Operation Pukaar - 3 in Gujarati Detective stories by Vrajlal Joshi books and stories PDF | ઓપરેશન પુકાર - 3

Featured Books
Categories
Share

ઓપરેશન પુકાર - 3

ઓપરેશન પુકાર

વ્રજલાલ હિરજી જોષી

3 - આદિત્યનું અપહરણ

ધીરે-ધીરે ધરતીના પટ પર અંધકારની ચાદર દૂર થતી જતી હતી અને પૂર્વ દિશામાં સૂર્યનારાયણના આગમનનો સંદેશો આપતા ગુલાલનો છોર ઉછળી રહ્યા હોય તેવી રતાશ તરી આવી.

તેઓએ એક નાની પણ ઊંચી ટેકરી શોધી કાઢી હતી. જે એકદમ ઊંચા તાડ જેવા ચિનારના વૃક્ષોની ઘટાથી ઢંકાયેલી હતી. ટેકરી પર થોડી સમથળ જગ્યા પણ હોવાથી, ત્યાં વિશ્રામ લેવાનું ઉચિત સમજી મેજર સોમદત્તે ત્યાં પડાવ નાંખવા માટે આદેશ આપી દીધો.

કોઇપણ વારાફરતી એક જણ સાવચેતી સાથે ચોકી કરે તે સિવાય બધા આરામ કરે તેવું નક્કી કરવામાં આવ્યું.

આદિત્યે ત્યાં ચોકી કરવાનું પહેલાં નક્કી કર્યું. તે ચિનારના મોટા વૃક્ષ પર ચડી ગયો. અને દૂરબીન લઇ ચારે તરફ ચાંપતી નજર રાખવા લાગ્યો. તે સિવાય સૌ નિંદ્રાધીન થયા.

જંગલમાં એકદમ ખામોશી છવાયેલી હતી. સવારના આમથી તેમ ઉડતા પક્ષીઓના કિલકિલાટથી વાતાવરણમાં જાણે સંગીતના સુર રેલાતા હોય તેવું લાગી રહ્યું હતું. થોડી જ વારમાં ક્ષિતિજમાંથી સૂર્યનો લાલ ચળકતો ગોળો નીકળી આવ્યો અને તે સાથે જ ધરતી પર પ્રકાશપુંજ છવાઇ ગયો.

એકદમ સચેત રીતે આદિત્ય વૃક્ષની મોટી ડાળ પર બેઠો હતો. વાતાવરણમાં ઠંડક હતી એટલે તેને ઝોકા આવતા હતા. એમ લાગતું હતું કે હમણાં જ આંખો બીડાઇ જશે. પણ ગમે તેમ તોય ‘રો’નો એજન્ટ હતો, અને કોઇપણ પરિસ્થિતિમાં રહેવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી.

અચાનક સરર... સરર... સર... આવતા અવાજ સાથે તે ઝબકી ગયો અને પછી દૂરબીન લગાવી ચારે દિશામાં નિરીક્ષણ કરવા લાગ્યો.

ક્યાંય કોઇ જ જણાતું ન હતું. ફરીથી ખામોશી છવાઇ ગઇ. “કોઇ જીવજંતુ કે પક્ષીનો અવાજ હશે” તેમ માની આદિત્ય દૂરબીન ગળામાં લટકાવ્યું અને પછી આરામથી બેસી ગયો.

કેટલોય સમય એમને એમ પસાર થયો. સૂર્ય ઝડપથી આકાશમાં ઉપર ચડતો જતો હતો.

અને ફરી એકવાર ચરર... ચર... ચરચરાટીનો અવાજ શાંત વાતાવરણમાં આવ્યો.

આદિત્ય એકદમ સચેત થઇ ગયો. રિર્વોલ્વરને હાથમાં લઇ ચારે તરફ ઘુમાવી જોયુ.ક્યાંય કશું જ ન હતું. આદિત્યે ત્યાં સૂતેલા પોતાની સાથીઓ તરફ નજર ફેરવી. સૌ શાંતિથી ઊંઘી રહ્યાં હતાં. કેટલીય પળો એમને એમ વીતી પછી કોઇ જ બનાવ ના બનતા આદિત્ય નિશ્ચિંત બની ગયો. છતાં પણ તે સજાગ હતો.

સૂર્ય ધીમે-ધીમે માથા પર આવતો જતો હતો. એકદમ ઠંડુ વાતાવરણ હોવાથી તાપની તો કોઇ જ અસર થતી ન હતી. પરંતુ ઉજાગરાને લીધે આદિત્યની આંખો સતત બળતી હતી.

ધીમે-ધીમે આતિત્ય આંખો બંધ કરીને શાંતિથી બેસી રહ્યો અને તેને ખબર ન પડી ક્યારે તેને ઝોકું આવી ગયું.

‘તડાક’ અચાનક આદિત્યની પીઠ પર કોઇની લાતનો પ્રહાર થયો અને તે સાથે જ વૃક્ષની ડાળી પર બેઠેલા આદિત્યે પોતાનું સંતુલન ગુમાવ્યું. વૃક્ષની ડાળી પરથી તેનો દેહ હવામાં તરતો નીચે ધરતી તરફ આગળ વધવા લાગ્યો.

