“કલ્યાણી”
સૂરજના આછા-આછા કિરણો વાદળોને ચીરીને જમીન તપાવવા વલખા મારી રહ્યા હતાં.શિયાળો ફૂલ ગુલાબી થઇ બેઠો હતો.ગામમાં સવારથી હલચલ ચાલુ થઇ ગઈ હતી.લોકો પોત-પોતાના ઢોરને બુચકારી ખેતર તરફ લઇ જઈ રહ્યા હતાં. બીજી બાજુ ગામની બાઈઓ ડેરી આગળ લાઈનમાં ઉભી-ઉભી વાતો કરે જતી હતી. ગામના સરપંચ રોજની જેમ આજે પણ પાછળ હાથ બાંધી ગામમાં આંટો મારી રહ્યા હતા. ગામના છોકરાઓ આંખો ચોળતા, ઉદાસ મોઢે સ્કુલ તરફ દોડી રહ્યા હતા.
સૂરજના કિરણોને સીધા આંખો પર લઇ રહેલા નાગજીભાને જોઈ સરપંચ તેમના દસ ફૂટ પહોળા લીંપણ કરેલા આંગણામાં પ્રવેશ્યાં. આંગણામાં બાંધેલી ભેંસો પોતે જ મુકેલા પોદળા પર આરામ ફરમાવી રહી હતી. નાગજીભાની બે રૂમ અને એક રસોડાની ડેલી, ગામની પશ્ચિમ દિશામાં ખૂણામાં હતી.
“કેમ બાપુ?” સરપંચે હુંકારો કરી ખાટલા પર બેઠક લીધી.
“આવોને સરપંચ...” નાગજીભાએ પોતાને ઓઢેલી સાલ થોડી સંકોડી અને સરપંચને બેસવા વધારે જગ્યા કરી આપી.
“શું હાલ-ચાલ? કાઈ નવા જૂની?”સરપંચે નાગજીભાના હાથમાંની ચલમ માંગતા કહ્યું.
“બસ...આ ભેંસે હમણાં જ પોદળો મુક્યો” નાગજીભાએ હસતા-હસતા કહ્યું અને ચલમ તેમના તરફ લંબાવી. એટલામાં જ ‘પાડુ’ બરાડ્યું. નાગજીભાએ ગળામાંથી ગળફો કાઢ્યો અને બુમ પાડી “વહુ....ઓ કલ્યાણી વહુ. આ પાડાને કંઇક આપો”
લગભગ બીજી જ સેકન્ડે ઘરની ડેલીમાંથી રૂપ-રૂપનો અંબાર એવી અપ્સરા બહાર આવી. નાના-નાના કાચથી ભરતકામ કરેલ ભારે ચણિયો અને ઉપર એનાથી થોડું જ વજનમાં હલકું એવું બ્લાઉઝ પહેરેલી એ આંગણામાં આવી. રણની રેતી પર કિરણો પડવાથી આવતી ચમકની જેમ તેનું ખુલ્લું પેટ ચમકી રહ્યું હતું. લગભગ અડધું નાક ઢંકાય તેટલી મોટી તેની નથડી હતી.અડધો હાથ ઢંકાય એવા કડલા હતાં. બસ ખૂટતું હતુ, તો તેની માંગમાં સિંદુર!!
કલ્યાણી દોડતી પાડા પાસે ગઈ અને ચારો નાખ્યો. કલ્યાણીને જોઇને સાઈઠ વર્ષના સરપંચની આંખો પણ પલકારો મારવાનું ચુકી ગઈ.
“બાપુ...ચા લાવુ?” પોતાના મોતી જેવા દાંત હલાવતી તે બોલી.
“હા..લાવો. પણ એ પહેલા શરીર પર કાંઈક સાલ બીજી નાખો. ઠંડી બહુ છે બેટા” નાગજીભાએ થોડા ગુસ્સામાં અને થોડી નારાજગીથી એક તીરે બે નિશાન સાધતા કહ્યું.
