Tahuko - 31 in Gujarati Philosophy by Gunvant Shah books and stories PDF | ટહુકો - 31

Featured Books
Categories
Share

ટહુકો - 31

ટહુકો

સત્યનો મારગ છે શૂરાનો

(February 21st, 2012)

એક હતો શિકારી. પોતાનું પેટ ભરવા માટે એ પક્ષીઓનો શિકાર કરતો. હિંસા કર્યા વિનાનો એક પણ દિવસ ન જાય એવું એનું જીવન હતું. પોતે રોજ હિંસા કરે છે એવી સભાનતા પણ એના મનમાં કદી જાગી ન હતી. એક દિવસ પક્ષીઓના શિકાર માટે સરોવરને કાંઠે બેઠો હતો ત્યારે એણે એક મોટા પક્ષીનો પડછાયો જોયો. એણે ઉપર નજર કરી તો કશું જ દેખાયું નહીં, કારણ કે પક્ષી તો દૂર દૂર નીકળી ગયું હતું. શિકારીની જિજ્ઞાસા વધી ગઈ, આખો દિવસ એ સરોવરને કાંઠે રાહ જોતો બેસી રહ્યો, પરંતુ પેલું પક્ષી દેખાયું નહીં. રાત્રે એણે મિત્રને કહ્યું : ‘આજે મેં એક અદ્દભુત પક્ષી જોયું. ભૂરા આકાશમાં રૂપેરી પાંખો ફફડાવતું એ શ્વેત પંખી મારે ગમે તેમ કરીને જોવું જ છે.

મિત્રને હસવું આવ્યું. શિકારીએ તો બેચેન બનીને શ્વેત પક્ષીની શોધ શરૂ કરી દીધી. દિવસો સુધી એ જંગલોમાં રખડતો રહ્યો અને સરોવરકાંઠે ભમતો રહ્યો. એક દિવસ થાકીને લોથપોથ થઈને જંગલમાં પડ્યો હતો અને આંસુ સારતો હતો ત્યાં એણે એક વૃદ્ધ માણસને સામે ઊભેલો જોયો. શિકારીએ પૂછ્યું :

‘તું કોણ છે ?’

જવાબમાં પેલા વૃદ્ધ માણસે કહ્યું : ‘હું શાણપણ છું. પરંતુ મને કેટલાક માણસો જ્ઞાન પણ કહે છે. જીવનભર હું આ ખીણના જંગલમાં જ રહ્યો છું. પરંતુ જ્યાં સુધી આંસુ વડે પોતાની આંખ ન ધોવે ત્યાં સુધી કોઈ માણસ મને જોઈ ન શકે. હું આવા લોકો સાથે જ વાત કરું છું. ’ શિકારીએ એ વૃદ્ધને આશાભર્યા સ્વરે કહ્યું :

‘તમે મને શ્વેત પંખી ક્યાં મળે તે જણાવશો ?’

વૃદ્ધ માણસે સ્મિત વેર્યું અને કહ્યું : ‘એ પક્ષીનું નામ सत्य છે. જે એને એક વાર જુએ છે તે ઠરીને બેસતો નથી. તને એ અહીં નહીં મળે, કારણ કે તેં હજી પૂરતું વેઠ્યું નથી. ’ આટલું કહીને એ વૃદ્ધ માણસ ચાલી ગયો.

શિકારીની યાતનાનો પાર ન હતો. એક દિવસ પેલો વૃદ્ધ માણસ ફરીથી દેખાયો. એણે શિકારીને કહ્યું : ‘શ્વેત પંખી તો આકરા તડકાનું રણ વટાવ્યા પછી આવેલા ખડકાળ વાસ્તવિકતાઓના ડુંગરાઓમાં વસે છે. અહીં આ વહેમ અને અંધશ્રદ્ધાની ખીણમાં તને એ પંખી નહીં મળે. તારે આ ખીણ કાયમ માટે છોડીને ડુંગરો પર ચડવાનું શરૂ કરવું રહ્યું, પણ યાદ રાખજે કે જેઓ ખીણ છોડીને ડુંગરો પર ગયા છે તે કોઈ પાછા ફર્યા નથી. ’ પોતાને જ પગલે પગલે કેડી કંડારતો શિકારી આગળ વધે છે. સીધાં ચઢાણ શરૂ થાય છે. દિવસો વીતી ગયા અને પછી તો ખૂબ જ આકરાં ચઢાણ આવ્યાં. એક એક ડગલું હંફાવનારું બની ગયું. એટલામાં એની નજરે થોડાંક સફેદ હાડકાં પડ્યાં. આગળ શ્વેત પંખીની શોધમાં અહીં આવેલા આદમીઓનાં એ હાડકાં હતાં. ત્યાં તો વચ્ચે એક દીવાલ આવી. શિકારીએ પથ્થરો ગોઠવીને સીડી બનાવી અને દીવાલ ઓળંગવામાં સફળતા મેળવી, પણ ત્યાં તો બીજાં શિખરો નજરે પડ્યાં. એક શિખરની ટોચ પર એ માંડ પહોંચે ત્યાં નવું શિખર નજરે પડે. એ તો ઉપર ને ઉપર ચડતો જ ગયો. એક દિવસ તો એ સાવ ઢગલો થઈને બેસી જ પડ્યો.

