વેકેશન એટલે રખડવા અને ફિલ્મો જોવા માટે મળતો અમર્યાદિત સમય. આ લિસ્ટમાં આવતી વિશ્વની સર્વશ્રેષ્ઠ ફિલ્મોમાંથી તમે કેટલી જોઈ ? આપણે આપણા લિસ્ટમાં છેલ્લી વીસ ફિલ્મો સુધી પહોંચી ગયા છીએ.
આ વખતે આપણા લિસ્ટમાં ફિલ્મ ઇતિહાસની બે પ્રખ્યાત શૃંખલાઓ ‛સ્ટાર વોર્સ’ અને ‛ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ’ની ફિલ્મોનો સમાવેશ થાય છે. ચાલો ત્યારે, ફરી શરૂ કરીએ આપણી સફર.
20. Star Wars: Episode IV - A New Hope (સ્ટાર વોર્સ એપિસોડ ફોર - અ ન્યુ હોપ) (1977) : સ્ટારવોર્સ શૃંખલાનો આ રિલીઝ થવાના ક્રમમાં પહેલો અને ક્રમ પ્રમાણે ચોથો ભાગ. જ્યોર્જ લુકાસે આ ફિલ્મથી દુનિયાને સ્ટારવોર્સની પાછળ ગાંડી કરી. સ્ટારવોર્સમાં જ્યોર્જ લુકાસે એક જબરદસ્ત આભાસી દુનિયાનું સર્જન કર્યું હતું. આજે પણ દુનિયાની સર્વશ્રેષ્ઠ ફિલ્મોમાં આ શૃંખલાની મોટાભાગની ફિલ્મો આવે છે. આ ફિલ્મ બનાવતી વખતે લુકાસે વાપરેલી સ્પેશીયલ ઈફેક્ટસે હોલીવુડમાં ફિલ્મો બનાવવાની પદ્ધતિ જ બદલી નાખી. આ ફિલ્મ પછી જ હોલીવુડમાં મોટા બજેટવાળી બ્લોકબસ્ટર ફિલ્મોનો યુગ શરૂ થયો.
ફિલ્મની કથા શુભ અને અશુભ વચ્ચેના સનાતન સંઘર્ષની છે. કથા આકાર લે છે એવી દુનિયામાં જ્યાં અલગ અલગ ગ્રહો પર અલગ અલગ સભ્યતાઓ વિકસી હોય છે. આખી ગેલેક્સી પર એમ્પાયરનું એકચક્રી શાસન છે. એમ્પાયરનો વડો ‛ડાર્થ વેડર’ નામનો ક્રૂર શાસક છે જે લોર્ડ પાલપેટીન નામના દુષ્ટ રાજા વતી શાસન ચલાવે છે. ડાર્થ વેડરે એક ડેથ સ્ટાર બનાવ્યો છે જે કોઈ પણ ગ્રહનો થોડી મિનિટોમાં જ નાશ કરી શકે છે. આ ડેથ સ્ટારમાં રહેલી ખામીઓનો નકશો લઈને પ્રિન્સેસ લિયા નામની રાજકુમારી પોતાના બે રોબોટ સાથે વિદ્રોહીઓ પાસે જઈ રહી હોય છે. ડાર્થ વેડર તેનું રસ્તામાં જ અપહરણ કરે છે. લિયા કેદમાં જતા પહેલા નકશો પોતાના એક રોબોટને આપીને રવાના કરે છે. આ બન્ને રોબોટને લ્યુક સ્કાયવોકર નામનો યુવાન અને તેનો જેડાઈ ગુરુ ઓબી મળે છે. જેડાઈ એવા યોદ્ધાઓ છે જે દુનિયામાં સત્યના રક્ષણ માટે લડતા હોય છે. આ ટોળકીમાં પછી હાંસ સોલો નામનો પાયલોટ પણ સામેલ થાય છે અને શરૂ થાય છે પ્રિન્સેસને બચાવવાની તથા ડેથ સ્ટારનો નાશ કરવાની યાત્રા.
જ્યોર્જ લુકાસે આ આખી શ્રેણીના કુલ છ ભાગ બનાવવાનું નક્કી કરેલું. ચોથો, પાંચમો અને છઠ્ઠો ભાગ તેણે પહેલા બનાવ્યા. પહેલો, બીજો અને ત્રીજો ભાગ તેણે તે વખતે ટેક્નિકલ મર્યાદાઓને કારણે બનાવવાનું મુલતવી રાખેલું. જે તેણે 1999 થી 2005 વચ્ચે બનાવ્યા. 2012માં ડિઝની એ આ શૃંખલા આગળ ચલાવવા માટેના હક્કો લુકાસ પાસેથી ખરીદી લીધા. ડિઝનીએ આ શૃંખલાના ત્રણ ભાગ બનાવવાનું નક્કી કર્યું છે. 2015 માં આ શૃંખલાનો સાતમો ભાગ ‛સ્ટારવોર્સ - ધ ફોર્સ અવેકન’ આવ્યો. ગયા વર્ષે આઠમો ભાગ ‛સ્ટાર વોર્સ - ધ લાસ્ટ જેડાઈ’ બહાર પડ્યો. હજુ એક ફિલ્મ 2019 માં આવવાની સંભાવના છે.
19. Seven Samurai (સેવન સામુરાઇ)(1954) : ‘શોલે’ સહિત બોલીવુડ અને હોલીવુડની અનેક ફિલ્મોની પ્રેરણાસ્ત્રોત એટલે વિશ્વ વિખ્યાત નિર્દેશક અકિરા કુરોસાવાની આ ફિલ્મ. વિશ્વની શ્રેષ્ઠ ફિલ્મોમાં માનભેર બિરાજતી આ ફિલ્મ સાચે જ એક સંપૂર્ણ ફિલ્મ છે. અત્યારે કદાચ તમે જુઓ તો વાર્તામાં તમને નવીનતા ન લાગે, પણ પચાસના દાયકા પ્રમાણે આ ફિલ્મ ઘણી જ આગળ હતી. દુનિયાની બધી જ એક્સન ફિલ્મોની શરૂઆત આ ફિલ્મથી થઇ હોવાનું માનવામાં આવે છે. આ પહેલી ફિલ્મ હતી જેમાં એક મિશન માટે હીરોની એક ટુકડી ભેગી થઇ હોય. તમને કદાચ આ વાંચીને ‛એવેન્જર્સ’ શૃંખલાની ફિલ્મો પણ યાદ આવી હશે.
ફિલ્મની કથા બહુ જાણીતી છે. સામુરાઇ તરીકે ઓળખાતા સાત યોદ્ધાઓને એક ગામના લોકો ડાકુઓ સામે લડવા માટે ભાડે રાખે છે. ગામવાળા પોતે આ સામુરાઇઓથી બીતા હોય છે. શોલેની જેમ જ અહીં પણ વાર્તામાં અવનવા વળાંકો આવે છે. અંતે જીત કોની થાય છે એ જાણવા તમારે આ ફિલ્મ જોવી રહી. અંત જો કે શોલે કરતા થોડો અલગ છે.
“જયારે બધું શાંત હોય ત્યારે જ આપત્તિઓ આવે છે.” - સેવન સામુરાઇનો એક સંવાદ.
18. The Matrix(ધ મેટ્રિક્સ)(1999) : આ ફિલ્મ પણ કદાચ બધાએ જોઈ હશે. ફિલ્મ ત્રણ ભાગમાં રિલીઝ થઇ હતી. ફિલ્મની વિઝ્યુઅલ ઈફેક્ટસ સરસ છે. ફિલ્મ વૈશ્વિક સ્તરે સુપરહિટ નીવડી હતી. ફિલ્મની કથા છે એક સોફ્ટવેર એન્જીનીયર નિઓની, જે દિવસે કંટાળાજનક નોકરી કરે છે અને રાત્રે હેકર તરીકે કામ કરે છે. તેની પાસે એક વિદ્રોહી સંગઠનનો વડો આવે છે. તે નિઓને જણાવે છે કે તે જે દુનિયામાં વસે છે એ દુનિયા હકીકતે એક કોમ્પ્યુટર પ્રોગ્રામ દ્વારા બનાવવામાં આવેલી આભાસી દુનિયા છે. દુનિયાના બધા જ લોકો આ સમગ્ર પ્રોગ્રામના ગુલામ છે. નિઓ એક ખાસ વ્યક્તિ છે જે કોમ્પ્યુટર પ્રોગ્રામ દ્વારા બનાવેલી આ માયાજાળમાંથી બધાને છોડાવી શકે છે. નિઓ એ સંગઠનના વડાને મદદ કરવા તૈયાર થાય છે. અંતમાં નિઓ આ માયાજાળને તોડવામાં સફળ થાય છે કે નહીં તે જાણવા આ ફિલ્મ જોવી રહી.
ધ મેટ્રિક્સના નિર્દેશક વાલચોસ્કી ભાઈઓ છે. ધ મેટ્રિક્સ ફિલ્મને બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટસ અને બેસ્ટ સાઉન્ડ ઈફેક્ટસના ઓસ્કર એવોર્ડસ મળેલા. ફિલ્મને તેની લાજવાબ વિઝ્યુઅલ ઈફેક્ટસ માટે ફરજીયાત જોવી જ રહી.
“રસ્તા વિશે જાણવું અને રસ્તા પર ચાલવું એ બે અલગ બાબતો છે.” – ધ મેટ્રિક્સ ફિલ્મનો એક સંવાદ.
17. Goodfellas (ગુડફેલાસ)(1990) : પૈસા અને પ્રસિદ્ધિ એવી ચીજો છે જે ભલભલાના ઈમાન ડગાવવા સક્ષમ છે. ઘણા લોકો સારી જીવનશૈલી માટે કંઈ પણ કરી છૂટવામાં માનતા હોય છે. પૈસા અને ગ્લેમરની દુનિયામાં મહાલતા ગેંગલીડર્સની કથા એટલે આ ફિલ્મ.
આપણા લિસ્ટમાં માર્ટિન સ્કોર્સેઝીની આ બીજી ફિલ્મ. આ ફિલ્મ ગેંગસ્ટર ફિલ્મોના રસીયાઓને મજા પડે તેવી ફિલ્મ છે. ફિલ્મની કથા છે એક ગેંગસ્ટરના જીવનની અને તેના જીવનમાં આવતા ઉતાર ચઢાવની. ફિલ્મને માર્ટિન સ્કોર્સેઝીની સર્વોત્તમ ફિલ્મોમાંથી એક માનવામાં આવે છે. આ ફિલ્મ એક ક્રાઇમ રિપોર્ટરે લખેલી ‘Wiseguys’ નામની નવલકથા પર આધારિત છે. ફિલ્મમાં રોબર્ટ ડી નીરો અને જો પેસી જેવા દિગ્ગ્જ અભિનેતાઓ છે. આ ફિલ્મ તે વર્ષની સર્વશ્રેષ્ઠ ફિલ્મ હતી. ફિલ્મ પાંચ ઓસ્કર એવોર્ડ્સ માટે નોમિનેટ થયેલી, જેમાંથી જો પેસી બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ જીતી ગયેલો. ક્રાઇમ ફિલ્મોના શોખીનો માટે ફરજીયાત જોવા જેવી ફિલ્મ. આ ફિલ્મ ઇન્ટરનેટ પર શોધવાથી મળી રહેશે.
16. One Flew Over the Cuckoo's Nest (વન ફલૂ ઓવર ધ કુકુઝ નેસ્ટ)(1975) : માનવની મૂળભૂત જરૂરિયાતો સંતોષાય પછી તેને સૌથી પહેલી જરૂર આઝાદીની પડે છે. મનુષ્ય પરાધીન થઈને રહેવા સર્જાયો નથી. એ સામાજિક બંધનો અને નિયમોનો સ્વીકાર જરૂર કરે છે, પણ આવા બંધનો તેના મૂળભૂત સ્વભાવથી વિપરીત છે. ગાંડપણ જેવી માનસિક સ્થિતિમાં પણ તેની આ સ્વતંત્રતા પ્રત્યેની મથામણ ચાલુ જ હોય છે.
આ વિચિત્ર નામ ધરાવતી ફિલ્મ આ જ નામની નવલકથા પરથી બની છે. ઓસ્કર એવોર્ડ્સના ઇતિહાસમાં માત્ર ત્રણ જ ફિલ્મો ઓસ્કરની મુખ્ય પાંચ શ્રેણીના બધા જ એવોર્ડસ જીતી શકી છે. જેમાંની એક ‘સાયલેન્સ ઓફ ધ લેમ્બસ’ વિશે આપણે આગળના અંકમાં વાંચ્યું. આ ફિલ્મ પણ મુખ્ય પાંચ ઓસ્કર જીતી ગયેલી. ફિલ્મમાં જેક નિકોલસને યાદગાર અભિનય કર્યો છે. તેણે ભજવેલા રોલનો હોલીવુડના ઇતિહાસમાં સૌથી યાદગાર રોલમાં સમાવેશ થાય છે.
ફિલ્મની કથા એક પાગલખાનામાં રહેતા કેદીઓ આસપાસ આકાર લે છે. કેદીઓમાં ફિલ્મના હીરોનો પણ સમાવેશ થાય છે. ફિલ્મ કથા છે આ કેદીઓએ કરેલા બળવાની અને તે બળવાના પરિણામોની.
ફિલ્મમાં પાગલખાનામાં નિયમો ભરેલું જીવન અને કેદીઓનો બળવો પ્રતીકાત્મક છે. વ્યક્તિસ્વાતંત્ર પર તરાપ મારતા સામાજિક બંધનો અને તેની સામે પડતો વ્યક્તિ એ આ ફિલ્મની કથાનો હાર્દ છે. જેક નિકોલસનના લાજવાબ અભિનય માટે ફરજીયાત જોવા જેવી ફિલ્મ.
“તમે આ જગ્યા કેટલી ખરાબ છે તે વિશે આખો દિવસ ફરિયાદો કરો છો અને તમારામાં જગ્યા છોડીને જવાની હિંમત પણ નથી.” - આ ફિલ્મનો એક સંવાદ.
15. The Lord of the Rings : The Two Towers (ધ લોર્ડ ઓફ ધ રિંગ – ધ ટુ ટાવર્સ) (2002) : આ પણ બહુ પ્રખ્યાત ફિલ્મ છે. આ શૃંખલાની ત્રણ ફિલ્મોમાં આ બીજો ભાગ છે. પીટર જેક્સને નિર્દેશિત કરેલી આ ફિલ્મની ગણતરી વિશ્વની શ્રેષ્ઠ ફેન્ટસી ફિલ્મોમાં થાય છે. પોતાની જબરદસ્ત વિઝ્યુઅલ ઈફેક્ટસ માટે જાણીતી આ શૃંખલાએ બોક્સ ઓફિસ પર જબરદસ્ત સફળતા મેળવી હતી. આ શૃંખલાના બાકીના બે ભાગ પણ આગળ લિસ્ટમાં આવશે.
આ શૃંખલાની ફિલ્મો જે.આર.આર ટોલ્કિન નામના અંગ્રેજી સાહિત્યના બહુ મોટા લેખકની આ જ નામની બહુ પ્રખ્યાત નવલકથા પર બની છે. ફિલ્મોમાં ‘મિડલ અર્થ’ નામની એક કાલ્પનિક સૃષ્ટિની વાત છે. આ સૃષ્ટિમાં અલગ અલગ પ્રકારના લોકો વસે છે. જેમાં જાદુગરોથી માંડીને વહેંતિયા જેવા દેખાતા ‘હોબિટ્સ’નો પણ સમાવેશ થાય છે. આવા જ એક ફ્રોડો નામના હોબિટ પાસે એક વીંટી આવે છે. આ વીંટી જબરદસ્ત જાદુઈ શક્તિઓ ધરાવે છે. જો મિડલ અર્થને બચાવવી હોય તો આ વીંટીને ‘માઉન્ટ ડુમ’ નામની જગ્યાએ લઇ જઈને તેનો નાશ કરવો પડે. તકલીફ એ હોય છે કે ‘માઉન્ટ ડુમ’ સૌરોન નામના દુષ્ટ જાદુગરના શાસન હેઠળ હોય છે. ફ્રોડો સાથે આ કપરું કામ પૂરું કરવા એક ટુકડી ભેગી થાય છે. જેમાં અલગ અલગ પ્રકારના લોકો હોય છે. આ ટુકડીને તેમની સફર દરમ્યાન પડતી મુસીબતોની કથા એટલે લોર્ડ ઓફ ધ રિંગ્સની કથા.
