Prem ke Pratishodh - 10 in Gujarati Fiction Stories by Vijay Shihora books and stories PDF | પ્રેમ કે પ્રતિશોધ - 10

Featured Books
Categories
Share

પ્રેમ કે પ્રતિશોધ - 10

પ્રેમ કે પ્રતિશોધ-10

(આગળના ભાગમાં તમે જોયું કે સુનિલ,વિકાસ અને નિખિલ વિકેન્ડમાં બહાર જવાનું પ્લાન બનાવે છે. રાધી સિવાય બધા જવા માટે તૈયાર થઈ જાય છે. વિનય રાધીને મનાવી લેશે એવું બધાને આશ્વાસન આપે છે.)

હવે આગળ........

રાધી કોલેજેથી ઘરે પહોંચી ત્યાં તો મોબાઈલમાં મેસેજની નોટિફિકેશન ટ્યુન વાગી રાધીએ સ્ક્રીન પર જોયું તો વિનયનો મેસેજ હતો કે ટાઈમ મળે ત્યારે મેસેજ કરજે.
રાધી કદાચ જાણતી હતી કે વિનય શા માટે મેસેજ કરવાનું કહી રહ્યો છે. એટલે તેણે ફોન પર્સમાં મૂકી સીધી પોતાના રૂમમાં ચાલી ગઈ.
રૂમમાં જઈ રાધીએ લગભગ અડધા કલાક સુધી પોતાના બેડ પર પડ્યા પડ્યા આંસુ સાર્યા હશે.
થોડીવાર પછી રાધીએ સ્વસ્થ થઈ પોતાનો મોબાઈલ પર્સમાંથી બહાર કાઢ્યો અને જોયું તો વિનયના લગભગ દસેક મેસેજ હતા.
ફોન હાથમાં લઈ વિચારતાં વિચારતાં તેણે વિનયનો નંબર ડાઈલ કર્યો.

વિનયે ફોન રિસીવ કરી રાધી કઈ બોલે તે પહેલાં જ કહ્યું,“કેટલા મેસેજ કર્યા યાર તને, કમ સે કમ રીપ્લાય તો આપી દેવાય?"
રાધીએ જવાબ આપતા કહ્યું,“એતો મોબાઈલ પર્સમાં જ રહી ગયો હતો એટલે, પણ વિનય જો તારે આ વિકેન્ડમાં બહાર જવાના પ્લાનને લઈને વાત કરવી હોય તો હું તને ચોખ્ખું કહી દવ કે હું આવવાની નથી!, અને પ્લીઝ હવે મને ફોર્સના કરજે."
“અરે પણ મેં ક્યાં એ વાત જ ઉચ્ચારી છે."
“ના મને ખબર છે કે તે એટલે જ મેસેજ કરેલો અને તારે એજ વાત કરવી હશે."
“એવી કોઈ વાત નથી કરવી."વિનયને પણ ખબર હતી કે રાધીને મનાવવી એટલી સરળ નથી.

“વિનય, હું તને ઓળખું છું. તું આમતેમ વાતો ફેરવીને છેલ્લે ત્યાં જ આવીને અટકીશ"
“હા, બસ એજ તો તકલીફ છે."
“કઈ?"
“કે તું મને ઓળખે છે પણ સમજતી નથી"વિનય પણ જાણતો હતો કે રાધીને મનાવવા માટે કેમ વાત કરવી એટલે એણે જાણી જોઈને વાત ઉચ્ચારી.
“વિનય જો તું દર વખતની જેમ વિચારતો હોઈ કે આવી વાતો કરીને મને મનાવી લઈશ તો આ તારી ભૂલ છે."રાધી પણ મન મક્કમ કરીને બોલી.
વિનયે શબ્દનું તિર છોડ્યું ખરું પણ આ વખતે નિષ્ફળ નીવડ્યું.

