વહેલી સવારે છ વાગ્યે પક્ષીઓનો કલબલાટ થવા લાગ્યો. ચોમાસુ હોવાથી,મંદિરમાં ખાસ શ્રદ્ધાળુઓ નહોતા.વહેલા જે આરતી થતી એમાં અમે કોઈ સામેલ થયા નહોતા. કારણ કે આગલી રાત્રે જે ધમાલ થઈ હતી એને કારણે અમે લોકો મોડે સુધી જાગ્યા હતા.અમારા હાથમાં આવી ચડેલા ગટોર અને ભીમો, વાલમસિંહને કારણે છટકી ગયા હતા.રાતના અંધારામાં ખૂબ શોધવા છતાં એ લોકો અમારા હાથમાં આવ્યા નહોતા.
અચાનક ઉતારાનું જે મકાન હતું એના બાથરૂમમાં ગયેલા અમારા બે કોઝીવાળા છોકરાઓએ રાડ પાડી.
" અલ્યા...દોડજો....જલ્દી બધા નીચે આવો....."
"એ...સમીરિયા....એ..બિટીયા....અલ્યા જલ્દી નીચે આવો....એ...
..ઇ..તારી જાતના...@#$...મારતો નહીં હો....અલ્યા..દોડો... બધા..."
અમારા એ દોસ્તોના બુમ બરાડા સાંભળીને અમે સૌ સફાળા જાગ્યા.
અમારી સિવાય બીજા જે લોકો તુલસીશ્યામ દર્શન કરવા કે અમસ્તા ફરવા આવેલા હતા એ લોકો પણ ઉઠીને નીચે તરફ જોવા લાગ્યા.
હું ઘમુસરની બાજુમાં જ સૂતો હતો. મારી બાજુમાં બીટી અને બીજા બધા સુતા હતા.ઘમુસરની બીજી તરફ પણ અમારા કોઝીવાળા છોકરાઓ સુતેલા હતા.
હું ઝડપથી ઉઠીને દોડ્યો, મારી પાછળ બીજા બધા જ દોડ્યા. જેમણે નીચેથી આવેલી બુમ સાંભળી હતી એ સૌ ઉઠીને નીચે તરફ ભાગ્યા. બે ચાર જણ દાદરમાં ગબડી પણ પડ્યા. નીચેનું દ્રશ્ય જોઈને અમારા બધાના પેટમાં ફાળ પડી.ઘડીભર અમારા પગ ધ્રુજવા લાગ્યા. નીચે ગરમ પાણીના કુંડ આગળનું ચોગાન સમરાંગણ બની ચૂક્યું હતું. ગટોર અને ભીમો બીજા વીસેક માણસોને લઈને સવારમાં જ ત્રાટકયા હતા. અમારા જે બે જણ, સવારમાં વહેલા ઉઠીને નીચે ન્હાવા ધોવા ગયા હતા એ લોકોને પકડીને ચારપાંચ જણ મારતા હતા.અને અમારા એ મિત્રો એ મારને કારણે અમને મદદ માટે પોકાર કરતા હતા.
ગટોર અને ભીમાને મેં એકબાજુ શાંતિથી બેઠેલા જોયા. અમારા મિત્રોના શર્ટના કોલર પકડીને જે લોકો મારતા હતા એ તરફ હું દોડ્યો.
"છોડો...એ..ય..તમારી જાતના ભડવાઓ...હરમીના..વ.." મેં દોડીને પેલા લોકોમાંથી જે મારી તરફ ફર્યો એના પેટમાં લાત મારી. મારી પાછળ જ બીટી અને બીજા વિદ્યાર્થીઓનું ટોળું આવી રહ્યું હતું. મહાભારતની સીરિયલમાં કૌરવો અને પાંડવોના સૈનિકો, શંખ ફૂંકાય અને આક્ર..અ..મ..અ..ણ...એવો શબ્દઘોષ થાય કે તરત જ એકબીજા ઉપર તૂટી પડે એમ અમારું લશ્કર ગટોર અને ભીમાના માણસો પર તૂટી પડ્યું.હું અને બીટી ઉલળી ઉલળીને જે હાથમાં આવ્યા એ લોકોને ઢીકા અને પાટા મારવા લાગ્યા. દરેક લોકોને આવડે એવી ગાળો એકબીજાને દઈ દઈને મારામારી કરતા હતા. હું અને બીટી જે બે જણ સાથે લડતા હતા એ બન્ને બળુકા હતા.મને એણે બે ચાર લાફા મારી લીધા હતા.મેં પણ એને લાફાનો જવાબ એના પેટમાં મુક્કા મારીને આપ્યો હતો. આખરે એણે મારો હાથ પકડીને મરડ્યો,હું ઊંધો ફરી ગયો ગયો અને પાછળથી એના બે પગ વચ્ચે લાત મારી.એણે ગંદી ગાળ દઈને મારા બરડામાં જોરદાર મુક્કો માર્યો. એના મુકકાથી હું બેવડ વળીને ચિત્કારી ઉઠ્યો.એ મને લાત મારવા જતો હતો ત્યાં જ કોઈએ એના પગ ઉપર લાકડીનો પ્રહાર કર્યો હતો.અમારા કોઝીવાળા જે લાકડીઓ લાવ્યા હતા એ લાકડીઓ આવી ગઈ હતી. લાકડી મારનાર જગદીશ માલવીયા હટ્ટો કટ્ટો અને ભારે જબરો હતો.પેલાના ગોઠણ નીચેના પગના હાડકા પર જે જોરદાર ઘા થયો એનાથી એને તમ્મર આવી ગયા. મને હજુ પેલાના ગડદાની કળ વળી નહોતી.એટલે હું વળતો પ્રહાર કરી શકું એમ નહોતો.જગદીશે પેલાને લાકડીથી ફટકારીને બીજો ઘા એના માથામાં મારવા લાકડી ઉગામી ત્યારે પેલાના સાથીદારોએ જગદીશને પડખામાં ગદડો ઠોકયો હતો.એક જણે લાકડી પકડીને ખેંચી હતી.બીટી પણ બહાદુરીથી એક જણ સાથે બથમ્બથી કરી રહ્યો હતો.બીટી અને ચીમન જાગાણી એક જણને સુવડાવીને એની ઉપર ચડી બેઠા હતા. પેલાના નાક ઉપર બીટી ઢીકા મારતો હતો અને ચીમને પેલાના બન્ને પગ દબાવી રાખ્યા હતા.
આખા ચોગાનમાં ધમાચકરડી મચી હતી. કોઝી વાળા દોસ્તો લાકડીઓ લઈને તૂટી પડ્યા હતા. શરૂઆતમાં વીસેક જણે અમારો સામનો કર્યો પણ થોડી જ વારમાં હમીરસંગ બીજા દસ માણસોને મેટાડોરમાં લઈને આવી પહોંચ્યો હતો. વાલમસિંહ અને એના દોસ્તોએ પણ છ સાતને રોક્યા હતા.મેં ચારે તરફ જોયું.હજુ ગટોર અને ભીમો દૂર રસોડાની પાળી ઉપર આરામથી બેઠા બેઠા આ ખેલ જોઈ રહ્યા હતા.હમીરસંગ એ લોકો પાસે જતો હતો અને જતા જતા અમારા વિદ્યાર્થીઓને મારતો જતો હતો.ઘણાના માથા ફૂટ્યા હતા.કેટલાક પડી ગયા હતા અને નીચે પડ્યા પડ્યા પેલા લોકોના પગ ખેંચતા હતા.એ લોકો પણ લાકડીઓ લઈને આવ્યા હતા. ગટોર અને ભીમા તરફ જઈ રહેલા હમીરસંગની પાછળ વાલમસિંહને દોડતા મેં જોયો.
વાલમસિંહે પાછળથી હમીરસંગને જોરદાર લાત મારી હતી.ઉંચો અને કદાવર હમીરસંગ, વાલમસિંહની લાતથી લથડયો હતો.અને પાછળ ફરીને ગંદી ગાળ બોલીને એ વાલમસિંહને મારવા ધસ્યો હતો.
"તું ઓલ્યો...વાલમસિંહ જ..ને...સાલ્લા હરામી તું મને ઓળખતો નથી..."હમીરસંગે રાડ પાડીને વાલમસિંહને ગાળ દીધી.
પિક્ચરના છેલ્લા સીનમાં વિલનના માણસો અને હીરો વચ્ચે જે મારા મારીના દ્રશ્યો સર્જાતા હોય એવું જ દ્રશ્ય એ ચોગાનમાં સર્જાઈ રહ્યું હતું. હમીરસંગના માણસો અને વાલમસિંહના માણસો સાથે અમે 42 જણ લાકડીઓ અને છુટ્ટા હાથની મારામારી કરી રહ્યા હતા.
ઘમુસર ઉપરની લોબીમાંથી નીચે ચાલતા આ યુદ્ધને જોઈ રહ્યા હતા. હું પણ મને મારવા આવેલા એક જણનું ગળું પકડવા મથતો હતો.એ મારો હાથ મરડીને મને મારવા જતો હતો અને મેં મારી સ્પેશિયલ ટેક્નિકથી હાથ છોડાવીને પેલાના નાક ઉપર મુક્કો માર્યો. એણે નીચા નમીને મારો પગ પકડ્યો. એ મને પગ ખેંચીને નીચે પાડવા મથતો હતો, મેં એના વાળ પકડીને એના બરડામાં ઢીકા માર્યા.
હમીરસંગ અને વાલમસિંહ બન્ને નીચે પડ્યા હતા.ક્યારેક વાલમસિંહ હમીરસંગની છાતી પર ચડીને એનું ગળું દબાવતો હતો, તો ઘડીભરમાં હમીરસંગ, પાછળથી પગની આંટી મારીને વાલમસિંહને નીચે પાડી દેતો હતો.બન્નેના હાથ એકબીજાની પકડમાંથી છૂટવા મથતા હતા.લાગ મળે ત્યારે એકબીજાને ગડદા અને પાટા પણ મારતા હતા.હમીરસંગે અને વાલમસિંહે પોતપોતાના ચાકુ પણ કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પણ બે માંથી એક પણ ને એવો લાગ મળતો નહોતો.
અચાનક મારું ધ્યાન ઉપરની પારાફીટ પાસે ઉભેલા ઘમુસર પર પડ્યું.એ ગટોર અને ભીમાને જોરથી હમીરસંગની મદદ કરવા કહી રહ્યા હતા. પણ ગટોર અને ભીમાને આગળની રાત્રે જે મેથીપાક મળ્યો હતો એને કારણે એ બે માંથી એક પણ લડી શકવાની હાલતમાં નહોતા. પણ વિરસિંહ અને રૂપસિંહે ઘમુસરને રાડો પાડતા જોયા. એ લોકોને પણ બે ચાર જણ મારતા હતા, અને આ બન્ને બહાદુરીથી લડી પણ રહ્યા હતા.
એ દંગલમાં લાકડીઓના આડેધડ પ્રહારો બન્ને પક્ષ તરફથી થઈ રહ્યા હતા.ઘણા બધા ઘવાયા હતા. ઘણાના માથામાં પણ વાગ્યું હોવાથી લોહી નીકળ્યું હતું.ગટોર અને ભીમો, હમીરસંગની મદદ કરવા આવે એ પહેલાં જ વિરસિંહ અને રૂપસિંહ વાલમસિંહની મદદે આવ્યા હતા.એ બન્નેએ હમીરસંગના બન્ને હાથ પકડીને ઉભો કરી દીધો.વાલમસિંહે પોતાના મોજામાં સંતાડેલી છ ઈંચ લાંબી છરી હમીરસંગના ગળા ઉપર મૂકીને રાડ પાડી હતી.
"ખબરદાર...એ..ય..@#$@%ના
એક જ ઝાટકે તારા ગળું વાઢી નાખીશ..બોલ તારા માણસોને.. અમારા છોકરાઓને મારવાનું બંધ કરે..."
" એ...ય..હરામજાદાઓ..ખૂટલના.
..સીધીના ઉભા રો...નહિતર તમારા આ બોસને અમે મારી નાખશું.."વિરસિંહે પણ રાડ પાડી.
હમીરસંગ લાલઘૂમ આંખોમાંથી આગ વરસાવતો હતો.વાલમસિંહને આજ એણે જોયો હતો. પાછળ ઉભા રહીને વાલમસિંહે એના ગળા ઉપર છરી રાખી હતી.અને એ છરી હમીરસંગના ગળામાં ઘાવ કરી ચુકી હતી.અને લોહી વહેવા લાગ્યું હતું.
"બોલ..જલ્દી...નકર હમણાં કાપી નાખીશ.."વાલમસિંહે છરી પર દબાણ વધારીને ફરી રાડ પાડી.
"કોઈ..આ છોકરાવ ને મારતા નહીં...કોઈ હાથ ઉપાડતા નહીં..."
હમીરસંગ પાસે કોઈ ઉપાય રહ્યો નહોતો.
''કોઝી વાળા...આ... ઢીબવા માંડો આ ના@#નાવ..ને...ઇમની માનું છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દો... તમને જેટલો માર પડ્યો હોય ઈનું હાટુ વાળી લ્યો..."વાલમસિંહે ફરી રાડ પાડી.
અને અમારા 42 ભાઈબંધો તૂટી પડ્યા. પેલા લોકો હવે સામનો કરી શકે તેમ નહોતા. રમેશ સાવલિયા,નંદલાલ ભંડેરી, બીટી,રમેશ પાઘડાર, રાજુ સાવલિયા,ચીમન જાગણી વગેરે અનેક દોસ્તોએ જાનની બાઝી લગાવી હતી.અમે કોઈ લડવૈયાઓ નહોતા. કોલેજમાં ભણતા 18 થી 20 વર્ષના લબરમુછીયા છોકરાઓ હતા.પણ અમે બધાએ સૌરાષ્ટ્રની ધીંગી ધરાનું પાણી પીધું હતું.
હમીરસંગના ગૂંડાઓએ અમને ટાબરીયાં ધાર્યા હતા.પણ અમે બધા એ લોકોને ભારે પડી ગયા હતા. જોકે વાલમસિંહે હમીરસંગને કંટ્રોલમાં ન લીધો હોત તો આગળની દસ મિનિટમાં પરિણામ બદલાઈ જવાનું હતું. અમને બધાને ખૂબ માર મારીને એ લોકો ઘમુસરને છોડવી જવાના હતા.
હું અને બીટી, ગટોર અને ભીમા તરફ દોડ્યા. એ અમને આવતા જોઈ રસોડાની દીવાલ પરથી કૂદીને પાછળની ઝાડીમાં કુદયા. ગઈ કાલે જે મેથીપાક અમે એ લોકોને ચખાડીને કોથળામાં પુરીને અહીં લાવ્યા હતા એટલે એ લોકોની તાકાત નહોતી કે અમારી સામે લડી શકે. હું અને બીટી હવે એ લોકોને જવા દેવા નહોતા માંગતા. અમે પણ એ દીવાલ પર ચડીને ગટોર અને ભીમાની પાછળ ઝાડીમાં કુદયા.લગભગ બાર ફૂટ નીચે પડીને હું અને બીટી જંગલમાં ભાગતા ગટોર અને ભીમાની પાછળ દોડ્યા.
