Aashu Patel aetle ke in Gujarati Biography by Jay Vasavada books and stories PDF | આશુ પટેલ એટલે કે…

Featured Books
Categories
Share

આશુ પટેલ એટલે કે…

આશુ પટેલ એટલે કે…

જય વસાવડા

પ્રખ્યાત લેખક આશુ પટેલના જન્મદિવસ નિમિત્તે પ્રચંડ લોકપ્રિયતા ધરાવતા લેખક-વક્તા જય વસાવડાનો માતૃભારતી માટે એક્સક્લુઝિવ આર્ટિક્લ.

માતૃભારતી એક્સક્લુઝિવ

આશુ પટેલ : ઉધારમાં પારકું દર્દ લઈને રોકડામાં પોતીકું સ્મિત ચૂકવતો દિલેર ઈન્સાન !

રાજકોટમાં એ દિવસોમાં મારો વિદ્યાર્થીકાળ. ફક્ત કોલેજનો જ નહી, નોલેજનો પણ. મુંબઈના વાસી અખબારો પણ તાજાં લાગે એવો એ કાળ હતો, (અને એવા લખાણોવાળા પ્રકાશનો ય હતા : સમકાલીન, તત્કાલીન અભિયાન, નવા શરૂ થયેલા મિડ ડે - સમાંતર વગેરે) રાજકોટના પત્રકારમિત્રોને મુગ્ધભાવે મળતો, ત્યારે એ લોકો વાતો કહેતા : ‘ધ આશુ પટેલ’ની!

એ નામ ત્યારે લોકવાર્તાના કોઈ વીરનાયક જેવું લાગતું. એમની વાતો કોઈ બોલીવૂડ સ્ટાર જેવા ફેસિનેશનથી કાઠિયાવાડમાં થતી. પછી ખબર પડી કે આ તો જણ જ કાઠિયાવાડી છે! પણ મુંબઈ ત્યારે માયાલોક જેવું ભાસતું. આશુ પટેલને વાંચવાનું થાય. પણ એ આપણને ઓળખતા થશે એવી કલ્પનાઓ ન આવે. ઓકેઝનલી કે પ્રોફેશનલી મળીશું એવું લાગતું, પણ દોસ્‍તી થઇ જશે, એવા ખયાલી ખ્‍વાબ આવ્‍યા નહોતા. ’

એ વખતે એક નવું જ પાતળું છતાં ‘વજનદાર’ એવું ‘શરૂઆત’ મેગેઝિન આશુ પટેલ અને એમની લેખનયાત્રાના કાયમી સંગાથી ગીતા માણેક તથા આશુભાઈના યુવાન મિત્ર સંજય ત્રિવેદીએ શરૂ કરેલું. મને ત્યારે ચર્ચાપત્રી તરીકે પત્રો લખવાનો ચસ્કો. એમાં એક લેખ આવેલો જાહેરખબરની અસર બાબતે. એના પર મેં કંઈક ટીકા કરતો પત્ર લખ્યો ને એમાં એનો જવાબ તંત્રીલેખની જેમ છેલ્લા પાને છપાયો : જય વસાવડાને જત જણાવવાનું કે...

મોટી હેડલાઈનમાં આપણું નામ! ત્યારે મારું ‘ગુજરાત સમાચાર’માં લખવાનું શરુ થઇ ગયેલું,પણ આશુ પટેલની કલમ વાંચવાની મજા આવતી. મુંબઈનું અન્ડરવર્લ્ડ અને ગ્લેમરવર્લ્ડ બંને એમાં હતું. મારફાડ ભાષા ય ખરી. ધગધગતો તેજાબ. હાઈફાઈ લાઈફસ્ટાઈલના અને જીવસટોસટના ગોળીબારના વર્ણનો! એ વાંચીને લાગતું કે આ કોઈ બહુ ઊંચો આદમી હશે.

મળ્યો ત્યારે ખબર પડી કે જણ ઊંચો જ હતો... મુઠ્ઠી ઊંચેરો માનવી, મીઠપવાળો માનવી.

પહેલી વખત મુંબઈ ‘ગુજરાત સમાચાર'ની ઓફિસમાં મળ્‍યા. આશુભાઈ ત્યારે એમાં ધબધબાટી બોલાવતું લખતા. એમના સંપર્કો ય ચોમેર ઓકટોપસની અષ્ટભુજની જેમ ફેલાયેલા. ફર્સ્ટ એન્કાઉન્ટરમાં એવું લાગ્‍યું કે જાણે દાયકાઓની દોસ્‍તી હોય. એ દિવસે હું ઓશિવરા વિસ્તાર (અંધેરી) રોકાયો હતો અને ‘ગુજરાત સમાચાર’ની ઓફિસ લોઅર પરેલ ખાતે. એમની કેબિનમાં જ એમણે મને પોરસ ચડાવતા કહેલું : ‘લેંગ્‍વેજ. લેંગ્વેજ. તારી ભાષાને લીધે મને તારામાં રસ પડયો. આજકાલ ક્‍યાં આવી નમકીન ગુજરાતીમાં કોઈ લખે છે?'

સેઈમ હિયર.

