મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:28
રાજલની લાખ કોશિશો છતાં પોતાની ભૂલનાં લીધે નિત્યા સિરિયલ કિલરનાં હાથે કિડનેપ થઈ ચૂકી હતી..હવે એને પણ સજા રૂપે મોત મળશે કે રાજલ એને બચાવી લેશે એ સમયની ગર્તામાં છુપાયેલું હતું.
ગ્રીન ગાર્ડન રેસ્ટોરેન્ટ જોડે દિલીપે જેવી પોલીસ જીપ થોભાવી એ સાથે જ રાજલ સમેત બધો જ પોલીસ સ્ટાફ ફટાફટ જીપમાંથી નીચે ઉતરી આવ્યો..નિત્યા મહેતા નાં સર્કલમાં કોણ-કોણ છે એની માહિતી મનોજે દસેક મિનિટની અંદર તો એકઠી કરી દીધી..અને એમાંથી નિત્યાની એક સહેલી કાવ્યા દ્વારા પોલીસ ટીમ ને નિત્યાની કાર નો નંબર માલુમ પડ્યો..નિત્યાની કાર પોલીસ ને ગ્રીન ગાર્ડન રેસ્ટોરેન્ટ જોડે પાર્કિંગમાંથી પ્રાપ્ત થઈ..જે લોક હતી.
હોટલનાં પાર્કિંગનાં CCTV ફુટેજથી ફક્ત નિત્યા ત્યાં ગાડી પાર્ક કરી બહાર નીકળે એટલી જ ફૂટેજ મળી..હોટલનાં ચોકીદાર ને પૂછતાં એને જણાવ્યું કે આ કારમાંથી એક મેડમ રોડ ક્રોસ કરીને સામેની બાજુ જતાં એને જોયાં હતાં..એ મેડમે ઓરેન્જ અને વ્હાઇટ રંગનો સલવાર કમીઝ પહેર્યો હતો એ પણ ચોકીદાર દ્વારા રાજલને જાણવાં મળ્યું..હવે એનાંથી વધુ માહિતી એમને ત્યાંથી મળવી શક્ય નહોતી એ વાતથી વાકેફ રાજલે ત્યાં તપાસ કરવાનું માંડી વાળી પુનઃ પોલીસ સ્ટેશન જવાનો દિલીપને હુકમ કરી દીધો.
ત્યાંથી હત્યારો નિત્યા ને ક્યાંક એવી જગ્યાએ લઈ ગયો હશે જે સરળતાથી મળે એવી નહીં જ હોય એ જાણતી હોવાં છતાં રાજલે પોલીસ હેડક્વાર્ટર કોલ કરીને સરદાર પટેલ રિંગ રોડ પર મોજુદ પોલીસ ને દરેક ગાડીને સઘન તપાસ પછી જ ત્યાંથી આગળ જવા દેવા નો ઓર્ડર કહી દે એવી વિનંતી કરી દીધી.
હતાશામાં ગરકાવ રાજલ પોતાની સાથીદારો સાથે પોલીસ સ્ટેશન જવા રવાના થઈ ગઈ..આટલાં પ્રયત્નો પછી પણ એ હત્યારા દ્વારા પોતાનું ધાર્યું કર્યું હોવાની નિરાશા સાથે રાજલ પોતાનાં હાથની રેખાઓ તાકતાં તાકતાં એમાં આગળ જતાં શું થવાનું લખ્યું હતું એનો અંદાજો લગાવવાની નાકામ કોશિશ રાજલ કરી રહી હતી.
***********
આ તરફ એ હત્યારો પોતાની કારને પોતાનાં ઉજ્જડ વિસ્તારમાં આવેલાં બંગલાનાં પાર્કિંગમાં મુકી નીચે ઉતર્યો..પોતાનાં કારની ડેકીમાંથી એને બેહોશ પડેલી નિત્યા ને બહાર નીકાળી અને ઊંચકીને એને લઈ અંદર પ્રવેશ્યો..નિત્યા ને બેહોશ કર્યાં બાદ એ કિલરે સાવચેતી ખાતર એક વિરાન જગ્યાએ કાર ને ઉભી રાખી અને બેહોશ નિત્યા ને ફ્રન્ટ સીટમાંથી ઉપાડી ડેકીમાં રાખી દીધી.