ભૂખ અને ઉજાગરાથી થાકેલા અને આગળના દિવસે માર ખાઈને કોથળામાં પુરાયેલા એ બેઉ ખાસ દોડી શક્યા નહી.મેં ગટોરને પાછળથી એની પીઠ પર જોરદાર ગદડો ઠોકયો.એ તરત જ ગડથોલીયું ખાઈને ઢળી પડ્યો. બેઠા થઈને એણે બે હાથ જોડ્યા, "ભાઈસાબ..મારતા ન..ઇ..હવે માર ન..ઇ..સહન થાય...બાપુ...તમે કયો..ઇમ કરવા હું તિયાર છવ..."
"તો છોલાવાને આ બધાને લઈને તું આવ્યો...? @#$@ના..@#$%...
હાલ ઉઠ..અને મંદિરમાં ચાલ.."મેં ગાળો દઈને એના મોં ઉપર પાટું માર્યું અને કોલર પકડીને ખેંચ્યો.
બીટીએ પણ ભીમાને પકડી લીધો હતો.અને એને ગાળો દઈને ઢીબતો હતો.એ બન્નેને મારતાં મારતાં અમે ઝાડીઓમાંથી તુલસીશ્યામ મંદિરની જગ્યાના મેઈન ગેટમાંથી અંદર આવ્યા ત્યારે ત્યાં અમારા દોસ્તોએ કાળો કેર વર્તાવ્યો હતો. હમીરસંગના ગળામાંથી લોહી વહી રહ્યું હતું અને અમારા દોસ્તોએ હમીરસંગના માણસોને ફટકારવાનું ચાલુ જ રાખ્યું હતું.જો કોઈ સામનો કરે તો એને મારનાર વિદ્યાર્થી તરત જ વાલમસિંહને ફરિયાદ કરતો હતો કે આ સામો થાય છે..વાલમભાઈ...
વાલમસિંહ તરત જ હમીરસંગના ગળા પર છરી ઊંડી ઉતારતો. એટલે હમીરસંગ રાડ પાડતો અને એનો માણસ લાકડી મૂકી દેતો.
અમે આગળ કંઈ વિચારીએ એ પહેલાં જ પોલીસની ગાડીઓની સાયરન સંભળાઈ હતી.અમારે ડરવા જેવુ કંઈ જ નહોતું. થોડીવારે બે જીપ અને એક પોલીસવાન તુલસીશ્યામ ધામમાં દાખલ થઈ હતી. એની પાછળ પાછળ જ ફોરેષ્ટ ઓફિસર માધવસિંહની જીપ પણ આવી પહોંચી.
મંદીરના મહંતજીએ સવાર સવારમાં મચેલું દંગલ જોઈ તરત જ પોલીસને અને જંગલખાતાને ફોન કર્યો હતો.
પોલીસ ઇન્સ્પેકટર ઝાલા સાહેબે આખી પરિસ્થિતિ સંભાળી લીધી હતી.હમીરસંગને જો કે તેઓ ઓળખતા હતા પણ આજ કોલેજના છોકરાઓને જાનથી મારી નાખવા એમની ઉપર હુમલો કરાવવાના ગંભીર ગુન્હા બદલ હમીરસંગ, ગટોર અને ભીમાને તેઓ છોડે તેમ નહોતા.
ઘમુસર વિરુદ્ધ કોઈ ગુન્હો બનતો નહોતો, પણ મેં ઇન્સ્પેકટર ઝાલા સાહેબને બધી જ વાત કરી હતી. અમારા દોસ્ત પરેશ અને વાલમસિંહની છોકરી રમલીને આ લોકો ઉઠાવી લાવ્યા હોવાની,મારું અને બીટીનું પણ અપહરણ કર્યું હોવાની અને એ ઘટનાના સાક્ષી માધવસિંહ હોવાની વાત મેં અને બીટીએ કરી હતી.માધવસિંહ ઘણા સમયથી હમીરસંગની પાછળ હતો.જંગલમાંથી લાકડાની તસ્કરી અને પ્રાણીઓના ગેરકાયદેસર શિકાર વગેરે અનેક ગુન્હાઓ માટે એ વોન્ટેડ હતો.પણ એણે જંગલખાતાના ફોરેષ્ટ અધિકારીઓને સાધી રાખ્યા હોવાથી એ પકડાતો નહોતો.વિભા રબારીના નેસડા પર પાડવામાં આવેલી રેડમાં ઝાલા પણ સામેલ હતા.એટલે એમને પણ બધી બાબતોનો તાળો મળી રહ્યો.
જુલાઈ માસની અંધારી વરસાદી રાત્રે મેં અને પરેશે જે જોયું હતું એ વાત પણ મેં ઝાલા સાહેબને કરી હતી.
તમામ લોકોને હીરાસતમાં લેવામાં આવ્યા હતા.ધારી અને અમરેલીના પોલીસ મથકોમાં આ ઘટનાની તાબડતોબ જાણ કરવામાં આવી હતી અને બીજી પોલીસ ટુકડીઓ અને પોલીસવાન સાથે હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સ નો પણ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો.
આ બધી ધમાલ છેક દસ વાગ્યા સુધી ચાલી.અમે ઝાલા સાહેબને પરેશ અને રમલીને છોડાવવા રિકવેસ્ટ કરી.એટલે એમણે એક પોલીસવાન જગા રબારીના નેસડા પર રવાના કરી. ખૂબ જ જીદ કરીને રૂમ નં 17ના બધા જ પાર્ટનરો એ પોલીસ ટુકડી સાથે પોલીસવાનમાં ચડી ગયા. અમારા દોસ્ત પ્રત્યેની લાગણી જોઈને ઝાલા પણ હસી પડ્યા.
