Sumudrantike - 7 in Gujarati Moral Stories by Dhruv Bhatt books and stories PDF | સમુદ્રાન્તિકે - 7

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

સમુદ્રાન્તિકે - 7

સમુદ્રાન્તિકે

ધ્રુવ ભટ્ટ

(7)

ખેરાથી પાછા આવ્યા પછી સહુથી પહેલી મારા રૅશનની વ્યવસ્થા ગોઠવવાનું મેં વિચાર્યું. અવલનો ઉપકાર લેવો તે તેનું શાસન ચાલવા દેવા જેવું લાગતું હતું.

‘પગી, કાલે ટપાલ ને દાણો-પાણી લેવા જવાનું છે. જરૂર પડે તો પટવાથી કોઈને સાથે લઈ જજો.’ મેં કહ્યું. અને સૂતો.

કાલે બપોરે એક ટંક મારે અવલનું ભોજન ખાવું પડશે. વળી કાલે સરવણ નથી. એટલે અવલ પોતે જ આપવા આવશે. તે વખતે તેનો આભાર માનીશ. ખર્ચ પૂરતું ધન આપીશ એટલે અવલકાંડની પૂર્ણાહુતિ થશે. કોણ જાણે કેમ? પણ આ બધા જેમ જેમ અવલ પ્રત્યેનો ભક્તિભાવ દર્શાવે છે તેમ અવલ પ્રત્યે મને માનસિક વેર બંધાતું જાય છે. કેટલીયે વાર સુધી મેં આમ થવાનું કારણ શોધ્યા કર્યું અને વિચારોમાં મને ક્યારે ઊંઘ આવી ગઈ તે ખબર ન પડી.

બીજે દિવસે બપોરે, પેલી દાદર પર સાવરણી લઈને મળેલી તે, સ્ત્રી પાલવથી ઢાંકેલી થાળી લઈને આવી. થાળી ટેબલ પર મૂકીને તેણે ઓઢણીનો છેડો કેડ ફરતો વીંટ્યો. આ રીતે બાંધેલી ઓઢણીમાં તેની ઉંચાઈ સ્પષ્ટ દેખાય આવી.

મારી કચેરીમાંથી હું તેને જોઈ રહ્યો હતો તેનો તેને ખ્યાલ ન આવ્યો. તે જવા માટે પાછી ફરી ત્યારે હું કચેરીમાંથી બહાર આવ્યો.

‘એક મિનિટ.’ મેં ઉતાવળે તેને કહ્યું અને મારા કવાર્ટર તરફ ગયો. તે પગથિયા પર ઊભી રહી.

‘તમે અવલ છો ને?’ મેં તેની પાસે જતાં પૂછ્યું. અમે બન્ને સાથે પરસાળમાં ગયાં. તે સ્ત્રી બન્ને હાથ સામસામે વીંટીને પરસાળના થાંભલા પાસે ટટ્ટાર ઊભી રહી. હું ખુરશી પર જઈ બેઠો.

તે કંઈ જ બોલી નહીં. મારા સામે જોઈને ધીમું હસી. જાણે કહેતી હોય. ‘હા, હું જ અવલ છું. બોલો શું કહેવું છે તમારે?’

મેં પગીને રૅશન લાવવા મોકલ્યો છે.’ મેં કહ્યું. ને તેની આંખો મલકી. કદાચ સરવણ ગયો છે તે અવલ જાણે છે. મેં તેની પરવા ન કરતાં આગળ ચલાવ્યું, ‘સાંજ સુધીમાં તો બધું આવી જશે. આજ સુધી તમે ઘણું કર્યું. મને ખૂબ સાચવ્યો. હવે મારું રૅશન આવી જાય પછી મારા પૂરતું હું જાતે કરી શકીશ. તમે હેરાન થાઓ તે મને નથી ગમતું.’

ઘણા પ્રયત્ન છતાં સ્ત્રી સામે પૈસાની વાત મારાથી ન થઈ શકી.

એક પણ શબ્દ બોલ્યા વગર તેણે બધું સાંભળી લીધું. થોડી વાર જમીન તરફ જોતી ઊભી રહી અને કશો જ ઉત્તર આપ્યા વગર ચાલી ગઈ. મને લાગ્યું કે હવે તે બંગલાની બાબતોમાં દખલ કરવાની હિંમત નહીં કરે.

સાંજે પાંચેક વાગે ઓચિંતાનો સબૂર મારા કવાર્ટર પર આવ્યો.

‘અરે સબૂર, તું ક્યાંથી? ક્યાં ગયો હતો આટલા દિવસ?’ મેં ખિસ્સામાંથી પાંચ રૂપિયાની નોટ કાઢીને તેની સામે ધરતાં પૂછ્યું.

પોતે આઠ દિવસથી દેખાયો ન હતો તેનો કોઈ ખુલાસો સબૂરે ન આપ્યો. તેણે પૈસા લઈ લીધા. પછી ખિસ્સામાંથી કાગળ કાઢીને મારા સામે ધર્યો, ‘આ તારો બિલ.’

મેં બિલ જોયું. કરિયાણા અને શાકભાજીનું બિલ સબૂરના હાથમાં જોતાં મને સમજાયું કે ‘સરવણ તેને પોતાની સાથે શહેર લઈ ગયો હશે. ‘સરવણ ક્યાં છે? ને તું ક્યાંથી આવ્યો?’ મેં ખાતરી કરવા પૂછ્યું.

‘પગી મને બરકી ગ્યો’તો. ઈ કાલ ટપાલ ભેગો આવશે. દાણા લઈને મને પાછો વાળ્યો.’

‘ક્યાં છે આ બધો સામાન?’ મેં પૂછ્યું. ‘ગાડું આવ્યું છે?’ મેં દરવાજા તરફ દૃષ્ટિ કરતાં કરતાં ફરી પ્રશ્ન કર્યો.

‘ગાડું તો વયું ગ્યું પાછું. ને ધાન અવલે વાડીયે ઉતરાવી લીધું.’ સબૂલ બોલ્યો.

મારો સંયમ હવામાં ઊડી ગયો. સમુદ્રના ભયાવહ મોજાની થાપટ મસ્તક પર પડી હોય તેમ હું મારા પરનો કાબૂ ગુમાવી બેઠો.

‘તું અત્યારે ને અત્યારે જા. વાડીએથી બધું પાછું લઈ આવ.’

સબૂર બાઘો બનીને મને જોઈ રહ્યો; પછી ઉતાવળે પગલે ચાલ્યો ગયો. થોડી વારે પાછા આવીને તેણે કહ્યું, ‘ઈ કેય છ, ‘રાત્યે વાળુ દેવા આવે તંયે કેવાનું હોય ઈ કે જે.’

મારું મન કકળી ઊઠ્યું. કંઈ વાંધો નહીં. હમણાં જ સાંજ ઢળશે. આજે આ ઘોર અપમાનનો હિસાબ ચોખ્ખો કરી દઈશ. મારું મન કોઈ કામમાં ન ચોંટ્યું. મને મોડી મોડી ખબર પડી કે જાણ્યે-અજાણ્યે હું અવલના આવવાની રાહ જોતો હતો.

ચંદ્રપ્રકાશમાં દૃઢ ચાલે દરવાજામાં પ્રવેશતી અવલ દેખાઈ. સ્થિર પગલે તેણે સુદ તેરસની ચાંદની ઓળંગી અને કવાર્ટરના પડછાયામંથી પસાર થઈને ફાનસના અજવાળામાં પ્રવેશી. થાળી ટેબલ પર મૂકી અને શાંતિથી થાંભલા પાસે જઈને ઊભી રહી. ફાનસનો પીળો પ્રકાશ તેના પ્રશાંત શહેરા પર ચમક્યો.

‘મેં કહ્યું હતું ને?’ મેં જરા કઠણ થવાનો પ્રયત્ન કર્યો. ‘મારા પૂરતું હું જાતે કરી લઈશ. પછી અનાજ વાડીએ ઉતરાવવાની તને શી જરૂર પડી?’ મેં જાણી જોઈને ‘તમને’ બોલવાનું ટાળ્યું.

