Ajvadana Autograph - 27 in Gujarati Motivational Stories by Dr. Nimit Oza books and stories PDF | અજવાળાંનો ઓટોગ્રાફ - 27

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

અજવાળાંનો ઓટોગ્રાફ - 27

અજવાળાંનો ઓટોગ્રાફ

(27)

પ્રેમનો પેરેગ્રાફ

પ્રેમના પુસ્તકમાં ફક્ત પ્રકરણો હોય છે, અનુક્રમણિકા નથી હોતી. કારણકે પ્રેમમાં ફક્ત ઘટનાનું મહત્વ છે, ક્રમનું નહિ.

કોઈને પ્રેમ કરતા પહેલા આપણે ક્યારેય એ વ્યક્તિને એવું પૂછતાં નથી કે આપણે એ વ્યક્તિનો કેટલામો પ્રેમ છીએ ? અથવા તો આ પહેલા તેઓ કેટલી વ્યક્તિઓ સાથે પ્રેમમાં રહી ચૂક્યા છે ?

કોઈ વ્યક્તિને પ્રેમ કરતા પહેલા આપણે તેનું ‘રિઝ્યુમ’ નથી માંગતા કે ભૂતકાળમાં કેટલી જગ્યાએ પ્રેમ કર્યાનો અનુભવ છે ? પ્રેમમાં કોઈનું ‘ફર્સ્ટ એટેમ્પ્ટ સર્ટીફીકેટ’ પણ માંગવાનું નથી હોતું કારણકે એક વાર પ્રેમમાં નિષ્ફળ ગયેલી વ્યક્તિ સાથે પ્રેમમાં ન પડી શકાય એવો કોઈ કાયદો કે નિયમ નથી.

કોઈએ આપણને કરેલા ચુંબનોના આપણે ક્યારેય હિસાબો નથી રાખતા. આલિંગન હોય કે ચુંબન, પ્રેમ સાથે સંકળાયેલી કોઈપણ ઘટના ગણવાની કે માપવાની નથી હોતી, એ તો ફક્ત પામવાની હોય છે.

દરેક પ્રેમ તાજો અને કુંવારો જ હોય છે. પ્રેમમાં પડવાની ઘટના દરેક માટે સામાન્ય હશે, પણ એની અનુભૂતિ દરેક માટે અલગ અને આગવી હોય છે. એની સરખામણી ક્યારેય કોઈ બીજી ઘટના સાથે ન થઈ શકે.

પણ તકલીફ ત્યાં છે કે સરખામણી આપણા મનમાં ઘર કરી ગઈ છે. બાળકના માર્કસથી લઈને ઘરમાં રહેલા બેડરૂમની સંખ્યા સુધી આપણે દરેક વસ્તુની તુલના કરીએ છીએ. ફક્ત વસ્તુઓની જ નહિ, આપણે ઘટનાઓની પણ તુલના કરતા થઈ ગયા છીએ. પ્રેમ એ એવી જ એક સુંદર ઘટના છે જેમાં ક્રમ કે સંખ્યાનું મહત્વ નથી. પ્રેમમાં માત્રાનું નહિ, યાત્રાનું મહત્વ હોય છે.

આપણે પ્રેમમાં સરખામણી એટલા માટે કરીએ છીએ કારણકે એ દ્વારા આપણો અહંકાર પોષાય છે. એનો પ્રેમ મેળવનારો હું પહેલો વ્યક્તિ છું અથવા તો એકમાત્ર વ્યક્તિ છું જેવી અનુભૂતિ આપણા અહંકારને બળ આપે છે. આપણે એ અહંકારને ઉજવીએ છીએ, પ્રેમને નહિ. બાકી આપણે એનો પહેલો પ્રેમ હોઈએ કે સાતમો ? એનાથી શું ફેર પડવાનો છે ?

પ્રેમમાં સંખ્યા અને ક્રમની બાબતમાં સભાન થઈને આપણે પ્રેમની ગુણવત્તા ગુમાવી દઈએ છીએ. ચોમાસામાં ભીંજાવા નીકળીએ ત્યારે એ મોસમનો બીજો કે પાંચમો વરસાદ છે એવી કોઈ ગણતરી આપણે રાખતા નથી. બીજા શહેરમાં આપણા કરતા વધારે વરસાદ પડ્યો છે, એવી તુલના કરીને આપણે વરસાદમાં પલળવા ન જઈએ, એવું પણ આપણે કરતા નથી. આપણે તો આપણા ભાગે આવેલી અપ્રતિમ પ્રાકૃતિક ઘટનાને મનભરીને માણી લેતા હોઈએ છીએ. સૌ કોઈ સરખામણી કર્યા વગર પોત પોતાના ભાગે આવેલો વરસાદ ઉજવે છે. પ્રેમમાં પણ એવું જ હોવું જોઈએ.

ઈશ્વર પાસેથી પ્રસાદ મળે ત્યારે કોને કેટલો મળ્યો છે ? એ જોવામાં આપણે સમય નથી બગાડતા. ગમતી વ્યક્તિ પાસેથી મળતો પ્રેમ જોખવાનો નથી હોતો, પોંખવાનો હોય છે. આપણી માટે લખાયેલા પ્રેમના પેરેગ્રાફમાં જોડણી કે વ્યાકરણની ભૂલો સુધારવાની નથી હોતી. પ્રેમના પેરેગ્રાફને અંતરની દીવાલ પર ફ્રેમ કરીને ટીંગાડી દેવાનો હોય છે.

પ્રેમમાં ક્યાંય પહોંચવાનું હોતું નથી કારણકે પ્રેમ પોતે જ એક મુકામ છે.

પ્રેમનું ક્યારેય પ્લાનિંગ કે રિહર્સલ ન થઈ શકે કારણકે એ કરવાનો નથી હોતો, થઈ જવાનો હોય છે.

-ડૉ. નિમિત્ત ઓઝા