પોલીસવાન જ્યારે જગા રબારીના નેસડે પહોંચી ત્યારે પરેશ જગા રબારીના ઝૂંપડાની ઓંછરીમાં બેસીને બાજરાના ગરમ રોટલા ઉપર માખણનું પોડું અને ગોળનું દડબું લઈને આરામથી રોઢોં કરતો હતો.(બપોરનું ખાણું- સૌરાષ્ટ્રમાં સવારના બ્રેકફાસ્ટને શિરામણ, બપોરના લન્ચને રોઢોં કે બપોરા અને સાંજના સપરને વાળુંપાણી કહેવામાં આવે છે)
રમલી બાજુમાં બેસીને વીંઝણો ઢોળતી હતી. ( હવા નાખવા માટે પહેલાના જમાનામાં ખાસ પ્રકારની વસ્તુ અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ રીતે બનાવવામાં આવતી. જેના વડે ગરમી થાય ત્યારે હવા ખાઈ શકાય)
બન્નેએ રબારી લોકોનો પહેરવેશ પહેર્યો હતો જગો રબારી મહેમાનની સરભરા કરવામાં જરાય ઉણો ઉતર્યો નહોતો. પરેશની દાઢી અને મૂછ વધી ગયા હતા અને રબારીનું કેડિયું અને ચોરણો પહેરીને એ જમતો હતો. મૂછોના આંકડા પણ એણે ચડાવ્યા હતા.
રમલી આબેહૂબ રબારણ લાગતી હતી. કાળું ઓઢણું અને ભરત ભરેલા, કાચથી મઢેલા કાપડાની દોરીઓ એના ખુલ્લા બરડામાં કસોક્સ બંધાઈ હતી.એ કસોના છેડે રંગબેરંગી ફુમતા ઝૂલતા હતા. બન્ને હાથમાં કોણી સુધી બલોયા અને ગળામાં મોટા ચકદાવાળું ચાંદીનું કોઈ ગજબ પ્રકારનું ઘરેણું પણ જગા રબારીની વહુએ એને પહેરાવ્યું હતું. ખૂબ મોટા ઘેરનો ગુલાબી ઘાઘરો, એને એની પાતળી કમરથી પગ સુધી ઢાંકતો હતો. એ ઘઘરામાં પણ નાના નાના ગોળ કાચ ટાંકયા હતા. રમલીએ તેની દાઢી, ગાલ અને હાથ ઉપર વિવિધ છુંદણાં પણ ત્રોફાવ્યા હતા. જગા રબારીની વહુ, રમલી ઉપર સગી દીકરી જેટલું હેત વરસાવતી હતી એ અમને પછીથી જાણવા મળ્યું હતું.
પોલીસને આવેલી જોઈએ જગા રબારીના નેસડામાં ભાગદોડ મચી હતી.મોટાભાગના રબારી યુવાનો માલ (ઢોર) ચરાવવા જંગલમાં ગયા હતા. પરેશ અને રમલીને જે દિવસથી અહીં લાવવામાં આવ્યા હતા એ દિવસથી જગો ક્યાંય જતો નહોતો. પરેશ અને રમલીને તો અહીં જલસા જ હતા, પણ એ લોકો આખરે તો જગા રબારીની કેદ માં જ હતા.જો કે રમલીને તો અહીં જ પરેશની સાથે જિંદગીભર રહેવું હતું.પરેશનો રબારીવેશ જોઈ જોઈને એ ખૂબ હરખાતી હતી. જગો અને તેની વહુ, પરેશ અને રમલીને પતી-પત્ની જ સમજતા હતા.આવા કુણા માખણ જેવા બાલુડાને પકડી લાવવા બદલ એ હમીરસંગને મનોમન ખૂબ જ કોસતા રહેતા.પણ હમીરસંગ આગળ એમનું કંઈ ઉપજે એમ નહોતું. છતાં -પરેશ અને રમલીનો વાળ પણ વાંકો થશે તો પોતે સાંખી નહીં લે - એવી ચીમકી તો જગાએ હમીરસંગને આપી જ દીધી હતી. સોરઠની એ શાન હતી.એ ધરતીને ધાવેલા છોરું હતા અને એમની રગેરગમાં માણસાઈ વહેતી હતી.
અમે ધડાધડ પોલીસવાનમાંથી ઠેકડા મારીને ઉતર્યા. જગો રબારી અને એની વહુ દોડીને ફળિયામાં આવ્યા. પરેશ પણ જમતો જમતો ઉભો થયો. બીજા થોડા રબારી યુવાનો લાકડીઓ લઈને જગાના ફળિયામાં આવીને ઊભા રહ્યાં.
અમે 17 નં વાળા બધા આસપાસનું વાતાવરણ જોઈ રહ્યા. ઓંશરીની ધાર પર રબારીવેશમાં ઉભેલા પરેશને એના રબારી વેશને કારણે થોડીવાર તો હું કે બીટી કોઈ ઓળખી ન શક્યા.કારણ કે એની દાઢી વધી ગઈ હતી અને અધૂરામાં પૂરું એણે મૂછોને વળ ચડાવીને આંકડા બનાવ્યા હતા.
