શરીરથી દુબળી પાતળી પરમાને એના માતા-પિતા એ એવો વિચાર કરીને પરણાવી હતી કે મારી દીકરી મોટા પરિવારનું કામ ઉપાડી નહીં શકે માટે પરમાને એક જ દીકરો હોય એવા પરિવારમાં આપવી છે,અને પરમાને એવું ઠેકાણું મળી પણ ગયું જેનાં ઘરમાં પરમાનો પતિ સવજી અને સાસુ એક નણંદ જે પરણી એમનાં સાસરે હતી.
પરમાનો પતિ નાનકડાં ગામમાં સિલાઈનું કામ કરી ઘર ચલાવતો હતો પરિસ્થિતિ થોડી નબળી હતી,પણ પૈસા ઘટે ત્યારે પરમા એમના ભાઈ પાસે મદદે દોડી જતી પરમાના ભાઈ ભાભી બહું ધ્યાન રાખતાં,ગમે ત્યારે જરૂર પડે પરમાને અચૂક મદદ કરતાં.
પરમા આમ એનો જીવન સંસારની ગાડી ચલાવતી રહી પણ ઘરમાં કદી સુખનો સૂર્ય ઉગ્યો નહીં,લગ્નજીવનને પંદર વર્ષ વીતી ગયાં એ દરમ્યાન પરમા બે સંતાનની માતા બની પહેલા ખોળે મોટો દીકરો સુનિલ અને નાનો દીકરો અનિલ,
અનિલના જન્મ પછી પતિ સવજીની તબિયત લથડવા લાગી સવજીને શ્વાસની બીમારી થઈ ગઈ,જે કમાય એ બધું દવામાં જતું અને હવે સવજીની કામ કરે એવી હાલત રહી નહીં,
તેથી પરમાએ પતિ સવજીનું સિલાઈ મશીન ઘરે લાવી અને પોતે પતિ પાસે સિલાઈ કામ શીખી અને ગુજરાન ચલાવતી ,સાથે મોટા દીકરા સુનીલને ભણાવતી સુનિલ હવે ધોરણ પાંચમામાં આવી ગયો અને અનિલ પણ પાંચ વર્ષનો થઈ ગયો,
સવજી પડ્યો પડ્યો પરમાની મહેનત જોતો અને મનોમન પોતાની જાતને ધિકારતો રહેતો,અંતે એક દિવસ એ બીમારીથી એટલો કંટાળી ગયો કે મોકો જોઈ ઘરે કોઈ હતું નહીં સવજી સિલાઈ મશીન પર પડેલી કાતર લઈ ગળા પર ચાર પાંચ ધા મારી પોતાની જિંદગી ટૂંકાવી પળવારમાં તો સવજી હતો નહતો થઈ ગયો.
સવજીના ગયા પછી પરમા હિંમત જરા પણ ન હારી ભલે એ શરીરથી દુબળી હતી પણ મનથી તો એ પુરુષ જેટલી હિંમત ધરાવતી હતી, પતિ સવજીની જે અંતિમ વિધિ થતી હતી એ બધી મોટા દીકરા સુનિલના હાથે કરાવી, ક્રિયાના દિવસે ભાઈ ભાભી એ પરમાને બહુ સમજાવી કે તું અમારી સાથે આવી જા આપણા ઘરે,પણ પરમા એકની બે ન થઈ ભાઈને કહ્યું ભાઈ હું તો તમારી સાથે આવી જાવ પણ મારી સાસુનું કોણ ? એના માટે તો દીકરો કહો કે વહુ હવે હું એક જ છું,મારા સાસુ બેઠાં છે ત્યાં સુધી હું અહીંયા મારાં ગામમાં રહીશ અને મારાં છોકરા મોટા કરીશ,
એ જ સમયે પરમાની ભાભી બોલ્યા પરમા બહેન તમારી બધી વાત અમે શિરોમાન્ય રાખી પણ તમારે અમારી એક વાત માનવી પડશે જો ના નહિ કહેતાં તો કહું,
પરમા બોલી સારું ભાભી તમે શું કહેવા માંગો કહો?
જો પરમા બહેન તમારાં ભાઈ અને મારી ઈચ્છા છે કે તમારો મોટા દીકરા સુનિલને અમે અમારી સાથે લઈ જશું,
આમ પણ અમારે સંતાન નથી તો તમારાં દીકરાને ભણાવી ગણાવી મારે મોટો કરવો છે,
પરમા પળનો પણ વિલંબ કર્યા વગર બોલી ભાભી સુનિલ તમારો દીકરો છે તમે તેને આજે સાથે લઈ જાવ અને મને વિશ્વાસ છે મારા ભાઈ ભાભી પર મારો દીકરો કદી દુઃખી નહીં થાય,
દીકરો સુનિલ એના મામા મામી સાથે શહેર જતો રહ્યો અને પરમા એ ફરી એમનું સિલાઈ મસીનનું કામ શરૂ કરી દીધું સાથે ગામના સરપંચ દ્વારા પરમાને સ્કૂલમાં પ્યુનની ખાલી જગ્યા પડી હતી એ જગ્યા પર પરમાને નોકરી એ લગાડી દીધી,
સમય પણ એની ગતિ સાથે વહેવા લાગ્યો મોટો દીકરો સુનિલ કોલેજ કરી મામાની કાપડની દુકાનમાં સાથે કામે લાગી ગયો, હવે પરમાની જિંદગીમાં સુખની કૂંપણો ફૂટવા લાગી,હવે કોઈ જાતની ચિંતા નહોતી.
-સચિન સોની