પોલીસ નું ચેકીંગ પણ એને રોકી નહીં શકે એ વાતનો એને વિશ્વાસ હતો અને એની કાર સઘન પોલીસ તપાસ વચ્ચે પણ પસાર થઈ ગઈ એ પછી તો એનાં ચહેરા પર નું ક્રૂર સ્મિત વધુ ભયાનક બની ગયું હતું.
બેહોશ નિત્યા ને ઉપાડી એ ખુંખાર હત્યારો પોતાનાં બંગલાની અંદર બનાવેલાં ટોર્ચર રૂમમાં લાવ્યો જ્યાં એ અત્યાર સુધી ચાર લોકોને તડપાવી તડપાવી મોત ને ઘાટ ઉતારી ચુક્યો હતો.એને લાવીને નિત્યા ને મજબૂત સાંકળોથી બાંધી દીધી..ક્લોરોફોર્મ ની અસર હેઠળ નિત્યા હજુ બીજાં ત્રણેક કલાક સુધી બેહોશ રહેશે એવી ગણતરી એ સિરિયલ કિલરની હતી..માટે નિત્યા ને ત્યાં બાંધી એ રસોડામાં આવ્યો અને કંઈ બન્યું જ ના હોય એમ પોતાનાં માટે જમવાનું બનાવવામાં લાગી ગયો.
ધૂંવાપુંવા થઈને રાજલ દેસાઈ પોલીસ સ્ટેશન પાછી આવી ત્યારે નવ વાગી ગયાં હતાં..પોતાનાં પાંચમા શિકારની પણ રિવરફ્રન્ટ સિરિયલ કિલર દ્વારા કિડનેપિંગ થઈ જતાં રાજલ અત્યારે બેહદ ગુસ્સામાં હતી..આ ગુસ્સો એનો એ સિરિયલ કિલર પર તો હતો જ પણ સાથે એ પોતાની જાત પર પણ બેહદ નારાજ હતી.
રાજલનાં ચહેરા ની તંગ રેખાઓ એની અંદર હૈયે ભભૂકી ઉઠેલાં જ્વાળામુખી ની ઝલક આપી રહ્યાં હોવાથી રાજલનાં સ્ટાફમાંથી કોઈ ની હિંમત ના થઈ એની સાથે વાત કરવાની..નિત્યા મહેતા નું કિડનેપિંગ થઈ ગયો હોવાનો સીધો અર્થ હતો કે હવે એને જીવિત જોઈ શકવાની શકયતા નહીંવત છે..કેમકે હાથે ચડેલાં શિકારને જીવતો મુકવાની ફિતરત એ સિરિયલ કિલર ની નહોતી.
રાજલે પોતાની કેબિનમાં આવી કોઈકનો નંબર ડાયલ કર્યો અને નિત્યા મહેતા નાં કિડનેપિંગ અને પોતે એને બચાવવા કરેલાં પ્રયત્નો ની સઘળી વિગતે વાત કરી..પોતાનો વાંક કબુલતાં રાજલે પોતાનાં બચાવમાં પણ દલીલો રજૂ કરી અને પછી કોલ કટ કરી દીધો.
કોલ કટ કરતાં જ મોબાઈલને રીતસરનો ટેબલ પર પછાડી રાજલ ગુસ્સામાં આવી બોલી.
"કેમ..આખરે કેમ એ હત્યારો દર વખતે મારી પહોંચથી દૂર રહી જાય છે..કેમેય કરી હું એનાં સુધી પહોંચી નથી શકતી અને એ દર વખતે પોતાનું ધાર્યું કરીને જ રહે છે..બસ એક વાર તું મારી સામે આવી જા..પછી હું તને જીવતો નહીં છોડું.."
રાજલ ગમે તેવાં બરાડા પાડતી હોય પણ પોતાનાં સુધી તો એ નહોતી જ પહોંચી શકવાની એ વાતથી નિશ્ચિત બની એ કિલર પોતાનાં હાથે બનાવેલું જમવાનું આરોગ્યા બાદ શાંતિથી ટેલીવિઝન સેટ ચાલુ કરીને બેઠો.એને હજુપણ કંઈક ખૂટતું હોય એવું લાગી રહ્યું હતું..ન્યૂઝ ચેનલો એની ખબર તો બતાવી રહી હતી પણ એ ઈચ્છતો હતો કે એને વધુ સ્પેસ મળે દરેક ન્યૂઝ ચેનલ પર.
