"અવની,બસ બેટા હવે રડીશ નહિ.મોઢું ધોઈ ને નીચે આવી જા..તારા પપ્પા તને રડતા જોશે તો વધારે અકડાશે"પાયલ બેન દાદર ના છેડે ઉભા રહી બોલતા બોલતા રસોડા માં જતા રહ્યા.
અવની નો BA સુધી નો અભ્યાસ પૂરો થઈ ગયો હતો અને એની ઈચ્છા આગળ MA કરવાની હતી.પણ કાંતિ ભાઈએ ઘસી ને ના પાડી દીધી..અને એના કારણે જ અવની રૂમ માં આંસુ સારી રહી હતી..ના પડવાનું કારણ આર્થિક નબળાઈ તો ન જ હતું..ખરુ કારણ તો અવની એક છોકરી છે એ હતું..
અવની ના જન્મથી જ અવની જાણે થોડી અળખામણી લાગતી કાંતિ ભાઈ ને..કારણ એટલું જ કે અવની ના જન્મ સમયે કાંતિ ભાઈ પુત્ર આવશે એની રાહ જોઇને બેઠા હતા.પણ પુત્રી નો જન્મ થયો એટલે જાણે એમને કંઇક ખટક્યું..2 જ વર્ષ માં ફરી પાયલ બેન ને સારા દિવસો રહ્યા અને આદિ નો જન્મ થયો..આદિ ના જન્મ સમયે કાંતિ ભાઈ હરખઘેલા થઈ ગયેલા..આખરે એમની પુત્રઘેલછા પુરી થઈ હતી.
અવની અને આદિ માં કાંતિ ભાઈ હંમેશા પક્ષપાતી રહ્યા..નાનપણ માં અપાવેલી ચોકલેટ થી માંડી કોલેજ ની પોકેટ મની સુધી અવની બસ જતું જ કરતી આવી હતી.શરૂઆત માં પપ્પા ના આવા વર્તન થી એ રિસાઈ જતી.અને પાયલ બેન એને આદિ નાનો છે ને હજી એટલે પપ્પા એનું વધારે ધ્યાન રાખે છે એમ કહી ને સમજાવી લેતા.પણ જેમ જેમ અવની મોટી થતી ગઈ એમ એમ એની સમજણ વધતી ગયી.હવે એને પપ્પા ના આવા વર્તન થી ખોટું લાગતું નહોતું..સીધી ભાષા માં કહીયે તો એ હવે ટેવાઈ ગયી હતી.એ કાંતિભાઈ ના પક્ષપાતી વલણ અને એ વલણ પાછળ નું કારણ બન્ને ને બરાબર સમજી ગયી હતી.છતાં પણ ફરિયાદ નો એક શબ્દ પણ એ એના મુખ માંથી ઉચ્ચારતી નહિ..
અવની મોઢું ધોઈ નીચે આવી સીધી રસોડા માં પાયલ બેન ને મદદ કરાવવા ચાલી ગયી..અવની રોટલી બનાવતી હતી અને પાયલ બેન કાંતિ ભાઈ અને આદિ માટે થાળી પીરસી રહ્યા હતા.હજી પાયલ બેન અવની નર સાંત્વના આપતા હતા.અવની ને એની માતા થી વિશેષ કોઈ સમજી શકે એમ નહોતું..અવની ના હાસ્ય પાછળ છુપાયેલા આંસુ પાયલ બેન પારખી શકતા હતા..અવની બધું મૂંગા મોઢે સાંભળી રહી હતી.એવાં માં જ કાંતિભાઈ રસોડા માં આવ્યા એટલે પાયલ બેને વાત ત્યાં જ પડતી મૂકી ચૂપચાપ કાંતિભાઈ ને જમવાનું પીરસવા માંડ્યું.
"આદિ ક્યાં છે ?એને જમવાનું નથી" કાંતિભાઈ બોલ્યા.
પાયલ બેને રસોડા માંથી જ બૂમ પાડી
"આદિ,કેટલી વાર છે? ચાલ જમવા"
"મમ્મી કોલેજ માં નાસ્તો કર્યો હતો એટલે ભૂખ નથી મારે નથી જમવું".આદિ એ રૂમ માંથી જ વળતો જવાબ આપ્યો.
"આ છોકરો કાયમ મારુ જમવાનું બગાડે."પાયલ બેન બબડયા.
"કોલેજ માં હોય તો નાસ્તાપાણી ચાલ્યા કરે એમાં આમ મોઢું શુ બગાડવાનું" કાંતિભાઈ પાયલ બેન ના બગડેલા મોઢા સામું જોઈ બોલ્યા.
