અંગારપથ-૧૪.
પ્રવીણ પીઠડીયા.
થથરી ગયો બંડુ. સૌથી અગત્યની ફાઇલ જ ગુમ છે એ કહેતા તેની જીભ ઉપડતી નહોતી. ડગ્લાસ રાક્ષસ હતો. તે ક્યારેય કોઇને બક્ષતો નહી. પછી ભલે એ પોતાનો સાવ અંગત માણસ કેમ ન હોય! ફુલ થ્રોટલમાં ચાલતા એ.સી.માં પણ બંડુનાં શરીરે પરસેવો વળી ગયો.
“બોસ, ક્લાયંટ વાળી ફાઇલ ગુમ છે. પણ હું એનો જલદી પત્તો લગાવી લઈશ.” બંડુનાં ગળામાંથી માંડ-માંડ આટલા શબ્દો નિકળ્યા હશે કે ઓફિસમાં ભૂકંપ આવ્યો. ડગ્લાસ એકાએક ઉભો થઇ ગયો હતો એને તેણે એક ઝન્નાટેદાર થપ્પડ બંડુના ગાલે ઠોકી દીધી. બંડુ હલી ગયો અને આપોઆપ તેના પગ પાછળની તરફ ધકેલાયા. ડગ્લાસની એક જ ઝાપટે તેની આંખોએ અંધારા આવી ગયો. ડગ્લાસનાં હાથ લાંબા હતા. તેના પાવડાનાં ફણાં જેવી હથેળીની ઝાપટ ખમવી એ કાચાપોચા માણસનું કામ નહોતું. બંડુની જગ્યાએ અન્ય કોઇ વ્યક્તિ હોત તો એ અત્યારે ફર્શની ધૂળ ચાંટતો થઇ ગયો હોત. એ ઝાપટથી બંડુનો હોઠ ચીરાયો હતો અને હોઠનાં ખૂણે લોહી ધસી આવ્યું હતું. “સોરી બોસ, એક ભૂલ માફ કરી દો.”
“માફી નહીં, મને ફાઇલ જોઇએ. અને એ પણ અત્યારે જ. જો એ ફાઇલમાંથી એક પણ કાગળીયું ગુમ થયું છે તો તારું આવી બન્યું સમજ. આ ક્લબને સંભાળવાની જવાબદારી તારી હતી. એમાં તે ગફલત કરી છે એટલે સજા ભોગવવા તૈયાર રહેજે. સવાર સુધીનો જ સમય છે તારી પાસે. જે કરવું પડે એ કર, પણ મને ફાઇલ જોઇએ. અને એ પણ સહી-સલામત. સમજ્યો?” ડગ્લાસનો ગુસ્સો તેની ચરમસીમાને પાર કરી ગયો હતો. તેની આંખોમાં લાહી ધસી આવ્યું હતું. એ ફાઇલ તેનાં મોતનો દસ્તાવેજ હતો. પાછલાં થોડા વર્ષોથી એક નવો ધંધો તેણે શરૂ કર્યો હતો. એ ધંધાની તમામ ડિટેઇલ્સ એ ફાઇલમાં હતી. જો એ ફાઇલની વિગતો જાહેર થઇ જાય તો પછી તેના તમામ સોર્સ પણ તેને બચાવી શકવાં અસમર્થ હતા.
“જી બોસ.” માથું નમાવીને બંડુ બસ એટલું જ બોલ્યો અને ઓફિસની બહાર નીકળી ગયો. ડગ્લાસની ઝાપટથી તેનો ગાલ હજું પણ સમસમતો હતો પરંતુ ભૂલ પોતાનાથી થઈ હતી એટલે વધુ બોલીને વાત બગાડવા માંગતો નહોતો. તેણે તુરંત પોતાનાં માણસોને કામે લગાવી દીધા. સૌથી પહેલા તો એ લોકો કોણ હતા એ માલુમ કરવાનું હતું. એ જાણવા મળી જાય પછી તેનું કામ આસાન બની રહેવાનું હતું. ફરીથી તેણે સી.સી.ટી.વી. ફૂટેજ જોયા અને બની શકે એટલું ક્લોઝ ઝૂમ કરીને તેમનો ચહેરો કે ગાડીનું મોડેલ ઓળખવાની કોશિશ કરી. પાર્કિંગ એરીયામાં લાઇટિંગની સારી વ્યવસ્થા હતી પરંતુ એ બન્નેના ચહેરા કેમેરાથી વિરુધ્ધ દિશામાં હતાં એટલે બરાબર દેખાતા નહોતો. હાં, ગાડી ઓળખાઇ હતી. તે રોયલ એનફિલ્ડ બુલેટ હતું અને તેનો નંબર પણ સ્પષ્ટ વંચાતો હતો. બંડુના દાંત ભીંસાયા. નંબર લખ્યો અને એક માણસને બુલેટનાં માલીકનો પત્તો લગાવવા તુરંત કામે લગાવ્યો.