“હા..બાપુ” કહી તે દરવાજા ભણી થઇ. નાગજીભાએ નજર સરપંચ તરફ વાળી.
“અલ્યા..નાગજી. હવે તું કોની રાહ જોવે છે? હવે આને પરણાવી દે ને?” સરપંચે ચલમમાંથી ધુમાડો છોડતા કહ્યું.
“અરે સરપંચ, હું તો કહી-કહીને થાક્યો. જ્યારે જ્યારે કહું ત્યારે એક જ જવાબ આપે છે કે બીજા લગ્ન કરું તો મારું કુળ લાજે” નાગજીભાએ માથા પરથી ફાળિયું ઉતારતા કહ્યું.
“અરે પણ એને એક વાત સમજાવી દે કે હવે તેનો પતિ રમલો પાછો નથી આવવાનો” સરપંચે ચલમ નાગજીભા તરફ લંબાવતા કહ્યું.
“આમેય...મુઆને બહુ દારૂ પીવાનો શોખ હતો” નાગજીભા આગ ભભૂકતા હોય તેમ બોલ્યા.
“જો નાગજી .....જે થઇ ગયું તે થઇ ગયું. આપણે હવે શહેરવાળાઓની જેમ આગળ વધતા શીખવું પડશે” સરપંચે વાત સમજાવતા કહ્યું.
“અલ્યા પણ હું ક્યાં એને ના પાડુ છું. મેં તો હમણાં અઠવાડિયા પહેલા પણ પેલા ભદુડાનાં લગનમાં બે છોકરા બતાવ્યા હતાં.પણ એની તો એક જ હઠ છે કે મારે તમારા ઘરમાં જ રહેવાનું છે. ભગવાન કોઈને આટલી સારી વહુ ક્યારેય ન આપે!!” નાગજીભાની આંખોના ખૂણામાં પાણી ભરાઈ રહ્યું હતું. સરપંચ સમજી ગયા, એટલે તરત જ ઉભા થયા અને બોલ્યા “ચાલ નાગજી...હું નીકળું છું. મારે રાજુડાનાં છોકરાઓને સ્કુલે પહોચતાં કરવાના છે” અને સરપંચ હાથ જોડી ચાલતા થયા. કલ્યાણીની વાતમાં નાગજીભા ચાની વાત ભૂલી ગયા અને સામે હાથ જોડયા અને ફાળીયાથી આંખનો ખૂણો લૂછ્યો.
થોડીવાર પછી કલ્યાણી બે વાટકા ભરી ચા લઇ આવી.
“સરપંચ...જતા રહ્યા બાપુ?” કલ્યાણીએ ચા નો વાટકો નીચે મૂકતા પૂછ્યું.
“હા..બેટા. એ તો જતો રહ્યો. મારો રમલો પણ જતો રહ્યો, મારી બૈરી પણ જતી રહી. પણ તું કોની રાહ જુએ છે?” નાગજીભા એ ફરીથી વાત નીકાળતા કહ્યું.
“હું ક્યાંય જવાની નથી. તમ-તમારે ગમે તેટલી વાર મને કહો. બાપુ...તમે મારા બાપા જ છો. ભલે હું તમારી દીકરાની વહુ છું, પણ છું તમારી દીકરી જેવી જ ને? કોઈ પોતાની દીકરીને પોતાનાથી દૂર કેવી રીતે કરે?” હોશિયાર કલ્યાણી ખાટલા પરથી વધારાના ગોદડા સંકેલતા બોલી.
“અરે...બેટા. કેમ લોહી પીવે છે?” નાગજીભા કંટાળીને બોલ્યા.
“ચાલો તમે પહેલા ચા પીવો” તે બોલી અને ઘરમાં ચાલી. ઘરમાં સામે જ તેના પતિનો મઢાવેલ ફોટો હાર સાથે લટકાવેલ હતો. તે ધારી-ધારીને જોઈ રહી હતી અને તેની હિમ્મત તૂટી. તે રડવા લાગી.