કાંતિ ભાઈ જમી રહ્યા એટલે પાયલ બેન અને અવની જમવા બેઠા.પાણી પીતા પીતાં કાંતિભાઈએ કહ્યું
"કાલે વિરાટ ભાઈ એમના છોકરા જય માટે અવની ને જોવા આવવાના છે."
હાથ માં લીધેલો કોળિયો અવની ને ગળે ન ઉતર્યો.એની ઉંમર 20 વર્ષ ની...હજી ભણવાની અનેક ચાહનાઓ હતી એને..પણ આજ સુધી કાંઈ જ ન બોલેલી અવની આજે પણ કંઈ ન બોલી શકી.એ ચૂપચાપ થાળી માં પીરસેલું જમવાનું જેમતેમ કરી ને પતાવી પોતાના રૂમ માં ચાલી ગઈ..એ આખી રાત અવની રડતી રહી..પણ સવાર સુધી માં એ પોતાની જાત ને લગ્ન માટે તૈયાર કરી ચુકી હતી.આગળ ભણવાના સપના એને આગલી રાતે વ્હાવેલા આંસુ સાથે વહી ગયા હતા.
વિરાટ ભાઈ એમના દીકરા જય સાથે કાંતિભાઈ ના ઘરે પહોંચી ગયા..જય ની માતા થોડા વર્ષો પહેલા એક કાર એક્સિડન્ટ માં મૃત્યુ પામ્યા હતા..ઘર માં બાપ દીકરો બે જ.વિરાટ ભાઈ નો પોતાનો રિયલ એસ્ટેટ નો બિઝનેસ જે આજકાલ જય જ સંભાળતો હતો.જય ને તો એક જ નજર માં અવની ગમી ગયી.વિરાટ ભાઈ ઘણા વર્ષો થી કાંતિભાઈ ને ઓળખતા એટલે એમને તો બસ દીકરા જય ના જવાબ ની જ રાહ હતી..અવની પોતાના પિતા નો સ્વભાવ જાણતી હતી એટલે એન સમગ્ર બાબત તેના માતા પિતા પર છોડી દીધી..બધા ને બધું અનુકૂળ આવતા અવની અને જય ના ઘડિયા લગ્ન લેવાય ગયા..બન્ને ને એકબીજા ને જાણવા સમજવાનો પણ કંઈ ખાસ સમય મળે એ પહેલાં તો લગ્ન થઈ ગયા..કોઈ પણ જાત ના ઠાઠ ઠઠ્ઠા વગર કાંતિ ભાઈએ સાદાઈ થી જ અવની ને પરણાવી દીધી.
પરણી ને સાસરે ગયેલી અવની પોતાના સ્વભાવ થી સાસરિયા માં હરકોઈ નું મન જીતી રહી હતી..વિરાટ ભાઈ એને સગી દીકરી ની જેમ જ રાખતા..અને જય તો એની ખૂબ કાળજી રાખતો.અવની ના દિવસો સુખમય વીતી રહ્યા હતા.
આદિ ભણવા અર્થે વિદેશ જવા માંગતો હતો.કાંતિભાઈ આદિ નો પડતો બોલ ઝીલતા એટલે એમને આદિ ની આ જીદ પણ પુરી કરી આપી..એમને આદિ ને આગળ અભ્યાસ અર્થે ન્યુઝિલેન્ડ મોકલી આપ્યો.શરૂ શરૂ માં આદિ કાંતિ ભાઈ ને રોજ ફોન કરતો પણ ધીમે ધીમે વ્યસ્તતા ના બહાને ફોન ઓછા થતા ગયા.આ બાજુ અવની રોજ એની માતા ને ફોન કરી એના પિતા અને માતા અંગે ખબર અંતર પૂછી લેતી..પિતા સાથે બીક ના કારણે ખાસ વાત ન કરી શકતી એ...
સમય વીતતો ગયો.આદિ અભ્યાસ પૂર્ણ કરી પરત ફર્યો હતો..પરત આવતા ની સાથે જ આદિ એ પોતે લગ્ન કરી લીધા છે એવો એક મોટો ઘટસ્ફોટ કર્યો.બીજા જ દિવસે એ ચાંદની ને ઘરે લઈ આવ્યો અને પરિવાર માં સૌ સાથે એને પરિચિત કરાવી. થોડા સમય બન્ને પાયલ બેન અને કાંતિ ભાઈ સાથે રહ્યા.પણ પછી આદિ એ ન્યૂસિલેન્ડ પરત ફરવાની વાત કરી..પુત્રઘેલા કાંતિભાઈ પોતાના મન અને પાયલ બેન ને સાંત્વના આપી રહ્યા હતા.
"એને કરેલા અભ્યાસ નું ઇન્ડિયા માં કઈ મહત્વ નથી એટલે એ ત્યાં ન્યૂઝીલેન્ડ રહે તો એને આવક ની વધારે સારી તક મળે એમ છે..વહુ દીકરો ન્યુઝિલેન્ડ જાય તો ભવિષ્ય માં આપણે પણ ત્યાં જઈ શકીશું."
આદિ અને ચાંદની ન્યુઝિલેન્ડ ચાલ્યા ગયા.કાંતિ ભાઈ અને પાયલ બેન અહીંયા એકલા રહેતા..ક્યારેક અવની એમને મળવા આવતી પણ એ વિરાટ ભાઈ અને જય ના ખાવાપીવાનું ખૂબ ધ્યાન રાખતી એટલે રોકાતી નહિ.
એક રાતે કાંતિ ભાઈ અને પાયલ બેન પોતાના ઘરસંસાર ની..અવની ની..આદિ ની વાતો કરતા કરતા સુઈ ગયા..પાયલ બેન એ રાતે સુતા તે સુતા બીજા દિવસે સવારે ઉઠ્યા જ નહીં..કાંતિ ભાઈ એ તરત ડોકટર ને જાણ કરી .ડોકટર તરત આવી ગયા એમને પાયલ બેન નો નાડી જોઈ પાયલ બેન ને ઊંઘ માં જ હ્ર્દય રોગ નો હુમલો આવ્યો અને એમાં જ એમના મૃત્યુ ના સમાચાર આપ્યા..
કાંતિ ભાઈ એ તરત આદિ અને અવની ને ફોન કરી બોલાવી લીધા.અવની નજીક જ હતી એટલે તરત જ પહોંચી ગયી.એની આંખ માં આંસુ સુકાતું નહોતું.પોતાના સુખ દુઃખ ની બધી વાતો એ એની માતા ને કહેતી હતી..અવની નો તો જાણે રડવાનો ખૂણો ચાલ્યો ગયો..જય અવની ને સાંત્વના આપતો એની જોડે જ બેસી રહેતો.
2 દિવસ પાયલ બેન ના પાર્થિવ શરીર ને કોલ્ડસ્ટોરેજ માં રખાયો.3જા દિવસે આદિ અને ચાંદની ઇન્ડિયા આવ્યા પછી પાયલ બેન ની અંતિમસંસ્કાર વિધિ કરવામાં આવી.આદિ ને પાયલ બેન ના અવસાન નું દુઃખ શરૂ ના 2 દિવસ લાગ્યું પણ પછી એ પહેલાં જેવો જ સ્વસ્થ થઈ ગયો.એને એની માતા ન હોવાનો ખાસ કંઈ આઘાત નહોતું..જાણે બસ 12 દિવસ સાથે રહેવાખાતર રહી રહેલા આદિ ના મનોભાવ કાંતિ ભાઈ પણ સમજી ગયા હતા.12માં દિવસે દહાડા ની વિધિ પતી.બધા સ્વજનો પોતપોતાના ઘરે ચાલ્યા ગયા.આદિ કાંતિ ભાઈ પાસે આવી ને બોલવા ખાતર બોલ્યો.
"પપ્પા અમેં ન્યુઝિલેન્ડ પરત ફરી રહ્યા છે..સાંજે અમારી ફ્લાઇટ છે..હું પૈસા મોકલાવતો રહીશ એટલે અહીંયા તમારું ગુજરાન સરળતાથી ચાલી જશે"
કાંતિ ભાઈ ને તો જાણે ડૂમો ભરાઈ ગયો..એમને તો પુત્ર આદિ કાંતિ ભાઈ ને પોતાની સાથે ન્યુઝિલેન્ડ લઈ જશે અને પોતાના પિતા નું ધ્યાન રાખશે એવી અપેક્ષા હતી.કાંતિ ભાઈ ને હાલ આદિ ના પૈસા ની નહિ પણ પરિવાર ની હૂંફ ની જરૂર હતી.કાંતિ ભાઈ ની તબિયત હવે કાંઈ ખાસ સારી નહોતી રહેતી એવાંમાં અહીંયા એકલા રહેવાનું એમના માટે શકય જ નહોતું.પણ પુત્ર ની આગળ એક શબ્દ પણ ન બોલી શક્યા એ.આદિ અને ચાંદની પોતાનો સામાન સમેંટવા એમના રૂમ માં ચાલ્યા ગયા.
