તેણે જે ગરીબ કન્યાઓ મોટિવેશનલ ટ્રેનર, મોડેલિંગ, રેડિયો જોકી જેવી જાહેર કારકિર્દી બનાવવા ઇચ્છતી હતી તેમના માટે મફત કોચીંગ શરુ કર્યું. તેમાં ઘણી મુસ્લિમ કન્યાઓ પણ સામેલ હતી. શરૂઆતમાં તે કન્યાઓ શરમાતી, બહાર આવવાથી ડરતી હતી, પરંતુ ઘણી ખરી કન્યાઓનો માંહયલો ઊંચા ઉડવા માટે પાંખો ફફડાવતો તૈયાર હતો. તેમને ફક્ત તકની જરૂર હતી. ત્યાં તેમને તાલીમ, યોગ્ય ગ્રુમિંગ અને તક ક્યાં છે તેની જાણકારી આપવામાં આવતી હતી. બસ, તેની જ આવશ્યકતા હતી. આ બધા ક્લાસ તે ગુપ્ત નામ સાથે ચલાવતી રહી. કેસ વખતે તે હાજર થઇ જતી પરંતુ તે એટલી કાળજી રાખતી કે તેણીનો પત્તો હાફિઝને મળે નહિ.
ઘણી વાર વિચાર આવતો- શું અમુક સમાજમાં નારીને એક મિલ્કત ગણી એનો 'માલિક' જોહુકમી કરે છે એની સામે નારીઓ જ એકત્રિત થઈ કઈં કેમ નહીં કરતી હોય? અન્યાયનો પ્રતિકાર શરૂમાં તમને ઘરેલુ હિંસાનો ભોગ બનાવશે પણ આખરે આખો સમાજ સ્ત્રીને એક વ્યક્તિ તરીકે જોશે. અને તો જ સમાજ ઉપર આવશે. સ્ત્રી જો એક રાચરચીલાં જેવી, મૂલ્યવાન 'એસેટ' કે સાવ નકામી ચીજ કે સ્વરૂપવાન હોય તો ઘરનો એક શો પીસ ગણશો અને પુરુષને તેને વસાવનાર, તો એકલા પુરુષોથી સમાજ નહીં ચાલે. નજાકત, રૂપ, કોમળતા, ઋજુતા અને સહુથી મહત્વનું, સહનશીલતાજ સ્ત્રીને કોઈ પણ ક્ષેત્રમાં સફળતા અપાવી શકે છે. પોતે એ વાત દરેક તાલીમાર્થી યુવતીને સમજાવતી. તેમનામાં આત્મવિશ્વાસ જગાવવામાં તે સફળ રહેલી.
હાફિઝ જો ખોટા કેઇસ પડતા મૂકે તો પોતે તેની સાથે રહેવા હજુ તૈયાર હતી. પણ એક સમકક્ષ વ્યક્તિત્વ તરીકે. એ ઘરની એક ચીજ, એક મિલકત તરીકે નહીં, જેને એક પાણીનો ગ્લાસ આપતાં વાર થઈ તો.મારપીટ નો સામનો કરવો પડેલો.
અત્યારે તો તેણી જૂની કોઈ યાદ ખોતરવામાં માનતી ન હતી અને તેને એવો સમય પણ હવે ન હતો.
તેણીએ તાલીમ આપી તૈયાર કરેલી કેટલીક છોકરીઓને એસાઇનમેન્ટસ પણ મળ્યાં અને તેમનાં માતાપિતા પણ તેમને મદદ કરવા તૈયાર હતાં . બીજી કેટલીક બાળાઓની કારકિર્દી બની.
બીજાં પાંચ વર્ષ વીતી ગયાં. તેણી હવે ઉત્તર ભારતમાં શાખા ધરાવતી કંપનીમાં મોડેલીંગ કરવા લાગી.
ફરીથી તેણીએ પહેલી જ્વેલર્સ કંપનીનો કોન્ટ્રેક્ટ સ્વીકાર્યો, અને ફરીથી મુંબઈ આવી- આ વખતે બે બ્લૅકબૅલ્ટ સ્ત્રી રક્ષકો સાથે!
ફરીથી એ જ કેમેરા, એ જ જાણે સુવર્ણ મઢયું હોય તેવી અદભુત ચમકતી ગોરી કાંતિ ભરી દેહ્યષ્ટિ. ફરી મૂલ્યવાન વસ્ત્ર પરિધાન પર ચમકતું સોનું. તેણીએ કેમેરા સામે પોઝ આપ્યો અને એ જ માદક અદાકારી સાથે, આત્મવિશ્વાસથી છલકતું સ્મિત લહેરાવ્યું.
દિગ્દર્શક નાચી ઉઠયા. "બહોત ખુબ મેડમ. તમે અમારી એડ કંપનીની એસેટ છો. એક સાવ નકામો પુરુષ મોડેલ .. શું નામ .. હાફીઝ .. પુરુષોના લગ્નના પોશાકની જાહેરાતમાં 30 શોટ પછી પણ સરખું કરી શક્યો નહીં. કોણ જાણે કોણે આવો કચરાપટ્ટી જેવો આ નોન પરફોર્મિંગ એસેટ, સાવ માથે પડેલો મોડેલ મોકલેલો!”
તેને પોતે ન જાણતી હોવાનો ડોળ કરતાં તેણીએ પૂછ્યું, " હવે તે ક્યાં છે? "
" એક ટ્રિપલ તલાક કેસમાં જેલના સળિયા પાછળ."
તેણીએ આત્મ સંતોષ, દયા, અનુકંપા જેવી કેટલીક મિશ્ર લાગણીઓ અનુભવી.
એક સવારે જ્યારે તેણી એક સ્ટુડિયોમાં જવાની તૈયારીમાં હતી ત્યાં ડોરબેલ વાગી. દરવાજો ખોલતાં કેટલીક છોકરીઓ તેણીને માન સહ આમંત્રણ આપવા આવી હતી. સાથે એક સાહેબ હતા. એ સહુએ જેલના કેદીઓ સાથે રહી કોઈ દેશભક્તિની સરકારે સ્પોન્સર કરેલી એડફિલ્મ શૂટ કરવાની હતી. એ પહેલાં સાથે આવેલ એ સાહેબે તેને એક સોનેરી ચેઈનમાં મઢેલી કી આપી. એ સાહેબે કહ્યું "મેડમ, તમારું અમે ... સંસ્થા બહુમાન કરીએ છીએ. ખાસ તો પછાત કહેવાતા સમાજની ગરીબ છોકરીઓને ઉપર લાવવા માટે આપે ઘણું કર્યું છે. ટોકનમાં, બીજા શહેરની છોકરીઓને પણ વધુ સારી રીતે સેવા આપવા માટે અમે તમને એક કાર પ્રદાન કરીએ છીએ. તમે, પ્રતિષ્ઠિત મોડેલ હોવા છતાં, નિરાભિમાની છો અને દરેક વર્ગની સ્ત્રીઓને ઊંચે લાવવા સારી સેવાઓ આપો છો. આપણા દેશ માટે આપ એક એસેટ છો. "
એડ ફિલ્મના શૂટિંગ પહેલાં સહુ સાથે એ જેલની ઓફિસમાં બેઠી હતી. એક કેદી હાથમાં ટ્રે લઇ સહુને પાણી આપવા આવ્યો. પાણીનો પ્યાલો લેતાં તેણીની દ્રષ્ટિ કેદી સાથે મળી. કેદી એક વખત પાણીનો પ્યાલો આપવામાં મોડું થતા પોતાને મારઝૂડ કરનાર તેનો એક વખતનો ખાવિંદ હાફિઝ હતો.
*****
સમાપ્ત