Atitna Padchhaya - 11 in Gujarati Detective stories by Vrajlal Joshi books and stories PDF | અતીતના પડછાયા - 11

Featured Books
Categories
Share

અતીતના પડછાયા - 11

અતીતના પડછાયા

વ્રજલાલ હિરજી જોષી

૧૧. અતીતના પડછાયા

"પશ્ચાતાપ... ? પશ્ચાતાપ કોનો... મિ. હરિલાલ તમે કરેલ કર્મનું ફળ તો તમારે જ ભોગવવું પડશે. " તીખી નજરે કદમે હરિલાલની સામે જોયું પછી આગળ બોલ્યો.

"દુધઈ ટેકરીવાળા સંત શ્રી રામેશ્વરાનંદ સરસ્વતીચંદ્ બાપુ કહે છે કે તમે કર્મ કરો તેનું ફળ તમારે જ ભોગવવું પડે છે. જો સારા કર્મ કર્યા હશે તો તેનું ફળ સારું અને ખરાબ કર્મ કર્યા છે તો તેનું માઠું ફળ પણ તમારે જ ભોગવીને જવું પડશે. તમે કુકર્મ કરવા વખતે કેમ વિચાર નથી કરતા કે હું ખોટું કરું છું. તમે દારૂ પીવા વખતે વિચાર નથી કરતા કે હું ખોટું કરું છું. તમે દારૂ પીવા વખતે વિચારો છો કે દારૂ પીધા પછી તમારા દિમાગ પર તમારો કંટ્રોલ નહી હોય અને પછી તમને કુબુદ્ધિ આવશે. એક અબળાની ઈજ્જત લૂંટતી વખતે કેમ તમને ખ્યાલ ન આવ્યો કે તમે એટલું બધું ખરાબ કુકર્મ કરો છો કે તેનું ફળ નરકની યાતનાઓ જેવું હશે. અરે તમે ક્યારેય સામે ઊભી ઊભી તમને હાથ જોડી યાચના કરતી અબળા સ્ત્રી વિશે વિચાર કર્યો કે તમે તમારા ક્ષણિક આનંદ માટે તેને નરક ભરી જિંદગી તરફ ધકેલી રહ્યા છો, કેમ... ?કેમ વિચાર ન આવ્યો. એક સ્ત્રી ભરજુવાનીમાં વિધવા થઈ જાય ત્યારે તેની પર આભ તૂટી પડે છે. તેની જિંદગી વેરાન બની જાય છે. છતાંય તેને જીવવું પડે છે. કદાચ નાનાં બાળકો હોય તો તેમના માટે પણ, ત્યારે ઘણાય લોકો સગાસબંધી, પડોશી તેમના પતિના મિત્રો તેમને આશ્વાસન દેવા માટે ઉમટી પડે છે.

બહેન જરાય ચિંતા ન કરતી અમે તારો ખ્યાલ રાખશું. જરૂર પડે તો અડધી રાતના બોલાવજે દોડતા આવશું, તને ક્યારેય તકલીફ પડવા નહીં દઈએ અમે બધા તારા ભાઇઓ છીએ એમ સમજજે.

આવી વાત કરનારાઓમાં દસથી બાર ટકાને બાદ કરતાં તેઓની નજર તેમના શરીર ઉપર જ ફરતી હોય છે. અને રાત્રે ક્યારે તે સ્ત્રી તેને બોલાવે તેની વાટ જોતા હોય છે. થોડી મદદ કરી પોતાની હવસ પૂરી કરવા ચોક્કસ તે સ્ત્રી તેને કામ આવશે તેવું વિચારતાં તેમના મનમાં લાડુ ફૂટતા હોય છે.

અરે... !ભગવાન ! તે સ્ત્રી પર દુઃખના ડુંગર તૂટી પડ્યા છે. જરાક તો તમે ઇશ્વરનો ડર રાખો. પણ ના... ત્યારે તો તેમને નજર સમક્ષ તે સ્ત્રીનો ભરાવદાર, સ્વરૂપવાન ખુલ્લો દેહ જ દેખાતો હોય છે. ત્યારે કેમ યાદ નથી આવતું કે હું ખરાબ કર્મ કરવા જઈ રહ્યો છું. જેનો ફળ મને વહેલું-મોડું ભોગવવું જ પડશે.

"હરિલાલ... " કદમ તીખા અવાજ સાથે બોલી રહ્યો હતો.

"મિ. હરિલાલ કર્મ તમે કરો અને પછી ઈશ્વર પાસે મને ક્ષમા કર કહી યાચના કરો... કેમ... ? હરિલાલ સાચા અપરાધી જ તમે છો... ઈશ્વરે તમને કહ્યું હતું કે ભાઈ તું તારે કર્મ કર પછી હું બેઠો છું. અરે ઈશ્વર જો ખરાબ કર્મ કરે ને તો તેને પણ તેના કર્મનું ફળ ભોગવવું જ પડે. આ સૃષ્ટિનો નિયમ છે અને તે માણસ હોય કે ભગવાન સૌને એક સરખો લાગુ પડે છે. તમે જીવનમાં એવું વિચાર્યું કે ગરીબોની મદદ કરું. અનાથ બાળકોને દત્તક લઇ તેની ફૂલ જેવી કોમળ જિંદગીને સ્વર્ગ બનાવવું કે જેનું કોઈ નથી તેવા અનાથ બુઝુુર્ગોનો દીકરો બની તેની સેવા કરું... ?

ઈશ્વરે માનવ અવતાર સૃષ્ટિ પર વસતા તમામ માનવજાત, પશુ-પક્ષી, સૃષ્ટિ પર સ્થિત વૃક્ષો કે નદી પર્વતો સૌનું રક્ષણ કરવા સૌને મદદ કરવા માટે આપ્યો છે. પણ માણસ પોતાની જાતનો ધર્મ જ ભૂલી ગયો છે. માનવ - માનવનો દુશ્મન બની ગયો છે. જાતિ, ધર્મના નામે એકબીજાને કાપી નાખવા તૈયાર થયા છે. જે માનવ માનવજાતનું કલ્યાણ કરી નથી શકતો તે પશુ - પક્ષી કે કુદરતના અભિન્ન અંગ જેવા વૃક્ષો કે નદી, ઝરણાં, પર્વત આ ધરતીનું શું રક્ષણ કરવાના. બસ... વૃક્ષ કાપયે જાવ, પહાડોનું ખનન કરી પૈસા કમાવો, ગંગાને મેલી કરી તેમાં સ્નાન કરો અને પાપ દૂર કરી પુણ્ય કમાવ, "વાહ ઈશ્વર વાહ" શું તે માનવજાત બનાવી. ઈશ્વર કદાચ તું આ ધરતી પર આવીશ તો માનવજાત તને પણ લૂંટી લઇ ભીખ માંગતો કરી દેશે. " બોલતા અટકી કદમે હરિલાલ સામે જોયું.

" હરિલાલ તમે રૂપાની ઇજ્જત લૂંટતી વખતે વિચાર્યું ન હતું કે રૂપાની જગ્યાએ તમારી સગી દીકરી કે બહેન હોત તો તેની હાલત શું થાત.. કેમ... ? ક્ષણભરના તમારા આનંદ માટે તમે રૂપાની જીંદગી નરક બનાવી નાખી. તમે માણસ નહી પણ હેવાન છો. હરિલાલ તમે રાક્ષસ છો... "કદમના અવાજમાં અંગારા વરસી રહ્યા હતા.

હરિલાલ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો હતો.

"હરિલાલ તમને ઈશ્વર કદાપી માફ ન કરે અને જો તમને ઈશ્વર માફ કરે તો તેવા ઈશ્વરને હું ક્યારેય માનવા તૈયાર નથી.

દુઃખ આવે ત્યારે તમને કેમ ઈશ્વર યાદ આવે છે. શું ભગવાન નવરો બેઠો છે... ?જલસા તમે કરો અને પછી તમને મદદ કરવા દુઃખી થતો થતો ઈશ્વર દોડાદોડી કરે. અરે તમે ગરીબોને મદદ કરો. બીમાર ગરીબને દવા લઈ દો, તેની સારવાર કરો, ભુખ્યાઓને ભોજન આપો, પશુ - પક્ષીઓને દાણા આપો. આ સૃષ્ટી પર તમારો જેટલો હક છે. તેટલો જ તેમનો પણ હક છે. દુ:ખીયાઓને મદદ કર્યા પછી તમે ઈશ્વરને યાદ કરી જોજો... ઈશ્વરને કેટલો આનંદ થશે. તમારામાં કેટલી આત્મશક્તિ પુરાયેલી છે. આનંદ હંમેશા પરોપકાર, કોઈના દુઃખ દૂર કરવામાં, કોઈને મદદ કરવામાં થાય છે. તેવો આનંદ બાહ્ય આડંબર જેવા કે ફિલ્મો જોવામાં, હોટલોમાં નાચવામાં કે દારૂ પીવા માં ક્યારેય નહીં થાય. નિજાનંદમાં જે આનંદ સમાયેલો છે, તે શેમાંય નથી અને તે આનંદમાં ઈશ્વર તમારી સાથે હશે તે જ માનવ જિંદગીનો ઉદ્દેશ છે. " કદમ ભાવપૂર્વક બોલ્યે જતો હતો.

રડતા હરિલાલની આંખો ધીમે બીડાતી જતી હતી, પછી તેની આંખો હંમેશાને માટે બીડાઈ ગઈ, તેનો આત્મા તેના પાપી દેહને છોડીને પોતાનાં કરેલા કર્મની સજા ભોગવવા માટે ચાલ્યો ગયો હતો. તેનું સ્થૂળ શરીર જ તેના બિછાના પર પડ્યું હતું. તેને બાળી નાખવા સિવાય કોઈ જ ઉપાય ન હતો.

અચાનક ઉજ્જવલાએ હરિલાલ સામે જોયું. તેનું હૃદય ધડકી ઊઠ્યું, "હરિ... હરિલાલ... અરે હરિલાલ તમને શું થઈ ગયું... ? ઉજજવાલાનો અવાજ તરડાઈ ગયો. તેની રડતી આંખો ખુલ્લી જ રહી ગઈ, તેણે હરિલાલને છંછોડી નાખ્યો.

ત્યાં ઉપસ્થિત સૌ એકાએક ચોંકી ઊઠ્યાં.