પણ પરેશ અમને ન ઓળખે ? એને છોડાવવા અમે એના રૂમ પાર્ટનરો પોલીસ લઈને છેક ગીરના જંગલમાં, જગા રબારીના નેસડે આવી પહોંચ્યા એ વાત એના માનવામાં નહોતી આવતી. એ ફાટી આંખે આ ચમત્કાર જોઈને જડની જેમ ઉભો રહી ગયો હતો. બીજી જ ક્ષણે આ સ્વપ્ન નહીં પણ હકીકત છે એ એને સમજાયું હતું.
"સ...મી..રી..ઇ..ઇ..યા...આ..આ......" પરેશ, મારો જીગરી દોસ્ત.. અમારો પરિયો..રાડ પાડીને બન્ને હાથ પહોળા કરીને દોડ્યો. એનો અવાજ સાંભળીને અમારા કાન ચમક્યા.રબારીવેશમાં અમને ભેટવા દોડેલા પરેશને અમે ઓળખ્યો. અને એ ઓળખ મારા હૈયામાં સ્ફુરી કે તરત જ હું અને મારી સાથે જ બીટી પણ દોડ્યા. હું કૂદીને પરેશની ડોકે વળગી પડ્યો. મારા શરીરમાં હતી એટલી તાકાતથી પરેશને મેં ભીંસી નાખ્યો. પરેશે પણ એના બન્ને હાથ મારી ફરતે વિટાળ્યા.બીટી પણ અમને બન્નેને બથમાં લઈને ચોંટી ગયો હતો.અમારા રૂમ પાર્ટનરો પણ દોડીને પરેશને વળગી પડ્યા.
મિનિટો સુધી અમે એકબીજાને વળગીને ઉભા રહ્યા. જગો રબારી, એની વહુ, રમલી, અમારી સાથે આવેલા સબ ઇન્સ્પેકટર ચૌધરી સાહેબ અને ચાર પાંચ પોલીસ કર્મીઓ તથા જગાના ફળિયામાં આવી પહોંચેલા ડાંગધારી રબારી જુવાનો અમારું આ મિલન દ્રશ્ય જોઈ રહ્યા.
"સાલ્લા હરામી...તેં તો ભારે કરી..." એમ કહીને મેં પરેશથી અળગા થઈને એને પીઠમાં એક જોરદાર ધબ્બો માર્યો.એ સાથે જ બીટી અને બીજા બધા પરેશ પર તૂટી પડ્યા. પરેશ માથા ઉપર હાથ મૂકીને બેસી પડ્યો. અમારા પ્રેમનો વરસાદ એને ભીંજવી રહ્યો હતો.એની આંખોમાંથી આંસુઓ ટપકી રહ્યા હતા..અમે સૌ પરેશને મળીને અમારી લાગણી રોકી શકતા નહોતા...
"સમીર..બીટી..તમે ? તમે મને છોડાવવા પોલીસ લઈને આવ્યા ?તમને કેમ ખબર પડી ? હું અને...રમલી..જો ત્યાં ઉભી..." પરેશે ઓંશરીની ધારે થાંભલી પકડીને ઉભેલી રબારણ બતાવી. અમે ઘડીભર રમલીને તાકી રહ્યા. ખુદ રૂપ રબારણનો વેશ ધારણ કરીને ઉભું હતું.. .
"એ..રમલી છે...?" બીટીએ પૂછ્યું.
"હા..એ તમારી બધાની ભાભી છે..હવે કોઈ એને રમલી કેતા નહીં.." પરેશે બીટીને ધબ્બો માર્યો.
પરેશનું એ વાક્ય સાંભળીને રમલી દોડીને પરેશને વળગી પડી.
"પણ તમે બધા આંય કેમ કરીને પોગ્યા... ઓલ્યો ગટોર અને હમીરસંગ ક્યાં ગયા...? " પરેશનું કુતુહલ હજુ શમ્યુ નહોતું.
"એ બધી લાંબી વાત છે, પરેશ. ચાલ આપણે કોઝીમાં બધી વાર્તા કરીશું.."મેં પરેશને કહીને સબ ઇન્સ્પેકટર ચૌધરી સાહેબ સામે જોયું. તેઓ અને તેમનો સ્ટાફ મરક મરક હસી રહ્યો હતો.
"હવે તમારો ભરત મિલાપ પત્યો હોય તો અમારી કાર્યવાહી કરીએ ?" એમણે અમને કહ્યું.
" હા જી , ચોક્કસ સર. આપને જે કાર્યવાહી કરવાની હોય તે શરૂ કરો.અમને તો અમારો દોસ્ત મળી ગયો છે.." મેં ચૌધરીસાહેબને કહ્યું.
ચૌધરી સાહેબે જગા રબારીની ધરપકડ કરી.પરેશ અને રમલીને તેમની ઈચ્છા વિરુદ્ધ તેના ઘરમાં પુરી રાખવા બદલ એની ઉપર કાર્યવાહી થઈ શકે તેમ હતી.પણ પરેશ અને રમલીએ જગા રબારીની તરફેણ કરતા કહ્યું, " સર, આમાં જગાભાઈ કે એમના આ નેસડા વાળાનો કોઈનો કોઈ જ વાંક નથી.અમને હમીરસંગ નામના માણસે ગટોર અને ભીમા જેવા તેના ગુંડાઓને મોકલીને અહીં ઉપાડી લાવ્યા છે.જગાભાઈએ તો અમને ખૂબ સાચવ્યા છે અને અમને આ કપડાં પણ પહેરવા આપ્યા છે.એટલે મહેરબાની કરીને એમને છોડી દો.."