અવલે કશો જવાબ ન આપ્યો અને જવા વળી. મારી સહશનશક્તિ હદ વટાવી ગઈ. કોણ જાણે ક્યા વિચારે મેં કહી દીધું, ‘છ છ દિવસથી ડુંગળી-રોટલા ખાઈને હું કંટાળી ગયો છું. હવે મને ગમે તે હું બનાવી લઈશ.’

અવલ પગથિયું ઊતરવા જતાં રોકાઈ અને એકદમ મારા તરફ ફરી. તેની આંખો ચમકી અને તરત શાંત થઈ ગઈ. અચાનક મને અવલના હૃદયના ઊંડાણમાં કંઈક ખૂંચ્યાનો આભાસ થયો. સામે જવાબ દઈ દેનાર વ્યક્તિ જે વાત થોડી ઘણી પણ નથી સમજાવી શક્તી તે જ વાત કેટલાક જનો મૌન રહીને સંપૂર્ણત: સમજાવી દઈ શકે છે. અવલ તરફ જોતાં જ મને સમજાઈ ગયું. કે તેના ઘરમાં મને મોકલવા માટે રોટલા અને ડુંગળી સિવાય બીજું કશું હતું જ નહીં. આવડી મોટી વાત હું કેમ ભૂલી ગયો તે મને સમજાયું નહીં.

તે ચાંદની રાત્રે, એક એકલી, અજાણી સ્ત્રીને, તેની વાત સાંભળ્યા વિના, માત્ર મારા આવેશને વશ થઈને મેં જે શબ્દો કહ્યા છે તે બદલ હું મારા શેષ જીવનના અંત સુધી રંજ અનુભવવાનો છું. અવલ ક્ષણ-બેક્ષણ અપલક નેત્રે મને જોઈ રહી. મને એકદમ સંકોચ થયો. હું નીચે જોઈ ગયો. ઘણીવારે મેં ઊંચી નજર કરી ત્યારે અવલને ધીમે પગલે ચાલી જતી જોઈ. ચાંદની મઢ્યો આખો ચોક મને અચાનક ઝાંખો લાગવા માંડ્યો

કેટલીક વાર સુધી હું આરામ ખુરશીમાં મૌન પડી રહ્યો. સબૂર પથારી કરવા આવ્યો ત્યારે તેણે થાળીવાળું ટેબલ મારા સામે લાવી મૂક્યું. ટાંગેલું ફાનસ ઉતારીને થાળીમાં અજવાળું પડે તે રીતે પાળ પર મૂકીને તે ચાલ્યો ગયો.

મેં કાંસાનું પાત્ર હટાવ્યું ત્યારે નીચેની થાળીમાં ઘઉંની રોટલી, ખીચડી, કઢી, શાક અને ગોળ-ઘી નજરે પડ્યાં. ઈશ્વર જાણે છે; તે સમયે આ પ્રદેશમાં માઈલો સુધી મારા સિવાય એવો કોઈ નસીબવંત નહીં હોય જે આવું ભોજન પામતો હશે.

અચાનક મને તીવ્ર સંવેદના થઈ આવી કે સવાર પડતાં જ અવલ મારાં બધાં પોટલાં આ પરસાળમાં ફેંકી જાય, અને ચીસો પાડીને કહે, ‘લે આ તારું રૅશન. રાખ અને ખાજે જે ખાવું હોય તે.’

પરંતુ એવું કંઈ ન બન્યું. સવારે દરરોજની જેમ ચા આવી. કચેરી ખૂલી. બપોરનું ખાણું આવ્યું. રાત્રે પગી થાળી મૂકી ગયો. બધું યથાવત્ ચાલ્યું અને મને ખાતરી થઈ ગઈ કે હવે હું અહીં રહીશ ત્યાં સુધી આ રીતે જ ચાલવાનું છે.

***