GEBI GIRNAR RAHASYAMAY STORY - 6 in Gujarati Horror Stories by VIKRAM SOLANKI JANAAB books and stories PDF | ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૬)

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૬)

* ગેબી ગીરનાર - એક રહસ્ય ( ભાગ-૬ )

રસસ્યમય - રોમાંચક - હોરર - સાહસ કથા.

લેખક:- વિક્રમ સોલંકી 'જનાબ'
--------------------------------------------------------

ભાગ-૬ લેટ આવવા બદલ માફી ચાહું છું. અગાઉના ભાગમાં તમે વાંચ્યું કે, ગીરનાર પહોંચીને અમે હનુમાન દાદાના આશ્રમથી થોડે આગળ આવેલ 'સંત વેલનાથ'ની જગ્યાએ ગયા ત્યારબાદ અમે ત્યાંથી ફોટા પાડવા અને કંઈક નવીન જોવાની લાલચમાં પથ્થરો ઉપર ચડીએ છીએ, પરંતુ ખૂબ ઊંચે પહોંચીને ડર લાગતાં પાછા ફરવાનો વિચાર કરીએ છીએ , એટલામાં અમને ભાવેશની બૂમ સંભળાય છે.
હવે આગળ...


ભાવેશ જે ઉતરવાની કોશિશ કરી રહ્યો હતો તેનો પગ લપસ્યો હતો. તેની રાડ સાંભળીને અમારા બધાના જીવ તાળવે ચોંટી ગયા. મારું હ્રદય એક ધબકારો ચૂકી ગયું.....

ભાવેશની બૂમ સાંભળીને અમે બધા તે પથ્થર તરફ ગયા, અમે જોયું તો ભાવેશ પથ્થરની નીચે એક હાથે લટક્યો હતો. સદનસીબે પથ્થરની ખાચ તેના હાથમાં આવી જતાં તે નીચે પડતાં બચી ગયો. નહીંતર ત્યાંથી પડીએ તો સીધા નીચે પથ્થરો પર પટકાય અને જીવીત પણ ના રહીએ.

ભાવેશ : " ભાઈ! જલ્દી કંઈક કરો નહીંતર મારો હાથ હવે છટકવાની તૈયારીમાં છે."

કલ્પેશ: " મનોજ, તારો હાથ લંબાવીને ભાવેશને ઉપર ખેંચી લે. "

મનોજ : " ભાવેશ, તારો બીજો હાથ ઉપરની તરફ લંબાવ. જોજે તારો બીજો હાથ લપસી ન જાય. "

ભાવેશે માંડ કરીને પોતાનો બીજો હાથ ઊંચો કર્યો અને મનોજભાઈએ માંડ કરીને નીચા નમીને તેનો હાથ પકડ્યો તે દરમિયાન અમે બધાએ પાછળથી મનોજભાઇને ટેકો આપ્યો હતો. જેથી ભાવેશને ઉપર ખેંચવામાં તેમને સરળતા રહે. ૧૫-૨૦ મિનિટની ભારે જહેમત બાદ આખરે અમે ભાવેશને સહી સલામત ઉપર ખેંચી લીધો.

એક મોટી મુસીબત ટળી ગઈ હતી તેથી ભાવેશ અમને બધાને ભેટી પડ્યો. અમે ભાવેશને બેસાડીને તેને પાણી પાયું. હજુ પણ ડરના લીધે તે હાંફી રહ્યો હતો. ડર તો અમને બધાને પણ ખૂબ લાગ્યો હતો કે જો ભાવેશને કંઈ થયું હોત તો અમે બધા ઘરે શું મોઢું બતાવેત! બસ હવે એજ પળોજણ હતી કે અહીંથી ઉતરવું કઈ રીતે?

અમે જોયું તે પ્રમાણે એક વાત તો નક્કી હતી કે અમે જે તરફથી ઉપર આવ્યા હતા તે બાજુથી તો ઉતરવું અશક્ય હતું અને વળી પથ્થરો ઢસળાઈને ઉતરવામાં જીવનું જોખમ પણ હતું. પર્વતારોહકો પાસે એમના પુરતાં સાધનો હોય છે જેથી તેઓ ગમે ત્યાં ચઢીને ઉતરી પણ જાય પરંતુ અમારી પાસે એવા કોઈ સાધનો નહોતાં કે જેનાથી અમે આ સીધું ચઢાણ ઉતરી શકીએ. આથી અમે કોઈ બીજો રસ્તો અપનાવવાનું નક્કી કર્યું.

