Naxatra - 30 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | નક્ષત્ર (પ્રકરણ 30)

Featured Books
Categories
Share

નક્ષત્ર (પ્રકરણ 30)

અડધા કલાક પછી અમે જે તરફ શહેર નજીક પડે જંગલને એ છેડેથી બહાર આવ્યા.. રોડ પર આવી વિવેકે બે ત્રણ ઓટોને હાથ કર્યા. પહેલી બે ઓટોએ અમારા તરફ ધ્યાન ન આપ્યું, એ એમની સ્પીડે જ નીકળી ગઈ. ત્યારબાદ એક ઓટો ઉભી રહી એમાં બેસી અમે કોલેજ તરફ જવા લાગ્યા. મારા શ્વાસ ફુલાઈ ગયા હતા. છાતી જોરથી થડકવા લાગી હતી. પણ વિવેક જાણે દોડ્યો જ ન હોય તેમ સ્વસ્થ હતો.

“તું સારો છે તો આ કદંબ જેવા જાદુગર સાથે કેમ કામ કરે છે.?” ઓટો કોલેજ તરફ રવાના થઇ એટલે મેં નિરાંતનો શ્વાસ લેતા કહ્યું. મને હજુ કઈ ખબર ન પડી કે વિવેક શું કરી રહ્યો છે.

“મને કે મારા પપ્પાને કદંબની અસલિયત ખબર ન હતી. અમે એને સાચો અને નેક જાદુગર સમજતા હતા. અમે તેના સાચા જાદુથી આકર્ષિત હતા. હું તેની પાસેથી એ શીખવા માંગતો હતો. બસ મને ત્રણ દિવસ પહેલા જ એની અસલિયત ખબર પડી. મને ત્રણ દિવસ પહેલા જ ખબર પડી કે અમે જે સમજીએ છીએ તે બધું છેતરામણું છે. જેને ભગવાન માનીએ છીએ એ શેતાન છે.” એના વિશે યાદ કરતા જ ફરી વિવેકની આંખો અંગારા જેવી થઇ ગઈ. મેં એને એ દિવસે પણ ખુબ જ ગુસ્સે થતા જોયો હતો. એ જયારે ગુસ્સે થાય એની આંખો લાલ થઇ જતી હતી. એ કદંબ વિશે યાદ કરવાથી પણ ગુસ્સે થઇ ગયો હતો.

“તો તે એનો સાથ છોડ્યો કેમ નહી?” હું જાણવા માંગતી હતી કે વિવેક એ દુષ્ટથી આટલી નફરત કરે છે તો એનાથી સંબંધ તોડી કેમ ન નાખ્યો? એ કેમ એના શિષ્ય તરીકે ત્યા રહ્યો?

“હું તમને એનાથી બચાવવા માંગતો હતો. હું જાણી ગયો હતો કે એ લોકો તને અને કપિલને પોતાનો શિકાર બનાવવાની તૈયારીમાં છે.”

“તને કઈ રીતે ખબર પડી કે એ લોકો અમારા સાથે કઈ ખરાબ કરવાના છે?”

“જે દિવસે હું તને અને કિંજલને નીલ અને એના લોકોથી બચાવવા આવ્યો એ દિવસે જ હું કિંજલને ઓળખી ગયો હતો. ત્યારે જ મને ખબર પડી ગઈ કે કિંજલ જે બહારથી દેખાય તે નથી. તે કઈક છુપાવી રહી છે.”

“તો ત્યારે તે કેમ કઈ ન કહ્યું?” મારી આંખોમાં જરા ઠપકાનો ભાવ હતો. દરેક છોકરી એવી જ હોય છે એને લાગે કે સામે એનો દોસ્ત છે તો નાની વાત પર પણ તેના પ્રત્યે નારાજગી દર્શાવે છે. એનું પણ એક કારણ છે એ પોતાના લોકો પર એટલો વિશ્વાસ મુકે છે કે એની કોઈ સીમા કે હદ નથી હોતી.

“એ ઈચ્છાધારી નાગીન ચુપચાપ એક સામન્ય છોકરીની જેમ નીલના સામે કરગરતી હતી. એ સમયે કિંજલ એ લોકો સામે કમજોર હોવાનો ઢોંગ કરતી રહી. એ પોતાની રક્ષા કરી શકે એમ હોવા છતાં એમ ન કર્યું એ પરથી હું સમજી ગયો કે એ જરૂર તારી સાથે કોઈ ચાલ રમતી હશે. હું એની આંખો પરથી સમજી ગયો હતો કે એ કોઈ છટકું ગોઠવતી હતી.”

“તો તે મને ત્યારે કેમ ન ચેતવી?” ફરી મેં નારાજગી બતાવી.

“હું એના ઈરાદાને પૂરો જાણવા માંગતો હતો. હું જાણવા માંગતો હતો કે એ કેમ એવું કરી રહી છે. તને તો હું ઓળખતો જ હતો કે તું એક સામાન્ય છોકરી છે. એક નાગિન એક સામાન્ય છોકરી પાસેથી શું મેળવવા ઇચ્છતી હોય? એને કેમ છેતરી રહી હોય? એ હું જાણવા માંગતો હતો. કેમકે જયાં સુધી એના ઈરાદાની ખબર ન પડે એ શું પગલું લેશે એનો અંદાજ લગાવી શકાય તેમ ન હતો. આથી મેં એની સાથે વધુ વાત કરી અને એ દિવસથી તમારો પીછો કરવા લાગ્યો અને સાચું કહું તો મને તારા પર વિશ્વાસ ન હતો. તું મારા પર ભરોસો ન કરે અને કિંજલને એ બધું કહી દે તો હું કયારેય એના ઈરાદાને જાણવામાં સફળ ન થયો હોત.”

વિવેકની વાત સાચી હતી. વિવેકે મને ચેતવી હોત તો હું એનો વિશ્વાસ ન કરોત. હું તો આ આખા શહેરમાં કિંજલને સૌથી સારી સમજતી હતી. શહેર શું એને દુનિયામાં સહુથી સારી મિત્ર સમજવા લાગી હતી.

“તને તારા ગુરુની હકીકત કયારે સમજાઈ? કેવી રીતે તને ખબર પડી કે એ જે બહરથી દેખાય એવો નથી?”

“કદંબે અશ્વિની અને રોહિતની હત્યા કરી ત્યારે.” વિવેકની આંખોમાં જરાક ઉદાસી અને ઘણો ગુસ્સો ફરી ઉમટી આવ્યા.

“તે એમને બચાવવાનો પ્રયાસ ન કર્યો?” મેં નવાઈથી પૂછ્યું, જો એ અમારી મદદ કરતો હોય તો એમની મદદ કેમ ન કરી એ સવાલ મને થયો.

“હું ત્યારે ત્યાં ન હતો. કિંજલનો પીછો કરતો હતો. મને પાછળથી બીજા શિષ્યો પાસેથી જાણવા મળ્યું અને ગુરુજીને પૂછ્યું તો એમણે કહ્યું કે એ દુષ્ટ નાગ નગીન હતા. પણ મને ખબર હતી કે એ ખરાબ નહોતા. એમનું પોલ મારા સામે ખુલી ગયું હતું પણ હું ચુપ રહ્યો. મારે ત્યાં પણ એ જાણવું હતું કે કદંબે અશ્વિની અને રોહિતને કેમ મારી નાખ્યા...”

આ બધી વાત થઇ ત્યારે ટેક્સી ડ્રાઈવરે કાતો અમને પાગલ સમજ્યો હશે અથવા અમે કોઈ કોડવર્ડમાં વાત કરીએ છીએ તેવું સમજીને અમારી સામે બે ત્રણ વાર જોઈ લીધું પણ વિવેકને જોઇને તેણે અમને ઉતાર્યા નહી.

“તું એમને ઓળખતો હતો? તું અશ્વિની અને રોહિતને ઓળખતો હતો?”

“ખાસ તો નહી પણ એમને ઘણીવાર ભેડા પર ફરતા જોયા હતા.”

“જોવાથી તને કઈ રીતે ખબર પડે કે એ સારા હતા?”

“જે મદારીનું દિલ સાચું હોય એ ઈચ્છાધારી નાગનું મન જાણી શકે છે. મેં એમને જોયા ત્યારે એમના મન વાંચ્યા હતા.”

ઓટો કોલેજના દરવાજા પાસે ઉભી રહી અમે ઓટોમાંથી ઉતર્યા. મારી પાસે ખીસામાં ઓટોવાળાને આપવા કઈ નહોતું. વિવેકે ઓટોવાળાને પચાસની નોટ આપી અને અમે કેમ્પસમાં દાખલ થયા.

અમે કેન્ટીનમાં ગયા ત્યાં કોઈ નહોતું. આખું કેફેટેરિયા ખાલી હતું. માત્ર એક અજાણ્યો છોકરો બેઠો હતો. પણ કપિલ મને કયાય ન દેખાયો.

“કપિલ કયા છે?” મેં વિવેક તરફ જોયુ.

“એ હમણા જ આવશે?” વિવેકે એ અજાણ્યા વ્યક્તિને ઈશારો કરી પોતાની તરફ બોલાવ્યો. એ વ્યક્તિ અમારા તરફ આવવા લાગ્યો. એ વ્યક્તિને મેં પહેલા કયારેય જોયો નહોતો છતાં એની ચાલ પરથી જાણે એ કોઈ પરિચિત વ્યક્તિ લાગ્યો. એ જેમ અમારી નજીક આવ્યો તેમ એ મને વધુ પરિચિત લાગ્યો. એ અમારી સામે આવી ઉભો રહ્યો.

“બધું બરાબર છે હવે કપિલ સામે આવી શકે છે.” વિવેકે એ અજાણ્યા વ્યક્તિને કહ્યું. મેં પણ એની તરફ જોયું. હું જાણવા માંગતી હતી કે એ શું જવાબ આપે છે.

મારી નવાઈ વચ્ચે એ અજાણ્યા યુવાનનો ચહેરો બદલાઈ ગયો.. એ કપિલ હતો.. એ મારો કપિલ હતો.. એ ચાલ કપિલની હતી એટલે જ એ મારી તરફ આવતો હતો ત્યારે પરિચિત લાગતો હતો.

હું એને ભેટી પડી. અમારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મારા માટે આ એક ચમત્કાર હતો. મેં મારા પ્યારને ભેખડ પરથી નીચે પડતા જોયો હતો. મેં કપિલને હજુ થોડાક સમય પહેલા જ કાયમ માટે ખોઈ નાખ્યો હતો અને હવે એ મારી સામે હતો. એ મને ફરી મળી ગયો. એ મારા માટે એક ચમત્કાર હતો.

“હવે તમારો ભરત મિલાપ પતી જાય તો આપણે નીકળીશું.” વિવેકના અવાજમાં ખુશીના ભાવ મને દેખાયા, “હજુ બહુ દુર જાવાનું છે.”

મેં કપિલથી છુટા પડીને એની તરફ જોયું. એની આંખોમાં એક ખુશી હતી. મને અને કપિલને એક કર્યાની ખુશી. એક નાગ નાગીનના જોડાને એક કર્યાની ખુશી હતી. (જો કે હું નાગિન છું કે નહી એની હજુ મને પોતાને જ ખાતરી ન હતી બસ વિવેકનું એવું માનવું હતું.) એક નાગ-નાગિનના જોડાનું મિલન કરાવ્યાની ખુશી એના ચહેરા પર ચોખ્ખી વર્તાઈ રહી હતી. મને પસ્તાવો થયો મેં એને કેટલા શ્રાપ આપ્યા હતા ભેડા પર? હવે એ મને સગા ભાઈ જેટલો વહાલો લાગવા માંડ્યો.

“હા..” કપિલે કહ્યું.

“આપણે કયાં જઈશું?” મને સમજાયુ નહી કે એવી કઈ જગ્યા હતી જયાં અમે કદંબ જેવા જાદુગરથી સુરક્ષિત રહી શકીએ. એવું કયું સ્થળ હતું જે અમને અમારા અગણીત દુશ્મનોથી આબાદ રાખી શકે?

“મારી કાર ભેડા પર રહી ગઈ છે...” કપિલે કહ્યું.

“મારી અમેઝ જે.એમ. વોહરાના સાઈન બોર્ડ સામે પાર્ક છે.” વિવેકે કહ્યું, “પપ્પા સાથે જીદ કરી અમેઝ લાવી ત્યારે ખબર નહોતી કે એ સંકટને સમયે કામ લાગશે.”

“તે મને આ ગદ્દારની કેન્ટીનમાં જ કેમ રાહ જોવા કહ્યું?” કપિલે વિવેક તરફ જોયુ. મને પણ એ જ પ્રશ્ન સતાવતો હતો વિવેકે એને દુશ્મનના ઘરમાં એટલે કે દાસકાકાની કેન્ટીનમાં પનાહ લેવા કેમ કહ્યું હતું.

“કેમકે એ લોકો તને અહી કયારેય ન શોધે. કદાચ હું ત્યાંથી નીકળવામાં નિષ્ફળ રહ્યો હોત તો પણ આ સ્થળ તારા અને નયના માટે સુરક્ષિત હતું. કમ-સે-કમ થોડા સમય માટે તમે સલામત હતા.”

“કદંબના સાથીઓ કપિલને શોધવા નીકળ્યા હોત અને દાસ પોલીસ તપાસથી બચવા માટે કેન્ટીન પર હાજર રહેવાનો દેખાવ કરવા અહી આવી ગયો હોત તો..?” મેં કહ્યું.

“જેને સાપ કરડ્યો હોય એ માણસ અહી આવે કે સારા દવાખાને જાય? એ પણ આપણા જંગલમાં જોવા મળતો સૌથી વધુ ઝેરી સાપ?” વિવેકના ચહેરાના ભાવ ફરી બદલાયા, “દાસને કિંગકોબ્રા કરડ્યો છે.”

“મતલબ?” મેં અને કપિલે બંને એક સાથે પૂછ્યું.

“ચાલો રસ્તામાં સમજાવીશ. એક મદારીને કેટલા નાગથી દોસ્તી હોય છે.” વિવેકના ચહેરાના ભાવ ફરી બદલાયા, એના પર જરા સ્મિત તારી આવ્યું. એ પણ કપિલ જેવો જ હતો. એનો ચહેરો અને એની આંખો તરત જ એના મનના ભાવ દેખાડી દેતા. હું અને કપિલ પણ એની તરફ જોઈ રહ્યા.

“હવે જઈશું?” વિવેક જે. એમ. વોહરાના સાઈન બોર્ડ તરફ જવા લાગ્યો. અમે એને અનુસર્યા. મારા મનમાં હજુ ઘણા સવાલ હતા. જેના જવાબ મારે મેળવવાના હતા પણ એક વાત નક્કી હતી કે આ માત્ર શરૂઆત હતી. હજુ તો અશ્વિની અને રોહિતના મોતનો બદલો લેવાનો બાકી હતો. એમના પહેલા કેટલાયે નિર્દોષ નાગ નાગીને જીવ ગુમાવ્યો હતો. અમે એ બધાને બચાવી તો ન શકયા પણ એમનો બદલો જરૂર લેવાનો હતો.

હું અને કપિલ કારની બેક સીટ પર ગોઠવાયા એ પહેલા મેં એક છેલ્લી નજર જે. એમ. વોહરાના સાઈન બોર્ડ તરફ કરી. મને વિશ્વાસ ન થયો કે એક અઠવાડિયામાં મારું જીવન એકદમ બદલાઈ ગયું હતું.

વિવેક ડ્રાયવર સીટ પર ગોઠવાયો એ સાથે કારનું એન્જીન જીવંત થઇ ધબકવા લાગ્યું. કાર શહેર છોડી બહાર જવાના રસ્તે દોડવા લાગી. હું આંખને ખૂણે બાજુમાં બેઠેલા કપિલને જોતી રહી. હું જાણતી હતી આ તુફાનની શરૂઆત હતી પણ મને મારો કપિલ મળી ગયો હતો. હું ગમે તે તુફાન સામે ટકરાવા તૈયાર હતી...

***

નમસ્કાર મિત્રો નગમણી સિરીજનો ભાગ 1 (નક્ષત્ર) અહી પૂરો થાય છે. આ સિરીજનો ભાગ 2 મુહૂર્ત છે. અને ભાગ 3 સ્વસ્તિક છે. આવતી કાલથી જ ભાગ 2 મુહૂર્ત અહી શરૂ થશે જેમાં નયના અને કપિલ કોણ હતા અને કેમ આ પૃથ્વી પર આવ્યા એના રહસ્યો એની કથા આવશે. નવ નાગની જંગ આવશે. ખાસ આ વાર્તાનો મર્મ તો સ્વસ્તિક એટ્લે કે ભાગ 3 માં આવશે.

- વિકી ત્રિવેદી

ફેસબુક : Vicky Trivedi

વોટ્સેપ : ૯૭૨૫૩૫૮૫૦૨

તમારા પ્રતીભાવ જરૂરથી આપજો.