Sumudrantike - 5 in Gujarati Moral Stories by Dhruv Bhatt books and stories PDF | સમુદ્રાન્તિકે - 5

Featured Books
Categories
Share

સમુદ્રાન્તિકે - 5

સમુદ્રાન્તિકે

ધ્રુવ ભટ્ટ

(5)

અશ્વ લઈને આવેલો માણસ કવાર્ટર્સના ઓટલા પાસે રોકાઈ ગયો. સરવણ અંદર જઈને પાણી લઈ આવ્યો; પછી પેલો માણસ ઓટલા પર, પરસાળમાં આવ્યો. ધાર પર ઊભા રહીને તેણે પોતાનું મોં ધોયું પછી ઊંચેથી રેડીને પાણી પીધું; અને બોલ્યો, ‘નારણ, આ મોટે બંદરેથી ઘોડો લઈને આવ્યો છું.’

‘આવો, બેસો,’ મેં કહ્યું. તે ઘોડો લઈને આવ્યો છે તેવું શા માટે કહેવું પડ્યું તે મને ન સમજાયું.

નારણ મારી સામે જમીન પર બેઠો. ‘આ કબીરાને આંયાં બંગલે રાખવાનો ઓડર છે.’ કહી તેણે એક કાગળ મારી સામે ધર્યો. કાગળ લઈને મેં વાંચ્યો. સરકારે અમારા બે જણના સ્ટાફમાં વધારો કરવા આ કબીરાને, પોલીસદળના રિટાયર થવા જતા અશ્વને, અહીં નિમ્યો છે તે જાણી મેં ઘોડો પહોંચ્યાની પહોંચ લખી સરવણને આપી, ‘સિક્કો મારીને આપો.’

‘આ ભલું કર્યું,’ સરવણે કાગળ નારણના હાથમાં આપતાં કહ્યું. ‘આય ગાડાં મળે નંઈ, ને મળે તો ગાડું ક્યાં પોગો? ઘોડું હોય તો મન થાય ત્યાં પોગાય. કોઈ વાત્યે ચિંતા નંઈ.’

‘પણ મને ઘોડેસવારી નથી આવડતી.’ મેં કહ્યું.

‘ઈ તો શીખી લેવાય કાંય અઘરું નો પડે. ને આ મારો વાલો, કબીરો પાછો છે જાતવાન. તમતમારે કાંય નો કરો ને ઠાલા ઠાલા માથે બેહી ર્યો તોય હાલ્યો જાય.’ નારણે કહ્યું.

‘સારું, પગી, હવે ઘાસ-ચારાનું કંઈક ગોઠવવું પડશે ને?’ મેં કહ્યું અને નારણની હાજરી યાદ આવતાં ઉમેર્યું, ‘નારણના રોટલા-પાણીનું ય જોજો. એ સવારનો નીકળ્યો હશે.’

‘અમે આંય આવીયે એટલે રોટલાની ફિકર નંઈ. ને તમે તો હજી મે’માન કે’વાવ. તમારે ત્યાં અમારાથી ખવાઈ નંઈ. જૂના થાવ પછે ખાવા આવસું,’ નારણે કહ્યું. મને શંકા પડી કે નારણની વ્યવસ્થા પણ અવલ કરશે. મારી જ ઉપલી કચેરીનો માણસ, એક સામાન્ય પસાયતો, મારો અનાદર કરતો હોય તેવું મને લાગ્યું. મેં મનોમન નક્કી કર્યું કે આ અવલ જે હોય તે; પણ આ સ્થળ, જે સરકારી છે, મારા અધિકારમાં છે, તેના પરનું અવલનું આડકતરું આધિપત્ય હું તોડી-ફોડીને ફેંકી દઈશ.

રાત્રે નારણ રોકાયો. અવલ વિશે જાણવાની મારી અદમ્ય ઇચ્છા મેં નાના માણસો સાથે આવી વાતો ન કરવાને ઈરાદે દબાવી રાખી.

‘હાલો સાહેબ, દરિયે જાંઈ. રાત્યે ન્યાં મજા આવસે.’ નારણે સૂચવ્યું અને હું ઊભો થયો.