ચૌધરી સાહેબને પણ વાત બરાબર લાગી.જગા રબારી વિરુદ્ધ કાર્યવાહી ન કરવા માટે તેઓ માની ગયા.અને જગાએ બધા માટે બપોરા કરવાની વ્યવસ્થા કરી.અમે લોકોએ ઘણા દિવસો પછી માખણ થી તરબતર ઠંડી છાછનો અને નેસડાના પ્રાકૃતિક ભોજનનો ભરપેટ આસ્વાદ માણ્યો.
જમીને અમે જ્યારે વિદાય લેવાની તૈયારીમાં હતા ત્યારે રમલી જગા રબારીની વહુને ભેટીને ખૂબ રડી.અમને કન્યા વિદાયનું દ્રશ્ય યાદ આવી ગયું. પોલીસની ટીમ પણ ભાવ વિભોર થઈ ગઈ હતી.જગા રબારીએ ધરાર રમલીને કપડાં બદલવા ન દીધા. પરેશ અને રમલીના કપડાં એ લોકો જે દિવસે અહીં આવ્યા હતા ત્યારથી ધોઈને જગાની વહુએ રાખી મુક્યાં હતા,એ એક થેલીમાં આપ્યા. રમલીએ જે ચાંદીનું ઘરેણું પહેર્યું હતું એ પણ એ રબારણે પાછું ન લીધું.
"અમે દીકરીના ડિલ ઉપરથી ઘરેણાં કોઈ દી ઉતરવા નથી દેતા...તું અમારી દીકરી સો બાપ, અમને મળવા જરૂરને જરૂર આવજે..." એમ કહી એ ભોળી રબારણ રમલીને ફરીવાર વળગીને રડી પડી. અમારા સૌની આંખો પણ પણ ભીની થઇ ગઇ.ખરેખર તે દિવસે સૌરાષ્ટ્રના એ ગીરના નેસડાના રબારીના દિલમાં જે પ્રેમનો દરિયો અમે જોયો એ અદભુત હતો. દુનિયામાં ભારતીય સંસ્કૃતિનું નામ અમસ્તું જ કંઈ ગાઈ વગાડીને આદરથી લેવામાં નહીં આવતું હોય!!
ચાલતી વખતે જગાએ પરેશ અને રમલીને પચાસ પચાસ રૂપિયા સમ દઈને આપ્યા.
"દીકરી અને જમાઈને હાલવા ટાણે ગાડીભાડુ આલવાનો અમારો રિવાજ સે...ભાઈ.આ લઈ લ્યો.."
પરેશે લેવાનો ખૂબ જ ઇનકાર કર્યો પણ એ ન માન્યો.
"હવે ઇ તારા હાહરા થયા સે તો સાનું માનું લઈ લે ને.." બીટીએ છણકો કરીને પચાસની નોટ પરેશના હાથમાં પકડાવી. ઘેરવાળું કેડિયું અને ચોરણીમાં એ આબેહૂબ રબારી જ લાગતો હતો. અને ત્યારપછી અમે એનું નામ પરિયો રબારી જ પાડી દેવાના હતા.
અમે બધા પોલીસવાનમાં ગોઠવાયા.જગો અને એનું આખું કુટુંબ અમારી ગાડી દેખાઈ ત્યાં સુધી અમને વળાવવા હાથ હલાવતા રહ્યા.
અમે હવે સીધા જ અમરેલી પોલીસ મથકે જઈ રહ્યા હતા.પોલીસવાનમાં જ ચૌધરી સાહેબ ઉપર વાયરલેસ સંદેશ આવ્યો હતો.
તુલસીશ્યામમાંથી હમીરસંગની આખી ટોળીને ગિરફ્તાર કરવામાં આવી હતી. ઘમુસર સહિતના તમામને અમરેલી પોલીસ મથકે લઈ જવામાં આવી રહ્યા હતા. વાલમસિંહ અને તેમના દોસ્તો પણ રમલીને લેવા માટે અમરેલી આવી રહ્યા હતા..
અમરેલી પોલીસ મથકમાં બીજું મિલન રચાયું હતું.વાલમસિંહ અને રમલી એકબીજાને વળગીને રડી પડ્યા હતા.
ઘમુસર, હમીરસંગ અને એમની આખી ગેંગ ઉપર એફ.આઈ. આર. ફાડીને તમામને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
તમામ કાર્યવાહી કરીને છેક સાંજે અમે જે બસ લઈને આવ્યા હતા એ બસમાં જ અમે અમદાવાદ આવવા નીકળી પડ્યા હતા.પરેશ અને રમલી અમારી સાથે રબારી વેશમાં જ હતા.અમે જાણે પરેશને પરણાવીને જાન લઈને પરત થયા હોઈએ એટલા આનંદમાં હતા.
