VISHAD YOG-CHAPTER-32 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | વિષાદ યોગ - પ્રકરણ - 32

Featured Books
Categories
Share

વિષાદ યોગ - પ્રકરણ - 32

નિશીથ સવારે ઉઠ્યો અને ફ્રેસ થઇને તેણે કશિશને ફોન કરી ઝડપથી નાસ્તા માટે આવી જવા કહ્યું “ તે લોકો નાસ્તો કરતા હતા. ત્યાં એક હોટેલના કર્મચારીએ આવીને નિશીથને કહ્યું “સર, કોઇ તમને મળવા આવ્યું છે. રીશેપ્શન સામેના વેઇટીંગમાં તેમને બેસાડ્યા છે.” આ સાંભળી નિશીથે વેઇટરને કહ્યું “એક કામ કરો તેને અહીં જ લઇ આવો.” આ સાંભળી પેલો જતો રહ્યો અને થોડીવારમાં તે એક વ્યક્તિને સાથે લઇને આવ્યો. તેને જોઇને નિશીથ ઉભો થઇ ગયો અને હાથ મિલાવતા બોલ્યો “અરે પ્રિતેશભાઇ તમે આવ્યા છો મને એમ કે પપ્પાએ ગૌરાંગને મોકલ્યો હશે. આવો બેસો સાથે નાસ્તો કરીએ.” એમ કહી નિશીથે તેની પાસેની ખાલી ખુરશી ખેંચી આપી. પ્રિતેશભાઇ બેઠા એટલે નિશીથે પ્રિતેશભાઇ માટે નાસ્તાનો ઓર્ડર આપ્યો. નાસ્તો કરતા કરતા નિશીથે તેના મમ્મી પપ્પાના ખબર અંતર પુછ્યાં અને બીજી આડા અવળી વાતો થતી રહી. નાસ્તો કરીને નિશીથે કહ્યું “ચાલો હવે અમારા રૂમમાંજ બેસીએ.” ત્યારબાદ બધા નિશીથની રુમમાં જઇને બેઠા એટલે પ્રિતેશભાઇએ તેની બેગમાંથી એક પેકેટ કાઢ્યું અને નિશીથને આપતા કહ્યું “લો આ તમારા પપ્પાએ આપ્યું છે.” અને પછી બેગમાંથી બીજુ એક કવર કાઢ્યું અને નિશીથને આપતા કહ્યું “આ તમારા મમ્મીએ આપ્યું છે.” નિશીથે બંને કવર લઇ બાજુમાં મુક્યા અને કહ્યું “ઓકે, બોલો બીજું શું કહેવાનું છે? તમે આવ્યા છો એટલે ચોક્કશ કોઇ ખાસ વાત હશે.” પ્રિતેશભાઇ થોડું રોકાયા અને પછી બોલ્યા “મને ખબર છે કે અહીં બધા તમારા એકદમ નજીકના માણસ છે પણ મારે જે વાત કરવાની છે તેના માટે ખાસ સુચના છે કે તમને એકલાને જ કહું.” આ સાંભળી કશિશ, નૈના અને સમીર ઉભા થયા અને બહાર જતા રહ્યાં. તેના બહાર જતાજ પ્રિતેશભાઇએ બેગમાંથી એક પાર્સલ કાઢી નિશિથને આપ્યું.” નિશીથે પાર્સલ ખોલ્યુ અને તેમા રહેલી વસ્તુ જોઇ તે ચોંકી ગયો. પાર્સલમાં એક નાની પિસ્તોલ હતી. પિસ્તોલ જોતાજ નિશીથ તેને ઓળખી ગયો તે તેના પપ્પાની પિસ્તોલ હતી. તેના પપ્પા પાસે તેનું