ભારતની ઉત્તર દિશા છોડી આજે રખડપટ્ટી કરવા જઈશું પૂર્વ દિશામાં... પશ્ચિમ બંગાળની રાજધાની કલકત્તા જોવા જઈએ.
કલકત્તાનું નામ પડતાં જ તમને પહેલું શું યાદ આવે ? હાવડા બ્રીજ કે શાંતિનિકેતન ? રવીન્દ્રનાથ ટાગોર કે સૌરવ ગાંગુલી ? રસગુલ્લા કે ઝાલ મૂળી ? વિક્ટોરિયા મેમોરિયલ કે કાલીઘાટ ? દેવદાસ કે પરિણીતા ? સૂચિત્રા સેન કે બિપાશા બાસુ ? રવિન્દ્ર સંગીત કે કુમાર શાનું ? રોડ ઉપર ચાલતી બ્રિટિશ ટ્રામ કે અંડરગ્રાઉન્ડ મેટ્રો ? કલકત્તી સાડી કે સોનાની કારીગરી ? કાલી કલકત્તાવાલી કે દુર્ગાપૂજા ? હવે વિચારી લો. જો ફક્ત શહેરનું નામ પડતાં જ આટલું યાદ આવી જાય તે શહેર જોવામાં કેમ ધરો થાય !
મેં કલકત્તામાં ત્રણ વર્ષ વિતાવ્યા છે અને તોય એ શહેરથી હું ધરાણી નથી. તો આજની રખડપટ્ટી એક લોકલની દ્રષ્ટિએ. સૌ પહેલાં તો ભારતમાં જો કોઈ શહેરને કલાનગરી કહી શકાય તો એ છે કલકત્તા. પ્રત્યેક ઘરમાં એક કલાકાર વસે, કોઈ ચિત્રકાર તો કોઈ ગીતકાર. કોઈ સંગીતકાર તો કોઈ ગાયક. કોઈ નૃત્યકાર તો કોઈ કથાકાર. સાંજ પડ્યે તમે ટહેલવા નીકળો તો અનેક જગ્યાએ મીઠું, રવિન્દ્ર સંગીત ગુંજતું હોય અને તાલબદ્ધ ઘૂંઘરૂં પણ શાસ્ત્રીયતાની સાક્ષી પૂરતા હોય. અતિલાગણીશીલ પ્રજા, એટલે પ્રેમ પણ કરે અને દુભાઈ પણ જલ્દી જાય. ચા - પાણી પણ ખાય…. ખાબો (પીવાનું ખાલી…….સમજી ગયા ને!)
કલકત્તા નૈસર્ગિક દ્રષ્ટિએ ખાસ સુંદર નથી. હા, કલકત્તાની બહાર નીકળો તો તમને પશ્ચિમ બંગાળના નાના ગામોમાં સુંદર નજારો મળે... નાના-નાના ઘર, તેની બહાર એક નાનકડું પુકુર(તળાવ) જેમાં માછલીઓ ઉછરે, આજુબાજુ નાળિયેરી અને નાનકડી વાડીઓ. પરંતુ કલકત્તા શહેર પ્રાચીન અને અર્વાચીન યુગનો સુંદર સમન્વય ધરાવે છે. શહેરના મુખ્ય વિસ્તારમાં બ્રિટિશ બાંધણીના મકાનો અને રોડ ઉપર ચાલતી ટ્રામો, બહારી વિસ્તારમાં બંગાળી ઘરો અને ભૂગર્ભમાં ચાલતી મેટ્રો. બધું જ છે અહીં.
હાવડા સ્ટેશન ઉપર ઉતરતાં જ તમને ત્યાંની ગીચતાનો અનુભવ થાય. ટેક્સીમાં નીકળો અને તરત જ હુબલી નદીની ઉપર રહેલા હાવડા બ્રીજ ઉપરથી પસાર થવાનું…. યુવા, પરિણીતા, અમર પ્રેમ... કેટલીયે ફિલ્મો યાદ આવી જાય.
હાવડા બ્રિજનું ભારતીય નામ ‘રવિન્દ્ર સેતુ’ છે. તે એક કેન્ટીલિવર પુલ છે જે ફક્ત બંને કિનારે ચાર સ્તંભો ઉપર ટકેલો મજબૂત પુલ છે જે એ પ્રકારના પુલોમાં વિશ્વમાં છઠ્ઠો મોટો પુલ છે અને એંશી વર્ષોથી ભારે વાહન-વ્યવહાર ધરાવતો મજબૂત પુલ છે. બસ, ટેક્સીમાંથી જોતા રહો.
બીજો હાવડા બ્રીજ વિદ્યાસાગર સેતુ પણ કલકત્તાના જોવાલાયક સ્થાનોમાં આગળ પડતું સ્થાન ધરાવે છે. પ્રાચીન હાવડા બ્રીજ તમને બ્રિટિશ રાજમાં લઇ જાય, તો આ અર્વાચીન સેતુ તમને વિશ્વકક્ષાની ટેકનોલોજીનો અનુભવ કરાવે. એ ભારતનો સૌથી લાંબો અને એશિયાના અગ્રગણ્ય લાંબા પુલોમાં ગણાય છે. મને તો વારંવાર ત્યાંથી નીકળવું ગમે. યુવા ફિલ્મમાં શરૂઆતમાં અજય દેવગણને ગોળી મારવામાં આવે છે તે આ બ્રીજ.
GPO ! હા...જનરલ પોસ્ટ ઓફિસ ! કલકત્તાના મુખ્યવિસ્તારમાં આવેલી કલકત્તા જનરલ પોસ્ટ ઓફિસ બ્રિટિશ શૈલીનું અદ્દભુત જોવાલાયક બાંધકામ. તેની બાજુમાં મહોમદ અલી પાર્ક પણ શાંતિથી બેસવા લાયક સ્થળ છે. તે ઉપરાંત મહોમદ અલી પાર્કની પાછળ આવેલી ‘કોલેજ સ્ટ્રીટ’ દુર્લભ પુસ્તકો મેળવવાનું મોટામાં મોટું સ્થળ. કદાચ એશિયાની સૌથી મોટી સેકન્ડ હેન્ડ બુકની બજાર.
ઇન્ડિયન મ્યુઝિયમ - એશિયાનું પ્રાચીનતમ અને ભારતનું સૌથી મોટું મ્યુઝિયમ. મ્યુઝિયમના અભ્યાસુઓ અને જ્ઞાન પિપાસુઓ માટે અખૂટ ખજાનો. મેમોથથી માંડી નાનકડા પતંગિયા સુધીના જીવશ્મિઓ. પ્રાચીનતમ વૃક્ષોના થડ અને અન્ય વનસ્પતિઓ. ભારતના દરેક પ્રાંતની વેશભૂષા અને જીવન દર્શાવતા, સાચા માણસના માપના સ્ટેચ્યુઓ... આવા તો અનેક વિભાગો છે. વળી, ચિત્રની ગેલેરી તો પ્રાચીન મૂર્તિઓની ગેલેરી. 3 દિવસ વિતાવી શકો આ એક જગ્યાએ તમે.
વિક્ટોરિયા મેમોરિયલ - કલકત્તાની એક ઓળખ. કલકત્તાનું હાવડા બ્રીજ કરતાં પણ વધારે મહત્વનું સ્થળ. આ સ્મારક એટલું બધું ભવ્ય છે કે તમે એની તરફ આપોઆપ ખેંચાઈ જાવ. શહેરની વચ્ચે આટલું મોટું સ્મારક ઉપરાંત એનાથી મોટો આસપાસ ખુલ્લી જગ્યા, લીલોતરી ભર્યો બગીચો. બ્રિટિશ અને મુઘલ બાંધકામનો સુંદર સમન્વય. સ્મારકની આગળ જ રાણી વિકટોરિયાની ભવ્ય પ્રતિમા. અંદર અદ્દભુત ચિત્રો અને એ જમાનાની વિવિધ 3000 વસ્તુઓનું પ્રદર્શન. જો તમે ચિત્રકળાના શોખીન હો તો અડધો દિવસ ગણી જ લેવાનો.