વાતો કરતા કરતા અમે ચાલવાનું શરુ કર્યું. વાતોનો રસ એવો કે ન ટ્રેન, ન ટેક્સી. ફ્રેડરિક ફોર્સિથ ને આગાથા ક્રિસ્ટીથી માંડીને જેફ્રી આર્ચર સહિતના લેખકોની વાતો - પરદેશી થ્રીલર નવલકથાઓ અને હસમુખ ગાંધીનું પત્રકારત્વ, એકબીજાના ભૂતકાળ અને ઘરમાં બધાને નડે એમ થતા કિતાબોના ખડકલા સુધી વાતો લંબાતી ચાલી. સફર ક્યારે ખૂટી ગઈ એ ખબર ન પડી. મારો ઉતારો આવ્યો ત્યારે મધરાત હતી. ભસતા કૂતરાઓ સિવાય સૂનકાર હતો. હજુ તો ઘણી વાતો બાકી હતી, એ ખૂટી નહોતી. એટલે નેક્સ્ટ એપિસોડના એકબીજાને કોલ આપી છૂટા પડ્યા.

આશુ પટેલ એ મૂળ જામનગર જિલ્લાના નાનકડા ગામના ખેડૂતપુત્ર અશ્વિનકુમાર ખાંટ, એ ખબર ત્યારે પડી ! જબાનની જેમ જણ પણ કાઠિયાવાડી. તેજ મિજાજ, ઋજુ હૃદય. ગોળીવાળી સોડાઓ વેચવાથી માંડીને ગામની નવરાત્રિમાં અને સ્કૂલોમાં જાદુગર તરીકે શો કરવાથી માંડીને અને ભારતમાં ગાજેલા મુંબઈના ડિમોલિશનમૅન ખૈરનારની મદદથી વિધાનસભાની અપક્ષ ચૂંટણી લડવા જેવા ઉત્પાત કરીને એમની અંદરનો અજંપો શાંત નહોતો થતો.

અને એ જ આગ એમને મુંબઈ લઈ આવી હતી. કોપી એડિટિંગ તો શું, ઈંગ્લિશની ય પૂરી ખબર નહીં. મુંબઈના રેલવે સ્ટેશનોના બાંકડે સૂવા જેવી ટિપિકલ શરૂઆત. કાન્તિ ભટ્ટને લીધે આગનું રૂપાંતર ઊર્જામાં થવા લાગ્યું ને પછી તો પૂરપાટ ગાડી એવી ભાગી કે ગામઠી જીવ શહેરી સાહેબ બની ગયા. સૂટબૂટ-ટાઈ સાથે !

અમારી દોસ્તી પહેલી મુલાકાતમાં જ જામી ગઈ. બસ, પછી તો મારી ટહેલ પડે કે પટેલ હાજર ! એવામાં 2004માં અમેરિકાના વિદેશ ખાતા દ્વારા પહેલી જ વાર સ્થાનિક ભાષામાં લખતા પત્રકારોના પ્રવાસનું આયોજન થયું. મારા જીવનની એ પહેલી જ વિદેશયાત્રામાં ‘ગુજરાત સમાચાર’ના પ્રતિનિધિ તરીકે હું ગયેલો. અમેરિકામાં રૂમમેટ્‍સ બન્‍યા. પહેલે જ દિવસે એમણે મારો દેશી સ્ટાઈલનો દાંતિયો ( કોમ્બ ) ઘા કરીને ફેંકી દીધેલો ! રેસ્ટરૂમ એટલે ટોયલેટ એવું એમણે ગુરુજ્ઞાન ફાઈવસ્ટાર પહેલી વાર બતાવીને આપ્યું હતું મુંબઈમાં એ પહેલા!

આશુ પટેલને લીધે સંજય ત્રિવેદી જેવા દોસ્તો મળ્યા. એમને લીધે મુંબઈના ડાન્સ બારથી લઈને સુપર રિચ ક્લાસની થર્ટીફર્સ્ટ ડિસેમ્બરની ધરતી પરના સ્વર્ગ સમી નાઈટ્સ અને આઈલેન્ડ પાર્ટી સુધીની દુનિયા પણ ક્લોઝ અપમાં જોઈ ! અરે, અમે અમેરિકા ગયા હતા ત્યારે અમેરિકાથી આશુભાઈ થોડા દિવસો વહેલા મુંબઈ આવી ગયેલા. પછી હું ને અનુરાગ ફરીને આવ્યા ત્યારે કાર લઈને તેડવા હાજર એ. ફ્રેશ થવા પણ ફાઈવ સ્ટારમાં લઇ ગયેલા મધરાતે અને મિત્ર ભાર્ગવ પટેલની હોટેલમાં રૂમ પણ રાખેલો !

એ આશુભાઈ જ, જેમણે હું પ્રોગ્રામ માટે આયોજકોની ભાડાની ટેક્સીમાં માંડ ફરતો હતો ત્યારે મને જીવનની પહેલી કાર લેવા માટે રીતસર દબાણભર્યો આગ્રહ કરી સાચું પ્રોત્સાહન આપ્યું આપણું જ મૂલ્ય સમજવાનું ! એ આશુભાઈ જેમણે મુંબઈની લોકલ ટ્રેનમાં જવું જ હોય તો ફર્સ્ટ ક્લાસમાં જ જવું એ શીખવાડ્યું. એ આશુભાઈ જેને લીધે આજે ય મુંબઈમાં મારું સરનામું ગણાય એવા ભાર્ગવ પટેલ જેવા દિલાવર અને બધી જ રીતે કદાવર એવા મોજીલા મિત્ર મળ્યા. એ આશુભાઈ કે જેમને મેં મુંબઈમાં મધરાતે રેલવે સ્ટેશન પર મારો ફોન ચોરાઈ ગયો ત્યારે રૂપિયાનો સિક્કો નાખી એકમાત્ર કોલ કરેલો, અને તાબડતોબ પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ હતી – એ ય એવી કે વરસેદહાડે પોલીસે ફોન પણ આપ્યો શોધીને !

આશુભાઈની આ નવાબી મહેમાનગતિ (સોરી, મિત્રગતિ !) માણી હોય, એ દરેકને કેટલાક એવા સંભારણા મળી જાય કે એ આજીવન ભૂલી ન શકે, અને એટલે એમની યાદોમાં આશુ પટેલ પણ અમર બની જાય ! એ ગ્લૅમર અને ઝાકઝમાળવાળી ફાઈવસ્‍ટાર પાર્ટીમાં પણ પરાણે ખેંચી જાય અને ફૂટપાથના ધાબા પર બેસવા પણ કામને લાત મારીને ‘હરિ પડે આખડે ને બેઠા થાય, પીતાંબર પગમાં અટવાય'ની સ્‍પીડે આવી ચડે !

મુંબઈમાં રહેતા અને ન રહેતા દોસ્‍તો માટે આશુ પટેલ ટ્રબલ શૂટર છે, સંકટ સમયે ખેંચવાની સાંકળ છે. કશીક કટોકટી હોય તો ગાર્મેન્‍ટ ફેક્‍ટરીમાં ધાડ પાડીને પણ ‘ચીર પૂરવા'ની દાનતવાળો ‘દુલો' માણસ છે. સંજોગોની કોઈ ‘ભીડ' (ક્રાઈસીસ) લાગે ત્‍યારે આ માણસ એમના સંબંધો માટે ફોરવર્ડ શોર્ટ લેગ પર ઊભો રહે છે. દૂર બાઉન્‍ડ્રીલાઇન પર નહિ ! પછી ભલે ને ગમે તેવી ભીડ (ટોળા)નો મુકાબલો કરવાનો હોય !

આ એગ્રેસિવનેસ રિપોર્ટર, રાઈટર આશુ પટેલની પણ એટ્રેકટિવનસ છે. એ નવા સબ્‍જેકટ્‍સ પકડે. ફિક્કી, લીસ્‍સી, ચાવળી ચિબાવલી કે ફરમાસુ પ્રેસનોટિયા ભાષાથી દૂર પિસ્તોલમાં ‘મેગેઝિન' લોડ થતું હોય એવી ધાણીકૂટ રીતે મેગેઝિન કે ન્‍યુઝપેપરના પીસ લખી કાઢે ! એસ્‍ટાબ્‍લિશમેન્‍ટનો હાથો બનવા કરતા પોતાનું સ્‍વતંત્ર એસ્‍ટાબ્‍લિશમેન્‍ટ ઊભું કરવું એમને વધારે ગમે. રાઈટિંગ માટેની મહોબ્‍બત.

મજબૂત પણ,જો કે ગુજરાતી પત્રકારત્‍વના નપાણિયા કૂવાથી વાજબી રીતે જ કંટાળીને એમણે નજર બીજે દોડાવી હતી ! કેટલા લોકોને ખબર હશે કે જો બધું સમુંસુતરું પાર ઉતર્યું હોત તો ભારતની પ્રથમ એનિમેશન સ્પૅસ ફિક્શન ફિલ્મ ‘રેગારેઝા’માં ( એ ય જેમ્સ કેમરોનની ‘અવતાર’થી પહેલા અનોખા ગ્રહની ફ્યુચરિસ્ટિક વાત કરતી હોય એવી !) લેખક-દિગ્દર્શક તરીકે આશુ પટેલનું નામ હોત !

(એની ઝલક જોવી હોય તો આ લિંક પર જોઈ શકશો:

https://www.facebook.com/aashupatelwriter/videos/vb.100009356800846/1554523714869507/?type=3 )

એમ તો એક સમયે અંડરવર્લ્‍ડથી ઓથેન્‍ટિક સ્‍ટોરીઝ લખનારા આશુ પટેલ ગુજરાતી પત્રકારત્‍વના રામગોપાલ વર્મા બની ગયા હતા ! આશુ પટેલ... ‘ધ ડોન' !

ફિલ્‍મનું તો એમને પહેલેથી જ ફેસિનેશન ભારે ! ના, જોવાનું નહિ, બનાવવાનું ! ફિલ્‍મલાઈનમાં ‘કોન્‍ટેકટ્‍સ' હોવાને લીધે ગુજરાતમાં રહેતા અમુક મિડિયા પર્સન્‍સ આશુ પટેલ સાથે ક્‍લોઝ કોન્‍ટેક્‍ટ રાખે ! પણ એ ય રેકોર્ડ કે ભલે અંગ્રેજીમાં લખતા હોવાને લીધે અન્ડરવર્લ્ડ પરથી સ્ટોરી લખતા પત્રકાર તરીકે એસ. હુસૈન ઝૈદીનું નામ ઘણા ગોખણિયા ગુજરાતી મિત્રો ય લીધા કરે, ભારતમાં ફર્સ્ટ ટાઈમ ડી કંપની અને મુંબઈ અન્ડરવર્લ્ડની રસપ્રદ અને બેસ્ટસેલર કહાનીઓ લખનારા પત્રકાર એટલે અમારા ‘ભાઈ’... આશુભાઈ !

એ માટે તો એમને ક્રેડિટ આપી ભલભલા ફિલ્મમેકર્સ ને પ્રોડક્શન હાઉસ સ્ક્રિપ્ટ કન્સલ્ટન્ટ તરીકે બોલાવે. એમની એનકાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે પ્રસિદ્ધિ પામેલા દયા નાયકથી બાલાજી ટેલીફિલ્મ્સવાળા ફિલ્મસ્ટાર જીતેન્દ્ર સુધીની યારી મેં નજરે જોઈ છે. ઉમદા લેખક અને ‘પાનસિંઘ તોમાર’થી નૅશનલ એવોર્ડ વિનર ડિરેક્ટર બનેલા ફિલ્મમેકર તિગ્માંશુ ધુલિયાનું નામ મણિરત્નમની ‘દિલ સે’ ફિલ્મમાં સંવાદલેખક તરીકે વાંચેલું ત્યારથી એ મને ગમવા લાગેલા. હું મારી કોલમમાં એમની ફિલ્મો વિષે લખું. આશુભાઈના એ ખાસ દોસ્ત. આશુભાઈ એમની ઓફિસે ઘણી વાર બૉલીવુડના પાવરફુલ હીરો-હિરોઈન્સ સાથે વહેલી સવાર સુધી મહેફિલ જમાવે. તિગ્માંશુ ધુલિયા એમની કહાની પર ફિલ્મ બનાવવાનો પ્લાન કરી ચુક્યા છે અને અત્યારે તેઓ આશુભાઈની લખેલી ‘મેડમ એક્સ’ નોવેલ પરથી વેબ સિરીઝની તૈયારી કરી રહ્યા છે.

મિત્રોની બાબતમાં આશુભાઈ અમીર છે. આશુભાઈને એ વાતની ખબર કે રાઈટર-ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયા મને ગમે છે. એક્વાર હું મુંબઈ હતો તો મને ગાડીમાં બેસાડી લઈ ગયેલા તિગ્માંશુ ધુલિયા પાસે એમના ઘરે! ત્યાં જ જમ્યા ગુજરાતી ભોજન અને ચાર-પાંચ કલાક સુધી અમે ગોઠડી કરી. મોજની મહેફિલ.

આજ જેટલા પ્રવચનો નહોતો કરતો ત્યારે મુંબઈમાં ફુરસદની રાત આશુભાઈ અને સંજય ત્રિવેદી, એ.ટી. (અરવિંદ શાહ), પ્રફુલ્લ શાહ, ઉદય મઝુમ0દાર, હિતેશ સરૈયા, (ક્યારેક એમાં જોડાતા રાજ ગોસ્વામી) જોડે ખાણીપીણીની બેઠકોમાં વીતી જતી ! અલકમલકની ખલક ગજવતી વાતો. ઓન ધ ફિલ્ડ, ઓફ ધ ફિલ્ડ. ક્યાંક અટવાયા હોઈએ તો ગંભીરતાથી વિચાર કરી સલાહો આપે.

એવી જ મજા આશુભાઈ - સંજય સપરિવાર સૌરાષ્ટ્ર આવે ત્યારે આવે. ગોંડલમાં અમે મળીએ. રાજકોટમાં મળીએ.

આશુભાઈ ઘણી વાર મુંબઈથી કાર ચલાવીને આવે. આંબા તો જીવતાજાગતા માણસોના જ એમણે બધે વાવ્યા છે. મીઠપ એમની એટલી કે વાત સાચી ને કડવી કહે તો ય વહાલા જ લાગે. આમ પણ એ તોડવાના નહીં, જોડવાના માણસ. મારા એક નિકટ સ્વજન જેવા મુંબઈવાસી મિત્ર સાથે સાહજિક ગેરસમજમાં અંટસ પડી ગયેલી. બધાને એ ખબર. પણ એ આશુ પટેલ કે જેમણે અમને બેઉને એમના બૂક લોન્ચિંગમાં ભેગા કરી દીધા ને અમે ભેટયા.

આવું બીજી વાર એક અન્ય સેલિબ્રિટી ફ્રેન્ડ સાથે પણ કરી બતાવ્યું. મુંબઈમાં ઘણા ફ્લાયઓવરબ્રિજ છે, પણ સૌથી વધુ સેતુ આમ આશુભાઈએ બનાવેલા હશે ! જયંતીલાલ ગડા, આસિત મોદી, દિલીપ જોશી કે હિમેશ રેશમિયા પણ એમના માટે દોડતા આવે અને દયાશંકર પાંડે જેવા બૉલીવુડ ઍક્ટર તો આશુભાઈને ડેડી કહેતી, રીડરમાંથી ડોટર બની ગયેલી, આરતી અને રોહન રાંકજાના પ્રોગ્રામ માટે છેક મોરબી સુધી પણ આવે ! અશોક દવે હોય કે મુકુલ ચોકસી, સંજય છેલ હોય કે સૌરભ શાહ, કૃષ્ણકાંત - જયોતિ ઉનડકટ હોય કે કાના બાંટવા, તુષાર દવે હોય કે ઈલિયાસ શેખ, શિશિર રામાવત હોય કે હેમરાજ શાહ, મિલન ત્રિવેદી હોય કે નવભારતના અશોક શાહ – જે એમના સંપર્કમાં આવે એમના દિલ પર એમનો મેજિક સ્પેલ જ હોય !

અને બે દોસ્‍તી વચ્‍ચેની તડાફડીવાળા ઝગડા સિવાય દોસ્‍તીની ચાસણીના તાર પૂરા ‘આવે' ખરા ? હું ને આશુભાઇ આમ તો એક મગની બે ફાડ જેવા... જિદ્દી, ધાર્યું કરવાવાળા, ચાલુ ચીલાને ચાતરવાવાળા ને કાણાને કાણો કહી દીધા પછી એને પ્રજ્ઞાચક્ષુ બનાવવાનું પુણ્‍યકાર્ય પણ પૂરું કરવાવાળા ! (આ છેલ્લી વાતમાં જો કે અમે બેઉ હવે ‘શાને ખોયા નેણ' ?' પૂછતાં શીખી ગયા છીએ ! ખીખીખી) એટલે અમારી વચ્‍ચે દે ધનાધન દલીલો થાય !

બંનેના સાદ પાછા કાઠિયાવાડી સાવજ જેવા નરવા અને લીધો તંત જાળવવાનો ખંત મધ્‍યયુગના યુરોપિયન વિજ્ઞાની જેવો ! અમારી પટ્ટાબાજી પાછી અંગત હિતની હોય જ નહિ ! આઈડિયોલોજીકલ ગ્‍લેડિયેટર્સ, યુ સી ! એક વાર સાક્ષી બની જનારાને એમ થાય કે આ બાથે વળગેલા બેઉ બળિયા બીજી વાર તો એકબીજા સાથે વાત જ નહીં કરે !

પણ આશુ પટેલ સંબંધમાં ધંધાદારીના નહીં,પણ આશુ પટેલ સંબંધમાં ધંધાદારીન નહીં દિલદારીના આદમી. મનોરંજન હોય કે ઉદ્યોગ બધા મહારથીઓ એમના પર ભરોસો મૂકે. એ ય લોહીઉકાળા કરી બીજા માટે જાત ઘસે. એમનો પરિવાર પણ એવો જ સરસ. કલાસૂઝ ધરાવતા અને પ્રગલ્લભ વ્યક્તિત્વવાળા જીવનસંગિની કાનનબહેન અને તેજસ્વી દીકરી હીર. રોક સોલિડ હોમ ફોર્સ ઓફ આશુ પટેલ.

એમાં એક એવો ફેઝ આવ્યો જેમાં આશુભાઈ કશુંક નવું અને નોખું કરવાની ધગશમાં માનસિક-આર્થિક વમળોમાં ઘેરાયા. મૂળ તો સ્વભાવગત રીતે અમુક નોકરી કરવાને બદલે સ્વતંત્ર સાહસ કરવાનો પડકાર ઝીલવાના જોશમાં. કહાની પૂરી ફિલ્મી. એમણે બધાની ચિંતા કરી, અને એમની ચિંતા એમના પરિવાર અને ખાસ શુભચિંતક મિત્રોને થાય. ફોન ભલે તૂટે (ઘણી વાર તૂટતા મેં પણ નજરે જોયા છે!) પણ એ જે હાથમાં છે, એ આશુભાઈનું હૈયું ન તૂટવું જોઈએ.

પણ માણસ જન્મજાત નક્કર ફાઈટર. ઔર ફાઈટર હંમેશા જીતતા હૈ, યુ નો ! એ ફરી ઊભા થયા ફિનિક્સ પક્ષીની જેમ. આજે ય જર્નાલિઝમમાં આ મરદનું ફાડિયું પોતાની ‘સ્‍ટ્રેન્‍થ' પર મુસ્‍તાક છે. એ ભલભલા ભૂપતિઓને ભૂ પાઈ દે, એવું એમનું કસાયેલું કલેજું છે. સામે ચાલીને હાથમાં સળગતા અંગારા પકડવાની આદતને લીધે પડકારો ન આવે, ત્‍યારે જ કદાચ એમને બહુ વસમું વસમું અને સૂનું સૂનું લાગે ! એટલે ધમકીઓ પણ એમને ડોન દાઉદ ઈબ્રાહિમના કાકા જેવા તરફથી મળે! ડૉન અશ્વિન નાઈકની ગુજરાતી પત્ની મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની એજયુકેશન કમિટીની ચૅરપર્સન હોય ત્યારે એના મુંબઈને ધ્રૂજાવતા ડૉન જેઠ અમર નાઈક વિશે ‘ગુજરાત સમાચાર’માં આશુભાઈનો આકરી ભાષામાં લખાયેલો લેખ વાંચીને ફોન પર ધમકી આપે કે ‘આવતી કાલના પેપરમાં માફી નહીં માગો તો ચોવીસ કલાકમાં ‘ખબર’ પાડી દઈશ!’ તો ચોવીસ કલાક પછી આશુભાઈ નીતા નાઈકની ઑફિસમાં જઈને યાદ કરાવે કે ચોવીસ કલાક પૂરા થઈ ગયા છે!

સતત ‘એંગ્રી યંગ મેન'ના એકશનપેક્‍ડ રાજાપાઠમાં રહ્યા પછી હવે આશુભાઈ થોડા હળવા અને ઘણા શાંત થયા છે. એમની રફતાર ધીમી નથી થઈ, પણ હવે એ ‘એંગર' (ક્રોધ)નું રૂપાંતર ‘એનર્જી' (શક્‍તિ)માં કરતા શીખી ગયા છે ! આજકાલ આશુ પટેલ ઝટ ઉશ્‍કેરાતા નથી. મહેન્દ્રસિંહ ધોનીની માફક આક્રમક ઓપનિંગ બેટ્‍સમેનમાંથી કળાત્‍મક મિડલ ઓર્ડર બેકબોનનો રોલ પરફોર્મ કરવા લાગ્‍યા છે. અમિતાભ બચ્ચનની માફક હીરોનો દમામ બરકરાર રાખી સ્વીચઓવર કરતા શીખ્યા છે.

હેલ્‍થવાઈઝ એન્‍ડ વેલ્‍થવાઈઝ એ સારું જ છે. ટાઢા કોઠે કોઠાસૂઝ વધુ ખીલતી હોય છે. મિજાજ એમનો શહેનશાહી જ છે, પણ હવે એ ક્ષુલ્લક બાબતો પર ગુમાવવાને બદલે ‘ફોર્સ' તરીકે સ્‍ટોરેજ કરતા શીખી ગયા છે. એ ખુદ પર પણ હસે છે. આંતરખોજ કરી નવું નવું વિચારતા રહે છે. જૂના સંબંધોને પણ પ્રેમથી યાદ કરે. જયાં જયાં કામ કર્યું હોય એ અખબારી માલિકો-તંત્રીઓને ય ભાવથી વાતવાતમાં બિરદાવે. સ્ટૅજ પરથી કહે કે એમનું મારા જીવનમાં ખૂબ પ્રદાન છે.

આશુ પટેલ પીઠમાં જખમ કરવાના નહીં,આશુભાઈ છાતી પર ઘા ખાઈ લેવાના માણસ છે. અમારો તો કોલ ઘણી વાર બેટરી ઉતરી જાય ત્યાં સુધી રાતમધરાત ચાલે. પર્સનલ કે પ્રોફેશનલ વાતો એમાં ઓછી હોય. જિંદગીની વાતો વધુ હોય. ક્યા ખોયા, ક્યા પાયા ટાઈપ.

ઘણા વાચકોને આશુભાઈ પ્યારથી યાદ રાખે. એમના ફંક્શનમાં બોલાવે. અનોખી રીતે બૂક લોન્ચ કરે. ફોરેનમાં ય એમના એવા દોસ્તો. હવે તો પહેલાની જેમ સ્ટ્રેસમાં ન આવવાનો ‘સુખનો પાસવર્ડ’ એમણે શોધી લીધો છે. તેમની દૈનિક કોલમમાં રોજેરોજ અદ્ભુત મોટીવેશનલ મેસેજ આપતા લેખો થકી અનેક વાચકોની ય આજે એ થેરેપી કરે છે, લેખક તરીકે.

એક ક્લાસિકલ ઠહરાવ આવ્યો છે, એમની કલમમાં. બાકી, એક સમયે તો ‘ગુજરાત સમાચાર’માં હું એમને વાંચતો ત્યારે એન્ટાએસિડની ગોળી ખાવી પડે એવી દાહકતાથી એ ચાબખા મારીને લખતા. આજે તો ઓનલાઈન પણ સક્રિય. મારો ઈમ્તિયાઝ પટેલ દ્વારા પ્રસ્તુત શો ‘જયકારા’ મુંબઈમાં ઓપન થયો ત્યારે પણ ખાસ એ ફર્સ્ટ શોમાં આવેલા. પછી ફેસબુકમાં હ્રદયસ્પર્શી પોસ્ટ લખેલી. આમ વાઘ સામે બાથ ભીડે એવો નીડર પણ જાહેરમાં બોલવાની વાત આવે તો નર્વસ ફીલ કરે એવો બાળસહજ ! શિકાગોમાં અમારે ગ્લોબલાઈઝેશન ઓફ મીડિયા વિશે વિખ્યાત મેડિલ સ્કૂલ ઓફ જર્નલિઝમમાં સ્પીચ આપવાની હતી તો કહે કે મારું એ કામ નહીં! જો કે પછી અમેરિકાના વિદેશ ખાતાએ અમને આપેલ ગાઈડ શક્તિ આર્યલ અને મારા આગ્રહથી તેમણે સ્પીચ આપી હતી.

