Prem - 2 in Gujarati Love Stories by Mahesh Vegad books and stories PDF | પ્રેમ - ૨

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રેમ - ૨


પ્રેમની પહેલી અને સૌથી મહત્ત્વની શરત મોકળાશ અને હળવાશ આપવી એ છે. એટલું ન ગૂંથાવું કે સંબંધ ગૂંચવાઈ જાય.





સતત હાજરી સવાલો અને સમસ્યા સર્જે છે. સાંનિધ્ય પણ સંયમિત હોવું જોઈએ. આપણને ખબર હોવી જોઈએ કે ક્યારે મારી જરૂર છે અને ક્યારે મારે દૂર રહેવાનું છે. આપણે આપણી વ્યક્તિને કહેતા હોઈએ છીએ કે, આઇ એમ ઓલવેઝ ધેર ફોર યુ. હું તારા માટે હંમેશાં હાજર છું. દરેક વખતે હાજર હોવાનો મતલબ કાયમ સાથે કે સામે હોવું નથી થતું. આપણી વ્યક્તિને ખબર હોય કે એ છે એટલું પૂરતું છે. હું બોલાવીશ અને એ આવી જશે, હું કંઈક કહીશ અને એ થઈ જશે, મારી વાત કરીશ અને એ સાંભળશે, એટલો અહેસાસ હોય એ જ પૂરતું છે. સંબંધોના નિયમો ન હોય. એ ફોન કરે તો હું ફોન કરું. એ મેસેજ કરે તો જ હું જવાબ આપું. સંબંધ જ્યારે બંધનના દાયરામાં આવી જાય છે ત્યારે ગૂંગળામણની શરૂઆત થાય છે.

સંબંધોની તીવ્રતા એના પરથી નક્કી થતી નથી કે તમે કેટલી વખત મળો છો. તમને એકબીજાની કેટલી પરવા, કેટલી ખેવના અને કેટલી લાગણી છે તેના પરથી નક્કી થાય છે. દિલમાં હોય એ નજરની સામે ન હોય તો પણ સંબંધો સજીવન રહેતા હોય છે. ટેક્નોલોજીએ લોકોની અપેક્ષાઓ વધારી દીધી છે. હું મેસેજ કરું એટલે તારે જવાબ આપવાનો જ. દસ વખત ઓનલાઇન થવાય છે, પણ મને જવાબ નથી અપાતો. ‘લાસ્ટ સીન’ જોઈને દુ:ખી થવાય છે, બધા માટે ટાઇમ છે, પણ મારા માટે જ ફુરસદ નથી. હવે મારેય મેસેજ નથી કરવો. આપણા સંબંધો બહુ જ ફોર્મલ થતા જાય છે. જાણે કોઈ રિવાજ હોય અને નિભાવવો પડતો હોય. સંબંધ જીવવો અને નિભાવવો એમાં બહુ જ ફરક છે. સંબંધ નિભાવવામાં ક્યાંક મજબૂરી છે અને ક્યાંક જવાબદારી છે. સંબંધ જીવવામાં સહજતા છે.

મેં સ્ટેટસ અપલોડ કર્યું અને તેં જોયું પણ નથી. તને મારા માટે સમય જ નથી. કંઈ પડી જ નથી. માણસ હવે મેસેજીસના ‘પ્રેશર’માં રહેવા લાગ્યો છે. એક યુવાનની આ વાત છે. તેની દોસ્તે ફોન કર્યો. મેં સવારથી તને વૉટ્સએપ મેસેજ કર્યો છે, જવાબ આપવાની વાત તો દૂર, તને જોવાનોય સમય નથી? યુવાને કહ્યું કે, હું કંઈ આખો દિવસ ફોન હાથમાં લઈને નથી બેસતો. આજે મારે એક પ્રોજેક્ટ પૂરો કરવાનો છે એટલે હું સવારથી ફોનને અડ્યો જ નથી. એક યુવાને તો એના સ્ટેટસમાં જ એવું લખ્યું છે કે, હું દિવસમાં સવારે અને રાત્રે એમ બે વખત જ વોટ્સએપ જોઉં છું એટલે કંઈ અરજન્ટ હોય તો મને ફોન કરવો અથવા એસએમએસ કરવો. વોટ્સએપમાં જવાબ આપવામાં મોડું થાય તો માઠું ન લગાડવું. સંબંધોમાં ખુલાસા કરવા પડે ત્યારે સંબંધ થોડોક સંકોચાતો હોય છે.