આ વિચાર આવતાં જ એ ટેલિવિઝન બંધ કરી ઉભો થયો અને અલમારી ખોલી એમાંથી એક વીડિયો રેકોર્ડિંગ કેમેરો બહાર નીકાળી એને પોતાની જોડે લઈ નિત્યા ને જ્યાં બાંધી હતી એ ટોર્ચર રૂમમાં આવ્યો..નિત્યા થોડી-થોડી ભાનમાં આવી રહી હતી પણ હજુએ એ સંપૂર્ણ ભાનમાં નહોતી આવી..એ સિરિયલ કિલરે પહેલાં ચહેરા પર એક માસ્ક પહેર્યું અને પછી વીડિયો રેકોર્ડિંગ ચાલુ કર્યું..કેમેરાની સામે પોતાનો માસ્ક પહેરેલો ચહેરો રાખી એ બોલ્યો.
"નમસ્કાર..અમદાવાદ..હું છું દેવતા...એક મસીહા જે અમુક પાપી લોકોને એનાં કર્મની સજા આપે છે..પણ દુઃખ એ વાત નું છે કે તમે મને એક હત્યારો માની રહ્યાં છો.મને તમે નામ પણ આપ્યું છે રિવરફ્રન્ટ સિરિયલ કિલર...પણ હું કોઈ કિલર નથી..મેં જે લોકોની હત્યા કરી એમાંથી કોઈ વ્યક્તિ સારું નહોતું.અને હવે જેની હત્યા કરવાનો છું એ પણ પોતાનાં કર્મો નાં લીધે મારાં હાથે મોત મેળવશે."
"તમારે જાણવું છે કે મારો નવો શિકાર કોણ છે..તો જોવો એનો ચહેરો જેની હું હવે હત્યા કરવાનો છું.."આટલું કહી એને પાણી નો એક ગ્લાસ નિત્યાનાં ચહેરા પર છાંટી દીધો..જેની અસર રૂપે નિત્યા ઝબકીને જાગી ગઈ.
પોતાને સાંકળોથી બંધાયેલી જોઈ નિત્યા નાં ચહેરા પર ડર ઉભરી આવ્યો..પોતાની સામે માસ્ક પહેરીને ઉભેલો વ્યક્તિ વીડિયો રેકોર્ડર સામે ઉભો રહી કંઈક બોલી રહ્યો હતો જે જોયાં પછી નિત્યા સમજી ગઈ કે રાજલ સાચું કહી રહી હતી કે એનો જીવ જોખમમાં છે..રાજલ નો ફોન ના ઉપાડવાનો પસ્તાવો અત્યારે એને થઈ રહ્યો હતો પણ હવે એનાંથી કોઈ ફરક નહોતો પડવાનો..પોતે એ જ સિરિયલ કિલરનાં કબજામાં છે જે વિશે એને ન્યૂઝમાં સાંભળ્યું હતું એવો અંદેશો એને આવી ચુક્યો હતો.
નિત્યાનાં ભાનમાં આવતાં જ એ હત્યારો કેમેરા સામે જોઇને બોલ્યો.
"આ છે બે વર્ષ પહેલાં ની મિસ અમદાવાદ સ્પર્ધા ની વિજેતા નિત્યા મહેતા..હકીકતમાં એ સ્પર્ધા જીતવાની ખરી હકદાર નિતારા દલાલ હતી..પણ પોતાની ઈર્ષા નાં લીધે આને જ એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું જેનાં લીધે નિતારા ને ડિસ્ક્વોલિફાય થવું પડ્યું અને નવાં-સવા ઉભરતાં ડિરેકટર યોગેશ ટેઈલર ને પણ હાલાકી નો સામનો કરવો પડ્યો..આની ઈર્ષા નો ભોગ બે લોકો ને બનવું પડ્યું..આને લગ્ન પણ પોતાની જરૂરિયાત પૂરી કરવાં કર્યાં હતાં..માટે જ એને ચાર મહિનામાં બહુ મોટી રકમ લઈને પોતાનાં લંડન નિવાસી પતિ ને ડાયવોર્સ આપ્યાં.."આટલું કહી એ સિરિયલ કિલર નિત્યા ની નજીક ગયો અને એનાં માથાનાં વાળ ખેંચી એની તરફ જોતાં ક્રોધમાં બોલ્યો.
