WAT'S APP in Gujarati Short Stories by DINESHKUMAR PARMAR NAJAR books and stories PDF | વોટ્સએપ...

Featured Books
Categories
Share

વોટ્સએપ...

વોટ્સ એપ.... વાર્તા.... દિનેશ પરમાર નજર

**************************************
ચાંદની સમજી અમે મુઠ્ઠી ભરી
મુઠ ખોલી ત્યાંજ તડકો નીકળ્યો
ધૂની માંડલિયા
_______________________________

સાંજના સમયે રોજની જેમ હું મારા ફ્લેટમાંથી ઉતરી પાર્કિંગ માં આવ્યો. બહારના ભાગે નીકળતા રસ્તાની બાજુમાં ફળફળાદિ વેચતા ભૈયાજી એ હાથ જોડી
કહ્યું, " જય રામજી કી."

" જય રામજી કી . " બોલીને રસ્તો ક્રોસ કરી હું સામેની તરફ ચાલ્યો ગયો. રોજની જેમ મારી સાથે મારી દોહિત્ર ગાર્ડનમાં નાના બાળકો સાથે રમવા સાથે હતી.

ફૂટપાથ પર ચાલતા ચાલતા આગળ ગયા પછી મુખ્ય રસ્તો ક્રોસ કર્યા બાદ સીધા રસ્તે જતા ડાબા હાથેઆવેલ મલ્ટિપ્લેક્સ થિયેટરથી આગળ નાસ્તાની દસ-પંદર લારીઓ વટાવી તરત જ નગરપાલિકાનો ગાર્ડન આવેલો છે. આ ગાર્ડનમાં સાંજના સમયે મારા જેવા ઘણા મિત્રો લટાર મારવા અને સમય પસાર કરવા આવે છે. હું પણ રોજ જાઉં છું

મુખ્ય રસ્તા પાસે સાંજ ના સમયે ટ્રાફિક રહેતો હોય છે. ટ્રાફિક સિગ્નલ બંધ હોઇ હું મારી દોહિત્રની આંગળી પકડી સિગ્નલ ચાલુ થવાની રાહ જોતો હતો.
ત્યાં જ.. . .....

ટ્રાફિક સિગ્નલ નો ભંગ કરી ડબલ સવારી બાઇકવાળો રસ્તો ક્રોસ કરવા ગયો. તે સમયે સામેથી આવતી સ્વીફ્ટ ડિઝાયર ગાડીની ટક્કર વાગતા તે અને તેનો સાથી રોડ પર પટકાયા.તેનો સાથી તરત ઊભો થઈ ગયો પરંતુ જે બાઇક ચલાવતો હતો તેને ઢીચણ ના ભાગે અને મોઢાના ભાગે ઈજા થઈ હતી. આ અકસ્માતના કારણે લોકો આજુબાજુ ભેગા થઈ તમાશો જોતા હતા પણ કોઈ મદદ કરવા જતુ ન હતું.

અચાનક મારું ધ્યાન મારા મિત્ર રશ્મિકાંત તરફ ગયુ. તે ઈજા થયેલ યુવાનની બાજુમાં જ એકટીવા લઈને ઉભો રહી ગયો હતો. તેની પાછળ બેઠેલા ભાઈએ કહ્યુ." રશ્મિકાંત ઉભો રે હું જરા પેલા ભાઈને ઉભો કરી એક બાજુ બેસાડું તેને વાગ્યુ લાગે છે."

રશ્મિકાંત પાછળ થી એનો હાથ પકડતા બોલ્યો ," બે રહેવા દે ને ખાલી ખોટા લફડા માં ક્યાં પડવું, આપણે શું લેવા દેવા? તેણે સંભાળીને ચલાવવું જોઇએ ને?" એટલું બોલી તેણે એકટીવા મારી મૂકી.

આ જોઇને રોડની સામેની તરફ ઉભેલા શાકભાજીની લારીવાળા બેન નો 12 વર્ષનો નાનો છોકરો , હાથમાં પાણી ની બાેટલ લઇ દોડતો ત્યાં ગયો, અને આ સમય દરમ્યાન પડી ગયેલાે યુવાનધીરે રહીને ઊભો થતા , તેનો હાથ ઝાલી રસ્તાની બાજુ પર આવેલી સર્વિસ રોડની પાળી પર બેસાડવામાં મદદ કરી. પછી બોટલ તેની સામે ધરી.

મારી મજબૂરી એ હતી કે મારી સાથે છ વર્ષની મારી દોહિત્ર હતી અને ટ્રાફિકના કારણે, તેની આંગળી મારે પકડી રાખવી ખૂબ જ જરૂરી હતી આથી ધારું તો પણ મદદ કરી શકુ તેવી હાલતમાં ન હતો.

શાકભાજી વેચતા બેનનો છોકરો જ્યારે પરત ફરી રહ્યો હતો ત્યારે મેં તેને બુમ પાડી બોલાવ્યો," તારું નામ શું છે? તારી માને શાકભાજી વેચવા માં મદદ કરે છે? ભણે છે ખરો?"
" સાહેબ મારું નામ ચંદુ છે, સાતમા ધોરણમાં ભણું છું, મારે સવારની સ્કૂલ છે એટલે બપોર પછી મા ને મદદ કરું છું"

આ વાતચીત દરમિયાન તેના મોબાઈલ ની રીંગ વાગી તેણે ગજવામાંથી મોબાઈલ કાઢ્યો.નોકિયાનો સાદો મોબાઈલ હતો. મોબાઇલ ઉઠાવ્યા વગર તેણે સામેની તરફ તેની મા તરફ જોયું. ને ઈશારો કર્યો કે આવું છું.
તેણે જતા પહેલા મારી સામે જોયું, મારા થી સહજ પુછાય ગયુ ." સાદો મોબાઈલ છે? સ્માર્ટફોન નથી?, જેમાં વોટ્સ એપ પણ જોઇ શકાય?"

" ના સાહેબ, મારા બાપુજી 3 મહિના પહેલા જ લીવર ખરાબ થવાના કારણે ગુજરી ગયા છે. મારાથી એક નાનો ભાઈ અને એક બહેન છે. એટલે આ શાકભાજીની લારી માં માંડ આ ફોન મા એ અપાવ્યો છે." આટલુ બોલી તે રસ્તો ક્રોસ કરી સામેની તરફ લારી બાજુ દોડી ગયો.

હું આ ગરીબ છોકરાની માનવતા, બાપ ગુજરી જવાના કારણે,તેમજ વિકટ સંજોગોને આધીન તેનામાં આવેલી મેચ્યોરિટી અને સમજણને મનોમન વંદી રહ્યો.

અચાનક મને યાદ આવ્યુ મેં ગજવામાંથી મોબાઈલ કાઢ્યો અને વોટ્સ એપ ઓપન કર્યુ. આજે સવારે રશ્મિકાંતે મોકલેલ મેસેજ ફરી એકવાર વાંચ્યો.

" કોઈની મુશ્કેલીમાં મદદરૂપ થતા જે આનંદ પ્રાપ્ત થાય છે. તેનું વર્ણન કરવું મુશ્કેલ છે. તમે જ્યારે કોઈને મદદ કરો છો ત્યારે તેના અંતરમાંથી આશીર્વાદ વરસે છે , જેનાથી ઈશ્વર ખુશ થઈ તમારા મુશ્કેલ સમયમા ,મદદ કરી વ્યાજ સાથે પરત આપે છે .
.......... ગુડ મોર્નિંગ.. તમારો દિવસ શુભ રહે...."

હું મનમાં હસ્યો, અને મારી દોહિત્ર ની આંગળી પકડી ગાર્ડન તરફ જવા રસ્તો ક્રોસ કરતા પહેલા, વોટ્સ -એપ પર આવેલા રશિ્મકાંતના આ મેસેજને ડીલીટ કરી નાખ્યો....
___________________________________________________