Operation Pukaar - 1 in Gujarati Detective stories by Vrajlal Joshi books and stories PDF | ઓપરેશન પુકાર - 1

Featured Books
  • तुझी माझी रेशीमगाठ..... भाग 2

    रुद्र अणि श्रेयाचच लग्न झालं होत.... लग्नाला आलेल्या सर्व पा...

  • नियती - भाग 34

    भाग 34बाबाराव....."हे आईचं मंगळसूत्र आहे... तिची फार पूर्वीप...

  • एक अनोखी भेट

     नात्यात भेट होण गरजेच आहे हे मला त्या वेळी समजल.भेटुन बोलता...

  • बांडगूळ

    बांडगूळ                गडमठ पंचक्रोशी शिक्षण प्रसारण मंडळाची...

  • जर ती असती - 2

    स्वरा समारला खूप संजवण्याचं प्रयत्न करत होती, पण समर ला काही...

Categories
Share

ઓપરેશન પુકાર - 1

ઓપરેશન પુકાર

વ્રજલાલ હિરજી જોષી

1 - દુશ્મનો સાથે ટક્કર

દિલ્હીની ફાઇવસ્ટાર હોટલમાં અત્યારે મેજર સોમદત્ત અને કદમ બેઠા હતા. કદમને સમજાતું ન હતું કે સર ક્યારેય હાઇફાઇ હોટલમાં જતા નથી. શોખની વાત તો એક બાજુ રહી પણ ક્યારેય મોટા ઓફિસરની પાર્ટી હોય તો પણ લગભગ તેઓ જવાનું ટાળતા હોય છે.

“સર...મને આજ એકદમ આશ્ચર્ય થાય છે.”

“કેમ...? એવું તું શું થયું ? પાકિસ્તાને આઝાદ કાશ્મીરને ભારતને સોંપી દીધું...?” સોમદત્ત હસ્યા.

“એના કરતાં પણ આશ્ચર્યની વાત છે, સર...!”

“તો હવે બકી નાંખ જલદી.”

“સર...! મને લાગે છે કે તમારા મનમાં લગ્ન કરવાનો વિચાર સૂઝ્યો છે, અને તેથી જ તમે સજીધજીને છોકરી જોવા માટે આવી ફાઇવસ્ટાર હોટલમાં આવ્યા છો.”

“એમ...કેવી છે છોકરી ?”

“એક જ આંખવાળી છે. પણ ઇશ્વરે માણસને દીધેલા સ્પેરપાર્ટસ ડબલ છે તેથી એક આંખથી તારા વાંદરા જેવો ચહેરો જોઇ શકશે.” મેજર સોમદત્ત હસી પડ્યાં.

“ઠીક છે, હું પોતે જ અહીં હોટલમાં કોઇ સારી છોકરી પલસંદ કરી લઇશ...” કદમ બોલ્યો.

“તો પછી મારી દિકરી તાનિયા તારું ખૂન કરવા રિર્વોલ્વર લઇને નીકળી પડશે અને તેના ક્રોધથી તને હું પણ નહીં બચાવી શકું.”

“તાનિયા...બાનિયા... ની ઐસી-તૈસી. આજ તો હું લગ્ન કરીને જ રહીશ...” ભડકેલો કદમ ઊભો થયો.

“બેસી જા મારા દીકરા...” મેજર સોમદત્તે કદમનો હાથ પકડયો.

“આજ તો બેસવાનો જ નથી, એલાને જંગ હું શરૂ કરું છું.”

“ચૂપ...આપણે જેની વાટ જોઇ રહ્યા છે તે આવી રહ્યાં છે. હવે ગંભીર બની જા...” મેજર સોમદત્તના સ્વરમાં ગંભીરતા હતી.

કદમે આવતી વ્યક્તિની તરફ જોયું. આવનાર સશક્ત અને સાડા છ ફૂટની ઊંચાઇવાળો હતો. તેણે સફેદ શર્ટ અને સફેદ પેન્ટ પહેર્યા હતા. શર્ટ પર ગ્રે કલરનો સૂટ પહેરેલો હતો.

“હલ્લો...મેજર કેમ છો ?” મેજર સોમદત્ત ઊભા થયા કે તરત તેણે હસ્તધનૂન કર્યું.

“આઇ એમ ફાઇન...આપ કેમ છો?” સોમદત્ત બોલી ઉઠ્યાં.

“તને કેવો લાગું છું. જો એકદમ હટ્ટોકટ્ટો છું.” મેજર સોમદત્તને તુંકારાથી બોલાવતા તે હસી પડ્યો. પછી તેમણે કદમ તરફ નજર ફેરવી જોયું.

“આ કદમ છે. મારો નંબર ટુ આસિસ્ટન્ટ. મારા દીકરા જેવો છે.” સોમદત્તે કહ્યું.

“હલ્લો સર...!” ઊભા થઇ કદમે તે વ્યક્તિ સાથે હસ્તધનૂન કર્યા.

“કદમ...આ કેપ્ટન કૌશિક વર્મા અને આર્મીના ચીફ ઓફિસર છે...મારા ખાસ મિત્ર છે, અને અમે બંને બી.એસ.એફ. માં સાથે કામ કર્યું હતું.”

મેજર સોમદત્તની વાત સાંભળી કદમ સટાક કરતો ઊભો થઇ ગયો અને અટેન્શનમાં આવી સેલ્યુટ કરવા જતો હતો પણ મેજર સોમદત્તે તેનો હાથ પકડી બેસાડી દીધો. “કદમે...અહીં તેને કોઇ ઓળખે તેવું હું નથી ઇચ્છતો.” મેજર સોમદત્તે કહ્યું. પછી કૌશિક વર્મા સામે જોયું, “બોલ કૌશિક અચાનક મને યાદ કર્યો.”

“અત્યારે રાત્રિના બાર વાગ્યાનો સમય થયો છે...” ઘડિયાળ સામે જોતાં કૌશિક વર્મા બોલ્યો.

“પણ...” પ્રશ્નાર્થ નજરે જોતાં સોમદત્તે કહ્યું.

“મેજર તારા માટે કેન્દ્ર તરફથી મેસેજ છે. જે મારે તને આપવાનો છે.” કહી કૌશિક વર્માએ ખિસ્સામાંથી સિગારેટનું પાકિટ કાઢ્યું અને પછી એક સિગારેટ પોતાના મોંમાં દબાવી લાઇટર વડે સળગાવી ઊંડો દમ ભર્યો.

“લે એક સિગારેટ તું પણ પી...” સિગારેટનું પાકિટ મેજર સોમદત્ત બોલવા ગયા પણ પછી કાંઇક વિચારી સિગારેટનું પાકિટ હાથમાં લીધું. પોતે સિગારેટ નથી પીતો તેનો કૌશિક વર્માને ખ્યાલ હોવા છતાં સિગારેટ પીવા માટે પાકિટ લંબાવ્યુ તેના માટે કંઇક કારણ હશે.

સિગારેટનું પાકિટ હાથમાં લઇ તેને ખોલ્યું. સિગારેટના બંચ વચ્ચે સિગારેટ જેવો એક ગોળ કાગળનો નાનો રોલ તેની નજરે પડ્યો. ઝડપથી તે રોલ સાથે એક સિગારેટ મેજર સોમદત્તે ખેંચી કાઢી અને પછી કોઇને ખબર ન પડે તેમ કાગળના રોલને શુટના ખિસ્સામાં સરકાવી સિગારેટ મોંમાં મૂકી સળગાવી. પછી તે ચેન સ્મોકર હોય તેવી રીતે દમ ભરવા લાગ્યાં.

કદમ એકદમ આશ્ચર્ય સાથે સર સોમદત્તને સિગારેટ પીતા જોઇ રહ્યો. મેજર સોમદત્ત સાથે કેટલાય વર્ષોથી તે કામ કરતો હતો. પણ કદમે ક્યારેય મેજર સોમદત્તને સિગારેટ પીતા જાયા ન હતાં.

ત્યારબાદ મેજર સોમદત્તે ત્રણે માટે કોફીનો ઓર્ડર આપ્યો. કોફી પીને કૌશિક વર્મા થોડી ઔપચારિક વાત કરી ત્યાંથી રવાના થઇ ગયો.

“વ્હોટ હેપન્સ સર...!” ગંભીરતા સાથે કદમ પૂછ્યું.

“ચાલ, આપણે નીકળીએ ” કહી વેઇટર મુખવાસની ડીશ સાથે લાવેલ બિલ જોઇ ડીશમાં રૂપિયા મૂકતાં મેજર સોમદત્ત ઊભા થયાં.

થોડીવાર પછી મેજર સોમદત્તની ગાડી દિલ્હીના આલીશાન સડક પર દોડી રહી હતી. રાત્રિનો સમય હોવા છતાં રોડ પર ટ્રાફિક હતો. ધીમે વરસાદ પડી રહ્યો હતો. સિટી દૂર રહી ગયું ત્યારે એકાંત સડક પાસે મેજર સોમદત્તે ગાડીને ઊભી રાખી, પછી ચારે તરફ નજર ફેરવી. દૂર-દૂર સુધી સન્નાટો પ્રસરેલો હતો.

મેજર સોમદત્તે સિગારેટની પાકિટમાંથી મળેલી ચિઠ્ઠી બહાર કાઠી અને પછી વાંચતા લાગ્યા. કદમની પણ નજર તે લખાણ પર સ્થિર થયેલી હતી.

“સમોદત્તજી...

ભારતની ‘રો’ સંસ્થાના ચીફ,

જય હિન્દ સાથે જણાવવાનું કે ખૂબ જ અંગત કામ હોવાથી તમને ભારતીય સ્પેશિયલ મિલેટરી ઇન્ટેલીજન્સીની કચેરીમાં તાત્કાલિક પહોંચવું. ત્યાં આપણી ખાનગી મુલાકાત રાખવામાં આવી છે.

અમિત દોહલ,

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર.’’

ચિઠ્ઠી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અમિત દોહલ તરફથી સંદેશાના રૂપમાં આપવામાં આવી હતી અને તેના પર ભારત સરકારની મહોર લાગેલી હતી.

ચિઠ્ઠી વાંચી મેજર સોમદત્તે કદમને આપી.

‘‘સર ! હું આપની સાથે જ વાંચી ચૂક્યો છુ. અને આ ચિઠ્ઠીનો મતલબ ભારતીય સુરક્ષા અંગેની કોઇ અંગત મિટિંગમા તમને બોલાવવામાં આવ્યા છે.’’ કદમ એકદમ ગંભીર હતો.

“હા...કદમ અને આ મિટિંગ એકદમ ગંભીર બાબતની હોવાથી જ આટલી સાવચેતી રાખવામાં આવી છે. ખુદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અમિત દોહલે આપણને બોલાવ્યા છે. તેના પરથી જ મામલો કોઇ ગંભીર બાબતનો છે. તેવું લાગે છે.” કહેતાં મેજર સોમદત્તે ગાડી સ્ટાર્ટ કરી, ટર્ન વાળી ગાડી ફરીથી સિટી તરફ આગળ વધી. કદમે ચિઠ્ઠીના નાના-નાના ટુકડા કરી થોડે-થોડે અંદરે હવામાં ઉડાડી દીધાં.

રાત્રિના બાર ને ત્રીસનો સમય થવા આવ્યો હતો. શહેરના લોકો નિદ્રાધીન થયા હતા. દિલ્હીની સડકો પર અત્યારે નહિવત્ ટ્રાફિક હતો. હજુ વરસાદ ધીમી ધારે પડી રહ્યો હતો.

થોડી જ વારમાં મેજર સોમદત્ત અને કદમ ભારતીય સ્પેશિયલ મિલેટરી ઇન્ટેલીજન્સીની ઇમારત પાસે આવી પહોંચ્યા.

ઇમારત આખી સન્નાટામાં ડૂબી ગઇ હતી. પડતા વરસાદના અવાજ સિવાય ચીર શાંતિ પથરાયેલી હતી.

મેજર સોમદત્તે ઇમારતના ગેટ પાસે પહોંચી ગાડીને થોભાવી.

ગેટ પાસે બે સિપાઇઓ હાથમાં સ્ટેનગન લઇને ઊભા હતા. ફાટક જેવા બનેલા લાકડાના ગેટ પાસે પહોંચતા જ ત્યાંથી એક સિપાઇ ઝડપથી તેઓની પાસે આવ્યો.

“સર...! આપનો આઇડેન્ટી કાર્ડ બતાવો...” એકદમ વિવેક સાથે તે બોલ્યો.

“યસ, માય સન...” બોલતાં મેજર સોમદત્તે કોટના ખિસ્સામાંથી પોતાનો આઇ કાર્ડ કાઢી તે યુવાનના હાથમાં આપ્યો.

કાર્ડ જોઇને તે યુવાન તરત એટેન્શનમાં આવી જઇ સેલ્યુટ મારી. “સર...!” પછી તેણે આદર સાથે કાર્ડ પાછું આપ્યું અને પછી તે ઝડપથી ફાટક તરફ આગળ વધ્યો અને તરત ફાટક ખોલી નાંખ્યું. મેજર સોમદત્તે ગાડી આગળ વધારી.

“સર...! આપ 12 નંબર પર ચાલ્યા જાવ. આપની ત્યાં પ્રતિક્ષા થઇ રહી છે.” વિનયપૂર્વક સંતરી બોલ્યો.

ગાડી ફાટક પાર કરી આર્મી ઇન્ટેલીજન્સની ઓફિસથી થોડે દૂર બનાવેલ પાર્કિંગ પાસે આવી.

મેજર સોમદત્તે ગાડીને પાર્ક કરી. ત્યારબાદ નીચે ઉતર્યા અને નીચે ઉતરેલા કદમની સાથે સામે દેખાતી ઇમારત તરફ આગળ વધ્યાં.

ગીચોગીચ પરંતુ હારબંધ વૃક્ષો અને મહેંદીની વાડ વટાવી તેઓ બિલ્ડિંગના દરવાજા પાસે પહોંચ્યા. બિલ્ડિંગમાં અત્યારે કબ્રસ્તાન જેવો સન્નાટો પ્રસરેલો હતો.

ગેટ પાસે જ તેમને આવકારવા એક ઓફિસર તે બંનેને 12 નંબરની ઓફિસમાં લઇ ગયો.

“વેલકમ મેજર સોમદત્ત, સર આપની વાટ જોઇને બેઠા છે.” મેજર સોમદત્તને આવકારવા ઊભા થયેલ કૌશિક વર્માએ મેજર સોમદત્ત અને કદમને હસ્તધનૂન કર્યા. પછી “મારી સાથ આવો.” કહેતાં કૌશિક વર્મા આગળ વધ્યો. મેજર સોમદત્ત અને કદમ ચુપચાપ તેની પાછળ ચાલ્યાં.

એક દીવાલ પાસે આવીને ઊભા રહ્યાં.

કૌશિક વર્માએ દીવાલમાં ભળી જતી એક સ્વીચને હાથ વડે દબાવી.

સરરર....ના આછા અવાજે સાથે દીવાલ આગળની દીવાલમાં સરતી સમાઇ ગઇ.

“આપ અંદર જાવ...” ત્યાં જ ઊભા રહી કૌશિક વર્મા બોલ્યો.

મેજર સોમદત્તે કદમનો હાથ પકડ્યો પછી તે ભીંતના પ્રવેશદ્વારમાં ચાલ્યો.

બંને નાની ગેલેરી વટાવી એક મોટા ખંડમાં પ્રવેશ્યા. ત્યાં જ એકાએક એલ.ઇ.ડી. લાઇટનો પ્રકાજપૂંજ કમરામાં ઝળહળી ઉઠ્યો.

મેજર સોમદત્તે જોયું તો પોતાની સામે જ લગભગ પોણા છ ફૂટ અને ભરાવદાર બાંધાવાળો ઓફિસર ટેબલ પાછળ પડેલી ખુરશી પર આરામથી બેઠા હતા.

“મે આઇ કમિંગ સર...” આદર સાથે મેજર સોમદત્ત બોલ્યા.

“વેલકમ...મેજર સોમદત્ત અને કદમ આવો બેસો.” ત્યાં પડેલી ખુરશી પર ઇશારો કરતાં તે ઓફિસર જે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અમિત દોહલ હતો. તેમની પર્સનાલિટી જ તેના હોદ્દાની છાપ ઉભરાવતી હતી.

મેજર સોમદત્ત અને કદમ ટેબલ સામે પડેલી ખુરશી પર બેસી

“સર...! આપે મને યાદ કર્યો. ” આદર સાથે મેજર સોમદત્ત બોલ્યાં.

“આપ સમયસર અહીં આવી ગયા. તે માટે આભાર મેજર.” તેઓ બોલી ઉઠ્યાં.

“સર, આ તો મારી ફરજનો જ એક ભાગ છે અને ફરજ પર જતાં હું ક્યારેય રાત-દિવસ જોતો નથી. અને સમયનો પણ હંમેશા ખ્લાય રાખું છું.”

“મને ખબર છે, મેજર સોમદત્ત...એટલે જ આર્મીની જાસૂસી સંસ્થા ‘રો’ નું નામ ખૂબ જ આદર સાથે લેવાય છે અને સંપૂર્ણ વિશ્વાસ પણ કરાય છે.”

તેઓ થોડી વાર માટે એકદમ શાંત રહ્યાં, કમરામાં ટાંચણીનો પણ અવાજ આવે તેવી શાંતિ પથરાઇ. ફક્ત એ.સી. ચાલુ હોવાનો આછો અવાજ આવતો હતો. તેમજ તે ઓફિસ સાઉન્ડ પ્રૂફ બનાવવામાં આવી હતી.

“મેજર સોમદત્ત...” ચુપકીદી તોડતાં અમિત દોહલ આગળ બોલ્યાં.

મેજર સોમદત્ત, કદમ ઉત્સુકતા સાથે તેમની સામે જોઇ રહ્યાં.

અમિત દોહલે ટેબલના ખાનામાંથી એક ફોટો કાઢ્યો અને તેઓની સામે મૂક્યો. “આ ફોટો કોનો છે ?” મેજર સોમદત્તને તેઓએ પ્રશ્ન કર્યો.

પણ મેજર સોમદત્ત અને કમદ સ્તબ્ધ થઇ તે ફોટાને જોઇ રહ્યા. ફોટો આબેહુમ મેજર સોમદત્તનો હતો. પણ ફરક એટલો હતો કે તેના ચહેરા પર લાંબી ગોળ વણાંકવાળી મુંછો હતો.

“આ... આ... ફોટો તો એકદમ સરને મળતો આવે છે તેની વણાંકદાર વળ ચડાવેલી મુંછો કાઢી નાંખીએ તો તે ફોટો સરનો જ હોય તેવું હું દાવા સાથે કહી શકું...” કદમ બોલ્યો.

“સર...! આ ફોટો મારો નથી. પણ મારા કોઇ હમશકલનો છે...” ગંભીરતા સાથે મેજર સોમદત્તે કહ્યું.

“યસ... મેજર... તારી વાત એકદમ સાચી છે, પણ જો તને આવી જ વળાંકદાર મુંછો બનાવી નાંખવામાં આવે તો મેજર કતારસિંગ છો તેમજ સૌ માની લે, કેમ કે આ ફોટો મેજર કતારસિંગનો છે.”

“સર, આ કતારસિંગ કોણ છે ?” ઉત્સુકતા સાથે મેજર સોમદત્ત બોલી ઉઠ્યાં.

“મેજર કતારસિંગ બી.એફ.એફ. ના વડા છે. અને તેમની ટીમનું નામ શક્તિ છે. તેઓ શિવ-શક્તિના ખૂબ જ ઉપાસક છે. એટલે જ ‘માં શક્તિ’ના નામ પર પોતાની ટુકડીનું નામ ‘શક્તિ’ રાખેલ છે.” થોડીવાર શાંતિથી બેસી રહી અમિત દોહલ બંને સામે જોયું, “મેજર કતારસિંગ પોતાની ટુકડીના 50 જવાનો અને બે ફૌજી ઓફિસરો સાથે દુશ્મનોની ટુકડીઓ વચ્ચે ઘેરાઇ ગયા છે, અને આજે ચાર દિવસથી દુશ્મનોની ઘેરામાંથી નીકળવાની કોશિશ કરે છે. પણ દુશ્મનો લગભગ બસોની સંખ્યામાં હોવાથી તેઓ પોતાની ટીમે દુશ્મનોના ઘેરામાંથી છોડાવી શક્યા નથી.”

મેજર સોમદત્ત અને કદમ એકદમ શાંતિ ચિત્તે તેમની વાત સાંભળી રહ્યા હતા.

અમિત દોહલ ટેબલના ખાનામાંથી એક નકશો બહાર કાઢી મેજ પર ખોલીને મૂક્યો.

“મેજર બીજી અગત્યની વાત એ છે કે તેઓ અત્યારે ચાઇનાની બોર્ડરમાં છે. અને કેટલાંક અગત્યના ડોક્યુમેન્ટ અને તસ્વીરો તેઓની પાસે છે જે દુશ્મની તેના પાસેથી હાંસલ કરવા માંગે છે. જોકે મેજર કતારસિંગ જીવતા હશે ત્યાં સુધી તે ડોક્યુમેન્ટરી તસવીરો દુશ્મનોના હાથમાં આવવા નહીં દે. ચાઇના બોર્ડર પર ચાઇનાના સિપાઇઓ ઘણી જ હિલચાલ તેજ કરી નાંખી છે. અને ભારત સામે યુદ્ધ માટે ચક્રવ્યૂહ પણ ગોઠવી દીધો છે. તે બધી જ તસ્વીરો અને ડોક્યુમેન્ટરી દસ્તાવેજો તે વિશેના જ છે. એટલે દુશ્મન દેશના સિપાઇઓ મેજર કતારસિંગની પાછળ હાથ ધોઇને પડી ગયા છે.”

“મેજર સોમદત્ત...” થોડી વારની શાંતિ પછી તેઓ આગળ બોલ્યા, “આપને કદાચ આ વાત સામાન્ય લાગશે કેમ કે આવું તો અવાર-નાવર બોર્ડર પર બનતું હોય છે. પણ આ બનાવ ભારતના લશ્કર અને તેઓના વડા માટે ખૂબ જ ગંભીર બનાવ છે. મેજર કતારસિંગ આપણા લશ્કરના ખૂબ જ કુનેહબાજ અને કાબેલ ઓફિસર છે. પાકિસ્તાન સાથેની કારગીલમાં થયેલ યુદ્ધમાં તેમણે ખૂબ જ કાબેલિયત બતાવી હતી. તેનાથી પાકિસ્તાનનું લશ્કર પણ ધ્રુજી ઉઠ્યું હતું. મેજર કતારસિંગે સુરંગો બનાવી બનાવી પાકિસ્તાનની કેટલીય બટાલિયનોને સાફ કરી નાંખી હતી. ચોક્કસ વ્યૂહ રચનાથી પાકિસ્તાનની કેટલીય ટેન્કરોને તોડી નાંખી હતી. કારગીલ યુદ્ધમાં આપણી જીતમાં કતારસિંગનો મોટો હાથ હતો.”

“ઓ...હો...! ખરેખર દેશના એક કાબિલ સપૂત છે, મેજર કતારસિંગ.” કદમે બોલી ઉઠ્યો.

“મેજર કતારસિંગ ભારતના લશ્કરની એક મુખ્ય કરોડરજ્જુ સમાન છે. ચાલાકી અને સ્ફૂર્તિમાં તેઓ એકદમ માહીર છે. તેઓનો કોઇ જ જોટો નથી. મેજર સોમદત્ત... તેમના અંગે તો એક જોક્સ પણ લશ્કરમાં પ્રચલિત છે, કે જો તેઓને લોખંડના કમરામાં પૂરી નાંખવામાં આવે તો તેઓ બીજી મિનિટે ચાવી માટેના કણામાંથી બહાર નીકળી જાય.”

થોડી વાર અટક્યા પછી અમિત દોહલ આગળ બોલ્યા, “મેજર સોમદત્ત... જ્યાં સુધી મેજર કતારસિંગની રાઇફલમાં એક ગોળી પણ હશે ત્યાં સુધી દુશ્મનો તેમના વાળ પણ વાંકો કરી શકે તેમ નતી, પરંતુ...”

“પરંતુ શું સર...!” ઉત્સુકતા સાથે મેજર સોમદત્તે પૂછ્યું.

અમિત દોહલના ચહેરા પર ઘેરી નિરાશા ફરી વળી. તેઓ બોલ્યા, “કતારસિંગ અત્યારે ચાઇના બોર્ડર પર દબાગસિયાંગ જે ચાઇનામાં આવે છે ત્યાં પહોંચી ગયા છે. અને દબાંગસિયાંગ જે ચાઇનાની લશ્કર ઝંડા જે દબાંગસિયાંગ નજીકનું શહેર હોવાથી તાત્કાલિક મદદ મળી શકે તેમ છે. અને બાતમી પ્રમાણે હજારો સૈનિકો ઝંડાથી દબાંગસિયાંગ જવા નીકળી પડ્યા છે. ત્યાં કતારસિંગ અને તેની ટુકડીને જો બચાવી હોય તો ઝંડાની મદદે આવે તે પહેલાં ભારતની સરહદમાં લઇ આવી પડે અને તે ખૂબ જ મુશ્કેલીભર્યું કાર્ય છે. કારણ કે ઊંચા-ઊંચા બરફ છવાયેલા પર્વતો અને ખોફનાક જંગલનો તે પ્રદેશ છે. ચાઇનાના સૈનિકોને ઝંડાથી મદદ મળે તે પહેલાં જ જો આપ, તેને ત્યાંથી સુરક્ષિત કાઢી આવે તો જ આ મિશનનું મહત્ત્વ છે. અને કતારસિંગની ટીમ પાસે હવે રેશનીંગ પણ પૂરું થવા આવ્યું છે. આ વિસ્તાર ચાઇનાના બોર્ડરની અંદર છે અને ઊંચા ચટ્ટાનોથી ઘેરાયેલા હોવાથી આપણે કતારસિંગને હેલિકોપ્ટરથી પણ મદદ કરી શકીએ તેમ નથી અને ખોફનાક જંગલમાં તેમને શોધવા તે પણ એકદમ મુશ્કેલીભર્યુ કામ છે.”

“સર ! આપ ચિંતા ન કરો હું મારી જિંદગીની બાજી લગાવીને કતારસિંગ અને તેના સાથીઓને ચાઇનાની બોર્ડરમાંથી પાછા લઇ આવીશ...!” આત્મવિશ્વાસ સાથે મેજર સોમદત્ત બોલ્યા.

“યસ, મેજર મને તારા પર પૂરો વિશ્વાસ છે. અને એટલે જ ભારત સરકારે તારા પર પૂરો વિશ્વાસ મૂકે છે. હવે રહી ફોટાની વાત તો કતારસિંગ અને તારો ચહેરો એકદમ મળતો આવે છે એટલે ત્યાં પહોંચી ને તારે એક જ અફવા ફેલાવવાની છે. કે કતારસિંગન એટલે તું દુશ્મનોના પંજામાંથી છટકવામાં સફળ થયો છે.”

“આપ જ્યારે ભારતની છેલ્લી ચેકપોસ્ટ પર પહોંચશો એટલે મને તરત જાણ કરવામાં આવશે અને તરત હું ટ્રાન્સમીટર પર દિલ્હી જાણ કરીશ.”

“ઓહ ! સમજી ગયો.” સોમદત્ત બોલી ઉઠ્યા. “એનો અર્થ એ થયો કે આપણી તરફ ચીનનો કોઇ જાસૂસ હોય તો તે તરત ત્યાં જાણ કરે અને ચાઇના લશ્કર હટાવી દે.”

“રાઇટ...” અમિત દોહલ બોલ્યા.

“સૈનિકોનો ઘેરાવો ઓછો થયા પછી કતારસિંગ ગમે તે રીતે પોતાની બટાલીયન સાથે ત્યાંથી છટકી નીકળશે.”

“ઠીક છે સર ! મારે આ મિશન માટે ક્યારે ઉપડવાનું છે.”

“મેજર... તમારે અત્યારે જ જવાનું છે. ભારતીય સેનાના વિમાનમાં તમારે દેહરાદૂન જવાનું છે. ત્યાંથી હરિદ્વાર થઇ ચમોલી અને ત્યાંથી બદ્રીનાથ થઇ માનાં પહોંચવાનું છે. અને માનાં પહોંચ્યા બાદ તમને ત્યાં બધી જ વાતથી માહિતગાર કરવામાં આવશે.”

“ઓ.કે.સર ! હું હમણાં જ તૈયારી કરું છુ. મારી સાથે કદમ, આદિત્ય અને પ્રલયને પણ લઇ જવા માગું છું.”

“બરાબર છે...તમારી ટીમ હશે તો હરકોઇ સંકટનો તમે સામનો કરી શકશો અને હા તમે દહેરાદૂનથી હરિદ્વાર જશો ત્યારે કદાચ કોઇ ચીનનો જાસૂસ અથવા આપણના દેશનો ચીન વતી જાસૂસી કરતો કોઇ વ્યકિત તમારી પાછળ પડી શકે છે. રસ્તામાં તમારા પર ફાયરિંગ પણ થશે. તમારે દહેરાદૂનથી પ્રેસ રિપોર્ટરના વેશમાં આગળ વધવાનું છે. તમને એક પ્રાઇવેટ ગાડી આપવામાં આવશે. પણ તમારી સાથે ત્યાંથી કોઇ જ નહીં આવે.”

“કાંઇ જ ચિંતા નથી સર ! હરિદ્વાર ન ચમોલી તો મારું ઘર છે. ચમોલીમાં આવેલ મહેઠાણામાં મારા ગુરુજી શ્રી રામેશ્વરનંદ સરસ્વતી બાપુનો આશ્રમ છે. અને વર્ષમાં એક વખત હું ત્યાં જાઉં છું.”

“ગુડ ! એક વાત બીજી તમને કહું કે મેજર કતારસિંગ ફોરસ્કવેર સિગારેટ પીએ છે. અને તેથી જ માનાં પહોંચ્યા પછી તમારે સિગારેટ પીવાનું પણ શરૂ કરી દેવું પડશે. તે ઉપરાંત આપે માનાં પછી અમુક અમુક જગ્યાએ તમને રૂમાલ આપવામાં આવશે. જે રૂમાલ મેજર કતારસિંગ વાપરે છે અને તેના બધા જરૂમાલના ખૂણાંમાં ‘કે’ લખેલો હશે. રસ્તામાં અમુક-અમુક જગ્યાએ તે રૂમાલ તમે ભૂલી ગયા હોય તેમ મૂકવાના છે. એટલે તમારી જાસૂસી કરતાં કોઇને પણ વિશ્વાસ થઇ જશે કે તમે જ કતારસિંગ છો.”

“ઓ.કે. સર...!”

“મેજર... તમારે ચાઇના બોર્ડરમાં ઘૂસવાનું છે. ત્યાં ચારે તરફ ગીજ જંગલો અને બર્ફિલા પહાડો છે. ત્યાં હરએક પગલા પર મોત પોતાનું જડબું ફાડીને બેઠું હશે. તમારે તમારી તથા ટીમની રક્ષા પણ કરવાની છે, કેમ કે તમે પણ દેશ માટે અગત્યના વ્યક્તિ છો.”

“સર આપ ચિંતા ન કરો...આ પહેલાં પણ ગીચ જંગલો અને બર્ફિલા પર્વતો ચીરી હું મારી ટીમ સાથે ચાઇના ત્યાં બનેલા એક મોટા સરોવરને તોડવા ગયો હતો. ત્યાં પણ હરએક પગલે મોત ખડું હતું. ”

અમિત દોહલે પોતાના ઘડિયાળ તરફ જોયું, પછી બોલ્યા, “લગભગ એક કલાકની અંદર તમારે એરફોર્સ પર પહોંચી જવાનું છે અને ત્યાં તમને લઇ જવા માટે પ્લેન રેડી હશે...સોરી મેજર સોમદત્ત... હું તમને તૈયારી માટે વધુ સમય આપી શકતો નથી. કારણ કે તમારી સફર લાંબી છે. અને માનાં ઝડપથી પહોંચવું જરૂરી છે.”

“ઇટ ઇઝ ઓ.કે. સર...! ભારતમાં રક્ષા માટે તેના સપૂતોએ હરએક પળે તૈયાર રહેવું પડે. અને આ મિશન માટે આપે મને યોગ્ય માન્યો તે જ આપની મારા પરની આસ્થા અને વિશ્વાસનું પ્રમાણ છે. હું મિશન પાર કર્યા વગર ભારતની ધરતી પર પાછો પગ નહીં મૂકું.” સીનો ટટ્ઠાર કરી મક્કમતો સાથે મેજર સોમદત્ત બોલી ઉઠ્યા.

તેની વાત સાંભળી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અમિત દોહલ પોતાની ચેર પરથી ઊભા થઇ ગયા. મેજર સોમદત્ત અને કદમ પણ ઊભા થયાં.

અમિત દોહલ મેજર સોમદત્તને ભેટી પડ્યાં.

“ધન્ય છે તને માં ભારતના સપૂત.” પીઠ થાબડતાં તેઓ બોલી ઉઠ્યાં.

વાતાવરણમાં કાળું ડિબાંગ અંધકાર પોતાનું સામ્રાજ્ય ફેલાવી બેઠું હતું. તધરતીથી કેટલાય ફૂટની ઊંચાઇ પર ઇન્ડિયન એરફોર્સનું વિમાન નિરંતર ગતિ સાથે ઊડતું હતું. કાળા ડિબાંગ વાદળોએ આકાશ પર કબ્જો જમાવ્યો હતો. વિમાનની બારીમાંથી કશું જ દેખાતું ન હતું. વિમાનમાં એકદમ શાંતિ ફેલાવી હતી. પાઇલોટ સિવાય વિમાનની અંદર મેજર સોમદત્ત, પ્રલય, કદમ અને આદિત્ય બેઠા હતાં.

મેજર સોમદત્ત ભારતના સુરક્ષા સલાહકાર અમિત દોહલને મળી આવ્યા ત્યારબાદ તેઓ પોતાની ટીમ સાથે એક કલાકમાં જ તૈયાર થઇ એરફોર્સના એરોડ્રામ પર પહોંચી ગયા હતા. સુરક્ષા સલાહકારની ઓફિસેથી નીકળી તરત તેઓ પ્રલય અને આદિત્યને મોબાઇલ કરી ઝડપથી મિશન પર જવાની તૈયારી કરી, એકદમ તૈયાર રહેવાનું કહ્યું હતું. અને પ્રલય, આદિત્ય પણ મેજર સોમદત્તના કહ્યા પ્રમાણે ફક્ત અડધો કલાકમાં જ બધી તૈયારી કરી સર સોમદત્તની વાટ જોઇ બેઠા હતા. જોકે બધી તૈયારી કરવામાં તાનિયાએ જ બધી મદદ કરી હતી. તાનિયા પણ ‘રો’ની જાબાંજ એજન્ટ હતી. તાનિયાએ સર સોમદત્તને પોતાની સાથે લઇ જવા માટે કહ્યું હતું. પણ મેજર સોમદત્તે તાનિયાને ના પાડી દીધી. ‘રો’માં પ્રોટોકોલ મહત્ત્વની વસ્તુ હોવાથી તાનિયા પણ કંઇ જ બોલી ન હતી.

“સર...! આપ સૌ સીટ બેલ્ટ બાંધી લો. આપણે દહેરાદૂન પહોંચી ગયા છીએ.” એકદમ આદરપૂર્વક એરફોર્સના વિમાનનો પાઇલોટ બોલ્યો.

“અમે સૌ તૈયાર છીએ.” સીટ બેલ્ટ બાંધતા પ્રલય બોલી ઊઠ્યો.

થોડીવામાં એરફોર્સનું તે વિમાન ભીષણ અવાજ કરતું દહેરાદૂનના એરપોર્ટ પર ઊતર્યું.

દહેરાદૂનના એરપોર્ટ પર ચીર શાંતિ ફેલાયેલી હતી. તેઓ વિમાનમાંથી નીચે ઊતર્યાં ત્યારે એવો ભાસ થયો કે પૂરી દુનિયાના લોકો ચીરનિદ્રામાં પોઢી ગયા છે.

“સર...આપ મારી સાથે એરફોર્સની બિલ્ડીંગમાં આવો. એરફોર્સના કમાન્ડર સુજિત મિશ્રા આપની વાટ જોઇ રહ્યા છે.” કહેતા પાઇલોટ પોતે પણ વિમાનની નીચે ઉતર્યો. સૌ પોતપોતાનો સામાન લઇ ચુપચાપ સામે દેખાતી બિલ્ડિંગ તરફ આગળ વધ્યા.

“વેલકમ સર...” એરફોર્સની ઓફિસના ઇન્ચાર્જ ખુશાલી ગજ્જર સ્મિત સાથે બોલી ઊઠી, “આવો સર...” કહેતા તે લિફ્ટની આગળ વધી.

સૌ લિફ્ટમાં દાખલ થયા. તરત લીફ્ટ ચોથા માળ તરફ જવા પોતાની પેનલ પર સરકતી આગળ વધી. બીજી જ મિનિટે તેઓ ઓરફોર્સના કમાન્ડિંગ ઓફિસર સુજીત મિશ્રાની ઓફિસ સામે ઊભા હતા.

મેડમ ખુશાલીની પાછળ સૌ ઓફિસની અંદર પ્રવેશ્યાં.

કમાન્ડિંગ ઓફિસર ઝડપથી પોતાની ચેર પરથી ઊભો થઇ અભિવાદન કરવા આગળ આવ્યો. “વેલકમ... વેલકમ...સર !” હાથ મિલાવતાં તે બોલી ઊઠ્યો.

“આવો બેસો સર...! આપના માટે કોફી અને બિસ્કિટ આવી ગયા છે તે લઇ આપને નીચે પડેલી ઇનોવા ગાડી લઇને આગળ વધવાનું છે.”

“પણ કમાન્ડિંગ ઓફિસર અહીં ચોથા માળે...”

“સર...આપ સૌને કોફી પીવડાવવા માટે જ અહીં લાવવામાં આવ્યા છે.” કમાન્ડિંગ ઓફિસર મેજર સોમદત્ત વાત પૂરી કરે તે પહેલાં બોલી ઉઠ્યો, “સર...આપ અમારા અતિથિ છો. આપને અહીંથી કોફી પીવડાવ્યા વગર કેમ આગળ જવા દેવાય ?” સ્મિત સાથે તેણે કહ્યું.

“થેન્ક યુ કમાન્ડિંગ ઓફિસર, અમને ખરેખર કોફી અને બિસ્કિટની જરૂર હતી. અમે રાત્રિના દોડધામ કરી દિલ્હીથી ખાધાપીધા વગર અહીં આવ્યા છીએ.” મેજર સોમદત્ત બોલી ઉઠ્યા. તે જ વખતે કોફી-બિસ્કિટ લઇ એરફોર્સની પરિચારિકા ત્યાં આવી ટેબલ પર સર્વ કરી ચાલી ગઇ.

ચા-પાણીની ઔપચારિકતા પૂરી કરી સૌ નીચે આવ્યા.

મેજર સોમદત્ત અને તેની ટીમ માટે એરફોર્સની બિલ્ડિંગ પાસે એક નવી જ ઇનોવા તૈયાર પડી હતી.સુજીત મિશ્રાએ સૌનો સામાન ગાડીમાં રખાવ્યો.

“સર...આપની મુસાફરી વખતે વચ્ચે જરૂર પડે તેવો નાસ્તો, પાણીની સગવડ આ ગાડીમાં રાખેલી છે, અને ડીઝલની પણ ટાંકી ફૂલ ભરેલી છે.” સુજીત મિશ્રા બોલ્યો.

“આપનો ખૂબ ખૂબ આભાર.” સુજીત મિશ્રા સાથે હાત મીલાવતા મેજર સોમદત્ત બોલ્યા. ત્યારબાદ સૌ ગાડીમાં ગોઠવાઇ ગયા.

“સર...! આપની સફર બેહદ ખુશનુમા રહે તેવી મારી અંતરની લાગણી છે.” ગળગળા સ્વરે સુજીત મિશ્રાએ સૌ સાથે હાથ હલાવ્યો.

બીજી જ મિનિટે આદિત્યે ગાડી સ્ટાર્ટ કરી. એક આંચકા સાથે ગાડી ઉપડી. એરફોર્સની ઇમારતમાંથી બહાર આવી ત્યારબાદ રફ્તાર સાથે તે હરિદ્વાર તરફ આગળ વધી ગઇ.

વાતાવરણમાં એકદમ ખામોશી ફેલાયેલી હતી. મજેર સોમદત્તે મિશન વિશે બધી જ હકીકત પ્રલય અને આદિત્યને જણાવી.

ધીમે ધીમે રાત્રિનો અંધકાર દૂર થતો જતો હતો. અને પૂર્વ દિશામાં ઉજાશ ફેલાતો ધરતી પર રેલાવા લાગ્યો.

સાડા છ વાગ્યાના સમયે સૂર્યોદય થયો ત્યારે તેઓ હરિદ્વાર આપી પહોંચ્યા હતા. હરિદ્વારમાં લોકોની ચહલપહલ થતી દેખાતી હતી.

વાતાવરણ એકદમ ખુશનુમાભર્યું હતું. પક્ષીઓના બોલવાનો અને મંદિરોના ઘંટનાદનો અવાજ વાતાવરણને પ્રફુલ્લિત કરતો હતો. ઠંડો પવન વાઇ રહ્યો હતો. મેજર સોમદત્તે આદિત્યને ગાડી સીધી જ હરકીપૈડી તરફ લઇ જવાનું કહ્યું. જયાં માં ગંગાજીનું મંદિર હતું.

ગંગાના ઘાટ પર આવતાં જ મેજર સોમદત્ત એકદમ પ્રફુલ્લીત બની ગયા. તેઓને ગંગાના કિનારાનો વિસ્તાર બહુ જ ગમતો. જ્યારે પણ હરિદ્વાર આવતા ત્યારે ગંગામાની આરતીનો લાભ ચોક્કસ લેતાં.

તેઓ હરકી પૈડી પાસે પહોંચ્યા ત્યારે પૂર્વની ક્ષિતિજમાંથી સૂર્યનો લાલ ગોળો બહાર આવી રહ્યો હતો, અને તેના કિરણો ગંગા પર પડતાં ગંગાનું પાણી એકદમ અનેરું લાગતું હતું. વાતાવરણ એકદમ પુલકિત બની ગયું હતું. ચારે તરફ લોકો સૂર્યનારાયણને ગંગાના પાણાનું આચમન આપી રહ્યા હતા. તો કેટલાય લોકો ‘માં ગંગા’ના પાવન ચરણોમાં શીશ નમાવી પ્રાર્થના કરતા હતા.

ગંગાઘાટ પર ભાવવિભાર બની મેજર સોમદત્તે ગંગાજીનું પાણી આચમન કર્યું. પછી ગંગાજીના મંદરની સામે ઊભા રહી ‘મા’ ગંગામૈયા’ ની પ્રાર્થના કરવા લાગ્યા.

“માં...મારી ગંગામૈયા...મારી હિન્દુસ્તાનની પાવન ધરતી હંમેશાં અખંડ રહે. માં મારી ધરતીમાતાનું રક્ષણ કરવાની મને તાકાત બક્ષજો અને મા, ધરતી મા ભારતની રક્ષણ માટે જાન ફના કરવાની શક્તિ આપજો. માં...હે ગંગામૈયા, આ પાવન ધરતી પર હંમેશાં આનંદનું વાતાવરણ બની રહે અને લોકો ખુશખુશાલ રહે તેવી પ્રાર્થના...”

માંના ચરણોમાં શીશ ઝુકાવી તેઓ એકદમ શાંત મને માતાની પ્રાર્થના કરી રહ્યા હતાં. તેની સાથે પ્રલય, કદમ અને આદિત્ય પણ હાથ જોડી ઊભા હતા.

સૌ એકદમ પ્રફુલ્લિત બની ગયા હતા. ખરેખર ગંગાના ઘાટની એ જ વિશિષ્ટતા છે કે સૌનું મન આનંદ શ્રદ્ધાથી પુલકિત બની ઉઠે છે.

થોડીવાર પછી ગાડી પુરપાટ વેગે આગળ ધપી રહી હતી. હરિદ્વાર પાછળ રહી ગયું. સીધી સડક હવે ધીમે-ધીમે સર્પાકાર વળાંક લેતી આગળ વધી રહી હતી. થોડી જ વારમાં ઘાટ સેક્શન શરૂ થઇ ગયો. સડક ઉપરથી ઉપર પર્વતની કોર કાપી બનાવેલ સડક પર ધસમસી રહી હતી. વળાંક પર વળાંક આવતા હતા. કદમ એકદમ સાવચેતીપૂર્વક ગાડી ચલાવતો જતો હતો. જેમ ઊંચાઇ પર જતા હતા તેમ તેમ વાતાવરણમાં ધુમ્મસ ફેલાતું જતું હતું. એક તરફ ઊંચા-ઊંચા ગગનચુંબી પહાડો હતા, તો બીજી તરફ કેટલીય નીચાણ પરથી ગંગાના પાણી નિરંતર ઘુઘવાટ કરતા નીચેની તરફ ઉતરી રહ્યાં હતા

લગભગ સાડા બાર વાગ્યાના સમયે તેઓ શ્રીનગર પહોંચ્યા. ત્યાં આવેલું શ્રીનગર,કાશ્મીરના શ્રીનગર જેટલુ સુંદરતાભર્યું નથી, પણ ચાર ધામની યાત્રામાં આવતું મુખ્ય જંકશન છે, મોટું શહેર છે.

સારી હોટલમાં ભોજન પતાવી સવારથી શરૂ થયેલી મુસાફરી કંટાળીને હોટલના ચોગાનમાં પડેલી ખુરશીઓ પર બેઠા હતા.

“સર ! આજ આપણે હોલ્ટ ક્યાં છે ?” કદમે મેજર સોમદત્તની સામે જોયું.

“હોલ્ટની તો ખબર નથી પણ રાત્રિનું ભોજન આપણે મહેસાણામાં આવેલ પૂજ્ય રામેશ્વરાનંદ બાપુના આશ્રમમાં લેશું. ત્યારબાદ આપણે આગળ વધવાનું છે. રસ્તો જોખમી છે. છતાં પણ આપણે જેટલું બને તેટલું અંતર રાત્રે જ કાપી નાંખવાનું છે.”

“સર...! ખેરખર આપણે ધારીએ તો રાત્રિના રોકાણ વગર બદ્રીનાથ સુધો તો પહોંચી જઇએ પણ, અહીં રસ્તા રાત્રે બંધ કરી દેવામાં આવે છે.” આદિત્યે કહ્યું.

“હા...ખતરનાક ઘાટ સેકશન હોવાથી રસ્તાઓ રાત્રિના બંધ કરી દેવામાં આવે છે. પણ ઉપરથી અહીં આપણી ગાડીને આગળ જવા દેવાનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે.”

“સર...! આ મુસાફરી ક્યા પૂરી થશે...?” પ્રલયે પૂછ્યું.

“પ્રલય... આ મુસાફરી માનાં સુધી ચાલુ રહેશે. પછી ત્યાંથી શું કરવું તેનો ઓર્ડર માનાં પર સ્થિત બી.એસ.એફ.ના બેઝ કેમ્પ પર કરવામાં આવશે.”

“ઠીક છે... આપણે તો બોર્ડર પાર કરવાની છે. ત્યાં સુધી નિરાંતનો દમ લઇ લઇએ.” ઊભા થતાં કદમ બોલ્યો. પછી હોટલની બહારની તરફ જવા લાગ્યો.

મેજર સોમદત્ત હસી પડ્યાં. કેમ કે તેઓ જાણતા હતા કે ભોજન પછી કદમને સિગારેટ પીવાની તલબ લાગી છે. તે મેજર સોમદત્તની મર્યાદા રાખતો. એટલે જ સિગારેટ પીવા હોટલની બહાર ચાલ્યો ગયો.

એક કલાકના વિશ્રામ પછી તેઓ મંઝિલ તરફ આગળ વધ્યા. એ જ ઘાટ સેકશન... એ જ ભયાનક વળાંકો અને જડબું ફાડી બેઠેલ મોતનો ખોફ ભરી ખીણો.

વાતાવરણમાં આહ્લાદક ઠંડક પ્રસેલી હતી. એકદમ ખુશનુમાભર્યુ વાતાવરણ હતું.

ચાર ધામની યાત્રાએ જતા યાત્રિકોની ગાડીઓથી ટ્રાફિક ઘણું જ હતું. સહેજ પણ શરતચૂક મોતને આમંત્રણ આપવા જેવી હતી..

લગભગ ચાર વાગ્યાના સમયે અનરાધાર વરસાદ તૂટી પડ્યો. પવન સુસવાટા મારતો ઘુમરી લેતો હતો.

અચાનક આગળ ક્યાંક ભારે વરસાદને લીધે લેન્ડ સ્લાઇડિંગ થતા આગળ જતો રસ્તો બંધ થઇ ગયો.

“સર...! મને નથી લાગતું કે આપણે સમયસર પહોંચી શકશું...” હોઠ ચાવતાં પ્રલય બોલ્યો.

“સાચી વાત...પણ આમાં આપણે કરી પણ શું શકીએ. આગળ ટ્રાફિકમાં આગળ નીકળવું પણ મુશ્કેલ છે.” મેજર સોમદત્તે કહ્યું.

લગભગ પાંચ વાગ્યાના સમયે રસ્તો ફરીથી શરૂ થયો પણ ત્યાં સુધી આમને-સામને ગાડીઓની ભીડ લાગી ગઇ હતી.

માંડ-માંડ તેઓ ગીચ ટ્રાફિકમાંથી આગળ વધી શક્યા. તેઓ ચમલોનું ગામ મહેસાણા પહોંચ્યા ત્યારે ધરતી પર અંધકારના ઓળા ઉતરી આવ્યા હતા.

કદમે ગાડીને આશ્રમના ગેટ પાસે ઊભી રાખી કે તરત શ્યામ દોડતો આવ્યો. શ્યામ મહેસાણા મધ્યે આવેલ રામેશ્વરનંદજીના આશ્રમનું સંચાલન કરતો ખૂબ જ સરલ સ્વભાવનો છોકરો હતો.

મેજર સોમદત્તના ચરણસ્પર્શ કરી શ્યામે સૌને અંદર બોલાવ્યા. એક ખૂબ જ સ્વચ્છ અને સુઘડ કમરામાં તેઓને બેસાડ્યા. ત્યારબાદ તે ભોજન માટે તૈયાર કરવા રસોડામાં ઘુસી ગયો.

ઘરે બનતા ભોજન જેવું જ તે સ્વાદિષ્ટ અને સારું હતું. સૌ ધરાઇને જમ્યાં. શ્યામે પણ આગ્રહ કરી બે-બે રોટલી સૌને વધારે જમાડી.

મહેસાણાથી તેઓ નીકળ્યા ત્યારે રાત્રિનું ગાઢ અંધકાર છવાઇ ગયું હતું

***