"મેં જે કહ્યું એમાં કંઈપણ ખોટું છે..?"
દર્દથી કરાહતાં નિત્યા બોલી.
"હા એ બધું સાચું છે..પણ એની સજા મૌત તો ના હોય ને..હું કબુલું છું મારી ભૂલ અને એની સજા ભોગવવા પણ રેડી છું..પ્લીઝ મને છોડી દો.."
નિત્યા નાં આટલું બોલતાં જ એ સિરિયલ કિલર કેમેરા ની આગળ પોતાનો માસ્ક પહેરેલો ચહેરો લાવી ક્રૂર સ્મિત સાથે બોલ્યો.
"જોયું દોસ્તો..આ હતી આ નિત્યા મહેતા ની સચ્ચાઈ..અને મારી અદાલતમાં એનાં કરેલાં કર્મોની સજા છે મૌત.."આટલું કહી અટ્ટહાસ્ય કરતાં કરતાં એને વીડિયો રેકોર્ડિંગ બંધ કરી દીધું.
"પ્લીઝ મને જવા દે..મેં તારું શું બગાડ્યું છે.."રોતા કરગરતાં નિત્યા એ સિરિયલ કિલરને ઉદ્દેશીને બોલી..જેનાં પ્રતિભાવ માં એ હત્યારો નિત્યા ની નજીક ગયો અને નિત્યા ને જોરદાર એક તમાચો લગાવી લીધો જેનાં લીધે નિત્યા બેહોશ થઈ ગઈ.નિત્યા ને એ જ હાલતમાં પડતી મૂકી એ કિલર ઉભો થયો અને વીડિયો રેકોર્ડર હાથમાં લઈને લેપટોપ પડ્યું હતું ત્યાં ટેબલ જોડે ખુરશી ગોઠવીને બેઠો.
વીડિયો રેકોર્ડર જોડે કેબલ કનેક્ટ કરી એને હમણાં ઉતરેલો વીડિયો લેપટોપ માં ટ્રાન્સફર કર્યો..ત્યારબાદ એ સિરિયલ કિલરે એ વીડિયો ની ત્રણ સીડી બનાવી..અને એ બધી સીડી એક કવરમાં રાખી દીધી..પોતાનું કામ પૂરું કરી એ હત્યારો શાંતિથી પોતાનાં બેડરૂમમાં આવીને સુઈ ગયો..કાલની સવાર દરેક અમદાવાદીની રાત ની ઊંઘ હરામ કરી મુકવાની હતી એ બાબતથી એ કિલર વાકેફ હતો.
**********
મોડે સુધી પોલીસ સ્ટેશનમાં જ બેસી રહ્યાં બાદ પણ રાજલને આગળ શું કરવું એનો કોઈ અંદાજો નહોતો આવી રહ્યો..આ વાતથી હેરાન-પરેશાન રાજલ ઘરે પહોંચી ત્યારે બાર વાગવા આવ્યાં હતાં..પોલીસ સ્ટેશનમાં થોડો નાસ્તો કર્યો હોવાથી રાજલને સહેજ પણ ભૂખ નહોતી.
એ પોતાનાં ફ્લેટ પર પહોંચી ફ્રેશ થઈને બેડરૂમમાં જઈને સુવા માટે પડી તો ખરી..પણ આજે પણ મળેલી નિષ્ફળતા બાદ પોતાને ઊંઘ નહોતી આવવાની એ વાતની રાજલને ખબર હતી..એક વાગ્યાં સુધી ઉંઘ આંખોથી જોજનો દૂર હોવાનાં લીધે રાજલ અકળામણ અનુભવી રહી હતી..આજ કારણોથી રાજલ પલંગમાંથી ઉભી થઈ અને ફ્રીઝમાંથી ઘેનની ટેબલેટ નીકાળી એને પાણી સાથે ગળા નીચે ઉતાર્યા બાદ રાજલને થોડી હાશ થઈ અને એ પુનઃ પલંગમાં આવી સુવા માટે લંબાવે છે..આખરે દવાની અસર થઈ અને રાજલને નીંદર આવી ગઈ.