અમારા ઘણા દોસ્તો લડાઈમાં ઘવાયા હતા.એમને પાટા પિંડી પણ કરવામાં આવી હતી. તો પણ એ લોકો અમારી સાથે નાચી રહ્યા હતા.બિટિયો એને જે કંઇ લગ્નગીત આવડતા હતા એ ગાતો હતો.
મોહનલાલ શેઠને પછીથી આ આખી ઘટનાની જાણ થઈ હતી.વાલમસિંહે પરેશને પોતાના જમાઈ તરીકે સ્વીકારી લીધો હતો અને પરેશે પણ ઘેર જાણ કરીને રમલી સાથે વિધિવત સગાઈ કરી હતી.
મોહનલાલ શેઠે એ સગાઈવિધીનો તમામ ખર્ચ પોતાના તરફથી કર્યો હતો અને કોઝી કોર્નરના તમામ છોકરાઓએ તે દિવસે ફાઈવસ્ટાર હોટલમાં ભોજન લીધું હતું.
ઘમુસર પોલીસની થર્ડ ડિગ્રીનો સામનો કરી શક્યો નહોતો. જુલાઇમાસની એ રાત્રે રંભા અને અરજણનું ખુન કર્યું હતું એ કબુલ્યું હતું. હમીરસંગ અને ઘમુસર ઉપર વધારાની ચાર્જશીટ દાખલ થઈ હતી.
કોઝી કોર્નરમાં સમાજવાળા વિધાર્થીઓનો વિશેષ દરજ્જો રદ કરવામાં આવ્યો હતો.પોતાના એક મિત્ર માટે જાનની બાજી લગાવી દેનારા સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ માટે કોઝી કોર્નરને નવેસરથી રીનોવેટ કરી આધુનિક હોસ્ટેલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
ગુજરાત સમાચાર અને સંદેશ જેવા સમાચાર પત્રો અને ચિત્રલેખા, અભિયાન જેવા અનેક સપ્તાહિકોમાં મારા અને બીટી તથા પરેશ અને રમલીના ઇન્ટરવ્યૂ અને ફોટા છપાયા હતા.
ગુજરાત સરકારે મને, બીટીને અને પરેશ તથા રમલીને બહાદુરી માટે એવોર્ડ આપ્યા હતા.
અમારી કોલેજમાં છોકરીઓ અમારા ઓટોગ્રાફ માટે પડાપડી કરતી હતી.
અમે કોઝી કોર્નરવાળા સેલિબ્રિટી કોને કહેવાય એ ત્યારે સમજ્યા હતા.
(સંપૂર્ણ ).
નોંધ :- આ નવલકથાને નિયમિત વાંચીને ખૂબ જ સરસ પ્રતિભાવો દ્વારા મને સતત પ્રોત્સાહન આપવા બદલ હું મારા આ વાચકોનો વિશેષ રીતે આભારી છું.
1.શૈલેષભાઇ પ્રજાપતિ.
2.સેનીલા ખીરા
3.શિલ્પા પટેલ
4.પ્રવીણા રામાણી
5.ફાલુ રાજન
6.ફરીદા સૈયદ
7.ચીનાર પંડ્યા
8.વીણા દવે
9.ગીતા કાકડીયા
10. ગોપાલ હમ્બલ.
આ સિવાય હજારો વાચકોએ આ નવલકથાને વાંચીને મને સતત પ્રોત્સાહિત કર્યો છે.એ તમામ મિત્રો નો અંતઃ કરણથી હું આભાર માનું છું. આ નવલકથા મારી પ્રથમ નવલ કથા છે, અને હું કોઈ એવો મોટો નોવેલીસ્ટ પણ નથી. મારા સાહિત્યના અનુભવને આધારે, મારા કોલેજકાળ દરમ્યાન હું જે કોઝી કોર્નર હોસ્ટેલમાં રહ્યો હતો અને ત્યાં આ વાર્તાના તમામ પાત્રો પણ ભણવા આવ્યા હતા.એનો આધાર લઈને તદ્દન કાલ્પનિક વાર્તા રચી છે.
સમીરનું પાત્ર હું છું અને પેલી જે ઘટના બની ત્યાં સુધીની વાર્તા સત્ય હકીકત છે.ત્યાર બાદ બધા પ્રકરણો કાલ્પનિક છે.
અમારી હોસ્ટેલમાં આઉટ હાઉસમાં એક ચોકીદાર રહેતો હતો ખરો, પણ એ વાલમસિંહ નહોતો.એની છોકરી રમલી હતી પણ બિચારા પરેશને એની સાથે કંઈ જ લેવા દેવા નહોતી.
અમે એ હોસ્ટેલમાં ખૂબ જ તોફાનો કર્યા હતા એટલે અમને એ હોસ્ટેલમાંથી કાઢી મુકવામાં આવેલા.એ તોફાનો વિશે, અને અમારા એ કોલેજ કાળ દરમ્યાન કરેલી ધીંગા મસ્તીની જ વાતો હું કોઝી કોર્નરમાં કરવાનો હતો.પણ વાર્તા એની મેળે જ બીજા પાટે ચડી ગઈ અને રચાઈ ગઈ.."કોઝી કોર્નર".
આપ સૌને પસંદ આવી હશે એવી અપેક્ષા સાથે વીરમું છું.???