અમે લોકો ત્યાં ઊભીને બધું નિરીક્ષણ કરી રહ્યા હતા અને હવે નીચે કઈ રીતે જવું તેના વિશે વિચાર કરી રહ્યા હતા એટલામાં મારા મનમાં એક વાત આવી.

મેં કહ્યું, " આશીષ! તમને ખબર હોય તો ચોમાસામાં જ્યારે ગીરનાર પર વરસાદ પડે ત્યારે ઉપરથી પાણીના ઘણાં ઝરણાઓ નીચે જંગલમાં આવે છે. તો સદીઓથી તે એક જ જગ્યાએથી પ્રવાહ પડવાથી તેનો એક શેરડો બની ગયો હોય છે. જે હંમેશા ઢાળ જેવો હોય છે. જેમાં થઈને આપણે નીચે ઉતરી શકીએ. "

આશિષ: " વાહ! જનાબ, તારી વાત એકદમ સાચી છે તો આપણે પહેલાં એ ઝરણું નીકળવાના શેરડાને શોધવો પડશે."

મારી વાત સાંભળીને તમામના નિરાશ ચહેરાઓ ફરીથી ખીલી ઉઠ્યા. મોબાઈલમાં જોયું તો ૧૧:૩૦ નો સમય થઈ ગયો હતો. એટલે કે અમારે અહીં જ બપોર થવા આવી હતી.

કલ્પેશભાઈ એ કહ્યું, " આપણે એક કામ કરીએ, આપણે જે બાજુથી આવ્યા હતા તેને બાદ કરતાં બાકીની ત્રણે દિશાઓમાં બબ્બે જણાં જઈએ તો આપણો સમય બચશે. નહીંતર બધા એકસાથે રહીશું તો સાંજ પડી જશે તો પણ નીચે નહીં ઉતરી શકીએ.

બધાને એ વાત યોગ્ય લાગી. હું અને આશિષ, મનોજ અને ભાવેશ, તેમજ કલ્પેશ અને રાહુલ એમ અમે બધા અલગ - અલગ જઈને ઝરણાંના શેરડાઓ ગોતવા લાગ્યા.

આજૂબાજુ મોટી શિલાઓ સિવાય કંઈ નજરે પડતું નહોતું. મને તો એ પણ નવાઈ લાગતી હતી કે આટલે ઊંચે ચડતા પહેલાં જ પાછા ફરવાનો વિચાર કેમ ન કર્યો! અને આટલે ઊંચે સુધી અમે ચઢી શક્યા એ પણ એક નવાઈની વાત હતી. જે હોય તે પણ અત્યારે તો મનોજ અને ભાવેશની ફોટા પાડવાની ધૂનમાં અમે એક મોટી મુસીબતમાં ફસાઈ ગયા હતા. હવે અહીંથી હેમખેમ કેમ નીકળવું એ જ મોટો પ્રશ્ન હતો.

અમે થોડે સુધી આગળ ગયા ત્યાં જ શીલાઓનો ઢાળ પૂરો થઈ ગયો જે એકદમ સીધું ઊતરાણ હતું. એટલે અમે ત્યાંથી પાછા વળી ગયા. આશિષનો ચહેરો સાવ ઉતરી ગયો હતો. અમારી જેમ મનોજ અને ભાવેશ પણ પાછા આવી ગયા હતા. દૂરથી કલ્પેશ પણ ઉતરેલા ચહેરે આવતો દેખાયો. મતલબ કે કોઈને પણ ઝરણાંના વહેવાનો રસ્તો મળ્યો નહોતો.

બધા ફરી એકસાથે ભેગા થયા. કલ્પેશે કહ્યું કે રાહુલ થોડે સુધી આગળ ગયો છે એ હમણાં આવે છે. આમને આમ એક કલાક જેટલો સમય નીકળી ગયો હતો. બધા નિરાશ થઈને ત્યાં બેસી ગયા.