દરેક માણસની પોતાની થોડીક અંગત ‘સ્પેસ’ હોય છે. આપણી વ્યક્તિને એની ‘સ્પેસ’માં જીવવા દેવી એ પણ સંબંધની શ્રેષ્ઠતા છે. જિંદગીમાં એકાંત પણ મહત્ત્વનું છે. પોતાની વ્યક્તિ એની જાતને પણ મળતી રહેવી જોઈએ. આપણે ઇચ્છતા હોઈએ કે આપણી પ્રાઇવસી પ્રોટેક્ટ થાય તો આપણે આપણી વ્યક્તિને પણ એની ક્ષણો જીવવા દેવી જોઈએ. એક બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર હતો. તેણે કહ્યું કે, અમે કંઈ ચણીએ ત્યારે તેને આધારની જરૂર હોય છે. અમે ટેકા ગોઠવીએ છીએ. જ્યારે એ ચણતર મજબૂત થઈ ગયું હોય એવું લાગે ત્યારે ટેકા હટાવી લઈએ છીએ. સાથ એટલો જ આપો, જેટલી જરૂર હોય. ક્યારે ખસી જવું એની સમજ પણ સંબંધોને સજીવન રાખવા માટે જરૂરી છે. આપણે કોઈ બાળકને સાઇકલ ચલાવતા શીખવતા હોઈએ ત્યારે તેને બેસાડી થોડીક વાર સાઇકલ પકડી તેની સાથે દોડીએ છીએ અને થોડાક આગળ જઈને છોડી દઈએ છીએ. કદાચ એ એકાદ વખત પડશે. આપણે ઊભા કરીને પાછા તેને સાઇકલ પર બેસાડીએ છીએ અને છૂટા મૂકીએ છીએ. સતત પકડી રાખીએ તો એને આવડે જ નહીં. મદદનો મતલબ એ નથી કે સતત કોઈને સંભાળતા રહીએ. જેટલી મદદની જરૂર હોય એટલી કરીને હટી જઈએ.

એક છોકરીની આ વાત છે. તેણે એક પ્રોજેક્ટ પૂરો કરવાનો હતો. એક ટીચરનો તેણે સાથ માગ્યો. ટીચરે તેને બધું સમજાવ્યું. ટીચરે કહ્યું કે, હવે તું તારી રીતે પ્રોજેક્ટ કર. ક્યાંય તફલીક પડે તો મને કહેજે. છોકરીએ કહ્યું, આમ અધવચ્ચે છોડી દો એમ ન ચાલે. ટીચરે બહુ સારી રીતે કહ્યું કે, હું તને અધવચ્ચે એટલે છોડું છું કે બાકીનો રસ્તો તું તારી રીતે કાપ. તારી જાત પર શ્રદ્ધા રાખ. જો તું મારા ઉપર જ આધારિત રહીશ તો ક્યારેય તારા ઉપર નિર્ભર રહી શકીશ નહીં. જરૂર પડે તો હું છું જ ને. મારું કામ મારામાં જે આવડત છે એ તને આપતા રહેવાનું નથી, મારું કામ તારામાં જે આવડત છે એ બહાર લાવવાનું છે. હું તો તને પ્રોજેક્ટ હમણાં પૂરો કરાવી દઈશ, પણ એનાથી તને કંઈ ફાયદો નહીં થાય. પોતાની વ્યક્તિનું કામ માણસને એની નજીક લઈ જવાનું હોય છે. સંબંધોમાં આપણે ભૂલ એ કરીએ છીએ કે એને આપણી નજીક લેવાનો સતત પ્રયાસ કરીએ છીએ.

