Naxatra - 28 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | નક્ષત્ર (પ્રકરણ 28)

Featured Books
Categories
Share

નક્ષત્ર (પ્રકરણ 28)

ભેડાઘાટ પરથી પસાર થતા વાદળોના પડછાયા અવાર નવાર બધાના ચહેરા પર અંધકાર ફેલાવીને ગાયબ થઈ જતા હતા. મારા જીવનમાં તો આમેય અંધકાર થઇ ગયો હતો એટલે ઉપરના વાદળો ખસે કે રહે એનાથી મને ખાસ કાઈ ફર્ક પડે તેમ ન હતો. આ ઘાટ વિશે મેં ઘણું સાંભળ્યું હતું. પપ્પા કહેતા કે આ જંગલ એવું છે કે અહીના કોઈ ઘાટ પર વોલ્ફ કે શિકારી કૂતરાઓનો કોઈ ડર નથી. આ જંગલ કોઈ પણ પ્રવાસી માટે સલામત છે પણ મને અહી ભેડીયાઓના પેક દેખાતા હતા. શિકારી આમતેમ ફરતા દેખાતા હતા મને અહી કોઈ સલામતી નહોતી દેખાઈ.

કપિલને ફોન કરીને એ લોકો કઈક તૈયારી કરવા લાગ્યા.

“ફેચ ઓલ ધેટ હિયર.” ડોક્ટર માથુરે તેના બે માણસોને આદેશ આપ્યો.

“યસ, બોસ.” બે માણસો કાળી સ્કોર્પીઓમાંથી કેટલીક ચીજો બહાર લઈ આવ્યા. એ શું લાવી રહ્યા હશે એ જોવા મેં એમના તરફ નજર કરી. એ લોકો એક બેગ કારમાંથી લઇ આવ્યા. એમાં શું હતું એનો અંદાજ મને ન આવી શકયો પણ જયારે ડોકટરે એ બેગમાંથી કેટલીક ચીજો બહાર કાઢી પોતાના દરેક માણસોમાં વહેચી. મેં અંદાજ લગાવ્યો કે એમાં હથિયાર હશે. કોઈ ખાસ હથિયાર જે કપિલને મારવા માટે ખાસ બનાવવામાં આવેલા હોય. મારા શરીરમાંથી ઠંડીનું એક લખલખું પસાર થઇ ગયું. મારા મનમાં અમંગળ વિચારો ચકરી લેવા માંડ્યા. મને મારા મરવાની ડર ન હતી પણ કપિલ... મને ડર હતો કે એ લોકો કયાંક કપિલને...?

હું જાણતી હતી કે એકવાર ભેડા પર આવ્યા પછી શિકારીઓની પૂરી તૈયારીઓ સામે લડી કપિલ માટે જીવતા નીકળવું અશકય છે. ભેડા એક તરફ વિશાળ ખાઈથી ઘેરાયેલ હતો. જે પશ્ચિમમાં વિસ્તરતી એમાં ચોમાસા દરમિયાન છલકાઈને પાણી વહેતું. ત્યાંથી નીકળવું અશકય હતું. બીજી તરફની નાગમતી નદી ગાંડી બનીને બંને કાંઠે વહેતી હતી જયાંથી જીવતે જીવ નીકળવાનું વિચારનાર કોઈ મુર્ખ જ હોય. એક તરફનો રસ્તો જયાંથી અમે આવ્યા હતા અને એક ઉપરનો માર્ગ જયાંથી એ કાળી સ્કોરપીઓ આવી હતી એ બંને માર્ગ શિકારીઓ દ્વારા બ્લોક થયેલ હતા. જગ્યા જગ્યા પર શિકારીઓનો પહેરો હતો. એ બધા જાદુગર અને એક નાગનો શિકાર કરવામાં માહિર હોય તેવા લોકો હતા.

હું મહા મહેનતે કપિલને કઈ થઇ જશે એ વિચારોને મારાથી દુર રાખવા પ્રયાસ કરતી રહી. એ મુશ્કેલ હતું. માનવ મનની એક ખામી છે એ જે ન વિચારવા ચાહે એ વિચાર વારવાર આવે છે. હકારાત્મક વિચારો રાખવા પણ સંકટના સમયે એ બધુ નથી કરી શકાતું. માત્ર અને માત્ર નકારાત્મક વિચારો જ આવે છે. નિરાશા મનને ઘેરી વળે છે. દુર દુર સુધી કોઈ આશ નથી દેખાતી.. દેખાય છે બસ અંધકાર.. અનંત.. અવિરત.. અંધકાર.