આશિષ: " અમે પહેલાં જ કીધું હતું કે આપણે આગળ અજાણ્યા રસ્તે નથી જવું, છતાંપણ તમે માન્યા જ નહીં. શું જરૂર હતી અહીં ઉપર આવવાની?? કોઈ રસ્તો જ નથી નીચે ઉતરવાનો. શું કરીશું હવે?? મને લાગે છે હવે પપ્પાને જાણ કરવી પડશે કે હેલીકોપ્ટર લઈને આપણને બચાવવા આવે."

ભાવેશે હસતાં - હસતાં કહ્યું, "પણ, ફૂઆને જાણ કઈ રીતે કરવી! કારણકે કોઈના પણ મોબાઈલમાં ઊંચાઈને લીધે નેટવર્ક આવતું જ નથી."

" આપણે આવી મુસીબતમાં ફસાઈ ગયા છીએ છતાંપણ તને હસવું આવે છે? આ બધું તારા લીધે જ થયું છે. તું આ બાજુ આગળ આવ્યો જ ના હોત તો આપણે અત્યારે ગીરનાર ચડતા હોત." મેં જરા ગુસ્સેથી ભાવેશ તરફ જોઈને કહ્યું.

મનોજ: "જનાબ, તારી વાત સાચી છે. ભૂલ તો બહુ મોટી થઈ ગઈ છે. પણ કદાચ મારું આ લાલ ટીશર્ટ જોઈને કોઈ આપણને બચાવવા આવે કારણ કે આ ટીશર્ટ નીચેથી પણ બધાને દેખાતું હશે."

મેં કહ્યું, " બચાવવાની તો ખબર નહીં પણ કદાચ જો જંગલ ખાતાવાળા આપણને આટલી ઊંચાઈએ આ ટીશર્ટને લીધે જોઈ લેશે તો ઘરના બદલે આપણે જેલમાં જવું પડશે. કારણકે આવી રીતે જંગલ કે ઊંચાઈ પર મંજૂરી વિના જવું એ ગેરકાયદેસર છે. અને મેં તો એક પુસ્તકમાં વાંચ્યું છે કે આપણી જેમ ગીરનારમાં અજાણી જગ્યાએ જનારા ઘણા લોકો ભેદી રીતે ગુમ થઈ ગયેલા છે અને તેમનો આજ દિવસ સુધી કોઈ પત્તો નથી લાગ્યો."

" ભાઈ તું હવે મહેરબાની કરીને બીવડાવવાનુ બંધ કર. એક તો અહીં ફસાઈ ગયા છીએ ને તું પાછો જેલમાં જવાની અને ગાયબ થઈ જવાની વાતો કરે છે." આશિષે રડમસ ચહેરે કહ્યું.

એટલામાં દૂરથી રાહુલની બૂમ સંભળાઈ. અહીં આવો બધા જલ્દીથી. વાતોમાં રાહુલ તો આવ્યો નહોતો એ તો અમે ભૂલી જ ગયા હતા. ઘોર અંધકારમાં આશાનું એક નાનકડું કીરણ પણ પ્રકાશ ફેલાવી જાય એમ અમે બધા એકસાથે રાહુલ તરફ ભાગ્યા.

રાહુલ ઘણે આગળ સુધી આવ્યો હતો. અમે પથ્થરો વટાવતાં તેની પાસે પહોંચ્યા. રાહુલ એક ખૂબ જ મોટી અને ઊંચી શીલા પાછળની ઝાડી પાસે નાનકડી લાકડી લઈને ઊભો હતો.

" આ ઢાળ કદાચ નીચેની તરફ જતો હોય, લાકડીના ઈશારે પથ્થરોની વચ્ચે થઈને નીચે જતો ઢાળ બતાવીને રાહુલે કહ્યું ‌"

અમે બધાએ એ રસ્તો જોયો. મેં ઉપર તરફ જઈને આજુ બાજુ થોડું નિરીક્ષણ કરીને કહ્યું, " આ જુઓ આ પાણી વહેવાના નિશાન અને પાણી સાથે જે ઝાંખરા વહેતાં હોય તે પણ આ પથ્થરો ઉપર છે, એનો મતલબ કે આ જ તે મોટા ઝરણાંનો શેરડો છે."

મનોજ: " અરે વાહ જનાબ! તું તો કવિની સાથે 'આર્કિયોલોજીસ્ટ' પણ છે હો. "

" અત્યારે લગભગ એક વાગવા આવ્યો છે, અને નીચે જુઓ આ ઝરણું અહીંથી એક મોટી ગોળાઈ લઈને ફરી થોડું સીધું અને ફરી પાછું બે-ત્રણ મોટી ગોળાઈ લઈને છેક ગીરનારની બીજી તરફ જે ગીરનારના ઉતરવા માટેનાં જૂનાં પગથિયાં છે એ તરફ જંગલમાં જાય છે. અને જંગલમાં પાછો રસ્તો શોધવો પડશે એટલે આપણી પાસે સમય બહુ ઓછો છે." મેં એ ઝરણાંનો વહેવાનો માર્ગ બતાવીને કહ્યું.

મારી વાતને ગંભીરતા પૂર્વક સમજીને એ બધા પોતપોતાના થેલાઓ લઈને એ ઢાળમાં ચાલતા થયા. લગભગ અડધો કલાક સુધી ચાલ્યા ત્યાં સુધી તો પથ્થરો જ આવ્યા. પથ્થરો વચ્ચે ઊગેલા તીવ્ર અને અણીદાર કાંટા જેવા ઘાસથી સંભાળીને ચાલવું પડતું હતું. કારણકે મને અને ભાવેશને એની ફાસ વાગી ચૂકી હતી અને એ જંગલી ઘાસની ફાસ વાગવાથી તીવ્ર ખંજવાળ આવતી હતી.

હવે પથ્થરો ઓછા થયા હતા અને ઝાડીઓ આવવાની શરૂઆત થઈ ગઈ હતી. બધાએ ઝાડીઓમાંથી ટેકા માટે સોટીઓ કાપી લીધી હતી. બધાને કકડીને ભૂખ પણ લાગી હતી. નીચે ઉતરવાની પડોજણમા ભૂખ અને તરસને તો અમે ભૂલી જ ગયા હતા. પથ્થરોની વચ્ચે માટી જેવો રસ્તો આવતા હવે તમામના ચહેરા પર થોડો આનંદ પણ જોઈ શકાતો હતો. ટીખળ અને મશ્કરી પણ હવે ચાલુ થઈ ગયા હતાં. પર્વત પરની ભૂખરી માટી પરનો ઢાળ લપસણો પણ હતો એટલે જાળવી - જાળવીને બધા ચાલતા હતા.

એટલામાં કલ્પેશની રાડ સંભળાઈ. કલ્પેશ સૌથી આગળ હતો. માટીની વચ્ચે રહેલો અણીદાર પથ્થર તેને વાગ્યો હતો. બધા ધીરે - ધીરે કલ્પેશ પાસે પહોંચ્યા. જઈને જોયું તો એના જમણાં પગની પેની પાસે મોટો ચીરો પડી ગયો હતો. અને એના લીધે એનો પગ લોહીલુહાણ થઈ ગયો હતો. કલ્પેશને ખૂબજ દુખાવો થતો હોવાથી તે દૂખાવાને લીધે કણસી રહ્યો હતો.

અમે આજુબાજુ જોયું ત્યાં પાસે જ એક મોટી શીલા હતી અને ખાખરાના ઝાડની આડશ પણ હતી એટલે ત્યાં જ થોડીવાર બેસીને નાસ્તો કરવાનો વિચાર કર્યો.

કલ્પેશને પાણી પાઈને તેનો ઘાવ સાફ કર્યો ત્યારબાદ થેલામાંથી પરોઠા, નાનખટાઈ, ચીકી વગેરે બધું કાઢીને અમે ખાધું.

કલ્પેશને ખૂબજ દુખાવો થતો હોવાથી મેં કહ્યું, " આના પર રૂમાલ બાંધી દઉં નહીંતર જંગલી માખીઓ જો એના પર કરડશે તો ઇન્ફેક્શન થઈ જશે. અને અત્યારે આપણી પાસે કંઈ છે પણ નહીં. ખબર નહીં આ ' ગરવો ગીરનાર ' આપણી હજુ કેટલી કસોટી કરવા માંગે છે! "

મેં આજૂબાજુ નજર કરી તો એક મોટા અને મુલાયમ પાન વાળો છોડ હતો તેમાંથી એક પાન તોડીને તે ઘાવ પર રાખીને તેના પર રૂમાલ બાંધી દીધો.

થોડીવાર ત્યાં આરામ કરીને અમે ફરી પાછા ઢાળ ઉતરવાની શરૂઆત કરી. હજુ તો એક ભાગનો જ રસ્તો કપાયો હતો. અમે વાતો કરતા કરતા આગળ વધી રહ્યા હતા.

અચાનક એક મોટો ઢાળ આવ્યો. જેમાં ફક્ત માટી જ હતી. પગ મુકતા જ માટીની ધૂળ ભાંગીને પગ લપસાવતી હતી. અમે બધા ખૂબ સાવચેતી પૂર્વક એક એક ડગલું માંડતા હતા.

ઓચિંતા જ રાહુલ જે અમારી છેલ્લે હતો તેનો પગ લપસ્યો અને એ સીધો મારા પર પડ્યો. ઢાળ સાંકડો હોવાથી એક પછી એક એમ બધા લાઈનબંધ હતા. એ ઢાળ પર બેલેન્સ જળવાય એવું હતું નહીં. આથી હું સીધો મનોજ પર પડ્યો. એક પછી એક એમ બધા એકબીજા પર પડ્યા અને પડ્યા એવા જ નીચેની તરફ ગબડવા લાગ્યા. ઢાળ એવો લાંબો અને સાંકડો હતો કે લગભગ અમે અડધા કી.મી. સુધી ગબડતા રહ્યા. કાંટાઓ અને ઝાંખરામાં છોલાતા રહ્યા.

આખરે એ તીવ્ર ઢાળ પૂરો થતાં અમે માંડ એક જગ્યાએ આવીને અટક્યા. એ એક ખાડા જેવો ભાગ હતો. ઝરણું પડવાથી એ ખાડો બન્યો હશે એવું લાગ્યું. આગળ પણ હજુ નીચે ઢાળ જતો હતો.

અમને બધાને ચક્કર આવી ગયા હતાં લગભગ દસેક મિનિટ પછી ઊભા થઈને એક બીજાને જોયાં. હાથ પગમાં ઉઝરડા સિવાય અને કાંટાઓ લાગવા સિવાય કોઈને વધુ વાગ્યું નહોતું એ જોઈ બધાને રાહત થઈ.

મને કલ્પેશનો ઘાવ યાદ આવતાં મેં તેના પગ પર જોયું. ગબડવાને લીધે રૂમાલ કદાચ ઝાંખરામાં ભરાઈને છૂટી ગયો હતો. મેં તેને પગ ઊંચો કરવા કહ્યું. કલ્પેશે પગ ઊંચો કર્યો તો મને નવાઈ લાગી. તેના પર પાન હજુ એમને એમ ચોંટેલું હતું.

મેં પાન ઊંચું કરીને જોયું તો મને જોરદાર આંચકો લાગ્યો. હું બે ડગલાં પાછળ ખસી ગયો કારણ કે ત્યાં કોઈ ઘાવ હતો જ નહીં. હતો એવો જ પગ થઈ ગયો હતો. અમે બધા બાઘાની જેમ એકબીજા સામે જોઈ રહ્યા. કારણકે એક મોટો ચીરો એક પાનને લીધે ગાયબ થઈ ગયો હતો.

મેં ઊભા થઈ અને બધા સામે જોયું અને સીધો ઉપર ઢાળ તરફ ભાગ્યો.... જ્યાં મેં એ છોડ ને જોયો હતો....!!
( ક્રમશઃ)

આખરે આ વળી કેવું અજાયબ રહસ્ય હતું?? આ ઘાવ ઠીક કરનારો છોડ હતો ?? મને ફરી એ છોડ મળશે કે કેમ?? અમારી સાથે આગળ શું બનવાનું હતું?? જાણવા માટે વાંચતા રહો. 'ગીરનારની આ રહસ્યમય કથા‌.'


મિત્રો આપના પ્રતિભાવો મારા માટે બહુમૂલ્ય છે, સ્ટોરીને સારા રેટીંગ્સ આપીને વધુ સારૂ લખી શકું એ માટે પ્રોત્સાહિત કરશો એવી આશા રાખું છું. તમે અહીં મેસેજથી અથવા મારા વ્હોટસએપ નં 91060 18219 પર પણ આપનો મત જણાવી શકો છો.