હેબતાયેલો આદિત્ય કાંઇ પણ વિચારે તે પહેલાં તેનો દેહ ધરતીની એકદમ નજીક આવ્યો. આદિત્યને હતું કે તેના હાડકાં, પાંસળીઓ તૂટી જશે. પરંતુ ધરતી પર તેનો દેહ પટકાય તે પહેંલા જ નીચે બીછાવેલી જાળમાં પડ્યો. અને જાળમાં જ તેનો દેહ અધ્ધર લટકી રહ્યો. તરત તેને જાળમાં લપેટી લેવામાં આવ્યો. આદિત્યને કશું જ સમજણ ન પડી કે તેની સાથે શું થઇ રહ્યું છે, પણ તેને પોતાની બેદરકારી પર અફસોસ થયો.

પણ હવે અફસોસ કરવાથી કાંઇ જ વળે તેમ ન હતું. તેનો દેહ જાળમાં લપેટાઇ ગયો હતો. હાથ-પગ હલાવી આદિત્યે જાળમાંથી છૂટવા પ્રયત્ન કર્યો પણ તેમ તે વધુ જ ગૂંચવાતો ગયો.

અચાનક જાળ ત્યાંથી ધરતી પર પટકાઇ એ જંગલના ઊંડાણ તરફ સરકવા લાગી. ધમપછાડા કરતા આદિત્યને સુઝ્યું કેચીસો પાડી પોતાની સાથીઓને જાણ કરે, પણ તેમ કરતાં તેના બધા જ સાથીઓ પણ દુશ્મનોની જાળમાં ફસાઇ જાય તેમ હતા. તેથી તેણે ચીસો પાડવાનું મુલતવી રાખ્યું.

જાળ એમ ને એમ ઢસડાતી જતી હતી. તેની સાથે આદિત્યનો દેહ પણ ધરતી પર આમતી તેમ અથડાતો ગુલાંટીયા ખાતો આગળ સરકી રહ્યો હતો. કેટલીયવાર તે વૃક્ષોના થડમાં અથઢાતા આદિત્યને ચોટ લાગતી હતી અને તીવ્ર પીડા ઉપડતી હતી પણ તે અત્યારે એકદમ લાચાર હતો.

કેટલોય સમય જાળમાં વીંટળાયેલો દેહ ઢસેડાતો હતો. લગભગ કલાકના સમય સુધી ઢસડાતા આદિત્યને કેટલીય જગ્યાએ છોલાયું. અને તેમાંથી લોહી નીકળી રહ્યું હતું.

હજુ પણ આદિત્યને સમજણ પડતી ન હતી કે શું થઇ રહ્યું છે ? તેને જાળમાં વીંટાળનાર દુશ્મનો કોણ છે ? છેલ્લે પોતાની જાતને ભગવાન ભરોસે મૂકી તે પીડા સહન કરતો રહ્યો.

જાળમાં ઢસેડાતો તેનો દેહ એક ખુલ્લી જગ્યા પર આવ્યો કે તરત તેનો દેહની ચારે તરફ ભાલાઓ ભોંકાયા. કારમી વેદનાથી આદિત્ય તરફડી ઉઠ્યો.

નજર ઉઠાવી આદિત્યએ ઉપરની દિશામાં જોયું કે તેના શરીરમાંથી ધ્રુજારીનું એક લખલખું ફરી વળ્યું.

કેટલાય જંગલીઓ તેની આસપાસ ઊભા હતા અને તે સૌના હાથમાં ભાલા હતા, જે આદિત્યના શરીરમં ભોંકાયેલા હતા.

આદિત્ય સમજી ગયો કે તે કોઇ જંગલી આદિવાસીઓનાં પંજામાં સપડાઇ ગયો છે.

અચાનક કદમ એકદમ ઝબકીને જાગી ગયો. તેને સમજણ ન પડી કે એકાએક તેની નીંદર શા માટે ઊડી ગઇ, વાતાવરણમાં ઠંડક હોવાથી છતાંય તેના ચહેરા પર પરસેવો બાઝી ગયો હતો.

રૂમાલથી ચહેરો પરનો પરસેવો લૂછતા કદમે તેની આસપાસ નજર કરી તેના સાથીઓ સૌ ઊંઘી રહ્યા હતા. તેઓ પર નજર ફેરવી કદમે રાહતના દમ લીધો. પછી ખિસ્સામાંથી મોબાઇલ કાઢી મોબાઇલમાંના ઘડિયાળ પર નજર રાંખી.

કદમ એકદમ ચોંકી ઉઠ્યો.

અત્યારે બપોરના ત્રણ વાગ્યાનો સમય થયો હતો. તેઓ સૌ રાત્રિની લાંબી અને મુશ્કેલીભરી મુસાફરીથી થાક્યા હતા. તેથી સૌ ઊંઘતા હતા.

પણ... પણ... અત્યારે ત્રણ વાગ્યાનો સમય થવા આવ્યો છતાં પણ આદિત્યે તેને શા માટે જગાડ્યો નહીં ? કેમ કે ત્રણ કલાકના સમય પછી કદમને જગાડી આદિત્યે ઊંઘી જવાનું એમ તેઓ વચ્ચે નક્કી થયેલું હતું. પણ ત્રણ કલાકને બદલે અત્યારે દસ કલાક થવા આવ્યા હતા. તો પણ આદિત્યે તેને કેમ ન જગાડ્યા...? તે પ્રશ્ને કદમના અંદર ભુચાલ મચાવી દીધા. તે ઝડપથી ઊભો થયો અને લગભગ દોડતો જ્યાં આદિત્ય જે વૃક્ષ પર બેસી ચોકી કરતો હતો ત્યાં ધસી ગયો.

ત્યાં પહોંચતા જ કદમ એકદમ સ્તબ્ધ બની ગયો. કારણ કે ત્યાં આદિત્ય હતો જ નહી.