આ ભાગમાં આવતી કથાની વાત કરીએ તો વીંટીને પોતાના સ્થાને પહોંચાડવા મથતી ટુકડી બે ભાગમાં વહેંચાઈ જાય છે. એક ટુકડી એક રાજ્યને દુશ્મનોથી બચાવે છે. જયારે બીજી ‘ગોલુમ’ નામના પ્રાણીની મદદથી ‘માઉન્ટ ડુમ’ તરફ આગળ વધે છે.
આ ફિલ્મ છ ઓસ્કર એવોર્ડ માટે નોમિનેટ થયેલી. જેમાંથી બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ અને બેસ્ટ સાઉન્ડ એડિટિંગના એવોર્ડ જીતી ગયેલી. ફેન્ટસી ફિલ્મોના રસિયાઓ માટે જોવા જેવી ફિલ્મ.
“આ દુનિયામાં હજુ થોડી સારી બાબતો બચી છે. આપણે એ સારી બાબતોના રક્ષણ માટે લડવું જોઈએ.” - આ ફિલ્મનો એક સંવાદ.
14. Inception (ઇન્સેપ્સન)(2010) : જો તમને, તમે ધારો તેવા સપનાઓ જોવાની પરવાનગી મળે તો તમે કેટલો સમય સપનાઓ જોવામાં ગાળો ? તમે કદાચ આખો દિવસ સુતા રહો અને તે જ તમારી વાસ્તવિક દુનિયા બની જાય.
તમારા જીવનના સપનાઓ અને હકીકતો વચ્ચેની ખાઈ તમે પુરી શકતા હો તો કેવી મજા આવે ! માણસને તેના સપનાઓ જ જીવતો રાખે છે. માણસ પોતાના સપનાઓને જીવવાનો પ્રયત્ન કરતો હોય છે. જયારે તેના સપનાઓ પુરા નથી થતા ત્યારે તે પોતાની જાતને દોષી માને છે. ક્યારેક પોતાના દોષને એ પોતાના સપનાઓમાં પણ પ્રસ્થાપિત કરે છે.
સપનાઓની વાતો કહેતી ક્રિસ્ટોફર નોલાનની સર્વોત્તમ ફિલ્મ એટલે ઇન્સેપ્સન. આ ફિલ્મ કથા છે એક એવા માણસની જે લોકોના સપનામાં જઈને તેમના અર્ધજાગ્રત મનમાંથી તેમની અંગત માહિતીઓ ચોરી લે છે. આ ચોરના પોતાના જીવનમાં ઘણા રહસ્યો છે. જ્યારે તેને પોતાના ગુનાઓનો ઇતિહાસ ધોવાની એક તક મળે છે ત્યારે તે છેલ્લી વાર કોઈના સપનામાં પ્રેવેશે છે. આગળ શું થાય છે એ જાણવા તમારે ફિલ્મ જોવી જ રહી.
ફિલ્મની વાર્તા થોડી અલગ છે. આજે પણ ફિલ્મના અંત વિષે લોકો ઇન્ટરનેટ પર ચર્ચા કરતા જોવા મળે છે. દરેક પોતપોતાની રીતે ફિલ્મને મૂલવે છે. ફિલ્મમાં સપનાઓમાં જોવા મળતા દ્રશ્યો માટે ઉપયોગમાં લેવાયેલ વિઝ્યુઅલ ઈફેક્ટસ સરસ છે. મુખ્ય પાત્રમાં ટાઇટેનિકના હીરો લિઓનાર્દો ડી કેપ્રિઓએ સરસ અભિનય કર્યો છે. આ ફિલ્મ કુલ આઠ ઓસ્કર માટે નોમિનેટ થયેલી જેમાં તેને ચાર એવોર્ડ મળ્યા હતા. તમને જો સાયન્સ ફિક્સન ફિલ્મો ગમતી હોય તો ફરજીયાત જોવા જેવી ફિલ્મ.
