Ajvadana Autograph - 30 in Gujarati Motivational Stories by Dr. Nimit Oza books and stories PDF | અજવાળાંનો ઓટોગ્રાફ - 30

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

અજવાળાંનો ઓટોગ્રાફ - 30

અજવાળાંનો ઓટોગ્રાફ

(30)

મમ્મીની નોકરી

મેટરનિટી લીવ દરમિયાન મમ્મીની સતત સાથે રહેલું બાળક જેમ જેમ સમજણું થતું જાય છે, તેમ તેમ તેને સમજાય છે કે મારી જિંદગીની સૌથી મહત્વની વ્યક્તિ દિવસના અમૂક કલાકો ક્યાંક ગાયબ થઈ જાય છે. મમ્મી માટે મારાથી વધારે અગત્યનું બીજું શું હોય શકે ? એવો પ્રશ્ન દરેક બાળકને થતો હોય છે. મારી જેમ કેટલાય બાળકોએ બે હાથ જોડી આંખોમાં પાણી સાથે મમ્મીને વિનંતી કરી હશે કે ‘આજે રજા લઈ લે ને !’

અમૂક હજાર રૂપિયાની નોકરી માટે પોતાના બાળકનું અમૂલ્ય બાળપણ ગુમાવવાનો સોદો દરેક મમ્મીને મોંઘો પડ્યો હશે. કામ કરતી દરેક મમ્મીના પર્સમાં રૂપિયાની સાથે ખૂબ બધો અફસોસ પણ મળી આવશે. એ સમયસર કામ પર પહોંચી તો જાય છે પણ એ જાણતી હોય છે કે પ્રોફેશનલ કમીટમેન્ટ પૂરું કરવામાં, એ પોતાના શરીરનો જ એક ભાગ ઘરે મૂકીને આવી છે.

પપ્પાને આર્થિક મદદ કરવાની લાલચમાં બાળકને મોટું થતા જોવાનો આનંદ કેટલીય મમ્મીઓએ ગુમાવ્યો હશે. બાળકને કોઈ બીજાના ભરોસે રાખીને કામ પર જવાનું જીગર મમ્મીઓમાં ક્યાંથી આવતું હશે? ‘મમ્મી મમ્મી’ કરતા બાળકથી છુટા પડીને નોકરી પર જવા માટે, સરહદ પર યુદ્ધ લડવા જઈ રહેલા કોઈ સૈનિક જેવું ગજું અને સાહસ જોઈએ.

કામ કરતી દરેક મમ્મી એક યોદ્ધા છે જે પોતાના કુટુંબના ભવિષ્ય માટે બાળકનું બાળપણ શહીદ કરતા ખચકાતી નથી. બાળકના ભવિષ્યને ચણવા માટે રોજ સવારે નોકરી પર જઈને એ સિમેન્ટ એકઠી કરે છે. રોજ સવારે બાળકથી દૂર જતી વખતે હ્રદય પર મૂકેલા પથ્થરો મમ્મી ભવિષ્યના બાંધકામમાં વાપરી નાખે છે. વર્ષોની તનતોડ મહેનત કરીને એ પોતાના કુટુંબ માટે એવું નક્કર અને મજબૂત આર્થિક માળખું ઉભું કરે છે, જેની સામે બાળપણમાં પડેલી કેટલીક તિરાડો ક્યાંય દેખાતી નથી. મમ્મી જાણે છે કે ભવિષ્યમાં જો ઈમારત ઉંચી બનાવવી હશે તો બાળક નાનું હશે ત્યારે થોડું વધારે ખોદકામ કરવું પડશે.

રસ્તા પર ખાડો ખોદતી મજૂર હોય કે કોઈ કોર્પોરેટ એક્ઝીક્યુટીવ, કામ કરનારી દરેક મમ્મી સરખી હોય છે. મક્કમ ઈરાદા અને મજબૂત મનોબળની આડમાં, એ માતૃત્વના નરમ ખૂણાને ક્યાંક સંતાડી દેવામાં સફળ રહેતી હોય છે. અસ્તિત્વ ટકાવી રાખવા પોતાના એક અવિભાજ્ય અંગને છૂટ્ટા પાડીને રૂપિયા રળવાનું કામ કરનાર દરેક મમ્મીને સલામ મળવી જોઈએ.

મમ્મીનું કામ ક્યારેય પૂરું નથી થતું. બસ જવાબદારીઓ બદલાય છે. આખો દિવસ બાળકથી દૂર રહ્યાનું ગીલ્ટ અને પસ્તાવો દરેક મમ્મીને ઓગાળી નાખતો હોય છે. એક દીકરા તરીકે મમ્મીને અને એક પતિ તરીકે પત્નીને સંદેશો એટલો જ આપવાનો છે કે તમે બહુ બહાદુર લોકો છો. નોકરી કરીને તમે કોઈ કાયદાકીય કે સામાજિક ગુનો નથી કર્યો. એક હાથમાં બાળક અને બીજા હાથમાં તલવાર રાખીને સામી છાતીએ જિંદગીનો સામનો કરવાની તમે બહાદુરી બતાવી છે. આ કામ માટે તમને કોઈ પરમવીર ચક્ર નહિ મળે પણ તમારા આ બલિદાનથી કુટુંબની વધેલી સમૃદ્ધિ માટે તમને નતમસ્તક વંદન કરીએ છીએ. તમે કમાયેલી કરન્સી બજારના રૂપિયા કરતા કાયમ વધારે મજબૂત રહેશે.

-ડૉ. નિમિત્ત ઓઝા