘાટ પર થઇ હતી.” મેં કહ્યું.

ડીશ આવી ત્યાં સુધી નયના અમને સવાલો પૂછ્યે જ ગઈં. કદાચ એને કેટલાય સવાલોના જવાબ મેળવવા હતા. મને પણ એને એ સવાલોના જવાબ આપવામાં કોઈ વાંધો ન હતો કેમકે હજુ નયના એ સવાલથી બહુ દુર હતી જે સવાલ એના સુખ ચેનને છીનવી લેવાનો હતો - મુહૂર્તનો સવાલ.

હું એને એ સવાલથી દુર જ રાખવા માંગતો હતો કેમકે એ એમ જ સમજતી હતી કે હવે બધું ઠીક થઇ ગયું છે અને અમે એકબીજા સાથે હમેશા માટે રહી શકીશું. હું પણ એને એમ જ સમજીને ખુશીથી જીવન જીવતી જોવા માંગતો હતો. કમ-સે-કમ તેને સત્યની જાણ થાય ત્યાં સુધી તો. કદાચ એ જ મારી ભૂલ હતી. મારે એને ત્યારે જ એ કહી દેવું જોઈતું હતું કે આપણે બંને એકબીજા માટે તો છીએ પણ એકબીજા સાથે રહેવાનું આપણા નશીબમાં નથી. તો અમારા વચ્ચે એ પ્રેમ એટલો ઘેરો ન બન્યો હોત અને એને છોડતી વખતે મને ઓછું દુ:ખ લાગોત. મને ભૂલવામાં નયનાને ઓછો સમય લાગોત.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky