Birth and childhood of lord hanuman
હનુમાનજીના જન્મ અને બાળપણ અંગેની અજાણી કથાઓ
હનુમાનજી દરેકના પ્રિય ભગવાન રહ્યા છે. જો કોઈ પુખ્ત ઉંમરની વ્યક્તિ હોય તો તેને તેમની વીરતા પસંદ છે. જો કોઈ વૃદ્ધાવસ્થાને આરે આવી ગયેલી વ્યક્તિ હોય તો તેને હનુમાનજીની રામચંદ્રજી પ્રત્યેની અપાર ભક્તિ પસંદ હોય છે. અને જો કોઈ બાળક હોય તો હનુમાનજીના બાળસહજ તોફાનો ખુબ પસંદ આવતા હોય છે.
હનુમાનજીના જન્મ અંગે આપણે ત્યાં ઘણી બધી કથાઓ વ્યાપ્ત છે. આપણે જાણીએ છીએ કે હનુમાનજી વાનરરાજ કેસરી અને અંજનીના પુત્ર છે. પરંતુ હનુમાનજીને વાયુપુત્ર કેમ કહેવામાં આવે છે તે અંગે હજી પણ ઘણીબધી કથાઓ કહેવામાં આવે છે. આજે આપણે જાણીશું કે હનુમાનજીને વાયુપુત્ર એટલેકે વાયુદેવના પુત્ર કેમ કહેવામાં આવે છે. આ ઉપરાંત આપણે હનુમાનજીના બાળપણ વિષેની કેટલીક કથાઓ તેમજ તેમને મળેલા વિવિધ વરદાનો અંગે પણ માહિતી મેળવીશું.
હનુમાનજી કેસરી અને અંજનીના પુત્ર હોવાથી તેમને વાયુપુત્ર એટલા માટે કહેવામાં આવે છે કારણકે તેમના જન્મ માટે વાયુદેવની પણ મહત્ત્વની ભૂમિકા હતી. આ અંગેની એક કથા આ પ્રમાણેની છે.
જ્યારે સંતાનપ્રાપ્તિ માટે દેવી અંજના ભગવાન શંકરની તપસ્યા કરી રહ્યા હતા તે જ સમયે અયોધ્યામાં રાજા દશરથે પુત્રકામ યજ્ઞ પણ શરુ કર્યો હતો. દશરથ પણ નિસંતાન હતા અને તેમને પણ પોતાના વંશને આગળ ધપાવવા માટે સંતાનની જરૂર હતી. આ યજ્ઞના સફળ જવાથી તેમને યજ્ઞદેવે પ્રગટ થઈને એક ઘડામાં ખીરનો પ્રસાદ પીરસ્યો.
રાજા દશરથે આ ખીર તેમની ત્રણ પત્નીઓ કૌશલ્યા, કૈકયી અને સુમિત્રામાં વહેંચી દીધી હતી. પરિણામે રામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્નનો જન્મ થયો હતો. કહેવાય છે કે જ્યારે દશરથ આ ખીર તેમની રાણીઓને પીરસી રહ્યા હતા ત્યારે વાયુદેવે તેમાંથી થોડો ભાગ પોતાની સાથે લઇ જઈને દૂર તપસ્યા કરતી અંજનીના હાથમાં તેને મૂકી દીધો હતો જેને અંજનીએ ગ્રહણ કરતા હનુમાનજીનો જન્મ થયો હતો. આમ આ કથા અનુસાર હનુમાનજી વાયુપુત્ર કહેવાયા અને એક રીતે જોવા જઈએ તો તેઓ ભગવાન શ્રીરામના ચોથા ભાઈ પણ થયા!
જ્યારે હનુમાનજી નાના હતા ત્યારે સૂર્યદેવે તેમને અસંખ્ય શસ્ત્રો અને મંત્રોનું જ્ઞાન આપ્યું હતું. પરંતુ હનુમાનજીને આ લાલચોળ અને ગોળગોળ ફળને ખાવાની વારંવાર અદમ્ય ઈચ્છા થતી હતી. એક દિવસે તેમણે પોતાની તમામ શક્તિ વાપરીને એક મોટો કુદકો માર્યો. એકસમયે તો એવું લાગ્યું કે હનુમાનજી સૂર્યને ગળી જશે. જો સૂર્ય ગળી જાય તો સમગ્ર પૃથ્વી પર અજવાળાના અભાવે લોકોના જીવન ત્રાહી ત્રાહી થવા લાગે. આથી ગભરાયેલા ઇન્દ્રદેવે હનુમાનજીને રોકવા તેમની દાઢી પર વજ્રનો પ્રહાર કર્યો. હનુમાનજી મૃતપ્રાય થઈને જમીન પર પડ્યા.
હનુમાનજીની આ હાલત જોઇને તેમના પિતા વાયુદેવ ગુસ્સે ભરાયા અને તેમણે પૃથ્વી પર વહેતી હવા બંધ કરી દીધી. આમ હવે પૃથ્વીવાસીઓને હવા વગર તકલીફ પડવા માંડી. શંકર ભગવાને આ જોઇને મધ્યસ્થતા કરી અને હનુમાનજીને ભાનમાં લાવ્યા. ઇન્દ્રદેવે હનુમાનજીનું શરીર વજ્ર જેવું જ બનશે અને તેમનું વજ્ર પણ તેમના પર કોઈજ અસર નહીં કરે તેવા આશિર્વાદ આપ્યા.
અગ્નિદેવે હનુમાનજીને અગ્નિ બાળી નહીં શકે તેવા આશિર્વાદ આપ્યા તો વરુણદેવે જળ હનુમાનજીનું કશું જ બગાડી નહીં શકે તેવું વરદાન આપ્યું. વાયુદેવતાએ હનુમાનજી ઈચ્છે ત્યાં અને ત્યારે વાયુવેગે પહોંચી જાય તેવું વરદાન આપ્યું. તો બ્રહ્માએ હનુમાનજીને પ્રવાસ કરતા કોઇપણ રોકી નહીં શકે તેવું વરદાન પણ આપ્યું.
બ્રહ્માજી પાસેથી હનુમાનજીએ દુશ્મનોમાં તેમને જોઇને ભય ફેલાય અને મિત્રોમાં તેમના આવવાથી ડર જતો રહે અને પોતે ધારે તે સ્વરૂપ લઇ શકે એવા વરદાનો પણ મેળવ્યા. વિષ્ણુ ભગવાને હનુમાનજીને ગદા ભેટમાં આપી. આમ હનુમાનજી અમર બન્યા અને તેમની પાસે એવી અસંખ્ય શક્તિઓ આવી ગઈ જે અન્ય કોઈની પણ પાસે ન હતી.
શંકર ભગવાન જેમણે હનુમાનજીને પુનઃ જીવન આપ્યું હતું તેમણે હનુમાનજીને અમરત્વ અને આધ્યાત્મિક જ્ઞાન આપ્યું અને ગમે તેટલો મોટો સમુદ્ર હોય તેને તેઓ પાર કરી શકે તેવું વરદાન આપ્યું.
હવે આપણે હનુમાનજીને મળેલા આ વરદાનોનું એક પછી એક વિશ્લેષણ કરીએ તો આપણને જાણવા મળે છે કે હનુમાનજીને આ વરદાનો રામાયણમાં શ્રીરામની ભક્તિ કરતા કેવી રીતે મદદમાં આવ્યા હતા.
હનુમાનજીનું વજ્ર જેવું શરીર તેમને રાવણના રાક્ષસો સમે લડતી વખતે કામમાં આવ્યું હતું જેઓ તેમને ક્યારેય જરા જેટલી પણ ઈજા પહોંચાડી શક્યા ન હતા. તો અગ્નિદેવનું વરદાન કે તેમને અગ્નિ ક્યારેય બાળી નહીં શકે હનુમાનજીને ત્યારે કામમાં આવ્યું હતું જ્યારે ઇન્દ્ર્જીતે તેમની પૂંછડી પર અગ્નિ ચાંપી હતી. હનુમાનજીએ ત્યારબાદ વિભીષણના મહેલ અને સીતા જ્યાં રહેતા હતા તે અશોક વાટિકા સિવાય સમગ્ર લંકામાં અગ્નિ ચાંપીને લંકા દહન કર્યું હતું.
વરુણદેવનું વરદાન હનુમાનજીને ત્યારે કામમાં આવ્યું હતું જ્યારે તેઓ પ્રભુ શ્રીરામના કહેવાથી સીતામાતાને તેમનો સંદેશ આપવા લંકા ગયા હતા અને રસ્તામાં સમુદ્રી જીવોએ તેમનો રસ્તો રોકવાની નિષ્ફળ કોશિશો કરી હતી. વાયુદેવનું વરદાન કે હનુમાનજી વાયુવેગે ગમેત્યાં પહોંચી જશે તે હનુમાનજીને આ સમયે જ કામમાં આવ્યું હતુંને?
બ્રહ્માજીના વરદાનો જેમાં પહેલું એ કે હનુમાનજીનો રસ્તો કોઈ ક્યારેય નહીં રોકી શકે તેમને લંકા જતી વખતે તો કામમાં આવ્યું જ હતું પરંતુ જ્યારે યુદ્ધ દરમ્યાન લક્ષ્મણ બેભાન થઇ ગયા હતા ત્યારે તેમના માટે જડીબુટ્ટી લાવવા માટે હનુમાનજી હિમાલય ગયા હતા ત્યારે પણ કામમાં આવ્યું હતું. આ ઉપરાંત બ્રહ્માજીએ તેમને યાદ કરવાથી કે પછી તેમની હાજરીથી જ દુશ્મનોમાં ભય ફેલાય અને મિત્રોમાં ભય દૂર થાય તે વરદાન આપણને સંકટ સમયે હનુમાન ચાલીસા બોલતી વખતે જ યાદ આવી જાય છે બરોબરને?
તો ગમેત્યારે રૂપ બદલવાનું વરદાન હનુમાનજીને ત્યારે કામમાં આવ્યું હતું જ્યારે તેમણે શ્રીરામને પહેલીવાર જંગલમાં જોયા હતા અને તેમણે બ્રાહ્મણ સ્વરૂપ ધારણ કર્યું હતું. અહીં તેમણે શાસ્ત્રોના જ્ઞાનના શંકર ભગવાને આપેલા વરદાનનો પણ ઉપયોગ કર્યો હતો. વિષ્ણુ ભગવાને હનુમાનજીને આપેલી ગદા તો જગપ્રસિદ્ધ છે જ અને તે હનુમાનજીનું એકમાત્ર શસ્ત્ર છે.
શંકર ભગવાનના ગમેતેવા અફાટ સમુદ્રને એક છલાંગે પાર કરવાના વરદાનનો ઉપયોગ પણ હનુમાનજીએ સીતામાતાને અશોક વાટિકામાં મળવા જતી વખતે કર્યો હતો.
હનુમાનજીને મળેલા આ તમામ વરદાનો અને તેનો ઉપયોગ તેમણે કર્યા બાદ એક ખાસ વાત ઉડીને આંખે વળગે છે જે તમે પણ નોંધી હશે જ. આ વાત એવી છે કે ભગવાન હનુમાને ક્યારેય આ વરદાનોનો ઉપયોગ પોતાના માટે નથી કર્યો! તેઓ પ્રભુ શ્રીરામના અદમ્ય ભક્ત હતા અને આજીવન તેમણે તેમની જ ભક્તિ કરી અને તેમના માટે જ તેમણે પોતાને મળેલા વરદાનોનો ઉપયોગ કર્યો હતો.
પછી તે વજ્ર જેવા શરીરનું વરદાન હોય કે પછી ગદાનો ઉપયોગ હોય અથવાતો જોજનો દૂર આવેલી લંકા સુધી એક છલાંગે પહોંચવાની વાત હોય. આ ઉપરાંત અગ્નિદેવનું વરદાન પણ તેમણે રાવણને રામનો ભક્ત જો આટલો શક્તિશાળી હોય તો તેઓ ખુદ કેટલા શક્તિશાળી હશે તેની ઝલક આપવા માટે જ ઉપયોગમાં લીધું હતું.
અશોક વાટિકામાં રાક્ષસ પહેરેદારોની નજરથી બચવા હનુમાનજીએ અત્યંત સુક્ષ્મરૂપ ધર્યું હતું અને તેમણે સીતામાતાને પોતાની ઓળખ આપી હતી. આમ આ વરદાનનો ઉપયોગ પણ તેમણે પ્રભુ શ્રીરામના કાર્ય માટે જ કર્યો હતો.
જ્યારે સામે પક્ષે ઇન્દ્રજીતે પોતાને મળેલી શક્તિનો દુરુપયોગ લક્ષ્મણને બેભાન કરવામાં કર્યો ત્યારે હનુમાનજીએ પ્રભુ શ્રીરામના એક આદેશ પર લંકાથી વૈદ્ય સુષેણની સલાહ મુજબ જડીબુટ્ટી લેવા છેક હિમાલય ગયા. અહીં પણ સુષેણ વૈદ્યે કહેલી જડીબુટ્ટીની ઓળખ તેમને ન થતા તેઓ આખેઆખો મંદાર પર્વત ઉપાડીને લઇ આવ્યા હતા જે તેમને શક્તિશાળી હોવાના મળેલા વરદાનનું જ એક સ્વરૂપ છે.
ભય અને દુઃખના સમયે આજે પણ લોકોને તરત જ હનુમાનજી જ યાદ આવે છે અને તેઓ હનુમાન ચાલીસા બોલતા હોય છે. આ પણ હનુમાનજીના નિસ્વાર્થ સ્વભાવનું જ એક રૂપ છે ને? કે તેઓ પોતાના ભક્તને પણ તકલીફ અને ભયથી તેમને માત્ર યાદ કરવાની સાથે જ મુક્ત કરતા હોય છે.
હનુમાનજીની આ કથાથી આપણે સૌએ પણ બોધ લેવાનો છે કે આપણને કોઇપણ શક્તિ મળે અથવાતો બુદ્ધિ મળે, જ્ઞાન મળે તેનો ઉપયોગ આપણે આપણા તેમજ સમાજ માટે અને દેશ માટે પણ કરવો જોઈએ અને તો જ તમામ લોકોનું ભલું થશે.
આમ ભક્તિ અને નિસ્વાર્થ ભાવનાની જ્યારે વાત આવે ત્યારે હનુમાનજીથી બહેતર ન તો કોઈ અન્ય દેવતા છે કે ન તો કોઈ દેવતા થશે!
જય હનુમાન!
***