જે ભેડાઘાટ મને હમેશા ફ્રેન્ડલી લાગતો હતો એ મારા માટે એકદમ અજાણ્યો બની ગયો હતો. જે સ્થળ મને ચાંદનીમાં પણ સુંદર લાગતું એ સ્થળ મને દિવસના ઉજાસમાં પણ ભેકાર લાગવા માંડ્યું. જે વ્રુક્ષો મને ભવ્ય અને સુંદર લાગતા એ મને નિર્જીવ અને બિહામણા લાગવા માંડ્યા. જાણે હું કોઈ ભૂતિયા ફિલ્મના ડરાવણા જંગલમાં ઉભી હોઉં અને મારી ચારે તરફ ઉભેલા માણસો મને શિકારીઓના ઝુંડ જેવા લાગ્યા.

“કપિલ આવી રહ્યો છે...” કિંજલે નીલ તરફ જોઈને કહ્યું, “આનું મો ખોલી નાખો.”

મારું મો બંધ હતું પણ આંખ-કાન ખુલ્લા હતા. મેં ઉપરના રસ્તા તરફ નજર કરી. એક કાર આવી રહી હતી. હું એ કારને ઓળખતી હતી. એ કપિલની રીટ્ઝ હતી. મારા હૃદયના ધબકારા વધવા લાગ્યા. હવે શું થશે? કપિલ અહી આવશે ત્યારબાદ આ લોકો એની સાથે શું કરશે? શું મને બચાવવા માટે કપિલ પોતાનો જીવ આપશે? શું કપિલ વિના હું જીવી શકીશ? મારા છેલ્લા સવાલ સિવાય કોઈ જવાબ મારી પાસે નહોતા અને છેલ્લા સવાલનો જવાબ હું જાણતી હતી કપિલ વિના હું જીવી નહી શકુ.

“કેમ?” નીલ મારું મો ખોલે એ પહેલા જ કિંજલની મમ્મીએ પૂછ્યું. કદાચ એને મારું મો ખોલવાનો આઈડિયા ગમ્યો નહોતો. મારા લીધે એને એક દિવસ મૂંગા બહેરાનું નાટક કરવું પડ્યું એટલે એ મને મૂંગી જ જોવા માંગતી હતી. એમાં એને ખુશી મળતી હતી. રીઅલ લાઈફમાં પણ વિલન લોકોને રીલ લાઈફના વિલન લોકો જેવા અજીબ શોખ હોય છે એ જાણી મને નવાઈ લાગી.

“ગ્રેટ લવર્સને એકવાર વાત કરવાનો મોકો તો આપવો જ પડશે ને?” કિંજલે મારા તરફ જોયુ, “બિચારા બદનશીબ પ્રેમીઓને કયાં એકબીજાને જાણવાનો મોકો પણ મળ્યો છે?”

એના ચહેરા પર એવા ભાવ હતા જાણે એ અમારા પર કોઈં મહેરબાની કરતી હોય. નીલે મારા મો પરથી ટેપ હટાવી. કિંજલ મારું મો આમ જ ન ખોલે. એની પાછળ જરૂર એની કોઈ ચાલ હશે તે મને સમજાઈ ગયું પણ શું ચાલ હતી એ મને સમજાયું નહિ.

કપિલની રીટ્ઝ ભેડાથી જરાક દુર ઉભી રહી. એણે કારને સાઈડમાં પુલ ઓફ કરવાને બદલે જરાક વચ્ચે જ પુલ ઓફ કરી. કદાચ એ અહીથી નીકળવાનો કોઈ પ્લાન બનાવીને આવ્યો હશે એટલે કારને એ રીતે પુલ ઓફ કરી હતી. એ માત્ર મારી ખોટી હૈયા ધારણા હતી. હું જાણતી હતી દરેક જાડીમાં એક શિકારી છુપાઈને બેઠો હતો. અહીંથી જીવતા નીકળવું અશકય હતું.

કપિલ કારમાંથી ઉતરી કયારે ભેડા પર આવ્યો એ મને ધ્યાન ન રહ્યું કદાચ એની આવવાની ગતી ન સમજાય તેવી હતી. કદાચ ઈચ્છાધારી નાગ હોવાને લીધે એનામાં કોઈક એવી શક્તિ હતી જે સામાન્ય માણસોની સમજ બહાર હોય. મને એક આશાનું કિરણ દેખાયું. કપિલમાં પરામાનસ શક્તિઓ હતી જેની મદદથી અમે બચી જઈશું પણ બીજી પળે મનમાં હતાશા ફરી વળી. ત્યાં ઉભેલ દુશ્મનો મોટાભાગના જાદુગરો અને મદારીઓ હતા જેમની ડીક્ષનરીમાં પરામાનસ કે પેરાનોર્મલ જેવા શબ્દો હતા જ નહિ.

“સ્વામી, આ ખેલ આપણા વચ્ચેનો છે નયનાને જવાદે એને તો હજી આ શહેરમાં આવ્યાને માંડ એક અઠવાડિયું થયું છે. એને આપણાથી કોઈ લેવાદેવા નથી.” કપિલે આવતા જ કહ્યું, એ મારાથી થોડોક જ દુર હતો. લગભગ દસેક યાર્ડ જેટલો. એના શબ્દો પરથી મને ખયાલ આવી ગયો કે સ્વામી અને એ એકબીજાને સારી રીતે ઓળખતા હશે અને એમના વચ્ચે કોઈ જૂની દુશ્મની હશે.

કપિલના ચહેરાના ભાવ ન કળી શકાય તેવા હતા. કદાચ હું એક નાગના ચહેરાના ભાવ જાણી શકવા અસમર્થ હતી.

“એ કયારે શહેરમાં આવી એ મહત્વનું નથી પણ એ તારા દિલમાં આવવાની ભૂલ કરી બેઠી એ મહત્વનું છે.” સ્વામીના અવાજમાં કોઈ કેટલાય ભાવ ભળેલા હતા. એના શબ્દો પરથી એના મનમાં શું ચાલી રહ્યું હતું એ ખયાલ આવી શકે એમ નહોતો. એક વાત તો નક્કી હતી એ માણસ કોલ્ડ બ્લડ હતો - કોલ્ડ બ્લડ કિલર.

“હું એને નથી ચાહતો બસ મારા લીધે કોઈ નિર્દોષ ન મરે એ માટે કહી રહ્યો છું.” કપિલે મને બચાવવાનો એક નિષ્ફળ પ્રયત્ન કર્યો. મને બચાવવા માટે કહ્યું કે એ મને નથી ચાહતો છતાં મને ખુબ દુ:ખ થયું. હું જાણતી હતી કે તે જુઠ્ઠું બોલ્યો છે છતાં મને થયું મને ચાહતો નથી એમ કહેવા કરતા મને મરવા દીધી હોત તો સારું. જોકે મારી એ ઈચ્છા થોડા સમયમાં જ પૂરી થવાની હતી.

“તો એનું મન કઈ રીતે વાંચી શકે છે?” કિંજલ કપિલ તરફ એક કદમ આગળ વધી, “એક નાગ જેને પ્રેમ કરતો હોય એનુ જ મન વાંચી શકે છે.”

“તું એક નગીન છે? નાગિન સિવાય કોઈને ખબર ન પડે કે હું એનું મન વાંચી શકું છું.” કપિલના શબ્દોથી મને નવાઈ લાગી. કપિલ પોતે એક નાગ હતો છતાં હજુ સુધી કિંજલ નાગિન છે એ વાતથી અજાણ કેમ હતો?

“કપિલ, એ એક ઈચ્છાધારી નાગીન છે જે અશ્વિની અને રોહિતના મૃત્યુ માટે જવાબદાર છે. એ મને પણ છેતરી ગઈ છે. મારું તાવીજ લઇ લીધું છે. એમની કોઈ વાતનો ભરોસો ન કરીશ. એમની કોઈ વાત ન માનીશ.” મેં કપિલને મોટા અવાજે કહ્યું. તેણે મારી સામે જોયું. એની આંખો એકદમ ફિક્કી હતી. એનામાં કોઈ સોનેરી ચમક નહોતી. એની હેઝલ આંખો કોલ બ્લેક હતી. તે બ્લેક ટીશર્ટ, બ્લેક પેન્ટ અને બ્લેક સુજમાં આવ્યો હતો. આખાય બ્લેક કપડામાં તેનો ચહેરો તેજસ્વી લાગતો હતો પણ તે ઉદાસ હતો.

“હું બધુ સંભાળી લઈશ. તને કઈ નહી થાય.” કપિલે કહ્યું, દુરથી પણ મને એના ચહેરા પરથી દેખાઈ આવ્યુ કે એ મને ખોટો દિલાશો આપી રહ્યો છે. હું એને કઈ રીતે કહું કે મને પોતાને કઈ થવાની ચિંતા નથી પણ એને કઈ ન થાય એની ફિકર છે.

“સ્વામી એને જવા દે. તારે જે જોઈએ છે એ મારી પાસે છે...” તે ફરી સ્વામી તરફ ફર્યો. તેના અવાજમાં દ્રઢતા હતી. સ્વામી તરફ જોતા જ એની આંખોનો રંગ અને ચહેરાના ભાવ બદલાયા. એના લમણાંની નશો ઉપસીને બહાર આવતી દેખાઈ.

સ્વામી મારી તરફ આગળ વધ્યો.. મને થયું કદાચ એ મારા હાથ ખોલવા માટે આવતો હશે પણ સ્વામીએ મારી નજીક આવતા જ મારા ગળા પર પોતાની ઓપરેશન કરવાની પાતળી ધારવાળી બ્લેડ મૂકી. મેં એ બ્લેડની ધારને મારા ગાળા પર અનુભવી. મને લાગ્યું એ જરાક વધુ દબાણ આપશે તો મારું ગળું કપાઈ જશે.

શું અશ્વિની અને રોહિતના હાથની નશો એ જ બ્લેડથી કપાઈ હશે? એ કલ્પના મને થથરાવી ગઈ. મારા પગ નીચે પડ્યા એક એક સુકા પાંદડા જાણે વીંછી હોય તેવો ભય મને લાગ્યો.

“નયનાને કઈ થયું તો નાગમણી તને કયારેય નહી મળે.” કપિલની એ ચીસ કોઈ નાગના ફૂંફાડા જેવી ભયાનક હતી. મને કેશરીદાદાએ કહ્યું હતું કે એક નાગ પોતાની મણી માટે કે એના જોડા માટે કેટલો ખતરનાક બની શકે છે. હું અનુ જોડું હતી.

આ બધું નાગમણી માટે હતું. મને બધુ સમજાવા લાગ્યું. સ્વામી મને બેઈટ તરીકે વાપરી કપિલ પાસેથી નાગમણી લેવા માંગતો હતો અને એટલે પહેલે દિવસથી જ એમણે પોતાની તરફનું પ્લાનીગ શરુ કરી નાખ્યું હતું.

“જાણું છું અને તું એને બચાવવા નાગમણી મને આપશે એ પણ જાણું છું.” માથુરે ક્હ્યું.તેના હાથની ભીંસ મારા વાળ ઉપર વધુ સખત થઇ.

હવે મને આખી વાત સમજાઈ. હું જાણતી હતી કે નાગ પાસે એક અમુલ્ય ચીજ હોય છે - નાગમણી. એ પણ હજારોમાંથી એકાદ સારા ઈચ્છાધારી નાગ પાસે. એ લોકોને એ નાગમણી જોઈતી હતી.

“નાગમણી જોઈતી હોય તો નયનાને જવા દે....” કપિલે ન સમજાય તેવી કંડીસન મૂકી, “જો તું નયનાને કઈ નુકશાન પહોચાડીશ તો હું અહીંથી કુદી જઈશ અને તને નાગમણી કયારેય નહી મળે.”

કપિલના શબ્દો હવામાં ગાયબ થયા એ સાથે જ એ ગાયબ થઇ ગયો. ને ફરી અમારા પાછળના ભાગમાં નદી તરફની ભેખડ પર એકાએક દેખાયો. એનામાં અદભુત શક્તિઓ હતી. એ ટેલીપોર્ટેશન જાણતો હતો. એ પોતાની જાતને વીજળીની ગતિએ એક સ્થળથી બીજે સ્થળે લઇ જાઈ શકતો હતો. એ મહદઅંશે ટેલીપથી પણ જાણતો હતો કેમકે એ મારું મન વાંચી શકતો હતો. કાશ! કપિલ ટેલીકાઈનેસીસ પણ જાણતો હોત!

“તારી જાતની કુરબાની આપી તું એને બચાવી નહી શકે.” માથુર ખંધુ હસ્યો.

“જાણું છું પણ એની સાથે મરી તો શકીશ.” કપિલના શબ્દોએ મારી આંખોમાં આંસુ તાણી લાવ્યા. તે મને કેટલું ચાહતો હતો. કાશ! અમને દુનિયાએ સાથે જીવવા દીધા હોત! અમને મળ્યાને હજુ માત્ર એક અઠવાડિયું જ થયું હતું અને એ મારા માટે પોતાનો જીવ આપવા તૈયાર થઇ ગયો હતો. કદાચ એ દુનીયાનો એવો પહેલો પ્રેમી હતો જે પોતાના પ્રેયસીને જાણ્યા વિના તેના માટે મૃત્યુને વહાલું કરવા તૈયાર હતો. અમારો પ્રેમ માત્ર એક અઠવાડિયાનો તો ન જ કહી શકાય કેમકે હું જેમ વર્ષોથી એને મારા સપનાઓમાં જોતી હતી એમ એ પણ મને એના સપનાઓમાં ઓળખતો થઇ ગયો હતો.

“એ અંગુઠી ઉતારીને ફેકી દે પછી જ અમે એને છોડવાનું વિચારી શકીએ.” માથુરની બાજુમાં ઉભેલા બદસુરત માણસે કહ્યું, “જયાં સુધી તારામાં લઘિમા અને પ્રાપ્તિની શક્તિઓ હોય અમે તારી વાતનો વિશ્વાસ કઈ રીતે કરી શકીએ?”

“કદંબ, તું એક મદારી છે. તું એવું ન કરી શકે. તારી જાતિનું કામ દુષ્ટ નાગોને રોકવાનું છે ઈચ્છાધારી નાગને અને નિર્દોષ લોકોને મારવાનું નહી.” કપિલે કહ્યું.

સ્વામીની બાજુમાં ઉભેલા બદસુરત માણસનું નામ કદંબ હતું. એના દેખાવ પરથી એ કોઈ જાદુગર જેવો લાગતો હતો.

“હું એક જાદુગર છું અને એ મણીથી હું મારી જાદુની તાકાતને અસીમ બનાવવા માંગું છું એ માટે હું ગમે તે કરવા તૈયાર છું.” કદંબે કહ્યું, “તને તો ખબર જ હશે કે મહત્વકાક્ષી માણસ અને જાદુગરનો કોઈ ધર્મ ન હોય. તે ગમે ત્યારે જધન્ય કાર્ય કરી શકે છે. મહત્વકાંક્ષીનો ધર્મ એની મહત્વકાંક્ષા અને જાદુગરનો ધર્મ જાદુ છે. બંને પોતાના ધર્મને મેળવવા ગમે તે હદ સુધી જઈ શકે છે.”

કદંબ કપિલને ડરાવવા માંગતો હતો. એ બતાવવા માંગતો હતો કે એ પોતાની મહત્વકાંક્ષા માટે કઈ પણ કરી શકે તેમ છે. કદંબે એક લાંબુ ભાષણ આપ્યું જેથી કપિલ મારી સલામતીને લઈને ડરી જાય અને તેમની શરતો માની લે.

“હું મારી અસાધ્ય બીમારી જે કોઈ દવાથી નથી મટવાની એ દુર કરવા એક નહિ અનેક નાગને મારી શકું તેમ છું અને રહી વાત આ છોકરીની તો આવી છોકરીઓ તો અમે કીડની માટે છાસવારે મારીએ છીએ. એને મારતા પહેલા મારો હાથ એક વખત પણ નહી ધ્રુજે. હું ખાતરી આપું છું. હું એ કામમાં નિષ્ણાત છું. મેં આ બધુ બંગલા અને ગાડીઓ ઓર્ગન ટ્રાફિકિંગથી જ મેળવ્યું છે.” માથુરે પોતાની દુષ્ટતાના વખાણ કર્યા.

હું સમજી ગઈ એ કેવો માણસ હતો. પોતાની અસાધ્ય બીમારી દુર કરવા એ ગમે તે હદે જઈ શકે તેમ હતો. કપિલ પણ સમજી ગયો એ લોકો ગમે તે હદ વટાવી શકે તેમ હતા. કોઈને મારવું એ એમના માટે કોઈ મોટી વાત નહોતી.

કપિલે પોતાની વીંટી ઉતારી અને હાથમાં લીધી. હું કહેવા માંગતી હતી કે એવું ન કરીશ પણ મારા ગળા પરની બ્લેડ એટલી જોશથી દબાયેલી હતી કે મને લાગ્યું જો હું કઈ બોલવા જઈશ તો મારા ગાળાની નશ કપાઈ જશે અને મને મરતી જોઈ કપિલ એ ભેખડ પરથી કુદી પડશે. બધું એક પળમાં ખતમ થઇ જશે. આમેય બધું ખતમ થવા જઈ રહ્યું હતું પણ કદાચ છેલ્લી ઘડીએ બાજી પલટાઈ જાય તો...? કોઈ ચમત્કાર થઇ જાય તો...?

હું બાળપણથી જ પરી કથાઓ વાંચતી. પરી કથાઓ મને પસંદ હતી કેમકે એ મને કહેતી કે માણસ ધારે તો રાક્ષસને પણ હરાવી શકે છે. મને હજુ વિશ્વાસ હતો કે અમને કઈ નહી થાય. અમે બચી જઈશું... હજુ મારામાં આશા હતી.. અંતિમ ક્ષણ સુધી પોતે બચી જશે.. નહિ મરે એવી આશા કોને નથી હોતી? જોકે એનાથી કાઈ ફર્ક નથી પડતો.. આશા મોટા ભાગે ઠગારી જ નીવડે છે.

“વિવેક, તું કાફી એવી વિદ્યા સીખી ચુક્યો છે. જા એની પાસેથી એ વીંટી લઈ લે.. એ વીંટી તને એક સ્થળેથી ગાયબ થઇ બીજા સ્થળે જવાની સિદ્ધિ આપશે. તું જે શીખવા આવ્યો હતો એ ઇનામ આજે તારી સામે છે.” કદંબ વિવેક તરફ ફર્યો.

કેટલો મોટો વિશ્વાશ્ઘાત? જે વિવેક... હું એનું ગંદુ નામ પણ મારા મો પર લાવવા માંગતી નહોતી... એણે એ બધું અસલી જાદુ શીખવા માટે કર્યું હતું. આટલો મોટો દગો.. એ પણ એક મહત્વકાક્ષી વ્યક્તિ હતો.. એનો પણ કોઈ ધર્મ નહોતો.

“જી ગુરુજી.” વિવેક કપિલ તરફ આગળ વધ્યો. એ કપીલ પાસે પહોચ્યો. કપિલે એના હાથમાં વીંટી આપી.

“મણી... મણી પણ એને આપી દે.” કદંબે ફરી કહ્યું.

કપિલ જાણતો હોય કે એને એમની વાત માનવી જ પડશે એમ કોઈ જ આનાકાની કર્યા વગર એણે પોતાની બંને હથેળી ભેગી કરી અને જયારે ખોલી ત્યારે એની હથેળીમાં એક ચમકતા મોતીના દાણા જેવડો પદાર્થ હતો. એ મણી હતું જે આજે મારા અને કપિલના જીવનું દુશ્મન બન્યું હતું. મને કેશરીબાબાના શબ્દો યાદ આવ્યા. એક નાગ માટે એનું મણી જ એનું જીવન અને મૃત્યુ હોય છે.

વિવેક મણી લઇ પાછો ફરી કદંબ તરફ જવા લાગ્યો.

“વિવેક.. એને એ ભેખડ પરથી કુદવાની ઈચ્છા હતી. હવે અંગુઠી વગર એના પાસે કોઈ જ જાદુઈ તાકાત નથી. એની એ ઈચ્છા પૂરી કરી નાખ.” કદંબે વિવેકના સેકંડ કમાંડમેન્ટ સંભળાવ્યો.

“નહિ...?” મેં ચીસ પાડી. આંસુ મારા ગાલ પરથી દડી ઘાસ પર પડવા લાગ્યા. પણ એની શું કીમત હોય? અહી અશ્વિની અને રોહિતના લોહીથી ઘાસ રંગાઈ ગયું તો પણ કોઈ ફર્ક પડ્યો નહોતો. અહી આંસુની શું કિંમત હોય? બાળપણમાં મને કેટલો શોખ હતો ભેડા જોવાનો? ત્યારે મને કયાં ખબર હતી કે મારે અને કપિલે અહી જ મરવાનું હતું? કદાચ એટલે જ મને એ સ્થળથી વધુ મોહ હતો.