આજનો દિવસ આ સાથે એ સિરિયલ કિલરની જીત અને રાજલની પુનઃ હાર સાથે પૂર્ણ થઈ ગયો.હવે આવતી કાલનો સૂરજ કોનાં માટે શું લઈને આવવાનો હતો એની ખબર તો ફક્ત વિધાતા ને હતી.
**********
રાજલ ને ખબર હતી કે ઘેનની દવાની અસર નાં લીધે એ મોડે સુધી સૂતી રહેશે..આથી જ રાજલે સવારનાં સાત વાગ્યાંનું એલાર્મ મૂકીને સૂતી હતી..એલાર્મ વાગતાં જ રાજલ જાગી ગઈ.પોતાની મદદ હવે ભગવાન જ કરી શકે એમ હતો એટલે ઘરમાં લાગેલાં માં મહાકાળી નાં ફોટો ને નમન કરીને રાજલ પોલીસ સ્ટેશન જવા નીકળી પડી.
નવ વાગે જ્યારે રાજલ પોલીસ સ્ટેશન પહોંચી ત્યાં સુધી તો એનો બધો સ્ટાફ આવી ચુક્યો હતો..મેડમ ગુસ્સામાં છે એ બાબતથી દરેક સ્ટાફ વાકેફ હતો..એટલે જ કોઈ કારણોસર રાજલનાં ગુસ્સાનો ભોગ ના બનવો પડે એ વિચારી સંપૂર્ણ સ્ટાફ સમય કરતાં પણ વહેલો આવી ચુક્યો હતો.
રાજલની પાછળ પાછળ ઇન્સ્પેકટર સંદીપ રાજલની કેબિનમાં આવ્યો અને રાજલની રજા મેળવી ખુરશીમાં બેઠો..સંદીપ નાં ભાવવિહીન ચહેરા ને જોઈ રાજલે પૂછ્યું.
"બોલો ઓફિસર શું ખબર છે..?"
"મેડમ,હવે એ હત્યારો પોતાનાં શિકારને કિડનેપ કરી ચુક્યો જ છે તો નિતારા,યોગેશ અને શબનમ કપૂરની સિક્યુરિટીમાં લગાડેલાં કોન્સ્ટેબલ હટાવી દઉં..?"સંદીપ અચકાતાં બોલ્યો.
"હા..હટાવી દો.. અને એક બીજી વાત કે મારે નિત્યા નાં ફોનની કોલ ડિટેઈલ જોઈએ છે..એ પણ ફાસ્ટ.."રાજલ બોલી.
"મેડમ એ માટે મેં સર્વિસ પ્રોવાઇડર કંપનીને જાણ કરી દીધી છે..બપોર પડતાં નિત્યા મહેતા નાં સિમ કાર્ડ ની ડિટેઈલ આવી જશે.."સંદીપ બોલ્યો.
"વેરી ગુડ.."રાજલે કહ્યું.
"મેડમ..અંદર આવું..?"રાજલ અને સંદીપ ની વાતચીત ચાલુ હતી એ દરમિયાન રાજલની કેબિનમાં પ્રવેશવાની રજા માંગતા ઇન્સ્પેકટર મનોજ બોલ્યો.
"હા..આવો.."રાજલ મનોજને અંદર આવવાની રજા આપતાં બોલી.
રાજલની કેબિનમાં આવતાં જ પોતાનો મોબાઈલ રાજલને આપતાં મનોજે કહ્યું.
"મેડમ આ જોવો.."
રાજલે મનોજનો મોબાઈલ પોતાનાં હાથમાં લઈ એની અંદર ચાલુ વીટીવી ચેનલ ની લાઈવ ન્યૂઝ જોઈ..જેમાં એ હત્યારા એ ગઈકાલ રાતે બનાવેલી વીડિયો આવી રહી હતી..જોડે જોડે ન્યૂઝ એંકર મોટે મોટેથી પોલીસ તંત્રની નાકામી અને સિરિયલ કિલરનાં આતંક નાં બણગાં ફૂંકી રહ્યો હતો.