નજીક જ બ્રિટિશ જમાનાનું સેન્ટ પોલ કેથીડ્રલ ચર્ચ પણ સુંદર જગ્યા છે, જોવાલાયક સ્થળોમાં તેનો પણ સમાવેશ છે. બ્રિટિશ રાજ્યની બહાર બનેલું પહેલું કેથીડ્રલ ચર્ચ 1847માં બનેલું છે. આ ચર્ચના સ્થાપત્યમાં ભારતીય અને ગોથીક શૈલીનો સુંદર સમન્વય છે.
ચાલતાં જઈ શકાય તેટલી નજીક આવેલું છે અન્ય મુખ્ય આકર્ષણ. તે છે બિરલા પ્લેનિટોરિયમ.
પ્લેનિટોરિયમ હોય એટલે આપણને ગ્રહ, સૌર મંડળ વગેરે જોવા મળવાનું જ હોય, પણ કલકત્તાના પ્લેનિટોરિયમનું તો મકાન બહારથી પણ વિશેષતા ધરાવે છે. તેનું સ્થાપ્ત્ય લાક્ષણિક ભારતીય શૈલીમાં સાંચીના બૌદ્ધ સ્તૂપ પર આધારિત છે. તે એશિયાનું સૌથી મોટું પ્લેનિટોરિયમ અને વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું પ્લેનિટોરિયમ છે.
અહીં એક ખગોળશાસ્ત્ર ગેલેરી છે કે જ્યાં આકાશી મોડેલો તથા પ્રખ્યાત ખગોળશાસ્ત્રીઓનાં ચિત્રોનો વિશાળ સંગ્રહ છે. આ પ્લેનિટોરિયમ ખાતે એક ખગોળીય વેધશાળા છે, અહીં જનતા અને વિદ્યાર્થીઓ ૧૦૦ કરતાં વધુ ખગોળીય પ્રોજેક્ટ માટે ખગોળશાસ્ત્ર, ખગોળ-ભૌતિકી અવકાશ વિજ્ઞાન તેમજ તારા અને ગ્રહો અંગેની માન્યતાઓ વિષયક વિવિધ હકીકતો મેળવી તેના પર કાર્ય કરી શકે એવી સવલત મળે છે. તે ૬૮૦ માણસોની ક્ષમતા ધરાવે છે.
અહીં ૧૨:૦૦ થી ૧૯:૦૦ કલાક દરમિયાન રોજે અંગ્રેજી, બંગાળી અને હિન્દી ભાષામાં શો રજુ કરવામાં આવે છે. ક્યારેક ક્યારેક ઉડિયા, તમિલ, ગુજરાતી, જેવી અન્ય ભાષાઓમાં પણ કાર્યક્રમો રજુ કરવામાં આવે છે.
ત્યાંથી ચાલતાં જઈ શકાય ભારતીય ક્રિકેટના મુખ્ય મેદાન ઇડન ગાર્ડન્સ - કલકત્તા ગયા હોવ તો ઇડન ગાર્ડન્સને રૂબરૂ જોવાનો લ્હાવો લેવો જ જોઈએ. ખાલી મેદાનમાં તમે જોયેલી ક્રિકેટ મેચ નજરે તરી આવશે. તેની આસપાસ આવેલા અન્ય મેદાનો પણ કલકત્તાના રમતપ્રેમની સાક્ષી પુરશે.
કલકત્તાનું અવિભાજ્ય અંગ, “કાલી કલકત્તે વાલી, તેરા વચન ન જાયે ખાલી.” કાલીઘાટ શક્તિપીઠ.
સતીમાતાના જમણા પગની આંગળીઓ ત્યાં પડેલી અને ત્યાં શક્તિપીઠ બની. પણ મને ત્યાં બિલકુલ ન ગમ્યું. માતાનું સોનાની જીભ બહાર લટકતી હોય તેવું રૌદ્ર સ્વરૂપ. પ્રસાદી રૂપે દેવામાં આવતાં બલિ અને ચડાવાતો દારૂ. દરેકની પોતાની માન્યતા હોય છે એટલે શક્તિપીઠના દર્શન કરવામાં માનતા હો તો જ જવું.
બાકી જોવા માટે સૌથી સુંદર મંદિર છે દક્ષિણેશ્વર મંદિર. હુબલી નદીના કિનારે સુંદર સ્થાપત્ય. રૌદ્ર સ્વરૂપની છતાંય સુંદર મા કાલીની મૂર્તિ ચાંદીના કમળ ઉપર છે અને મુખ્ય મંદિરને ફરતાં પણ બીજા બાર ગુંબજોવાળા શિવ મંદિર છે. સ્વયં રામકૃષ્ણ પરમહંસ આ મંદિરના પૂજારી હતા. મુખ્ય મંદિર હજુ પણ એમની ઓરા ધરાવે છે. રામકૃષ્ણ પરમહંસ અને તેમના પત્ની શારદા દેવી ત્યાં જ રહેતાં. તેમણે આધ્યાત્મિકતા અને વિશ્વશાંતિના પ્રવચન ત્યાં બેસીને જ આપ્યા છે. ત્યાં જાઓ ત્યારે સમયનું ખાસ ધ્યાન રહે : સવારે 5:30 થી 10:30 અને સાંજે 4:30 થી 7:30. વચ્ચેના સમયે પહોંચ્યા તો ફોગટ ફેરો.
અને ત્યાંથી ફેરી બોટમાં બેસી જવાનું બેલુર મઠ. સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થપાયેલ રામકૃષ્ણ મિશનનું મુખ્ય કેન્દ્ર. સ્વામી વિવેકાનંદ પોતાના ગુરુ રામકૃષ્ણ પરમહંસના સાનિધ્યમાં રહેવા અહીં રહેતા. તેમનો રૂમ, પલંગ, બધું ત્યાં સાચવવામાં આવ્યું છે. હિંદુ, ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મના ઉત્તમ તત્વો લઈ આ શાનદાર જગ્યા બનવવામાં આવી છે. વિશાળ પ્રાંગણ, સાફ સુંદર, શાંતિના ગજબ અનુભવની જગ્યા. અહીં પણ સમય ધ્યાનમાં રાખવો જરૂરી છે. સવારે 6:00 થી 12:00 અને સાંજે 4:00 થી 9:00. બાકીના સમયે પ્રાંગણમાં બેસવાની છૂટ હોય છે. કલકત્તા મુખ્ય શહેરથી લગભગ કલાકનો રસ્તો છે, માટે એક દિવસ અલગ ફાળવી આ બંને જગ્યા સાથે જોઈ લેવી. હું તો કહીશ ચોક્કસ જોવી. રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદને અનુભવવાનો લ્હાવો ન છોડાય.
સુભાષચંદ્ર બોઝનું નિવાસ સ્થાન નેતાજી ભવન પણ એક અનુભૂતિ છે. પરંપરાગત બંગાળી શૈલીનું ઘર જેને સ્મારક તરીકે ખુલ્લું મૂક્યું છે અને જાળવણી કરી છે.
ગામેગામ આવેલા બિરલા મંદિરની જેમ કલકત્તા બિરલા મંદિર પણ સુંદરતમ કૃષ્ણમંદિર છે. સમય હોય તો જોવું બાકી ચાલે.
દાદાવાડી દેરાસર બધા પ્રવાસીઓ માટે નથી, પણ જૈન ઉપરાંત આપણા, ગુજરાતીઓ માટે જોવાલાયક જગ્યા. ખાસ જવું પડે. પણ ગયા પછી અફસોસ થાય તેવું નથી. સુંદર કાચનું દેરાસર તો ખરું જ, પણ તેના આંગણમાં બ્રિટિશ સ્ટેચ્યુઓવાળો, એક તળાવ ધરાવતો સુંદર બગીચો અને બીજા દરવાજામાં બીજા દેરાસરો. મેં અન્ય કોઈ ભારતીય ધાર્મિક સ્થળે આ પ્રકારના બ્રિટિશ સ્ટેચ્યુ જોયા નથી.
અલીપોર ઝૂ : 1875માં સ્થપાયેલ અલીપોર ઝૂ સૌથી જૂનો પ્રાણીબાગ માનવામાં આવે છે. 45 એકરમાં પથરાયેલ આ પ્રાણીસંગ્રહાલયમાં 108 પ્રકારના જાનવરો છે. બાળકો સાથે મોટેરાઓને પણ ઘણું જાણવા મળે તેવી જગ્યા છે.
હવે નવી જગ્યાઓમાં ભારતનું સૌથી વિશાળ અને લાજવાબ સાયન્સ સીટી.... શું નથી અહીં ! ડાયનોસોર પાર્ક, 5D મુવી થિયેટર, ટાઈમ મશીન, સ્પેસ ઓડિસી, જીવંત માછલીઘર બાકી બધા જ વૈજ્ઞાનિક પ્રયોગો અને સંશોધનો તો ખરાં જ. એક આખો દિવસ લાગશે જોવામાં.
નિકો પાર્ક… મસ્ત મજાનો એમ્યુઝમેન્ટ પાર્ક, બાળકો માટે સ્વર્ગ અને બધી રાઈડ્સ લઈ શકતા મોટેરાઓ માટે બાળક બનવાનો અવસર. સરસ મજાના શો, નાનકડી બોટ રાઈડિંગ, રોલર કોસ્ટર અને ઘણું બધું. અહીં લાગશે એક આખો દિવસ મસ્તીભર્યો.
બહુ ફરી લીધું, નહીં ? તો હવે ચાલો ખરીદી કરવા… કેટલા વિકલ્પો આપું ?
બડા બજાર... શેરવાની, પઠાણી, કુર્તા ખરીદવા માટેની ઉત્તમ બજાર અને હા, અહીંના લોકલ હૉઝિયરી મટીરીયલ પણ ખૂબ વખણાય એટલે અંડર ગારમેન્ટ પણ ચોક્કસ ખરીદાય.
રામમંત્ર માર્કેટ…. લગ્નસરાના કારીગરીવાળા કપડાં માટે સુંદર-સસ્તું-ટીકાઉ અને લેટેસ્ટ માર્કેટ. .ત્યાંના વેપારી ગુજરાતી સમજે બોલો !
એ.સી. માર્કેટ… સારામાં સારા નાઈટ ડ્રેસ, ભરતકામવાળા ડ્રેસ અને ટી-શર્ટ તે ઉપરાંત બધી શોખની વસ્તુઓ મળે.
વરદાન માર્કેટ…. ટેબલ કલોથ, બેડશીટ, સોફા કવર, કપડાં ઉપરાંત જવેલરી માર્કેટ.
ન્યુ માર્કેટ…. અહીંથી લાખની ચુડીઓ લેવાનું ન ભુલાય હોં. કલકત્તી વર્કના ડ્રેસ, ઢાકાઇ મલમલ, લેડીઝ પર્સ તો એક જોશો અને એક ભૂલશો. બાળકો માટે સ્કૂલ બેગ અને લગેજ બેગ.
શ્રી લેધર…. ટાટા કંપનીનો લેધર શોપ. ત્યાંના બુટ-ચપ્પલ-બેલ્ટ-વોલેટ-પર્સ જેન્યુઅન વસ્તુઓ અતિ જેન્યુઅન ભાવ અને વસ્તુઓ ખૂબ ટકાઉ.
બસાક એમ્પોરિયમ... ગોરીયાહાટ વિસ્તારમાં આવેલી કલકત્તી સાડીઓની વન સ્ટોપ ખરીદી માટેની જગ્યા. ફિક્સ રેટ અને વિશાળ રેન્જ. બાલીગંજ રોડ ઉપરની દુકાનોમાં સરસ મજાના લેંઘા-ઝભ્ભા મળે. સ્ટોક કરવા લાયક.
તે ઉપરાંત અહીંની સોનાના ઘરેણાંની કારીગરી વખણાય છે. કપડામાં ભરત-જરદોષી વર્ક-સ્ટોન વર્ક... ચીનાઈ માટીના વાસણો અને શાંતિનિકેતન પ્રોડક્ટ વખણાય છે.
ખરીદી કરી થાક્યા હો તો ચાલો પેટપૂજા કરાવું…
કલકત્તામાં ખાવાની મજા મજા છે: જાલ મુળી... સૂકી સફેદ મમરાની તીખી ભેળ. આ સ્વાદ તમને બીજે નહીં મળે.
પુચકા પાણીપુરી. અહીંના પુચકાની સાઈઝ અને ફુદીનાના પાણીનો સ્વાદ... યાદ કરું તો મોઢામાં પાણી આવી જાય છે.
શીંઘાડા સમોસા પણ ખૂબ મોટા અને બટેટામાં કાળો મસાલો હોય.
કાચોડી-સબ્જી. પુરી-શાક પણ પંચફોરનના વઘારવાળું બટેટાનું રસાવાળું શાક અને થોડી લાલ તળેલી લુચી (પુરી). નવો સ્વાદ.
રાજનું સાઉથ ઇન્ડીયન ફૂડ, ડાન્સિંગ કોફી અને તળેલા સુકવણીના મરચા.
રસગુલ્લા તો ખરાં જ, પણ ખાસ ખાવાનું મીશ્ટી દોઈ… ગુલાબી અને કોફી કલરની વચ્ચેના રંગનું મીઠું મલાઈદાર દહીં. આબાર ખાબો, રાસમલાઈ જેવી મીઠાઈઓ રૂબરૂ જોઈ પસંદ કરી ખાવી….એક પણ મીઠાઈ ચૂકવાની નહીં.
ઉનાળામાં બિહારથી આવતી ફ્રેશ લીચી અને ગુલાબ કેરી.
નોન વેજિટેરિયન માટે તો બહુ જ ઓપ્શન્સ. માછેર ઝોલ... માછ-ભાત… અને રોડ ઉપરની ચિકન બિરયાની… બીજું મને નથી ખબર કેમ કે હું વેજ...!
હવે જવાનું હલ્દીરામમાં. ભુજીયા, સોનપાપડી, દાલમુઠના પેકેટ ખરીદવાના... એ સ્વાદ બીજે ક્યાંય એ જ પેકીંગ હશે તો પણ નહીંમળે. થાક્યા નથીને ? હજુ તો અહીંની દુર્ગાપૂજા, કાલીપૂજા જોવાની છે. પાંચમા નોરતાથી દશેરા સુધી કલકત્તા ચોવીસ કલાક ધબકતું બની જાય છે. આફરીન બોલાઈ જાય તેવા પંડાલ (સેટ), અભિભૂત કરતી થીમ, ગજબ મૂર્તિઓ અને બસ ઉત્સાહ અને ઉમંગ. અજબ કારીગરી એક-એક શેરીએ પાંચ આખી રાત ફરો ત્યારે 25% જોઈ શકો. શુભોબીજ્યામાં વિસર્જન. આ જ પ્રકારે દિવાળીમાં કાળી ચૌદશની પૂજા થાય, પણ આ બે-ત્રણ દિવસ માટે નાના સેટ હોય છે.
શિયાળો મારો ફેવરીટ સમય. મેટ્રો ટ્રેનમાં બેસી જવાનું, પહોંચી જવાનું ‘મેદાન’ સ્ટેશન. આખો શિયાળો અવનવા પ્રદર્શન. ફર્નિચરથી માંડી નાની તાવડી સુધીના વિવધ હસ્તકલાના ઉત્કૃષ્ટ પ્રદર્શન અને બૂકફેર કોને કહેવાય તે તો ત્યાં જ જોયું. લોકો બુકફેરમાં જવા બે-બે કિલોમીટરની લાઈનમાં ઊભા હોય. બધી ભાષા અને બધા જ વિષયના પુસ્તકોનો ખજાનો અને અવનવી માહિતી.
મેટ્રોની સવારી, ટ્રામની મજા અને હાથરીક્ષાની મજબુરી... બધું માણવાનું.
*
● જવાનો ઉત્તમ સમય : ગમે ત્યારે જઈ શકાય, પણ ઉનાળામાં ટાળવું. નવરાત્રીમાં જાઓ તો દુર્ગાપૂજાની મજા મળશે. જીવનમાં એકવાર એ જોવી જોઈએ.
● દિવસો : અઠવાડિયું રહો તો બધું માણી શકો.
ચાલો ત્યારે આવતી વખતે રખડીશું નવી કોઈક જગ્યાએ. તો ત્યાં સુધી દસ્વિદાનીયા.
- એકતા નીરવ દોશી
(આ લેખને કલરફૂલ પાનાંમાં સચિત્ર વાંચવા મુલાકાત લો: www.khajanogujratimagazine.wordpress.com)