દરવાજામાંથી બહાર નીકળી ડાબી તરફ જઈને ત્યાં દીવાલ પૂરી થયા પછી દરિયે જવાની કેડી આવે છે. દરિયાપટ્ટી પર, ઝીણી રેતીને ઊડતી રોકવા બાવળનું વાવેતર કરાયું છે. કિનારાને સમાંતર ચાલી જતી આ લીલી ઝાડી છેક દૂર સુધી દેખાય છે.

રાત્રે દરિયે જઈને બેસવાનો આ મારો પહેલો અનુભવ. નારણ અને સરવણ કિનારે લટાર મારવા નીકળી ગયા. હું થોડી વાર એક ખડક પર બેઠો. પછી પાણીમાં પ્રવેશવાની લાલચ રોકી ન શક્યો. ઢીંચણપૂર પાણીમાં જઈને ઊભો રહ્યો. એક પછી એક ચળકતાં મોજાં લઈને દોડતો આવતો દરિયો મને ધકેલતો અને પાછો ખેંચતો રહ્યો. મને ગીત ગાવાનું મન થઈ આવ્યું. પરાશર અહીં હોત તો તે જરૂર મોટા અવાજે ગાવા માંડ્યો હોત.

મોડી રાત સુધી હું દરિયા સાથે રમતો રહ્યો. છાલક ભરીને પાણી ઉડાડવાથી માંડીને જળમાં આંગળાં બોળી દરિયો માથા પર છાંટવા સુધીની રમતો મેં કરી. સરવણ અને નારણ પાછા આવીને રેતીમાં બેઠા હતા તેની ખબર પણ મને ન પડી.

‘હવે જાવું છે?’ બને એટલી નરમાશથી પગીએ પૂછ્યું. હું પાણીમાંથી બહાર આવ્યો અને અમે પાછા ફર્યા. બાવળના અંધારામાં પ્રવેશતાં સરવણે ટૉર્ચ કરી. અમારી ટૉર્ચનું અજવાળું જોતાં કેડીના સામે છેડેથી પણ કોઈકે ટૉર્ચ કરી.

‘કોણ છે?’ મેં જરા મોટા અવાજે પૂછ્યું.

‘ઈ તો હું, નૂરોભાઈ.’ સામેથી જવાબ આવ્યો.

‘કાં? અટાણે કોને પકડવા નીકળ્યા?’ નારણે પૂછ્યું અને હસતાં હસતાં ઉમેર્યું ‘આ તમારું જંગલ ખાતુંય ખરું તૂત છે. પણે જંગલમાં ગાડીયુંની ગાડીયું લાકડું ચોરાય છ ને તમે આંય ખારાપાટમાં બે બાવળિયાની ચોકીયું ભરતા થૈ ગ્યા.’

અમે કેડી પસાર કરીને કાંટની બહાર આવી ગયા.

‘ઈ તો ભા, જી ની જ્યાં નોકરી, ન્યાં ઈ ચોકીયું ભરે. હવે ન્યાં જંગલુંમાં આડો હાથ દેવા નૂરોભાઈ ક્યાંથી પોગે?’ કહેતો પેલી ટૉર્ચવાળો નૂરોભાઈ આગળ આવ્યો. મને જોતાં તેણે સલામ કરી. તેની સાથે બીજા બે માણસો. નારણ તે બધા સાથે રોકાયો. હું સીધો કવાર્ટર પર પહોંચ્યો. પગી મારી પાછળ આવ્યો. મેં કહ્યું, ‘તારે તારા મિત્રો પાસે જવું હોય તો જજે. હું સૂઈ જવાનો છું.’

‘કાલ કબીરાને ફેરવીએ?’ જતાં જતાં પગીએ પૂછ્યું.

‘સારું, શીખવું તો પડશે જ’ મેં કહ્યું. અને સૂવા ચાલ્યો ગયો.

બીજે દિવસે કબીરો શણગાર્યો હોય તેવો તૈયાર હતો. સરવણ તેને ઓટલા સુધી દોરી લાવ્યો. હું ધીરેથી કબીરા પર બેઠો. સરવણે ઘોડાને દોર્યો અને હવેલીના ચોગાનમાં આ સવારી ગોળ ગોળ ફરી. વીણા હોત તો હસી હસીને ઢગલો થઈ જાત. આવી અણઘડ ઘોડેસવારી તે કાંઈ વારેવારે જોવા મળે તેવું દૃશ્ય તો નથી જ!

બેએક દિવસમાં હું આપમેળે સવારી કરતાં શીખી ગયો; પરંતુ હજીએ સવારી કરવા માટે કબીરાને તો પરસાળ પાસે જ દોરી લાવવો પડતો.

ચોથે દિવસે હું એકલો કબીરાને લઈને દરવાજા બહાર નીકળ્યો. ઉત્તર તરફની કેડી પર બાવળની કાંટને સમાંતર સીધો આગળ વધ્યો. સામેથી એક બીજો અશ્વસવાર આવતો દેખાયો. તે મારી પાસે આવીને રોકાયો. મેં કબીરાને રોક્યો.

‘સલામાલેકૂમ’, તેણે કહ્યું, ખાખી કપડાં, વિખરાયેલા સફેદ વાળ અને ઊંડી પણ ચમકતી આંખો, મોં પર કરચલીઓ. હું ‘સલામ’ કહી તેને ઝીણવટપૂર્વક જોતો રહ્યો.

‘નો ઓળખ્યો? હું નૂરમામદ.’

‘ઓહ! તે વખતે અંધારામાં બરાબર ચહેરો જોયેલો નહીં; તેથી યાદ ન રહ્યું,’ મેં કહ્યું ‘કેમ આ તરફ? ચોકી ભરવા?’

‘ચોકી તો આમાં સું ભરવાની? પણ કાંટ બઉ પ્યારી લાગે છ. ઈ વાવી તયેં હું ચારજમાં હતો. હવે કેવી લે’રાય છ?’

મેં બાવળોની કાંટ તરફ જોયું. લીલીછમ્મ રેખા દોરી હોય તેમ દરિયાપટ્ટી પર ચાલી જતી આ વાડ નૂરભાઈએ વાવી હશે અને જતનથી ઉછેરી હશે. મને પણ આ કાંટાળા વૃક્ષમાં કંઈક નવું લાગ્યું. પણ પ્યારી લાગવા જેવી કોઈ નજાકત આ વૃક્ષમાં નથી.

‘આંય નર્યો ખારોપાટ. એક પરિંદુય જોવા નો જડે.’ નૂરભાઈએ અશ્વ આગળ લઈ જવાને બદલે પાછો વાળી મારી સાથે થતાં કહ્યું.

‘અટાણે બગલાં બેહે છ. ને નૈ માનો પણ માલીપા બુલબુલના માળા ય જડી જાય.’

‘વાવેતર તમે કર્યું?’ મેં પૂછ્યું.

‘વાવ્યું થોડુંક મેં, થોડુંક માણસું રોકીને, પણ ઉછેરનો ચારજ મારો. પેલવેલું જાડવું કોળ્યું તયેં થ્યું કે હવે ખુદાને કે’વા થાય એવું કામ થ્યું.’

‘સાચી વાત છે,’ મેં કહ્યું. ‘તમે તો કાંઠો જીવતો કર્યો.’

‘એમ તો સા’બ, આ આખું પડ જીવતું’તું એક દી’ નૂરભાઈ ખારાપાટ તરફ હાથ લંબાવતાં બોલ્યો. મારા અબ્બાજાનના ટેમમાં તો આંય જંગલુંય હતાં એમ હાંભળ્યું છ.’ કહેતાં કહેતાં નૂરભાઈ ઉદાસ થઈ ગયો. ‘હવે ખેરાનો વડલો બાકી ર્યો. ને વારારૂપની વાડીયું. બાકી બધું વેરાણ થઈ ગ્યું. ઉપરા ઉપરી કાળ પડ્યા. જમીનું ખારી થઈ ગઈ.’

મેં કંઈ ઉત્તર ન આપ્યો. નૂરભાઈ તેના તાનમાં જ વાતો કરતો રહ્યો.

‘આ કાંટ થઈ એટલી અલ્લાતલ્લાની ખેરાત. બે-ચાર પરિંદાને ઠેકાણું મળી રેય.’

અચાનક તે વાત કરતા અટકી ગયો અને મને કહે, ‘ઓલો જુવો કાળોકોસી.’

‘એક નાનકડું ઘાટીલું, કાળું, લાંબી પૂંછડીવાળું પક્ષી બાવળની ટોચ પર બેઠું હતું તે તરફ આંગળી ચીંધીને તે કહેતો હતો. ‘છે તો આવું નાનકું પણ ઈના રેખું બહાદર પંખી બીજું નો જડે.’

‘એમ?’ મેં કાળાકોશીને ધ્યાનથી જોતાં પૂછ્યું.

‘તો?, કોઈથી બીવે નંઈ. કાગડાં સમડાં અરે મોટો શકરો બાજ-બિલાડો આવી જાય તોય આ પંખીડું બાખડે. કાં પોતે મરે કાં કાતિલને ભગાડે.’ નૂરભાઈ ભાવવિભોર બની ગયો. ‘છે ને અલ્લાની કુદરત? આવા બહાદર પરિંદા તો આ મલકને માથે અલ્લામિયાંની ખેરાત છે.‘

‘એને જાણનારા માણસ પણ અલ્લામિયાંની ખેરાત નહીં?’ મેં કહ્યું.

‘આદમીની વાત જાવ દ્યો.’

‘કેમ? માનવી પણ અલ્લાતાલાનું જ સર્જન છે.’ મેં કહ્યું.

‘સરજત સરજતમાં ફેર નંઈ? લ્યો, આ આપણે ભાળ્યું ઈ કોળુકોસી. ઈનું બીજું નામ જમાદાર.’

‘જમાદાર કેમ? દાદાગીરી કરતું પંખી છે એટલે?’

નૂરભાઈની આંખો ચમકી ‘ઈ ક્યાં દાદાગીરી કરે છે? ઈ તો રખેવાળી કરે છ ઈના માળાની. ને નંઈ માનો, બીજા નાનાં પંખીડાં, જીને સીકારી પંખીની હેબત હોય ઈ આ કાળાકોસીના માળા હેઠ પોતાના માળા કરે.’

‘એ બધાંને કોળોકોશી ભગાડે નહીં?’

‘ના, નો ભગાડે, ઉપરથી બચાવે. કાતિલથી બીવે નૈં ને નાનાંને રંજાડે નૈં. ઈ વાત્યે એનું નામ જમાદાર.’ નૂરભાઈ વાત કરતો અટક્યો. પછી મારા સામે જોઈને પૂછ્યું ‘લ્યો તમે જ કયો; કોઈથી બીવે નૈં ને કોઈને બીવરાવે નૈં એવા આદમી આ મલક માથે કેટલા જડે? બોલો.’

નૂરભાઈના પ્રશ્નનો ઉત્તર મારી પાસે નથી. કદાચ ક્યારેય મળવાનો નથી. હું વિચારમાં પડી ગયો. માનવી પ્રકૃતિનું શ્રેષ્ઠ સર્જન છે તે મને શાળાઓમાંથી શીખવવામાં આવ્યું છે. હું એ સભ્યતાનો પ્રતિનિધિ છું, જે એમ માને છે કે માનવી સિવાયના પ્રકૃતિનાં તમામ સર્જનો માનવીની સેવા કરવા સર્જાયાં છે.

પ્રકૃતિનાં આ નાનાં-નમણાં સર્જનો તરફ નૂરભાઈ જે રીતે સંબંધ અનુભવે છે તેવો હું અનુભવી શકતો નથી. કદાચ આ મારા સભ્ય-શિક્ષણની ખામી હોય. ક્યારેક પણ હું નૂરભાઈની નજરે આ જગતને જોઈ શકીશ. તો મારું મન આનંદથી ઊભરાઈ જશે. અલ્લામિયાંના આ સર્જન, નૂરભાઈની સામે હું ટગર ટગર જોઈ રહ્યો. પછી જવાબમાં મારા મુંખમાંથી આટલા જ શબ્દો નીકળ્યા, ‘લ્યો, ત્યારે નૂરભાઈ, હું પાછો વળું. ખાલી ફરવા નીકળ્યો હતો અને આટલે દૂર આવી ગયો.’

‘અલ્લાબેલી.’ નૂરભાઈએ કહ્યું.

‘અલ્લાબેલી!’ મારાથી બોલી જવાયું.

મેં કબીરાને ધીમે ધીમે પાછો વાળ્યો. નૂરભાઈ થોડો આગળ નીકળી ગયો હતો. ‘નૂરભાઈ,’ મેં મોટે અવાજે કહ્યું, ‘ક્યારેક સમય હોય તો આવજો. સાથે ફરવા જઈશું.’

નૂરભાઈ એકદમ અટકી ગયો. તેણે પોતાનો ઘોડો પાછો વાળ્યો અને પાસે આવીને મને જોઈ રહ્યો. પછી ધીમે ધીમે શબ્દો છૂટા પાડતો હોય તેમ બોલ્યો, ‘જાસું, મારા માલિક, જાસું ફરવા. બસ, આ વરસાદ થાવા દ્યો. પછી દેખાડું રંગ. ને જિંદગાની પૂગે ન્યાં લગણમાં જો દૂધરાજ ભાળી લંઈ તો તો અલ્લાની કુદરત થઈ જાય, મારા વાલા, જોજોને, એક પરિંદુ ઊડેને આખો મલક જીવતો થઈ જાય, ઈ કાંય ઓછો જાદુ છે?’

દૂધરાજ કોઈ અતિસ્વરૂપવાન પક્ષીનું નામ હશે તેવું વિચારતો હું બંગલા તરફ આગળ વધ્યો.

આખા રસ્તે મને જુદા જુદા વિચારો આવ્યા કર્યા. હું ઘણા પક્ષીવિદોનાં નામ જાણું છું. શાળામાં ‘આંગણાનાં પંખીડાં’ કે આવાં બધાં પુસ્તકો પણ જોયાં હતાં. હવે બધું ભુલાઈ ગયું છે. શું એ બધા પક્ષીવિદોને નૂરભાઈ જેવી પ્રકૃતિની ચાહના હશે?

‘એક પરિંદુ’ જેવી ઊંડી અનુભૂતિ પક્ષી વિશારદોને થતી હશે?

અચાનક મને મારા બાળપણનો એક પ્રસંગ યાદ આવ્યો. મારા કાકાના એક મિત્ર, નિર્મલ અંકલ, ગરુડની આદતો પર રિસર્ચ કરતા હતા. જંગલો, પહાડોમાં રખડતા અને યુનિવર્સિટીના કમરામાં બેસીને લખતા. મારા કાકા નિર્મલ અંકલના ખૂબ વખાણ કરતા. તેમના વિષયમાં તે અતિજ્ઞાની છે તેવું મારા કાકા માનતા.

એક વખત હું મારા કાકા સાથે નિર્મલ અંકલની યુનિવર્સિટી પર ગયેલો. ત્યાં સરકસના પાંજરા જેવડા મોટા પાંજરામાં બે ગરુડ પૂરેલાં હતાં. ગરુડ વિશેની મારી તે વખતની બાળધારણાઓ ખોટી પડે તેવાં, દૂધળાં અને લબડી ગયેલી પાંખોવાળા.

‘કેમ, આવાં છે?’ મેં પૂછેલું.

‘એ બંનેને જમવાનું નથી આપતા,’ નિર્મલ અંકલે કહ્યું. ‘રિસર્ચ ચાલે છે ને, એટલે.’

‘કેમ?’ ભણવા માટે કોઈને ભૂખ્યું શા માટે રાખવું પડે તે મને ત્યારે સમજાયું ન હતું.

‘જો, સાંભળ,’ નિર્મલ અંકલે તેમની રિસર્ચ વિશેની વિગતો મને સમજાવવા માંડી. ‘બે વાત તપાસવાની છે, તને મજા પડશે.’ કહેતા તે મને પાંજરાની સાવ પાસે લઈ ગયા. ‘જો. પેલું પગમાં લાલ દોરી છે તે ગરુડ દેખાય છે?’

‘હા, અને બીજું ભૂરી દોરીવાળું.’

‘હં, તો એ લાલ દોરીવાળાને દશ દિવસ પછી બીજા પાંજરામાં લઈ જવાનું.’ નિર્મલકાકા અટક્યા અને ફરી કંઈક સરળતાથી સમજાવવા કોશિશ કરતા બોલ્યા, ‘તું જાણે છે ને? કે બધાં પક્ષીઓ બિલાડીથી ડરે?’

‘હા.’ મેં કહ્યું હતું; પરંતુ મને ખાતરી ન હતી. ગરુડ કોઈથી નહીં ડરતું હોય તેવું ત્યારે હું માનતો.

‘તો ગરુડના પાંજરામાં બિલાડી મૂકીએ તો શું થાય?’

‘ગરુડ બીએ.’ મેં પઢાવેલો નિશાળમાં અપાતો હોય તેવો ઉત્તર આપ્યો.

‘ના, આ ગરુડ ભૂખ્યું છે. કદાચ, ભૂખ સંતોષવા, બિલાડી પર હુમલો પણ કરે. બિલાડીને મારી પણ પાડે. એ જ જોવાનું છે કે તે શું કરે છે.’ નિર્મલ અંકલે મને કહ્યું. પછી મારા કાકા તરફ ફરીને કહ્યું, ‘વૃત્તિઓ અને પ્રાકૃતિક પ્રેરણાની આ વાત છે. યુ, નો...’ પછી અંગ્રેજીમાં લાંબી લાંબી વાતો, તે બંને જણાએ કરી. હું કંઈ સમજ્યો ન હતો. મને પેલા ભૂરી દોરીવાળા ગરુડમાં રસ હતો.

‘પેલા બીજા ગરુડને શું કરવાનું? એને ખાવા આપવાનું?’ મેં વચ્ચે પૂછ્યું.

‘ના બેટા.’ નિર્મલ અંકલે કહેલું. પછી જરા અચકાયેલા. પછી કહ્યું ‘એ ગરુડ ભૂખ-તરસ કેટલો સમય સહન કરી શકે છે તે જોવાનું છે.’

‘પણ આપણને કેવી રીતે ખબર પડે કે હવે એનાથી સહન નથી થતું?’ મારા વિસ્મયની સીમા આવી ગઈ હતી.

‘પડે.’ એટલો જ જવાબ મને મળેલો.

પછી તો વર્ષો ગયાં. હું બધું ભૂલી ગયેલો. આજે અચાનક આ નિર્જન ખારાપાટ પરના આકાશને ચીરીને તે ગરુડનો અવાજ મારા કાન પર અફળાય છે કહે છે: ‘રે! તું એટલું યે નથી જાણતો? મારી સહનશક્તિની હદ આવી તેની ખબર હું મરી ગયું તે જ ક્ષણે પડી ગઈ હતી.’ મારું મન અચાનક ઉદાસ થઈ ગયું.

મને થયું કે આખીયે વ્યવસ્થા બદલાવી જોઈએ. શિક્ષણ પ્રકૃતિને પ્રેમ કરતાં શીખવે તેવું થવું જોઈએ. એવું કંઈક ગોઠવાવું જોઈએ કે નૂરભાઈ પેદા થાય. કાળાકોશી પરની શ્રદ્ધા જેવી જ શ્રદ્ધા માણસ પર પણ જન્મે. પણ એ કોણ કરે? હું? જે આ ધરતી પર રસાયણક્ષેત્ર સર્જવાની નેમ લઈને આવ્યો છે તે માણસ?

કદાચ આ ધરતી, એના માનવીઓ અને અહીંની પ્રકૃતિ મને મારું કાર્ય કરવા નહીં દે. મારે જે કરવાનું છે તેનાથી તદ્દન ઊલટી દિશાએ મારું મન કેમ દોરાય છે? આજથી જ મારે નકશાઓ શરૂ કરવાના છે. પણ હવે એ નહીં થઈ શકે. રહી રહીને મને લાગે છે કે પરાશરે મને કદાચ ખોટી જગ્યાએ ધકેલ્યો છે.

***