રાજલે ખૂબ ધ્યાનથી એ સિરિયલ કિલરની એ વીડિયો ફૂટેજ જોઈ..એની દરેક હરકત અને હાવભાવનું રાજલે ખૂબ બારીકાઈથી નિરીક્ષણ કર્યું..પણ ચહેરા પર ફૂલ માસ્ક અને રૂમમાં રહેલાં ઝાંખા પ્રકાશને લીધે રાજલ એ સિરિયલ કિલર ને ઓળખવામાં અસફળ રહી.
"મેડમ,દરેક ન્યૂઝ ચેનલ પર આ જ ફૂટેજ આવી રહી છે..લાગે છે એ હત્યારા એ નિત્યા ની જોડે પોતાનો વીડિયો શૂટ કરી ન્યૂઝ ચેનલો ને મોકલાવ્યો હશે.."મનોજ બોલ્યો.
"આ કિલર ની વાતો અને વ્યવહાર પરથી લાગે છે કે એ નિત્યા ને તો જીવતી નહીં જ છોડે પણ તમારાં કહ્યાં મુજબનાં seven deadly sins માં વધેલાં બે sins ગુસ્સો અને અભિમાન ની આદત ધરાવતાં બે લોકોની પણ હત્યા કરીને જ રહેશે."રાજલને ઉદ્દેશીને સંદીપ બોલ્યો.
સંદીપ અને મનોજની વાતનાં પ્રતિભાવમાં રાજલ ચુપ જ રહી..એની આ ખામોશી એની અંદર પેદા થઈ રહેલાં હજારો વિચારોની ઝલક પુરી પાડવા કાફી હતી.
"તમે બંને જઈ શકો છો.."મનોજ અને સંદીપ તરફ જોઈને રાજલ બોલી.
એમનાં જતાં જ રાજલ એ વિચારમાં પડી ગઈ કે એ સિરિયલ કિલર ની આ વીડિયો ફૂટેજ બાદ સામાન્ય નાગરિકની અંદર જે ડર અને ભયનું વાતાવરણ પેદા થશે એ જોખમી સાબિત થઈ શકે છે..આ વસ્તુથી અંધાધુની ફેલાઈ શકે છે ને પોલીસ તંત્રની શાખ પર પણ કીચડ ઉછળી શકે છે.
કંઈક તો પોતાનાંથી છૂટી રહ્યું હતું..પણ એ શું હતું એ વિચારી રાજલે એ રિવરફ્રન્ટ સિરિયલ કિલરનાં દરેક વિકટીમનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ ફાઈલમાંથી નીકાળી વાંચવાનો શરૂ કર્યો..ચારેય વિકટીમમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને એમનાં કેસ સાથે જોડાયેલી અમુક વાતો વાંચ્યાં બાદ રાજલનાં ચહેરા પર એક સ્મિત પથરાઈ ગયું અને એ બોલી પડી.
"Welcome રિવરફ્રન્ટ સિરિયલ કિલર.."
★★★★
વઘુ આવતાં ભાગમાં.
રાજલને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું મળ્યું હતું..?રાજલ નિત્યા મહેતાને બચાવી શકશે..?કોણ હતો એ સિરિયલ કિલર..?ગિફ્ટ બોક્સમાં આવતી અલગ-અલગ રંગની રિબિનનું રહસ્ય શું હતું .?આ સવાલોનાં જવાબ મેળવવાં જાણતાં રહો આ દિલધડક નોવેલ મર્ડર@રિવરફ્રન્ટનો નવો ભાગ.આ નોવેલ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થાય છે.
જેમ-જેમ નોવેલ આગળ વધશે એમ નવાં રહસ્યો આપ સમક્ષ આવતાં જ રહેશે..તમે તમારું મગજ કસવાનું શરૂ કરી દો..અને તમારાં મંતવ્યો whatsup નંબર 8733097096 અને એપ પર મેસેજ કરીને જણાવી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture,રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન
બેકફૂટ પંચ
ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.
સર્પ પ્રેમ:-the mystry
અધૂરી મુલાકાત
આક્રંદ:એક અભિશાપ..
હવસ:IT CAUSE DEATH
હતી એક પાગલ
~જતીન.આર.પટેલ (શિવાય)