લાઇસંસ હતું. આ પિસ્તોલ જોઇ નિશીથે પ્રિતેશભાઇ સામે જોયું એટલે પ્રિતેશભાઇએ કહ્યું “તમારા પપ્પાએ કહ્યું છે કે આ તમારી સલામતી માટે છે. તેને ક્યાં અને કેવા સંજોગોમાં ઉપયોગ કરવો તે તમે સારી રીતે સમજો છો. બિજી વાત એ પણ કહી છે કે તમારી સલામતી માટે જોઇએ તેટલા માણસો આવી જશે. તમારે કોઇ પણ જાતનું રિસ્ક લેવાનું નથી.” આટલું બોલી પ્રિતેશભાઇ થોડુ રોકાયા. તેના હાવભાવ પરથી નિશીથને એવું લાગ્યું કે તે કંઇક કહેવા માંગે છે પણ કહી શકતા નથી એટલે નિશીથે કહ્યું “પ્રિતેશભાઇ તમારે જે પણ કહેવાનું છે તે નિસંકોચ કહી દો. મને કંઇ ખરાબ નહીં લાગે.” આ સાંભળી પ્રિતેશભાઇએ કહ્યું “સોરી, આ તમારી પર્શનલ બાબત છે તેમાં મારે દખલ ન કરવી જોઇએ પણ સાહેબ અને મેડમે મને કહેવાનું કહ્યું છે એટલે તમને કહેવું પડે છે કે તે લોકોને કશિશબેનની વધારે ચિંતા છે. તમે લોકો યુવાન છો અને જોશમાં કોઇ ખોટું પગલું ભરી ના બેસો તે જોજો.” આ સાંભળી નિશીથ હસી પડ્યો અને બોલ્યો “તમે મમ્મીને જઇને કહેજો કે “ તને જેમ તારા દિકરા કરતા પણ કોઇની દિકરીની ઇજ્જતની વધારે ચિંતા છે તેમ હું પણ તારો દિકરો છું. તમારાજ સંસ્કાર મારી લોહીમાં છે એટલે ચિંતા ન કરે. અને તમે મમ્મીને મારી આ એક ચિઠ્ઠિ પહોંચાડી દેજો.” એમ કહી નિશીથે એક કવર પ્રિતેશભાઇને આપ્યું. ત્યારબાદ પ્રિતેશભાઇ ત્યાંથી નીકળી ગયાં. પ્રિતેશભાઇના ગયા પછી નિશીથે કશિશના રુમના ઇંટરકોમ પર ફોન કરી બધાને તેના રુમમાં આવી જવા કહ્યું. તે લોકો આવે તે પહેલા નિશીથે પેલી પિસ્તોલ રુમમાં રહેલ સેફમાં મુકી દીધી. થોડીવારમાં ત્રણેય રુમમાં આવી ગયાં એટલે નિશીથે કહ્યું “સોરી, તમને કદાચ ખોટું લાગ્યું હશે.” આ સાંભળી નૈનાએ કહ્યું “ચાલ હવે બહું ડાહ્યો થામા અને આ બધુ શું છે આ કવરમાં તે કહે.” આ સાંભળી નિશીથે કશિશને કવર આપતા કહ્યું “લે, કશિશ તું જ ખોલ આ પેકેટ.” કશિશે કવર હાથમાં લઇ તેનું સીલ તોડ્યું અને અંદરથી એક બોક્સ કાઢ્યું.” બોક્સ જોઇ કશિશે નિશીથ સામે જોયું તો નિશીથે કહ્યું “ખોલ એ બોક્સ.” આ સાંભળી કશિશે બોક્સ ખોલ્યું તો તેમાંથી એક લોકેટ અને ચેઇન નિકળ્યું.” આ જોઇને કશિશે કહ્યું “આ શું છે?”

આ સાંભળી નિશીથે કહ્યું “જો હું તમને બધું સમજાવું છું. પેલા ગુમાનસિંહે તે દિવસે વાત વાતમાં અમને કહેલું કે આચાર્યેજ તે નકશો અને બાળક ક્યાંક ગુમ કરી દીધા હતા. આ સાંભળી મારા મગજમાં અચાનક ચમકારો થયો. અને મને યાદ આવ્યું કે સુરસિંહે પણ અમને કહેલું કે તે લોકો નકશો શોધવા માટે પાછા હોડીમાં મુકેલા બાળક પાસે ગયા હતા પણ બાળક ત્યાંથી ગાયબ થઇ ગયું હતું. આ યાદ આવતાજ મે વિચાર્યુકે કદાચ આચાર્યે બાળકના કપડામાં કે કોઇ જગ્યાએ આ નકશાનો કાગળ છુપાવી દીધો હોઇ શકે. અને પછી મે આ દિશામાં વિચારવાની શરૂઆત કરી તો મને વિચાર આવ્યો કે જો આવો કોઇ કાગળ કે બીજી કોઇ વસ્તું જો બાળક પાસે હોય તો તેની અનાથાશ્રમના રેકોર્ડમાં નોંધ જરૂર હોય કેમકે અનાથાશ્રમમાં બાળક સાથે આવેલ બધી વસ્તુની નોંધ કરવામાં આવતી હોય છે. આ વિચાર આવતાજ મને યાદ આવ્યુંકે અનાથાશ્રમના રેકોર્ડનો મે મારા મોબાઇલમાં મારા ફોટો પાડ્યો હતો. આ યાદ આવતા મે મારા મોબાઇલમાં અનાથાશ્રમના રેકોર્ડનો ફોટો ઓપન કરી જોયો.” આમ કહી નિશીથે મોબાઇલ હાથમાં લીધો અને તેમાં ફોટો ઓપન કર્યો અને ફોટો બધાને બાતાવતા કહ્યું “જુઓ આ રેકોર્ડમાં છેલ્લું કોલમ છે વિશિષ્ટ નોંધ. આ કોલમમાં જુઓ શું લખ્યું છે?” કશિશે મોબાઇલ નિશીથ પાસેથી લઇને વાંચ્યું “એક લોકેટ અને ચેઇન બાળક સાથે હતી.”

“હા, તો બસ તારા હાથમાં છે તે એજ લોકેટ અને ચેઇન છે.” નિશીથે બધાને લોકેટ બતાવતાં કહ્યું.

“પણ આ રાજકોટથી કેમ મંગાવી?” સમીરે પુછ્યું. નિશીથ કંઇ જવાબ આપવા જાય ત્યાં કશિશે જ કહ્યું “નિશીથને જ્યારે અંકલ અને આન્ટીએ અહીથી દત્તક લીધો હશે ત્યારે આ લોકેટ અને ચેઇન તેને આપેલા હશે.બરાબરને?” કશિશે નિશીથ સામે જોઇ કહ્યું.

“હા, એકદમ સાચું. આ ફોટો જોઇ કાલે રાત્રે મે રાજકોટ મમ્મીને ફોન કરીને પુછેલું કે તમને અનાથાશ્રમમાંથી કોઇ વસ્તુ મળેલી. તો તેણે મને લોકેટ વિશે કહ્યું એટલે મે તેને અહીં મોકલી આપવાનું કહ્યું અને પછી આગળની વાત તમે જાણો છો.” નિશીથે વાતને પુરી કરતા કહ્યું.

“તો હવે આ લોકેટનું શું કરવાનું છે?” નૈનાએ પુછ્યું.

“ એ તો મને પણ નથી ખબર.” એમ કહી લોકેટ હાથમાં લીધું અને ધ્યાનથી જોવા લાગ્યો. ઘણીવાર તેણે લોકેટને જોયું પણ તેમા કંઇ નવુ તેને દેખાયું નહીં. અંતે તેણે કંટાળીને લોકેટ નીચે મુક્યું અને બોલ્યો “આમાં તો કંઇ હોય એવુ લાગતું નથી.” લાવ મને જોવા દે એમ કહી કશિશે લોકેટ હાથમાં લીધુ અને એકદમ ધ્યાનથી લોકેટ જોવા લાગી. થોડીવાર બાદ તેણે કહ્યું “નિશીથ એક મિનિટ તારી પાસે સેફ્ટીપીન હોય તો આપ.”

“આ લે મારી પાસે છે” નૈનાએ તેના ગળામાં પહેરેલી ચેઇનમાંથી સેફ્ટી પીન કાઢી કશિશને આપતા કહ્યું.

કશિશે સેફ્ટી પીનની અણી લોકેટના એક ખુણામાં પ્રેસ કરી એ સાથેજ લોકેટ બે ભાગમાં વહેચાઇ ગયું. આ જોતાજ નિશીથ બોલી ઉઠ્યો “અરે વાહ કેમ ખોલ્યું તે આ” કશિશે તેની વાતનો જવાબ આપ્યા વિનાજ લોકેટના એક ભાગ ને ઉપરથી દુર કર્યો. લોકેટના બીજા ભાગમાં એક ચોરસ ખાચો હતો જેમાં એક કાગળ વાળીને મુકેલુ હતું. કશિશે ધીમેથી તે કાગળ અંદરથી કાઢ્યો. આ કાગળ જોતા જ નિશીથ બોલી ઉઠ્યો “યસ, મારો શક સાચો પડ્યો.” આ જોઇ નૈના અને સમીર પણ ખુરશી લઇને કશિશ અને નિશીથ ની બાજુમાં ગોઠવાઇ ગયા. કશિશે એકદમ સંભાળીને તેની ઘડી ખોલી. કાગળ કેટલાય વર્ષ જુનો હોવાથી એકદમ જર્જરીત થઇ ગયો હતો. કશિશે સંભાળીને ખોલ્યો છતાં કાગળ બે ભાગમાં વહેંચાઇ ગયો. કશિશે સાચવીને કાગળને બેડ પર પાથર્યો.

--------------######-----------#######--------------######--------------#######----------

વિરમ જ્યારે દરબારગઢમાં પહોંચ્યો ત્યારે ગંભીરસિંહ તેની રાહ જોઇનેજ બેઠો હતો. વિરમ આવ્યો એટલે ગંભીરસિંહ તેને લઇને રાજમહેલ તરફ ગયો. તે બંને રાજમહેલ પહોંચ્યા એટલે તેને કહેવામાં આવ્યુ કે ઉર્મિલાદેવી તે લોકોની રાહ જોઇ રહ્યા છે. આ સાંભળી ગંભીરસિંહ ઉર્મિલાદેવીના ખંડ તરફ આગળ વધ્યો અને વિરમ પણ તેની પાછળ ગયો. ઉર્મિલાદેવીના ખંડના બારણા પાસે પહોંચી ગંભીરસિંહે જોયું તો ઉર્મિલાદેવી સોફા પર બેઠા હતા અને તેણે માથુ સોફા ના ટેકે રાખ્યું હતું. ઉર્મિલાદેવી આંખો બંધ કરી કોઇ વિચારમાં ખોવાયેલા હતાં. થોડીવાર એમજ ઊભા રહ્યા બાદ ગંભીરસિંહ બોલ્યો “બા, અંદર આવીએ કે?” આ સાંભળી ઉર્મિલાદેવીએ આંખો ખોલી અને સોફામાં વ્યવસ્થીત બેસતા બોલ્યા “આવ આવ તારીજ રાહ જોતી હતી.” આ સાંભળી ગંભીરસિંહ અને વિરમ અંદર ગયા. ઉર્મિલાદેવીએ બંનેને સામે સોફા બેસવા કહ્યું પણ બેમાંથી એકેય બેઠા નહીં એટલે ઉર્મિલાદેવીએ એક માણસને બોલાવી બે ખુરશી મુકાવી આપી. વિરમ અને ગંભીરસિંહને બેઠા એટલે એક યુવતી આવી બંનેને પાણી આપી ગઇ. થોડીવાર કોઇ કંઇ બોલ્યું નહીં. પાણી પીધા પછી ગંભીરસિંહે ઉર્મિલાદેવીને કહ્યું “આ વિરમને તમે મળવા માગતા હતા એટલે તેને લઇને આવ્યો છું.” આ સાંભળી ઉર્મિલાદેવીએ વિરમ સામે જોયું. વિરમે સામે હાથ જોડ્યા અને બોલ્યો “હા, બોલો બા મને કેમ યાદ કર્યો?” આ સાંભળી ઉર્મિલાદેવીએ કહ્યું “તુ ભાઇ હવે બહું મોટો ડીટેક્ટીવ થઇ ગયો છે. રાજમહેલ વિશે તપાસ કરે છે તો પછી અમારે તને યાદ કરવો જ પડે ને.” આ સાંભળી વિરમ નીચું જોઇ ગયો. વિરમ નાનો હતો ત્યારેજ તેની મા બીમારીમાં મરી ગઇ હતી. અત્યારે તેને ઉર્મિલાદેવીમાં તેની માની છબી દેખાઇ. આમ પણ ઉર્મિલાદેવીનું વ્યક્તિત્વ જ એવુ હતુ કે તેની સાદગીમાં પણ એક પ્રકારની રાજપુતાના ગરવાઇ નજર આવતી. કોઇ પણ માણસ એકવાર તેની સામે આવી જાય તે તેના વ્યાક્તિત્વથી અંજાયા વિના રહેજ નહીં. જ્યારે વિરમતો એક જમાનામાં આ રાજગઢનો કર્મચારી હતો અને તેને પહેલેથીજ ઉર્મિલાદેવી માટે એક આદરભાવ હતો. ઉર્મિલાદેવીએ જ્યારે તેને કટાક્ષમાં કહ્યું ત્યારે તે તેનો જવાબ આપી શક્યો નહીં. આ જોઇ ઉર્મિલાદેવીએ કહ્યું “એમા તારો કોઇ વાંક નથી. તારી અને સુરસિંહ સાથે જે થયું છે તે હું જાણું છું. પણ આને લીધે આપણે આપણાજ લોકો વિરૂધ બીજાનો સાથ આપીએ તે યોગ્ય છે? તને કૃપાલસિંહ પ્રત્યે નફરત છે તે હું જાણું છું, પણ તેને લીધે તું રાજપરીવારની ઇજ્જત જાય એવુ કામ કરે તે યોગ્ય નથી.” આટલું બોલી ઉર્મિલાદેવી રોકાયા એટલે વિરમે કહ્યું “પણ બા તમને ખબર છે કે આ જે લોકો તપાસ કરે છે તે કોણ છે?” આ સાંભળી ઉર્મિલાદેવીને નવાઇ લાગી પણ તે કંઇ બોલ્યા નહીં એટલે વિરમે આગળ કહ્યું “તેમાથી એક છોકરો આપણો કુંવરજ છે જે બાળપણમાં ખોવાઇ ગયો હતો.” આ વાક્યા સાંભળતાજ ગંભીરસિંહ અને ઉર્મિલાદેવી બંને ચોકી ગયા ને એક સાથેજ બોલી ઉઠ્યા “શું વાત કરે છે?” ઉર્મિલાદેવી એકદમજ સમજદાર વ્યક્તિ હતા છતા આ વાત સાંભળી તેના મોઢામાંથી આશ્ચર્યના શબ્દો નીકળી ગયાં. અત્યાર સુધી ઉર્મિલાદેવી એવું દેખાડવા માંગતા હતા કે તે બધુ જાણે છે પણ વિરમે અચાનક એવો વિસ્ફોટ કર્યો કે તે અંદરથી હચમચી ગયા. વિરમના એક્જ વાક્યે તેની અંદર સુસુપ્ત અવસ્થામાં જીવી રહેલી માતૃત્વની લાગણી એકજ ધડાકે કુદકો મારીને બેઠી થઇ ગઇ. સ્ત્રી ગમે તેટલી રુઆબદાર હોય પણ તેના સંતાન માટે તો તેના દિલમાં એક સુવાળી લાગણી જ હોય છે. ગમે તેવી મોટી પોસ્ટ પર બેઠેલી અને ક્ઠોર સ્વભાવની સ્ત્રી પણ તેના બાળકો માટે તો એક પ્રેમાળ માજ હોય છે. તેની મૃતપાય થઇ ગયેલી માતૃત્વની લાગણી આજે અચાનક જ જિવંત થઇ ગઇ હતી અને તેને લીધે ઉર્મિલાદેવીના દિલમાં હજારો તરંગો ઉઠ્યા હતા. થોડીવાર તો ઉર્મિલાદેવી વિચારમાં ગરકાવ થઇ ગયા. ધીમે ધીમે તેને અચાનક આવેલા જટકાની કળ વળી એટલે તેણે વિરમને પુછ્યું “ તને કેમ ખબર પડી કે આ કુવર જ છે. વિસ વર્ષ બાદ હું પણ તે સામે મળે તો ન ઓળખી શકુ તો તમે કેમ ઓળખી ગયાં? મને લાગે છે તે તમને ઉલ્લું બનાવી માહિતી કઢાવી રહ્યો છે. અને તમે કંઇ પણ જાણ્યા વિચાર્યા વિના માની લીધું કે તે કુંવર છે.”

આ સાંભળી વિરમે કહ્યું “ના બા એવુ નથી તમને તો ખબર છે કે અમે કૃપાલસિંહના કહેવાથી આચાર્યનો પીછો કરેલો અને ત્યારે આચાર્ય કુવરને લઇને ભાગી રહ્યા હતા. તે રાત્રે અમે કુવરને જ્યારે હોડીમાં મુકેલા ત્યારે તેના હાથમાં એક ટેટુ હતુ એજ ટેટું આ છોકરના હાથમાં છે.” આ સાંભળી ઉર્મિલાદેવી વિચારમાં પડી ગયાં ઉર્મિલાદેવીને પણ તે ટેટુ પડાવતી વખતે જોરદાર રડતા બાળકનો ચહેરો સામે આવી ગયો.” થોડીવાર બાદ તે બોલ્યાં “ એવું પણ બની શકે કે તેણે તમને લોકોને ઉલ્લું બનાવવા માટે આવું ટેટું બનાવ્યું હોય.” આ સાંભળી વિરમે કહ્યું “ પણ બા તેને તો ખબર પણ નહોતી કે આવુ ટેટું અમે જોયું છે પહેલા. આ બધી વાત તો અમે તેને પછી કરી.” આ સાંભળી ઉર્મિલાદેવીની અંદર એક માતા જાગૃત થઇ ગઇ. જે દિકરાને રોજ યાદ કરીને જીવતા હતા તે તેનાથી માત્ર થોડા કિલોમિટર દુર છે તે જાણીને તેનું માતૃત્વ હિલોળે ચડ્યુ હતું. તે ઉપરથી એકદમ સ્થીર દેખાતા હતા પણ તેના દિલમાં અત્યારે એક તુફાન ફુંકાયેલુ હતું. જો વિરમ કહે છે તે સાચું હોયતો તો આ મારી જિંદગીના સૌથી મોટા ખુશીના સમાચાર છે. આ સાથેજ પાછા અત્યારના ઉર્મિલાદેવી જાગૃત થઇ ગયા અને વિચારવા લાગ્યા કે વિરમ કહે છે તે સાચુ છે કે ખોટું તે જાણવુ જરુરી હતું. ઉર્મિલાદેવીના મસ્તિસ્કમાં અત્યારે બે ઉર્મિલાદેવી વચ્ચે યુધ્ધ ચાલતુ હતું. એક મા કહી રહી હતી કે આ તારો જ દિકરો છે જે વર્ષોની તારી પ્રર્થનાના ફળ સ્વરુપે વિસ વર્ષ પછી ફરી પાછો તારી પાસે આવ્યો છે. જા તેને લઇ આવ. જ્યારે એક રાજમાતા એક રાજપુતાણી કહેતી હતી કે નહીં આ લાગણીશિલ થઇ જવાનો સમય નથી. કોઇ તમારી લાગણીનો દુરઉપયોગ કરી તમને છેતરી જાય તે ન ચાલે પહેલા જાણવું જોઇએ કે તે યુવાન કોણ છે? અને અહીં કઇ રીતે આવ્યો છે? તેનો મક્શદ શું છે? આમને આમ કેટલીય વાર સુધી ઉર્મિલાદેવીના વિચારો ચાલુ રહ્યા. થોડીવાર બાદ ઉર્મિલાદેવીએ વિરમને પુછ્યું “તે અહીં કઇ રીતે આવ્યો? તે તમારા સુધી કંઇ રીતે પહોંચ્યો.” આ સાંભળી વિરમે કહ્યું “અમે જયારે તેને હોડીમાં મુકીને ગયા પછી પાછળથી કોઇએ તેને ત્યાંથી લઇ નદીની પેલે પાર ખોડીયાર મંદીર પાસે આવેલ અનાથાશ્રમમાં મુકી દીધો હશે. તે અનાથાશ્રમમાંથી તેને તેના માતા પીતાએ દતક લીધો હતો. આ અનાથાશ્રમને શોધતા શોધતા તે સુરસિંહ સુધી પહોંચ્યો અને ત્યાંથી પછી મારા સુધી.” આ સાંભળી ઉર્મિલાદેવીને હવે વિરમની વાતમાં વિશ્વાસ આવી ગયો. ઉર્મિલાદેવી હવે ઝડપથી તેના પુત્રને મળવા માંગતા હતા પણ એ પહેલા તેની અંદરની રાજમાતા તેને કહેતી હતી કે બહું ઉતાવળ નહી કર પહેલા તેના વિશે બધુ જાણી લે કે તે રાજમહેલ વિશે કેટલું જાણે છે. ઉર્મિલાદેવીએ થોડુ વિચારી કહ્યું “જો વિરમ તે મારા પુત્રના સમાચાર આપીને મારા પર મોટો ઉપકાર કર્યો છે, પણ હવે હું તને જે પુછું છું તેનો એકદમ સાચો જવાબ આપજે. અને તું જે પણ કહીશ તે વાત આ રુમની બહાર નહીં જાય તેનું હું એક રાજપુતાણી તએ વચન આપું છું.” આટલું કહી ઉર્મિલાદેવી વિરમનો પ્રતિભાવ જાણવા રોકાયા. “બા, મને તમારા શબ્દો પર પુરો ભરોશો છે. હું જે પણ હશે તે સાચુંજ કહીશ.” આ સાંભળી ઉર્મિલાદેવીએ કહ્યું “તે છોકરાને તમે લોકોએ એ શું શું માહિતી આપી છે તે મને કહે.” આ સાંભળી વિરમ થોડો રોકાયો એટલે ઉર્મિલાદેવીએ કહ્યું “તારો કોઇ વાળ વાંકો નહિં થાય એટલે જે હોય તે કહી દે.” આ સાંભળી વિરમે ઉર્મિલાદેવીને નિશીથને મળ્યો ત્યાંથી શરુ કરીને ગુમાનસિંહ સુધીની બધીજ વાત કરી દીધી. આ આખી વાત સાંભળી પછી ઉર્મિલાદેવીએ જે કહ્યું તે વિરમ ધ્યાનથી સાંભળતો રહ્યો. આખી વાત સાંભળી વિરમને લાગ્યું કે તે ખુબ ઉંડા પાણીમાં ઉતરી રહ્યો છે.

-------------#######--------------------##########---------------#######‌‌‌‌-----------------

ઉર્મિલાદેવી એવુ શું જાણે છે, જે ગંભીરસિંહને ખબર નથી? આ પ્રશાંત કામત કોણ છે? તેને સુરસિંહ અને વિરમ સાથે શો સંબંધ છે? વિલી આ બધામાં કંઇ રીતે જોડાશે? પ્રશાંત કામતને આ બધામાં શું રસ છે? આ બધા પ્રશ્નના જવાબ જાણવા માટે આ નોવેલ વાંચતા રહો. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહીઓ અને મિત્રોને વાંચવાની ભલામણ જરૂર કરજો.
-----------------*********-------------------------------------------************************************------------------

મિત્રો આ મારી બીજી નોવેલ છે.મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલરલવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો.મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા Whattsappnumber પર જરૂરથી આપજો.

‌‌‌‌-----------------***************--------------------**************------------------

HIREN K BHATT:- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM