સવાર ના ૧૧ એક વાગતા બધા રિપોર્ટ આવ્યા, પણ કાલ નો ભય હજુ ઓછો નહતો થયો. રિપોર્ટ વાંચીને ડૉક્ટર એ વાત પાછી દોહરાવી, યશ્વી નું શરીર અત્યારે નબળું છે, એ આ ગર્ભને પોષી શકશે કે કેમ? એ સમય પર આધારિત છે. અને આગળ જતા યશ્વીના જીવ પર પણ જોખમ થઇ શકે છે. મારી તો એક જ સલાહ છે કે અત્યારે આ ગર્ભ ને... ..જેમ કૃષ્ણ ના બોલ ને અર્જુન સાંભળતો હોઈ તેમ વિરાજ ડૉક્ટરના એક એક શબ્દને એટલી જ એકાગ્રતા થી સાંભળતો હતો. ડૉક્ટરની કેબિનમાં વિરાજ, શ્રીકાંતભાઈ અને ડૉક્ટર આ ગંભીર ચર્ચા કરતા હતા, ત્યારે હવે આગળ શું નિર્ણય કરવો એ વિરાજને ખબર નહતી પડતી. સાવ મૂઢ બની ગયલે વિરાજની સામે ૨ વર્ષ પહેલાની ઘટના તાજી થઇ ગઈ. યશ્વીને મિસકેરેજ થઇ ગયું હતું. અને એ ઘટના પછી યશ્વી સાવ નિર્જીવ હાલતમાં આવી ગઈ હતી. પરિવાર અને વિરાજના ઘણા પરિશ્રમ પછી માંડ કરીને યશ્વીને એ હાલત માંથી બહાર લાવ્યા હતા. અને હવે ફરીથી યશ્વીની એ હાલત? ના, હવે યશ્વીના જીવ ઉપર કોઈપણ જોખમ નથી લેવું. હવે આગળ શું કરવું એ વિરાજે મનોમન નક્કી કરી જ લીધું હતું. તેમ છતાંય એને યશ્વીની સાથે ચર્ચા કરીને પછી નિર્ણય લેવાનું નક્કી કર્યું.
ડોક્ટરે નિયમિત લેવાની અમુક દવાઓ લખી આપી. નિયમિત આહાર અને રોજિંદા જીવનમાં અમુક વાતે કાળજી રાખવાનું કહીને યશ્વી ને ઘરે લઇ જવા માટે રજા આપી. ઘરના લોકોમાં હવે એક બીક પેસી ગઈ હતી. ઘરમાં બીજીવાર આવેલા આવા સમાચાર થી ખુશ થવું કે પછી ડૉક્ટર એ કહેલી વાતથી દુઃખી થવું એ નક્કી નહતું થતુ. છતાંય મનને શાંત રાખીને ઘરના બધા જ સભ્યો યશ્વીને ખુશ રાખવા મથતા હતા.
બીજા દિવસની સવારના હજુ ૭ એક વાગ્યા હશે,આંખ ખુલતા ની સાથે જ વિરાજ સફાળો ઉભો થઇ ગયો. યશુ? યશ્વી ક્યાં છે? આમ તેમ નજર ફેરવી પણ રૂમ માં યશ્વી નહતી. આખા ઘરમાં શોધી પણ ક્યાંય યશ્વી નહતી. વિરાજ ડરી ગયો અને બેબાકળો થઇ ઘરની બહાર બગીચા તરફ દોડ્યો. આમ તેમ જોતા વિરાજની નજર બગીચા માં હીંચકા તરફ ગઈ અને યશ્વી ને જોવા અધીરો થયેલો વિરાજ શાંત થયો. યશ્વી હીંચકા પર બેસીને પોતાની ડાયરી માં કંઈક લખી રહી હતી. યશ્વીને પોતાની નજર સમક્ષ જોતાંજ જાણે આંખોમા ટાઢક વળી હોય એમ લાગ્યું. એ હળવેથી જઈને યશ્વીની પાસે બેઠો અને એની ડાયરીમાં વાંચવા પ્રયત્ન કર્યો ત્યાંજ યશ્વીએ ડાયરી બંધ કરી દીધી અને હળવું હસીને કહ્યું, સિક્રેટ છે મારુ અને બેબીનું. વિરાજના મનમાં દુઃખ થયું છતાંય સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કરીને યશ્વીનો હાથ પકડ્યો અને કહ્યું, યશુ! હું સમજુ છું કે આપણા માટે આવનારું બાળક કેટલું મહત્વનું છે. આપણે કેટલા વર્ષોથી આ ક્ષણની રાહ જોતા હતા. પણ મારા માટે આ બાળક તારા થી વધુ નથી! આવી વાત સાંભળીને યશુ ના ચહેરા પર નારાજગી સાથે ગુસ્સાની આછી લકીરો તણાઈ ગઈ. કહેવા શું માંગે છે તું વિરાજ? આ ગર્ભ મારા માં ૨ મહિનાથી છે. એ હવે હમણાં એક બાળકનું સ્વરૂપ લેવા માંડશે. તું કહેવા શું માંગે છે?
ડૉક્ટરની વાતથી પરિચિત, છતાંય અજાણ યશ્વીના પ્રતિભાવ જોઈ વિરાજ થોડીવાર રડમસ થઇ ગયો. પણ યશુ! આ બાળક તારા માટે ખતરા રૂપ છે... વાક્ય પૂરું થાઈ એ પહેલા જ વચ્ચેથી અટકાવીને યશ્વી બોલી, હજુ જે બાળક એ આકાર પણ લીધો નથી, એ મારા માટે ખતરા રૂપ કેમ હોઈ શકે? ને આ ડોક્ટર્સ તો ડરાવે છે. હું આ બાબતે કોઈજ આડા-અવળા નિર્ણય નહિ લવ. હું એકદમ તંદુરસ્ત બાળક ને જન્મ આપીશ. તું જોજે આપણે બન્ને સાથે જ છઠ્ઠી ના દિવસે એનું નામ પાળીશું. અચાનક આટલી મજબૂત થઇ ગયેલી યશ્વીને જોઈને વિરાજને હવે વધુ ડર લાગવા માંડ્યો હતો. એ યશ્વીને સમજવા અને સમજાવા અસમર્થ હતો. એટલે છેલ્લે એને પોતાના માતા-પિતા અને યશ્વીના માતા-પિતાને બોલાવીને કંઈક નિર્ણય લેવાનું વિચાર્યું.
સાંજના ૭ એક વાગ્યા હશે. વિરાજ ઓફિસએથી હજું આવ્યો નહતો. ને આજે શ્રીકાંત ભાઈ એ અડધા દિવસની રજા લીધી હતી. યશ્વીના માતા-પિતા મંજુબેન અને મનોજભાઈ ને વિરાજ ના માતા પિતા મધુ બેન ને શ્રીકાંત ભાઈ બધા મેઈન હોલમાં બેઠા હતા. યશ્વી અને શીતલ બધા માટે ચા-નાસ્તાની વ્યવસ્થા માં હતા. યશ્વી અંદરથી જ વાતમાં ટહુકા પુરાવતી બહાર આવી ને ત્યાંજ વિરાજ આવ્યો. આછા સ્મિત સાથે વિરાજએ બધાને આવકાર્યું. યશ્વી એનું બેગ લઇ બેડરૂમમા મુકવા ગઈ.
થોડીવાર આમ તેમ વાતો અને ખબર-અંતર પછી વિરાજ એ વાત શરૂ કરી. તમને ચારએય ને અહીંયા સાથે બોલવાનું એક જ કારણ છે, યશ્વીને સમજાવી... ડૉક્ટરએ કહ્યું છે કે હજુ યશ્વીનું શરીર આ બાળક માટે તૈયાર નથી, બને એવું કે કાલે આ બાળકને લીધે યશ્વીના શરીર પર ખતરો આવે. હું આવું કંઈ જ ઈચ્છતો નથી. હું હવે કોઈપણ કાળે જોખમ લેવા માંગતો નથી. હજુ અમારી ઉમર જ શું છે? બાળક ફરી પ્લાન કરી શકાશે, જયારે યશ્વીનું શરીર એ માટે તૈયાર હશે. અત્યારે મને લાગે છે ત્યાં સુધી... કહેતા વિરાજ શબ્દો ગળી ગયો અને યશ્વીના મમ્મીની આંખ માંથી આંસુ સરી પડ્યું.
યશ્વીને થોડા સમય માટે મેઈન હોલમાં આવવાની પાબંધી હતી, છતાંય યશ્વી તેને તોડીને મેઈન હોલમાં આવીને બેઠી. તમે લોકો મારી સામે વાત કરો. આ મારું બાળક છે, મને જાણવાનો હક છે કે તમે શુ નિર્ણય લેવા મથો છો. આગળ થયેલ ચર્ચા પ્રમાણે યશ્વીના પપ્પા ઉભા થઈને યશ્વીની પાસે જઈને બેઠા. એમને યશ્વી ના માથા ઉપર હાથ મૂકી ને કહ્યું કે જો બેટા જીદ ના કર મારા દીકરા, વિરાજ સાચું કહે છે. તું એની વાત માન. યશ્વી એ આશ્ચર્ય સાથે વિરાજ સામે જોયું, વિરાજ નજરો મેળવવાનું ટાળતો હતો. તે ઉભો થઇને મોટી બારી પાસે જઈને સ્થિર અવાજ એ બોલ્યો. યશ્વી! આપણે આ બાળકને જન્મ નહિ આપીયે. આટલું સાંભળતાની સાથે જ યશ્વીની આંખમાં પાણી આવી ગયા અને તે રડમસ અવાજે બોલી, તને ભાન પણ છે? તું શું બોલે છે? હું જીવનના એ તબ્બકા માં છું કે જેની રાહ દરેક સ્ત્રી જોતી હોઈ છે. આ કોઈ રમત વાત નથી વિરાજ... કહેતી ઉભી થઇ ગઈ. વિરાજ એની નજીક ગયો અને તેનો હાથ પકડીને કહ્યું, યશુ! મહેરબાની કરીને મારી વાત ઉપર જરાક વિચાર. તને કંઈ થશે તો અમે જીવી નહિ શકીયે. પણ મને કંઈ થશે જ નહિ ને. તું આવું કેમ વિચારે છે? જો સાંભળ હું જોબ માંથી રિઝાઇન આપું છું, અને હવે ના સાત મહિના મારુ પૂરું ધ્યાન આ બાળક અને મારા પોતાના પર જ રહેશે. અને ડૉક્ટરએ કહ્યું છે કે સંભાવના છે, સત્ય નથી. વિરાજ તું કેમ સમજતો નથી, આવી કેટલીય દલિલોના અંતે પરિવાર દ્વારા એમ નક્કી થયું કે હજુ બીજા બે ડૉક્ટર નો અભિપ્રાય લેવાશે અને પછી જ નિર્ણય કરીશું. જે યશ્વીને પણ માન્ય રાખવો પડશે.
બેંગ્લોરના શ્રેષ્ઠ ગાયનૅકોલૉજિસ્ટનું લિસ્ટ તૈયાર થયું, અને એમાંથી બે ડોકટર શોર્ટ લિસ્ટ થયા. એમાં એક હતા ડો. સિદ્ધાર્થ શર્મા અને બીજા ડો.શરદ શેટ્ટી. આ બંને બેંગ્લોરના સૌથી શ્રેષ્ઠ અને ખુબ જ પ્રખ્યાત ડોક્ટરસ હતા. બંને ડોક્ટરો ને મળવાની અલગ અલગ તારીખ લેવામાં આવી. તારીખ પ્રમાણે વિરાજ અને યશ્વી ડો. સિદ્ધાર્થ શર્મા ની હોસ્પિટલ પહોંચ્યા. હોસ્પિટલમાં ભીડ ઘણી હતી, છતાં વ્યવસ્થા ઘણી ઉત્તમ હતી. એકદમ સ્વચ્છ અને પ્રમાણમાં ઘણી શાંતિ હતી. કહેવાતું હતું કે ડો.શર્મા ઘણું ઓછું બોલતા પણ નિર્ણાયક બોલતા.
યશ્વી ના અમુક ટેસ્ટ બાદ ડો.શર્મા એ બંન્ને ને પોતાની કેબિનમાં બોલાવ્યા. ડૉક્ટર બધા રિપોર્ટ્સ જોઈ રહ્યાં છે અને સામે યશ્વી અને વિરાજ બંન્ને ના મનમાં વિચારોના વાદળો ઉમટતા જાય છે.બંન્ને ના ચહેરા ઉપર ચિંતા અને ડર દેખાઈ રહ્યો હતો. બધા રિપોર્ટ વાંચ્યા પછી ડો.શર્મા એ સીધું જ કઈ દીધું, બાળક (હજુ તો એક ગાંઠ છે) નો વિકાસ પૂરતો છે, પણ એની અસર એના માતાના શરીર પર થઇ શકે છે. યશ્વી શારીરિક રીતે નબળી છે. અત્યારે બે ઓપ્શન છે, સમય રહેતા ગર્ભને કાઢીને યશ્વીના શરીર ઉપર રહેલા જોખમને દૂર કરો અથવા તો જોખમ ખેડીને નવ મહિના પછી પરિણામની રાહ જુવો. અને હા! એ શુભ પણ હોઈ શકે છે... જો સમયાંતરે વ્યવસ્થિત તપાસ અને યોગ્ય સારવારની સાથે સાથે જો પૌષ્ટિક ખોરાક લેવામાં આવશે તો શુભ પરિણામની આશા વધુ છે. યશ્વી હરખાઈ ઉઠી અને કીધું હું પુરેપૂરું ધ્યાન રાખીશ અને કોઈપણ કચાસ નઈ રહેવા દઉં. હવે આ જીદ કહો કે શ્રદ્ધા, એ જે કંઈપણ હતું એ યશ્વીને હતું. બાકી બધાને એક જ લાગણી હતી, ડર!!! બીક!!! બીજા ડોક્ટરના મંતવ્યમાં પણ જાજો તફાવત ન હતો. છેલ્લે સામે વાત એજ આવી કે દુવા અને દવા બંને પૂરતા હશે તો સારા સમાચાર જરૂર થી આવશે.
દિવસો વીતતા જતા હતા, હવે વિરાજએ પણ યશ્વીનો નિર્ણય/જીદ સ્વીકારી લીધા હતા. હવે તો એને પૂરું ધ્યાન યશ્વીની સારવાર પર લગાવી દીધું હતું. આ બધી વાતને પાંચ મહિના વીતી ગયા. હવે યશ્વીને સાતમો મહીનો ચાલુ થયો હતો. શરીરે ઘણી હુસ્ટ પૃષ્ટ થઇ ગયેલી યશ્વીનું શ્રીમંત ભરવાનો દિવસ આવ્યો. આખા ઘરમાં દિવાળી જેવી સજાવટ હતી. આખું ઘર ફૂલોની સુગંધથી મહેકતું હતું.
બધા મહેમાનો આવીને યશ્વી અને એના આવનારા બાળકને શુભેચ્છા અને આશિષ આપતા હતા. વિરાજ જાણે કોઈ સુખદ સપનામાં જીવતો હોઈ એવું લાગતું હતું. યશ્વી ખુબ જ ખુશ દેખાઈ હતી. કોઈપણ શ્રીંગાર વગર એ સાદગી માં જ ખુબ જ સોહામણી લાગતી હતી. એના માતા-પિતા પણ અત્યંત ખુશ દેખાતા હતા. પ્રસંગ ધીમે ધીમે થાળે પડ્યો. યશ્વી અને વિરાજને હળવાશની પળો મળતા જ વિરાજ યશ્વીની પાસે જઈને બેઠો. પ્રસંગના લીધે થાકીને સુતેલી યશ્વીએ જરાક ઉભા થવાનો પ્રયત્ન કર્યો ત્યાં વિરાજ, ના ના યશ્વી! સૂતી જ રે, આરામ કર. આજ ના આખા દિવસનો થાક તારા ચહેરા ઉપર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. યશ્વીએ હળવેકથી તેનું માથું વિરાજ ના ખોળામાં રાખીને સુવાનો પ્રયત્ન કર્યો એટલે વિરાજ એ એની મદદ કરી. હા વિરાજ! આજે જરાક થાક અનુભવાય છે, પણ તું છે ને! યશ્વી એ કહ્યું. વિરાજએ યશ્વીના માથે હાથ મુક્યો ને કહ્યું, હું અનુભવી શકું છું કે આ બધું જ તારા માટે કેટલું બધું અઘરું છે. ના જાતે ઉઠી શકે ના જાજુ ચાલી શકે. વારે વારે શ્વાસ ચડી જવાની તકલીફ અને એવી બીજી કેટલીય તકલીફો. ડૉક્ટરના કહ્યા પ્રમાણે બાળકનું વજન સાધારણ બાળક કરતા ઘણું સારું છે, અને સાથે એ પણ ઉમેર્યું કે આ વિરાજની વધુ પડતી કાળજી અને પ્રેમનું પરિણામ છે. રોજ સવારે નિયમિત કસરત કરવા લઇ જવું અને સાથે પૌષ્ટિક ખોરાક. આ બધા ના લીધે બાળક એકદમ તંદુરસ્ત છે.
એકાદ મહિના જેવુંય પૂરું નઈ થયું હોઈ ને રાત્રે ૪.૩૦ વાગ્યાની આસપાસ અચાનક યશ્વીને દુખાવો ઉપડ્યો. હજુ તો આઠમાં મહિનાની શરૂવાત જ છે. ગભરાઈ ગયેલા વિરાજએ ઉતાવળે બધાને જગાડ્યા ને હોસ્પિટલ જવા ગાડી કાઢી. મધુબેન અને શીતલની મદદથી યશ્વીને ગાડીમાં બેસાડી. ભયંકર પીડાના લીધે યશ્વી ચીસો પાડતી હતી. મધુ બેન એને શાંત કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પણ એનો કોઈ જ ફાયદો નહતો. યશ્વીની ચીસો અને બીજી બાજુ "છેલ્લી ઘડીયે જ નિર્ણય થાઈ" એવો છ મહિના પહેલા ડોકટરનો રિવ્યૂ એક સાથે વિરાજના મગજમાં લાવારસની જેમ ઉભરાઈ રહ્યા હતા. છતાંય શાંત રહેવાનો પ્રયત્ન કરતા ઠાકોરજી રક્ષા કરજો બબડતો વિરાજ ગાડી ચલાવતો હતો. ૨૫ મિનિટ પછી હોસ્પિટલએ પહોંચતા જ ઈમરજન્સી કેસમાં ડૉક્ટરને બોલાવી લેવાયા હતા. યશ્વીને વોર્ડમાં ખસેડાઇ. એક હાથમાં પેન પેપર લઇને નર્સ બહાર આવી જેમાં લખ્યું હતું કે “આ ઓપેરશન માટે હું પરવાનગી આપું છું. જેમાં કોઈપણ પરિણામ માટે ડૉક્ટર જવાબદાર નથી.” આવું ફોર્મલ ફોર્મ બધાએ ભરવાનું જ હોઈ છે. પણ આજે વિરાજ માટે આ એક સહી એ જીવ ગળામાં અટવાવી દીધો હતો. મન મક્કમ કરીને એને સહી કરી, અને છેલ્લેય એને સિસ્ટરને કહી દીધું, યશ્વીના જીવનું ઇમ્પોર્ટન્સ વધુ છે. જાણે સાંભળ્યું ના હોઈ એમ સિસ્ટર તરત વોર્ડ તરફ ચાલતી થઈ.
કેટલાય સારા ખરાબ વિચારો મનમાં ઘમાસાણ યુદ્ધ કરતા હતા. શું થશે? શું કરું? હું કેટલી વાર ના પાડતો હતો કે યશ્વી તું ખતરા રૂપ નિર્ણય ના લે. આપણે પછી વિચારીશુ, મને કોઈ ઉતાવળ નથી, વગેરે વગેરે એકલો એકલો બબડતોતો. બહુ જિદ્દી છે, આજ જીદ એક દિવસ મારો જીવ લેશે. સાવ રડમસ થઇ ગયેલા વિરાજના ખભા પર હળવેથી કોઈએ હાથ રાખ્યો, પાછળ યશ્વીના માતા-પિતા હતા. યશ્વીના પિતાને ભેટીને વિરાજ રડવાની તૈયારીમાં હતો ત્યાં જ એના પિતાએ પીઠ થપથપાવી કીધું હિંમત રાખ બેટા બધું સારું થશે , યશ્વી બહાદુર છે, ખુબ જ હિમ્મત વાળી છે. બધું મંગળ થઇ જશે. ઠાકોરજી પર શ્રધ્ધા રાખ.
દોઢ કલાકની રાહ જોયા બાદ વોર્ડનો દરવાજો ખુલ્યો. ડૉક્ટર બહાર આવ્યા. એક સેકન્ડ માંજ બધા સતર્ક થઇ ગયા. એક જ વાક્ય સાંભળવા વિરાજ અધીરો થતો હતો, શુ થયું હશે? યશ્વી કેમ છે? બાળક કેમ છે? કેમ આઠમાં મહિને જ આવું થઇ ગયું? આવા કેટલાય પ્રશ્ર્નો મગજમાં દોડે છે. ડોકટર હજુ કશું બોલે ત્યાં અંદરથી બાળકના રડવાનો અવાજ આવ્યો. આવાજ સાંભળતા ની સાથે જ વિરાજ જમીન પર બેસી ગયો. જાણે તરસ્યા ને ઝરણું મળે એવી શાંતિ એના જીવ ને મળી હતી. યશ્વીએ દીકરીને જન્મ આપ્યો છે ના સમાચાર સાથે ફરી બાળક ના રડવાનો અવાજ કાને પડ્યો.
બધા જ એકબીજાને શુભેચ્છા પાઠવવા લાગ્યા, જાણે આ સમાચાર ખુશીઓનું પૂર લઈને આવ્યા હોય એમ બધા જ ખુશ થઇ ગયા. ત્યાં અચાનક વિરાજ એકદમથી ઉભો થઇ ગયો. ડૉક્ટર, યશુ! મારી યશ્વી કેમ છે? એ ઠીક તો છે ને??? ડૉક્ટર એ કહ્યું, 3/4 કલાક પછી મળી શકો છો. અત્યારે તો એ ભાનમાં નથી. પણ કહેવું પડશે કે જેના માટે મેં છ મહિના પહેલા કહ્યું હતું કે યશ્વીનું શરીર ખુબ જ નબળું છે એ મન થી આટલી બધી મજબૂત હશે એ મને અંદાજો જ નહતો. એક સમય બાળકનું વજન અને યશ્વીની હાલત જોઈને મને આશ છૂટી ગઈ હતી. ત્યારે એને કહ્યું કે મારે અને બાળક ને બંને એ જીવવા નું જ છે. એના દ્રઢ મનોબળથી મનેય હિંમત મળી અને છેલ્લે એક ફૂલ જેવી બાળકી નો જન્મ થયો.
આ બધો જ સંવાદ બંને પરિવાર સાંભળતા હતા. વિરાજ તો ક્યારનો દરવાજા પાસે ઉભો રહીને દૂરથી બાળકી અને યશ્વીને જોઈ રહ્યો હતો. આંખમાં ભીનાશ અને હોઠ પર સંતોષ નું સ્મિત હતું.