કાંતિ ભાઈ પોતાના રૂમ માં આવી સામે ની દીવાલ પર લટકાવેલા પાયલ બેન ને ફોટા સામું જોઈ રહ્યા..એમના થી રડી પડયું..જ્યારે જીવનસાથી સાથ છોડી ને ચાલ્યો જાય ત્યારે માણસ ખૂબ જ એકલો થઈ જાય છે એ એમને અનુભવ્યું.એ ત્યાં જ ફોટા પાસે થળી પડ્યા.અને રડવા લાગ્યા.એમની એ અવદશા માં એમના માથે એક હાથ ફર્યો..લાગણી થી છલોછલ એ હાથ તરફ ઊંચું મોઢું કરી ને જોયું તો સામે અવની ઉભી હતી.
"પપ્પા.તમારા કપડાં...તમારી દવા..તમારા મનગમતા પુસ્તકો..પેલી બારી એ પડેલી તમારી લાકડી અને આ તમારું મનગમતું ઘડિયાળ ..એ બધું મેં તમારા સામાન સાથે પેક કરી દીધું છે.અને એ સિવાય તમારી પેલી આરામખુરસી પણ ગાડી માં મુકાવી દીધી છે કાઈ બાકી રહેતું હોય તો બોલો હું એ પણ મુકાવી દઉં"
કાંતિભાઈ ઘડીભર તો અવની શું બોલી રહી છે એ સમજી જ ન શક્યા..એમને પૂછી જ લીધું
"મારી વસ્તુઓને લઈ ક્યાં જવાની છે તો તે પેક કરી દીધી છે"
"ખાલી તમારી વસ્તુઓને જ નહીં પપ્પા તમને પણ લઇ જવાના છે...અમારા ઘરે..હવે થી તમે અમારી સાથે અમારા ઘરે રહેશો."
પાછળ ઉભેલા જય એ જવાબ આપ્યો.
"મમ્મી ના ગયા બાદ હું તમને એકલા ન મૂકી શકું પપ્પા..તમારી તબિયત પણ હવે સારી નથી રહેતી..એવાં માં તમને એકલા મુકવાનો મારો જીવ ન ચાલે..એટલે મેં અને જયે તમને અમારી સાથે અમારા ઘરે લઈ જવાનો નિર્ણય કર્યો છે"
કાંતિ ભાઈ કાંઈ બોલે એ પહેલાં જ અવની બોલી ઉઠી..
"અત્યાર સુધી તમારા બધા નિર્ણય મેં કાંઈ જ આનાકાની વગર માન્યા છે એટલે તમારે પણ અમારા આ નિર્ણય ને માન્ય રાખવો જ પડશે"
કાંતિ ભાઈ અવની સાથે જવા તૈયાર થઈ ગયા.
બધું ગાડી માં મુકાઈ ગયું હતું એટલે અવની એ કાંતિ ભાઈ ના ગાડી માં બેસી જવા કહ્યું..કંઇક રહી ગયું છે એમ કહી કાંતિ ભાઈ પોતાના રૂમ માં આવી પાયલ બેન ના ફોટા સામે ઊભા રહી ગયા .એમને પાયલ બેન ના મૃત્યુ ના આગલા દિવસ ની એમની અને પાયલ બેન ની વાતો યાદ આવી.દીકરા આદિ અને દીકરી અવની ની વાતો કરતા કરતા લગભગ બન્ને લડી જ પડ્યા હતા.
"અવની નાનપણ થી લઈને અત્યાર સુધી બસ તમારા પક્ષપાત જ સહન કરતી આવી છે.તમારા આવા વલણ થી જ એ હંમેશા તમારા થી ડરતી રહે છે.
અને આદિ ને તમે પુત્રઘેલછા માં જરૂર કરતાં વધારે જ છૂટ આપી દીધી છે...તમારી આ પુત્રઘેલછા પર એક દિવસ તમને ચોક્કસ પસ્તાવો થશે.."
બસ આટલું કહી પાયલ બેન સુઈ ગય તે સુઈ જ ગયા.
કાંતિ ભાઈ પાયલ બેન ના ફોટા સામે માફી માંગી રહ્યા હતા.
"મારી પુત્રઘેલછા માં અવની ને કરેલા અત્યાર સુધી ના અન્યાય બદલ હું દિલગીર છું.અત્યાર સુધી રાખેલી પુત્રઘેલછા બદલ હું અવની નો હંમેશા અપરાધી રહીશ..તું તો દીકરી ની માઁ બની ને જ ગયી હવે હું મારી જિંદગી ના બચેલા દિવસો બસ અવની નો બાપ બની ને જ રહીશ.એ મારું પાક્કું વચન છે.અને એની સાક્ષી બીજું કોઈ નહિ તું ખુદ હોઇશ"
એટલું બોલી દીવાલ પર લટકાવેલા પાયલ બેન ના ફોટા ને ઉતારી પોતાની સાથે લઇ જઇ એ બહાર ઉભેલી ગાડી માં અવની સાથે બેસી ગયા.