64 Summerhill - 31 in Gujarati Detective stories by Dhaivat Trivedi books and stories PDF | 64 સમરહિલ - 31

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

64 સમરહિલ - 31

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 31

ત્વરિત અને છપ્પને એકમેકનો હાથ ઝાલીને જમીન પર પડતું તો મૂક્યું પણ કઈ દિશાએ જવું અને ક્યાં આડશ શોધવી તેની તેમને ગતાગમ પડતી ન હતી. મંદિર તરફથી બેફામ ફાયરિંગ થતું હતું ત્યારે ઓટલાની આડશ મળી રહેતી હતી પરંતુ હવે સામેના ઢુવાઓ પરથી ઉતરતા આદમીઓએ પણ તેમની દિશામાં ફાયરિંગ ધણધણાવ્યું હતું. હવે ક્યાં આડશ શોધવી, કઈ દિશાએ ભાગવું તે સમજી શકાતું ન હતું.

નમતી બપોરનો સુરજ હવે મંદિરની દિશાએ ધીમે ધીમે ખસતો અસ્તાચળ ભણી જઈ રહ્યો હતો. તડકાની પછડાટમાં ખુબરાની ક્ષાર ઓકતી જમીનની સફેદી પર ઠેરઠેર ઝાંઝવાનો આભાસ દૃષ્ટિભ્રમ રચવા લાગ્યો હતો. આંખ આડે હાથનું નેજવું કરીને ત્વરિતે પોતે પાર્ક કરેલી વિલિઝની દિશામાં જોયું. એ દિશાએથી પણ (બીએસએફના) ચાર આદમી લપાતા કદમે આગળ વધતા હતા. તેણે વગર બોલ્યે છપ્પનની સામે જોયું. છપ્પને પણ દરેક દિશાએ નજર ઘૂમાવીને અંતરનો ક્યાસ કાઢ્યો.

છત્રીના ઓટલાથી લગભગ પચાસેક મીટર દૂર વિલિઝ જીપ પાર્ક થયેલી હતી. પીછ પાછળ અને મંદિર તરફથી થતું ફાયરિંગ ધુંઆધાર હતું. એ સંજોગોમાં જીપની દિશામાંથી આવી રહેલા ત્રણ આદમીઓને ખાળવા એ એકમાત્ર અને પ્રમાણમાં ઓછો જોખમી વિકલ્પ બચતો હતો. વધુ વિચારવાનો સમય ન હતો. પાછળથી ઢાળ ઉતરી રહેલા આદમીઓ (પાકિસ્તાનીઓ) સાવ લગોલગ આવી રહ્યા હતા અને સતત ગરજી રહેલી તેમની બંદૂકો એક ઈંચ પણ માથું ઊંચકવા દેતી ન હતી.

વગર બોલ્યે તેણે હકારમાં ડોકું ધુણાવ્યું એટલે ત્વરિતે લેટેલી હાલતમાં જ લોહીથી ખરડાયેલુ ગંજી ઉતાર્યું. તેના જડબામાં તીવ્ર પીડા થઈ રહી હતી અને મોંમાંથી હજુ ય લોહીના કોગળા વછૂટતા હતા. છપ્પન તાજુબીભેર તેને જોઈ રહ્યો. ગંજી ઉતારીને તેણે વચ્ચેથી ફાડયુ, મૂર્તિ સંભાળપૂર્વક નેફામાં ખોસી અને બેલ્ટ બાંધતો હોય તેમ ફાડેલું ગંજી વિંટીને તેણે મૂર્તિને છાતી સાથે મુશ્કેટાટ બાંધી લીધી. હજુ ય મૂર્તિ ભણી નિહાળતી તેની આંખોમાં વિસ્ફાર અને મૂર્તિને સ્પર્શતા તેના હાથમાં વછૂટતી ધુ્રજારી છપ્પન પારખી શકતો હતો.

છપ્પને ગનનું મેગેઝિન ચેક કરી લીધું. ગન ચલાવવાના વિચાર માત્રથી તેને કમકમા છૂટી જતા હતા અને એવી હાલત કદી ન આવે એવી તે કાયમ મનોમન પ્રાર્થના કરતો હતો પરંતુ આજે કોણ કોના પર અને શા માટે ગોળી ચલાવે છે તેના કોઈ અંદાજ વગરના આ આંધળા કમઠાણમાં તે બહુ ખરાબ રીતે ફસાઈ ગયો હતો, જ્યાં બંદૂક ચલાવ્યા વગર હવે આરો જ ન હતો.

ત્વરિતે મૂર્તિ કસોકસ બાંધી એ સાથે છપ્પને પોતાનો હોલ્ડોલ ઊઠાવ્યો અને વિલિઝ જીપ પાછળ લપાવા જતા ત્રણેય આદમીઓ પર ધડાધડ ગોળી છોડી દીધી. બીએસએફના માણસો આ ફાયરિંગથી સતર્ક થાય એ પહેલાં દસેક ડગલાં આગળ દોડી ગયેલા ત્વરિતે ઓટલાના ખૂણા પાસે લપાઈને ત્રણ-ચાર રાઉન્ડ ફાયર કરી નાંખ્યા. તેની પાસે એમ્યુનિશન પણ ખાસ્સું હતું અને બે ગન ઉપરાંત બતાવવા પૂરતી રાઈફલ પણ હતી.

ત્વરિતના કવર ફાયર પછી છપ્પન વધુ આગળ ખસ્યો એ જ ઘડીએ સદીઓથી સન્નાટો ઓઢીને રેગિસ્તાનની આગોશમાં લપાયેલા ખુબરામાં કારમા ધડાકાઓ ગાજી ઊઠયા. ભયાનક અવાજે ગાંગરી રહેલાં ઊંટ, ઢુવા પરથી નીચે ફેંકાતા અસવારોની મરણચીસ, હવામાં ફંગોળાતા ક્ષત-વિક્ષત અંગો અને બારૃદની કડવી-તીખી ગંધથી રેગિસ્તાનની સુક્કી હવા હચમચી ઊઠી.

પોતે ફેંકેલા બોમ્બ બરાબર કારગત નીવડયાનું પારખીને ઉસ્માનના આદમીઓએ કેળવાયેલા ફૌજીની માફક તરત ચાર-ચારની ત્રણ હરોળ રચી નાંખી. એક હરોળે મંદિરની દિશામાં થતા ફાયરિંગને જવાબ વાળવા માંડયો. બીજી હરોળે છત્રી પર કબજો જમાવ્યો. ત્રીજી હરોળે માલસામાન ઊંચકી લીધો અને વધેલા બે આદમીઓએ પરિહારની દિશામાં અને છપ્પન-ત્વરિત તેમજ બીએસએફના ત્રણ આદમી હતા એ દિશામાં વધુ ગ્રેનેડ ઉછાળી દીધા.

ઢુવાઓ પરથી પાકિસ્તાનીઓને ખુબરા તરફ ખદેડી રહેલો ઊંટસવારોનો કાફલો બોમ્બ ધડાકામાં વેરણ-છેરણ થઈ રહ્યો હતો એ જોઈને કમાન્ડન્ટ પરિહારનો પિત્તો છટક્યો હતો. તેમનો તમામ પ્લાન હવે રસાતળ જઈ રહ્યો હતો અને આક્રમક મટીને તેઓ બચાવની સ્થિતિમાં આવી રહ્યા હતા. તેમણે તરત રેગિસ્તાનમાં ઘૂમતી કુમકને ખુબરા તરફ ધસી આવવા આદેશ કર્યો. મંદિરની પાછળ કમ્યુનિકેશન સંભાળતી ટીમને હુકમ કરીને બિકાનેર કેમ્પથી હેલિકોપ્ટર યુનિટ મોકલવાની સૂચના આપી દીધી.
હવે તેમણે પોતાની ટીમના ત્રણ ભાગ પાડયા. એક ટીમને વિલિઝ જીપ ભણી જઈ રહેલા ત્રણ આદમીઓની મદદમાં મોકલી. લોન્ગ રેન્જ ગનથી તૈનાત ટીમને ટીંબા તરફ ચડવા ઈશારો કર્યો અને પોતે ચાર આદમી સાથે છત્રી તરફ આગળ ધસ્યા.

મંદિરમાં થઈ રહેલો ઘંટારવ હજુ ય અટક્યો ન હતો. તેમણે અણગમાથી એ દિશામાં જોયું. તેમણે મોકલેલો આદમી ક્યાંય ભળાતો ન હતો અને અત્યારે આ સ્થિતિમાં એ જોવાનું ય ન હોય. પરિહારે સ્નાઈપરના લેન્સમાં નજર માંડી ઘડીક નાળચું આમ-તેમ ઘુમાવ્યું અને ધડાધડ ટ્રિગર દબાવવા માંડયું એ સાથે છત્રીના ઓટલા પાસે લપાવા મથતા બે માથા પાક્કા તરબૂચની જેમ વિંધાઈ ગયા.

બીજા બે આદમી (છપ્પન અને ત્વરિત) એકધારા ફાયરિંગ કરતા જઈને ઓટલો વટીને હવે ચોગાન ભણી લપકી રહ્યા હતા. પાકિસ્તાનીઓએ ઉછાળેલા ગ્રેનેડના કારમા ધડાકાને લીધે પોતાના જવાનો વેરવિખેર થઈ રહ્યા હતા. પરિહારે એ બે આદમીની દિશામાં સ્નાઈપરનું નાળચું ઘૂમાવીને નિશાન તાક્યું.

ઓટલાની ઊંચાઈને સમાંતર થવા માટે તેમણે પોઝિશન લીધી અને ટ્રિગર દબાવે એ પહેલાં તેમના મોંમાથી કારમી ચીસ નીકળી ગઈ, સ્નાઈપર હાથમાંથી ફસકી ગઈ અને લથડિયું ખાઈને તે નીચે ફસડાઈ પડયા. એક ગોળી તેમના ડાબા ખભાને વિંધીને શોલ્ડર બ્લેડમાં ફસાઈ ગઈ હતી. આ કારમા ઝંઝાવાતમાં પોતે કોની રેન્જમાં આવી ગયા તેનો અંદાજ માંડવાનો આ વખત ન હતો. છાતી પર સ્નાઈપર રાઈફલ ટેકવવા માટે જમણો હાથ ખભામાંથી વાળી શકાતો ન હતો પરંતુ હવે કસોકસના જંગમાં લોન્ગ ડિસ્ટન્સ રાઈફલની જરૃર પણ ન હતી.

તેમણે કમરે ખોસેલી કોલ્ટ પિસ્તોલ કાઢી અને ઓટલા પાસેના જમેલા પર ધડાધડ ફાયરિંગ કરતા જઈને દોટ મૂકી દીધી.

પાકિસ્તાનીઓએ ઉછાળેલા ગ્રેનેડ છપ્પન અને ત્વરિતને ફળ્યા હતા. તેઓ બંને નીચે ભોંય પર લપકેલા હતા ત્યારે ગ્રેનેડ ફાટયા હતા. કારમા ધડાકા વચ્ચે રેતીનો વંટોળ ફૂંકાયો હતો અને અચાનક થયેલા ગ્રેનેડ બ્લાસ્ટથી ડઘાયેલા બીએસએફના આદમીઓ પાછા હટી ગયા હતા. હવે વિલિઝ જીપ માંડ દસ મીટર છેટી હતી.

'તું ગાડી તરફ દોડ... હું તેમને રોકું છું' ત્વરિતે ઈગ્નિશન-કી છપ્પન તરફ ફગાવીને કહ્યું અને છપ્પન ચાવી ઝીલે એ પહેલાં પાછળથી ફાયરિંગ કરી રહેલા પાકિસ્તાનીઓને નિશાન બનાવવા માંડયા.
છપ્પને ખુલ્લું પડ ભાળીને વિલિઝ તરફ દોટ મૂકી એ જ વખતે મંદિર તરફ પ્રવેશતી ખુબરાની કેડીએથી પાંચ-સાત ઊંટસવારો દેમાર ઝડપે ધડબડાટી કરતા આવી રહ્યા હતા. ઢુવાઓ પર થયેલા બોમ્બ ધડાકામાં અસવાર વિહોણા થઈ ગયેલા ઘાયલ ઊંટ પણ નિરંકૂશપણે તેમની તરફ ભાગ્યા હતા. છપ્પન દોડીને વિલિઝની ડ્રાઈવિંગ સીટ પર બેઠો, ઈગ્નિશન ઘૂમાવ્યું અને ત્વરિતને હાક મારવા એ તરફ જોયું ત્યારે જાણે કોઈએ તેના કાળજે ધગધગતો સળિયો પરોવી દીધો હોય તેવી કારમી ચીસ તેનાંથી નંખાઈ ગઈ.

(ક્રમશઃ)