મેં ક્લોઝ અપમાં કાયમ જોયું છે. આશુ પટેલ મરદ છે. ભાયડો માણસ. અસ્‍સલ કણીદાર કાઠિયાવાડી ધારદાર. જોરદાર. પાણીદાર પાટીદાર. આશુભાઈ ‘તેજ ધાર'ના માણસ છે. જીભથી નહિ, કલમથી નહીં, મિજાજથી પણ તેજ ધાર. તેમના ખૂનમાં રવાની છે. તેમના કલેજામાં જાનફેસાની છે. તેમના સ્‍વભાવમાં કુરબાની છે, અને તેમની કલમ મર્દાની છે. યોદ્ધાઓ કશું બોલે નહિ, તેમની તલવાર રણસંગ્રામમાં બોલતી હોય છે. આશુ પટેલ માટે ગુજરાતી ભાષા આવું એક હથિયાર છે. દૂઝતા ઝખ્‍મોમાંથી રીસતું રક્‍ત શાહીમાં ભેળવવાનું, આંખમાં ફૂટતી લાલ ટશરોમાં ઝબોળીને સફેદ કાગળ પર કાળા અક્ષરો પાથરવાનું...

આશુ પટેલની તબિયત ‘ગુસ્‍સાવાળી ગુલાબી' છે. એ મારધાડ અને મહેફિલ બંનેમાં રંગ જમાવી શકે છે. આકૃતિએ કઠોર લાગતો આ ઈન્‍સાન પ્રકૃતિએ મુલાયમ છે. છતાં ય મનોબળમાં કાયમ મક્કમ અને સ્ટેન્ડ લેવામાં અડીખમ. તેમની તીવ્રતા તેમની સંવેદનશીલતાને આભારી છે. ટટ્ટાર અને ખુદ્દાર. આશુ પટેલના દોસ્‍તો (અને કોઈ હોય તો દુશ્‍મનો પણ!) એકીઅવાજે કબૂલ કરશે કે આ માણસ ‘જિગરવાળો' છે. પોલાદી મનોબળ સાથે રેશમી મોહબ્‍બત પણ અશ્વિનકુમાર ખાંટ ધેટ ઈઝ આશુ પટેલની ફિતરત છે.

કેટલાક લોકો તાજ વિના પણ સલ્‍તનત પર રાજ કરવા આવ્‍યા હોય છે. આશુ પટેલ પારકાના જોરે નહિ, પણ પોતાના કાંડાની કમાણી પર શાહી મિજાજ રાખે છે. તેમણે સતત જિંદગીને પોઈન્‍ટ બ્લૅન્‍ક રેન્‍જથી ઓન ધ ટાર્ગેટ શૂટ કરી છે (તેમની આ નામની કોલમ તેમણે વર્ષો સુધી લખી હતી અને પછી મારા આગ્રહથી તેમણે એ કોલમના લેખોના સંગ્રહની એ જ નામથી બૂક પણ કરી હતી જેની પ્રસ્તાવના તેમણે મારી પાસે જ લખાવી હતી). એમાં કેવળ બારૂદની ધૂમ્રસેર નથી, અત્તરના પમરાટ પણ છે. એમની સાર્કેસ્ટિક સેન્સ ઓફ હ્યુમર પણ મસ્ત.

જો બોલી કે લખીને વાત શબ્‍દોમાં અભિવ્‍યક્‍ત ન કરે, તો આશુ પટેલમાં ઘૂઘવતા ઘોડાપૂર ઓસરે નહિ... આ માણસ જીહજૂરી, બેવડાં કાટલાં કે દંભનો નથી. તે બિરાદરી, યારી અને ખુમારીનો જીવ છે. રાજકીય ગણતરીઓમાં પાવરધા હોવા છતાં આશુભાઈ રાજકારણી નથી. માટે તે જે જુસ્‍સાથી જીવે છે, એવા જ કલેજાથી લખે છે. અને એટલા જ પેશનથી 'કૉકટેલ ઝિંદગી' મૅગેઝિન જેવા પાથબ્રેકિંગ એન્ડ ટ્રેન્ડમેકિંગ સાહસો સાકાર કરતા રહે છે. હમણાં એમની ડેઈલી નોવેલ પૂરી થઈ જે હિન્દીમાં ય આવી. કોઈ ગુજરાતી લેખક-પત્રકારની નોવેલ રાષ્ટ્રીય હિન્દી (એ ય રાષ્ટ્રીય સ્તરના) અખબારમાં છપાઈ હોય એવો રેકોર્ડ પણ તેમના નામે થયો. ઓલરેડી એક લખ્યા બાદ અંગ્રેજીમાં બીજી નવલકથા આવી રહી છે.

સ્પેસ સાયન્ટીસ્ટ, ઈન્ડિયન પ્લૅનેટરી સોસાયટીના ચૅરમૅન અને ઋષિપુરુષ સમા ડૉકટર જે.જે. રાવલની મદદ લઈને આશુભાઈ સ્પેસ ટ્રાયોલોજી લખવાનું સપનું બીસ સાલ બાદ પૂરું કરવા જઈ રહ્યા છે.

રેફરન્સ માટેનો રિસર્ચ, આંગળા તોડી નાખતો અને વાંસો દુખાડી દેતો ડેટા – સચ્ચાઈની પાક્કી પરખનો કસબ એ આશુભાઈની આઈડેન્ટીટી. એમને કોઈ બાબતે ભૂલ બતાવવામાં માઠું લાગવાનો કે સૂચન કરવામાં ખોટું લાગવાનો ડર ન રહે એવા એ ખેલદિલ. મારી કોઈ પરેશાની હોય તો એ ચિંતા કરે. પહેલા એમને ત્યાં રોકાતો, પણ હવે તો ઘણા સમયથી એમની ઘેર પણ રાતવાસો કરવા નથી ગયો.

ઘણી વાર તો મુંબઈ આવું ત્યારે મારાથી કોલ પણ ન થાય. પણ બીજા મિત્રોની જેમ ગેરસમજ કરવાને બદલે એ રાજી થાય. આપણો ભાઈબંધ પ્રગતિ કરે છે, મોજમાં છે અને વ્યસ્ત રહી કમાણી કરે છે – એ જોઇને એમને છૂપી જલન થવાને બદલે પ્રગટ મોજ થાય. એ કેવળ મોટા નથી. મેચ્યોર્ડ પણ છે જે બીજાની બિઝી લાઈફ સમજી શકે અને ખોટા જજમેન્ટસ આપવાને બદલે હર્ટ થયા વિના હાર્ટથી સપોર્ટ કરે. સામાની મુશ્કેલી અને પરિસ્થિતિ સમજી શકે.

એટલે એમની સાથે મહિનાઓ સુધી વાત ન થાય તો અનકમ્ફર્ટ ફીલ થાય. એમને માટે કશુંક દોડીને કરી છૂટવાનું મન થાય. એ આપણો બોજ હળવો કરે પણ આપણા પર બોજ ન બને. ‘કૉકટેલ ઝિંદગી’માં હું ‘ઓલ ઈઝ વેલ’ કોલમ લખું છું , એ ય એમની યારી ઝિંદાબાદને સલામી ખાતર. સાવ જુદું, પર્સનલ કનેક્શન એમની સાથે છે એવી જ પોઝિટિવિટીવાળા વ્યક્તિત્વો ઉપર.

આ માણસમાં એક દુનિયાદારીથી પર એવો અલગારી સૂફી વસે છે. અને આજે ય મુંબઈ આખું ગજવામાં મૂકવાની કશીશ ધરાવતો, આંખોથી આસમાન ભરી પીતો એક સ્વપ્નિલ યુવાન ધબકે છે. એક ઉધઈની જેમ સમાચારો કોરીને ચાવી ખાતો જર્નાલિસ્ટ જીવે છે અને એક કુટુંબવત્સલ સંસ્કારી ખડતલ વડલા જેવો મોભી ય શ્વસે છે. ભરોસાની આ કાળમીંઢ દીવાલ છે. સાહસનું શક્તિશાળી શિખર છે.

આવા ભગવાને આપેલી ભેટ જેવા ભાઈબંધને આપણે કેમ ભેટ આપવી? એટલે આજે એમના જન્મદિવસે એમની જ પોઝિટીવ સ્ટોરી એમને ગિફ્ટ તરીકે ! પટેલની ફેફ્સાફાડ લડવૈયાગીરી. તૂટવાનું મંજૂર, ઝૂકવાનું નહી એવો સોલ્જર્સ એટીટ્યુડ ધરાવતો આ માણસ એમના મિત્રવર્તુળમાં વિનર છે. કોઈની સાડીબારી ન રાખનાર આ ઈન્સાન ફીલિંગની વાત આવે ત્યાં તલવાર શું, બખ્તર પણ મૂકી દે એવો ટેકીલો ટેકો છે. એમનું બૅન્ક બેલેન્સ જે હોય તે, અમારી મોંઘેરી મૂડી આ પટેલ છે. અખૂટ આશાનો ધસમસતો ધોધ : ધ આશુ પટેલ. એક વાર એમના અનેકમાંના એક પુસ્તકમાં લખેલું એમ: ભીડ પડે ભડ ઉભો રહે. રિયલ હીરો. બોર્ન ટુ લીડ ફ્રોમ ધ ફ્રન્ટ.

સંઘર્ષના સમયમાં દિવસો સુધી ભૂખ્યા રહેવાને કારણે યુવાનીમાં એમનું આંતરડું થોડું કપાયું છે, પણ ‘અંતર' બ્રહ્માંડની જેમ નિત્ય વિસ્‍તરતું રહ્યું છે. આશુ પટેલનું કાઠિયાવાડી જીગર ફાઈવસ્‍ટાર હોટલની એવી રેસ્‍ટોરાં જેવું છે, ઓલ્‍વેઝ ઓપન. ટવેન્ટી ફોર બાય સેવન, થ્રી સિક્‍સ્‍ટી ફાઈવ ડેઝ, લાઈફટાઈમ!

***

માતૃભારતી સ્પેશિયલ:

આશુ પટેલના બૂક લોંચ ઈવેન્ટમાં તેમના વિશે જય વસાવડાએ આપેલી સ્પીચ વાંચવા ક્લિક કરો આ લિંક: https://www.facebook.com/aashupatelwriter/videos/1524525524535993/