“આદિત્ય ક્યાં ગયો...?” પ્રશ્ને કદમને શરીરમાં ધ્રુજારી પ્રસરી ગઇ. જે વૃક્ષ પર આદિત્ય બેઠો હતો. કદમ તેનું નિરીક્ષણ કર્યું તે વૃક્ષને ત્રણ-ચાર ડાળ તૂટી પડી હતી, જે ધરતી પર પડી હતી.

આનો મતલબ એ થયો કે કોઇએ આદિત્ય પર હુમલો કર્યો છે, અને આદિત્ય તે વૃક્ષની ડાળી પરથી નીચે પછડાયો છે અને તેથી જ આદિત્યના શરીરના વજનથી કેટલીય ડાળો તૂટી નીચે પડી હતી.

આટલું બધું બની ગયું છતાં સૌ ઊંઘી જ રહ્યા હતા. તે વાતનું કદમને આશ્ચર્ય થયું, એવું શું બન્યું હશે...? પ્રશ્નનો જવાબ કદમને મળતો ન હતો. “શું આદિત્ય દુશ્મનોના હાથમાં જડપાઇ ગયો હશે...?”

ધરતી પર કોઇ વજનવાળી વસ્તુ ઢસરડીને ત્યાંથી લઇ ગયા હોય તેમ ઘાસમાં, માટીમાં ઢસડવાના નિશાન પડેલા હતા.

કદમ ઝડપથી ટેકરી તરફ જવા દોટ મૂકી. અહીં રહેવું એકદમ અસલામત તેને લાગ્યું. તે તથા તેની સાથીઓ પકડાઇ જવાય તે પહેલાં અહીંથી રવાના થઇ જવું તેને ઉચિત લાગ્યું.

કદમ ટેકરી પાસે પહોંચ્યો.

“સર... સર...!” ટેકરી પર આવતાં કદમ ઊંચા અવાજે બોલ્યો. તેનાં અવાજ સાથે સર સોમદત્ત, પ્રલય અને વિજયસિંહા સફાળા જાગી ગયા.

મેજર સોમદત્ત ઝડપથી બેઠા થઇ ગયા.

“શું થયું કદમ...?” તેની તરફ દોડતાં આવતા કદમની સામે તેમણે નજર ઘુમાવી પૂછ્યું.

“સર...! આદિત્યનું અપહરણ થયું છે, તેને ઉઠાવી જવામાં આવ્યો છે.” ફૂલાતા શ્વાસે કંટ્રોલ કરતાં કદમ બોલી ઉઠ્યો.

“શું...?” પ્રલય સફાળો ઊભો થઇ ગયો. “કોણ... કોણ આદિત્યને ઉઠાવી ગયું.?” તેના ચહેરા પર ચિંતાના ભાવ સાથે ગુસ્સો તરી આવ્યો.

“કદમ...તું અહીં બેસ પહેલાં બધી વિગત જણાવ.” કદમનો હાથ પકડી બેસાડતાં વિજયસિંહાએ કહ્યું.

બે મિનિટમાં જ કદમનો ઉછળતો શ્વાસ ધીમો પડ્યો. કદમે માથા પર હાથ ફેરવી પરસેવો લૂછ્યો.

“સર...! મારી ઊંઘ એકાએક ઊડી ગઇ. મને સમજાયું નહીં કે ઊંઘ કેમ ઊડી ગઇ. વિચારતાં હું બેઠો થયો. પછી મોબાઇલ કાઢી સમય જોયો. સમય જોતાં જ હું એકદમ ઉછળી પડ્યો. સર અત્યારે બપોરના ત્રણ ને પંદર મિનિટ થઇ છે. ત્યારે ત્રણ વાગેલા જોઇ આદિત્યે મને બે-ત્રણ કલાક પછી જગાડ્યો નહીં અને અત્યારે દસ કલાઇ થઇ ગયા. તેનું કારણ જાણવા હું ઝડપથી જ્યાં આદિત્ય ચોકી કરતો હતો તે ચીનારના વૃક્ષની નીચે આવ્યો.” ઊંડો શ્વાસ લેતા કદમે આગળ વધ્યું.

“સર ! વૃક્ષની ઉપર આદિત્ય ન હતો. અને વૃક્ષ પરથી તેના નીચે પડવાના અને આદિત્યને ઢસરડીને લઇ જવાના નિશાનો પણ મેં જોયા.”

“કદાચ કોઇ જાનવર તેને પકડી લઇ ગયું હોય તેવું બને. અહીં વાઘ, ચિત્તાઓનો ઘણો જ ત્રાસ ફેલાયેલો છે.” વિજયસિંહાએ ચિંતાભર્યા સ્વરે કહ્યું.

“ચાલો ઝડપથી તે સ્થળ પર એક નજર કરી લઇએ પછી આદિત્યને શોધવા નીકળવું પડશે. આમ મિશનની શરૂઆત થયા પહેલા મારા એજન્ટનો ભોગ લેવાય તે કદાપિ હું સહન નહીં કરું...” તમતમતા તીખા સ્વરે સર સોમદત્ત બોલી ઉઠ્યાં.

થોડી જ વારમા સૌ તે વૃક્ષની પાસે પહોંચ્યાં, જે ચિનારના વૃક્ષ પર આદિત્ય બેઠો હતો.

મેજર સોમદત્તે બારીકાઇથી તે સ્થળનું નિરીક્ષણ કર્યું. “કદમ...તારી વાત એકદમ સાચી છે. આદિત્યનું અપહરણ કરવામાં આવ્યું છે. તે ચોક્કસ દુશ્મનોનાં પંજામાં ફસાઇ ચૂક્યો છે.”

“સર...! હું તેને પાતાળમાંથી પણ શોધી કાઢીશ. જો દુશ્મનોએ આદિત્યને કંઇ પણ નુકસાન પહોંચાડ્યું હશે તો દુશ્મનોનો હું ખાતમો બોલાવી દઇશ.” પ્રલયનો ચહેરો ક્રોધથી તમતમતો હતો. “ખૈર હું આદિત્યને શોધવા માટે જાઉં છું.” બોલતાં પ્રલય આગળ વધ્યો.

“થોભ...” મેજર સોમદત્તે પ્રલયના બાવડા પર હાથ મૂક્યો... “આપણે સૌ સાથે જ ચાલીએ છીએ. હવે આ સ્થળ પર રહેવું જોખમકારક છે. ચાલો આપણે આપણો સામાન ઉઠાવી લઇએ.”

“યસ સર...!” વિજયસિંહા બોલ્યો અને પછી સૌ ફરીથી ટેકરી પર આવ્યા. ઝડપથી બધું જ સંકેલી લઇ, ફરીથી તે ચિનારના વૃક્ષ પાસે આવ્યા. વૃક્ષની નીચેથી કોઇને ઢસરડીને લઇ જવાના નિશાનો હતા. તેઓ નિશાનોનું પગેરું શોધતા આગળ વધ્યા.

લગભગ અડધા કલાક સુધી તે નિશાનના સહારે તેઓ આગળ વધતા રહ્યા. પણ ત્યારબાદ આગળ ગીચ વૃક્ષોની ઝાડી હોવાથી ત્યાંથી ઢસડવાના નિશાન લુપ્ત થઇ જતા હતા.

“સર...! અહીંથી નિશાન દેખાતા નથી. આ ગીચ ઝાડીમાં અહીંથી આદિત્યન ઊંચકી જવામાં આવ્યો હોય તેવું લાગે છે...” કદમ બોલ્યો.

“કરેક્ટ...કદમ. અહીંથી આદિત્યને ઊંચકી જવામાં આવ્યો છે. અને તેનો મતલબ કે અહીંથી આસપાસમાં જ તેઓ આદિત્યને લાવ્યા હશે...” પ્રલયે કહ્યું.

“હં...! તારી વાત સાચી છે.” કંઇક વિચારતાં મેજર સોમદત્ત આગળ બોલ્યા: “આપણે અહીંથી છૂટા પડી જંગલની આસપાસનો બધો જ એરિયા છાણીં નાંખવો પડશે અને આદિત્યના કોઇપણ સમાચાર મળે તો એકબીજાને વાયરલેસથી જાણ કરવી. પરંતુ કોઇએ કોઇનું નામ બોલવું નહીં અને વાત કોર્ડવર્ડમાં જ કરવી.”

“ઠીક છે સર...! તો આપણે સૌ અહીંથી છુટા પડીએ છીએ અને લાલા કપડાનો કટકો હું અહીં વૃક્ષ પર બાંધી દઉં છું. એટલે સાંજ થતાં આપણે અહીં જ એકઠાં થઇશું.” થેલો ખોલી લાલ કપડાને તેણે ત્યાં વૃક્ષ પર ચડી નીચેથી બરોબર જોઇ શકાય તેમ એક ડાળ પર બાંધી દીધો.

“ચાલો... જય હિન્દ...” મેજર સોમદત્ત બોલી ઉઠ્યા અને સૌ ગીચ વૃક્ષોના ઝૂંડમાં અલગ-અલગ દિશામાં જવા આગળ વધી ગયા.

પૂરો દિવસ રખડી-રખડી સૌ એકદમ થાકી ગયા. સાંજનો સમય થવા આવ્યો હતો. ન તો કોઇએ આજે નાસ્તો કર્યો હતો ન ભોજન. આદિત્યની ફિકરમાં બધું જ ભુલાઇ ગયું હતું.

સૂર્યનો લાલ ચટાક દેખાતો ગોળો પશ્ચિમની ક્ષિતિજમાં ડૂબી રહ્યો હતો. ધરતીના પટ પર અંધકાર છવાતો જતો હતો, તેમ તેમ જંગલમાં ભેંકારતા અને ખોફ છવાતો જતો હતો. પક્ષીઓ પોતાના માળામાં પાછા ફરી રહ્યાં હતાં.

સૌ સાંજના છ વાગ્યાના સમયે નક્કી કરેલા સ્થળે પહોંચી આવ્યા હતા. સૌના ચહેરા પર થાકની સાથે નિરાશા છવાયેલી હતી.

“સર... આદિત્યની કોઇ ભાળ મળી...?” એકઠા થતાં જ સૌ પ્રથમ કદમ બોલી ઉઠ્યો.

મેજર સોમદત્તે પ્રલયની સામે જોયું. પ્રલયના ચહેરા પર પણ હતાશા તરવરતી હતી.

“સર...! જંગલ છાણી નાંખ્યું, પણ આદિત્યનો ક્યાંય પત્તો લાગ્યો નહીં...” અફસોસભર્યા સ્વર સાથે પ્રલયે કહ્યું.

“સર...! મેં પણ જંગલમાં પૂરી તપાસ કરી પણ ક્યાંય આદિત્યના સગડ મળ્યા નહીં...” વિજયસિંહા બોલી ઉઠ્યો.

“ખૈર...હું પણ તમારા સૌની જેમ નિરાશ બનીને પાછો ફર્યો છું પણ આપણે નિરાશ થવાની જરૂર નથી. જો આદિત્ય જીવતો હશે તો તેને પાતાળમાંતી પણ શોધી કાઢીશું...” ગળગળા સ્વર સાથે મેજર સોમદત્ત બોલ્યા કે પ્રલય અને કદમની આંખોમાં ભીનાશ તરવરી ઉઠી.

એક ઊંડો શ્વાસ લઇ મેજર સોમદત્ત બોલ્યા, “આપણા પાસે સમય એકદમ ઓછો છે. આપણી પહેલી ફરજ મેજર કતારસિંગને શોધવાની અને ચીનના લશ્કરના સિપાઇઓના પંજામાંથી છોડાવવાની છે. આજની રાત કયામતી રાત છે. એક તરફ આદિત્યને શોધવાનો તો બીજી તરફ મેજર કતારસિંગને શોધી છોડાવવાનો. મેજર કતારસિંગને શોધવા આપણે જંગલમાં એકદમ ગાઢ અંધકાર પ્રસરી જાય ત્યાં સુધી જ વાટ જોવાની છે.”

“પણ સર...! આદિત્યને શોધવા તે પણ જરૂરી છે. ગમે તેમ તો આપણો સાથી છે, ભાઇ.” કદમે કહ્યું.

“કદમ મને પણ આદિત્યની ઘણી જ ફિકર છે. પછી દેશની રક્ષાનો મામલો હો કે દેશની આન, બાન, શાનનો મામલો હોય ત્યારે આપણે ખુદની કુરબાની આપવી પડે અને મારે મારા પુત્રો જેવા સાથીઓની.”

“સર...! જંગમાં લડતાં-લડતાં મરવાનું અમે પસંદ કરીશું. દેશ માટે કુરબાન થવું તે આપણા માટે ગર્વની વાત છે. પણ સર ! આદિત્ય શહીદ નથી થયો, પણ ગુમ થયો છે. તેને લીધા વગર આગળ વધવું મારા માટે તો અશક્ય છે.” તીખા અવાજે પ્રલય બોલ્યો.

“પ્રલય... હું તારી ભાવના સમજુ છું. અને કદર પણ કરું છું. ઇશ્વર આદિત્યની રક્ષા કરે.... પણ પહેલાં આપણે જે મિશન માટે આવ્યા છીએ તે ન ભૂલવુ જોઇએ....છતાં તમારામાંથી કોઇ મારી સાથે આગળ વધવા તૈયાર ન હોય તો મારા તરફથી છુટ છે.પણ હું થોડી જ વારમાં મેજર કતારસિંગને શોધવા માટે આગળ વધી જવાનો છું.” એકદમ મક્કમતા સાથે મેજર સોમદત્ત બોલ્યાં.

કદમ સાથે લાવેલી પાણીની આખી બોટલ પી ગયો. તેને સમજાતું ન હતું કે તે શું કરે. પ્રોટોકોલ પ્રમાણે મેજર સોમદત્તનો આદેશ તેઓએ માનવો જ પડે અને કદમે આજ સુધી મેજર સોમદત્તના આદેશની અવગણના કરી ન હતી. કેમ કે સોમદત્તે તેને ઉછેરી મોટો કર્યો હતો. તેની જિંદગી મેજર સોમદત્તને આભારી હતી. પણ... પણ... જો પાતના સાથીદારની શોધ કર્યા વગર તે આગળ વધી જાય તો પોતે ક્યારેય આદિત્યની સામે નજર મિલાવીને જોઇ પણ નહીં શકે. આદિત્ય સૌથી નાનો હતો અને સૌ તેને નાના ભાઇ જેટલો જ પ્રેમ આપતા હતા. તો શું તે મેજર સોમદત્તનો આદેશ માની પોતાના નાના ભાઇ જેવા આદિત્યને ભૂલી જાય ? કદમે પોતાના માથાના વાળ બંને હાથ પકડીને પીંખી નાંખ્યા.

“પ્રલય...અંધકાર છવાઇ જતાં જ આપણે આગળ વધવાનું છે... ધીસ ઇઝ માય ઓર્ડર.” મેજર સોમદત્તે કહ્યું. પ્રલયના જડબાં સખતાઇ સાથે ભીડાઇ ગયા. પહેલા તો તેને થયું કે તે સખત શબ્દોમાં ના કહી દે પરંતુ શિસ્ત અને ફરજ સામે તેનું સર ઝુકી ગયું.

“ઠીક છે સર ! અમે તૈયાર છીએ.” ભારેખમ અવાજે પ્રલય બોલ્યો.

“સર...હું તૈયાર નથી. તમે સૌ આગળ વધો હું આદિત્યને શોધી તમારી સાથે થઇ જઇશ અને આદિત્ય ન મળ્યો તો હું મિશનમાં આગળ નહીં વધું. હું સમજુ છું કે મને લો એન્ડ ઓર્ડરના ધોરણે સસ્પેન્ડ કરવામાં આવશે. સર ! મને તમે યોગ્ય સજા આપશો તે મંજૂર છે.” કદમે સખ્ત શબ્દોમાં કહ્યું.

“ઠીક છે...પહેલાં જ મેં સૌને કહ્યું છે કે મારી સાથે ન ચાલવું હોય તો તમારી મરજી. હું તમને દબાણ નહીં કરું.” કડક શબ્દમાં બોલતાં મેજર સોમદત્તે તીખી નજરે કદમની સામે જોયું. કદમ નીચું જોઇ ગયો.