આદિત્યે ઝડપથી આગળ આવી હરિલાલના પલ્સ ચેક કર્યા, પછી છાતી પર હાથ રાખી હૃદય ચેક કર્યું.

હરિલાલનું ધબકતું હૃદય બંધ પડી ચૂક્યું હતું.

"હી ઇઝ નો મોર... " આદિત્યે સૌ સામે જોઈ માથું ધુણાવ્યું.

"હરિલાલ... "ઉજ્જવલાના મોંમાંથી જોરદાર ચીસ સરી પડી. તે હરિલાલની છાતી પર પોતાનું માથું મૂકી પોકે પોકે રડવા લાગી.

"ડૉ. દેવાંગી... ડૉ. દેવાંગીને બોલાવો ઝડપથી કદાચ હરિલાલના છેલ્લા શ્વાસ ચાલે છે. તે કંઈક કરી શકશે. "

"અરે... પણ ડૉ. દેવાંગી ક્યાં ગઈ... રાજ રાજ ક્યાં ગયો... ?" હરિલાલના માથા પાસે ઊભેલો કદમ એકાએક ચમકી ગયો. ચારે તરફ દ્રષ્ટિ ફેરવી જોયું ક્યાંય રાજ કે દેવાંગી ન હતા. કદમે તરત આદિત્ય સામે જોઈ ઈશારો કર્યો.

"બેટા... દેવાંગી બચાવી લે, મારા સુહાગને બેટા... ઉજજવલા ચિલ્લાતી હતી. રૂપા તેની પાસે આવી અને તેની પીઠ પર હાથ ફેરવવા લાગી. ઉજજવલાએ ડોક ઊંચી કરી તેની પાસે સામે જોયું. પછી તે એકાએક રૂપાને ભેટી પડી. એ બંને એકબીજાને ભેટીને રડી રહી હતી. "રૂપા... મારા હરિને માફ કરી દેજે. રૂપા જિંદગીભર તેઓ તારા પર કરેલ અત્યાચાર પર તડપતા રહયા છે.

રૂપા મેં તેમને ક્યારેય ચેનથી જીવતાં જોયાં નથી. રૂપા તેનાથી ભૂલ થઈ હતી. તારી જિંદગી તેમણે નરક બનાવી હતી. પણ રૂપા તેઓ પોતે પણ નરકની યાતનાઓ ભોગવતા રહ્યા હતા. રૂપા તેમને તેમના "અતીતના પડછાયા" ક્યારેય ચેન લેવા દેતા નહોતા... રૂપા તું તેને માફ કરી દે જેથી તેમનાં આત્માને શાંતિ મળે... જો... જો... રૂપા મારા હરિલાલનો આત્મા તેના દેહને છોડીને જઈ રહ્યો છે. તે તારી સામે રડતી, કરગરતી નજરે જોઈ રહ્યો છે. રૂપા તેને ક્ષમા બક્ષી દે, મારા હરિલાલને ક્ષમા કર, રૂપા... "ઉજજવલા ચોધાર આંસુએ રડી રહી હતી.

કદમનો ઈશારો સમજી આદિત્ય ઝડપથી કમરામાંથી બહાર આવ્યો. બહાર આવી ચારે તરફ જોયું. તેને ક્યાંય રાજ કે ડૉ. દેવાંગી દેખાયા નહીં. તેને ખૂબ જ વિચિત્ર લાગ્યું. તે ઝડપથી બંગલાના હોલમાંથી પસાર થઈ મુખ્ય દરવાજા પાસે આવ્યો. આવતા - આવતા તેણે ડૉ. દેવાંગી અને રાજના કમરામાં પણ નજર નાખી હતી, ત્યાંય કોઈ જ ન હતું.

કંઈક વિચાર આવતા જ તે બહારની તરફ દોડ્યો...

" દેવાંગી... દેવાંગી તને ખબર હતી કે હું તારો ભાઈ થાઉં છું છતાં તે મને પ્રેમ કર્યો... ?અરે મને પ્રેમ કરતા કેમ ન અટકાવ્યો... ? બોલ દેવાંગી... બોલ... અરે... એકવાર તે આપણા સંબંધની મને જાણ કરી હોત... એકવાર... બસ એકવાર તે મને કહ્યું હોત, દેવાંગી કે તું મારી બહેન છો... તો તો દેવાંગી તો ઈશ્વરની સોગંદ તને હું બહેન તરીકે અપનાવી ભાઈનો પ્યાર આપત. અરે ગાડી... તને તારો પૂરો હક્ક આપત, તું કહેત તો બધી જ મિલકત તારા નામે કુરબાન કરી દેત, દેવાંગી... તારે એક વખત મને કહેવું હતું કે તું મારી બહેન છો... " રાજનું પૂરું શરીર ધ્રુજતું હતું. તેની આંખોમાંથી શબ્દ આંસુઓની ધારા વહેતી હતી.

"મ... મ .. મને માફ કરી દે રાજ... મને માફ કરી દે... મને જ્યારે જાણ થઈ કે હરિલાલે મારી મમ્મી પણ મમ્મી પર બળાત્કાર કર્યો હતો, અને તેના અત્યાચારનો ભોગ બની મારી મા દર - બદર ઠોકરો ખાતી ભટકતી રહી હતી અને હરિલાલે કરેલા પાપનું હું ફળ છું , ત્યારે મારા મનમાં વેરાગ્નિ ભડકી ઉઠ્યો હતો. પણ... પણ રાજ તમારા ફાર્મ હાઉસમાં આવ્યા પછી તમારો સૌનો પ્રેમ પામી મારી વેરાગ્ની શાંત થઈ ગયો હતો. હું... હું... મારી મમ્મીને અને મારા પાલક પિતા કાનજીને ઘણું સમજાવી હતી કે તમે અતીતના પડછાયાને પકડવાનું છોડી દો. અતીત વીતી ગયો છે, જે થવાનું હતું તે થઈ ગયું. પણ મારા પાલક પિતા કોઈ જ રીતે સમજવા તૈયાર ન હતા. રાજ હું શું કરું? રાજ તારો પ્રેમ નિ:સ્વાર્થ પ્રેમ છે. મને ખબર હતી કે તને જ્યારે પણ જાણ થશે કે હું તારી બેન છું ત્યારે તું તૂટી પડીશ રાજ... મેં તને ઘણું સમજાવવાની કોશિશ પણ કરી હતી કે તું મને છોડી દે, મારા નસીબમાં સાચો પ્રેમ પામવાનું લખ્યું નથી. યાદ કર રાજ આપણે દરિયાકિનારે બેઠા હતા ત્યારે પણ મેં તને સમજાવવાની કોશિશ કરી હતી. પણ... પણ રાજ મારામાં એટલી હિંમત ન હતી કે તને હું સાચું જણાવી દઉં... રાજ... મને માફ કર રાજ... હું તારી બહેન છું. રાજ હું તારી અપરાધી છું. તું જે સજા મને આપીશ તે મને મંજુર છે. રાજ... "

દેવાંગી રાજને ભેટી પડી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.

અત્યારે તેઓ ફાર્મ હાઉસના ગાર્ડનમાં ઊભાં હતાં. કદમ જ્યારે હરિલાલને પશ્ચાતાપ અને કર્મ વિશે કહી રહ્યો હતો ત્યારે રાજે દેવાંગીનો હાથ પકડ્યો. ત્યારબાદ બંને હરિલાલના કમરામાંથી ચૂપચાપ બહાર આવી ગાર્ડનમાં ઊભાં હતાં.

અત્યારે બંને ગાર્ડનમાં એકબીજાને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યાં હતાં.

૧૯૬

"હે ઈશ્વર, મારા પિતાએ કરેલ પાપ અમારે શું કામ ભોગવવાં પડે છે.. ?પ્રભુ... અમે કોઇ જ ગુનો નથી કર્યો તો અમને સજા શું કામ ભોગવવી... આ તે કેવી વિટંબણા છે. ઈશ્વર જેના વગર હું એક પળ પણ રહી શકું તેમ નથી. જેને મેં સાચા દિલથી પ્રેમ કર્યો તે જ મારી બહેન.. ઈશ્વર.. હું શું કરીશ. રાજ પોતાના વાળ પીંખતો હતો. અચાનક તેણે પોતાનું માથું વૃક્ષના થડ સાથે જોરથી ભટકાવ્યું.

"રાજ... રાજ... બસ કર રાજ... તારી પીડા મારાથી નથી જોવાતી, રાજ... જો તારા માથામાંથી ખૂન નીકળે છે. રાજ... હું મરી જઈશ, રાજ... " રાજના માથા પર હાથ દબાવતાં તે અનરાધાર રડતી હતી.

"તને ખબર છે દેવાંગી, આપણાં લગ્ન થઇ ગયા હોત તો શું અનર્થ થઇ જાત... દેવાં ગી... દુનિયામાં પહેલી વખત બન્યું હોત કે એક ભાઈએ પોતાની સગી બહેન સાથે લગ્ન કર્યા... " કહેતાં રાજે જોરથી બંને હાથ માથા પર પછાડ્યા.

" રાજ... પ્લીઝ, રાજ, તું મારો ડાહ્યો ભાઈ છો ને... ? મને માફ નહીં કરી શકે, રાજ... ? પ્લીઝ.. તું તું આમ ન કર રાજ નહિતર હમણાં જ મારું હૃદય બેસી જશે... રાજ તને ખબર છે. તું દુઃખી ન થા તે માટે જ હું તને સાચી વાત જણાવી નહોતી. રાજ ખરેખર તો હું પણ તને એટલી જ ચાહું છું જેટલો તું મને ચાહે છે. અને.. અને રાજ કદાચ આપણાં લગ્ન નક્કી થાત તો.. તો પણ રાજ... "

" પણ શું બોલ દેવાંગી પણ શું... ?"

"તો રાજ લગ્ન પહેલાં જ હું મારી જિંદગીનું બલિદાન આપી દઈ તને આ બે હેમ દુનિયામાં એકલો છોડીને ચાલી જાત. રાજ... નથી હું તારા વગર જીવી શકતી કે નથી હું મરી શકતી, રાજ... તને ખબર છે... ? મેં બે ત્રણ વખત મરી જવાનું પણ નક્કી કર્યું હતું. પણ મારા મૃત્યુ પછી તારી શી હાલત થશે તે વિચારીને મેં મળવાનું ટાળી નાખ્યું રાજ... હું તને દુઃખી થવા દેવા માંગતી ન હતી. "

બંને એકબીજાને ભેટીને રડી રહ્યાં હતાં.