રાત પડવા આવી. આછા અજવાળામાં ખડકની ઓથે કેટલાક અજાણ્યા ચહેરાઓએ એને અટ્ટહાસ્ય કરીને ચેતવ્યો : ‘અહીં અટકી જા. તારા વાળ ધોળા થયા છે. હવે જે ચઢાણ છે એ તારું છેલ્લું ચઢાણ છે. તું પછી વધારે ઊંચે નહીં ચડી શકે. તારા હાથ ધ્રૂજી રહ્યા છે અને પગ બેવડ વળી ગયા છે. હજી પાછો વળી જા.’ એ અટ્ટહાસ્યના પડઘા પડ્યા તેથી શિકારીનું મન રડી ઊઠ્યું. એની આંખમાંથી શ્રાવણ-ભાદરવો વહેવા લાગ્યા. એને સમજાઈ ગયું કે હવે તો પેલું શ્વેત પંખી વાદળોમાંથી નીચે ઊતરીને એની પાસે આવે તોય પોતે એને ભાળી નહીં શકે, કારણ કે મૃત્યુનું ધુમ્મસ એની આંખોમાં છવાઈ ગયું છે. એને લાગ્યું કે હવે પોતે થોડીક ક્ષણોનો જ મહેમાન છે. પંખીની શોધમાં વર્ષો વીતી ગયાં અને આયખું પૂરું થવા આવ્યું તોય પંખીનો પત્તો ન લાગ્યો. એટલામાં થીજી ગયેલી હવામાં વ્યાપેલા ધુમ્મસને ચીરીને શ્વેત આકાશમાંથી પડતું પડતું કશુંક નીચે આવ્યું. મરવા પડેલા શિકારીની છાતી પર અત્યંત કોમળ અને સાવ હળવું એવું કશુંક પડ્યું. એ હતું એક શ્વેત પીંછું ! શિકારીએ એ હાથમાં ઝાલ્યું અને બીજી ક્ષણે એનું પ્રાણપંખેરું ઊડી ગયું. [આ વાર્તા લોસ ઍન્જલ્સથી પ્રગટ થતા સામાયિક ‘MANAS’ (Vol. XL. No. 52, December 30, 1987, પાન 2)માં પ્રગટ થઈ હતી, તે ટૂંકાવીને અહીં આપી છે. આ વાર્તાનો સાર છે : ‘સત્ય એ જ પરમેશ્વર’]

મહાત્મા ગાંધીએ જીવનભર સત્યની ઉપાસના કરી. ભારતની સંસ્કૃતિનું કાળજું એટલે सत्य. ગાંધીજીએ કહ્યું : ‘સત્ય એ જ પરમેશ્વર. ’ આ સૂત્રમાં વેદાંતનો સાર સમાયો છે. બૃહદારણ્યક ઉપનિષદ (અધ્યાય બીજો, પ્રથમ બ્રાહ્મણ, મંત્ર-20)માં ઋષિ કહે છે : ‘તસ્યોપનિષત સત્યસ્ય સત્યમ ઈતિ. ’ (ઉપનિષદ એટલે સત્યનું પણ સત્ય). આમ જે સત્યનું પણ સત્ય છે તે પરમ તત્વ કે પરમેશ્વર છે. ગાંધીજીનું સૂત્ર ‘સત્ય એ જ પરમેશ્વર’ પણ ઉપનિષદીય પરંપરાના પુણ્યફળ તરીકે આપણને મળ્યું છે.

માણસ ગમે તેટલો મહાન હોય તોય તેની પહોંચમાં પરમ સત્ય કે પૂર્ણ સત્ય (એબ્સોલ્યુટ ટ્રુથ) કદી પણ આવતું નથી. આ બાબતે ગાંધીજી પણ અપવાદ ન હોઈ શકે, કારણ કે તેઓ મહાત્મા હતા તોય માણસ હતા. જીવનને અંતે સત્ય નામના શ્વેત પંખીનું ખરી પડેલું એક પીંછું પણ પ્રાપ્ત થાય તો માનવીનું જીવન ધન્ય છે. જીવનની અંતિમ ક્ષણે જ્યારે બાપુ ગોળીથી વીંધાઈ ગયા, ત્યારે સત્યના શ્વેત પંખીનું એક પીંછું કદાચ એમની છાતી પર પણ પડ્યું હશે ! એ આખરી ક્ષણે એમના મુખમાંથી શબ્દો સરી પડ્યા : ‘હે રામ !’

***