પણ આ તો વિનય એમ કંઈ પડતું મૂકે! અને રાધીને મનાવવામાં તો એને PhD કરેલું.
“તારી વાત સાચી છે રાધી, હું પણ એમ જ વિચારું છું કે આપણે અત્યારે ન જવું જોઈએ."
“તો પછી કોલેજે હતા ત્યારે બધાને કહેવાયને કે નથી જવું."રાધીએ કહ્યું.
“પણ હું એ બધાને ના ન પાડી શકું."
“કેમ?"
“અરે યાર, હું એમ ના પાડું તો એ બધાને કેવું લાગે કે આપણે બસ શિવાનીનું જ વિચારીએ છીએ, બીજા કોઈનું નહીં"
“એવું કંઈ રીતે?"
“શિવાનીના મૃત્યુના કારણે બધા અત્યારે બસ એમ જ વિચારે છે કે કંઈ રીતે એકબીજાને સહારો અને સાંત્વના આપી શકાય. એટલે જો હું ના પાડું તો એ લોકો તો એમ જ વિચારે ને કે મને બીજા મિત્રોના દુઃખી અને ભાવહીન ચહેરા દેખાતા જ નથી અથવા હું તેમની આપણાં પ્રત્યેની લાગણી સમજતો જ નથી."

“હા એતો છે."
“એટલે જ ને, આપણે બસ એમ વિચારીએ છીએ કે આ લોકો શિવાનીના મૃત્યુના સાત દિવસમાં પિકનિક પર જવાની વાત કરે છે. પણ આપણે સિક્કાની એક બાજું જ જોઈએ છીએ."
“હમ્મ"
વિનયે આગળ બોલવાનું ચાલુ જ રાખ્યું,“ખરેખર તો આ પ્લાન એટલા માટે બનાવ્યો છે કે બધા થોડો સમય કોઈ અલગ સ્થળ પર અથવા કોલેજથી દૂર પસાર કરશે તો તેમને થોડી રાહત અનુભવાય."
“તારી વાત તો એકદમ સાચી છે. પણ........"રાધી આટલું બોલીને અટકી ગઈ.

“તો શું શિવાની આપણી મિત્ર હતીને આ લોકો નથી?"હવે વિનયે કોઈ યોદ્ધા યુદ્ધના મેદાનમાં અંતિમ ઉપાય તરીકે બ્રહ્માસ્ત્ર ચલાવતો હોય તેમ પોતાના શબ્દનું બ્રહ્માસ્ત્ર છોડ્યું. અને તેના શબ્દો સીધા રાધીના હૃદયને આરપાર થઈ ગયા.
“સોરી વિનય, હું ખરેખર અત્યાર સુધી શિવાનીનું જ વિચારતી હતી."રાધીની આંખમાં શ્વેત ઝાકળબિંદુ જેવાં અશ્રુબિંદુઓ ઉભરી આવ્યા.
“અરે પાગલ, તારે મને કંઈ સોરી કહેવાની જરૂર હોય!, પણ બસ મારો તો એવો ખ્યાલ છે કે આપણે તો એકબીજાને સાંભળવામાં બને તેટલી મદદ કરવી જોઈએ."
“તારે આ કોલેજ છોડીને પોલિટિક્સ જોઈન કરવું જોઈએ!"
“એ પણ કરશું સમય આવશે તો, હવે તમે જો પરવાનગી આપો તો નિખિલને ફોન કરીને આગળની તૈયારી કરવાનું કહી શકું?"-વિનયે તેના નટખટ અંદાજમાં કહ્યું 
“હા, એ કાલે કોલેજે જઈને વિચારીશું હજી તો બે-ત્રણ દિવસ છે."રાધીએ દીવાલ પર લટકતા કેલેન્ડર સામે જોઇને કહ્યું.

વિનયના રૂમના દરવાજે આવીને  માહીએ જોયું તો વિનય રાધી સાથે વાત કરવામાં વ્યસ્ત હતો એટલે બાજુમાં જઈને માહીએ ટકોર કરી,“ભાઈ, આજે જમવાનો પ્રોગ્રામ છે કે વાતોથી જ તમારું પેટ ભરાઈ જશે?"
માહીએ થોડાં ઉંચા સ્વરમાં કહ્યું જે સામે ફોન પર રાધીએ સાંભળ્યું. આમ પણ રાધી અને માહી પણ ઘણી વખત ફોન પર વાત કરતાં. તેથી રાધીએ કહ્યું,“વિનય, જઈને જમી લે નહીંતર માહી આટલી વખત રાહ નહીં જોઈ શકે."
વિનયે મોબાઈલ માહીને આપતાં કહ્યું,“તું રાધી સાથે વાત કર, હું બસ પાંચ મિનિટમાં ફ્રેશ થઈને નીચે આવું છું."
આટલું કહી મોબાઈલ માહીને આપીને વિનય બાથરૂમ તરફ ચાલ્યો.
માહીએ રાધી સાથે થોડીવાર વાત કરી ફોન કટ કરી, વિનય અને પોતા માટે ડાઇનિંગ ટેબલ પર કિચનમાં તૈયાર કરેલ વાનગીઓ ગોઠવવા લાગી..........
**********

આ બાજુ અર્જુન અને તેની ટીમ શિવાનીની હત્યાના કેસમાં ધીમી ધારા એ આગળ વધી રહ્યા હતા.
અર્જુન તેની કેબિનમાં બેસીને સિગારેટના કસ ખેંચતો ખેંચતો રમેશ દ્વારા લાવેલ શિવાનીની જાણકારી ધ્યાનથી જોઈ રહ્યો હતો. રમેશ બાજુમાં ખુરશી પર બેસીને અર્જુન આગળ કંઈ હુકમ આપશે તેવા આશયથી ઘડીક અર્જુન સામે જોઈ લેતો તો ઘડીક ટેબલ પર પડેલ બીજા પુરાવા તરફ એક દ્રષ્ટિ ફેરવી જોઈ લેતો.

આમ જ લગભગ દસેક મિનિટ પછી અર્જુને શિવાનીના કેસની ફાઇલ ટેબલ પર મૂંકતા કહ્યું,“કંઈક તો છે જે આપણે નથી જોઈ શકતા."
“શું સર?"રમેશે પ્રશ્નાર્થ નજરે અર્જુન સામે જોયું.
“અત્યાર સુધી મળેલ માહિતી મુજબ તો કોઈ વ્યક્તિ દ્વારા શિવાનીની હત્યા કરવાનું કોઈ ખાસ કારણ જ નથી મળતું."અર્જુનના ચહેરા પર નિરાશા ફરી વળી. પણ અર્જુને અત્યાર સુધી કોઈ કેસ હાથમાં લઈને અધુરો છોડ્યો નહોતો. 
“સર, તમને શું લાગે છે, અત્યાર સુધી આપણે જે લોકોની પૂછપરછ કરી છે તે લોકો દ્વારા આપણે જે કહેવામાં આવ્યું તે બધું બરાબર જ છે?"
“તો આપણે બધી તપાસ પણ કરી છે ને, ક્યાંય કોઈ ખોટું બોલતું હોય તેવાં આપણે પુરાવા પણ નથી મળ્યા ને?"
“સર એવું બની શકે કે આ લાંબા સમયથી નક્કર આયોજન બનાવેલું હોય અને આના માટે પરફેક્ટ કહાની પણ બનાવી દેવાય હોય."
“તું એમ જ કહેવા માંગે છે ને કે શિવાનીની આસપાસના જ કોઈ વ્યક્તિ દ્વારા તેનું મર્ડર કરવામાં આવ્યું હોય અને પોતાનું બચાવ કરવા માટે ખૂનીએ પહેલાથી જ બધી પ્લાનિંગ કરી હોય, જેમ કે કોઈ નવલકથામાં સ્ટોરી અને પાત્રો પહેલાથી જ બેસાડેલા હોય."
રમેશના તર્કને અર્જુન બરાબર સમજી ગયો હતો. એટલે રમેશે પણ મનોમન અર્જુનના વખાણ કર્યા.

થોડીવાર રમેશની વાતનું ગહન મનોમંથન કરી, સહસા અર્જુને કહ્યું“રમેશ, આ કોઈ પ્રેમ પ્રકરણ હોઈ શકે, મતલબ શિવાની કોઈ સાથે સંબંધમાં હોય જેની તેના મિત્રોને પણ ખબર ના હોય...... "

વધુ આવતા અંકે........

શું અર્જુનને તપાસમાં હવે કંઈ નવું જાણવા મળશે? અર્જુનના વિચાર પ્રમાણે આ કોઈ પ્રણય કથાનો જ અંત હશે કે માત્ર શરૂઆત?
વિનય અને તેના મિત્રો દ્વારા વિકેન્ડમાં બહાર જવાનું પ્લાનિંગ આ સ્ટોરીમાં હવે શું વળાંક લઈને આવશે?


જાણવા માટે વાંચતા રહો પ્રેમ કે પ્રતિશોધ માતૃભારતી પર....

*********

આ નવલકથા વાંચી તમારા અભિપ્રાય ચોક્કસ આપશો.
આભાર.
વિજય શિહોરા-6353553470