Once Upon a Time - 33 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 33

Featured Books
Categories
Share

વન્સ અપોન અ ટાઈમ - 33

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 33

દુબઈ જઈને દાઉદ સાથે સમાધાન કરીને મુંબઈ પાછો ફરેલો મહમ્મદ કાલિયા વિચારતો હતો કે હવે પોતે શાંતિથી જીવી શકશે પણ તે એરપોર્ટની બહાર નીકળ્યો એ સાથે તેને જિંદગીનો સૌથી મોટો આઘાત લાગ્યો. તે કંઈ વિચારી શકે એ પહેલા તો એની છાતીમાં કોઈએ ગરમ સીસું ઉતારી દીધું હોય એવી વેદના એને થઈ. એ થોડો પાછળ ધકેલાયો. એની સામે પિસ્તોલ સાથે અનેક ગુંડાઓ આવી ગયા.

કાલિયાને અંડરવર્લ્ડમાં ઘણા ગુંડાઓ ડેરડેવિલ તરીકે ઓળખતા હતા પણ કલિયા ફ્લાઈટમાંથી બહાર આવ્યો હતો એટલે તેની પાસે કોઈ શસ્ત્ર નહોતું. એટલે એ પ્રતિકાર કરી શકે એમ નહોતો. એ કંઈ સમજે કે વિચારે એ પહેલા એ બધાની પિસ્તોલ્સમાંથી ધડાધડ ગોળીઓ છૂટી અને કપાયેલા ઝાડની જેમ એ જમીન દોસ્ત થઈ ગયો!

***

બમ્બઈ ઍરપોર્ટ કે બહાર મહમ્મદ કાલિયા કા કામ તમામ હો ગયા!

દાઉદને એના એક માણસે સમાચાર આપ્યા.

એ સાંભળીને દાઉદે અટ્ટહાસ્ય કર્યું. હવે એને પડકારનારાઓમાં એક માણસનો ઘટાડો થયો હતો. પણ રમા નાઈક, અને ગવળીબંધુઓ દાઉદ ઈબ્રાહીમ માટે માથાના દુખાવા સમાન બની ગયા હતા. ચેમ્બુર, ભાયખલા અને લાલબાગ જેવા વિસ્તારોમાં દાઉદ ગેંગનો ગજ વાગતો નહોતો. ચેમ્બુર વિસ્તારમાં બડા રાજનનો ચેલો છોટા રાજન એની ગેંગ વિસ્તારી રહ્યો હતો. પણ એમાંય રમા નાઈક આડો આવવા માંડ્યો હતો.

અ દાઉદ રમા નાઈકને ઠેકાણે પાડવા માટે મથી રહ્યો હતો. એ દરમિયાન રમાની એક કમજોરી દાઉદના ધ્યાનમાં આવી હતી. રમા નાઈક ચેમ્બુરની એક યુવતીના પ્રેમમાં હતો. એને મળવા એ ક્યારે જતો એના પર વોચ રાખવા દાઉદે છોટા રાજનને કહ્યું. છોટા રાજને પોતાના માણસોને કામે લગાડી દીધા. રમા નાઈક એની પ્રેમિકાને મળવા માટે ચેમ્બુરના તિલકનગર વિસ્તારમાં અવારનવાર જતો હતો એવી ખબર પડી એટલે છોટા રાજનના માણસોએ તિલકનગર વિસ્તારમાં ધામો નાખ્યો હતો.

રમા નાઈક આ વાતથી બિલકુલ અજાણ હતો. છોટા રાજનના માણસોએ વોચ ગોઠવ્યા પછી થોડા દિવસો બાદ ૨૧ જુલાઈ ૧૯૮૮ના દિવસે રમા નાઈક એની પ્રેમિકાને મળવા તિલકનગર વિસ્તારમાં ગયો હતો. રમા નાઈક એની પ્રેમિકાને મળવા ગયો ત્યારે એને કોઈ ગંધ નહોતી આવી પણ થોડી મિનિટ્સ પછી એને ખબર પડી હતી કે એ બરાબર ફસાઈ ગયો છે. રમા નાઈકે એક પ્રભાવશાળી અવાજ સાંભળ્યો: ‘રમા, તૂ બચ કે નહીં જા સકતા, અપને આપ કો હમારે હવાલે કર દે...’

રમા નાઈકે શર્ટ નીચે કમ્મરપટ્ટામાં ભરાવેલી ઈમ્પોર્ટેડ પિસ્તોલ બહાર કાઢી અને અવાજની દિશામાં ડોકિયું કર્યું, એનાથી થોડા ડગલા દૂર મુંબઈ પોલીસના સબ ઈન્સ્પેકટર રાજન કાટદરે લોડેડ રિવોલ્વર તાકીને ઊભા હતા!

પોલીસ સબ ઈન્સ્પેકટર રાજન કાટદરેના આદેશને અવગણીને રમા નાઈકે રાજન કાટદરે તરફ ગોળીબાર કર્યો. રમા નાઈકના ગોળીબારનો જવાબ રાજન કાટદરેની સર્વિસ રિવોલ્વરમાંથી છૂટેલી ગોળીઓએ આપ્યો અને રમા નાઈક નિશ્ચેતન થઈને ઢળી પડ્યો. રમા નાઈક મુંબઈ પોલીસના વોન્ટેડ લિસ્ટમાં હતો.

***

રમા નાઈકને સબ ઇન્સ્પેકટર રાજન કાટદરેએ એન્કાઉન્ટરમાં ઢાળી દીધો એ સમાચાર કિશોર ગવળી અને અરુણ ગવળીને મળ્યા ત્યારે બંને સ્તબ્ધ થઇ ગયા હતા. કિશોર ગવળી અને અરુણ ગવળીએ ભાયખલાની દગડી ચાલને પોતાનો અડ્ડો બનાવ્યો હતો એ દગડી ચાલમાં સોપો પડી ગયો હતો. બાબુ રેશિમના કમોત પછી ગવળી બંધુઓને બીજો આકરો ફટકો પડ્યો હતો.

અરુણ અને કિશોર ગવળીની જેમ ત્રીજી એક વ્યક્તિને પણ રમા નાઈકના કમોતથી આઘાત લાગ્યો હતો. મુંબઈના કાંજુર ઉપનગરનો ‘ભાઈ’ અશોક જોશી રમા નાઈકના મોતનો બદલો લેવા સજ્જ થયો હતો. અશોક જોશી કાંજુર માર્ગનો ટપોરી હતો. પણ બાબુ રેશિમ અને રમા નાઈકની ઓથ મળતાં એ પણ શક્તિશાળી ગેંગલીડર બની ગયો હતો. અશોક જોશી, અરુણ ગવળી અને કિશોર ગવળીએ રમા નાઈકની સળગતી ચિતા સામે એના કમોતનો બદલો લેવાના સોગંદ ખાધા...

પપ્પુ ટકલા રમા નાઈકના મોતની કથની કહેતા અટકી ગયો. પૂરક માહિતી આપતા તેણે અમને કહ્યું, ‘ગવળીબંધુઓ અને અશોક જોશીએ રમા નાઈકના મોતનો બદલો લેવાના સોગંદ ખાધા ત્યારે એમની નજર સામે પોલીસ સબ ઈન્સ્પેકટર રાજન કાટદરેના ચહેરાને બદલે દાઉદ ઈબ્રાહીમ અને રાજન તથા દાઉદના બીજા એક સાથીદાર સતીશ રાજેના ચહેરા તરવરતા હતા!

સુરતમાં આલમઝેબ પોલીસ સબ ઇન્સ્પેકટરના હાથે મરાયો હતો ત્યારે જેવી વાત ફેલાઈ હતી એવી જ એટલે કે દાઉદ ઈબ્રાહિમે સતીશ રાજે અને છોટા રાજનની મદદથી રમા નાઈકને એન્કાઉન્ટરમાં મરાવી નાખ્યો હોવાની વાત અંધારી આલમમાં ફેલાઈ હતી.’

આ પૂરક માહિતી આપીને પપ્પુ ટકલા વળી મૂળ વાત પર આવ્યો ઓફકોર્સ, આ દરમિયાન એણે ‘છોટા સા બ્રેક’ લઈને વધુ એક ફાઈવફાઈવફાઈવ સળગાવી હતી. અને બ્લેક લેબલનો પેગ બનાવ્યો હતો. એ પછી તેના પંડમાં જાણે અધૂરી ઈચ્છા સાથે મરી ગયેલા કોઈ સ્ક્રિપ્ટ રાઈટરના આત્માએ પરકાયાપ્રવેશ કર્યો હોય એ રીતે તેણે એક દિલધડક ઘટના કહેવાની શરૂઆત કરી હતી.

***

‘હા, દાઉદ કે સાથ મેરે અચ્છે રીલેશન હૈ, દુબઈ મેં ઉન કે એન્ટરટેઈનમેન્ટ કે લિયે ફિલ્મસ્ટાર્સ કો મૈં હી ભેજતા હૂં, પૂરી ફિલ્મ ઈન્ડસ્ટ્રી મેરી જેબ મેં હૈ. એક ઈન્ટરેસ્ટીંગ બાત મૈં આપ કો બતાતા હૂં. ‘રામ તેરી ગંગા મૈલી’ વાલી હિરોઈન મંદાકિની કા અભી દાઉદ કે સાથ ચક્કર ચલ રહા હૈ...’

દાઉદ ઈબ્રાહિમના જમણા હાથ સમો સતીશ રાજે મુંબઈના એક પત્રકાર સાથે વાત કરી રહ્યો હતો. મંદાકિની અને દાઉદના સંબંધની વાત તેણે ઓફ ધ રેકર્ડ કહી, પણ એ સિવાય એણે દાઉદ વિશે અને દાઉદ સાથે પોતાના સંબંધ વિશે ઘણી માહિતી ઓન ધ રેકર્ડ આપી.

સતીશ રાજેને પબ્લિસિટી મેળવવાનો ગાંડો શોખ હતો. પત્રકારો સાથે વાત કરવાની અને એથીય વધુ તો ન્યુઝ પેપર્સમાં છપાયેલા પોતાના ઈન્ટરવ્યૂઝ જોવાની એને મઝા આવતી હતી. ૧૯૮૮ના નવેમ્બર મહિનાની એક સાંજે આવી જ રીતે એ મુંબઈના એક પત્રકાર સાથે એક ફાઈવસ્ટાર હોટલના રેસ્ટોરન્ટમાં બેસીને એક મસાલેદાર ઈન્ટરવ્યૂ આપી રહ્યો હતો. છૂટા પડતી વેળા એણે પેલા પત્રકારને તાકીદ કરી કે આમાંથી એક પણ ઓફ ધ રેકર્ડ વાત છપાવી જોઈએ નહીં. નહીં તો...

પત્રકાર સાથે વાત કરીને સતીશ રાજે દક્ષિણ મુંબઈની ફાઈવસ્ટાર હોટલમાંથી બહાર નીકળ્યો. તે પોતાની ઈમ્પોર્ટેડ હોન્ડા એકોર્ડ કારમાં ગોઠવાયો અને એણે ડ્રાઈવરને પરેલ વિસ્તારમાં પોતાના ઘર તરફ કાર હંકારવા કહ્યું. એ કોઈ હિન્દી ફિલ્મનું ગીત ગણગણવા લાગ્યો.

એની કાર થોડી આગળ વધી એ વખતે સતીશનું ધ્યાન રિઅર વ્યુ મિરરમાં ગયું અને તેના પેટમાં ફાળ પડી! તેણે ફાટી જાય એટલા ઊંચા અવાજે ડ્રાઈવરને કહ્યું કે ગાડી ભગાવ.

(ક્રમશ:)