" રાજ... રાજ ... " હીબકાં ભરતાં તે ધ્રૂજતી હતી.

"હં... બોલ.. દેવાંગી ... બોલ... "

"રાજ મને માફ કરી દે... રાજ... મમ્મીનો બદલો લેવા મેં તને નરકની યાતનાઓ તરફ ધકેલી દીધો... રાજ હું તો ચાલી જઈશ... ગમે ત્યાં દુનિયાના ખૂણામાં બેસી જિંદગી વિતાવી લઈશ. પણ... પણ... રાજ જો તું દુઃખી હોય તો મને ક્યાંય ચેન નહીં મળે.. રાજ. "

" દેવાંગી... તારા વગર જીવવું મારા માટે નકામું છે. હવે તારા વગરની જિંદગી વિચારી જ નથી શકતો... "

"રાજ .. દુનિયામાં પ્રેમ જરૂરી છે. પણ પ્રેમ કરતાં પણ ઘણા કામો છે... રાજ... મને ભૂલી તું દુ:ખિયાઓની સેવામાં લાગી જજે. રાજ.. રાજ આ જ આપણો પશ્ચાતાપ હશે. રાજ... "

" ના... દેવાંગી... ના... હવે મારે જીવવું વ્યર્થ છે. તું જો મારી બહેન ન હોત તો દુનિયાની કોઈ તાકાત તારાથી મને અલગ કરી ન શકત, દેવાંગી... પણ.... પણ દેવાંગી ઈશ્વરે મારી સાથે અન્યાય કર્યો છે... હવે હું જીવવા જ નથી માંગતો... " ધ્રૂજતો રાજ દેવાંગીને ભેટી રડતો રહ્યો.

"રાજ... આમ મારી સામે જો. રાજ... તું મને પ્યાર કરે છો ને... ?તો મારું કહ્યું નહીં માને.. ?"

" ના... દેવાંગી હવે હું તારું કહ્યું પણ માનવાનો નથી. મને મારી દેવાંગી વગર જીવવું નથી, અત્યારે તું મારી બહેન છો, દેવાંગી મારી દેવાંગી તો ઈશ્વરે મારી પાસેથી છીનવી લીધી છે. બોલ... દેવાંગી હું હવે મારી દેવાંગીને ક્યાં શોધું... મારે માટે તો હવે મોત જ મારા દુઃખનું નિવારણ છે. હું ઈશ્વરને પ્રાર્થના કરીશ, પ્રભુ આ ભવમાં તો તે મારો પ્રેમ... મારી દેવાંગીને મારી પાસેથી છીનવી લીધી. પણ પ્રભુ આવતા ભવે મને મારો પ્રેમ પાછો આપી દેજે. દેવાંગી બસ હવે હું જાઉં છું. મારા છેલ્લા રામ.. રામ... " કહેતાં રાજ પોતાની ગાડી તરફ આગળ વધ્યો.

" રાજ... રાજ... મને મૂકીને ન જા રાજ... હું પણ તને ખુબ જ ચાહુ છું. રાજ... તારા વગર મને પણ નથી જીવવું, રાજ હું પણ તારી સાથે જ ચાલીશ... જો તે મરવાનો નિર્ણય લીધો હોય તો મને મંજુર છે. રાજ... પણ આપણે સાથે મરીશું, જેથી બીજા જન્મમાં ફરીથી મળી શકીએ... તું મને મૂકીને ન જા રાજ.

"ના... દેવાંગી મને જવા દે... મારા પિતાએ કરેલ કર્મની મારે માટે આ જ સજા છે... જે મારે ભોગવવી રહી, પણ.. પણ... તારે તો તારી મા... મારી મા બધાને સાચવવાના છે. "

રાજ પર અત્યારે પાગલપન છવાઇ ગયું હતું. તેના કપાળમાંથી નીકળેલ લોહીની ધારના રેલાથી તેનો ચહેરો ખરડાયેલો હતો. તેની આંખો એકદમ લાલચોળ દેખાતી હતી. તેનું દિમાગ અત્યારે તેના કાબૂમાં ન હતું.

"નહીં રાજ... હું પણ તારી સાથે જ ચાલીશ... આ મારો છેલ્લો નિર્ણય છે. તું મને મૂકીને મરીશ તો હું પણ તારી પાછળ મોતને વહાલુ કરવાની જ છું. "તેના ચહેરા પર મક્કમતાના ભાવ છવાયેલા હતા. તેણેઝડપથી રાજનો હાથ પકડી લીધો.

"ઠીક છે... દેવાંગી તો ચાલ... આ સંસારમાં હવે આપણા માટે જીવવા જેવું કંઈ જ રહ્યું નથી. ભલે મારા પિતાના પાપે આપણને જીવવા ન દીધા, પણ દેવાંગી... મારી બહેન.. મારી પ્રાણ પ્યારી આપણે સાથે મરી તો ચોક્કસ શકીશું. ચાલ... " કહેતાં રાજે બંને હાથેથી દેવાંગીના ચહેરાને પકડી તેના કપાળ પર ચુંબન કર્યું. પછી લગભગ દેવાંગીને હાથ પકડી ખેંચતા ખેંચતા પોતાની કાર તરફ લઈ ગયો.

તેણે કારનો દરવાજો ખોલ્યો, અને ઝડપથી ડ્રાઈવિંગ સીટ પર ગોઠવાયો. દેવાંગી પણ તેની બાજુની સીટ પર બેઠી .

એક આંચકા સાથે રાજની કાર સ્ટાર્ટ થઇ અને પછી તીવ્ર ગતિ સાથે હરિલાલના ફાર્મ હાઉસમાંથી બહાર નીકળી ગઈ. તે જ વખતે આદિત્ય બહાર આવ્યો. તેણે છટકતી નજરે રાજની કારને બહાર જતી જોઈ.

આદિત્ય ચોતરફ નજર ફેરવી ત્યાં રાજની બાઈક તેની નજરે પડી. ઝડપથી તે બાઇક પાસે પહોંચ્યો. બાઈકની એક ચાવી તેને એટલે કે (બહાદુરને) રાજે આપેલી હતી.

ખિસ્સામાંથી ચાવી કાઢી ઝડપથી ઈગનીશનમાં લગાવી એક મારી અને પછી ગાડી ગેરમાં નાખી લીવર દબાવ્યું. ગાડી પાછળના વ્હીલ પર અધ્ધર થઈ અને પછી સ્પીડ સાથે દોડવા લાગી.

આદિત્ય ફાર્મ હાઉસની બહાર આવ્યો. ત્યાં સુધી તો રાજની ગાડી કેટલીય દૂર નીકળી ગઈ હતી. આદિત્યએ દાંત ભીંસીને લીવર દબાવ્યું. પછી તે એકધારી રફતાર સાથે રાજની ગાડીનો પીછો કરવા લાગ્યો.

રાજની ગાડી ફૂલ સ્પીડ સાથે દોડી રહી હતી. તેના ઇન્ડિકેટરનો કાંટો ૧૦૦ થી ૧૧૦ પર ધ્રૂજતો હતો.

" રાજ... શું હજુ તે મને માફ નથી કરી... "રાજના ખભા પર માથું ટેકવતાં ધ્રુજતાં દેવાંગી બોલી.

"દેવાંગી.. તું મને પ્રાણથી પણ પ્યારી છો... તને માફ ન કરવાનો સવાલ જ પેદા નથી થતો... દેવાંગી મારા પિતાએ કરેલ કર્મનો તારી માતા ભોગ બની હતી. દેવાંગી... માફી તો મારે તારી માંગવાની છે. દેવાંગી... મને માફ કરી દેજે, નહિતર મર્યા પછી પણ મારો આત્મા તરફડ્યાં કરશે. "

" રાજ... મારા રાજ... મારા ભઈલા... તારા પ્રત્યે મને ક્યારેય દ્વેષભાવ ન હતો . તને તો હું મારી જાનથી પણ વધુ ચાહું છું. મારા પ્યાર... મારા રાજ... તારા સારું તો હું આ ફાની દુનિયાને છોડવા તારી સાથે આવી છું. રાજ... આવું બોલી મારા આત્માને દુભાવ નહીં.. રાજ... તું મારી જાન છો.. "

ગાડીની સ્પીડ એટલી બધી હતી કે તેઓની થતી વાત પણ ગાડીના અવાજ અને પવનના સુસવાટામાં વિલીન થઇ જતી હતી.

"રાજ... રાજ... મારા વ્હાલા તું મને આવતા જન્મમાં મળીશને, રાજ... "

"હા, પ્રાણપ્યારી... આવતા જન્મમાં આપણે મળી શકીએ એટલે જ તને આ દુનિયામાંથી લઈ જાઉં છું... દેવાંગી આપણે ચોક્કસ મળીશું... દૂર-દૂર છવાયેલા પહાડો વચ્ચે... વહેતા ઝરણાના ખિલખિલાટ વચ્ચે... ગગનચુંબી વૃક્ષોની છાયામાં, ફૂલોની બહારમાં આપણે બેસીને પ્રેમની વાતો કરીશું, દેવાંગી, કહેતાં રાજે ગાડીને ફુલ ટર્ન મારી કાચા રસ્તા તરફ વાળી, ટાયરોની ચિચિયારીની ગર્જના વચ્ચે ગાડી એકદમ આડી થઈ, પછી ખાડા - ટેકરાવાળા રસ્તા પર ઉછળતી આગળ વધી, હજુ પણ રાજે તેની સ્પીડ ઓછી કરી ન હતી.

તેનો પીછો કરતો આવતો આદિત્ય રાજના આ સાહસ પર એકદમ હેબતાઈ ગયો.

"રાજ... "તેના મોંમાંથી જોરદાર ચીસ સરી પડી પણ રાજને સંભળાઈ નહિ અને સંભળાઈ હોત તો પણ તે થોભવાનો ન હતો.

ગાડી કાચા રસ્તા પર પસાર થઈ આગળ જોગણીનાર તરફ જતા પહાડી રસ્તા પર ચડી ગઇ.

ચારે તરફ છવાયેલી પહાડીઓ વચ્ચે રસ્તો ગોળ સર્પાકાર આગળ વધતો હતો. પહાડની ગોળાઈ કાપતી ફુલ સ્પીડમાં દોડતી રાજની ગાડીના પાછળના વ્હીલ નીચે દેખાતી ખીણની તરફ સરકતા અને પછી ફરીથી રોડ પર આવી જતાં.

પાછળ આવતા આદિત્યની આંખો દહેશતથી ફાટી ગઈ. અત્યારે રાજ પર પાગલપન છવાયેલું છે. તે આદિત્ય સમજતો હતો, અને રાજનો ઈરાદો પણ તે સમજી ગયો હતો.

"બસ દેવાંગી... હવે બે-ચાર ક્ષણનો જ આપણી પાસે સમય છે... આપણે એકબીજાને હસતા હસતા વિદાય કરવાના છે. દેવાંગી... જો સામે મોટું સરોવર દેખાય છે. જો... દેવાંગી જો... કેટલું સુંદર છે. બસ શિવને યાદ કરી લે, દેવાંગી. શિવ આપણું પુનઃમિલન કરાવશે, મને ઈશ્વર પર પૂરો ભરોસો છે. "રાજના ચહેરા પર છેલ્લું સ્મિત ફરકી ગયું. તેના દિમાગ પર અત્યારે તેનો કંટ્રોલ ન હતો. તેણે એક હાથે સ્ટિયરિંગ પકડ્યું અને બીજા હાથને ધ્રૂજતાં દેવાંગીના ગાલ પર ફેરવ્યાં.

"રાજ.. રાજ.. મારા રાજ... આપણે ચોક્કસ આવતા જન્મમાં મળીશું. રાજ... કહેતાં દેવાંગી રાજને ભેટી પડી. રાજે સ્ટિયરિંગ પર પકડેલો હાથ છોડી દીધો અને દેવાંગીને પોતાની બાહોમાં સમાવી દીધી. બંનેના ચહેરા એકબીજાની સામસામે હતા. જિંદગીની છેલ્લી પળોમાં તેઓ એકબીજાના ચહેરા સિવાય કાંઈ જ જોવા માંગતા ન હતાં.

સ્ટીયરીંગને છોડી દેતા જ સ્પીડમાં દોડતી ગાડી થોડું આગળ વધી સરોવર તરફના ઢોળાવ તરફ સરકી અને પછી એક તરફ ફરી ગઈ. ગાડીનાં આગલા વ્હીલ સડક છોડી હવામાં અધ્ધર થયા. પછી સ્પીડથી ધક્કો મારતા પાછળના વ્હિલોએ પણ સડક છોડી ગાડી.

ગાડી હવામાં અધ્ધર, સ્પીડમાં ઉડતી સરોવર તરફ ધસમસતી હતી.

"રાજ... અલવિદા... રાજ. "

"દેવાંગી... મારી પ્યારી દેવાગી અલવિદા... "

બંન ના ચહેરા પર સ્મિત છવાયેલું હતું.

તેઓએ એકબીજાના ચહેરા પરથી નજર ન હટાવી.

"રાજ... જલ્દી આવતા જન્મમાં મને મળજે હું તારી વાટ જોઈશ. " હસતા ચહેરા પર આંસુઓની ધારા વહી રહી હતી.

"દેવાંગી... તું પણ ભૂલી ન જતી.. આપણે જલ્દી મળવાનું છે... "રાજના હસતા ચહેરા પર પણ આંસુઓની ધારા વહેતી હતી.

ત્યાં આવી પહોંચેલા આદિત્યએ બાઈકને જોરદાર બ્રેક મારી. તેની નજર સામે રાજની કાર હવામાં અધ્ધર લહેરાતી નીચે ઊંડાણમાં આવેલ સરોવર તરફ ધસમસતી જઈ રહી હતી.

આદિત્ય ધબકારો ચૂકી ગયો.

"રાજ... " તેના મોંમાંથી એક જોરદાર ચીસ સરી પડી.

"ધડામ... "

જોરદાર અવાજ સાથે રાજની કાર સરોવરના પાણીમાં પડી. પછી જાણે સરોવરમાં તોફાન આવ્યું હોય તેમ સરોવરના પાણી ખૂબ ઊંચાઇ પર ઊછળ્યા અને પછી રાજની કાર પાણીના ધોધમાં સમાઈ ગઈ.

" રાજ... " આદિત્યે આંખો બંધ કરી દીધી.

તેની આંખોમાંથી આંસુ સરી પડ્યાં.

"તને સલામ છે. રાજ... તે પ્રેમ કરી જાણ્યો અને નિભાવી પણ જાણ્યો. રાજ તારી કથા અમર થઈ જશે. રાજ... "આંખોમાંથી આંસુઓની ધારા વહી રહી હતી.

આદિત્યે ખિસ્સામાંથી મોબાઇલ બહાર કાઢ્યો અને પછી કદમનો નંબર લગાવ્યો.

" ટ્રીન... ટ્રીન .. ટ્રીન .. " સતત વાગતી રીંગથી કદમે ઝડપથી મોબાઈલ ખિસ્સામાંથી બહાર કાઢ્યો. મોબાઇલની સ્ક્રીન પર આદિત્યનો નંબર લબક-ઝબક થતા હતાં. તરત કદમે મોબાઈલ ઓન કર્યો. પછી સામેથી કહેવાતી આદિત્યની વાત તેં ધ્યાનથી સાંભળી રહ્યો.

"ઓ માય ગોડ... !"તેના મોંમાંથી ઉદ્દગાર સરી પડ્યા, પછી તેણે કમરામાં ઉપસ્થિત સૌ સામે જોયું. ઉજ્જવલા હરિલાલના મૃતદેહને વળગીને રડી રહી હતી. રૂપા અને કાનજી સ્તબ્ધ થઈને ઉભા હતાં. તેની આંખોમાં આંસુ સાથે ચહેરા પર દુઃખ છવાયેલું હતું.

અચાનક ઉજજવલાએ મોં ઊંચું કર્યું, પછી મનને મક્કમ કરતા રડતાં - રડતાં તેણે કદમ સામે જોયું. " કદમ... રાજ ક્યાં છે.. ?તેને જલ્દી બોલાવો. "

"આન્ટી.. રાજ હવે ક્યારેય પાછો નહીં આવે... રાજ તથા દેવાંગીએ આત્મહત્યા કરી લીધી છે... " માંડ માંડ તે બોલી શક્યો.

સેકન્ડ માટે કમરામાં સન્નાટો છવાઈ ગયો.

અને પછી ઉજવાલા અને રૂપાની ચીસો અને રુદનથી વાતાવરણ ખળભળી ઉઠ્યું. કાનજીએ આંખો બંધ કરી દીધી. તેની આંખોમાંથી દડદડ આંસુ વહી નીકળ્યાં.

ત્યાં ઉભેલા ફાર્મ હાઉસ સ્થિત બંગલાના નોકર - ચાકરો પણ સાથે રડી રહ્યાં હતાં.

ત્રણ દિવસ પછી કદમ અને આદિત્ય ગાંધીધામના એરપોર્ટ પર ઉભા હતા. કદમનો મિત્ર ભાર્ગવ તેને મૂકવા માટે એરપોર્ટ પર આવ્યો હતો.

તે ત્રણ દિવસ કદમના એકદમ દોડાદોડી અને ધમાલમાં વીત્યા હતા. અંજારમાં હરિલાલ અને રાજના મૃત્યુથી સન્નાટો છવાઈ ગયો હતો. મોટા મોટા રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ અંજાર દોડી આવ્યા હતા. સમાચારપત્રવાળા અને મીડિયા, ટીવી ચેનલવાળાઓ પણ ઉમટી પડ્યા હતા. ટીવીમાં બે દિવસ તો માત્ર હરિલાલના મૃત્યુના સમાચાર જ છવાયેલા હતા.

નગરપાલિકા, પોલીસખાતાની મદદથી સરોવરમાંથી રાજની ગાડીને માંડ - માંડ શોધીને બહાર કાઢવામાં આવી હતી.

સવારથી સાંજ સુધી ધમાલ વચ્ચે મીડિયાવાળા કદમને ઘેરી વળતા હતા. કદમ માંડ - માંડ તે લોકોને સમજાવી શકતો હતો.

એનાઉન્સમેન્ટ થતાં જ ભાર્ગવ સાથે હાથ મિલાવી કદમ અને આદિત્ય રન - વે તરફ જવા લાગ્યા.

આજ બીજી વખત કદમ દુઃખી સાથે હૃદય સાથે કચ્છની બહાર જઈ રહ્યો હતો. પ્રથમ વખત તો ધરતીકંપ થતાં તેનું ઘર નષ્ટ થઈ ગયું હતું. તેમાં તેના માતા, ભાઈ, બહેન દટાઈ માર્યા હતાં. તે અનાથ થઈ ગયો હતો અને ત્યારે એક મસીહારૂપી મેજર સોમદત્ત એને સહારો આપ્યો હતો અને તેને દિલ્હી લઈ ગયા હત. ત્યારે તે એરપોર્ટ પર રડતા રડતા વિદાય થયો હતો.

અને આજ તેના મનમાં ભારોભાર વેદના છવાયેલી હતી. રાજ તેનો મિત્ર હતો. દિલ્હી સી. બી સી. કોલેજમાં બંને સાથે ભણતા હતા. જીગરી દોસ્ત તેની સમક્ષ વિદાય લઈને પરલોક સિધાવી ગયો હતો.

પ્લેનમાં બેસી તેણે તથા આદિત્યે પોતાની સીટ પર સ્થાન લીધું અને એનાઉન્સમેન્ટ થતાં બેલ્ટ બાંધવા લાગ્યા. પ્લેન રન - વે પર દોડતું હતું. કાચની બારીમાંથી કદમે બહારની તરફ જોયું. એરપોર્ટની બિલ્ડિંગમાં ઉભેલા ભાર્ગવ સામે હાથ હલાવ્યો, પ્લેન રન - વે પર દોડતું અધ્ધર થઈ આકાશમાં ઊડવા લાગ્યું.

કદમ વિચારમાં ડૂબી ગયો.

ભૂતકાળમાં હરિલાલે કરેલ પાપનો કેવો અંજામ આવ્યો! હરિલાલના અતીતના પડછાયા હરિલાલ સાથે તેના પુત્ર અને પુત્રીને પણ ભરખી ગયા, એક મહત્વાકાંક્ષી ઉદ્યોગપતિ તેના કર્મ થકી બધું જ છોડીને ઈશ્વર પાસે પોતે કરેલ કર્મની સજા ભોગવવા ચાલી નીકળ્યો.

End...... end...... end.....