પછી મનને મક્કમ કરી પોતાનો સામાન ખભા પર મૂકતા બોલ્યો, “હું આદિત્યને શોધવા જાઉં છું... સર... મને માફ કરજો...” ત્યારબાદ તે જંગલની ગીચ ઝાડીઓની અંદર ઘુસી ગયો.

“ચાલો... આપણે આગળ વધવાનું છે. અંધકાર છવાઇ ગયો છે. હવે વિલંબ કરવાનો મતલબ નથી. તમારામાંથી કોઇને નાસ્તો કરવો હોય તો તે કરી લ્યો. કાલનું ભોજન મળશે કે નહીં તે નસીબ જાણે...”

“સર ! હું તૈયાર છું. આદિત્યને ગુમાવ્યા પછી ભોજન તો ઠીક મારે મન પાણી પીવું પણ હરામ છે...” હોઠ ચાવતાં પ્રલય ગળગળા સ્વરે બોલ્યો.

“વિજયસિંહા... તમારો શું નિર્ણય છે ?” મેજર સોમદત્તે વિજયસિંહાની સામે જોયું.

“સર...! આદિત્ય પણ દેશ માટે એટલો જ જરૂરી છે, જેટલા મજેર કતારસિંગ છે. આદિત્યએ દેશ માટે હંમેશા જાનના જોખમે કેટલાય સાહસો ખેડયા છે. સર...!” પણ મને આદેશ આપવામાં આવ્યો છે કે સર સોમદત્ત જે કહે તેમ જ મારે કરવું. એટલે તમારા આદેશનું પાલન કરવું એટલે હું તૈયાર છું.’’

વિજયસિંહાએ પોતાનો સામાન ઉપાડ્યો.

થોડી વારમાં જ સૌ ગીચ જંગલમાં રસ્તો કરતા આગળ વધી ગયા.

તે ભયાનક રાત હતી. ગાઢ જંગલમાં મોત ચારે તરફ પોતાનું જડબું ફાડીને ઊભું હતું.

ચારે તરફ રાની પશુઓની ત્રાડો સંભળાઇ રહી હતી. ભેંકાર સન્નાટો અને ગાઢ અંધકારમાં એકલો માણસ ફફડીને જ મરી જાય તેવા વાતાવરણમાં મન મક્કમ કરી કદમ આગળ વધતો જતો હતો. આકાશમાં વાદળો છવાયેલા હોવાથી અંધકાર એકદમ હાથને હાથ ન દેખાય તેવો ગાઢ હતો. મોત ક્યારે અને કઇ તરફતી આવશે એ નક્કી ન હતું.

કદમના એક હાથમાં રિર્વોલ્વર પકડેલી હતી. બીજા હાથમાં મોબાઇલ હતો. જેમાંની ટોર્ચ જ્યારે પણ જરૂર જણાય ત્યારે એકદમ ચાલુ કરવા તેની આંગળી ટચ સ્ક્રીન પર મંડરાયેલી હતી.

ફુઉઉઉ...ફુઉઉઉ... જાણે અચાનક કોઇએ કેરોસીનથી બળતો પ્રાયમસ ચાલુ કર્યો હોય તેવો અવાજ ખામોશીભર્યા સન્નાટામાં ફેલાયો. કદમ એકદમ ચમકી ગયો ક્યાંય કશું જ દેખાતું ન હતું. છતાંય અવાજ એકદમ તેની નજીકથી આવતો હતો.

અચાનક તેની પીઠ પર સળવળાટ થતાં જ કદમ ચમકી ગયો. અને બીજી જ ક્ષણે પાછળ ઘુમતા તેણે મોબાઇલમાંની ટોર્ચને ચાલુ કરી પાછળનું ર્દશ્ય જોઇ કદમ એકદમ હેબતાઇ ગયો.

તેની પાછળની જગ્યા પર એક મોટો અજગર વૃક્ષની મોટી ડાળ પર લટકતો હતો. તેની લખોટા જેવી બે લાલ આંખો અંધકારમાં એકદમ ચમકતી કદમની સામે તાકી રહી હતી.

હેબતાયેલો કદમ પાછળ ફરે તે પહેલાં લટકતો અજગર સરક્યો અને પછી કદમની કમર પર વીંટળાઇ ગયો. કદમના હાથ ધ્રુજી ઉઠ્યા.

હાથમાંનો મોબાઇલ છટકીને નીચે પડ્યો.

અજગર લાંબો હતો તેનો પૂંછડીવાળો ભાગ હજુ વૃક્ષની ડાળ પર તેણે વીંટાળી રાખ્યો હતો.

ધીમે ધીમે તે કદમની કમર પર ભીંસ લેતો જોતો હતો. હેબતાયેલા કદમે મનને મક્કમ કર્યું. અને અજગરના પંજામાંથી છૂટવા માટે ઉપાય વિચારવા લાગ્યો.

અજગરે લીધેલી ભીંસને લીધે કદમને લાગતું હતું કે તેની પાંસળીઓ તૂટી જશે. એકદમ ભીંસથી તેનો શ્વાસ રૂંધાતો હતો. ચહેરા પર પરસેવો નીતરી રહ્યો હતો.

કદમને મેજર સોમદત્ત, પ્રલય, આદિત્ય યાદ આવી ગયા. આદિત્ય ગુમ થયો હતો. પોતે જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતો હતો. સર સોમદત્તને ખબર પણ નહીં પડે કે આદિત્યને શોધવા ગયેલા કદમને અજગર ગળી ગયો.

અજગરની ભીંસ એકદમ વધતી જતી હતી. તીવ્ર પીડાથી કદમ ટપટી ઉઠ્યો. અજગર પોતાની પૂંછડીના જોર પર કદમને અધ્ધર ઊંચકવા લાગ્યો. કદમના પગ નીચેથી ધરતી સરી ગઇ. હવે તે હવામાં અધ્ધર લટકતો હતો.

મોત અને જિંદગી વચ્ચે બે-ચાર પળોનું અંતર હતું. કદમ ધીમે-ધીમે રિવોલ્વરવાળો હાથ ઉપર કરતો હતો. પણ હાથ ઉપર કરવામાં તેને કારમી પીડા થતી હતી. ધીમે-ધીમે અજગર તેને ઉપર ઉઠાવવા જતો હતો.

અજગરનું જડબું તેના માથાની ઉપર મંડરાયેલું હતું. જે ધીમે-ધીમે પહોંળુ થતું હતું. તેના મોંમાંથી પડતી ચીકણી લાળોથી કદમનો ચહેરો ખરડાઇ ગયો.

કદમની આંખોની અંદર લાળો જતાં કારમી બળતરા ઉપડતી હતી. આંખો ખોલવાનું પણ મુશ્કેલ બનતુ જતું હતું. અજગરની લાલ અંગારા જેવી આંખો સતત કદમના ચહેરાની સામે તકાયેલી હતી.

જીવન-મરણના સટોસટનો ખેલ શરૂ થઇ ચૂક્યો હતો. અજગર પોતાનું પહોળું કરેલું મોં કદમના માથા તરફ લંબાવતો જતો હતો.

પ્રયત્નપૂર્વક એકદમ બળતી આંખો ખોલી કદમે તે જોયું.હવે કશું વિચારવાનો સમય પણ ન રહ્યો ન હતો. બે-ચાર ક્ષણો પછી તેને અજગર સ્વાહા કરી ગળી જવાનો હતો.

કદમે ઝડપથી પોતાના ખુલ્લા હાથને પોતાના બુટ તરફ લંબાવ્યો. તેનું ધ્યાન સતત અજગરની મંડરાયેલી આંખો પર હતું. પણ મગજ બુટના પટ્ટામાં છૂપાવેલી છૂરી કાઢવા તરફ હતું. કદમનો પગ ઊંચો હતો અને તેને સ્પર્શતા તેનો હાથ ફાંફા મારતો હતો. અજગરે કદમને એવી રીતે ભીંસમાં લીધો હતો કે તેનો હાથ પગ સુધી પહોંચતો ન હતો.

મોં પહોળુ કરી મોંમાં કદમના માથાને લેવા અજગર એકદમ તૈયાર હતો અને તે કદમની એક-એક હિલચાલ પર પણ નજર રાખતો હતો. ધીમે-ધીમે તે કદમના શરીર પર ભીંસ વધારતો જતો હતો.

કદમનો હાથ હજુ પગને સ્પર્ષ કરી બુટમાંથી છૂપાવેલ છૂરીને કાઢવા ફાંફા મારી રહ્યો હતો. અજગરે તેની છાતીથી પેટ સુધી એવો ભીંસમાં લીધો હતો કે કદમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.તેને લાગતું હતું કે હમણાં જ તેની પાંસળીઓનો ભુક્કો થઇ જશે. અને તેનુ હાર્ટ, ફેફસાં સાથે સાથે આંતરડા પણ બહાર આવી જશે.

જીવન જીવવાની જિજીવિષા તેને કંઇક કરવા પ્રેરિત કરી રહી હતી. પણ તેના બૂટમાંની છૂપાવેલી છરી હાથમાં આવે તો જ કદમની જિંદગી બચી શકે તેમ હતી અને તેનું અંતર ફક્ત ચાર-પાંચ ઇંચનું જ રહી જતું હતું. તે હતી તેની જિંદગી અને મોત વચ્ચેનું અંતર હતું જે અંતર દૂર કરવા કદમ એકદમ મરણીયો પ્રયત્ન કરતો હતો. જેમાં સફળતાની શક્યતા એકદમ ઓછી લાગતી હતી.

મોત તેના માથા પર મંડરાયેલું હતું. જીવનની આશાને ધીમે-ધીમે અંત આવતો જતો હતો. કદમની આંખોમાં આસું છલકાયા. વીતી હરએક ક્ષણની યાદ આવી ગઇ. પોતાના સ્વજન એવો મેજર સોમદત્ત, પ્રલય, આદિત્યની સાથે પોતાના પ્રાણથી પ્યારી તાનિયાના ચહેરા એક પછી એક આંખોની સામેથી પસાર થતા હતા. તે એકદમ તરફડતો હતો. મોત કરતાં મોતની યાતના તેને સતત તડપાવતી હતી. દુશ્મનની ગોળી ખાઇ મરવું તે દેશ માટે શહીદ થવા બરાબર હતું પણ આ મોતો..? ઓહ...! કદમના મોંમાંથી પીડાભરી ચીસ નીકળી અને ગાઢ જંગલના અંધકારમાં વીલીન થઇ ગઇ. અજગરનું પહોળું થયેલું મોં તેના માથાના વાળને સ્પર્શ કરતુ હતું. “મા ભવાની જેવી તમારી મરજી” જિંદગીનું છેલ્લું સ્મિત તેના ચહેરા પર છવાયું.

અચાનક જંગલના ગાઢ અંધકારને પ્રકાશપૂંજમાં ફેરવતું ઇશ્વરની સાક્ષાત દર્શન કરાવતી હોય તેવું પ્રકાશપુંજ વેરતા વીજળીના જોરદાર લીસોટા આકાશ ધરતી પર વેરાયા. અને પછી જોરદાર અને કર્કશ ધમાકાના અવાજ સાથે ગર્જના કરી ધરતીને ધ્રુજાવતી ગર્જનાનો અવાજ થયો, જાણે આભ ફાટ્યું, ધરતી પર ભુચાલ થઇ હોય તેવી ધણધણાટીનો ધ્રુજારીભર્યો ખોફનાક ધમાકાથી અજગર એકદમ ચમકી ગયો અને પછી કુદરતના પ્રકોપથી શિકારને છોડી ઝડપથી ધરતી પર સરક્યો તે સાથે જ તેની ચુંગલમાંથી છૂટેલો કદમ ધરતી પર ધબાકની સાથે પછડાયો.

નીચે પડેલો કદમ એકદમ જોરજોરથી શ્વાસ લઇ રહ્યો હતો. અજગર તો ક્યાંય સરી જઇ દૂર નાસી ગયો હતો.

એકાએક વરસાદ પૂર ઝડપે તૂટી પડ્યો.

વરસાદના પાણીથી પલળતો કદમ ધરતી પર સૂતો ઊંડો શ્વાસ લઇ રહ્યો હતો. વરસાદના પડતા પાણીથી તેને થોડી રાહત થઇ.

અચાનક સન્નટાભર્યા ભેંકાર જંગલમાં ધુમ ધુમ ધાક ધાક જેવા જોરદાર અવાજથી વાતાવરણ ગુંજી ઉઠ્યું.

કદમ એકદમ ચમકીને બેઠો થઇ ગયો.

ધુમ...ધુમ... ધાક... ધાક... અવાજ નિરંતર આવતો હતો.

કદમ તે અવાજ શાનો છે તે એક ચિત્તો સાંભળી રહ્યો હતો.

અને પછી અચાનક ગાઢ અંધકારમાં જાણે સૂર્યનારાયણ પ્રગટ થયા હોય તેમ પૂર્વ દિશામાં ઘેરા અંધકારને ચીરતો લાલ-પીળો પ્રકાસપૂંજ ફેલાવા લાગ્યો.

થોડીવાર તો કદમને કશું જ સમજાયું નહીં. પણ પછી વાગતા અવાજના રિધમથી તે ચોંકી ઉઠ્યો. તે અવાજ જંગલના ઊંડાણમાં વાગતા નગારાનો હતો. અને જે પ્રકાશપૂંજ ક્ષિતિજ પર રેલાતો હતો તે મશાલોનો પ્રકાશ હતો.

અહીં જરૂર કોઇ વસ્તી હોવી જોઇએ અને તે જાતિનો કોઇ ઉત્સવ શરૂ થયો હશે, જેથી મશાલો સળગી ઉઠી છે, અને નગારાઓ વાગી રહ્યાં છે.

“જંગલી...” અચાનક કદમના દિમાગમાં લાઇટ થઇ, “આ... આ... વસ્તી કોઇ જંગલી આદિવાસીઓની હોવી જોઇએ... એટલે...” એનો મતલબ સમજતા કદમ ચોંકી ઉઠ્યો.

“આ અવાજ અને મશાલોનો પ્રકાશ કોઇ જંગલીઓની વચ્ચે અણધારી બીના બની હોય તો જ આટલી મોડી રાત્રે તેઓ વસ્તીને સાવધાન કરવા અને આવતી આફતનો સામનો કરવાની તૈયારી રૂપે હોય છે.” વિચારતો કદમ ઝડપથી ઊભો થયો અને પછી વરસતા વરસાદની પરવા કર્યા વગર તે અવાજની દિશામાં દોડવા લાગ્યો. ગાઢ અંધકારમાં કશું દેખાતું ન હતું. વરસાદ પડવાથી માટી ભીની થઇ ચીંકણી બની જતા બે-ત્રણ વાર કદમ લપસી પડ્યો. બે-ત્રણ વખત તોતીંગ વૃક્ષો સાથે અથડાયો. પણ કદમ તેની પરવા કર્યા વગર દોડી રહ્યો હતો. થોડી થોડી વારે થતી વીજળી તેને અંધકારમાં અવરોધમાં બે-ચાર પળ માટે મદદરૂપ થતી હતી. કદમ પુરો પલળી ગયો હતો. વરસાદના ઝાપટા તેના મોં પર વીંઝાતા હતા. તેથી માંડ-માડં આંખોને તે ખોલી શકતો હતો. કાદવ અને પાણીથી ભરેલા ખાબોચીયામાં અથડાતો-કૂટાતો તે વેગ ગતિ સાથે સતત પૂરપાટ વેગ સાથે દોડી રહ્યો હતો.

ખબર ન હતી, પણ તેના દિમાગમાં આવેલા વિચારથી એકદમ દિમાગ વિચારોથી ઉથલ-પાથલ થઇ રહ્યું હતું. તેને જ ખબર ન હતી કે તે શા માટે એકદમ દોડતો અવાજની દિશામાં ભાગી રહ્યો છે, અને તે પણ વાગ્યા-તૂટ્યાની પરવા કર્યા વગર.

“શું હતું તે ઢોલનો અવાજ અને પ્રકાશનું રાજ...?”

ધમધમ... ધડામ...

ધમધમ... ધડામ...

સતત જોર-જોરથી નગારાનો અવાજ ખોફભર્યો જંગલમાં ગુંજતો હતો.

***