@@@
ડગ્લાસ ઓફિસમાં એકલો પડયો. તેનું મગજ કંન્ટ્રોલમાં નહોતું. મોટેભાગે તે ક્યારેય ઉશ્કેરાતો નહી પરંતુ છેલ્લા થોડા દિવસોથી ગુસ્સો સતત તેના ઉપર હાવી રહેતો હતો અને એ ગુસ્સાનું કારણ કામમાં સતત મળતી નિષ્ફળતાઓ હતું. તેની એક બંદી... જે મોતનું મશીન ગણાતી હતી એ બે-બે વખત નિષ્ફળ ગઇ હતી. હોસ્પિટલમાં દાખલ એક સામાન્ય ઔરતને તે મારી શકી નહોતી. એ નાલોશીમાંથી હજું તે ઉભર્યો પણ નહોતો ત્યાં આ ફાઇલ ગુમ થવાનાં સમાચારે તેને વિચલીત કરી મૂકયો હતો. જો એ ફાઇલ સહી-સલામત તેની પાસે પાછી ન ફરી તો..! એ વિચાર માત્રથી તેના જેવો શસક્ત અને ખૂંખાર વ્યક્તિ પણ ખળભળી ઉઠયો હતો.
@@@
અભિમન્યુ વારંવાર એ ફોટા જોઇ રહ્યો હતો. એકનાં એક ફોટાઓને મોબાઇલમાં સ્ર્કોલ કરીને હવે તેની આંગળીઓ પણ દુખવા લાગી હતી. તેની બહેન રક્ષા આ ક્યા ઝમેલામાં સલવાઇ હતી એ તેને સમજાતું નહોતું. ગોલ્ડન બારમાંથી મળેલી ફાઇલ ખરેખર ખતરનાક હતી. તેણે ફરીથી... લગભગ શરૂઆતથી ફોટાઓ જોવાનું શરૂ કર્યું. પહેલા ફોટો એક આરબ વ્યક્તિનાં પાસપોર્ટનો હતો. ત્યાર પછી કોઇ અમેરિકન વ્યક્તિનો પાસપોર્ટ હતો. એવાં કુલ દસ દેશોના દસ વ્યક્તિઓના પાસપોર્ટ હતાં. કોણ હતાં આ વ્યક્તિઓ? અને ગોલ્ડન બારના સિક્રેટ કેબીનમાં તેમની ફાઇલ શું કરતી હતી? આ સવાલોનો જવાબ શોધવો અગત્યનો હતો. પણ... અભિમન્યુ પાસપોર્ટની નીચે જે લખ્યું હતું એ જોઇને સૌથી વધું ચોંકયો હતો. પહેલી વખત ફાઇલ જોઇ ત્યારથી એ વિગતો તેના માથામાં કોઈ ભારેખમ ઘણની માફક પડઘાતી હતી. એ વિગતો વિસ્ફોટક હતી. તેમાં એ દરેક વ્યક્તિની મેડીકલ હિસ્ટ્રી વર્ણવેલી હતી. મતલબ કે જે વ્યક્તિઓના પાસપોર્ટ હતા એ તમામ વ્યક્તિઓનાં શરીરના મુખ્ય અવયવોનો રિપોર્ટ ટૂંકાણમાં પાસપોર્ટ નીચે લખ્યો હતો.
અને... એથી પણ ચોંકાવનારા હતા એ પાસપોર્ટ સાથે સ્ટેપલરથી જોડેલા કાગળો. એક એક પાસપોર્ટ સાથે એક એક કાગળ જોડેલો હતો. એ કાગળમાં અલગ-અલગ ઉંમરના બાળકોનાં ફોટા હતા અને એ ફોટા નીચે તેમના પણ મેડીકલ રિપોર્ટ લખેલાં હતા. અભિમન્યુ એ રિપોર્ટ ધયાનથી જોઇ ગયો અને સમજવામાં પરોવાયો કે આખરે આ બધાનો મતલબ શું છે! થોડી સમજ તો પહેલી વખત ફાઇલ જોઇ ત્યારે જ પડી ગઇ હતી પરંતુ અત્યારે અર્ધી રાત્રે તેનું દિમાગ વધું સતર્કતાથી એ વિગતોનો તાળો મેળવવામાં લાગ્યું હતું. અચાનક એક વિચાર આવ્યો અને તેણે ફોન ઘુમડયો. સામાં છેડે રીંગ વાગી અને તરત ફોન કનેક્ટ થયો. મતલબ કે એ પણ જાગી રહી હતી.
“તું એ જ સમજી છો જે મને સમજાયું છે?” તેણે સીધું જ પૂછયું. તે જાગતી હતી મતલબ કે ચોક્કસ ફાઇલની વિગતો વિશે જ વિચારતી હશે.
“અભિ, આ ઓર્ગન એક્સચેંજનું બહું મોટું રેકેટ લાગે છે. બાળકોનાં અંગોને બીજા લોકોમાં ટ્રાન્સપ્લાંન્ટ કરવાનું મોટેપાયે ષડયંત્ર ચાલતું હોય એવું પ્રતિત થાય છે. આ હોરીબલ છે અભિ. મારું દિલ રીતસરનું થથરી રહ્યું છે. જો આ સાચું હશે તો ખબર નહીં અત્યાર સુધીમાં કેટલા બાળકોનો ભોગ લેવાયો હશે! આપણે તાત્કાલિક કોઇ એકશન લેવું જોઇએ.” સામા છેડે ચારું દેશપાંડે હતી અને તેના અવાજમાં થડકારો સ્પષ્ટ વર્તાતો હતો.
“મારો પણ એ જ ખ્યાલ હતો. આ લોકો બસ્તિમાંથી બાળકોને ઉઠાવીને તેમનાં અંગો વિદેશી લોકોનાં શરીરમાં ટ્રાન્સપ્લાંન્ટ કરી રહ્યાં છે. મને લાગે છે કે આ બાબત રક્ષાના ધ્યાનમાં આવી હશે અને એ તેમનો ભાંડો ફોડવા માંગતી હશે. ગમેતેમ પણ એ લોકોને આની જાણ થઇ હશે અને તેમણે રક્ષાને પોતાના માર્ગમાંથી હટાવાની કોશિશ કરી હશે. મારું અનુમાન ખોટું પણ હોઇ શકે પરંતુ અત્યારે તો આ શક્યતા જ વધું જણાય છે. આ સિવાય તેને મારવાનો બીજો કોઈ મોટિવ મને દેખાતો નથી.” અભિમન્યુએ કડીથી કડી જોડી હતી. એ સિવાય શું કામ કોઇ રક્ષા ઉપર હુમલો કરે! “રહી વાત કોઇ એકશન લેવાની તો, જરા ધ્યાનથી એ ફોટાઓને જો. તેમાં એક ફોટો એવો છે જે તારા હોશ ઉડાવી દેશે. એ ફોટાને જોઇને તને સમજાઇ જશે કે કેમ આ રેકેટ બેરોકટોક ચાલી રહ્યું છે! ગોલ્ડન બાર રોબર્ટ ડગ્લાસની માલિકીનો છે અને ડગ્લાસને એ જ વ્યક્તિ છાવરી રહ્યો છે.”
“એક મિનિટ, તું ક્યાં ફોટોની વાત કરે છે?” ચારું એકાએક બોલી ઉઠી.
“ફાઇલમાં છઠ્ઠો ફોટો છે. તેં ધ્યાનથી નથી જોયું લાગતું. જરા ચેક કર એટલે સમજાઇ જશે.” અભિમન્યુએ કહ્યું અને પછી ફોન હોલ્ટ પર રાખ્યો. સામેનાં છેડે પાના ફફડવાનો અવાજ આવ્યો અને થોડીવાર પૂરતો સન્નાટો છવાયો.
“માયગોડ અભિ, આ તો મેં નોટિસ જ નહોતું કર્યું. એનો મતલબ... ઓહ નો.” ચારુંનાં અવાજમાં દુનિયાભરની હેરાની ભળેલી હતી.
(ક્રમશઃ)