“તમારે મોટા સપનાઓ જોતા ક્યારેય ન ડરવું જોઈએ.” - ઇન્સેપ્સન ફિલ્મનો એક સંવાદ.
13. Star Wars: Episode - V The Empire Strikes Back (સ્ટારવોર્સ એપિસોડ ફાઈવ – ધ એમ્પાયર સ્ટ્રાઇક્સ બેક) (1980) : જ્યારે તમારે સત્યની રક્ષા કાજે તમારા જ સંબંધીઓ સાથે લડવાનું આવે ત્યારે તમે શું કરો ? શું સત્યની રક્ષા માટે લડતા લોકોએ બધા જ સંબંધો ભૂલી જવા જોઈએ ? મહાભારત કાળથી પુછાતા આ પ્રશ્નો પરથી બનેલી ફિલ્મ એટલે ‘સ્ટારવોર્સ – ધ એમ્પાયર સ્ટ્રાઇક્સ બેક.’
સ્ટારવોર્સ શૃંખલાની આ રિલીઝ થવાના ક્રમમાં બીજી અને ક્રમાનુસાર પાંચમી ફિલ્મ. ચોથા ભાગની જબરદસ્ત સફળતા પછી જ્યોર્જ લુકાસે આ ફિલ્મ બનાવી હતી. બન્ને ફિલ્મો વચ્ચે ત્રણ વર્ષનું અંતર હતું.
આ ફિલ્મની કથા આગળના ભાગના અંત પછીથી શરૂ થાય છે. ડેથ સ્ટારનો નાશ કરવામાં વિદ્રોહીઓ સફળ રહ્યા છે, પણ ડાર્થ વેડર ભાગી છૂટવામાં સફળ રહ્યો છે. તે પોતાની સેના એકઠી કરીને વિદ્રોહીઓના ગ્રહ પર હુમલો કરે છે. લ્યુક સ્કાયવોકર, પ્રિન્સેસ લિયા અને હાંસ સોલો અલગ પડી જાય છે. લ્યુક એક ગ્રહ પર પહોંચી જાય છે જ્યાં તેને ‘યોડા’ નામના ગુરુ મળે છે જે કૃષ્ણની જેમ તેને ‘જેડાઈ’ યોદ્ધા બનવાની ટ્રેનિંગ આપે છે. લિયા અને હાંસ, ડાર્થ વેડરના હાથમાં પકડાઈ જાય છે. લ્યુક તેમને છોડાવવા કમર કસે છે અને લ્યુકના જીવનમાં તોફાન લાવતું એક રહસ્ય બહાર આવે છે.
આ ફિલ્મ પણ વૈશ્વિક રીતે બહુ સફળ થઇ હતી. આ ફિલ્મે પણ બોક્સઓફિસના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા હતા. ડાર્થ વેડર આ ફિલ્મના કારણે જ ‘ગબ્બર સીંગ’ની જેમ અમર થઇ ગયો હતો. તે પોતાના આતંકના કારણે સમગ્ર ફિલ્મમાં છવાયેલો રહે છે.
“પ્રયત્ન ન કરો. (કામ)કરો અથવા ન કરો. પ્રયત્ન જેવી કોઈ ચીજ અસ્તિત્વ ધરાવતી નથી.” - આ ફિલ્મનો એક સંવાદ.
12. Forest Gump(ફોરેસ્ટ ગમ્પ)(1994) : તમે જો સરળ હૃદયની વ્યક્તિ હો તો આ દુનિયામાં તમારે ઘણું સહન કરવાની તૈયારી રાખવી પડે. ક્યારેક જ્યારે આવી વ્યક્તિઓનું કોઈ નથી હોતું ત્યારે ભગવાન તેમની મદદે આવતો હોય છે.
આ લિસ્ટમાં બે બ્લોકબસ્ટર ફિલ્મો વચ્ચે આ નાનકડી, પણ હૃદય જીતી લે તેવી ફિલ્મ ટટ્ટાર બેઠી છે. ફિલ્મની કથા એકદમ સરળ છે. ફિલ્મની કથા છે એક મંદબુદ્ધિ વ્યક્તિની જેનો આઈ.ક્યુ. માત્ર 75 છે. તેના જીવનમાં આવતી મુસીબતો કે તેના કારણે બીજાના જીવનમાં આવતી મુસીબતોની કથા એટલે આ ફિલ્મ. ટોમ હેંકે ભજવેલું ફોરેસ્ટનું પાત્ર આજે પણ ફિલ્મી ઇતિહાસમાં અમર છે.
આ ફિલ્મ અને અનિલ કપૂરની ‘ઈશ્વર’ ફિલ્મ વચ્ચે ઘણી સમાનતા છે. ‘ઈશ્વર’ 1989માં બની હતી.
ફોરેસ્ટ ગમ્પ અધધ તેર ઓસ્કર માટે નોમિનેટ થઇ હતી જેમાંથી છ ઓસ્કર જીતી ગયેલી. આ ફિલ્મ માટે ટોમ હેંકને સતત બીજી વાર બેસ્ટ એક્ટરનો ઓસ્કર મળેલો. તે આગલા વર્ષે ‘ફિલાડેલ્ફિયા’ ફિલ્મ માટે આ એવોર્ડ જીતી ગયેલો.
“જીવન ચોકલેટના બંધ ડબ્બા જેવું છે. તેમાંથી શું નીકળશે એ તમને ક્યારેય ખબર નથી પડતી.” - આ ફિલ્મનો એક સંવાદ.
11. The Lord of the Rings : The Fellowship of the Ring (ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ - ધ ફેલોશીપ ઓફ ધ રિંગ) (2001) : દોસ્તી અને સાહસ જેવા ગુણો તમને જીવનમાં ઘણા આગળ લઇ જઈ શકે છે. સાચા દોસ્તો હંમેશા મુસીબતો સામે તમારી ઢાલ બનીને ઉભા રહે છે. તેઓ તમામ પ્રકારની મુસીબતો સામે તમારું રક્ષણ કરે છે. જયારે લોભ અને લાલચ જેવા દુર્ગુણો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.
‘ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ શ્રેણી’ના બીજા ભાગ વિશે આપણે આગળ વાંચ્યું. આ ફિલ્મ લોર્ડ ઓફ ધ રિંગ્સ શ્રેણીનો પહેલો ભાગ છે. જે.આર.આર ટોલ્કિને ‘હોબિટ’ અને ‘ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ’ એમ બે પુસ્તકો લખેલા. આ બન્ને પુસ્તકોમાં ‘મિડલ અર્થ’ તરીકે ઓળખાતી એક કાલ્પનિક દુનિયા કેન્દ્ર સ્થાને હતી. પીટર જેક્સને ‘ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ’ શ્રેણીની ત્રણ ફિલ્મો પહેલા બનાવી. જયારે ‘હોબિટ’ પરથી બીજી ત્રણ ફિલ્મો પછી બનાવી. આ છ એ ફિલ્મો ખુબ સફળ થઇ.
ફિલ્મની કથા વિશે આપણે આગળ વાત કરી જ ગયા છીએ. આ ફિલ્મની વિઝ્યુઅલ ઈફેક્ટસ પણ તેના બીજા બે ભાગ જેવી જ શાનદાર છે. આ ફિલ્મ પણ તેર ઓસ્કર એવોર્ડસ માટે નોમિનેટ થયેલી જેમાં ચાર એવોર્ડસ જીતી ગયેલી.
*
આ હતી નંબર વીસ થી અગ્યાર સુધીની ફિલ્મોની માહિતી. ચાલો ત્યારે વેકેશનમાં આ ફિલ્મો શોધો અને જુઓ. આવતા અંકમાં પ્રથમ દસ ફિલ્મોની વાત કરીશું.
- નરેન્દ્રસિંહ રાણા
આ લેખને કલરફૂલ પાનાંમાં સચિત્ર વાંચવા મુલાકાત લો: www.khajanogujratimagazine.wordpress.com)