એક છોકરો હતો. તેના ટીચરને એ બહુ વહાલો. તેને બધું ખૂબ જ સારી રીતે શીખવે. એ છોકરો ધીમે ધીમે થોડો દૂર થઈ ગયો. એક વખત એ ટીચર પાસે ગયો. ટીચરે એને જોતાંવેંત જ ઊધડો લીધો. બહુ દિવસે યાદ આવ્યું કે કોઈ છે. કામ હતું ત્યારે તો રોજ માથું ખાતો હતો. સ્વાર્થ પૂરો થયો એટલે ભૂલી જવાનું? છોકરાએ બહુ સલૂકાઈથી કહ્યું કે, હું તો તમારો આભાર માનવા આવ્યો છું. મને એક સફળતા મળી છે. મને તમે યાદ આવ્યા. હું આજે છું એમાં તમારો બહુ મોટો ફાળો છે. તમને ભલે ઓછો મળ્યો છું, પણ તમે સદાયે મારી સાથે હતા.

ગેરહાજરીમાં પણ હાજરી વર્તાય એ જ સાચી હયાતી છે. સંબંધ ગમે તે હોય દરેકને પોતાની રીતે ખીલવાની મોકળાશ આપવી જોઈએ. એક પતિ-પત્નીની આ વાત છે. પત્ની હાઉસવાઇફ હતી. પતિ દરરોજ એને નાનું-મોટું કામ આપે. આજે બેન્ક જઈને આટલું કરી આવજે ને. બહાર જઈને આ વ્યવહાર પૂરો કરી આવજે ને. એક દિવસ પત્નીએ કહ્યું, તું તારાં કામ મારી માથે નાખી દે છે. તારી પાસે તો ઓફિસમાં માણસો પણ છે, એમને સોંપી દેને! બધું શા માટે મારા પર છોડે છે? તને એમ નથી થતું કે મારી વાઇફ હેરાન થાય છે? પતિએ આ વાત સાંભળીને તેને બાજુમાં બેસાડીને શાંતિથી કહ્યું, હા મને એવું નથી થતું કે તું હેરાન થાય છે. હું નથી ઇચ્છતો કે તારી હાલત પણ મારી મા જેવી થાય. તેણે માંડીને વાત કરી. મારા ડેડી બહુ ઊંચી પોસ્ટ પર જોબ કરતા હતા. તેમની પાસે માણસોની મોટી ફોજ હતી. મારાં મમ્મીને એ કંઈ જ કરવા દેતા ન હતા. બધું જ એમના માટે હાજર રહેતું. મમ્મીને કોઈ તકલીફ ન પડવી જોઈએ એવું એ ઇચ્છતા હતા. અચાનક મારા ડેડીને એક્સિડન્ટ થયો. તેમનું અવસાન થયું. મમ્મી સાવ એકલી થઈ ગઈ. એને કંઈ જ ખબર પડતી ન હતી. કોઈ કામ માટે એને ફોર્મ ભરતા પણ આવડતું નહીં. બેન્કના ઓનલાઇન પાસવર્ડની પણ એને ખબર ન હતી. એક વખત એ એવું બોલી ગઈ કે, તારા ડેડીએ મને કંઈ કરવા જ ન દીધું, કંઈ શિખવાડ્યું જ નહીં. મમ્મી સાવ લાચાર જેવી થઈ હતી. મારે એવું થવા નથી દેવું. પ્રેમ તમને લાચાર ન બનાવવો જોઈએ. કેર પણ જેટલી કરવાની હોય એટલી જ કરવી જોઈએ. ઓવર પ્રોટેક્શન કે ઓવર પેમ્પરિંગ માણસને પરાધીન બનાવી દેતા હોય છે. પરાધીન બનાવવા કરતાં સ્વાધીન બનાવવું વધુ જરૂરી છે.

