મોત ની સફર
દિશા આર. પટેલ
પ્રકરણ - 8
બાકીની ડેવિલ બાઈબલ ક્યાં હતી એની માહિતી મેળવવાં નીકળેલાં વિરાજ અને એનાં ત્રણ મિત્રો ને લ્યુસીની ડાયરી દ્વારા લ્યુસી જોડે જોડાયેલી ઘણી માહિતી મળે છે.. લ્યુસી ફિલોસોફર સ્ટોન નામનાં રહસ્યમય પથ્થરની શોધમાં પેરિસનાં કેટાકોમ્બ ની સફરે જવાનું નક્કી કરે છે.. આગળ લ્યુસી ની ડાયરીનાં પન્ના કોરાં જોઈ વિરાજ અને એનાં બધાં મિત્રો લ્યુસીનાં બોયફ્રેન્ડ માઈકલ ને શોધવા જવાનું નક્કી કરે છે.
સવાર પડતાં જ નાહી ધોઈને બધાં મિત્રો વિરાજનાં રૂમમાં એકઠાં થયાં.. ત્યાં જ એમને નાસ્તો મંગાવી લીધો.. નાસ્તો કર્યાં બાદ કઈ રીતે માઈકલ સુધી પહોંચવું એની ચર્ચા એ લોકો કરવાં લાગ્યાં.
"વિરાજ, તું બોલ હવે આપણે લ્યુસીનાં બોયફ્રેન્ડ માઈકલ સુધી કઈ રીતે પહોંચીશું.. ? "ગુરુ એ વિરાજ ને સવાલ કર્યો.
"એક રીતે તો આ કામ લગભગ અશક્ય જ છે.. પણ આ કામ ને શક્ય બનાવશે ફેસબુક.. "વિરાજ પોતાનાં બંને હોઠ નાં ખૂણા પહોળા કરી સ્મિત વેરતાં બોલ્યો.
"ફેસબુક.. કઈ રીતે પણ.. ? "ડેની એ સાહિલ ની વાત સાંભળી સવાલ કર્યો.
"હા.. જો હું કઈ રીતે માઈકલ ને શોધું છું.. "આટલું કહી વિરાજે પોતાનાં મોબાઈલનું સ્ક્રીનલોક ખોલ્યું અને મોબાઈલ ની સ્ક્રીન બધાં જોઈ શકે એમ મોબાઈલને હાથમાં પકડ્યો.
વિરાજે પોતાની ફેસબુક પ્રોફાઈલ મોબાઈલમાં ઓપન કરી અને એનાં સર્ચ બોક્સમાં લખ્યું લ્યુસી હેનરી.. આમ કરતાં ડિસ્પ્લે ઉપર સેંકડો લ્યુસી હેનરી ની પ્રોફાઈલ આવી ગઈ.. વિરાજે આગળ સર્ચ ઑપશન માં વધુ બારીકાઈથી પ્રોફાઈલ સર્ચ થાય એ માટે કોલેજ નાં બોક્સમાં લખ્યું કેમ્બ્રિજ યુનિવર્સિટી.. આમ કરતાં મોબાઈલની સ્ક્રીન પર ફક્ત બે જ પ્રોફાઈલ વધી.. જેમાંથી પહેલી પ્રોફાઈલ જ એ લ્યુસી ની હતી જેની વિરાજ શોધ કરી રહ્યો હતો.
લ્યુસીની ફેસબુક પ્રોફાઈલમાં ફ્રેન્ડ લિસ્ટ તો હિડન હતું.. પણ એની પોસ્ટમાં કરેલી કોમેન્ટો જોઈને વિરાજે લ્યુસીનાં બોયફ્રેન્ડ માઈકલ ની પ્રોફાઈલ શોધી કાઢી.. એ પ્રોફાઈલની અંદર માઈકલ નો કોન્ટેકટ નંબર હતો.. સાહિલ ને એનાં મોબાઈલમાં એ નંબર સેવ કરવાનું વિરાજે કહ્યું.. એટલે સાહિલે પોતાનાં મોબાઈલમાં માઈકલનો નંબર સેવ કરી લીધો.
"મળી ગયો ને માઈકલ નો નંબર.. ? "ડેની તરફ જોઈ વિજયસુચક સ્મિત સાથે વિરાજ બોલ્યો.
"હા ભાઈ ખરો ભેજાબાજ તું તો.. "વિરાજની પીઠ થાબડતાં ડેની બોલ્યો.
"સાહિલ તું માઈકલ નાં આ નંબર પર કોલ કરી જો.. જો એ ફોન રિસીવ કરે તો એને જણાવ કે આપણી જોડે લ્યુસીનાં સંદર્ભમાં અમુક માહિતી છે.. તો એ માટે આપણે એને રૂબરૂ મળવાં માંગીએ છીએ.. જો લ્યુસીનાં પિતાજી નાથન ને લ્યુસી વિશે ખબર ના હોય તો માઈકલ ને પણ નહીં જ હોય.. એટલે પોતાની ગર્લફ્રેન્ડ સાથે શું થયું એ જાણવાં માઈકલ આપણ ને મળવા તૈયાર થઈ જશે.. "વિરાજે સાહિલ તરફ જોઈને કહ્યું.
વિરાજની વાત સાંભળી સાહિલે પોતાની ગરદન હલાવી અને પોતાનાં મોબાઈલમાંથી માઈકલ નો નંબર ડાયલ કર્યો.. ચાર.. પાંચ.. છ રિંગ વાગીને કોલ કટ થઈ ગયો.. પણ માઈકલે કોલ રિસીવ ના કર્યો. આમ થતાં એ ચારેય નાં ચહેરા પર નિરાશા છવાઈ ગઈ.. સાહિલ વિરાજનાં કહેવા પર બીજીવાર માઈકલ ને કોલ કરવાં જતો હતો ત્યાં સાહિલ નાં ફોનની રિંગ વાગી.. કોલ માઈકલ નો હતો.
"હેલ્લો.. કોણ બોલો.. ? "સાહિલ નાં કોલ રિસીવ કરતાં જ સામેથી એક યુવક નો અવાજ આવ્યો.
"હું સાહિલ શાહ વાત કરું છું.. અને તમે માઈકલ બોલો.. ? "સાહિલે કહ્યું.
"હા હું માઈકલ બોલું.. પણ હું તમને નથી ઓળખતો.. "માઈકલ બોલ્યો.
"જોવો.. તમે અમને નથી ઓળખતાં એ વાત સાચી.. પણ અમે તમારી લ્યુસી વિશે ઘણી વસ્તુઓ જાણીએ છીએ.. અને એ વાતો ફોન ઉપર થઈ શકે એવી નથી માટે રૂબરૂ મળવું પડશે.. "સાહિલ મુદ્દાની વાત ઉપર આવતાં બોલ્યો.
"લ્યુસી.. શું ખબર છે તમને લ્યુસી વિશે.. ક્યાં છે મારી લ્યુસી.. ? "એક પછી એક સવાલ કરતાં માઈકલ નાં અવાજમાં ગજબની બેતાબી હતી.
"માઈકલ, મેં કહ્યું ને એ બધું હું ફોન ઉપર જણાવી શકું એમ નથી.. એ માટે આપણે રૂબરૂ ક્યાંક મળવું પડશે.. "સાહિલે શાંતિપૂર્વક કહ્યું.
"તમે સ્થળ અને સમય બોલો ક્યાં મળવું છે.. હું પહોંચી જઈશ.. "માઈકલે કહ્યું.
માઈકલ નો અવાજ શાંત રૂમમાં વિરાજ, ગુરુ અને ડેની ને પણ ફોનનાં સ્પીકરમાંથી સંભળાઈ રહ્યો હતો.. માઈકલ નાં આમ બોલતાં જ વિરાજે સાહિલ ને ઈશારો કરી માઈકલ ને પોતે રોકાયાં હતાં એ જ હોટલ લેન્ડમાર્કનાં રેસ્ટોરેન્ટમાં 11 વાગે આવી જવાં જણાવ્યું.
"હોટલ લેન્ડમાર્ક નાં રેસ્ટોરેન્ટમાં મળીએ.. અગિયાર વાગે.. મતલબ 1 કલાક પછી.. "વિરાજ નાં કહ્યાં મુજબ સાહિલે માઈકલ ને જણાવ્યું.
"ડન.. હું આવી જઈશ.. "આટલું કહી માઈકલે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.
"માઈકલ 11 વાગે અહીં આવી જશે.. "સાહિલે પોતાનાં મિત્રો ભણી જોઈને કહ્યું.
સાહિલ ની વાત સાંભળી એ દરેકનાં ચહેરા પર ખુશી છવાઈ ગઈ.. બધાં ને જાણવું હતું કે આખરે લ્યુસી કેટાકોમ્બમાં ફિલોસોફર સ્ટોન શોધવા ગઈ હતી કે નહીં. !!
***
વિરાજ, ગુરુ, ડેની અને સાહિલ અગિયાર વાગ્યાં પહેલાં તો હોટલનાં રેસ્ટોરેન્ટમાં આવી પહોંચ્યા.. હવે એ લોકો રેસ્ટોરેન્ટનાં બારણાં તરફ વારંવાર જોઈ રહ્યાં હતાં કે ક્યારે માઈકલ ત્યાં પધારે છે.. અગિયાર વાગે અને ત્રણ મિનિટે એક પચ્ચીસેક વર્ષનો ગોરી ચામડી ધરાવતો યુવક રેસ્ટોરેન્ટમાં પ્રવેશ્યો.. એ રેસ્ટોરેન્ટમાં આવતાં ની સાથે ડાફેરા મારવાં લાગ્યો જાણે કંઈક શોધતો હોય.
સાહિલ અને એનાં મિત્રોને થોડો ઘણો તો અંદાજો આવી ગયો કે એ માઈકલ જ હોવો જોઈએ.. પણ આમ સીધું કોઈને ઓળખ્યાં વગર કોઈને સામેથી તો ના જ બોલાવી શકાય.. એ યુવકે પોતાનો મોબાઈલ હાથમાં લીધો અને કોઈકને કોલ લગાવ્યો.. એ સાથે જ સાહિલ નાં મોબાઈલની સ્ક્રીન પર માઈકલ નો નંબર ફ્લેશ થયો.
"હેલ્લો.. ક્યાં છો તમે હું રેસ્ટોરેન્ટમાં આવી ગયો.. "સાહિલ નાં કોલ રિસીવ કરતાં જ સામેથી માઈકલ નો અવાજ આવ્યો.
હવે એ વાત કન્ફર્મ હતી કે આગંતુક યુવક જ માઈકલ હતો એટલે સાહિલે પોતાની જગ્યાએ ઉભાં થઈ માઈકલ તરફ હાથ હલાવ્યો.. માઈકલે સાહિલ તરફ નજર પડતાં જ પોતાનો કોલ કટ કર્યો અને ફોનને પોતાનાં ખિસ્સામાં સેરવી સાહિલ અને એનાં મિત્રો બેઠાં હતાં એ ટેબલની તરફ અગ્રેસર થયો.
વિદેશી લોકોની માફક શ્વેત વર્ણ, ક્લીન શેવ ચહેરો, ચહેરા પર ગંભીરતા, વ્હાઈટ ટીશર્ટ ઉપર બ્લેક જેકેટ અને નીચે ડેનિમ નું જીન્સ.. આ હતી માઈકલ ની પ્રથમ નજરે નિહાળેલી રૂપરેખા.
"હેલ્લો.. મારુ નામ માઈકલ છે.. "સાહિલ જોડે હસ્તધૂનન કરતાં માઈકલે કહ્યું.
"હું છું સાહિલ શાહ.. અને આ મારાં ફ્રેન્ડ્સ છે.. વિરાજ, ડેની અને ગુરુ.. "સાહિલે પોતાની અને પોતાનાં મિત્રોની ફટાફટ ઓળખાણ આપી.
વિરાજ, ગુરુ અને ડેની સાથે પણ હાથ મિલાવ્યાં બાદ સાહિલનાં કહેવાથી માઈકલે એમની સાથે સ્થાન ગ્રહણ કર્યું.
"હા તો તમે લોકો લ્યુસી વિશે શું જાણો છો.. ? "માઈકલે એ લોકો જોડે ટેબલ નજીક રાખેલી ખુરશી પર સ્થાન લેતાં જ સીધો સવાલ કર્યો.
સાહિલ ને ખબર હતી કે લ્યુસી સાથે શું થયું એ વિશે જ્યારે માઈકલ ને ખબર પડશે ત્યારે એની પર આભ તૂટી પડશે.. છતાં હવે એ લોકો એ માઈકલ ને જે અનુસંધાન માં બોલાવ્યો હતો એ માટે તો સઘળું સત્ય માઈકલ સમક્ષ રાખવું આવશ્યક હતું.. છતાં માઈકલ ને વધુ ઠેસ ના પહોંચે એ રીતે સાહિલે માઈકલ ને એ લોકો કઈ રીતે લ્યુસી વિશે જાણતાં હતાં અને એનાં સુધી એ લોકો કઈ રીતે પહોંચ્યા એ વિશેની વિતક કહેવાનું શરૂ કર્યું.
રાજા દેવવર્મન નો છૂપો ખજાનો શોધવાનાં અભિયાનમાં એમને ખજાનો જે ગુફામાં હતો એ ગુફામાંથી લ્યુસી નો સામાન અને એનો મૃતદેહ મળવાની વાત સાહિલે માઈકલ ને ખૂબ જ ધીરજથી કહી સંભળાવી.. ત્યારબાદ એ લોકો લ્યુસીનાં પિતાજીને મળ્યાં અને એમને આપેલી લ્યુસીની ડાયરી પરથી એમને માઈકલની ભાળ મેળવી એ બધી જ વાત સાહિલે માઈકલ ને કહી દીધી.
બે વર્ષથી લ્યુસીનો કોઈ પત્તો નહોતો.. છતાં લ્યુસી ક્યારેક તો પાછી આવશે એવી ઝુઠી આશ પર જીંદગી પસાર કરી રહેલાં માઈકલ ને જ્યારે ખબર પડી કે હવે પોતાની લ્યુસી ક્યારેય પાછી નથી આવવાની ત્યારે એ નાનાં બાળકની જેમ રડવા લાગ્યો.. સાહિલ અને વિરાજે સાંત્વનાં આપી માઈકલ ને ધીરજ ધરવા કહ્યું.
"લ્યુસી.. બહાદુર યુવતી હતી.. જેનાં માટે દુનિયાનાં રહસ્યો ઉકેલવા એ એનું સપનું હતું.. એટલે જ તો એ એક સ્ત્રી હોવાં છતાં આટઆટલી મુશ્કેલીઓ વેઠીને એવી જગ્યાએ જઈ પહોંચતી જ્યાં જવાનું કોઈ વિચારી પણ ના શકે.. માઈકલ તને તો ગર્વ હોવો જોઈએ તારી પ્રેમિકા પર.. "સાહિલે લ્યુસીનાં વખાણ કરતાં કહ્યું.
"હા મને ગર્વ છે લ્યુસી પર.. "સાહિલની વાત સાંભળી હાથરૂમાલ વડે પોતાનાં આંસુ લૂછતાં માઈકલ બોલ્યો.
થોડો સમય સમયની ગંભીરતા ને સમજીને કોઈ કંઈપણ બોલ્યું નહીં પણ પછી જે વાત જાણવાં માઈકલ ને એ લોકોએ અહીં બોલાવ્યો હતો એ સંદર્ભમાં એની જોડે ચર્ચા કરવી જરૂરી હતી એટલે સાહિલે ચુપ્પી તોડતાં કહ્યું.
"માઈકલ, અમને લ્યુસીની ડાયરી મળી જેમાં લખ્યું છે કે એનાં પિતાજીએ એને ફિલોસોફર સ્ટોન અંગેની વાત કરી.. આ ફિલોસોફર સ્ટોન પેરિસનાં કેટાકોમ્બ માં છે એ જાણ્યાં બાદ લ્યુસીએ એ ફિલોસોફર સ્ટોન શોધવાનું નક્કી તો કર્યું પણ એ ફિલોસોફર સ્ટોન શોધવા એ ત્યાં ગઈ હતી કે નહીં એનો ઉલ્લેખ લ્યુસીની પર્સનલ ડાયરીમાં નથી.. એ ડાયરીમાં છેલ્લે લખેલું છે કે પોતે કેમ્બ્રિજ ગયાં પહેલાં તને મળવા એ લંડન આવી હતી.. પછી લ્યુસીની ડાયરી માં કંઈપણ લખ્યું નથી.. તો શું અમે જાણી શકીએ કે લ્યુસી ફિલોસોફર સ્ટોન શોધવા ગઈ હતી કે નહીં.. ? અને જો ગઈ હતી તો એને એ અદભુત પથ્થર મળ્યો કે નહીં.. ? "
સાહિલ ની વાત સાંભળી માઈકલે ઘડીભર પોતાની આંખો મીંચી લીધી.. જાણે મનોમન એ પોતાની લ્યુસીનું સ્મરણ કરી રહ્યો હોય એમ એને સાહિલનાં સવાલનાં પ્રતિભાવમાં બોલવાનું શરૂ કર્યું.
"હા એ દિવસે લ્યુસી મને મળવા આવી હતી.. બહુ દિવસે અમે મળી રહ્યાં હતાં એટલે અમે બંને ખૂબ જ ખુશ હતાં.. સ્કૂલ માં અભ્યાસ કરતી વખતે શરૂ થયેલી અમારી લવ સ્ટોરી મારાં કેંટબરી મૂકી લંડન માં સ્થાયી થયાં બાદ પણ હજુ એમ જ મજબૂત હતી જે માટે હું મારી જાતને ખુશનસીબ સમજતો.. લ્યુસી માસ્ટર ની ડીગ્રી મેળવી લે પછી અમે લગ્ન કરી લેવાનું પણ નક્કી કરી ચુક્યાં હતાં.. "
"એ રાતે અમે એકબીજા સાથે સારો એવો ક્વોલિટી ટાઈમ પસાર કર્યો.. સવારે જ્યારે લ્યુસી કેમ્બ્રિજ જવાં નીકળતી હતી ત્યારે એને મને જણાવ્યું કે એ ફિલોસોફર સ્ટોન શોધવા માટે પેરિસ નાં કેટાકોમ્બ ની અંદર જવાની છે.. "
"લ્યુસી દ્વારા પેરિસ નાં એ બિહામણા કેટાકોમ્બ નું નામ સાંભળતાં જ હું એને સ્પષ્ટ શબ્દોમાં ત્યાં જવાની મનાઈ ફરમાવવાં ઈચ્છતો હતો પણ મને ખબર હતી કે લ્યુસીએ જો ત્યાં જવાનું મન બનાવી જ લીધું છે તો એને ત્યાં જતી રોકવી અશક્ય છે.. એટલે મેં લ્યુસી ને ફિલોસોફર સ્ટોન શોધવા પેરિસ નાં કેટાકોમ્બમાં જવા માટેની એક શરત રાખી કે હું પણ એ સફરમાં એની સાથે આવીશ.. "
"લ્યુસીની આનાકાની છતાં હું મારી વાત પર મક્કમ રહ્યો અને છેવટે એ નક્કી થયું કે જ્યારે પણ લ્યુસી પેરિસ જશે ત્યારે મને એની સાથે લઈ જશે.. આખરે લ્યુસીએ મારી જોડે કેમ્બ્રિજ જવાં માટેની રજા લીધી અને પછી લંડનથી કેમ્બ્રિજ જવાં નીકળી પડી.. "
"કાશ હું લ્યુસીને ત્યાં ના જવા માટે મનાવી શક્યો હોત.. કેમકે આ બધી શરૂવાત લ્યુસીની પેરિસ કેટાકોમ્બ ની સફર થી જ થઈ.. "
આટલું બોલી માઈકલે પોતાની જોડે રાખેલાં ગ્લાસમાંથી થોડું પાણી પીધું અને પોતાની વાત આગળ વધારી.
★★★
વધુ નવાં ભાગમાં.
શું બન્યું હતું પેરિસ કેટાકોમ્બ ની સફર દરમિયાન.. ? શું લ્યુસી એ ફિલોસોફર સ્ટોન શોધી કાઢ્યો હતો.. ? ફિલોસોફર સ્ટોન અને ડેવિલ બાઈબલ વચ્ચે શું સંબંધ હતો.. ? ડેવિલ બાઈબલ આખરે કોની જોડે હતી.. ? વિરાજે હોટલમાં જોયેલો રહસ્યમયી માણસ આખરે કોણ હતો.. ? એ ચારેય મિત્રો આગળ જતાં કેવી મુસીબતમાં ફસવા જઈ રહ્યાં હતાં.. ? લ્યુસીનાં મૃતદેહ જોડે મોજુદ બીજાં બે મૃતદેહ કોનાં હતાં.. ? અને એ લોકો ત્યાં ગુફામાં કેમ અને કઈ રીતે પહોંચ્યા.. ? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ થ્રિલ અને સસ્પેન્સથી ભરેલી નોવેલ મોતની સફરનો નવો ભાગ.. આ નોવેલ સોમ, બુધ અને શુક્ર આવશે.
આ નોવેલ જેમ આગળ વધશે એમ ઘણાં એવાં રહસ્યો તમારી સમક્ષ આવશે જે વિશે મોટાંભાગનાં વાંચકો અજાણ હશો.. તો દરેક ભાગને રસપૂર્વક વાંચો એવી નમ્ર વિનંતી.
માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન, આક્રંદ, હવસ, એક હતી પાગલ, મર્ડર@રિવરફ્રન્ટ, પ્રેમ-અગન અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.
આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ
દિલ કબૂતર,
રૂહ સાથે ઈશ્ક
ડણક
અનામિકા
The haunted picture
સેલ્ફી: the last ફોટો... પણ વાંચી શકો છો.
-દિશા. આર. પટેલ
***