“શું કામ? શું કામ તમે મને છોડીને ચાલ્યા ગયા?” તે ડુસકા ભરતી-ભરતી બોલી. બાજુમાં જ અરીસામાં તેણે પોતાનું મોઢું જોયું અને તરત જ આંખો લુછી દીધી.
“બેટા..ખેતરે જાઉં છું, બપોરે જમવાનું લઈને આવી જજો” નાગજીભા બહારથી બરાડ્યા અને જોડા પહેરી ખેતર તરફ ચાલ્યા. કલ્યાણી કામમાં મંડાણી.
***
બપોરના બાર વાગ્યા હતા. કલ્યાણીએ તેના સસરા માટે સરસ ‘ભાથુ’ તૈયાર કર્યું હતું. આજે તેણે તેના સસરાનું પ્રિય એવું ‘રોટલાનું ચુરમુ’ બનાવ્યું હતું. કલ્યાણીએ રોજની જેમ બાજુના ઘર આગળ જઈ “રાણી....એ રાણી”ની બુમ પાડી. બાજુના ઘરમાંથી અઠ્યાવીસ વર્ષની રાણી બહાર આવી અને બોલી “કલ્યાણી આજે તું જા. મારા ‘એ’ આજે ઘરે જમવા આવ્યા છે” તે ધીરુ-ધીરુ મલકાઈ. કલ્યાણી હસી અને કહ્યું “ભલે...” તેણે ખેતરની વાટ પકડી.
નાગજીભાનું ખેતર ગામની હદે, છેલ્લે હતું. અને તે પણ લગભગ ત્રણેક કિલોમીટર દૂર!! ગામના વ્હોળાબાજુથી પાછળના મારગ પર કલ્યાણી ચઢી. રસ્તો એકદમ સુમસામ હતો. આમ તો ભડવીરની દીકરી કલ્યાણી ભલભલાને પાણી પાઈ દે, પણ તેને જો કોઇથી બીક લાગતી તો કુતરાથી!! થોરથી બે બાજુ વાડ અને વચ્ચે ગાડા મારગ. શિયાળો હોવાથી ચાલવામાં થોડી મજા હતી, બાકી ઉનાળામાં તો આટલું ચાલતા આંટા આવી જાય. કલ્યાણીએ લગભગ અડધો મારગ કાપ્યો હતો ને રસ્તામાં તેણે મોટરસાયકલ પર બેઠેલા ચાર-પાંચ યુવાન જોયા. કલ્યાણીએ એક હાથથી છાતી પરની ઓઢણી સરખી કરી દાંત વચ્ચે નાંખી અને મારગના બીજા ખૂણા પર ચાલવા લાગી.
આ યુવાનો કલ્યાણીનાં ગામના નહોતા. તેમણે કલ્યાણીને જોઈ નથી ને તેમની આંખો પહોળી થઇ નથી!! કલ્યાણીએ નીચું જોઈને એક ખૂણો પકડી રાખ્યો. જેમ જેમ કલ્યાણી નજીક પહોચતી ગઈ, પેલા યુવાનો મોટરસાયકલ પરથી ઉભા થઇ રસ્તા વચ્ચે આવવા લાગ્યાં. તેમણે તેમની વાતો બંધ કરી અને કલ્યાણીને જોવામાં જ ધ્યાન પરોવ્યું. પાંચમાંથી એકે પગ આગળ વધારવાનો પ્રયત્ન કર્યો અને બીજાએ પાછળથી તેને જકડ્યો અને કહ્યું “વીરા...આપણાથી આ ન થાય!!”. પેલો પાછો પડ્યો. બધાને થોડી શરમ અનુભવાઈ. કલ્યાણીએ તેમને વટાવ્યા અને હાશ અનુભવી. આજે પહેલીવાર તેને એકલતાનો પણ ડર લાગ્યો હતો. પેલા યુવાનો હજુ પાછળથી કલ્યાણીને જોયે જ જતા હતાં.
આજે કલ્યાણી ખેતરે ઝડપી પહોંચી. તે પાછળ આંખો કરતી-કરતી આવી હતી. તેણે આવીને બોરે જઈને મોઢું ધોયું અને બાપુ માટે જમવાનું થાળીમાં પીરસ્યું. ચુરમું જોઇને નાગજીભા તો રાજીના રેડ થઇ ગયાં અને મોઢામાં કોળીયો મુકતાની સાથે જ બોલ્યા “બરાબર...રમલાની માના હાથનો સ્વાદ” કલ્યાણી મલકાઈ. નાગજીભા એ ધરાઈને ખાધું.
“આજે ખેતરે મારે કામ ઓછું થશે” નાગજીભા બોલ્યા અને લોટો મોઢે લગાવ્યો. કલ્યાણી ખાલી વાસણો લઇ બોર તરફ ચાલી.
“બાપુ...હું નીકળું છું” કલ્યાણીએ વાસણ રૂમાલમાં બાંધતા કહ્યું.
“કેમ આટલી જલ્દી? પેલી રાણીને આવવા તો દે? ભારથીને હજુ જમતા વાર થશે” નાગજીભા બોલ્યા.
“બાપુ...આજે રાણી નથી આવી. હું એકલી જ આવી છું” કલ્યાણીએ ધીરેથી કહ્યું.
“અરે બેટા...મેં તને કેટલી વાર ના પાડી છે કે તારે એકલીએ ક્યારેય ખેતર ન આવવું. આપણા ગામની અને બાજુના ગામની હદ પર આપણું ખેતર છે. આપણા ગામના લોકો પર તો મને ભરોસો છે, પણ બાજુવાળા પર નહિ. એક કામ કર...તું થોડીવાર બેસ, પછી હું તને ઘરે મુકવા આવું છું” નાગજીભાએ વિચારીને કહ્યું.
“અરે ...ના..ના..બાપુ. એવુ કરવાની જરૂર નથી. હું મારી જાતે જ પહોંચી જઈશ” કલ્યાણીએ રૂમાલ માથે મુક્યો અને બોલી.
“પણ બેટા તું સમજ કે...” નાગજીભા બોલતા હતા અને એટલામાં કલ્યાણી ઉભી થઇ બોલી
“બાપુ..હું આજકાલના ઢેફા જેવા યુવાનોથી થોડી ડરું એમ છું? હું ભડવીરની દીકરી છું. મારા બાપુએ મને તલવારબાજી પણ શીખવી છે”. નાગજીભા થોડા મલકાયા. તેમને દીકરો ખોવાનો કોઈ વસવસો નહોતો.
“સારૂ જા ભાઈ....જા” નાગજીભાએ હાથ લંબાવીને ઈશારો કર્યો.
કલ્યાણી તેના સાઈઠ વર્ષના સસરાને કોઈ તકલીફ આપવા માંગતી નહોતી. તેણે ઘરની વાટ પકડી. તેને મનમાં પેલા યુવાનો વિશે વિચાર આવ્યો, પણ પછી એમ થયું કે ‘કલાક થઇ ગયો છે, એટલે એ તો જતા જ રહ્યા હશે’. કલ્યાણી આજે સાવચેત થઈને ચાલી રહી હતી. ભરબપોરનો ત્રણ કિલોમીટરનો મારગ ત્રણસો કિલોમીટર લાંબો લાગી રહ્યો હતો. કલ્યાણીએ અડધો મારગ કાપ્યો અને આવતી વખત જ્યાં પેલા યુવાનો ઉભા હતી ત્યાં પહોચી. કોઈ દેખાયું નહિ, આજુબાજુ માત્ર ભેંસો જ હતી. કલ્યાણીએ હાશ અનુભવી.
પોતાના પતિ સાથેની આ જ મારગ પરની વાતોમાં તે ખોવાયેલી હતી અને અચાનક સામેથી બે મોટરસાયકલ આવતી દેખાઈ. થોડી નજીક આવી એટલે ખબર પડી કે આ તો એજ યુવાનો!! પણ આ વખતે એક ઓછો હતો. જેણે પેલા યુવાનને આગળ વધતા રોક્યો હતો, તે આમાં નહોતો.
કલ્યાણી ફફડી ઉઠી. તેણે ફરીથી ખૂણો પકડ્યો અને છાતી પરનું ઓઢણું મોઢામાં નાખ્યું. પેલા ચારે મોટરસાયકલ રસ્તા વચ્ચે ઉભી રાખી. કલ્યાણી તેમની નજીક પહોંચી.
“ઓહો...શું રૂપ છે?” કાનમાં મોટા બુટા પહેરેલા અને ખેતરમાંથી હમણાં જ ચારો ઉપાડીને આવેલા ભૂત જેવા લાગતા એકે કહ્યું.
“હા..ભાઈ. આપણા ગામમાં આવું કોઈ નહિ હો?”બીજા મોટરસાયકલ પરથી એકે કહ્યું.
“અરે...હાવ હાચી વાત..” બીજો સાથીદાર પણ બોલ્યો.
કલ્યાણીએ તેમને વટાવ્યા. પેલા ચાર તેની પાછળ ચાલવા લાગ્યા. કલ્યાણીને ફાળ પડી પણ તે ડરી નહિ. એ થોડું ફટાફટ ચાલવા લાગી. અચાનક જ આગળથી બે કુતરા આવતા જોયા. કલ્યાણી ધીમી પડી.
“અલ્યા..કાંઇક કરો” કાનમાં મોટા બુટાવાળાએ ધીરેથી કહ્યું અને ચારમાંથી બે જણ દોડીને કલ્યાણીની આગળ ચાલવા લાગ્યા. કલ્યાણીએ હજુ તેની વાટ જ પકડી રાખી હતી. તે સામેથી આવતા કુતરા તરફ જ જોઈ રહી હતી. ક્યારે એ કુતરા જાય અને ક્યારે તે દોટ મુકે!! એટલામાં જ મોટા બુટાવાળાએ પાછળથી કલ્યાણીનાં ખભા પર હાથ મુક્યો અને કલ્યાણી “ઓય...” બરાડતી પાછળ ફરી. લગભગ બધા જ ચમક્યા.
“બાયલાઓ...તમને શરમ નથી આવતી? એકલી છોકરીને હેરાન કરતા? ઘરમાં માં-બહેન નથી કે શું?” કલ્યાણી આટલું બોલી કે બીજાએ પાછળથી તેની કમર પકડીને તેને ઊંચકી લીધી. કલ્યાણીના માથા પરથી વાસણોનો રૂમાલ નીચે પડ્યો. બધા જ હસવા લાગ્યા. કલ્યાણીએ જોર-જોરથી પેલાના ખભા પર મુઠ્ઠીઓ મારવાનું ચાલુ કર્યું.
“અલ્યા...આ બાજુ લઇ લો એને” એકે ઈશારો કરી કહ્યું.
“ના ભાઈ ના..આજે તો મારગ માંજ” બુટા પેહેરેલાએ બરાડતા કહ્યું.
કલ્યાણી જોર-જોરથી બને તેટલા દમથી હાથ-પગ મારવા લાગી, પણ કોઈને કાઈ ફરક પડ્યો નહિ. એકે પાછળથી તેના હાથ જકડી રાખ્યા અને પેલો બુટા વાળો આગળની બાજુ આવ્યો. કલ્યાણી આગ ભભૂકતી હતી.
“એય...હરામી. તારી હિંમત હોય તો આંખોમાં આંખો પરોવીને આગળ આવ” કલ્યાણી વાઘણની જેમ બોલી. પેલાએ ઊંચું જોયું અને એટલામાં જ કલ્યાણીએ તેનો જમણો પગ વેજોળ્યો અને પેલાના બે પગ વચ્ચે માર્યો. બરાડ્યો...બરાબર તે બરાડ્યો. બે જણે તેને પકડ્યો. એક હાથની ઢીલ અનુભવતા જ કલ્યાણીએ ડાબા હાથ પકડી રહેલાને ઝાટકો મારી આગળની બાજુ માટી ભેગો કર્યો.
પાછળથી પકડી રહેલા બીજા માયકાંગલાને કલ્યાણીએ એક જ હાથે થોરમાં નાખ્યો. એય બરાડ્યો. થોરના કાંટા લગભગ તેના આખા શરીરે ભોંક્યા. તે જાણે થોરે ચોંટી ગયો હોય એમ જ પડ્યો રહ્યો. બીજા બે ઉભા થઇ તેની બાજુ આવે તે પહેલા જ કલ્યાણીએ પોતાના વાસણોવાળો રૂમાલ લપક્યો અને બેઉના મોઢા પર વેજોળ્યો. એય ધૂળ ખાતા થયા. કલ્યાણી મનમાં મલકાઈ. ફરીથી પેલા બે ઉભા થયા ને તેની તરફ આવવા લાગ્યા. કલ્યાણીએ બાજુમાં જ ઉભેલા થોરના કાંટાળા ડાળખા પર હાથ નાખ્યો. લોહી-લુહાણ હાથથી તેણે ડાળખી તોડી. પેલા બે પાણી-પાણી થઇ ગયા. મોટા બુટાવાળો હજુ માટીમાં જ બે પગ વચ્ચે હાથ દબાવી પડ્યો હતો અને બીજો એક થોરમાં જ. કલ્યાણીએ તોડેલી ડાળખી હાથમાં આવતા જ બેઉ જણને છાતી સરસી ચાંપી. બેઉ ફફડ્યા. બે પગ વચ્ચે હાથ દબાવતો નીચે પડેલો પેલો તેના ગામની સીમ તરફ જવા ઘસડાતો હતો. કલ્યાણી પાસે ગઈ અને નીચું નમીને બોલી “મેં એટલે જ તમને બાયલા કીધા હતા”. કલ્યાણી આગની જેમ સળગતી હતી. પેલાને ખુબ દર્દ થતું હતું, તે ઉપર પણ જોઈ નહોતો શકતો. કલ્યાણીએ થોર નીચે ફેંક્યો અને પોતાના વાસણો રૂમાલમાં બાંધી પોતાની વાટ પકડી. તેનો હાથ લોહીથી લથપથ હતો, છતાં તેને કાંઈ ફરક નહતો.
વીસેક મિનીટ પછી તે ઘરે પહોંચી અને પોતાના શરીર પરના ઘા ની મરમ્મત કરી.
સાંજે તેના બાપુ ઘરે આવતાની સાથે જ બહારથી બરાડ્યા.
“કલ્યાણી...ઓ કલ્યાણી”. કલ્યાણી તરત જ બહાર દોડી. કલ્યાણીને જોઇને તેમને હાશ થઇ.
“શું થયું બાપુ?” કલ્યાણીએ નાદાનિયતથી પૂછ્યું.
“અરે બેટા...આપણા ખેતરના રસ્તા પર ચાર ઘાયલ યુવાનો પડેલા હતા. આખું ગામ ત્યાં ભેગું થયેલું હતું. લોકો કહેતા હતા કે તેઓ બદમાશ હતા, બાજુના ગામના હતા. ગામની છોકરીઓને બહુ હેરાન કરતા હતા. એટલે મને થયું કે તારી સાથે તો એ લોકોએ કાંઈ....” તેઓ બોલતા અટક્યા.
“અરે બાપુ...મેં તમને કહ્યું હતું ને કે હું ભડવીરની દીકરી છું. મારી ચિંતા તમે છોડી દો હવે” આટલુ બોલી પાટો બાંધેલો હાથ ઓઢણીથી સંતાડી તે દરવાજા તરફ ચાલી. સામે જ દીવાલની પેલે પાર રાણી તેની સામે જોઇને મલકાણી. કલ્યાણી પણ આંખો મીંચીને હસી.
---અન્ય પાલનપુરી