છોકરીઓનું એક ગ્રૂપ ટૂર પર ગયું. એક છોકરીના પપ્પાનો દર કલાકે ફોન આવે. ટ્રેનમાં બેસી ગઈ? તેં જમી લીધું? શું જમી? હોટલમાં ચેકઇન કરી લીધું? હવે શું કરવાની? દીકરી બધાના જવાબ આપે. તેની ફ્રેન્ડને ઘરેથી કોઈનો ફોન ન આવે. બહેનપણીએ પૂછ્યું, તારી કોઈને કંઈ ચિંતા નથી? તને કેમ એકેય ફોન નથી આવતા? છોકરી હસવા લાગી. તેણે કહ્યું, ના મને કોઈના ફોન નથી આવતા. મારા ડેડીને ખબર છે કે એ ફોડી લેશે. વારેવારે પૂછવાની કોઈ જરૂર નથી. હું નીકળતી હતી ત્યારે મને એટલું જ કહ્યું હતું કે, ખૂબ જ એન્જોય કરજે. ક્યાંય અટક કે કોઈ મુશ્કેલી પડે તો મને ફોન કરજે. અત્યાર સુધી તો મને કંઈ જરૂર નથી પડી. મેં માત્ર એક વાર મેસેજ કર્યો હતો કે એવરીથિંગ ગોઇંગ ગુડ. ડેડીનો જવાબ આવ્યો કે ફાઇન, એન્જોય યોર સેલ્ફ. મારા ડેડી મને યાદ કરતા હશે, પણ એ મારા પર હાવી રહેતા નથી. મને મારી રીતે કરવા દે છે.

એક વખત હું ડેડીથી દૂર હતી. એક કામમાં મને તેમની જરૂર પડી. મને થયું કે, ચાલ ડેડીને ફોન કરીને પૂછી લઉં. પછી થયું કે પહેલાં મારી રીતે ટ્રાય તો કરવા દે. મેં ટ્રાય કર્યો. થોડી તકલીફ પડી, પણ પછી થઈ ગયું. રાતે મેં ડેડીને કહ્યું કે આવું થયું હતું, પણ મેં રસ્તો કાઢી લીધો. ડેડીએ એટલું જ કહ્યું કે તું તો મારો સાવજ છે. આઇ એમ પ્રાઉડ ઓફ યુ. સંભાળ જરૂરી છે, કેટલી જરૂર છે એની સમજ હોવી જોઈએ. આપણી વ્યક્તિને ખબર હોય કે એ છે, મારે જરૂર હશે ત્યારે એ હાજર હશે, મને ક્યાંય અટકવા નહીં દે, તો એ પૂરતું છે.

તમારી વ્યક્તિને કરવું હોય એ કરવા દો. એ ક્યાંય અટકે છે એવું લાગે તો એને ધક્કો આપો. જરાક આગળ વધારી દો. પ્રોટેક્ટ કરવું એ જ પ્રેમ નથી. પોતાની વ્યક્તિમાં જે હોય એ બહાર લાવવું એ જ સાચો પ્રેમ છે. માનસિક આઝાદી જ માણસને મુક્ત રાખે. દરેક વાત પૂછવાની કે કહેવાની પણ જરૂર નથી. તને ગમે છેને તો કર. આ જ કર કે આ ન કર એ આડકતરું બંધન હોય છે. હવે મારી ગેરહાજરી જરૂરી છે એ સમજતા હોય એને જ એની હાજરીના મહત્ત્વનું ભાન હોય છે. પોતાની વ્યક્તિને ખબર પણ ન પડે એમ હાજર રહેવું અને એને ગેરહાજરી ન લાગે એમ ગેરહાજર રહેવું એ સંબંધની સાચી સમજણ છે. અંતર ક્યારેક અતિશય નિકટતાથી પણ આવતું હોય છે. કનેક્ટેડ ન હોઈએ તો કંઈ નહીં, અટેચ્ડ હોવા જોઈએ. ગેરહાજરીમાં પણ હાજરી વર્તાય એ જ ખરું સાંનિધ્ય છે!