વિવેક ફરી પાછો ફર્યો. એ કપિલ તરફ જવા લાગ્યો. મેં સપનામાં જોયેલી ભયાવહ ચીજ હકીકત થવા જઈ રહી હતી. કપિલ મારા હાથથી છૂટી રહ્યો હતો. હું એને ગુમાવી રહી હતી.

“નહી વિવેક... નહી...” મેં બુમો પાડી. હવે મને ગળાની નસ કપાઈ જવાનો કોઈ ડર નહોતો. હું કપિલને ખોવા જઈ રહી હતી. પણ અંતે સમજી ગઈ કે ચીસો પાડવાનો કોઈ અર્થ નથી.

મેં કપિલ તરફ જોયું. એની આંખોમાં મૃત્યુનો કોઈ ડર ન હતો.. એની આંખો મને જોઈ રહી હતી.. અનિમેષ પણે જોઈ રહી હતી.. એનામાં શું હતું એ મને ખબર ન પડી... અસીમ પ્રેમ.. અનેક પ્રશ્નો અને બીજું કેટલુયે એ ઉદાસ આંખોમાં હતું.

વિવેક એની પાસે ગયો. એને પકડીને ભેખડની ધાર તરફ લઇ જવા લાગ્યો.. કપિલ બસ મને જોતો જ રહ્યો... કદાચ એ જાણતો હતો કે એ અંગુઠી અને મણી વગર એ કઈ જ કરી શકે તેમ નથી... એની આંખો મને જોતી રહી...

કદાચ એ મરતી વખતે મારો ચહેરો જોવા માંગતો હતો... હું એને મરતો દેખી શકું તેમ નહોતી... એને એ ભેખડ પરથી નીચે પડતા જોવાની હિમ્મત મારામાં નહોતી પણ હું મો ફેરવી લઈને, બીજી તરફ જોઇને એનાથી દગો કઈ રીતે કરી શકું? એ મારા ચહેરાને પોતાની આંખોમાં અમારા પ્રેમની નિશાની રૂપે લઇ જવા માંગતો હતો. હું કઈ રીતે બીજી તરફ જોઈ શકું...? હું એ તરફ જોઈ રહી... હું એની તરફ જોઈ રહી.. મારા હૃદયને પથ્થર બનાવી મેં એને એ ભેખડ પરથી નીચે પડતા જોયો.

એક પળમાં બધું ખતમ થઇ ગયું. મારા માટે હવે જીવવાનું કોઈ કારણ ન બચ્યું. મારી પાસે હવે ડરવાનું કોઈ કારણ ન રહ્યું. મારી પાસે ખોવા માટે કઈ ન હતું.

માથુરે મારા ગાળા પરથી બ્લેડ હટાવી. હું જમીન પર બેસી રડવા લાગી.. મારા પાસે વિલાપ કરવા માટે કપિલનો મૃતદેહ પણ નહોતો... હું દુનિયાની સૌથી બદનસીબ છોકરી હતી જેની પાસે હવે કઈ જ નહોતું.

“હવે આ છોકરીનું શું કરવું છે?” મને માથુરનો અવાજ સંભળાયો પણ મેં ઉપર ન જોયું. એ લોકો મારી સાથે શું કરશે. એ લોકો મારી સાથે ગમે તે કરે કે પછી મને છોડી મુકે હું હવે આમેય જીવવા માંગતી નહોતી. સારું થાય કે એ લોકો જ મને મારી નાખે. મારે આત્મહત્યા કરવાની જરૂર ન પડે. હું કપિલના મૃત્યુનો બોજ મારા હૃદયમાં સંઘરી જીવી શકું તેમ નહોતી.

“મારા ચેલાઓ જલસો કરશે.” કદંબે એના મનની ગંદકી શબ્દો સ્વરૂપે બતાવી. ત્યારબાદ મેં વિવેક અને બીજા બે લોકોને મારી તરફ આવતા જોયા. એ લોકો મને ઢોળાવની પેલી તરફ દેખાતા એક લાકડાના મકાન તરફ લઇ જવા લાગ્યા.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky