Paheli Mulakat in Gujarati Love Stories by DARSHAN PARMAR books and stories PDF | પહેલી મુલાકાત

Featured Books
Categories
Share

પહેલી મુલાકાત

એ રાત હજુ પણ યાદ છે...!

આખી રાત પડખા ફેરવીને વિતાવી દીધી કારણ કે,આવતીકાલે હું એને મળવાનો હતો.મારી એની સાથે એ પહેલી મુલાકાત હતી,બસ એ જ વિચારોમાં સવાર પડી ગઈ અને હું ઊંઘયા વગર જ જાગી ગયો.

આમ તો હું નક્કી કરેલા સમય કરતાં મોડો હતો.કારણ કે,જ્યારે તમે ઉતાવળ કરતાં હોવને ત્યારે જ બધાં વિઘ્નો તમારી સામે આવે બસ આવું જ કાંઈક મારી સાથે બન્યું હતું.નક્કી કરેલા સમયે જ્યારે હું તેની સાથે ત્યાં હોવો જોઈતો હતો,એના બદલે હજુ હું બસમાં જ હતો.હજુ મારે અમદાવાદ પહોંચવામાં એક કલાક કરતાં વધારે સમય જતો રહેશે એવું હું અનુમાન લગાડી રહ્યો હતો.પરંતુ સદનસીબે હું ત્રીસ મિનિટમાં અમદાવાદ પહોંચી ગયો.જે જગ્યાએ અમે મળવાના હતા ત્યાં હું પહેલા પહોંચી ગયો બસ હવે રાહ હતી તો માત્ર એની જ આવવાની.

એના આવતાં પહેલાં એના આગમનની છડી બજાવતી સુગંધી હવાની લહેરખી આવી અને હવે એ મારી નજરની સમક્ષ આવી ગઈ હતી.એક ધ્યાનભરી નજર મેં એ ખુબસુરતીના ખજાના પર ફેંકી દીધી.જેની ઝલક મેળવવા માટે હું મારા પ્રાણ પાથરવા તૈયાર હતો એનું હવે લાઈવ-ટેલિકાસ્ટ શરૂ થઈ ગયું હતું.


એક અડધી અનાવૃત માદક કાયા તરફ એ એક ઝંખના સભર નજરથી હું જોઈ રહ્યો હતો.પરંતુ એ નજરમાં તૃષ્ણા,તરસ કે વાસના જેવું કશું જ નહોતું.હતી તો માત્ર એ ગુલાબની જોબનવંતી કાયાને નિહાળી લેવાની તરસ કે જેનું હું મન-ભરીને રસપાન કરી રહ્યો હતો.

નજરમાં નજર પરોવીને વગર શબ્દોએ અમે બંને એક-બીજાને ઘણું બધું બોલી ગયા હતા.પણ હવે શરૂ થયો બોલવાનો શીલશીલો અવાજ સાંભળતાની સાથે જ મારા મનને એક નવો સંદેશો મળ્યો કે રૂપની તિજોરી હોવાની સાથે એ સ્વરની સુંદરી પણ હતી.હળવું એવું આલિંગન કરીને અમે બંને સામે રહેલા મોલમાં જે કાફે હતું તેના તરફ પ્રસ્થાન કર્યું અને કાફેમાં રહેલા ટેબલ પર સામ-સામે ગોઠવાઈ ગયાં. વાતોની સફર શરૂ થઈ,એની એ નિર્દોષ વાતો સાંભળતા જ્યારે એની સામે હું જોતો ત્યારે તે શરમાઈને પોતાના વાળની એ લટને હળવેથી કાનની પાછળ સરકાવતી જે મને ક્યાંક એ ઈશારો કરતી હતી કે જેટલો હું એનામાં ડૂબી રહ્યો હતો,એટલી જ એ પણ ક્યાંક મારામાં ઊંડે ઉતરતી જઇ રહી હતી.પહેલી મુલાકાતમાં મેં ક્યાંય એને માનસિક ક્ષોભ અનુભવતા જોઈ,જે રીતે ફોન પર થતી અમારી વાતચિતમાં હું એને એનો પોતાનો લાગતો હતો અને જાણે વર્ષોથી મારી સાથે મારા જ ઘરમાં રહેતી હોઈ એ રીતે મન ખોલીને મારી સાથે બધી જ વાતો કરતી, એ જ આજે મારી સમક્ષ આવતા શરમની લાગણી અનુભવતી હતી,એ વાત હું ખૂબ જ સારી રીતે જાણી ગયો હતો.મુક્ત મનનું એ પંખી ખુલ્લા આકાશમાં ઉડવા માંગતું હતું પણ જાણે એને કોઈએ પિંજરામાં કેદ કરીને રાખ્યું હોય એ રીતે એ એક દમ ચૂપ હતું.થોડી મજાક મસ્તી કરીને એ પિંજરામાં કેદ પંખી મેં આઝાદ કર્યું અને વિશાળ આકાશમાં એ ઉડવા લાગ્યું અને હવે હું એના માટે એનો પોતાનો જ છું કે જેની સાથે એ કલાકો સુધી ફોનમાં વાત કરતી એ વાતથી એ પરિચિત થઈ ચૂકી હતી અને પછી તો આપ સૌ જાણો જ છે કે સ્ત્રીઓ એક વાર બોલવાનું ચાલુ કરે પછી આપણે તો મૌન જ ધારણ કરી લેવાનો વારો આવે,આમને આમ સમય ક્યારે વીતી ગયો એની ખબર જ ના રહી.

દિવસના અંતે સાથે વિતાવેલા એ સમય અને એની વાતોને સાંભળીને મને ક્યાંક એવું સમજાઈ રહ્યું હતું કે એક સ્ત્રીની બાહ્ય સુંદરતા કરતાં પણ તેની આંતરિક સુંદરતા ચડિયાતી હોય છે.

આખરે એ વખત આવી ગયો કે હવે મારે એનાથી છૂટું પડીને ફરી મારા ઘર અને કામ તરફની વાટ પકડવાની હતી.સાદગીસભર હળવા આલિંગન સાથે જ્યારે એ મને મોલના ગેટ સુધી વળાવા આવી ત્યારે એની નજરમાં ખુશીઓની લાગણીઓની સાથે મેં ક્યાંક એ હતાશા અને ગભરાહટને પણ મહેસુસ કરી હળવે હળવે મારા કદમ હું એક પછી એક સામે ઉભેલી ગાડી તરફ વધારતો ગયો.એની સાથે વિતાવેલી એ ક્ષણોને મનમાં ને મનમાં વાગોળતાં હું ગાડીમાં બેસી ગયો.ગાડી ચાલતી થઈ હું જોઈ રહ્યો હતો કે હજુ પણ એની નજર મને આખરી ક્ષણ સુધી માણી લેવા માટે નિષ્ફળ પ્રયત્નો કરી રહી હતી.

એ સમયે મારા મનમાં એક પ્રશ્ન ઉદ્દભવ્યો કે,આ મીઠી નજર અહીં સુધીની જ હશે?

કે પછી આવરદાના અંત સુધીની?